વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વચન

વચન

"સાંભળો… આજે વહેલા આવજો. આજે જવાનું છે ને."

"ક્યાં?"

"કેમ, આજે ભાભીને ત્યાં જવાનું છે ને. ભાઈ શ્રીનાથજી જવાના છે ને."

"હા, પણ હું નથી આવતો."

"કેમ?" કેતકીને નવાઈ લાગી. "તમે કેમ નથી આવતા?"

"ના, બસ કહ્યુંને હું નથી આવતો." અવિનાશે ઊંચાં અવાજે કહ્યુંને કેતકી ભોંઠી પડી ગઈ. સામું તો કઈ બોલી નહીં. મનનો બબડાટ ચાલુ રહ્યો. ભાભી તમારા… ભાઈ તમારા.. .તોય જવાનું અમારે. તમે તો બિન્દાસ ના પાડી દીધી. બધો ઠેકો જાણે મેં જ લીધો છે. હવે અવિનાશ નથી આવવાનો એટલે તેની જમવાની વ્યવસ્થા કરવાની. લાટ સાહેબ જાતે ચા પણ બનાવતા નથી એટલે તૈયાર ચાના પડીકા લાવવાના. બે દિવસ માટે ટિફિન વાળાને ફોન કરવાનો… બબડાટ કરતા કેતકી ઢેબરાનો કણક બાંધવામાં પડી.

ભાઈનો ફોન આવ્યો હતો. "કેતકી… મને શ્રીનાથજી પગે લાગવા જવાની ઈચ્છા છે. જો તું બે દિવસ જાનકી પાસે રહેવા આવે તો."

"હા ભાઈ, અમે આવી જશું. તમે નંચિતપણે જઈ આવો."

જ્યારથી જાનકી ભાભીને પેરેલિસીસનો એટેક આવ્યો છે, ભાઈ જાણે બંધાઈ ગયા છે. ભલે નર્સ, આયા, બાઈ બધું જ રાખ્યું છે, પણ ભાઈ એક દિવસ પણ કશે જઈ શકતા નથી. આપણે બે દિવસ ત્યાં રહીએ તો ભાઈ શ્રીનાથજી જઈ શકે. ભાઈની મોકળાશનો વિચાર કરી કેતકીએ હા પાડી દીધી. રજા છે એટલે અવિનાશને પણ સારું પડશે.બે દિવસ ભાભી સાથે રહેવાશે. આમેય અવિનાશને ભાભી સાથે બહુ ફાવતું.ભાભી પરણીને આવ્યા ત્યારે અવિનાશની ઉમર હતી દસ વરસ. નાનપણથીજ ભાભીનો સ્નેહ અને પ્રેમ નાના દિયર પ્રત્યે બહુ હતો.અવિનાશ પણ ભાભીનું બહું માન રાખતો. આપણી પણ થોડી ફરજ ખરી કે નહીં..? એમ વિચારી કેતકીએ ભાઈને બે દિવસ માટે આવવાની હા પાડી દીધી હતી.ખબર થોડી હતી કે અવિનાશ આમ ના પાડી દેશે. હવે મારે અહીં રહેલા અવિનાશની ચીંતા કરવાની..? કેતકીનો બધો આક્રોશ ઢેબરા પર નીકળતો હતો.

  આખો દિવસ એવો જ ગયો. કેતકીનું અંતર ધુંધવાતું રહ્યું..પોતાના વ્હાલા ભાભી પાસે જવાનું છે ને ના પાડી દીધી.આમ તો ભાભી માટે કેટલો સ્નેહ છે..આજે જયારે વખત આવ્યો છે તો એનું ધ્યાન રાખવા આવવાનું નહીં..? અહીં એકલા રહી શું કરશે.?

  સાંજના નીકળતી હતીને અવિનાશ આવ્યો. કેતકીને આશા બંધાણી.કદાચ મન બદલાયું લાગે છે..પણ ઠાવકું મોં રાખી બોલી.".કેમ વહેલા..?"

"બહુ મજા નથી. થોડું તાવ જેવું લાગે છે."

"તો ડોક્ટર પાસે જઈને જ આવવું હતુંને." કેતકીએ દાઢમાં બોલી.

"એક ક્રોસીન લઇ લઉ છું..એવું લાગશે તો સવારે જઈ આવીશ." અવિનાશે પોતાના સ્વભાવ પ્રમાણે ટૂંકમાં પતાવ્યું, ને સોફા પર લંબાવ્યું. સવારની વાતચીતની કોઈ અસર તેના અવાજમાં જણાઈ નહીં.આપણે આંખો દિવસ દુઃખી થયા કરીએ..ને તેમણે તો સવારની ઘટના યાદ જ ના હોય.

   "હું નીકળું છું.."

"ભલે." .એવો જ એકાક્ષરી જવાબ..રીસમાં કેતકી પોતાનો થેલો લઈને નીકળી ગઈ..ના તેણે અવિનાશને કહ્યુ કે તમારી માટે શાક ઢેબરા કરી રાખ્યા છે..કાલ સવાર માટે ટિફિન આવશે..ચાના પેકેટ લાવી રાખ્યા છે..ના અવિનાશે કઈ પૂછ્યું..

    આખે રસ્તે મન ફરિયાદ કરતું રહ્યું.સાથે આવતા શું ભાલા વાગતા હતા..? બે દિવસ ભાભી સાથે રહેવાત ને..આમ તો બહુ ભાભીનું લાગી આવે છે તો આવ્યા કેમ નહીં..? ફરજ બજવવાની હોય ત્યારે મને આગળ કરી દે..

   કલાકે પહોંચી.નર્સ ભાભીને જમાડવાની માથાકૂટ કરતી હતી.ભાઈની તો ફ્લાઈટ હતી એટલે નીકળી ગયા હતા.ભાભીની તો વાચા ગઈ છે..ખાલી આંખોથી કેતકી સાથે વાત કરી.કેતકી ભાભીનો હાથ પસરાવતી પથારીવશ નબળા ભાભીને જોઈ રહી..

  "થોડું ખાઈ લો ને ભાભી..'

ત્યાં જ ફોન રણક્યો.પાસે બેઠેલી બાઈ ઉભી થઈ. "તું બેઠ..મેં દેખતી હું.".કહેતી કેતકી ફોન લેવા ગઈ..

"હલો..કેતકી બહેન.."

"હા, બોલું છું" ..કેતકીને નવાઈ લાગી.અહીં લેન્ડલાઈન પર મારી માટે કોનો ફોન..?

"હું ડોક્ટર મહેતાની અસીસ્ટેન્ટ લીના બોલું છું. અવિનાશભાઈ અત્યારે કલીનીકમાં છે અને અહીં આવીને બેભાન થઈ ગયા છે."

"બેભાન..?" કેતકીને આંચકો લાગ્યો..

"હા. તમે જલ્દી આવો.."

"હા..હા..હું હમણાં પહોંચું છું." કેતકીના ધબકારા વધી ગયા. અચાનક શું થઈ ગયું અવિનાશને..પોતે અહીંથી નીકળે તો સ્હેજે કલાક તો નીકળી જ જવાનો..તો હવે..તેને તરત ઘર પાસે રહેતી બહેનની દીકરી મિતાલીને ફોન લગાડ્યો..

"હલો મિતાલી ..અવિનાશની તબિયત સારી નથી..હું જરા બહાર છું.તું ડોક્ટર મેહતાના કલીનીક પર પહોંચ..હું આવું છું..મને આવતા વાર લાગશે.તું પહોંચ જલ્દી.".

  હવે..અહીંથી નીકળવું કેમ.? ભાભી સામે તો આ વાત કરાય નહીં..તેમને ચીંતા થાય.કેતકીએ ઇશારાથી નર્સને બહાર બોલાવી બધી વાત કરી.

"આપ ભાભી કી ચીંતા મત કરો દીદી..આપ નીકલો. મેં સમ્હાલ લૂંગી યહાં પર..બાઈ ભી હે યહાં. ફોન પર આપકે સાથ બાત કર લૂંગી."

  ફફડતી કેતકી નીકળી. રિક્ષા રોકીને બેસી પડી..અવિનાશ આવ્યો ત્યારે તેને તાવ હતો જ..રોષમાં ને રોષમાં પોતે માંદા પતિને હાથ લગાડીને જોયું પણ નહીં. માપવાની વાત તો દૂર રહી.પતિની મનસ્થિતિ જાણ્યા વગર પોતે મનમાં ગુસ્સો હતો..તે જરાય દરકાર ન કરી.આવ્યા ત્યારેજ તાવ વધારે હશે..કે પછી વધી ગયો હશે...પોતાને તો અવિનાશનો સ્વભાવ ખબર છે..ઓછાબોલો,.બહુ દેખાડો ન કરતો..પોતે તો વરને આટલા વખતથી ઓળખે છે..તો પછી અપેક્ષાઓ શેની..

   એ અંધારી રાતે સડસડાટ દોડતી રિક્ષા અને તેનાથીય તેજ દોડતા વિચારો વચ્ચે કેતકીએ પ્રણ લીધું..ગમે તેવો ગુસ્સો હોય..ગમે તેવા ઝગડા થયા હોય..પણ વાતને વધારવી નહીં...અબોલા તો ના જ લેવા..ન મનને ઘૂઘવવા દેવું..બોલીને વાતને ત્યાં જ પતાવી દેવી.ઝગડો બહુ લંબાવવો નહીં.

 રસ્તામાં હતીને મિતાલીનો ફોન આવ્યો..માસી,તમે ભાટિયા નર્સિંગહોમમાં સીધા જ પહોંચો.અમે ત્યાંજ જઈએ છીએ..કેતકી ભગવાનનું સ્મરણ કરતી બેઠી.

   પહોંચી ત્યારે અવિનાશનો ઈ.સી.જી.લેવાતો હતો.તાવ વધીને ૧૦૪ ડિગ્રી થઈ ગયો હતો.બી.પી. એકદમ લો થઈ ગયું હતું.તરત ટ્રીટમેન્ટ ચાલુ થઈ.

"તમને એટલો તાવ હતો..મને વાત તો કરવી હતી."

"મેં ક્યાં માપ્યો હતો..આ તો બહુ ઠંડી ચડી તો થયું દવા લઇ આવું.આમ તો કઈ નથી મને.".

"પણ તમે બેભાન થઈ ગયા..!"

"અરે ભઈ એ તો બી.પી. લો થઈ ગયું એટલે..થાય હવે એ તો.."

  એરપોર્ટથી ભાઈનો ફોન પણ આવી ગયો.."કેતકી, તું અવિનાશ પાસે જ રહેજે..ભાભીની ચીંતા ન કરતી..હું પાછો આવું છું."

  કેતકીના આંખમાંથી પાણી વહી રહ્યા. પોતે એકેય ફરજ બરાબર ન ભજવી શકી..ન ભાભીને સાચવી શકી, ન અવિનાશને..

  થાય ક્યારેક એવું પણ..આપણું ધારેલું પાર ન પડે..

 રાતના ભાઈ પણ જોવા આવી ગયા ચોથે દિવસે તો અવિનાશને રજા મળી ગઈ.આજે એ વાતને વ્હાણા વાઈ ગયા પણ તે અંધારી રાતે પોતાની જાતને આપેલું વચન કેતકી ભૂલી નથી..બરાબર પાળે છે..

 

                                             કામિની મહેતા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ