• 09 May 2021

    ભગીરથ પ્રયાસ

    હેપી મધર્સ ડે

    5 106

    દુનિયાના મોટાભાગના દેશોમાં દર વર્ષે અંગ્રેજી કેલેન્ડરના મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આમ તો માતાના સન્માન માટે માટે એક દિવતો તો શું આખું વર્ષ પણ ટૂંકું પડે! પણ, આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં માતૃપ્રેમ વ્યક્ત કરવા મા માટે એક સ્પેશિયલ દિન તો બનતા હૈ! આ વર્ષે માતૃત્વનો મહાન દિવસ આજે એટલે કે નવ તારીખે ઉજવાઈ રહ્યો છે. આ નવના આંકડા પરથી યાદ આવ્યું, મા એટલે એવી એકમાત્ર વ્યક્તિ જે તમને આખી દુનિયા કરતાં નવ મહિના પહેલાંથી ઓળખે છે! કહેવાય છે કે, ભગવાન બધી જગ્યા પર નથી પહોંચી શકતો ત્યારે એ માનું સર્જન કરે છે! લિઓનાર્ડો ડિ કેપ્રિઓ કહે છે, "My mother is a walking miracle!" મારી મા એક હાલતો ચાલતો ચમત્કાર છે! તો ચાર્લી બ્રેનેટો (Charley Benetto) કહે છે, “When you are looking at your mother, you are looking at the purest love you will ever know" જ્યારે તમે તમારી માતાને જુઓ છો, ત્યારે તમે ક્યારેય ન જોયો હોય એવો શુદ્ધ પ્રેમ જુઓ છો. તો આપણા કવિ શ્રી બોટાદકરની કવિતા પણ કેમ ભૂલાય? "જનનીની જોડ સખી નહીં જડે રે લોલ." ગુજરાતીથી લઈને અંગ્રેજી સાહિત્ય સુધી, દેશથી લઈને પરદેશ સુધી, કવિઓથી લઈને મોટા મોટા તત્વજ્ઞાનીઓ અને વિદ્વાનો સુધી મા અને એની મમતા વિષે ખૂબ લખાયું છે. પણ શું તમને ખબર છે આ મધર્સ ડેની શરૂઆત ક્યાંથી અને ક્યારથી થઈ? ચાલો આજે એના ઇતિહાસમાં એક લટાર મારીએ.


    આમ તો માતૃત્વ માટેનો સમર્પિત એવો એક દિવસ હજારેક વર્ષથી ગ્રીક અને રોમન લોકો મનાવતા આવે છે. આ દિવસે ગ્રીસના લોકો ગ્રીક દેવતાઓની માતા સાયબીસની પૂજા કરતા તો રોમન લોકો પણ હિલેરિયા નામનો એક ઉત્સવ મનાવતા. તો હાલમાં પણ રશિયા અને યુરોપના ખ્રિસ્તીઓ પણ મધરિંગ સન્ડે ઉજવે છે. પણ એ બધાની ઉજવણીની ભાવના અને ખ્યાલ મધર્સ ડેથી થોડા અલગ છે. હાલમાં જે મધર્સ ડે ઉજવવામાં આવે છે એની શરૂઆત ઈ.સ. 1908 માં એના જાર્વીસ (anna jarvis) નામની એક અમેરિકન મહિલાએ કરેલી. આ એના જાર્વિસની મા એન રેવીસ જાર્વીસ (Ann reeves jarvis) એક સમાજસેવિકા હતી. અમેરિકામાં ફાટી નીકળેલા સિવિલ વૉરમાં ઘાયલ થયેલા સૈનિકોનો ઇલાજ કરતી. આ રીતે એ દેશ કે ધર્મના સિમાડા જોયા વગર બધા ઘાયલોની સેવા કરતી. આગળ જતાં પણ એમણે પોતાની આ સેવા ચાલુ રાખી અને ઈ.સ. 1868 માં એક સંસ્થા ખોલી - Mother's day work club. આ સંસ્થા દ્વારા લોકોની બિમારીઓ મટાડવી અને આરોગ્ય સંબંધી પ્રશ્નોનું સમાધાન કરવામાં આવતું. તારીખ 9 મે 1905 ના રોજ એમનું અવસાન થયું. એ પછી વર્જિનીયામાં રહેતી એમની દિકરી એનાને પોતાની માતાના આ સેવાકાર્યો તથા દુનિયાની બધી માતાઓના સન્માન માટે એક દિવસ ઉજવવાની પ્રેરણા જાગી. ઈ.સ. 1908 માં એણે પ્રથમ વખત મધર્સ ડે ઉજવ્યો. પ્રથમ વખત આ દિવસ પશ્ચિમ વર્જિનીયાના એક ચર્ચમાં ઉજવવામાં આવેલો. જે શરૂઆતમાં આસપાસના ગામના લોકો સુધી જ સીમિત રહ્યો. એનાનું માનવું હતું કે આ દિવસે લોકો પોતાની માતા સાથે સમય વિતાવે અને એને ખુશ કરે તો મધર્સ ડેનો આ ખ્યાલ સફળ થયો ગણાય. અને એટલે જ એણે આ દિવસની જાહેર રજાની પણ માંગણીઓ શરૂ કરી. ઈ.સ. 1908 માં તો એનાના આ પ્રસ્તાવની મજાક ઉડાવીને અમેરિકન સંસદે પ્રસ્તાવ રદ્દ કરી દીધો. સંસદે કહ્યું કે, 'તો તો પછી મધર એન્ડ લૉ ડે પણ રાખવો જોઈએ!' સંસદે ભલે પ્રસ્તાવ ઠુકરાવી દીધો પણ સમય જતાં આ મધર્સ ડે માત્ર થોડા ગામો પૂરતો ન રહેતા દર મે મહિનાના બીજા રવિવારે અન્ય વિસ્તારોના લોકો પણ ઉજવવા લાગ્યા. માતૃત્વને સમર્પિત એક આગવા દિવસની શરૂઆત કરવા માટે એનાની સાથે અમેરિકન કવયિત્રી, લેખિકા અને સમાજસેવિકા જુલિઆ વૉર્ડ હૉવનું (julia ward howe) પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે.


    આખરે 1914 માં અમેરિકાના 28માં રાષ્ટ્રપતિ વાડ્રુ વિલસને (woodrow wilson) આ પ્રસ્તાવને કાયદેશરની મંજૂરી આપી અને દર મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે ઘોષિત કર્યો. એક લોકવાયકા મુજબ એન રેવીસ જાર્વીસ જ્યારે સન્ડે સ્કુલમાં એક લેક્ચર આપી રહી હતી ત્યારે એમની બાર વર્ષની દિકરી એના પણ ત્યાં હાજર હતી. એ બાઈબલમાં મા વિશે ભણાવી રહી હતી. ત્યારે એણે એક ઇચ્છા વ્યક્ત કરી હતી કે માતાના સન્માન માટે એક દિવસ તો હોવો જ જોઈએ. કદાચ બાર વર્ષની એના એ ત્યારથી જ મનમાં ગાંઠ વાળી લીધી હશે કે, એક દિવસ જરૂર એ પોતાની માની આ ઇચ્છા પૂરી કરશે. ખેર, ઈ.સ. 1914 માં મધર્સ ડેને કાયદેશરની મંજૂરીની મહોર લાગ્યા પછી ઈ.સ. 1920 આવતાં સુધીમાં એનું વ્યાપારીકરણ થવા લાગ્યું! આ દિવસે પોતાની મા સાથે સમય વિતાવવાનો અને એને ખુશ કરવાનો મૂળ હેતુ ભૂલીને લોકો એના માટે કાર્ડ અને મોંઘી ગીફ્ટસ્ લેવા લાગ્યા! આની પાછળ કેટલીક અમેરિકન કંપનીઓ પણ જવાબદાર હતી. એનાએ ફરી એક વખત આંદોલન છેડ્યું, સાચા અર્થમાં મધર્સ ડે ઉજવવા માટે! એનાએ લગ્ન પણ ન કર્યા અને આખી જિંદગી આ મધર્સ ડેને એના મૂળ અર્થ સાથે ઉજવવા માટેની લડાઈ લડતી રહી. એનાના આંદોલનમાં પણ તાકાત હતી. એણે કંપનીઓ સાથે સમાધાન કરીને લાખોપતિ બનવાની જગ્યાએ ગરીબીમાં પણ અંત સુધી પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા. તો આ રીતે મધર્સ ડેની શરૂઆત થઈ અને આજે દુનિયાના લગભગ પચાસ જેટલા દેશોમાં માતૃત્વને સમર્પિત આ દિવસ ઉજવવામાં આવે છે. એક સર્વે મુજબ અન્ય તહેવારો અને ઉજવણીના દિવસો કરતાં પણ આ દિવસે સૌથી વધારે ફોન અને મેસેઝ થાય છે! કેટલાક લોકો કહે છે કે આ તો પશ્ચિમી સંસ્કૃતિ કહેવાય. પણ, ખરેખર તો માતૃત્વના ઉત્સવને દેશ, સંસ્કૃતિ કે ધર્મના કોઈ જ સીમાડાઓ નથી નડતા.


    બીજો એક પેચીદો પ્રશ્ન - ખરેખર માતૃત્વની શરૂઆત ક્યારથી થાય? આ પ્રશ્નનો કોઈ જ ક્લિયરકટ જવાબ નથી. માતાપિતા જ્યારે પોતાનું પણ એક બાળક હોવાની ઇચ્છા વ્યક્ત કરે, એના માટે પ્લાનિંગ કરે એ પણ માતૃત્વની શરૂઆતનો એક ભાગ કહી શકાય. માતા દ્વારા એના માટે લેવાતી દરેક કાળજી પણ માતૃત્વ તરફની એક શરૂઆત જ છે. તો ગર્ભમાં રહેલા બાળકની પહેલી કીકથી પણ માતૃત્વની શરૂઆત થઈ ગણાય. આ પ્રશ્નનો જવાબ કદાચ માતાની અનુભૂતિ અને અહેસાસ પર આધાર રાખે. જ્યારથી એની અંદરનું માતૃત્વ જાગી ઊઠે ત્યારથી જ એની શરૂઆત થઈ જાય. બાળક દતક લેનાર માતા હોય કે પછી અનાથ બાળકોની સેવા કરનાર કોઈ સમાજસેવિકા હોય એના હૃદયમાં જ્યારે માતૃત્વની સરવાણીઓ ફૂટે ત્યારે કહી શકાય કે માતૃત્વની શરૂઆત થઈ! આપણે માનીએ છીએ કે માતાના ઉપકાર ક્યારેય ન ચૂકવી શકાય અને એ સાચુ પણ છે. પણ એક હકીકત એ પણ છે કે એક બાળક જ એને માતૃત્વ પ્રદાન કરે છે અને આ અલૌકિક અનુભવ કરાવે છે, એના જીવનમાં નવા રંગો ઉમેરે છે. તો આ અમૂલ્ય માતૃત્વ પ્રદાન કરનાર બાળકનો પણ માતા પર ઉપકાર થયો કહેવાય! લો, આતો બન્નેનો ઉપકાર સામસામે વસૂલ થઈ ગયો! (હીહીહી) ખરેખર તો શુદ્ધ અને નિ:સ્વાર્થ પ્રેમમાં કોઈ કોઈના પર ઉપકાર કરતું જ નથી. માતા પણ એના ઉછેર માટે જે કંઈ પણ કરે છે એ એના પ્રેમની અભિવ્યક્તિ જ છે.


    આજે આપણે લોકોએ માને એટલી બધી મહાન બનાવી દીધી છે કે એ કહેવાતી મહાનતાના બોજ હેઠળ જ દબાઈ જાય છે. એને ભગવાનની સમકક્ષ દરજ્જો આપીને એની માણસ તરીકેની બધી ખુશીઓ છીનવી લઈએ છીએ! એ કોઈ ભગવાન નથી, એ પણ એક માણસ છે, એને પણ ઇચ્છાઓ છે, આશાઓ છે, એને પણ સખીઓ સાથે મજા કરવા ક્યાંક નીકળી પડવું છે, એને પણ પોતાના શોખ પૂરા કરવા છે! વહી જતી જિંદગીની નદીની રેતમાંથી એને પણ સપનાઓ અને ઇચ્છાઓના વીણી શકાય એટલા છીપલાં વીણી લેવા છે. પણ એક મા ઊઠીને આમ ના કરાય, તેમ ના કરાય, એક માથી થોડી કંઈ ભૂલ થાય? એક મા માટે તો એનું બાળક જ પહેલી પ્રાથમિકતા હોવું જોઈએ, એક મા થોડી કંઈ પોતાના માટે જીવી શકે? આવી સ્વીકારી લીધેલી માનસિકતા એને એ ખુશીઓના છીપલાંઓ વીણતી રોકે છે. વર્ષોથી એને હંમેશા સારી બની રહેવા મજબૂર કરતાં આપણે એને ખરાબ બનવાની અને ભૂલો કરવાની પણ થોડી મોકળાશ આપવી જોઈએ. આવો આ મધર્સ ડે પર મા અને એની મમતા પર લાગેલું આ ગુંગળાવી નાખતું માહાનતાનું ટેગ હટાવીને એને ખુશ કરવાની, ખુલ્લા આકાશમાં વિહરવાની મોકળાશની ભેટ આપીએ! હેપી મધર્સ ડે.



    ભગીરથ ચાવડા


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (17 July 2021) 5
વાહ ખૂબ સરસ લેખ

1 2

Geeta Chavda - (10 May 2021) 5
વાહ વાહ.. મધર્સડે. વિષેની ખુબ સરસ રસપ્રદ માહિતી આ દિવસ ની શરૂઆત વિષે જાણ નોહતી.. ભગીરથભાઈ ખરેખર આપ દુનિયાના દરેક ખુણાને ખૂંદી પહોંચી સાચી માહિતી લઇ આવોછો .આપનો લેખ વાંચી હંમેશાં નવું જાણ્યા નો આનંદ મળેછે. છેલ્લા પેરેગ્રાફ ના વિચાર ખુબ ગમ્યાં.. સૌ એને આવકારે ખુબ ખુબ અભિનંદન...

1 1

રાજેન્દ્ર સોલંકી - (09 May 2021) 5
વાહ,ભગિરથનો લેખ ભગીરથ પ્રયાસ પછી જ લખાયો હોય.વિશ્વ મધરડે નિમિતે આ લેખ સીમાચિહ્ન બની રહેશે.હકીકતમાં તો આપણી સંસ્કૃતિમાં માનું સ્થાન પ્રાતઃ સ્મરણ જેટલું મહાન છે.માં કેટલી ત્યાગની મૂર્તિ છે કે,અસહ્ય પીડા સાથે તે બાળકને સૃષ્ટિમાં રમતું મૂકે છે પણ યશ પોતે લેવાને બદલે તેના નામકરણમાં પિતાનું નામ જ લખાવે છે.પોતે સઘળી જવાબદારી નિભાવતી હોય તો પણ અલિપ્ત રહે છે.💐💐

1 1

મીરા પટેલ - (09 May 2021) 5
વાહ વાહ ખૂબ જ સરસ ને રસપ્રદ લેખ. કદાચ મોટાભાગનાઓને આ ઇતિહાસ ખબર નહીં જ હોય. સરસ રીતે આલેખન કર્યું. જોરદાર!👍👌💐

1 1

Bijal Butala - (09 May 2021) 5

1 1

Babalu oza - (09 May 2021) 5
વાહ સર, સુંદર રીતે ઇતિહાસ ઉજાગર કર્યો, સર, આપના ઘણા આર્ટિકલમાં જે તે વિષયનો એ ખૂબ જ સુંદર રીતે ઇતિહાસને ઉજાગર કરો છો. આપના સુંદર આર્ટિકલથી અમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, આપના સુંદર આર્ટિકલ બદલ ખૂબ ખૂબ અભિનંદન, સાથે હેપી મધર્સ ડે ની ઢેર સારી શુભેચ્છાઓ👌👌👌💐💐💐

1 1

માનસી પટેલ'માહી' - (09 May 2021) 5
વાહ.. આખો લેખ સરસ અંતિમ પેરેગ્રાફ માટે આપને વંદન

1 1

View More