વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાનિધ્ય ની સફરે

“ સાનિધ્ય  ની સફરે “

આજે સાનિધ્યમાં એક ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. આજે ભાગૅવી બેનનો જન્મ દિવસ હતો. સૌ ભેગાં મળીને આનંદ કિલ્લોલ કરતાં કરતાં અંતાક્ષરી, સંગીત ખુરશી, જેવી રમતો રમીને એમનો જન્મ દિવસ ઉજવતાં હતાં. રમત રમીને બધાં જાણે નાના નાના બાળકો બની ગયાં હતાં. કેવા એકબીજાને ખુશી આપીને ખુશખુશાલ થતાં જોવા મળતાં હતાં. બસ ખોટ હતી તો દરેકને પોતાના પરિવાર ની જ.

હા, “ સાનિધ્ય “ એક વૃધ્ધાશ્રમ જ હતો. ને જે લોકો અહીં રહેતા હતાં એ બધા જાણે એકબીજા ના સાનિધ્યમાં રહેવા માટે અહીં ની સફરે આવ્યા હતા. જેમને પોતાના પરિવારે તરછોડ્યા હતાં તો વળી કોઇ પોતાની જાતે જ અહીં આવીને વસ્યાં હતાં. પણ કથની તો કંઈક અંશે બધાની સરખી જ હતી. છતાંય પોતાના પરિવાર થી દૂર થઈને એમને શરૂઆત માં  તો ઘણું ઘણું કષ્ટ પડતું હતું .પણ ,સમય જતાં સૌ એક મેક ના સ્નેહ ના તાંતણે બંધાઈને રહેવા લાગતાં. પછી તો આજ એમનો પરિવાર  બની જતો.અહીં સૌના ચહેરા ઉપર એક નિર્દોષ હાસ્ય રેલાતું હતું. જીવનના છેલ્લા પડાવે પહોંચી ને એમને અહીં પોતાના જ સ્વજનો  હોય  એવી હૂંફ મળતી રહેતી હતી. આ એવા સ્વજનો   બની ગયા છે કે જેમની સાથે  કોઇ લોહીનો સંબંધ નથી ,છતાંય એનાથી પણ ચડિયાતો એવો અતૂટ લાગણી નાં સંબંધ  બંધાઈ ગયા હતા. એકની ખુશી એ જ આખા સાનિધ્ય ની ખુશી ને જો કોઇ એક ઉપર દુખ આવે તો આખું સાનિધ્ય એની પડખે ઉભું રહેતું, જાણે એ દુખ પણ સૌનું સહિયારું જ ના હોય !

આવા જ સુંદર, ને રમણીય એવા સાનિધ્યમાં ભાગૅવીબેન ને આવ્યે ઘણાં વર્ષો થયા હતા. પોતાના સુંદર કંઠે ભજન – કિર્તન કરીને અને પ્રેમાળ ને લાગણી શીલ સ્વભાવને કારણે સૌનાં માનીતા થઈ ગયા હતા.  શરૂઆત માં થોડાં વર્ષો સુધી સુજલ એના મમ્મી ના જન્મ દિવસે અચૂક આવતો,  દંડવત પ્રણામ કરતો,  ને બધાં માટે મોટી કેક પણ લાવતો ને પછી બધાં સાથે પોતાની મમ્મી નો જન્મ દિવસ ઉજવતો હતો. ત્યારે આ બધું જોઈને સૌને એમ થતું કે  મા – દીકરા વચ્ચે  આટલો બધો પ્રેમ છે,  છતાંય એણે એની મમ્મી ને અહીં મૂકી દીધી ?  કેમ  ? શું હશે? પણ બધાં મનમાં વાત રાખતાં કોઇ ની હિંમત નોહતી પુછવાની. આમેય સાનિધ્ય નો નિયમ હતો કે અહીં જે કોઈ આવે એમને અહીં આવવાનું કારણ પુછવું નહીં, કેમકે કોઈના હૃદય પર પડેલા ઘા ને ફરીથી તાજા કરીને દુખી શા માટે કરવા ? કોઈના ઘા ને ખોતરીને શું મળે? કશું નહીં. સૌને ખબર જ હતી કે અહીં આવનાર દરેક ને કોઇને  કોઇ મજબૂરી તો હતી જ .બસ અહીં આવ્યા એટલે એ સાનિધ્ય નો એક હિસ્સો બની ગયા.

           હમણાં  ઘણાં સમયથી સુજલ આવતો નહોતો. આજે  પોતાનો જન્મદિવસ હતો એટલે  આજે સુજલ આવશે જ એવી આશા હતી .પણ   રાહ જોવા છતાં  એ ના આવ્યો. છતાંય ભાગૅવીબેન ની સવારથી  સાંજ સુધી જે આંખ દરવાજે મંડાયેલી હતી એ ભીની બની . એમણે હળવેથી આંખ મીંચી ને પોતાના ભૂતકાળમાં સરી પડ્યાં.    હા મને યાદ છે એ દિવસે સુજલનો પહેલો જન્મદિવસ હતો. અમે એ દિવસે કેવી તૈયારી કરી હતી  ! અને એના પપ્પાને હૈયે તો કેટલો હરખ હતો ! ઘરને કેવું શણગાર્યું હતું !                                         સગાં સંબંધી , ને પાડોશીઓ ને આમંત્રણ આપ્યું હતું. અમે આખું ઘર શણગારવામાં કોઈ કમી નોતી રાખી. રાખે પણ કેમ? અમારા લાડકવાયાનો જન્મ દિવસ હતો .નાનાં નાનાં ભૂલકાંઓ ની માટે સુંદર મજાની ગીફટ સજાવી હતી, બધાં એ બથૅડે કેપ, અને ચશ્માં પહેરીને  ઘમાલ મસ્તી કરી મૂકી હતી. સુજલ ની સાથે સાથે આજેબધાં બાળકો પણ   ખૂબ ખૂબ ખુશ હતાં.  રમત રમી ને જમીને સૌ પોતાની ગીફટ લઈને જ ઘરે ગયા હતાં. આમ  અમે એનો જન્મદિવસ કેવો ધામધૂમથી ઉજવ્યો હતો  વળી ભાગૅવીબેને આંખ ખોલી, એક – બે ટીપાં આંસુ નાં વળી ખરી પડ્યાં, છાતીનાં પાટીયા બેસી જાય એવી એમના જીવનની વસમી ઘટના એમની નજર સામે ઉજાગર થઈ.

                   ત્યારે સુજલ  માત્ર  દસ જ વષૅનો હતો ને એના પિતા નું અકસ્માતમાં અવસાન થયું હતું. હવે ઘરની તમામ જવાબદારી  મારા શિરે આવી પડી હતી.ઘણું ઘણું કષ્ટ પડ્યું હતું મને  સુજલને મોટો કરવામાં.  છતાંય હું હિંમત નોતી  હારી.  કેવા  કષ્ટદાયક દિવસો હતા  એ ? આજે એ દદૅ , એ પીડા, એ વેદનાનું શું વણૅન કરું ? પોતાના મનને જ પુછતાં ને સ્વગત જ પાછા બબડીને  પોતાને જ કહેતાં કે ભૂલાતું હશે એ ?  હા તે દિવસે   મારી બેન મીરાં ઘરે આવી હતી ને સુજલ  ને રમાડતી હતી. ને પછી એણે ઘરે જતી વખતે સુજલનાં હાથમાં બે રૂપિયા નો સિક્કો આપ્યો ને કહ્યું કે  લે તું  વાપરજે . સુજલ  ઘણાં સમયે બે રૂપિયા નો સિક્કો જોઈને ખુશ થઇ ગયો હતો. એના પપ્પા રોજ એને પૈસા આપતાં .પણ મમ્મીએ હવે  પૈસા આપવાનું બંધ કરી દીધું હતું.આજે ઘણા સમયે માસીએ પૈસા આપ્યા ને ખુશીમાં ને ખુશીમાં નાચવા લાગ્યો હતો ને રમત રમતમાં પૈસા મોઢામાં નાખી દીધાં ને અચાનક જ એ ગળામાં ઊતરી  ગયા. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો, ને  મારા તો હોશકોશ જ ઉડી ગયા હતા.   ને મને યાદ છે એ દિવસ !હું કેમ કરીને ભૂલું ? ઘરમાં ફૂટી કોડીયે નોહતી તોય હું સુજલને લઈને દવાખાના નાં પગથિયાં ચઢી હતી. ડોક્ટરે સુજલને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લીધો ને એક નાનું એવું ઓપરેશન કરીને સિક્કો બહાર કાઢી લીધો હતો.અને પછી  મેં મારો હાથ હળવેથી મારી કાનની બુટ ઊપર મૂક્યો હતો. ઘણાં ઘણાં હેતથી એમણે મને સોનાની બુટ્ટી કરાવી આપી હતી. એ બુટ્ટી ને મેં હળવેથી ખોલી હતી, એ ખોલતાં મારા હાથ પણ ધુ્જ્યા હતા ને આંખ માંથી ખરતાં આંસુ પણ કદાચ ધુ્જ્યા હશે .અને મેં એ સોનાની બુટ્ટી ગિરવે મૂકીને ડોકટર નું બિલ ચુકવ્યું હતું. અને મારી સુની બુટ જોઈને સુજલે મને પુછ્યું હતું કે મમ્મી તારી બુટ્ટી ક્યાં ગઈ ? એ દિવસે કેટલું રડી હતી હું !  મને જનકની ખૂબ ખૂબ યાદ આવી હતી.  પણ માતાજી ની દયા કે ઉપર બેઠેલા મારા સુજલના પિતા ના આશીર્વાદ હતાં ? મારો સુજલ હેમખેમ હતો. હસતાં હસતાં એ બહાર આવ્યો ને મારી આંખોને રડતી જોઈને તરતજ બોલ્યો , “ મમ્મી  હું સમજી ગયો મને માફ કરી દે  .હવેથી હું તને કદી હેરાન નહીં કરું.”  અને સાચેજ એ દિવસ થી સુજલ એક આજ્ઞાકારી પુત્ર બની ગયો હતો. આવા તો કેટકેટલાય  પ્રસંગો યાદ કરું? પણ છતાંય બધું હેમખેમ પાર ઉતરતું જતું હતું. ને સમય જતાં મેં સુજલને એક સારો એન્જિનિયર બનાવ્યો હતો. ખૂબજ કષ્ટી વેઠીને પણ જનકનું સપનું પુરું કર્યું હતું. આજે સુજલને એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં નોકરી છે. અને એના લગ્ન પણ સુખી ને સાધનસંપન્ન પરિવાર ની દીકરી સુહાના સાથે કરાવી દીધા છે. સુજલ ખુશ છે ને હું પણ. બસ અમારા ત્રણ નો એક હસતો ખેલતો પરિવાર હતો. શરૂઆત માં તો સુહાના બહુજ સરળતાથી ને સહજતાથી રહેતી હતી, પણ છતાંય એને જાણે કાંઈક ખૂટતું હતું, એ પોતે માલેતુજાર પરિવાર ની એકનીએક દીકરી હતી , અને ખૂબજ સ્વતંત્રતા થી રહેવા ટેવાયેલી હતી, હરવું, ફરવું ને મોજશોખ કરવા.એમાં જ એની ખુશી હતી. એટલે અહીં એને થોડું બંધન લાગતું હતું પણ મેં એને બધીજ છૂટ આપી હતી. સુજલને નોતું પસંદ એનું આમ મોડી રાત સુધી પાર્ટી માં રહેવું,  રાતનાં શો માં સિનેમા જોવા જવું,  પણ સુહાના એનું સાંભળતી જ નહીં. ઘણીવાર બેઉ વચ્ચે તણખાં પણ ઝરતાં, પણ સુજલે જ નમતું જોખવું પડતું, હું સુજલને જતું કરવાનું સમજાવતી ને છતાંય સુહાના ને એમજ લાગતું કે હું સુજલને ચડાવું છું ને એટલે જ એમની વચ્ચે ઝગડા થાય છે. ને એક દિવસ એક સાવ નાની એવી વાતમાં બેઉ વચ્ચે બહુ મોટો ઝગડો થયો ને હું મારા ઓરડામાં બેઠી સાંભળતી હતી, સુહાના ને બોલતાં સાંભળી કે ,”  હું નથી ઈચ્છતી કે તારી મમ્મી નો પડછાયો પણ આપણા સંતાન ઊપર પડે, હું એને એમના જેવા નથી બનાવવા માંગતી, એટલે હવે તું નક્કી કરી લે કે મારે બાળક જન્મે એ પહેલાં તારી મમ્મી ને ક્યાંક મોકલી દે અથવા હું હંમેશ ને માટે મારા પિયર જતી રહું ? “.

ને આ સાંભળીને સુજલે તેને ઘણું સમજાવી, કે એ મારી મા છે, એણે કેટલી કઠીનાઈ વેઠીને મને મોટો કર્યો છે ને ભણાવ્યો છે, એ સાથે હશે તો આપણું બાળક પણ સચવાઈ જશે ને આ ઉંમરે એમને જ્યારે આપણી જરૂર હોય ત્યારે એમને ક્યાં મોકલવા? ના ના મારાથી આ નહીં થાય. ને એજ રાત્રે મેં નક્કી કરી લીધું હતું કે મારે એમના દામ્પત્યજીવન માં આગ નથી લગાવવી. મારે લીધે એમણે છૂટું શા માટે પડવું? ના હું એવું નહીં થવા દઉં. ને બીજા દિવસની વહેલી સવારે મેં સુજલને મારા ઓરડામાં બોલાવીને કહ્યું કે ,” બેટા તું મને વૃધ્ધાશ્રમ માં મૂકી જા, મારા કારણે તમે બેઉ છૂટા ના પડતા, સુહાના તો બાળક બુદ્ધિ છે, થોડો સમય ગુસ્સો છે એને, પછી તો એજ મારા વિના નહીં રહી શકે ને એજ મને તેડવા આવશે જોજેને ! .સુજલની આંખોમાં આંસુ આવી ગયા. કેવી રીતે મારા હાથે જ હું એ માને વૃધ્ધાશ્રમ માં મૂકવા જાઉં ? ના હું નહીં કરી શકું એ કામ ! પણ હું મક્કમ નિર્ધાર કરી ચૂકી હતી. ને મેં જાતેજ મારા કપડાં લીધા ને માતાજી ના મંદિરમાં જઈને પગે લાગી ને સુજલ ને સુહાના ને હંમેશાં સાચવીને રાખજો ને સદાય એમને ખુશ રાખજો એવી પ્રાથૅના કરીને પછી સુહાના પાસે જઈને પ્રેમ થી એના માથે હાથ ફેરવતાં બોલી  હતી , ” બેટા, તને સારા દિવસો છે એવી મને હજુ ગઈકાલે જ તમારી વાત સાંભળી ત્યારે ખબર પડી છે, તો બેટા તું ગુસ્સો ના કરતી, ને તબિયત સાચવજે તારી, હું આજથી હવે વૃધ્ધાશ્રમ માં રહેવા જાઉં છું. ને આ લો આ ઘરની ચાવી ને આ આખું ઘર તમને સોંપી ને હું જાઉં છું. હવે તમે આ બધું સાચવજો. એમ બોલતાં જ મારી આંખોમાં આંસુ આવી ગયા ને વધારે ઢીલી પડું એ પહેલાં જ ત્યાં થી સડસડાટ બહાર નીકળી ગઈ હતી.  સુજલ પાછળ  પાછળઆવ્યો હતો, ખૂબરડ્યો હતો, ખૂબ મનાવી  હતી મને, ઘર ના છોડવા માટે ઘણી બધી વિનંતી કરી પણ મારો મક્કમ નિર્ધાર હતો ને હું નીકળી ગઈ હતી ને  સીધી અહીં સાનિધ્યમાં આવી.  અને ભાગૅવીબેને આંખ ખોલી, અને જાણે હમણાં જ આ વૃધ્ધાશ્રમ માં આવી હોય એવો એમને ભાસ થયો .ત્યારથી આજ મારું ઘર છે. સુજલ ઘણી વાર મને લઈ જવા આવતો પણ હવે તો આજ મારુ ઘર છે એમકહીને હું જતીનહીં. બસ ત્યારથી આ સાનિધ્ય જ મારું ઘર છે.અને અહીં રહેતાં બધાં જ મારા પોતાના આપ્તજનો છે. હા ખોટ સાલે છે તો એક દીકરા ની !  પણ એ પણ શું કરે ?  અનેપત્ની તરીકે સુહાના  એક  કકૅશા , કજિયાખોર સ્વભાવ ને લીધે  એણે સુજલને મારાથી દૂર કર્યો.એ કદાપિ મને  દૂર કરે જ નહીં .પણ  હું મારી જાતેજ એ સુખી રહે એ માટે  જ એમનાથી દૂર નીકળી ગઈ છું.હશે એના સંસાર માં એ ખુશ રહે એજ મારી મહેચ્છા.

સમય ને જતાં ક્યાં વાર લાગે છે ?  દિવસો નહીં પણ વર્ષો વીતી ગયાં, ને મારા સુજલનાં કોઈજ સમાચાર જ નહોતાં. એક મા છું ને ! ચિંતા તો થાય જ ને! એનાં ઘરે પણ એનાં સંતાનો મોટા થઇ ગયા હશે ! ખબર નહીં કેવા દેખાતાં હશે ?  સુહાના એ એમને મારા વિશે શું કહ્યું હશે ?  શું એ લોકો પણ મને યાદ કરતાં હશે ? ને આમ વિચારતાં જ ઘણી વાર મને દોડીને સુજલનાં ઘરે જઈને બધાં ને મળવાની તીવ્ર ઈચ્છા થઈ જાય છે. પણ તરતજ સુહાના એ બોલેલા શબ્દો મને રોકી દે છે. ને એક હળવો નિસાસો નંખાઈ જાય છે. ને બસ આવીજ રીતે એમની યાદ ને હૈયામાં ભરીને સાનિધ્ય નાં સ્વજનો સાથે હૈયું હળવું કરીને જીવું છું. 

                   વળી એક દિવસ  ભાગૅવીબેન ના કાને વાત આવી કે સુજલનાં દીકરાનાં લગ્ન કરી દીધાં છે અને મારી સમગ્ર આશા ઊપર પાણી ફરી વળ્યું, મને એમ હતું કે એ દિવસે તો મને અવશ્ય ઘરે લઈ જશે. પણ મારા વિચારો નો ફેરો હર વખતની જેમ  ફોગટ  ગયો . વળી પાછા બીજા કારમાં સમાચાર એમના કાને અથડાયા હતા , કે સુહાના એ એના જીવનમાંથી મને તો દૂર કરી હતી , ત્યાં સુધી બરાબર હતું, પણ, આજે  એણે સુજલને પણ દૂર કર્યો. ભાગૅવીબેન વિચારવા લાગ્યા મારા જ કારણે , મને લાવવાની જીદ સુજલે કરી હશે. અને  સુહાના એ ધરાર ના પાડી હશે. ને સાવ ગળે આવી ગયેલા સુજલે એની સામે  મારા માટે , મને ઘરે લાવવા માટે બંડ પોકાર્યું હશે. ભાગૅવીબેન ની નજર સામે  દીકરો વહુ લડતાં હોય એવું દ્રશ્ય ખડું થયું.  એમની આંખ માંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.  પોતાની જાતને  અભાગી ગણીને કોશવા લાગ્યા . વળી મનોમન બબડ્યા પણ ખરાં.

“  એ બેઉની વચ્ચે હું હોઉં તો ઝગડા થતાં, આજે હું એ બેઉ ની વચ્ચે હાજર નથી તોય મારા કારણે  આજે   ….. ?   આટલા વર્ષો સુધી સુજલે સુહાના ને સહન કરી હતી પણ આજે તો એણે બોલવામાં માઝા મૂકી હતી ને એટલે આવી કકૅશા પત્ની થી હારેલો પતિ કરે તો શું કરે ? પણ સુજલ સમજદાર હતો. દીકરા ને દુખી કરવા નોતો માંગતો, ને એણે સુહાના એ કરેલું અપમાન પણ ગળી લીધું ને  દીકરાનાં લગ્ન ધામધૂમથી પતાવ્યા. દીકરો વહુ આંગણે આવ્યા ને સુહાના એમને પોંખવા ગઈ ને વહુએ મોં ફેરવીને સાસુનો હાથ હડસેલી દીધો ને બોલી ના મમ્મી મારો મેકઅપ બગડશે. રહેવા દો. ને સુહાના જાણે સ્તબ્ધ બનીને ઠરી જ ગઈ. ને એકી ટશે દીકરો ને વહુને જોવા લાગી. ને પાછું વળીને એણે સુજલ સામે જોયું પણ સુજલ પણ મોઢું ફેરવી ગયો. ને સુહાના ઝંખવાઈ ગઈ.  લગ્ન પતી ગયા ને બીજે દીવસે જ નવ દંપતિ  હનીમૂન  મનાવવા ઊપડી ગયા.  પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે સુજલ પણ હવે સુહાના થી ખૂબજ ત્રાસી ગયો હતો . આટલા વર્ષો પછી પણ એનામાં કોઈજ સુધારો નોતો આવ્યો હવે આ ઢળતી ઉંમરે વધારે નોતું વેઠવું એટલે સુજલ પણ ચૂપચાપ ઘર છોડીને  નીકળી ગયો. ઘરનો ઉંબર ઓળંગતા એનાથી એક ડૂસકું નંખાઈ ગયું. ને એનું રડતું હૈયું બોલ્યું,

“   બા.    જેવી  બા  ને મારાથી. જુદી કરી તોય  આનું મન ના ભરાયું . આખર હું અહીંયા દુખી થતો રહ્યો ને બા ત્યાં .”

અને એ પાછળ લમણું વાળ્યા વગર સડસડાટ ચાલી નીકળ્યો.  અને આજે ,

સાનિધ્ય નાં દરવાજા માં આંસુ ભરી આંખ  લઈને  સુજલ પ્રવેશ્યો. અને એજ સજલ નેત્રે મમ્મી નાં  ચરણોમાં  રીતસરનોઢગલો થઈ ને  ઢળી પડ્યો.

હવે સુહાના એકલી પડી  અને ભાગૅવીબેન સુજલને આમ જોઈને ઘડીભરતો દંગ જ થઈ ગયા. એજ આંસુભરી આંખે સુજલ બોલ્યો ,

“ મમ્મી હું તને લેવા આવ્યો  છું . “

“  સાંભળીને  ભાગૅવીબેન ના મુખેથી શબ્દ સરી પડ્યો,

“   હેં  - “

               આ “હેં “   માં   માં નું હૃદય છુપાયેલું હતું.  ભાગૅવીબેન  સુજલને પોતાને લેવા આવેલો જોઈને  પોતે એમ જ વિચારતા હતા કે સુહાના એ મને તેડવા મોકલ્યો  હશે. વળી પોતાને પણ  પોતાના પૌત્ર  પૌત્રી ને. નીરખવાની પણ અદમ્ય ઝંખના  હતી. એટલે આ બધાના સરવાળા એ  ભાગૅવીબેન ને સુજલ સાથે જવા મજબૂર કરી દીધાં.  અને  વૃધ્ધાશ્રમ ની  રીતરસમને પુરી કરી સુજલ સાથે ચાલી નીકળ્યા. પણ  સુજલની ગાડી સાવ અજાણ્યા ઘર આગળ ઊભી રાખતાં ચમક્યા.  મનમાં કાંઈ કેટલાય પ્રશ્નો ની વણઝાર ઊઠી. નવા જ ઘરમાં પ્રવેશતાં ભાગૅવીબેને પ્રશ્નોની ઝડી વરસાવી ,  સુજલે દરેક પ્રશ્નોનો એક જ ઉત્તર આપ્યો  , “  મમ્મી. આજ આપણું ઘર ને આજ આપણું સ્વગૅ. “

                ભાગૅવીબેન ના મનમાં સુજલને ઘણું બધું કહેવું હતું છતાંય એક જ પ્રશ્ને પોતે મૌન બન્યા હતા કે ચાલ  જીવ  આજ મા – દીકરો મળ્યાં છીએ તો કાલે આખો પરિવાર મળશે. અને ભાગૅવીબેને વિચાર્યું કે આમ વર્ષો વૃધ્ધાશ્રમ માં પરિવાર વગર વિતાવ્યા જ હતાં ને ! થોડોક સમય હજુ રાહ  જોઈશ.

                 અને ભાગૅવીબેન ને રાહ જોવાનું મીઠું ફળ  સુહાના ને પોતાના ઘર તરફ આવતા જોઈને ભાળ્યું.  સુહાના  સાસુ ને જોતાં જ એમને ભેટી પડે છે ને ખૂબ ખૂબ રડે છે ને પગે પડીને સુજલ અને સાસુમાં ની માફી માંગે છે. આજે સુહાના પોતે કરેલાં વતૅન થી ખૂબજ પસ્તાય છે .ને હવે કદી એ આવું નહીં કરે એવું વચન આપે છે. ભાગૅવીબેન સુજલ અને સુહાના ને બાથમાં ભરી દે છે ને ખૂબ ખૂબ વહાલ કરે છે. એટલામાં જ સુજલનો દીકરો ને વહુ પણ ઓચિંતા જ આવી ચડે છે ને એ પણ એની મમ્મીની માફી માંગે છે ને કહે છે કે ,” મમ્મી અમે તો દાદી ને ઘરે લાવવા માટે ને તને તારી જ કરેલી ભૂલ સમજાય એ માટે આ પગલું ભર્યું હતું. “ ને બેઉ નવ દંપતિ ભાગૅવીબેન ને પગે લાગે છે ને ભાગૅવીબેન નો પરિવાર આજે ફરી પાછો એક થઈ ગયો છે ને સૌ ખુશ છે. ને એકબીજા નાં સાનિધ્યમાં દિવસો પસાર કરવા કટિબદ્ધ છે. સાંજે સૌ ભેગાં મળીને સાનિધ્યમાં જઈને બધાં નાં આશીર્વાદ મેળવે છે ને સૌને એક વચન આપે છે કે આજથી અમે બધાજ આપણા સાનિધ્ય નાં જ સભ્યો છીએ ને અમે તમારી સાથે રહીશું ને બધા ની સેવા કરીશું. આજે ભાગૅવીબેન ના પરિવાર ને સાચા સ્વરૂપે સાનિધ્ય પ્રાપ્ત થયું હતું.

                દીપિકા ચાવડા.  “  તાપસી “.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ