હું અને મારી કલમ
દરેક શબ્દ મારા જાણે લાગણીના વાહક,
ફક્ત ફૂલ નહીં હું તેના કાંટાનો ચાહક.
એના માટે લખવું મારી એક આદત,
સ્મિત તે ચહેરાનું બન્યુ જાણે રાહત.
ગાતો હું ગીત, ન સમજમાં સૂર કે ન બેસે પ્રાસ.
હસતી રહે તે, ખીલતાં રહે મારા દરેક શ્વાસ.
સુંદર હતું એક સ્વપ્ન, ખુલ્લી આંખે તૂટ્યું,
હસતો સમય મુજ પર, જીવન જાણે છૂટ્યું.
ઘેરાયા વાદળ, ન ભરી જળ, ભરી તેણે ઘોર નિરાશા,
તુટી જે કલમ, શાહી વાળી આંગળીએ લખી આશા.
સ્વપ્ન ભલે તારું તૂટ્યું, જો તું એક નવી પ્રભાત,
માન્યું ઘોર અંધારી પરંતુ જરુરી હતી તે રાત.
ભૂલ નહીં ઠોકર જ બનાવે એક ઉત્તમ રતન,
મળ્યું એક નવું જીવન જેની ચૂકવી તે રકમ.
ન વિચાર કે સમગ્ર દોષ ફક્ત કિસ્મતનો,
મનુષ્યનો સ્વભાવ જ છે ફક્ત નિસ્બતનો.
અપરાજિત છે તુ, કદી ન હાર્યો કે હારીશ,
આજે નહીં તો કાલે કાંઇક તો કરી બતાવીશ.
જે કંઈ પણ લખ્યું તે, તે હતી તારી પ્રીત,
લેખક છે તું, હરહંમેશ તારી આજ રીત.
ભલે બીજા કાજ, પરંતુ શબ્દ તારા, તારી કલમ છે,
જીવન નથી સરળ આ, તારા શબ્દ જ મલમ છે.
કદી ન જોઈશ તું નીચું, ઉંચી કર તારી આંખ,
બાંધે જ્યારે આ દુનિયા પગ, ખોલ તું પાંખ.
લેખન છોડીશ પરંતુ લેખન તને કદી નહિ છોડે,
ફક્ત તું એક જ છું તારી જાત સામેની હોળે.
જાણ તું શબ્દોની તાકાત, સાક્ષાત પ્રલય છે.
તને કોણ શું કરી શકવાનું? તારું નામ અક્ષય છે.
