• 31 January 2021

    ભગીરથ પ્રયાસ.

    અમેરિકાની લોકશાહી પર લાગ્યું કલંક!

    5 98


    તારીખ 30 એપ્રિલ 1789 ના રોજ ન્યુયોર્કના ફેડરલ હોલની બાલ્કનીમાં ઊભા રહીને જ્યોર્જ વૉસિંગ્ટને સ્વતંત્ર અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ એ મહાન હસ્તી હતા કે જેમણે અમેરિકાને બ્રિટનની ગુલામીથી મુક્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આઝાદી મળ્યા પછી રાષ્ટ્રપતિ પદનો દાવો કરવાના બદલે પાછા પોતાના ખેતી કામમાં લાગી ગયેલા! એ તો પાછળથી એમને રાષ્ટ્રપતિનું પદ સ્વીકાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું અને એમણે બધાના આગ્રહને માન આપીને સત્તા સંભાળી. ચાર - ચાર વર્ષના (ત્યાં ચાર વર્ષનો જ કાર્યકાળ હોય છે.) બે કાર્યકાળ પૂરા થયા એટલે સામેથી જ રાજીનામુ આપી દીધું. ત્યારથી લઈને આજે લગભગ 231 વર્ષ સુધી અમેરિકાની લોકશાહીમાં દર વખતે પોતાનો સમયગાળો પૂરો થાય એટલે શાંતિપૂર્વક રીતે નવા રાષ્ટ્રપતિને સત્તાનું હસ્તાંતરણ થતું આવ્યું છે. પણ, સૌથી જૂની અને મજબૂત ગણાતી અમેરિકાની આ લોકશાહીમાં પિસ્તાળીમાં રાષ્ટ્રપતિ તરીકે ડૉનાલ્ડ ટ્રંપનું આગમન થયું અને સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણનો આ સિલસિલો તૂટી ગયો! સમ્રગ વિશ્વને લોકશાહીના પાઠ ભણાવનાર જગત જમાદાર ગણાતા અમેરિકાની લોકશાહી પર કાળો ધબ્બો લાગી ગયો! દુનિયાભરના સત્તાધીશોએ આ ઘટનાને વખોળી કાઢી, તો ટ્રંપ અને એના સમર્થકો પર પણ ફિટકાર વરસવા લાગ્યો! આ સમગ્ર મામલાની વિસ્તારથી જાણકારી મેળવતા પહેલા અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા અને આ વખતે આવેલા એના પરિણામો પર પણ એક નજર કરી લઈએ.


    અમેરિકામાં મુખ્ય બે પાર્ટીઓ છે. એક આ વખતે જેમની જીત થઈ એ જૉ બાયડનની ડેમોક્રેટિક પાર્ટી અને બીજી જેમની હાર થઈ છે એ ડૉનાલ્ડ ટ્રંપની રિપબ્લિકન પાર્ટી. જેમ આપણે અહીં સંસદ હોય છે એમ ત્યાંની સંસદને કૉન્ગ્રેસ કહેવામાં આવે છે. એ કૉન્ગ્રેસની ઈમારતને કૅપીટલ બિલ્ડિંગ કહેવામાં આવે છે. અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા બહું લાંબી ચાલે છે. પાર્ટીના મુખ્ય ઉમેદવારની પસંદગીથી (ત્યાં રાષ્ટ્રપતિ પદના દાવેદાર ચૂંટણી પહેલાં જ નક્કી થઈ જાય છે.) શરૂ કરીને પરિણામ સુધી પહોચતા લગભગ એકાદ વર્ષ જેટલો સમય લાગી જાય છે. અમેરિકન કૉન્ગ્રેસમાં 435 અને 3 રાજધાની વૉશિંગટન ડીસીના મળીને કુલ 438 હાઉસ ઑફ રિપ્રેસેન્ટેટીવ (HR) હોય છે. દરેક રાજ્ય દીઠ બે સૅનેટ હોય છે. એટલે 50 રાજ્યોના મળીને કુલ 100 સૅનેટ થયા. મતલબ કુલ મળીને 538 સીટો (ઈલેક્ટોરલ કૉલેજ) થાય. જેમાંથી ચૂંટણી જીતવા માટે 270 ની બહુમતી જોઈએ. આપણે અહીં જે પક્ષને જેટલી સીટ મળે એટલી જ એની ગણાય છે. પણ અમેરિકામાં કોઈ એક રાજ્યમાં જે પક્ષને બહુમતી મળે, એ રાજ્યની બાકીની બધી સીટો પણ બહુમત વાળા પક્ષની જ ગણાય છે. મતલબ ધારો કે કેલિફોર્નિયામાં 55 સીટો (ઇલેક્ટોરલ કૉલેજ) છે, અને ધારો કે 28 સીટો ડેમોક્રેટીકને મળી હોય અને રિપબ્લીકનને 27 તો ડેમોક્રેટીક પાર્ટીની કુલ સીટ 55 થઈ ગણાય! જો જીતા વહી સિકંદર! બધા રાજ્યોમાં આ રીતે ગણતરી થતી હોય છે. અહીં કેલિફોર્નિયા એક સ્વીંગ સ્ટેટ - ગેમ ચેન્જર રાજ્ય ગણાય છે. કારણ કે એમાં સૌથી વધારે સીટો છે. આ વખતે જૉ બાઈડન કેલિફોર્નિયા જેવા મોટા મોટા મોટા રાજ્યોમાં બાજી મારી ગયા અને જીતી ગયા.



    અમેરિકામાં 3 નવેમ્બર 2020 ના રોજ સમાન્ય ચૂંટણી યોજાઈ. સામાન્ય ચૂંટણીમાં જનતા પોતાના નેતાને મત આપતી હોય છે. 14 ડીસેમ્બર ના રોજ પરિણામ પણ આવી ગયું. અહીં સુધીની પ્રક્રિયામાં જ રાષ્ટ્રપતિ કોણ બનશે એ નક્કી થઈ જતું હોય છે. જૉ બાઈડનને 306 સીટો મળી અને ડૉનાલ્ડ ટ્રંપને 232. 6 જાન્યુઆરી 2020 (દર વખતે આ તારીખ ફીક્સ હોય છે) ના રોજ ખાલી એક પરંપરાના ભાગ રૂપે કૅપિટલ બિલ્ડીંગમાં ઈલેક્ટરર્સે આપેલા મતોની ગણતરીની એક સામાન્ય પ્રક્રિયા માત્ર કરવાની હોય છે. આ વખતની આ સામાન્ય પ્રક્રિયા વખતે ટ્રંપ સમર્થકોએ કૅપિટલ બિલ્ડિંગ પર હુમલો કરી દીધો! જ્યારથી ચૂંટણી પૂરી થઈ ત્યારથી ટ્રંપભાઈ ચૂંટણીમાં ગોટાળો થયો હોવાના દાવાઓ કરી રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્શ પર પણ દબાણ કરી જોયું, કોર્ટ સુધી જઈ આવ્યા પણ એ દાવાઓ સાબિત ના થયા અને છેલ્લે સત્તા છોડવાનો સમય નજીક આવ્યો અને ભાઈની ડગળી ચસ્કી! 6 તારીખે જ ટ્રંપે વ્હાઈટ હાઉસ પાસે આવેલા પાર્કમાં એક ભડકાઉ ભાષણ આપ્યું. ચૂંટણી પછી આજ સુધી આમ પણ સૉશ્યલ મિડિયા દ્વારા જનતાને ઉશ્કેરવાનું કામ તો ચાલું જ હતું! જાત જાતના ફેકન્યૂઝ ફેલાવીને પોતાના સમર્થકોમાં એક આખો માહોલ જ એવો ઊભો કરી દીધેલો કે ચૂંટણી પ્રક્રિયામાં ગોટાળો થયો છે! હવે આ ભાષણથી ઉશ્કેરાયેલું અંધભક્તોનું ટોળું પહોચ્યું કૅપિટલ બિલ્ડિંગ પર. પોલિસ સાથે લગભગ નેવું મિનિટ જેટલી રકજક ચાલી અને બપોરના એક વાગ્યાની આસપાસ આ ટોળું દિવાલો પર ચઢીને કૅપિટલ બિલ્ડિંગની અંદર ઘૂસવામાં સફળ થઈ ગયું. બ્લેક પ્રોટેસ્ટ વખતે તાકાત બતાવનાર પોલીસને ખબર નહીં આ વખતે શું થઈ ગયું!? પોલીસની આ ઉદાસીનતા પણ શંકાના ઘેરામાં આવે છે.. ખેર, અંદર હડકંપ મચી ગયો. આ ટોળું પાઈપ, ધોકા, અને પેટ્રોલ બોમ્બ જેવા હથિયારો સાથે આવ્યું હતું. નેતાઓને સુરક્ષિત સ્થળો પર લઈ જવા પડ્યા તો અમુક નેતાઓએ ખુરશી પાછળ સંતાઈ જવું પડ્યું! સાંજના લગભગ પાંચ વાગ્યા સુધી આ ધમાચકડી ચાલી અને ચારેક વ્યક્તિઓનો જીવ ગયો તો કેટલાક ઘાયલ થયા! મજાની વાત તો એ છે કે આ બધા લોકોના હાથમાં અમેરિકાનો ઝંડો હતો અને બધા પોતાની જાતને નેશનાલીસ્ટ કહી રહ્યા હતા! તો સામે બાકીના લોકોને એન્ટી-નેશનાલીસ્ટ!


    આ સમગ્ર ઘટનાથી આખું વિશ્વ ચોંકી ઊઠ્યું! કોઈને જરા સરખો પણ અંદાજો નહોતો કે સૌથી જૂની અને મજબૂત લોકશાહીનો ગઢ ગણાતા અમેરિકામાં આવી કલંકિત ઘટના ઘટશે. અલગ અલગ દેશના વડાઓએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું. તો ઇરાક અને ચીન જેવા દેશોએ આ ઘટનાની ખૂબ મજા પણ લીધી! આખો દિવસ ઇરાકની ન્યૂઝ ચેનલો ધમધમતી રહી. ફેસબુક ટ્વિટર જેવી સૉશ્યલ નેટવર્કીંગ સાઇટોએ પણ ટ્રંપનું અકાઉન્ટ બંધ કરી દીધું! જોકે ફેસબુકે આટલા દિવસ એની ચાપલૂસી કરી અને હવે નૈતિકતાનો અંચળો ઓઢે છે એ મુદ્દો પણ ઊઠ્યો. વર્ષ 2016 ની કેમ્બ્રિજ એનાલિટીકાની બબાલથી પણ બધા વિદિત જ છે. ટ્રંપ પર મહાભિયોગ ચલાવવાની માંગો પણ ઊઠી રહી છે. તો કેટલાક રિપબ્લિકન પાર્ટીના નેતાઓ પણ આ ઘટનાને વખોડી રહ્યા છે. ટૂંકમાં સમગ્ર વિશ્વમાં અમેરિકાની મજબૂત લોકશાહીની જે ચમક હતી એને ટ્રંપ સાહેબે ધૂંધળી કરી નાંખી છે. ખેર, હવે તો એ બધું પતી ગયું છે, અને આજે એટલે કે 20 જાન્યુરીએ તો જૉ બાઇડન નવા રાષ્ટ્રપતિ તરીકેના શપથ પણ લઈ લેશે. પણ સવાલ એ છે કે શું ટ્રંપના ગયા પછી બધું શાંત થઈ જશે? ટ્રંપ તો ચાલ્યા જશે પણ પાછળ ટ્રંપીઝમ છોડતા જશે! એક માથા ફરેલ માણસના હાથમાં સત્તાની દોરી સોંપવાના કેવા ભયંકર પરિણામો આવી શકે છે એ અમેરિકાએ જોયું અને કદાચ આગળ પણ એની અસર વર્તાય તો નવાઈ નહીં! કોઈ એક નેતા કે પક્ષને સર્વોપરી માનવાથી, વધુ પડતું મહત્તવ આપવાથી કે કોઈ એક નેતાની રીતશરની અંધભક્તિ કરવાથી લોકશાહી પર જોખમ ઊભું થતું હોય છે.


    લોકશાહીના વિષય પર Steven levitsky અને Daniel ziblatt નામના લેખકોએ " How democracies die" નામનું એક પુસ્તક લખ્યું છે. એમના મતે લોકશાહી કંઈ એક જ દિવસમાં ખતમ નથી થતી, ધીમેધીમે થતી હોય છે. આ પુસ્તકમાં કોઈપણ દેશમાં લોકશાહી ખતમ થઈને સરમુખત્યારશાહીના પાયા કઈ રીતે નંખાઈ શકે - એ દર્શાવતા ચાર મુદ્દાઓ આલેખ્યા છે.

    (1) Capturing referees - સરકારની ભૂલ પર એના કાન આમળી શકે એવી સ્વતંત્ર અને તટસ્થ સંસ્થાઓમાં પોતાના ઇશારા પર નાચતા માણસોની નિમણૂક કરવી. જેવી કે, સુપ્રિમ કોર્ટ, ચૂંટણીપંચ વગેરે. અહીં જૂના તટસ્થ સભ્યને બહાર નથી કરવામાં આવતા પણ શક્ય એટલા પોતાની તરફેણ કરવા વાળા સભ્યોને ઉમેરી દેવાતા હોય છે. જેથી જનતાને શંકા પણ ના થાય અને મોટાભાગનું કંટ્રોલ પોતાના હાથમાં પણ આવી જાય!

    (2) Buying off or weakening opponents - વિરોધ પક્ષને ખરીદી લેવો અને જાતજાતના કાવતરા યુક્ત સિદ્ધાંતો (Conspiracy theories) ફેલાવીને વિરોધ પક્ષને નબળો પાડવો. મજબૂત વિરોધ પક્ષ જ કોઈપણ લોકશાહીનો એક મુખ્ય આધાર હોય છે.

    (3) Rewriting rules - ઉપરના મુદ્દાઓ પાર પડી જાય એટલે સંવિધાન, અમુક નિયમો, ચૂંટણી વિષેના મહત્તવના નિયમો વગેરેમાં બદલાવ કરવાનું શરૂ થતું હોય છે. એ નિયમો એવી રીતે બદલવામાં આવતા હોય છે કે જેનાથી સતાપક્ષને ફાયદો મળે.

    (4) Citizen reaction - આ છેલ્લો અને સૌથી મહત્ત્વનો મુદ્દો છે. અમેરિકામાં જે 6 જાન્યુઆરીના રોજ થયું એ જ હતી આ નાગરિક પ્રતિક્રિયાઓ. આંખો પર અંધભક્તિની પટ્ટી લગાવીને લોકો પોતાના કોઈ એક પક્ષ કે નેતાને જ ભગવાન માનવા લાગતા હોય છે.


    "How democracies die" પુસ્તક કહે છે કે ઉપરના મુદ્દાઓ પર અમલ કરીને કોઈપણ દેશની લોકશાહી ખતમ કરી શકાય છે. ટ્રંપ સાહેબે પણ આમાંના ઘણા મુદ્દાઓનો ઉપયોગ કરેલો. અમેરિકાની જેમ કોઈ અન્ય દેશમાં આ પ્રકારના મુદ્દાઓની અમલવારી શરૂ થઈ ગઈ હોય તો એમણે ખરેખર ચેતી જવું જોઈએ. આખરે તો અમેરિકા એક મજબૂત લોકતંત્ર છે એટલે જ કદાચ આ સમસ્યામાંથી હેમખેમ બહાર નિકળી પણ શકે છે. આ જગ્યા પર કોઈ અન્ય દેશ હોય તો સ્થિતિ ગંભીર બની શકે છે. અત્યારે તો જૉ બાઇડનના ભાગે સત્તા સંભાળતાવેંત જ પડકારો આવી પડ્યા છે. એક તો કોરોના મહામારી અને બીજું લોકડાઉનના લીધે આવેલી આર્થિક મંદી અને બેરોજગારી તો ઉપરથી પાછી અત્યારની ફેલાયેલી આ અરાજકતા!



    ​- ભગીરથ ચાવડા.



    ભગીરથ ચાવડા


Your Rating
blank-star-rating
Hetal Sadadiya - (03 February 2021) 5
as always super... સાગરમાંથી મોતીઓ ખોળી ખોળીને અમને ભેટ આપવા માટે ખરેખર આભાર.. આ આખો લેખ મારા માટે એકદમ નવો છે. એમ કહું કે આમાની મને કશી જ ખબર નહોતી તો અતિશયોક્તિ નહિ ગણાય. ને છેલ્લા ફકરામાં અન્ય દેશોને ચેતી જવા અંગુલિનિર્દેશ પણ કર્યો. 👌🏻👌🏻👌🏻

1 1

રાજેન્દ્ર સોલંકી - (31 January 2021) 5
વાહ,અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા સરસ વર્ણવી. હજુ લેખ લંબાવવાની જરૂર જણાઈ પણ ખૂબ સરસ લખ્યું.👍💐

1 1

Jaya. jani.Talaja."jiya" - (31 January 2021) 5
👌👌🙏🇮🇳🇮🇳

1 1

Geeta Chavda - (31 January 2021) 5
વાહ ખુબ સાચીને સચોટ વાત.. અમેરિકા ની ચૂંટણી વિષે ડીટેલ માહિતી.. આપી..સરસ..👍👍 .ખરેખર ટ્રમભાઇ જેવા એકદ શાશક આવી જાય ત્યારે દેશ. કેટલોય પાછળ ધકેલાઈ જાયછે.. આ અંધભક્તો ની આંખો કોણ ઉઘાડે? આપની ક્ષિતિજ ચાહક...ન્યુયોર્ક..

1 1

shital ruparelia - (31 January 2021) 5
👌🏻👌🏻👌🏻 વાસ્તવિક વર્ણન

1 1

Asha Bhatt - (31 January 2021) 5
👌👌👌

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (31 January 2021) 5
કોઈ પણ‌ પ્રાણી હોય તે સત્તાભૂખ્યું હોય છે પણ મનુષ્યમાં તેનું મહત્વ પણ‌ વધું છે અને તેનો સાથરો પણ. અત્યારસુધી જે નેતાઓ હતા તે ભૂખ છુપી રીતે સંતોષતા હતા પણ હવે સમય બદલાયો છે. મોટાભાગના દેશોમાં આ સ્થિતિ છે. સત્તા જ્યારે એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થાય ત્યારે સ્થિતિ હજી વકરે છે. અંધભક્ત શબ્દ વાપરીને તમે ઈશારો કરી દીધો છે અને ભારતમાં પણ બહુ સારી પરિસ્થિતિ નથી. રાજ્યોમાં સત્તા મેળવવા ચાલતા કાવાદાવા એ જ દર્શાવે છે. હું કરું તે દેશભક્તિ અને બીજો કરે તે દેશદ્રોહ એ વાત બહુ ગંભીર છે. ભારતે આત્મમંથન કરવું રહ્યું.

1 1

View More