વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઈચ્છાઓ

ઈચ્છાને તે વળી નવું કે જૂનું કંઈ હતું હશે? એ તો નાની નાની વાતમાં ઉદ્ભવે. કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા, કંઈક ખાવાની ઈચ્છા, ફરવા જવાની ઈચ્છા કેટકેટલી ઈચ્છાઓ, ને વળી વ્યક્તિ વ્યક્તિએ તેનું સ્વરૂપ અલગ. એક પૂરી થાય ત્યાં નવી જાગે. સંસારમાં ઘટતી દરેક ઘટનાઓના મૂળમાં એ જ તો કારણભૂત છે. દરેક દુઃખનું કારણ ઈચ્છાઓ જ તો છે, પરંતુ કલ્પના કરો કે ઈચ્છાઓ વગરનું જીવન હોઈ શકે ખરું? અને જો હોય તો એ કેવું હોય?   નહિ ખાવાં - પીવાની કે નહિ કશું મેળવવાની ઈચ્છા તો નહિ કંઈ કામ કરવાની ચિંતા. ઉઠો, બેસો અને સૂવો ફરી પાછા ઉઠો... એ જ ઘરેડ પ્રમાણે. લાગે ને કેવું?શુષ્ક અને નિરસ.

     ભગવાને તેથી જ તો આપણને ઈચ્છા આપી છે. ખરેખર! જો આ એષણાઓ ન હોત ને તો જીવનમાં કદાચ કોઈ રસ જ ન હોત!

       દરેક વ્યક્તિને કંઈકને કંઈક મેળવવાની, પામવાની ઈચ્છા હોય છે. કોઈ એને અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરે છે તો કોઈની ઈચ્છા હોઠ પર આવતાં પહેલાં જ પાણીના પરપોટાની માફક અંદરને અંદર જ  વિખેરાઈ જાય છે. 

      બધી ઈચ્છાઓ સુખ અને આનંદ મેળવવા માટે જ હોય છે પણ અત્યાર સુધીમાં આ ઈચ્છાએ કેટલાને તેમનાં લક્ષ્ય સુધી પહોંચાડ્યા અને સુખ આપ્યું હશે? ઈચ્છાની પ્રકૃતિ કેવી છે? એ પૂરી થશે કે નહીં એ આવતીકાલ કે ભવિષ્ય પર આધારિત છે, જ્યારે આપણો માનવ મનનો આનંદ, આપણી ખુશી, વર્તમાન પર આધારિત છે. છતાં પણ આપણને ઈચ્છા થાય છે અને એ એષણાઓ પૂર્ણ કરવા પ્રયત્નશીલ બનીએ છીએ. એષણાઓ પૂરી કરવા આપણે સતત દોડીએ છીએ જ્યારે કોઈ  તમન્ના આપણી અંદર સળવળતી હોય ત્યારે આપણે કોઈ વાતનો આનંદ માણી શકીએ છીએ ખરા? આપણને કંઈક મેળવવાની, પામવાની ઈચ્છા આપણને સુખ તરફ લઈ જાય છે પણ એ સુખ કેવું? માત્ર ભૌતિક સુખ, આત્મિક નહીં. આપણાં આત્માનો મૂળ સ્વભાવ છે શાંતિ, સંતોષ. જો મનથી આપણે ખુશ હોઈશું, શાંત હોઈશું તો જ સુખી રહી શકીશું. તો સુખી રહેવા માટે જરૂરી શું છે? ઈચ્છાઓની પૂર્તિ. આ ઈચ્છાઓની પૂર્તિ ક્યાં થાય છે કદી? એ તો દરિયાનાં મોજાં જેવી એક ઉછળીને કિનારે પડે ત્યાં પાછળ બીજું ઊભું જ હોય, એમ એ પણ એક પૂરી થાય ત્યાં બીજી જાગે. આ માનવ મનની ઈચ્છાઓ કદી ખતમ થતી જ નથી.
           ઈચ્છા તો દરેકને હોય છે. બાળક, યુવાન, વૃદ્ધ, અરે! પાગલ માણસને, નિરાશાવાદી માણસને પણ ઈચ્છા તો હોય જ. આ મને નહીં મળે, આ તો કદી થશે જ નહિ, એક પળે એવું નકારાત્મક બોલે, બીજી પળે ફરી પાછું આમ થઈ જાય તો સારું હો! એવું બોલીને પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં હોય છે.
        બાળકોને રમકડાંની ઇચ્છા. થોડા મોટાં થાય તો મોટું રમકડું મેળવવાની. હવે તો બાળકો પણ મોબાઈલ ને એમાંય મમ્મી પપ્પાને પર્સનલ મોબાઇલ છે તો એ પણ પર્સનલ મોબાઇલની ઈચ્છા વ્યક્ત કરતા થઈ ગયા છે‌.
          યુવાનોને નોકરીની, છોકરીની અને જેને કોઈ યુવતી પસંદ આવી ગઈ હોય એને તો પ્રેશર કુકરમાં ફટફટ ધાણી ફૂટતી હોય ને એમ મનમાં જલ્દી જલ્દી લગ્ન કરી લેવાની ઈચ્છા ઉભરતી હોય છે, તો પ્રૌઢ અને વૃદ્ધોને પણ ઈચ્છા તો હોય જ.
           પથારીવશ પડેલા વૃદ્ધોને પણ કોઈ આશ્રમમાં રૂપિયા દાન કરવાની, બેન દીકરીઓને કપડાં દાન કરવાની વગેરે  ઈચ્છાઓ હોય છે. અરે, મેં તો ઘણાં વૃદ્ધોને ઈચ્છા મૃત્યુની; 'અરે! હાં ભીષ્મપિતામહની જેમ મારે તો ઈચ્છા મૃત્યુ જોઈએ.' એવું કહેતાં પણ સાંભળ્યા છે. લો બોલો, છે ને ઈચ્છાઓ અનંત. છે ક્યાંય આપણી ઈચ્છાઓનો અંત? 
         કોઈ બાળકને આપણે પૂછીએ કે તારે શું બનવું છે? તો એ મસ્ત મજાનો ઉત્તર આપે ને કહે ડોક્ટર, એન્જિનિયર કે પાયલટ. જે બાળકને બાથરૂમ ક્યાં જવું, અથવા કયા હાથથી જમવું એ પણ ખબર નથી એ બાળકની પણ આટલી મોટી મોટી તમન્નાઓ હોય છે પાછાં આપણે પણ તેની એ ઇચ્છાને પોરસ ચડાવીએ અને કહીએ, 'હા, હા ઈચ્છાઓ તો રાખવી જ જેથી આગળ વધી શકાય અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આગળ વધવાની ધગશ હોય ને તો તમારી ઈચ્છાની પૂર્તિ થાય અને સફળતાના શિખરો સર કરી શકો. 
         એમાંય અત્યારના યુવાનોને તો વિદેશ જવાના બહુ અભરખા. કોઈને વિઝા મળે  ને કામ હેમખેમ પાર પડી જાય તો એ જે તે જગ્યાએ નોકરી મેળવી, સારી કમાણી કરી લે. તો કોઈને વિઝા જ નથી મળતાં ને તેમની ઈચ્છા ઉપર ત્યાં જ પાણી ફરી વળે છે‌. વળી કોઈ અહીંથી વિઝા મેળવી વિદેશની ધરતી પર પગ મૂકે ને ત્યાં અન્ય લોકોની છેતરપિંડીનો ભોગ બની જાય છે. તો  વિચારો આપણી ઈચ્છાઓ આપણને કેવા કેવા ફસાવે છે?
          આ ઈચ્છાપૂર્તિમાં તો પુરુષની હાલત ક્યારેક ઘાણીના બળદ જેવી થાય છે. પુરુષની પોતાની, બાળકોની, પત્નીની અને પરિવારમાં માતા-પિતા કે અન્ય સભ્યોની ઈચ્છા પૂર્ણ કરવા તનતોડ મહેનત કરવી પડે છે. ખૂબ પરિશ્રમ કરવા છતાં એટલો રૂપિયો નથી રળી શકતો કે બધાંની ઈચ્છા પૂરી થાય, ત્યારે ઘરમાં તાણ અને ચિંતાગ્રસ્ત વાતાવરણ ઊભું થાય, ને એમાંય જો પત્નીની કોઈ માંગ પૂરી ન થાય તો બિચારો આખા દિવસનો કામથી થાક્યો પાક્યો ઘેર આવે ત્યારે પત્નીનું મોઢું ચડેલું હોય. પાણીનો ભાવ પૂછવાના બદલે સીધા વાક્રોક્તિથી તેનું સ્વાગત કરવામાં આવે છે. જાય તો બિચારો પુરુષ જાય ક્યાં? આ તો થઈ એક પત્નીની વાત પણ ઈચ્છા તો દરેક માનવને હોય ને?
         ઘરનાં અન્ય સભ્યોની ઈચ્છા પૂર્ણ ન કરી શકવા બદલ એ પોતાની જાતને દોષ દેતો સવળા રસ્તેથી ક્યારે અવળા માર્ગ પર ચાલવા માંડે ને બે નંબરના કામ કરવા લાગે એ પણ ધ્યાન બહાર રહી જાય અને પછી એ બે નંબરના કામમાં ક્યારેક પોલીસ તો ક્યારેક રાજકારણીઓના ચક્રવ્યુહમા એવો તો ફસાઈ જાય કે બહાર નીકળવાનો રસ્તો જ ન મળે‌. પછી તો મોટી માછલી નાની માછલીને ગળે એમ ઈચ્છાઓની પૂર્તિ કરવા એ બે નંબરની દુનિયાનો બાદશાહ બની જાય અને નાના લોકોનું શોષણ કરવા માંડે.
          ઘણાં લોકો એવાં પણ હોય છે જેને ખોટા કામ કરવા પસંદ નથી હોતાં ત્યારે તે સાચના સિપાહી બની સત્યના માર્ગે ચાલી સતત મહેનત કરી ઘરનાઓની અને પોતાની ઈચ્છાપૂર્તિ માટે કાર્યરત રહેતા હોય છે. દરેક વ્યક્તિને સફળતા મળે જ એ જરૂરી તો નથી ને. કોઈકને નિષ્ફળતા પણ સાંપડે. એ પડે, ઊભો થાય, ફરી પડે, ફરી ઉભો થાય એ પ્રક્રિયા અવિરત ચાલુ રહે.‌ એક ને એક માણસને વારંવાર નિષ્ફળતા મળે ત્યારે હતાશાની ગર્તામાં ધકેલાઈ જાય છે. કહેવત છે ને દુઃખનું ઓસડ દહાડા. થોડાં દિવસ કે થોડો વખત એ હતાશામાં પસાર કરી ફરી કોઈ નવી ઈચ્છા પૂર્ણ કરવા પ્રયત્નશીલ બને છે. રણમાં ગમે તેટલો વરસાદ પડે તો ય ત્યાં કદી મીઠી વીરડી દીઠી છે? તો આપણી ઈચ્છાઓ કેમ તૃપ્ત થાય? એ પણ તો રણ જેવી તરસી જ છે. એક વ્યક્તિની નવું બાઈક લેવાની ઈચ્છા થઈ ને તેણે લીધું તો તેને જોઈને તેનાં મિત્રોને પણ એ ઈચ્છા થાય. નદીનાં પ્રવાહની જેમ એ અવિરત વહેતી જ રહે છે. અહીં ચિનુ મોદી 'ઈર્શાદ'ની પંક્તિ યાદ આવે છે,
"આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથ પગ છે એ વાત આજે જાણી.

શીતલ ચંદારાણા *ધનેશા*


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ