વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રીજેક્શન

દીપા કેફેમાં દાખલ થઇ ત્યારે આકાશ પહેલેથી જ એની રાહ જોઇને ત્યાં બેઠો હતો.દીપાએ પણ સ્મિત સાથે એની સામે બેઠક લીધી,અને બોલી....

" સો...આફ્ટર અ લોન્ગટાઇમ ફાઇનલી વી મેટ"

"યાઆહ"

"બાય ધ વે તું બિલકુલ બદલાયો નથી."

"બટ તું બદલાઇ ગઇ છું.....આઇ મીન મોર બ્યુટીફુલ"

દીપાએ થોડુ શરમાઇને "થેન્ક યુ" કહ્યું,આમ ઔપચારિક વાતોની હજુ શરૂઆત જ થઇ હતી, ત્યાં જ દીપા ચોંકીને બોલી.....

"ઓહ નો.....આજે જ અહીં....."

"શું થયું કોણ છે...?"

"મારા હસબન્ડની કાર સામેના રોડ પર પાર્કડ છે,મારે ભાગવુ પડશે."

"બટ...હજુ હમણા જ તો તું આવી છું..."

"હા તારી વાત તો સાચી છે, પણ હું વધુ રોકાઇ નહી શકું.એની કાર અહીં જ છે, સો એ પણ અહીં આસપાસ જ હશે.જો એ મારી કાર અહીં જોઇ લેશે તો દસ સવાલ કરશે.સો પ્લીઝ. ...આઇ હેવ ટુ લીવ"

"બટ તું તો કહેતી'તી ને કે આ ટાઇમ પર એ ઓલમોસ્ટ ઓફિસમાં જ હોય છે."

"હા યાર નોર્મલી તો એ ઓફિસમાં જ હોય છે ,ને આજે જ એ પણ અહીં આવી જશે એવી મને થોડી ખબર હતી.....ઓ કે ચલ બાય ફોન પર વાત કરીશ."

       દીપા પોતાની હેન્ડબેગ ઉઠાવી સડસડાટ કેફેની બહાર નીકળી ગઇ, ને આકાશ કમને જ કોફી નો ઓર્ડર આપી એકલો જ ચુસ્કીઓ લેતો રહ્યો.

     --------*---------*---------

 હજુ દોઢ મહીના પહેલા જ આકાશ અને દીપાએ ચેટથી વાતચીત કરવી શરૂ કરી'તી, એ પછી ફોન કોલ્સ ઉમેરાયા ને ધીરે ધીરે વધતી જતી વાતોની સફર આજે  મુલાકાતના સ્ટેશને પહોંચવાની જ હતી પણ કદાચ કિસ્મતનું સિગ્નલ નહી મળ્યું હોય તેથી ગાડી ધીમી તો પડી પણ ઉભી ના રહી

             આમ જોવા જઇએ તો એ બંન્નેની ઓળખાણ તો ચારેક વર્ષ જૂની, દીપાના લગ્નની વાતો ચાલતી હતી, ને લગ્નોત્સુક એવો આકાશ દીપાને જોવા આવ્યો હતો. દેખાવ અને ભણતર બન્ને રીતે યોગ્ય એવો આકાશ દીપાના પરિવારમાં બધાના મનમાં વસી ગયો, ને વળી વચેટીયા સબંધીએ ખાનદાન વિષે પણ ખાતરી આપી દીધી.બધાએ વાતને વધાવી લીધી.આકાશ અને દીપાએ ત્રણેક મુલાકાતો માણી  લીધા પછી દીપા તો સપનાનો મહેલ ચણવામાં જ વ્યસ્ત થઇ ગઇ. જોષીને બોલાવી ગોળધાણાની તારીખ પણ જોવરાવી લીધી, ત્યાં તો અચાનક આકાશ તરફથી નન્નો ભણાયો. દીપા અને એના પરિવારજનોએ કારણ જાણવાની ઘણી કોશિશ કરી, છતાં કોઇ ઠોસ કારણ આપ્યા વગર બસ નથી કરવું એવું જ રટણ ચાલ્યુ.દીપાના સપનાનો મહેલ તો કક્કડભૂસ.....પાછળથી તપાસ કરતા માલુમ થયુ કે અમેરીકાની કોઇ ગ્રીનકાર્ડ હોલ્ડર છોકરી સાથે, પંદર જ દિવસમાં આકાશના લગ્ન આટોપાઇ ગયા હતા.

              આ વાત ને દરકિનાર કરી દીપાના પરિવારજનોએ ફરી શોધ આદરી લાયક મુરતીયાની.ત્રણ આત્મીય મુલાકાતો કર્યા પછી પણ આવુ રીજેક્શન....? છતાં આ અપમાન ગળી જઇ દીપા ફરી નોર્મલ થવા લાગી ને બે વર્ષ પછી રોનક સાથે દીપાનું ચોકઠુ ગોઠવાઇ ગયું.આકાશ જેવો તો નહી જ રોનક, દેખાવે ઠીકઠાક એવો રોનક આમ તો દીપાને પંતુજી જેવો જ લાગતો પણ આકાશ એ કરેલ રીજેક્શનનો ઘા એવો જલદ હતો કે ઠંડોગાર રોનક એ ઘા પર મલમ જેવો લાગતો.

        આ તરફ આકાશ નેહા સાથે ઘડીયા લગ્ન કરી, અમેરીકાની સ્વતંત્ર જીંદગીના સપના લઇ ત્યાં પહોંચ્યો  પછી જ ધીરે ધીરે એને જાણ થઇ કે એ તો માત્ર ભારતીય સમાજમાં દેખાડવા જ ઓન પેપર એનો પતિ હતો બાકી તો એને આકાશ સિવાય ઘણા બધામાં રસ હતો.ઘણી દોડધામ બાદ ત્યાંની કોર્ટમાં આકાશએ છૂટાછેડા તો લઇ લીધા પણ એ દેશ છોડી વીલા મોઢે અહીં પાછુ ફરવુ પડ્યુ.હવે આકાશને , દીપા સાથે કરેલી છેતરપીંડી બદલ ઘણો જ પસ્તાવો થતો હતો એ દીલગીરી ને વ્યક્ત કરવા જ એણે સોશ્યલ મીડીયા થકી દીપાનો સંપર્ક કર્યો ને પછી તો સોરીથી શરુ થયેલી વાતચીત દોઢ મહીનામાં તો પર્સનલ ટોક સુધી પહોંચી ગઇ.દીપા દરેક બાબતમાં રોનકની સરખામણી આકાશ સાથે કરવા લાગી ને પછી તો ઠંડાગાર રોનકની સામે આકાશ વધુ કૂલ લાગતો એને.

     --------*--------*------

 "સોરી આકાશ, મારે ભાગવુ પડ્યું. યુ નો , રોનક મને કે મારી કાર ને જોઇ લે તો ગડબડ થઇ જાય"

     આકાશ હજુ કેફેમાં જ હતો.દીપાના આ નાનકડા મેસેજ એ એના દીલને ઘણી રાહત આપી.

      "કંઇ નહિ, ઇટ્સ ઓકે, ફરી ક્યારેક મળીશું" 

        આકાશ એ પણ દીપાને રીપ્લાય કરી દીધો.ચેટ નો પ્રવાહ ફરી વહેતો થયો. અઠવાડીયા પછી ફરી મુલાકાત નક્કી થઇ, પણ આ વખતે જાહેર કેફેમાં મળવાને બદલે કોઇ શાંત એકાંત સ્થળે જ મળવું એમ બંન્ને એ નક્કી કર્યું , જેથી કોઇ જોઇ જશે એવો ડર જ ના રહે.

        " ઓ કે .હું તને સાંજે પાંચ વાગે પીક કરીશ સીટી લાઇબ્રેરીના કોર્નર પરથી"

       " હા સારુ, ને પછી દૂર હાઇ વે પર લોન્ગ ડ્રાઇવ...."

       " યેસ ડન, બટ પ્લીઝ બી ઓન ટાઇમ " આકાશએ મેસેજ માં કહ્યુ. 

       આખો દિવસ આકાશ એ બેચેનીમા પસાર કર્યો.મનોમન વિચારી લીધુ  કે 

          "આજે તો સૌથી પહેલા દીપાનો હાથ પકડીને રુબરુમાં એની માફી માંગી લઇશ. મેં ખરેખર જ એની સાથે અન્યાય કર્યો હતો. દીલથી એને સોરી કહીશ"

          આકાશ સમય કરતા વહેલો પીક અપ પોઇન્ટ પર  પહોંચી રહ્યો હતો અને તેણે દૂરથી જોયુ તો પહેલેથી  જ દીપા ત્યાં હાજર હતી. આકાશ મનોમન રાજી થયો. એને લાગ્યુ કે જે બેચેની અને ઉત્સુકતા એ અનુભવી રહ્યો છે,કદાચ દીપા પણ એ જ ભાવના ના દોરમાંથી પસાર થઈ રહી છે. પણ એ કારને નજીક લઈ જાય એ પહેલા જ એનુ ધ્યાન ગયુ કે દીપાની સાથે કોઈ છે, એણે દીપાને કોલ જોડ્યો.....

"હું આવી ગયો છું ,ને તને જોઇ શકું છું.પણ તારી સાથે કોઇ યુવતી છે સો...."

"હા... હા....આવી જા ડોન્ટ વરી મારી ફ્રેન્ડ જ છે ,જલ્પા..મને અહી એકલા ઉભા રહેવામા સંકોચ થતો હતો, ઓડ ફીલ થાય એટલે એને સાથે લઇને આવી"

"પણ એ મને જોઇ જશે તો..?"આકાશ એ પ્રશ્ન કર્યો 

"શી નોઝ અબાઉટ અસ"

           દીપા ફોન ડીસ્કનેક્ટ કરે એ પહેલા તો આકાશની કાર એની પાસે જઇને ઉભી રહી ગઇ. દીપા એ ફોન કાન પરથી હટાવીને પર્સમાં સરકાવ્યો. કારમા બેસતા જ દીપાએ ગભરાટભર્યા શબ્દોમાં કીધુ 

"પ્લીઝ જલ્દી મને શહેરથી દૂર લઇ જા ,કોઈ જોઇ જશે તો...? મને બીક લાગે છે."

દીપાની આ ગભરામણ જોઇ આકાશને  એ વાતની છાની ખુશી થઈ કે દીપા પણ એટલી જ તલપાપડ છે એને એકાંતમાં મળવા. આકાશ એ એક્સેલેટર પર પગ દબાવ્યો ને બંને જણા શહેર પાર કરી ગયા.

            હાઇ વે પર એક શાંત જગ્યા જોઇ આકાશ એ કાર પાર્ક કરી. થોડી વાર સુધી બંને જણા એકબીજા તરફ સ્મિત કરતાં બેસી રહ્યા, ને બંનેનું મૌન વાતો કરતું રહ્યુ. આકાશ એ દીપાનો હાથ પોતાના હાથમાં લઇ લીધો.

"દીપા...આપણી જૂની મુલાકાતો ને યાદ કરીએ ,તો આઇ નો કે મેં તને બહુ જ હર્ટ કરી છે.શું તું મને માફ કરીશ...? દીલથી આજે તારી માફી માંગુ છું...."આકાશએ કહ્યુ 

"કમઓન આકાશ. ..જો તને માફ ના કર્યો હોત તો આજે હું અહીં આવી જ ના હોત.."

"ઓહ થેન્ક યુ દીપા આઇ રીઅલી લવ યુ"કહી આકાશએ દીપાનો હાથ ચુમી લીધો.

"એક મનીટ આકાશ" કહી દીપાએ પોતાનો હાથ છોડાવ્યો ને ઉમેર્યુ 

"તારી કારમાં મારો ફોન ચાર્જ થશે...?મારી બેટરી બહુ જ લો છે...ને કદાચ રોનકનો ફોન આવશે તો.....ગડબડ થશે..."

દીપાએ હવે પર્સમાંથી ફોન શોધવા ખાંખાખોળા કર્યા, પણ ફોન હાથ ના લાગ્યો. 

" ઓહ નો. ..મારો ફોન. ...મારો ફોન ક્યાં ગયો....?

"બરાબર જો મળી જશે...ક્યાં જાય"

"મેં બરાબર જ જોયુ આકાશ. ."

દીપાએ ગભરાતા ગભરાતા ફરી જોયુ , ધીરે ધીરે એ પર્સમાંથી બધી વસ્તુઓ બહાર ઠાલવવા લાગી. દીપાએ લગભગ આખુંય પર્સ ખાલી કરી નાખ્યું પણ ફોન હાથમાં ના આવ્યો.

"હવે...."

દીપાથી ચીસ પડાઇ ગઈ. 

" તું શાંત થા દીપા યાદ કર , કદાચ તું ઘરે જ ભૂલી ગઈ હોઇશ" આકાશએ દીપાને ધરપત આપી.

"શું તું પણ આકાશ...આપણે છેલ્લે કારમાં બેસતા વાત તો કરી....લાગે છે કે ત્યારે ઉતાવળમાં ફોન પર્સમાં મૂકતાં ત્યાં જ પડી ગયો હશે."

"હા યાર, આપણે વાત તો કરી છેલ્લે. ."

"પ્લીઝ આકાશ આપણે ભાગવુ પડશે પાછુ એ જ જગ્યાએ "

"અરે પણ....હમણા જ તો આપણે આવ્યા, દસ મિનિટ તો બેસીએ પછી તને પહોંચાડી દઇશ ત્યા ફટાફટ".

"તુ સમજતો નથી આકાશ, રોનકને ખબર પડશે ને કે મારો ફોન ખોવાયો છે તો મારુ તો આવી જ બનશે."

"તને રોનક નો બહુ ડર લાગે છે નહિ. .?"

આકાશએ દીપાનો મુડ ઠીક કરવા હસતા હસતા  કહ્યુ "

"આકાશ પ્લીઝ મજાક નહી, મને પરસેવો છૂટી રહ્યો છે"દીપાએ છણકાભર્યા સ્વરમાં કહ્યુ. 

ખાસિયાણા મોઢે આકાશએ કારને શહેર ભણી દોડાવી..હવે સીટી લાઇબ્રેરીના કોર્નર પર શરૂ થઈ ખોવાયેલા ફોનની શોધખોળ .થોડી વારમાં દૂર બસસ્ટેન્ડ પાસેથી જલ્પા આવતી દેખાઇ. દીપાએ જલ્પા ના હાથમા પોતાનો મોબાઇલ જોયો  ને એ તરત જલ્પા તરફ દોડી. દીપા તરફ ફોન લંબાવતા એ બોલી...

"તું જતી હતી ત્યારે જ પડી ગયો હતો તારાથી ,પર્સમાં મૂકતા,  મેં જોયુ , પણ તું તો ઉતાવળે ભાગી ગઈ "

"તો યાર...એકવાર બૂમ પાડવાની "

"દીપા...કારના કાચ બંધ હોય તો બૂમ ના સંભળાય. .."આકાશએ ટાપશી પૂરી.

"તુ શાંત થઈ જા ,હવે તો ફોન મળી ગયો ને તને.....આકાશનો નંબર નહોતો મારી પાસે નહી તો એને કોલ કરી દેત, ને પાછુ તારો ફોન પણ લોક હતો...."જલ્પાએ કહ્યુ 

"હા યાર...આજકાલ આકાશ સાથે બહુ ચેટ કરૂ છું ,એટલે સ્ક્રીન લોક જ રાખું છું.....ક્યાંક રોનક ફોન ચેક કરે તો..?"દીપા એ ખુલાસો કર્યો. 

"ઓ કે હવે હું ભાગુ, મારે લેઇટ થાય છે"કહી જલ્પા એ ત્યાંથી વિદાય લીધી. 

        દીપાને આકાશ ના મનમાંથી પણ હવે મુલાકાત નો નશો ઉતરી ગયો હતો. એટલે એ બન્ને પણ એકબીજાને બાય કહી ઘર તરફ વળ્યા. દીપા ને સારી રીતે નહિ મળી શક્યા નો વસવસો મનમા રાખી આકાશ દીપાને મળવા વધુ બેચેન રહેવા લાગ્યો. એણે મનોમન નક્કી કર્યુ કે 'હવે જે પણ મુલાકાત પ્લાન કરીશુ, એ એકદમ પાકાપાયે કરીશુ '

        હવે દીપા અને આકાશ એક સલામત મુલાકાત ને સાવધાનીથી પાર પાડવા અનુકૂળ સંજોગો ની રાહ જોવા લાગ્યા. 

      --------*--------*--------  

દીપાએ આકાશને મેસેજ કર્યો "આકાશ....એક મસ્ત ચાન્સ છે , રોનક ચાર દિવસની બિઝનેસ ટુર પર જાય છે." 

"વાહ આ તો ગ્રેટ ન્યુઝ છે....લેટ્સ સેલીબ્રેટ...."આકાશે રીપ્લાય કર્યો. 

"ઓ કે. વિચારીશું..."દીપાએ ચેટને આગળ વધારી.

"એમા વિચારવાનુ શું.....આવો ગોલ્ડન ચાન્સ તો કંઈ છોડાતો હશે. એ ચાર દિવસ જાય છે તો આપણે વચ્ચે ના બે દિવસ માટે અહીંથી રફુચક્કર થઈ જવાનુ ,કોઇ નજીકના હીલ સ્ટેશન પર રીસોર્ટમા રહી એકબીજાનુ સાનિધ્ય ભરપૂર માણી લેવાનુ "

દીપાએ છેલ્લે "સારુ " કહી ચેટને વિરામ આપ્યો. 

            હવે આકાશ એ તો આખી ટ્રીપ પ્લાન કરી લીધી.ક્યાંય પકડાઇ જવાની ભીતી ના રહે તેથી બંને જણાએ ટ્રેન મા જવાનુ નક્કી કરી લીધુ. આકાશ હવે સાતે રંગના રોમેન્ટિક રંગોથી સપનાના મહેલને સજાવવા લાગ્યો. આકાશ ને ધ્યાન આવ્યુ કે એણે અત્યાર સુધી દીપાને કોઇ ગીફ્ટ આપી જ નથી .પછી તો આકાશ એ એક-બે જ નહી પણ ઘણી નાની-મોટી ગીફ્ટ લઇ લીધી દીપા માટે અને એ વાત પર ખુશ થતો રહ્યો કે દીપા આ ગીફ્ટ જોઇને કેટલી ખુશ થશે......

           સમયસર સામાન લઇ આકાશ તો સ્ટેશન પહોંચી ગયો. આ તરફ  રીક્ષા માં આવી રહેલી દીપા પણ એટલી જ ઉત્તેજીત લાગતી હતી. એક એક ક્ષણનો અહેવાલ આપતી હોય એમ આકાશને મેસેજ કર્યા કરતી હતી. .....

'ટ્રાફિક બહુ છે...'

'સીગ્નલ નડ્યુ...'

'ફાટક બંધ છે....'

   આકાશ બેચેની અને ખુશી મિશ્રિત લાગણીથી દીપાની રાહ જોઇ રહ્યો. લગભગ દસ મિનિટ જ બાકી હતી ટ્રેન  ઉપડવાને, અને ફાઇનલી દીપા આવી પહોંચી સ્ટેશન પર. જો કે ત્રણ નંબર ના પ્લેટફોર્મ પર દીપા આવી  ત્યાં સુધીમાં તો જાણે આકાશને ત્રણ ભવ જેટલો વિરહ લાગ્યો.દૂરથી એને પોતાની તરફ આવતી જોઇને આકાશને લાગ્યુ જાણે એનુ હૈયુ ઉછળી ને બહાર આવી જશે. 

         દીપા નજીક આવી એટલે આકાશ કોચમાંથી નીચે ઉતર્યો. આકાશ ની ઉત્તેજના પરાકાષ્ઠા પર હતી ,એ તો દીપાને ભેટી જ પડત , પણ દીપાએ પોતાની બેગ આગળ કરીને એને પકડાવી દીધી. 

"સારુ થયુ તું સમયસર આવી ગઈ " આકાશએ કહ્યુ. 

"હા યાર...મને તો બીક હતી કે ક્યાંક  ટ્રેન  મીસ ના થઇ જાય "દીપા કોચ તરફ આગળ વધતા બોલી .

"ટ્રેન મીસ થઈ જાત તો આપણે પ્રાઇવેટ ટેક્સી કરી લેત.....પણ ટ્રીપ કેન્સલ તો ના જ કરીએ" આકાશ બોલતા બોલતા કોચમાં ચડ્યો. દીપા પણ એને અનુસરી. બંને જણા સીટ પાસે  પહોંચ્યા ને જ ટ્રેન નો ધીમો આંચકો લાગ્યો .

"આકાશ. ...હું વોશરુમ જઇને આવું...." કહી દીપાએ ટચલી  આંગળી બતાવી ,ને આકાશએ ડોકુ ધુણાવીને અનુમતિ  આપી.

         હળવેથી ટ્રેન ની ગતિ શરુ થઇ, પણ આકાશને તો હવે જાણે ગતિની કે સ્ટેશનની પરવા જ નહોતી. એને તો માત્ર દીપાના સાનિધ્યમાં જ રસ હતો .'ટ્રેન  સ્ટેશનને પાર કરી ગઇ , પણ હજુ સુધી કેમ દીપા પાછી ના આવી....?'એમ વિચારતા આકાશ ટોઇલેટ તરફ જોઇ આવ્યો. .....પછી તો આજુબાજુના કોચના ટોઇલેટ પણ ફરી વળ્યો , પણ ક્યાંય  દીપાનો પત્તો જ નહી ને....એણે તરત ફોન જોડ્યો દીપાને પણ ફોન તો સ્વીચ ઓફ આવ્યો. હવે તો આકાશને એસી કોચમાં પણ પરસેવો છૂટી ગયો .ક્યાં ગઈ એટલીવારમાં...? એણે સીટ પર પાછા જઇ દીપાની બેગની ચેઇન ખોલી તો.......અંદરથી સ્પ્રીંગ સાથે જ ઉછળીને એક જોરદાર મુક્કો આકાશના નાક પર વાગ્યો . આજુ બાજુના પેસેન્જર હસી પડ્યા, પણ આકાશનું મગજ તો સુન્ન થઈ ગયું. એ તો બાઘો બની ને સીટ પર ફસડાઇ પડ્યો......દીપાનો છેલ્લો મેસેજ  આવ્યો...

'ત્રણ (અ)મુલાકાત પછીના રીજેક્શનની ફીલીંગ આવી હોય આકાશ....

        :-આરતી શેઠ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ