વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧



  એનું નામ અસલમ હતું.મધ્યપ્રદેશના નાના એવા ગામ રામપુરમાં એનો જન્મ થયો હતો.લોકો એને ભીમ, ક્યારેક બળદેવ, તો વળી ક્યારેક મલ્લ કહી બોલાવતા.આવા શબ્દો સાંભળી તેને નવાઈ લાગતી કે,આ છોકરાઓ મારી મશ્કરી તો નથી કરતા 'ને !.તે તરત તેની મા પાસે એ શબ્દોના ભાવાર્થ પૂછવા દોડી જતો ત્યારે પાછળ ભૂલકાઓનું ટોળું ખડખડાટ હસી પડતું.ત્યારે એની ઉંમર હતી આઠ નવ વર્ષની પણ દેખાવે તે બાર તેર વર્ષનો લાગતો.તેનું ઘર ગામને છેવાડે મધ્યમ વર્ગના એરિયામાં હતું.


  એની મા ફાતિમા તેને પ્રેમથી માથે હાથ ફેરવી સમજાવતી કે,ભીમ તો એ લોકોના ભગવાન હતા.બહુ બળવાળા હતા.તું એવો છો એટલે તને ભીમ કહે છે અને એ વાત સાંભળી અસલમ ખુશ થઈ જતો.અને બીજા અનેક સવાલો પૂછીને ફાતિમા પાસે જવાબ માંગતો પણ ફાતિમા ક્યારેય નારાજ કે,ગુસ્સે ન થતી.સાંજે ગામનું ગાયોનું ધણ ચરાવી અબ્દુલ આવતો ત્યારે રમતા અસલમને તેડી ખૂબ વ્હાલ કરતો.રાત્રે એના ખાવિંદ પાસે ફાતિમા અસલમની વાતો કરતી ત્યારે અબ્દુલ પણ બાજુમાં સુતેલા અસલમને માથે હાથ રાખી પોરસાતો.બને એકીટશે અસલમને જોઈ રહેતા અને ખુદાતાલા પાસે તેની દુવા માગતા.


  લગ્નને દસવર્ષ બાદ પણ ફાતિમાને સંતાન ન થતા બનેએ ખૂબ મન્નતો માની હતી.ફકીરોની દુવાઓ માગી હતી.પરવરદિગાર પાસે ઝોલી ફેલાવી હતી.સગા વ્હાલા,યાર દોસ્તારોના કહેવા પ્રમાણે બધું કર્યા બાદ પણ નિરાશા સાપડતા તેઓએ ગુજરાતના કચ્છના છેવાડે રણમાં  આવેલા હાજીપીરવલીની દરગાહએ માથું ટેકવી ચોધાર આંસુએ ચાદર ચડાવી પાક દુવા માંગી હતી.જાણે એની દુવા કબૂલ થઈ અને દસ મહિને અસલમનો જન્મ થયો હતો.


  અસલમ દિવસે ન વધે એટલો રાત્રે વધતો. પ્રેમાળ માતાપિતાના સાનિધ્યમાં તે ખૂબ ખુશ રહેતો.તેને શાળામાં ભણવા બેસાડ્યો ત્યારે તે બીજા બાળકોથી ખૂબ મોટો લાગતો.પોતાનું ફળિયું વટાવી તે બીજી શેરીઓમાં રમવા દોડી જતો.દરેકને તેની સાથે રમવાની ખૂબ મજા આવતી પણ ભણવામાં તેનું મન ચોટતું નહીં. તેને તો બાપુ અબ્દુલ સાથે વગડામાં ગાયું ઘેટાં-બકરા ચરાવવા જાવું ગમતું.અબ્દુલ પણ કોઈવાર તેને સાથે લઈ જાતો.


  હવે દસ વર્ષનો અસલમ ઉચાઈમાં અબ્દુલ જેવડો લાગતો.ફાતિમા મનમાં મુંજાતી કે,છોરો આ ઉંમરમાં આટલું ગજુ કેમે કરી ગયો ! ગામના એની ઉંમરના છોકરાઓ તો અસલમ સામે બહુ વામણા લાગતા.અબ્દુલના મનમાં પણ કંઇક એવોજ વિચાર ક્યારેક આવી જતો પણ બને એકબીજાની સામે એમ વર્તતા કે,આ તો બધું સામાન્ય હોય.ભણવાનું મૂકી અસલમ હવે બાપુ સાથે વગડામાં ચાલ્યો જાતો. ત્યાં બોરડીના બોર,આંબલી ખાવાની અને ઝરણામાં ન્હાવાની તે મજા લૂંટતો.વળતી વખતે તે સાથે લાવેલા બોર,આંબલી કે,જામફળ છોકરાઓમાં વહેંચી દેતો.


  એ સાલ હતી 1932.ભગતસિંહને ફાંસી અપાઈ પછી આખા દેશમા તેના ખૂબ પ્રત્યાઘાતો પડેલા.અસલમ ત્યારે બાર વર્ષનો થયેલો પણ દેખાવમાં તે વીસ વર્ષ જેટલો દેખાતો.તેને આઝાદીની ચળવળ વિષે બહુ ગતાગમ પડતી નહીં.તે જુવાનીયાઓ સાથે ફરતો ત્યારે એ લોકો આને નાનો સમજતા,અને હતો પણ નાનો.તે આ આઝાદી બાબતે થતી વાતો ધ્યાનથી સાંભળતો.તેને મનમાં નવાઈ લાગતી કે,એ ગોરા લોકો કેવા હશે ? .તેણે કદી ગોરા લોકોને નજીકથી જોયા નહોતા.હા, ક્યારેક સાથે રમતા બાળકો ઓચિંતા ભાગદોડ કરતા અને કહેતા પોલીસ આવી ત્યારે તે પણ તેઓની સાથે ટીંબા ઉપર ચડીને જોતો તો સાતઆઠ ગોરાઓ ઘોડેસવારી કરતા આગળ નીકળી જાતા.


   મનમાં ઘણા વિચારો આવી જાતા કે,આ ગોરાઓથી કેમ સૌ ગભરાય છે !.તે મોટેરાઓને પૂછતો પણ તેને સંતોષકારક જવાબ મળતો નહીં. રાત્રે તે કુતૂહલથી અબ્દુલને પૂછતો,


  "બાપુ આપણે ગુલામ છીએ ? આ ગોરાઓનું રાજ છે ?.ગુલામ એટલે શું ?" જવાબમાં અબ્દુલ વાત હસીને કાઢી નાખતો અથવા કંઈક કહેતો તો અસલમ સમજતો નહીં.


  રામપુર ગામ બાજુના કનકપુરની ચાલીસીજાગીર હેઠળ આવતું.જાગીરદાર રણમલસિંહની એક હવેલી રામપુરમાં પણ હતી.ઉનાળામાં તેનું સહકુટુંબ અહીં આગમન થાતું ત્યારે ગામલોકોને મજા પડતી.


  રણમલસિંહ પ્રજામાં પ્રિય હતા.તેના વડવાઓ ભોપાલ સ્ટેટના માલિકો હતા.વિસ્તાર વધતો ગયો તેમ ભાયાતોને જાગીરો આપવામાં આવતી.ત્યારે આ કનકપુરની ચાલીસ ગામની મોટી જાગીર રણમલસિંહને મળેલી.લોકબોલીમાં તે ચાલીસી તરીકે વિખ્યાત પામી હતી. અહીં આવતા ત્યારે ગામજમણ અચૂક કરતા.નાટક મંડળીઓ પણ એ જ વખતમાં ત્યાં આવી પહોંચતી.હવેલીના આગળના પ્રાંગણમાં તેના ખેલો ભજવાતા જેનો લાભ સૌ ગામજનો લેતા.અને મંડળીને ખાધાખોરાકી મળી રહેતી.


  રણમલસિંહનો યુવાન પુત્ર અને યુવરાજ સુરજસિંહને અહીંનું વાતાવરણ ખૂબ ગમતું.તે જ્યારે કનકપુર આવતો ત્યારે રામપુર જરૂર આવતો.પહાડીઓ વચ્ચે વસેલું રામપુર તેને સ્વર્ગસમુ લાગતું.પોતે મુંબઈની કોલેજમાં ભણતો.રણમલસિંહે હજુ તેનાપર કોઈ જવાબદારી નહોતી નાખી.મુંબઈમાં પણ તેને રહેવા માટે એક બંગલો ખરીદ્યો હતો.સાથે તેની સેવામાં નોકર કહો કે,અંગરક્ષક ચારપાંચ લોકો રોકાયેલા રહેતા.તે જ્યારે કનકપુર આવતો ત્યારે રણમલસિંહને મળવા આવતા ગોરા અમલદારોને જોઈ અને તેઓનો દબદબો જોઈ અંદરથી તે નારાજ રહેતો.રણમલસિંહને  તેઓની મહેમાનનવાજી કરતા જોઈ ક્યારેક પૂછતો કે,"બાપુ એ લોકોને આપણે સાલીયાણું, અમુક રકમ આપવી પડે છે અને આપીએ છીએ પછી અહીં આવી એ લોકો મોજમજા કરે એ વ્યાજબી છે?"


  રણમલસિંહ ઊંડો નિસાસો નાખી તેને કહેતા કે,"આપણા કરતા પણ મોટા જાગીરપતિઓ તેઓની સરભરા કરે છે બેટા.રાજ જ એ લોકોનું ચાલે છે."


  "તો આપણે ફક્ત કહેવાના રાજા છીએ?"


  રણમલસિંહની જગ્યાએ તેના દીવાન પ્રદ્યુમ્ન ભટ્ટ જવાબ વાળતા.પણ એ મુતસ્દીગીરીની વાતોથી સુરજસિંહને સંતોષ ન થતો.અને તે કનકપુરથી રામપુર આવતો.દીવાન ભટ્ટજી તેની સાથે અંગરક્ષકો મુકતા તો તે કંટાળી જઈ ભટ્ટજી સાથે દલીલો કરતો કે,આપણા રાજ્યમાં પણ હું છૂટથી ન ફરી શકું?.પ્રેમાળ ભટ્ટજી તેને પ્રેમથી સમજાવતા કે,અહીં આપણા દુશમનો પણ ઓછા નથી.યુવરાજ હવે આપ પણ આપણા રજવાડાની રીતો રસમથી વાકેફ થાઓ.


  તે દિવસે અંગ્રેજ ઓફિસરે કનકપુરમાં આવી ભટ્ટજી મારફતે રણમલસિંહને મળવા પરવાનગી માંગી.ભટ્ટજી મુતસ્દી હતા.તેઓનું અહીં આવવાનું કારણ મનોમન સમજી ગયા કે,આ લોકોને અહીં નાની એવી છાવણી નાખવાની છે.રજા લેવી એતો ઔપચારિકતા છે નહીતર તેઓ હુકમથી પણ કામ કરી શકે છે.


   ભગતસિંહ અને તેના બંને સાગરીતોને ફાંસી અપાયા બાદ જે વાતાવરણ ઉગ્ર બન્યું હતું એને હેન્ડલ કરવા એ લોકો ઠેકઠેકાણે લડાયક છાવણીઓ ઉભી કરતા હતા એવા સમાચારો ભટ્ટજીના બાતમીદારોએ આપ્યા હતા.


  ભટ્ટજીને એ પણ ખબર હતી કે,અંગ્રેજોની ફોજ ભારતના બંદરોપર આવવા લાગી છે.એ આવનાર ગોરાઓને અહીં અલગ અલગ પદવીઓ આપી નિયુક્ત કરવામાં આવે છે.હકીકતમાં તો એવા ઓફિસરો ત્યાંના ગુંડા મવાલી અને ક્રૂર સ્વભાવના લોકો જ છે.તેઓ સૌને અહીંની જાહોજલાલીની ખબર હતી. અને ગવર્મેન્ટ મોકલે છે તો થાય એટલું ધન એકઠું કરી પોતાના ગામ કસ્બામાં આવી બાકીની જિંદગી એશોઆરામથી ગુજારવી એવા સપના સાથે અહીં આવવા તલપાપડ રહેતા. 


  કનકપુરના મહારાજા રણમલસિંહની પરવાનગી લઈ તેઓ કનકપુર કે,તેના આસપાસના વિસ્તારમાં પોતાની છાવણી ઉભી કરવાના આશયથી વાટાઘાટો કરવા તેનો ઓફિસર આલ્બર્ટ આવી પહોંચ્યો.દીવાન ભટ્ટજીએ તેનું સ્વાગત કરતા કહ્યું,કે,"અમારા રાજવી બે દિવસ પછી મળી શકશે"ત્યારે આલ્બર્ટ મૂછમાં હસીને નમૃતાથી કહ્યું,


  "ઓકે,હમ રાહ દેખેગા,લેકિન હમારા કેન્ટ સ્ટેશન કહાં રખના ઉનકે લીયે જગહ દેખનેકી આપ અનુમતિ દો તો હમ ઉપર આપકી તારીફ કરેંગે".


  ભટ્ટજીને તેના અવાજમાં થોડી તુમાખી સંભળાઈ.તેણે પણ એવી જબાનથી જવાબ આપ્યો."આપ હમારે મહેમાન હો લેકિન રાજયકા રીતિરિવાજકોભી સમજના પડેગા."

આલ્બર્ટ મનમાં ઘા ખાઈ ગયો.મનમાં વિચાર્યું કે,બે દિવસની ફક્ત વાર છે.આ બુઢ્ઢાને પછી જોઈ લેવાશે.ત્યારે ભટ્ટજી તેનો મનોભાવ ન સમજે એવા નાદાન નહોતા.આલ્બર્ટ કહ્યું,


  "ઠીક હય,હમ આપકે બોસકા ઇન્ટઝાર કરેગા."


ભટ્ટજીએ ઉભા થઇ તાળી પાડી કે,એક સેવક હાજર થતા કહ્યું,


  "સાહેબને આપણા ઉતારામાં લઈ જા અને તેને કોઈ તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે.સેવકે આલ્બર્ટ સામે જોઈ માથું નમાવી બહાર નીકળી ગયો.આલ્બર્ટ બહાર આવી જોયું તો તેના બે અંગ્રેજ સિપાઈઓ ઉભા હતા અને તેમની બગી અહીંના ચરવારદાર હરિસિંહે ઘોડાર તરફ લીધી.અને સિપાઈઓ સાથે આલ્બર્ટ પોતાના ઉતારા તરફ રવાના થયો.


  આ બાબતની ચર્ચા જ્યારે ભટ્ટજીએ રણમલસિંહ સાથે કરી ત્યારે રણમલસિંહે ઊંડો શ્વાસ લઈ કહ્યું,"એ યોગ્ય કર્યું,પણ એ લોકો હઠ નહીં મૂકે.મારો વિચાર એમ છે કે,તેઓને રામપુરની ટેકરીઓ પાછળ ઓલી ગેબીટેકરી વાળી જગ્યા આપીએ તો આપણા લશ્કરની પણ તેઓ ઉપર નજર રહે.આ બાબતે આપ આપણા સેનાપતિ વિક્રમસિંહ સાથે એકવાર ચર્ચા કરજો"


  "જી મહારાજ,તેમને મેં સંદેશો આપ્યો જ છે.આવતીકાલે મેં તેમને આપણા કાર્યખંડમાં બોલાવ્યા જ છે.આપ પણ ત્યારે હાજર રહો એવી મારી ઈચ્છા છે."


  બીજે દિવસે વિક્રમસિંહ હવેલીના કાર્યાલયમાં હાજર થયા.ભટ્ટજીએ આવકાર આપતા કહ્યું,"મહારાજ હમણાં આવવાજ જોઈએ.બોલો બીજા શું સમાચાર છે.?"


  ""દીવાનજી સમાચારમાં તો વાત આ ગોરાઓની જ આવે છે.એ લોકો હવે હદ વટાવતા જાય છે.આપણા રજવાડાને બચાવવા તેઓ સાથે એકવાર તો સંઘર્ષમાં ઉતરવુંજ પડશે.હું તેનીજ તૈયારીમાં છું."


  "તૈયારીમાં રહો વિક્રમસિંહ,પણ એ વાત હજુ દુરની છે.જ્યાં સુધી આપણા બીજા ભાયાતોના રજવાડાનો સાથ ન મળે ત્યાં સુધી મને અશકય લાગે છે."


  ત્યાં એક સેવકે આવી મહારાજ રણમલસિંહ પધારે છે એવો સંકેત આપ્યો.

                                 (ક્રમશ)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ