પર્યાવરણ દિવસ અને પિંજરું
એક વાત કહું સ્પર્ધા....
વાત થોડાં દિવસ પહેલાની જ છે,૨ જૂન ૨૦૨૦ ના રોજ ઓફિસ મિત્ર શોએબ અન્સારી સાથે હું ટેલીગ્રામ પર વાત કરી રહ્યો હતો.આપને જણાવી દવ આ શોએબ અન્સારી એટલે મારા ઓફિસ મિત્ર.
"ભાઈ પર્યાવરણ દિવસ આપણે એક વૃક્ષ વાવીએ તો કેવું રહેશે?
જો વ્યવસ્થા થાય તો કરીએ"
"મેં સામે વળતો પ્રત્યુતર આપ્યો અરે ભાઈ નેકી ઓર પૂછ પૂછ"
મને વિચાર ગમ્યો ને પળવારનો વિચાર કર્યા વિના હામી ભરી દીધી.
પેલી સાઇન વાળી ભાષામાં ઓકે ડન 👍 કરી સહમતિ દર્શાવી.
હવે પળવારનો વિચાર કર્યા વિના હામી તો ભરી પણ આ કામ કરવુ,વ્યવસ્થા કરવી તે પણ થવી તો જોઈએ કે નહી ?
૩ જૂન ઓચિંતા કામ અર્થે બહારગામ જવાનું થયેલ એટલે તે દિવસ તો મારો બાતલ જ ગયો.
આવ્યો ૪ જૂન એટલે ગણતરી આડે બચ્યો એક દિવસ ,મેં નર્સરીમાંથી એક 'કદમ' નામનો છોડ ખરીદ્યો ૫૦ રુપિયા ચૂકવીને.
એક દ્રઢ ગાંઠ વાળી હતી કે ગમે તે થાય આ વખતે ૫ જૂને એક છોડ વાવી પોતાની જાતને કરેલો વાયદો પૂરો તો કરવો જ છે, છેલ્લે સુધી લડી લેવાનો મારો મૂળ સ્વભાવ રહ્યો છે.
છોડ તો લાવતા લાવી દીધો પણ હવે તે છોડને રોપ્યા પછી તેને ઢોર ઢાંખરથી બચાવવા કાંઈક તો જુગાડ કરવો કે નહી.
નહિંતર વાવવા ખાતર તો રોપ વાવી પણ લઈએ પણ પછી એક બે કલાક કે એક દિવસ પછી ઢોર ઢાંખર તેને ઉખેડી નાખે કે ખાઈ જાય તો કશો અર્થ રહે નહી.
સમસ્યા હવે શરુ થઈ "વૃક્ષને બચાવવા પિંજરું ગોઠવવાનો વિચાર મગજમાં આકાર લય બેઠો."
તાબડતોડ ઓફીસના અમારા વડીલ મિત્ર સાથે મેં મારા સ્વ હસ્તે એક અરજી લખીને અમે નજીકની કોર્પોરેશનની ઓફિસ વોર્ડ નંબર ૯ માં આપવા પહોંચી ગયા.
જતા પહેલાં એક વાતનો આનંદ હતો કે ચલો હાઈશ કામ સરળતાથી પતી ગયું પણ અડચણ વગર કોઈ કામ પતી જાય તેવું આજ દિન સુધી મારા સાથે બન્યુ નથી.
જેવાં વોર્ડ નંબર ૯ ની ઓફિસે અમે પહોંચ્યા કે તેઓ એ ત્યાંથી "આવી કોઈ વ્યવસ્થા નથી" તેવો જવાબ આપ્યો.
તેમાના એક ભલા માણસે કયાંથી મળે તે પણ અમને જણાવ્યું "કમાટીબાગ પહોંચી જાવ ત્યાંથી મળી જશે"
નિસાસા સાથે હું પોસ્ટ ઓફિસ પાછો ફર્યો, પણ મારું મનોબળ એટલું મજબૂત હતુ કે આ કામ ગમે તે રીતે પાર પાડીશ તે વાતની ખાતરી મને મારા કરતા વધારે તે શક્તિ પર હતી.
હા હું તે જ શકિતની વાત કરું છું જે અદ્રશ્ય છે પણ વાત તમારી સાચી હોય તો તે તમારી વહારે મદદે આવી પહોંચે છે.આ વાત અહીં કરી રહ્યો છું તેનો અર્થ તમે સમજી શકો છો કે હું જ્યારે જ્યારે કોઈ તકલીફ માં ઘેરાયેલો હોવ છું તેવાં સમયે એ શકિત સિવાય બીજું કોઈ મારી મદદે નથી આવતું.તે મદદ કરનાર એટલે 'ઈશ્વર' જી હા હું તેમની જ વાત કરી રહ્યો છું.
ઓફિસે જેવો પરત ફર્યો કે તેમને ફરી મને બુદ્ધિ સુઝાળી ,
હું બીજા ઓફિસ મિત્ર રાજેશ ગોડીયાને ફોન જોડી બેઠો.
"હા મારી ઓળખાણ છે હું વાત કરું છું"
"અને જો હા પાડે તો લેવાં તારે જવું પડશે"
મેં કહ્યુ "અરે ભાઈ તું પહેલા વાત તો કર ,હું જુગાડ કરી લઈશ"
પણ સાંજ સુધી તે ભાઈનો ફોન ન આવ્યો.આ બધી પળોજણમાં ૪ જૂનનો દિવસ પણ હાથમાંથી સરી ગયો.જો કે સમય કયા આપણી રાહ જોતો હોય છે.તે તો સદાકાળથી વહેતો આવ્યો છે અને તેના વહેણમાં આપણે વહેતા રહ્યા છીએ.
રાત્રે મને ચિંતા સતાવી રહી હતી કે હવે જો પિંજરાની વ્યવસ્થા ન થાય તો ઉગાડતા તો ઉગાડી દેવાશે પણ છોડ તો સચવાશે નહી ? તો છોડ વાવવાનો કોઈ અર્થ ખરો ?
મારે જે કાર્ય પાર પાડવાનું હતુ તે જગ્યા એટલે મારા ઓફિસની બહારની જગ્યા, ત્યાં સાચવવા માટે પિંજરું તો અવશ્ય જોઈએ જ જોઈએ તેના વિના તો ચાલે નહી.
બધી ચિંતા હું ઉપરવાળા છોડી તને સોંપી હું નિરાંતે સૂઇ ગયો.સવાર પડી એટલે ફરી તે જ વિચાર, તે જ સમસ્યાઓ, તેનું સમાધાન મેળવવાં ફરી મન મારું ચકરાવે ચડયું.
ફરી તેને જ બુદ્ધિ સૂઝાળી ફોન જોડ્યો અમારી જ બ્રાન્ચ ઓફિસ સાથે સંકળાયેલા સાજીદ ભાઈ ને "હેલો સાજીદ ભાઈ મારે એક પિંજરું જોઈએ છે અને તે પણ આજે જ જોઈએ.
વળતો જવાબ "જોવ છું અમારી ગ્રામ પંચાયતની ઓફિસે પડયા હોય તો , હતા તો ખરા ? તપાસ કરી જવાબ આપું"
ઠીક છે સાજીદ ભાઈ બને તેમ જલદી જવાબ આપશો.
ઓફિસે પહોંચવાનો સમય થઈ ચૂક્યો હોય,હું મારી એકટિવા સ્ટાટ કરી પોસ્ટ ઓફિસ પહોંચ્યો.
ઓફિસે પહોંચી મેં મારું રૂટિન કાર્ય શરું કરી દીધું.રાજેશ ગોડીયા ભાઈની વાત મને ફરી યાદ આવી ,મેં ઓફિસમાં તપાસ કરી તો તેઓ આની જ વ્યવસ્થા માટે બહાર ગયા હતા.
મને રાહ જોવાનું વાજબી લાગ્યુ મેં તેમના આવતા સુધી ધીરજ બાંધી રાખી.
જેવા તે આવ્યા કે હું કાંઈ પૂછું તે પહેલાં જ તેમને સામો જવાબ
ઘરી દીધો "નથી મેળ પડ્યો ,પણ વાત કરેલી છે એટલે પાછો ફોન કરવા કીધો છે" તેવો જવાબ રાજેશ ગોડીયા ભાઈએ મને વાળ્યો.
હજી થોડી આશા હતી કે પિંજરાની વ્યવસ્થા થશે તો ખરી?
મે રાજેશ ભાઈ ગોડીયાને યાદ કરાવી ફરી ફોન કરાવી જોયો,
પણ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું.
છતાં ઉંડે ઉંડે મારું હૃદય અને મન લડી લેવા માટે મને પોઝિટિવ કરી રહ્યુ હતું.
ફરી મને સાજીદ ભાઈ યાદ આવ્યા તેમને મને જવાબ આપેલો કે "પિંજરા પડ્યા હતા પણ હવે કોઈ નથી અહીં મે તપાસ કરી જોઈ છે." ચલ તો પણ કોઈ જગ્યા એ તપાસ કરું છું, કોઈ જગ્યા એ નકામુ લાગેલું હોય તો તે ગામમાં ફરીને તપાસ કરી જોવ છું.
આ તો હૃદય અને મનને મનાવવા સુધીની વાત થઈ.જ્યા સુધી પિંજરુ આવે નહી ત્યાં સુધી તો બધુ વ્યર્થ જ હતું.
ફરી બીજે ફોન જોડી જોયો ફાલ્ગુની બેન શાહ અમારા એજન્ટ બહેન જેઓના પતિશ્રી કોર્પોરેશન ઓફિસમાં ફરજ બજાવતા હોય કદાચ તેઓ તરફથી કોઈ મદદ બને ?
તેમને ફોન પર વાત કરીને મને જણાવવા તો કહ્યુ પણ પછી ફોન પરત તેમનો આવ્યો જ નહી એટલે આ દરવાજો પણ હવે બંધ થઈ ગયો હતો.
આજનાં આ પર્યાવરણ દિવસ હું જે મારી સેલ્ફને વાયદો કરી બેઠો હતો ,તેમજ આખી ઓફિસમાં ગજવી બેઠો હતો કે "આપણે એક છોડ તો વાવીશુ જ" તે બધાં માટે હું મઝાક બની ને રહી જવાનો વારો , મારો આવી ચૂક્યો હોય.
તેવામાં ફરી મને સાજીદ ભાઈનાં શબ્દો કાને અથડાય છે તપાસ કરું છું કોઈ જગ્યા પર ઝાડ વિનાં નું પાંજરૂ મળી જાય તો ?
ફરી ફોન "સાજીદ ભાઈ કેવું કાંઈ થયું કે નહી ?"
"અરે હા સંજય એક જગ્યા પર પિંજરું છે ,તું આવ તો આપણે તિકમથી ખોદી કાઢી લઈ આવીએ ,તે પિંજરું નક્કામુ જ છે"
"અરે વાહ...હું આવ્યો થોડી જ વારમાં"
અંદરથી ખુશી હતી પણ આ ખુશી ત્યાં સુધી ટકાવી રાખવાની હતી ,કદાચ ખુશી ખોટી સાબિત ન થાય ?
એકટિવા ફરી સ્ટાટ કરી , સાથે બીજા ઓફિસ મિત્ર રાજેશ ભાઈ આચાર્યને સાથે લીધા.
સાજીદ ભાઈ તિકમ લઈ તૈયારી કરીને જ બેઠા હતા.અમે તે સ્થળ પર પહોંચ્યા જયાંથી અમારે પિંજરું ઉઠાવવાનું હતું.
સ્થળ પર નિરીક્ષણ કર્યુ તે પિંજરું વૃક્ષ વગર આમ જ એકલું પડયુ હતું.આ પિંજરું જોયા પછી એટલી ખુશી સાથે લઈ આવેલું કે જાણે "તરસ્યા ને પાણી મળ્યુ"
"ખોવાયેલું નૂર પાછું જડયુ"
"નિસાસા પર આશાની કૂપળ ફુટી"
તમે સમજી જ ગયા હશો , મારી ભાવનાઓને અહીં. પિંજરું લઈને અમારા રાજેશ આચાર્ય સાહેબ બેઠા પાછળ, શાંતિથી હું એકટિવા હંકારી રહ્યો હતો.કેમ કે પિંજરું મોટું હતું. સંભાળીને લઈ જવુ પડે તેમ હતું.
આટલી જહો જહેમત કરતા કરતા તો બપોરના ૧૨ :૩૦ સુધી સમય આવી પહોંચ્યો હતો.જો કે હવે યુદ્ધ હું જીતી ચૂક્યો હતો.વિજય તરફ આગળ વધતા મને કોઈ રોકી શકે તેમ નહોતું સિવાય ઉપરવાળાથી.
ખાડો ખોદાવા માટે એક મજૂરની વ્યવસ્થા કરવામાં આવી,તેમની પાસે ખાડો ખોદાવી તેમને ચૂકવણી રુપે ૬૦ મજૂરી ચૂકવી.
કદાચ તિકમ, પાવડો હોત તો હું જાતે જ મજૂર બની જાત,પણ આ ઓજાર નહોતા મારી પાસે અને ન તો સમય હતો.
તાત્કાલિક ઓફિસ મિત્ર સિદ્ધરાજ ભાઈને સાથે લીધા અને હું પહોંચ્યો માટી લેવા , ખાડો ખોદયા પછી માટી તો નાખવી કે નહી.
હવે બધું તૈયાર હતું, ઓફિસનાં સ્ટાફ મિત્રો તેમજ અમારા એસ. પી. એમ. સાહેબના શુભ હસ્તે આ છોડને રોપવાની કામગીરી શરું કરી ,યાદગીરી રુપે ફોટોઝ ક્લિક કરી આ ક્ષણોને કેદ કરી લીધી. ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસને યાદગાર બનાવી દીધો.અને આ કાર્ય માટે વિકટ પરિસ્થિતિઓનો સામનો કર્યા બાદ જે સફળતાં મળી તે મારા માટે એક વિજેતા બનવા જેવી ઉપલબ્ધિ લઈને સાથે આવી હતી.
અહીં ફોટોઝ મૂકી મારો આજનો અનુભવ આપની સાથે સેર કરી રહ્યો છું.
સંજય તરબદા "સાંજ"✍🏻
