વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 3

પ્રકરણ-3.

--------------

  "તારે બેટા એવી બબાલ કરવાની શી જરૂર હતી?"ફાતિમાએ થોડા કઠોર થઈ કહ્યું,


  "પણ મા, એ લોકો"


  "ચૂપ,એક શબ્દ બોલતો નહીં, બધો વાંક તારો છે.એ જે હતા તે પણ તારે"..અબ્દુલ આગળ ન બોલી શક્યો.ફાતિમા અબ્દુલની મનોવ્યથા સમજતી હતી.આજ પ્રેમાળ અબ્દુલ અસલમ ઉપર આટલો ગરમ થયો છે અને વાત કરતા પણ ધ્રૂજે છે એ જોઈ ફાતિમાએ પણ કકળતા હ્રદયે અસલમને થોડો ધમકાવ્યો.અબદુલે જ્યારે શું બન્યું એ બધું કહ્યું ત્યારે ફાતિમાની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા.એ જોઈ અબ્દુલનું પણ મન કડવાશથી ભરાઈ ગયું.ઘડીભર અબ્દુલને વિચાર આવી ગયો કે,અહીંથી ભાગી જઈ ભાઈ પાસે પહોંચી જાઉં પણ કદાચ રાજના સિપાઈઓ જાપતો રાખી બેઠા હોય તો ? હું ગમેતેમ કરીને યુવરાજને સમજાવીશ,અરજ કરીશ કે,મારો અસલમ નાનો છે.આપ તો અમારા અન્નદાતા છો.ક્ષમા કરો.તેણે ફાતિમાને કહ્યું,


  "ફાતિમા,મને સાંજની ચિંતા થાય છે. હવેલીમાં બોલાવ્યા છે તો એ કંઈક વિચારીને સજા તો કરશે જ.પણ તું ચિંતા ન કરતી...હું.. હું તેઓને સમજાવીશ.".


  "માસ્સા અલ્લાહ એવું કંઈ નહીં થાય.આપ અમંગળ ન બોલો.હું સાથે આવીશ.મારો ખોળો પાથરીશ. ગુજારીસ કરીશ."


  પણ આગળ શું બોલવું એ બે માંથી કોઈને કંઈ સૂઝતું નહોતું.બંનેએ એક કોળિયો મોમાં નહોતો નાખ્યો.સાંજે શું થશે એ વિચાર માત્રથી બંને થથરી જતા હતા.અસલમ મા અબુની આ મૂંઝવણ સમજી નહોતો શક્યો.એટલું સમજ્યો હતો કે,મારાથી કંઈક તો ખોટું થઈ ગયું છે. પણ હવે આ લોકો કેમ અફસોસ કરે છે એ વાત અસલમથી સમજાતી નહોતી.તેણે અબ્દુલ પાસે જઈ પ્રેમથી કહ્યું,


  "અબુ,તમે મારાથી નારાજ છો પણ હિંમત રાખો.તમે કહો છો કે એ લોકો આપણા રાજા છે તો"અસલમને આગળ શું બોલવું એ સુજ્યું નહીં. અબ્દુલ તેને છાતીએ ચિપકાવી એટલું બોલી શક્યો"મને પરવરદિગારપર ભરોસો છે પુત્તર તને કંઈ"..આટલું બોલી અબ્દુલ રડી પડ્યો.ફાતિમા મનમાં વલોવાઈ ગઈ.તે તરત રાંધણીયામાં જઈ બે તાંસળી દૂધની ભરી લાવી અલ્લાહના સોગંદ આપી જેમતેમ પીવડાવ્યું.જરાય ભૂખ્યો ન રહેનારો અસલમે પણ કહ્યું,"હવેલીથી આવીને વાળું કરીશું અમ્મા"..


  ધીમે ધીમે સમય સરતો ગયો.પડછાયો લંબાતો ગયો.અબ્દુલે પછેડી ખભ્ભાપર ભેરવી ફાતિમા સામે જોઈ ઉભા થતા કહ્યું, "માસાઅલ્લાહ કંઈ નહીં થાય."અને ઝૂંપડાના ખૂણામાં જઈ ખાટલા નીચેથી પતરાની ટ્રંક ખેંચી બહાર કાઢી તેને ખોલી એક નાની એવી કૃષ્ણની મૂર્તિ કાઢી ચૂમી લઈ પાછી તે ટ્રન્કમાં રાખી અસલમ સામે જોઈ કહ્યું,"ચાલ પુત્તર".અને તે ભીની આંખે બહાર નીકળી ગયો.અસલમ મા સામે જોઈ બહાર તેની સાથે થઈ ગયો.


  ફાતિમાનું ડૂસકું ઝૂંપડામાં ચકર મારતું બહાર અબ્દુલના હૃદયમાં ઉતરી ગયું.ગામની ઉતરે ઉચાણમાં આવેલી હવેલી અબ્દુલને અસ્પષ્ટ દેખાતી હતી.ગામ વચ્ચેથી પસાર થતા અસલમને ઘણા બાળકો ચિચિયારી પાડી બોલાવતા હતા પણ તેઓને આજ નવાઈ લાગી અસલમ આજ કોઈ સામે જોયા વગર નીચી મુંડી કરી પોતાના અબુની આંગળી પકડી આગળ વધતો હતો.તળાવની પાળ બાજુથી રસ્તો હવેલીએ પૂરો થતો.અને સામેની બાજુ આંબાવાડિયું અને ઘટાટોપ વૃક્ષોની હારમાળાઓ.રસ્તામાં સામે મળતા એકલ દોકલ માણસો. 


  સાંજનો સમય પક્ષીઓના માળા તરફ જવાનો સમય.તેમનો કલબલાટ સાંભળી અબ્દુલે વિચાર્યું.સૌને માળામાં જવાની ઉતાવળ.ગાયોના ભાંભરવાના અવાજો અને જોશભેર ગોરજ ઉડાડતા તેમના પગલાં અને પોતે આજ પોતાના માળાથી દૂર થઈ જાશે?તેણે પ્રેમથી અસલમના માથે હાથ ફેરવ્યો. અસલમે અબુ તરફ જોયું અને હાથની પકડ મજબૂત કરી કહ્યું,"તમે શું કામ ચિંતા કરો છો અબુ!અહીં પણ એ લોકો કંઈક કરશે તો હું મુકીશ નહીં, એકએકને ખુદાના દરબારમાં પોગાડી દઈશ,"


  અબ્દુલે તેની નાદાનીયત જોઈ પોતાની આંખો લુછી ફક્ત એટલું કહ્યું,"જેમ હું કહું અને કરું એમ કરજે પુત્તર"..અને હવેલીનો તોતિંગ દરવાજાની સામે બંને આવીને ઉભા રહ્યા.

-------------------


  કનકપુરની ભવ્ય હવેલીમાં દાખલ થતા ડાબી તરફ રાજના દીવાન પ્રદ્યુમ્નજી ભટ્ટના કાર્યાલયમાં રાજાશાહી ખુરશીપર બિરાજમાન રણમલસિંહે દીવાન ભટ્ટજી સામે જોયું અને અંગ્રેજ અમલદાર આલબર્ટને અંદર આવવા હકારમાં હા પાડી.અત્યારે કાર્યાલયમાં ભટ્ટજી,રણમલસિંહ, અને સેનાપતિ વિક્રમસિંહ એમ ત્રણ લોકો હતા.વિક્રમસિંહ તરત ઉભા થઇ બહાર ગયા અને થોડીવારમાં તે આલ્બર્ટને લઈ પાછા આવ્યા.આલ્બર્ટએ ઝૂકીને અભિવાદન કર્યું.રણમલસિંહે હાથ ઊંચો કરી સામેની ખરશી તરફ ઈશારો કર્યો.


  રણમલસિંહના મનમાં તેને જોઈ વિક્રમસિંહે કહેલા શબ્દો ઘૂમી રહયા કે, આ આલ્બર્ટ તેમાંનો એક છે.ભટ્ટજીએ મહારાજ સામે જોઈ  એક પત્ર આપતા કહ્યું,


  "કંપની સરકારને આપના રાજમાં નાની એવી છાવણી ઉભી કરવા તેમના અમલદાર મી.આલ્બર્ટ અહીં આપ સમક્ષ ઉપસ્થિત થયા છે તો આપનું મંતવ્ય"..હાથ ઊંચો કરતા રણમલસિંહે આલ્બર્ટ સામે જોઈ કહ્યું,


  "આપકા મકસદ કયા હૈ વો કાગજમે નહીં લિખા થા"


  "મકસદ તો આપ જાનતે હી હોંગે કી વિદ્રોહીઓ કો કૂચલના હમારી સરકારકી પ્રાથમિકતા હૈ.ઔર ઉસપર અમલ કરના હમારા ડ્યુટી હૈ."


  "હમારે રાજમે કિસીને કંપની સરકાર વિરુદ્ધ કોઈ કામ નહીં કીયા હૈ."


  "યસ,કંપની સરકારકો યે બાટ માલુમ હય,ઔર યે ભી માલુમ હય કી આપને અભીતકતો અચ્છા વ્યવહાર કીયા હય.ઔર નેક્સ ભી સહકાર દેના આપકી ડ્યુટી હય."


  અહંકારથી બોલાયેલા શબ્દો રણમલસિંહને તીરની જેમ લાગ્યા અને કહ્યું,


  "અગર આપકા પ્રસ્તાવ મૈં ખારીજ કરું તો?"


  "આલ્બર્ટ ઘડીક મુંજાયો.તેને આવા સવાલની અપેક્ષા નહોતી.પણ હસીને કહ્યું,"આપકો વો ભી માલુમ હય આપ વો નાહીં કર શકટે"


  આલ્બર્ટનું આમ બોલવું કે,વિક્રમસિંહ અકળાઈ ગયો.તેણે ધારદાર નજરે આલ્બર્ટ સામે જોઈ કહ્યું,


  "આપ અપની હેસિયતમેં રહો.યે મત ભૂલો કી આપ અભી સિર્ફ કંપની સરકારકે સંદેશ લેકે આયે હો.બાતચીત કરને નહીં, ઔર જો જવાબ યહાંસે મિલે વો આપકો ભોપાલ સદર પહોંચાના હૈ."


 આલ્બર્ટએ મહારાજ તરફ જોઈ કહ્યું,"હમકો યે ઉમેદ નાહી થી. અગર આપકો હમારી બાટ સે બુરા લગતા તો હમ માફી ચાહટા".


  ભટ્ટજીએ કહ્યું,"વિક્રમસિંહ,મહારાજે નક્કી કર્યું છે કે,રામપુર આસપાસ કે,તેની નજીક થોડી જમીન આપવી.એનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે."


  "મને એ વાતની ખબર નહોતી ભટ્ટજી,પણ એ આપણા હીતમાં નહીં હોય."..આલ્બર્ટ આ લોકોની ભાષા કંઈ સમજ્યો નહીં. તેણે ત્રણેય સામે વારાફરતી જોયે રાખ્યું.થોડીવાર ત્રણેય વાતો કરતા રહ્યા.છેવટે રણમલસિંહ ઉભા થયા.ભટ્ટજીએ આલ્બર્ટ સામે જોયું અને કહ્યું,


  "વિક્રમસિંહ આપકો વો જગહ બતાયેંગે"


  "જી નામદાર,આપકા શુક્રિયા"..તે સાથે સૌ ઉભા થયા.રણમલસિંહ કક્ષની બહાર નીકળી ગયા ત્યારે આલ્બર્ટને ભાન થયું કે,ઝૂકીને સલામ કરવાનું ભુલાયું.તેણે ભટ્ટજી સામે હસ્તધુંનન કરવા હાથ લંબાવ્યો પણ ભટ્ટજીએ બે હાથ જોડ્યા.આલ્બર્ટએ તેનું અનુકરણ કર્યું અને વિક્રમસિંહ સાથે બહાર નીકળી ગયો.


  રણમલસિંહ પોતાના વિશાળ શયનકક્ષમાં ઢોલિયાપર આડા પડ્યા.રાણી વિજયાબાએ આવી તેના પગપાસે બેસી હળવેથી તેના પગપર હાથ રાખી કહ્યું,"હું તમારી મનોવ્યથા સમજુ છું પણ આપણા એકલા હાથની વાત નથી."


  "એ હું ક્યાં નથી સમજતો?"


  "મને એ નથી સમજાતું કે,મુઠીભર અંગ્રેજો આખા મુલકમાં કાળો કેર વર્તાવે છે અને આપણા રજવાડા એક નથી થઈ શકતા."


  "મેં એ માટેના ઘણા પ્રયત્નો કર્યા.આપણા દુશ્મનો સામે પણ કહેણ મોકલાવી નમ્યો પણ".રણમલસિંહ ઉદાસ થઈ ગયા.વિજયાબા તેની નજીક આવી કહ્યું,


  "એ લોકોની એક જ નીતિરિતી છે એમ હું સમજી છું કે,અંદરોઅંદર ફૂટ પડાવો અને રાજ કરો."


  "તમારી વાત સાચી,એ લોકો પાસે એંસી ટકા તો દેશી સિપાઈઓ છે.એ દેશી લશ્કર જો એક સાથે વિરોધ કરે તો એ અંગ્રેજોને ભાગવું ભારે પડે.પણ એ શક્ય નથી.મારે કંઈક અલગ જ વિચારવું પડશે."


  "જો જો,એવું ન વિચારતા કે,આપણી રૈયતને કોઈ તકલીફ થાય.આપણા રાજ્યો જો એક થયા હોત તો મુગલો આવ્યા જ હોત. આ તો એવું છે કે,મુગલો ગયા અને અંગ્રેજો આવ્યા. આ ધોળા મુગલોજ છે."


  રણમલસિંહને આ સાંભળી થોડી રાહત થઈ કે,વિજયા પણ રૈયત વિશે ચિંતિત છે.મેં જ્યારે જ્યારે કઠોર નિર્યણો લીધા છે ત્યારે તેણે મને સાથ આપ્યો છે.અને ક્યાંક ચૂક દેખાય ત્યાં પ્રેમથી સજાગ કર્યો છે.તેણે વાત બદલતા કહ્યું,


  "યુવરાજ હજુ રામપુરથી પાછો નથી આવ્યો?"


  "કુંવર આવ્યો હોય અને તમને નમન કરવા ન આવે એવું બને!ચાર દિવસનું કહી ગયો છે. સાથે તેના બે મિત્રો છે.ફરતા હશે."


  "હા,એને ત્યાનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ ગમે છે.છ મહિનામાં તેનું ભણતર પૂરું થવાનું છે.પછી રાજનું ભણતર ચાલુ થશે".


  આવા રાજનું ભણતર શબ્દ સાંભળી વિજયાબા હસવું રોકી ન શક્યા અને હસીને કહ્યું,"સિંહના બચ્ચાને શિકાર કરવાનું શીખડાવવું ન પડે."


  "હવેના શિકાર બદલાઈ ગયા છે વિજયા, જમાનો ઝડપભેર બદલાય છે.યુવરાજને એ પણ શીખવું પડશે કે,અંગ્રેજો સાથે કેવો વ્યવહાર રાખી આપણા સીમાડા સાચવવા."


  "એમાં પણ એ પાછો નહીં પડે,તમારો કુંવર આપણા કુળનું નામ રોશન કરે એવા દીદાર છે તેના."


  "સાચા છો તમે"..કહી રણમલસિંહ ઉભા થઇ ઝરૂખા પાસે આવ્યા.દૂર સુધી પથરાયેલી હરિયાળી જોઈ ઊંડો શ્વાસ ભરી વિચાર્યું. યુવરાજ સુરજસિંહને હજુ ઘણું શીખવાનું બાકી છે અને માભોમ હિન્દુસ્તાનની ધરતીપર પરદેશીઓ રાજ કરે એવો શ્રાપ ક્યારે નાબૂદ થશે?"

---------------------ક્રમશ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ