• 03 March 2021

    ભગીરથ પ્રયાસ

    પેટ્રોલ-ડીઝલનું અઅથ ઇતિ

    5 160

    પેટ્રોલ, ડીઝલ અને ભાવવધારો. આજે આખા દેશમાં આ ત્રણ શબ્દો સૌથી વધારે ચર્ચામાં છે. નેતાઓથી લઈને મિડિયા અને આમ જનતા સુધી સમગ્ર દેશમાં આ ભાવવધારાની ચર્ચાએ જોર પકડ્યું છે. અને જોર પકડે પણ કેમ નહીં! પેટ્રોલ-ડીઝલના ભાવે આજ સુધીના બધા રેકોર્ડ તોડીને સદી ફટકારી છે! (માત્ર અમુક શહેરોમાં જ) કોઈને જરા સરખો પણ અંદાજો નહોતો કે આ ભાવવધારો આટલો બધો ભડકે બળશે. અરે! કેટલાક શહેરમાં તો એવી સ્થિતિ પણ સર્જાઈ કે પેટ્રોલ તો હતું પણ મશીનમાં ત્રણ આંકડાના ભાવો બતાવાની ક્ષમતા નહોતી! અમુક જૂના મીટરોમાં ત્રણ અંકના ભાવનું સેટિંગ જ નહોતું! પેટ્રોલિયમ પેદાશો જેમાંથી બને છે એને ક્રૂડ ઑઇલ કહેવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો કાચું તેલ. આ ક્રૂડ ઑઇલ અને એના ભાવ જ્યારથી આધુનિક વાહનવ્યવહાર શરૂ થયો ત્યારથી માનવજીવન અને આર્થિક વ્યવહારો પર ગંભીર અસરો પાડતાં આવ્યા છે. કેટલાક લોકો તો આજની માનવ સભ્યતાને ઑઇલ સિવિલાઇજેશન પણ કહે છે. હવે જ્યારે ઓઇલ (તેલ) આપણી જિંદગી સાથે આટલું બધું વણાઈ ગયું છે ત્યારે દેશમાં એની કિંમતોમાં ધરખમ વધારો થાય તો હાહાકાર તો મચવાનો જ છે.

    સૌપ્રથમ એક લટાર પેટ્રોલિયમના ઈતિહાસમાં મારી આવીએ. કરોડો વર્ષ પહેલા જમીનમાં દટાઈ ગયેલા જંગલો અને વન્યજીવોના જિવાસ્મિથી kerogen નું નિર્માણ થયું. આ kerogen હજારો લાખો વર્ષના દબાણ અને લગાતાર ગરમીના લીધે હાઇડ્રો કાર્બનની ચેઈન માં કન્વર્ટ થઈ ગયા અને પેટ્રોલિયમના ભંડારો બની ગયા! જે આપણે શાળામાં પણ ભણી ગયા. હવે આ ભંડારો વર્ષ 1859 સુધી ભોમાં ભંડારાયેલા જ રહ્યા. વર્ષ 1859 માં ઘરબાર છોડીને અમેરિકા આવેલો એક માથા ફરેલ વેપારી એડવિન ડ્રેક (Edwin drake) અમેરિકાના પેન્સિલવેનિયામાં તેલના ભંડાર શોધવા મથી રહ્યો હતો. ત્યારે ફાનસ સળગાવવા અને અન્ય થોડા છૂટક વપરાશ માટે વ્હેલ માછલી અને કેટલાક જનાવરોની ચરબીમાંથી તેલ મેળવવામાં આવતું. જેના લીધે આ તેલના ભાવ પણ વધી રહ્યા હતા. એના પર્યાય રૂપે જમીનમાંથી તેલ મેળવવા આ માણસ પોતાના સાથી સાથે મળીને પ્રયત્નો કરી રહ્યો હતો. આસપાસના લોકો તો એને પાગલ જ કહેતા! લોકોનું કહેવું હતું કે જમીનમાંથી પાણી નિકળી શકે પણ તેલ થોડું નિકળે!? આખરે લગભગ નવ મહિનાની મહામહેનત અને ખાસ્સું એવું દેણું થઈ ગયા પછી એક દિવસ એમને સફળતા મળી! આ ઑઈલ મળવાથી પિટહોલ સીટીનો સૂમસામ વિસ્તાર જ્યાં ચકલુંય ના ફરકતું; માણસો, હોટેલો અને દુકાનોથી ધમધમવા લાગ્યો! આ લોકોએ ભલે ફાનસ સળગાવવાના તેલ માટે આ શોધ કરી હોય પણ ત્યારે એમને અંદાજો પણ નહીં હોય કે એમણે એક નવા યુગની શરૂઆત કરી છે! એમને શું ખબર કે જમીન પર પરિવહન તો ઠીક પણ દરિયાઈ માર્ગના પરિવહનથી લઈને આકાશની ઊંચાઈઓ સુધી પહોંચવામાં એમની આ શોધ જ કામ લાગવાની છે! પછી તો એમણે અલગ અલગ કેટલીયે જગ્યાઓ પર આ કામ શરૂ કર્યું.

    આ બાબતમાં આપણા દેશને પણ વર્ષ 1889 માં સફળતા મળી અને આસામના દિગ્બોઈમાં આપણું પહેલું ઑઈલ રિઝર્વ સ્થપાયું. આઝાદી પછી અન્ય જગ્યાઓ પર પણ પેટ્રોલિયમના ભંડારો મળી આવ્યા. હાલ આપણી પાસે 594 મિલિયન મેટ્રિક ટન ઑઇલ રિઝર્વ છે. મતલબ વિશ્વના કુલ જથ્થાના 0.92 ટકા. જ્યારે ઑઇલ વપરાશમાં વિશ્વમાં આપણે ત્રીજા નંબર પર છીએ! લગભગ 82 ટકા જેટલું ઑઇલ આપણે બહારથી જ આયાત કરવું પડે છે. જે દેશોમાં ઑઇલના વિપુલ ભંડારો મળી આવ્યા એ રાતો રાત અમીર થઈ ગયા! તો કેટલાક જાણકારો આ ઑઇલને એક અભિશાપ પણ માને છે! લગભગ 1960 માં વેનેઝુએલાના પેટ્રોલિયમ મંત્રી ડ્યુઆન પાબ્લો અલફોન્ઝોએ (juan pablo alfonzo) કહ્યું હતું કે, "આ શૈતાનનું મળમૂત્ર છે અને આપણે એમાં ડૂબી રહ્યા છીએ! આના લીધે ઑઇલ સિવાયની વસ્તુઓનું ઉત્પાદન મોંઘું થઈ જાય છે!" આ વેનેઝુએલા એક એવો અપવાદીત દેશ છે જ્યાં ઑઇલના વિપુલ ભંડારો છે, પેટ્રોલ-ડીઝલ બાકીના બધા દેશોથી સસ્તું મળે છે પણ, આર્થિક રીતે સાવ પાયમાલ! લોકોને ખાવાના પણ ફાંફાં છે! કારણ છે સરકારની અસફળતા! આજે ક્રૂડ ઑઇલના ભાવ વધવા છતાં ત્યાં એક લીટર પેટ્રોલનો ભાવ લગભગ દોઢેક રૂપિયા જેવો છે! આ પહેલા ત્યાં સાત પૈસા (જી હા! રૂપિયા નહીં પૈસા!) જેવી નજીવી કિંમત હતી! ત્યાંનું ચલણ તો બૉલીવર છે પણ હવે એ લોકોના પોતાના દેશમાં પણ એમના ચલણની કોઈ કિંમત નથી, તો પછી આપણે નાહકના એની ચલણમાં ભાવ લખીને પછી આપણા રૂપિયામાં ગણતરી કરવાની માથાપચ્ચી કરવી! ફુગાવાના લીધે એમના ચલણ બૉલિવરની કિંમત એટલી નીચે આવી ગઈ છે કે ત્યાંના અમુક શૉરૂમ વાળા તો હવે બૉલિવરની જગ્યાએ ડૉલર જેવા અન્ય ચલણોમાં વહીવટ કરવા લાગ્યા છે! વિશ્વનો સૌથી મોટો ઑઇલ ભંડાર અહીં વેનેઝુએલામાં છે અને એટલે જ ત્યાં પેટ્રેલ-ડીઝલ પાણીથી પણ સસ્તું છે. પણ, લંકામાં સોનુ શું કામનું!? ત્યાંના લોકો પાસે ગાડી કે બાઇક વસાવવાના પૈસા નથી! અરે! એ લોકો પાસે ગાડી માટે એન્જિન ઑઇલ કે રિપેરિંગના પણ પૈસા નથી! મોંઘવારી અને ફુગાવાએ એક સમયના આ અમીર દેશને પાયમાલ કરી નાંખ્યો છે. ખેર, આપણે મૂળ મુદ્દા પર આવીએ.

    પૃથ્વી પર ક્રૂડ ઑઇલની એક ચોક્કસ સીમિત માત્રા જ ઉપલબ્ધ છે અને વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વ દરરોજ લગભગ 100 મિલિયન બેરલ ક્રૂડ ઑઇલનો ધુમાડો કરી નાંખે છે. આમાં આપણો દેશ પણ ત્રણેક મિલિયન બેરલનો ફાળો નોંધાવે છે. એક બેરલ એટલે 159 લિટર. આ સ્થિતિમાં ભાવો તો વધવાના જ છે. પણ અત્યારે માત્ર આપણા દેશમાં જે ભાવો વધ્યા છે એનું ગણિત તો કંઈક અલગ જ છે! વર્ષ 2010 સુધી પેટ્રોલ-ડિઝલના ભાવો સરકાર નક્કી કરતી. પછી જુન 2010 માં પેટ્રોલ અને ઓક્ટોબર 2014 માં ડીઝલના ભાવો પર સરકારનો કંટ્રોલ હટ્યો અને આ જવાબદારી કંપનીઓ પર આવી. વૈશ્વિક બજારની ક્રૂડ ઑઇલની કિંમતના આધારે તેઓ 1 અને 16 તારીખે એમ મહિનામાં બે વખત ભાવો નક્કી કરતા. પછી એમાં પણ ભાવ ફેરફારનો પૂરતો લાભ જનતાને ના મળતાં જુન 2017 થી દરરોજ સવારે છ વાગ્યે ભાવ નક્કી થવા લાગ્યો. હવે, લોકડાઉન વખતે વાહનવ્યવહાર ઠપ્પ થયો ત્યારે માંગ ઘટતાં ક્રૂડ ઑઇલના ભાવ બેરલ દીઠ 20 થી 40 ડોલર જેટલા થઈ ગયા. તો ત્યારે પેટ્રોલના ભાવ પણ ઘટવા જોઈએ! કારણ કે સરકાર તો કહે છે કે આ ભાવ ક્રૂડ ઑઇલના ઇન્ટરનેશનલ ભાવ સાથે જોડાયેલા છે! પણ એવું ના થયું, કારણ કે જેમ જેમ ક્રૂડ ઑઇલના ભાવ ઘટ્યા; સરકાર એના પર ટેક્સ વધારતી ગઈ! હવે જ્યારે લોકડાઉન ખૂલ્યું અને વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો અને માંગ વધતા ક્રૂડ ઑઇલના ભાવ વધવા લાગ્યા. હવે એ વધારેલા ટેક્સ પર જ્યારે ક્રૂડ ઑઇલના ભાવ વધ્યા એટલે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ભડકે બળવા લાગ્યા!

    હાલમાં દેશમાં પેટ્રોલના ભાવનું ગણિત કંઈક આ રીતનું છે. આજે પેટ્રોલનો ભાવ અલગ અલગ શહેરોમાં 87 થી 97 રૂપિયા છે. અને ક્રૂડ ઑઇલનો બેરલ દીઠ ભાવ લગભગ 63 ડોલર જેવો છે. મતલબ એક લીટરના 30 રૂપિયા જેવું થાય. હવે આ ક્રૂડ ઑઇલને રિફાઈન કરવાનો ખર્ચ, પરિવહન ખર્ચ અને ડિલર કમિશન મળીને લગભગ આઠેક રૂપિયા જેવું થાય. એટલે કે કુલ 38 રૂપિયામાં પડે. હવે બાકી વધેલા રૂપિયા એટલે કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકારનો વેટ. મતલબ કે મૂળ કિંમત પર 130 થી 150 ટકા જેટલો ટેક્સ! કોરોનાકાળમાં બધું ઠપ્પ થઈ જતાં સરકારની આવક પણ બંધ થઈ ગયેલી અને ખર્ચ વધી ગયેલો, તો દેશની આ રાજકોષીય ખાધ પૂરી કરવા માટે આ રસ્તો અપનાવવામાં આવ્યો હશે. કારણ કે GST લાગુ થયા પછી આ પેટ્રોલ-ડીઝલ (જે GST થી બહાર છે) જ એક એવી વસ્તુ છે કે જેના પર સરકારને સૌથી વધારે મહેસૂલ પ્રાપ્ત થાય છે. આ બન્નેને પણ જો GST માં સામેલ કરવામાં આવે તો એના પર વધીને 28 ટકા જ ટેક્સ લાગી શકે! આપણી ટેક્સ સિસ્ટમનો મૂળ હેતુ છે, લોકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં અર્થિક અસમાનતા અડચણ ના એવી એક વ્યવસ્થ ઊભી કરવી. શ્રીમંત વર્ગ પાસેથી વધારે પૈસા લઈને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવી. આ રીતે દેશની આર્થિક અસમાનતામાં ઘટાડો કરવો. પણ આ હેતુ ખાલી ડાઈરેક્ટ ટેક્સમાં જ સિદ્ધ થાય છે. ઈનડાયરેક્ટ ટેક્સમાં તો અમીર હોય કે ગરીબ બધાએ એક સરખો જ ટેક્સ ચૂકવવાનો રહે છે! પાછલા કેટલાક સમયથી આ ઈનડાઈરેક્ટ ટેક્સ પરની નિર્ભરતા વધી રહી છે. મોંઘવારીનો આ માર જનતા પર નાંખવા કરતાં જ્યારે ક્રૂડ ઑઇલના ભાવ ઘટ્યા ત્યારે વધારે જથ્થો લઈને રાખી દીધો હોત તો સરકારને ઘણો ફાયદો મળે એમ હતો. પણ, અહીં પણ ખાટલે મોટી ખોડ હતી! આપણી પાસે વિશાખાપટ્ટનમ, પાદૂર અને મૅંગ્લોર એ ત્રણ SPR (strategic petroleum reserves) મળીને માત્ર 37 મિલિયન બેરલનો જ સ્ટોક થઈ શકે એમ હતો. જે અન્ય દેશોની સરખામણીમાં ઘણો ઓછો ગણાય. અમેરિકામાં 800 મિલિયન બેરલ અને જાપાનમાં 528 મિલિયન બેરલ SPR છે!

    વિશ્વની આર્થિક પરિસ્થિતિ પર ઑઇલની કેટલી ગંભીર અસરો પડે છે એ એના ભાવવધારાથી વર્ષ 1978, 1990 અને 2001 માં અમેરિકામાં આવેલી મંદી પરથી કળી શકાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવની સીધી અસર પરિવહન ખર્ચ પર થાય અને એના લીધે જ સમોસાથી લઈને સાઈકલ સુધી બધી વસ્તુઓ મોંઘી થાય. આ મોંઘવારીની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડે. આ પરિસ્થિતિમાં સરકાર કહે છે, પેટ્રોલ-ડીઝલથી આગળનું વિચારો! પહેલાંની સરકાર આ બાબતમાં ભારતની આયાત નિર્ભરતા ના ઘટાડી શકી એટલે આ સ્થિતિ સર્જાઈ છે! વાહ! કેવા ધડમાથા વગરના કારણો આપે છે! હવે આપણી પાસે જેટલી કુદરતી સંપદા છે એ તો એટલી જ રહેવાની છે? કદાચ દરિયામાં શોધ કરતા થોડા નવા ભંડારો મળે પણ ખરા પણ, આપણા ઑઇલ રિઝર્વમાં ખાસ કોઈ મોટો વધારો થઈ શકે એમ છે જ નહીં! હવે જેનો કોઈ ઑપ્શન જ ના હોય એવી વસ્તુ તો આયાત જ કરવી પડે. વિશ્વમાં આંગળીના વેઢે ગણાય એટલા દેશો પાસે જ ઑઈલના મોટા ભંડાર છે બાકીના બધા દેશ આયાત પર જ નિર્ભર છે! શું એ બધાને આ આયાત નિર્ભરતા નહીં નડતી હોય? આપણા પાડોશી દેશોના પેટ્રોલના ભાવ જ જોઈલો. હા, કેટલાક વિકસિત દેશોમાં પેટ્રોલના ભાવ આપણા કરતા પણ ઘણા વધારે છે જ. પણ એ એવા દેશો છે જ્યાંના લોકોની મહિનાની સરેરાસ આવક લાખોમાં છે!

    અફઘાનિસ્તાન - 37

    ભુટાન - 49

    પાકિસ્તાન - 51

    શ્રીલંકા - 60

    નેપાળ - 69

    ચીન - 75

    31 મે 2012 ના રોજ જ્યારે પેટ્રોલનો ભાવ 80 રૂપિયે લિટર થયો હતો ત્યારે એ વખતના વિપક્ષ અને કેટલાક અન્ય પક્ષોએ સાથે મળીને મોટા પાયે ભારત બંધનું એલાન કરેલું. અને ત્યારે ક્રૂડ ઑઇલની કિંમત 108 ડોલર હતી! જે અત્યારે ખાલી 63 ડોલર છે! અત્યારે કેટલાક નેતાઓનું કહેવું છે કે, આ બધું તો ક્રૂડ ઑઇલના ઇન્ટરનેશનલ બજાર પર નિર્ભર હોય છે. આ લોકોને સત્તા પર આવ્યા પછી અચાનક બ્રહ્મજ્ઞાન ફૂટ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવ તો ક્રૂડ ઑઇલના ઇન્ટરનેશનલ બજારના આધારે નક્કી થતા હોય છે! અને દેશના વિકાસ માટે ટેક્સ ઉઘરાવવો કેટલો જરૂરી હોય છે! નેતાઓની આવી નેતાગીરી તો ચાલતી જ રહેવાની છે. સામે પક્ષે જે વિપક્ષ અત્યારે ઊછળી ઊછળીને પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના ગાણાં ગાઈ રહ્યો છે એ પોતાની સરકાર વખતે ચૂપ રહે છે! આખરે તો આ પ્રકારની નેતાગીરીમાં હાર હંમેશા જનતાની જ થઈ છે. ક્યારેક તો થાય કે સાલુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો એક જ ઉપાય છે, ચૂંટણી! જે રાજ્યોમાં ચૂટણીઓ નજીક હોય છે એ રાજ્યમાં ભાવ નીચો જ રહે! શું એ રાજ્યો પાસેથી દેશના વિકાસ માટે ટેક્સ નહીં ઉઘરાવવાનો હોય?



    ભગીરથ ચાવડા


Your Rating
blank-star-rating
Jaydip Bharoliya - (07 March 2021) 5
વાહ! જોરદાર લેખ. જરૂરી બધું જ જ્ઞાન મળી ગયું. ખૂબ સરસ. ઘણા લોકો સરકારે પિરસેલા જ્ઞાન પર બીજાને સમજાવવા નીકળી પડતાં હોય છે. એમણે આ લેખ વાંચવો જોઈએ. અર્ધબુદ્ધિ તો આવે.🤣

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (03 March 2021) 5
એકદમ સચોટ..વેધક,અને માહિતી સભર..👍👌👌👌🙏

1 1

Hetal Sadadiya - (03 March 2021) 5
"આ શેતાનનું મળમૂત્ર છે અને આપણે એમાં ડૂબી રહ્યા છીયે" બાપરે.. કેટકેટલું રીસર્ચ કરતાં હશો તમે.. જોરદાર ભાઈ.. once again thankyou very very much for the information🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

1 1

Hiren Desai - (03 March 2021) 5
એકદમ સચોટ લેખ. 👌

1 1