નજર
નજર
-રાકેશ ઠક્કર
મિતાલીએ શિવસાથી કંપનીની ઓફિસમાં નોકરી શરૂ કર્યાને એક જ અઠવાડિયું થયું હતું. તેણે રચિત સાથે કામ કરવાનું હતું. અગાઉ રચિત સાથે વરુણા કામ કરતી હતી. એ મા બનવાની હોવાથી નોકરી છોડી ગઇ હતી. રચિતે મેનેજરને વિનંતી કરી હતી કે તાત્કાલિક કોઇની નિમણૂંક કરી દો. સહાયક વગર રચિતનું કામ ધીમું થતું હતું એ વાતથી મેનેજર અવગત હતા. તેમણે જાહેરાત આપીને આવેલા ઉમેદવારોમાંથી મિતાલીને પસંદ કરીને રચિતની સહાયક તરીકે કામ સોંપી દીધું હતું. રચિતને મેનેજરની પસંદ ગમી હતી. બે દિવસમાં રચિતને કયા પ્રકારનું કામ જોઇએ છે એનો મિતાલીને અંદાજ આવી ગયો હતો. રચિતને લાગ્યું કે વરુણા કરતાં મિતાલી થોડી વધુ હોંશિયાર છે અને આત્મિયતાથી કામમાં સહકાર આપી રહી છે. આ તરફ મિતાલીને પણ લાગ્યું કે રચિત યોગ્ય માર્ગદર્શન આપીને તેની કાબેલિયત વધારી રહ્યો છે. પણ મિતાલી અને રચિતના નામની ચર્ચા ઓફિસમાં વધી ગઇ હતી.
એક દિવસ રચિત કોઇ કામ પૂરું કરીને તેનો અહેવાલ આપવા મેનેજરની કેબિનમાં જઇને બેઠો. મેનેજરે કામ જોઇ ચહેરા પર હળવું સ્મિત ફરકાવી કહ્યું:"વાહ! હવે તમારું કામ ઝડપથી થવા લાગ્યું છે!"
"તમારો આભાર સાહેબ! સારી સહાયક શોધી આપી એ બદલ." રચિત સહજ સ્વરે બોલ્યો.
"રચિત, મેં એ વાતની પણ નોંધ લીધી છે કે મિતાલીના આવ્યા પછી તમારો ઉત્સાહ વધી ગયો છે!" મેનેજર કયા સંદર્ભમાં બોલ્યા એનો વિચાર કર્યા વગર રચિત બોલ્યો:"સાહેબ, ઉત્સાહ તો મારો પહેલા જેવો જ છે પણ એમાં ખુશી ભળી છે એટલે તમને આવું લાગે છે."
મેનેજરને તેની વાતનો અર્થ સમજાય એ પહેલાં "સાહેબ, મારે બીજું કામ પતાવવાનું છે" કહી રચિત ધીમા પગલે કેબિનની બહાર નીકળી ગયો.
કંપનીની ઓફિસમાં બાર જણનો સ્ટાફ હતો. એમાં સ્ત્રી-પુરુષ કર્મચારીઓની સંખ્યા સરખી જેવી હતી. છતાં રચિત અને મિતાલીની જોડીના કામની ચર્ચા વધારે રહેતી હતી. આ કોર્પોરેટ ઓફિસના ઘણા વિભાગમાં એમનો એક વિભાગ જ એવો હતો જેમાં બે જણને સાથે કામ કરવાનું રહેતું હતું. બંને સાથે કામ કરતી વખતે બોલવામાં, વર્તનમાં અને બીજી બધી બાબતોમાં એક ચોક્કસ અંતર જાળવતા હતા એ બધાંની નજરમાં આવ્યું હતું. પરંતુ તેમનો એકસાથે તલ્લીન બનીને કામ કરવાનો સ્વભાવ ચર્ચા જગાવતો હતો. તેમના વિશે ઓફિસમાં કાનાફૂસી થવા લાગી હતી. એવી વાતો પણ થતી હતી જેની બંને કલ્પના પણ કરવાના ન હતા.
કુંવારો કારકૂન રાઘવ તો મિનેશને કહેવા લાગ્યો:" ભાઇ! આ તો ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોય એવી વાત છે. ઓફિસમાં મર્યાદા જાળવતા બંને બહાર કેવું વર્તન કરતા હશે એ તો રામ જાણે!"
તેના જવાબમાં મિનેશે કહ્યું:"ભાઇ, તારી પાસે કોઇ પુરાવો છે? રચિત રામ જેવો પતિ પણ હોય શકે. ઓફિસમાં તો તે એક પત્નીવ્રત પતિ જ લાગે છે. તું આવી શંકા કેમ કરે છે?"
"અરે ભાઇ...!" મિનેશની વાત સાંભળી રાઘવ કહે:"ઘણી વખત જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે એ દેખાતું નથી. બંને પરણેલા છે અને આઝાદ છે. આખો દિવસ સાથે કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એકબીજા માટે લાગણી વધી જતી હોય!"
"ચાલ હવે મનમાં ચોકલેટની જેમ આવું બધું ચગળવાને બદલે તારું કામ પૂરું કર. આજે કામ વધારે છે અને મેનેજરે થોડા વધુ રોકાઇને જવાની સૂચના આપી છે એ યાદ છે ને?" કહી મિનેશ પોતાના કામમાં પરોવાઇ ગયો.
"આ તો આજે માથા પર ભાર વધારે છે એટલે મનની વાત કરી હળવાશ અનુભવતો હતો!" કહી રાઘવ પોતાનું કામ કરતા પહેલાં આંખની કીકીઓ ફેરવી રચિત અને મિતાલી પર નજર નાખવાનું ચૂક્યો નહીં.
આજે બધાં જ પોતાના કામમાં વ્યસ્ત હતા. કંપનીએ એક પ્રોજેક્ટનો રીપોર્ટ મોકલવાનો હોવાથી બધા પર કામનું દબાણ હતું. મિતાલી વારેઘડીએ ઘડિયાળમાં જોઇ લેતી હતી. રચિતે ઓફિસ છૂટવાનો સમય થયો એટલે મિતાલીને ઘરે જવાની પરવાનગી આપી દીધી. મિતાલીએ તરત ના પાડી. રચિતે તેને આગ્રહ કર્યો ત્યારે તેણે કોમ્પ્યુટર પર પોતાનું ટાઇપિંગ ચાલુ રાખતાં હસીને કહ્યું:"હું તમારી સહાયક છું! મદદની જરૂર પડે ત્યારે તમને કામ ના આવું તો એનો અર્થ શું રહ્યો?"
"હું તારી લાગણી સમજું છું. આખો દિવસ તો તેં મદદ કરી જ છે. મારે થોડું મોડું થશે તો વાંધો નથી. તારી વાત અલગ છે..."
"મારી અલગ કેવી રીતે? તમે એક પતિ છો તો હું એક પત્ની છું. બંનેની જવાબદારી તો સરખી જ ગણાય ને?"
"મારો કહેવાનો મતલબ એ છે કે મારા કરતાં તારા પર જવાબદારી વધારે છે. તારે ઘરે જઇને રસોઇ આદિ કામ કરવાનું હોય છે. મને તૈયાર ભાણું મળે છે..."
"એમાં શું છે એક દિવસ અમારા પતિદેવ મારી ભૂમિકા ભજવશે!"
મિતાલીની વાત સાંભળી રચિત હસી પડ્યો. બધાંનું ધ્યાન બંનેના વાર્તાલાપ પર જ હતું. એક-બે જણા તો એકબીજા સાથે આંખોના ઇશારાથી "જોયો પ્રેમ?" કહીને સ્મિત કરી રહ્યા હતા. એક-બે જણના મનમાં કોઇની સાથે શેર ના થાય એવા વિચાર ફુવારાના રંગીન પાણીની જેમ ઉડતા હતા. તો કોઇ મનમાં જ ગલગાલિયાં અનુભવતું હતું. રાઘવ તો મનમાં બોલ્યો પણ ખરો:"આજે વધારે સમય સાથે રહેવાની તક મળી એની ખુશી થતી હશે!"
દરરોજ કરતાં આજે એક કલાક મોડું થયું. રચિતે પોતાની લેપટોપ બેગ ખભે ભરવતા પૂછ્યું:"હું તને મૂકી જાઉં મિતાલી?"
"ના-ના, બહુ મોડું નથી થયું. રીક્ષા મળી જશે. અને તારું ઘર અવળી દિશામાં છે..." કહી મિતાલી ખભા પર પર્સ ઝુલાવતી રચિતની આગળ નીકળી.
બંનેને સાથે જતાં જોઇ પારિતા મનમાં બોલી:"વાહ! રચિતને મિતાલીની સારી મદદ મળી રહી છે. નસીબદાર છે!"
જેમ જેમ કેલેન્ડરના તારિખિયાના પાના ફાટતા ગયા એમ એમ રચિત અને મિતાલીના નામ વધારે સાથે લેવાવા લાગ્યા. એ બંને સ્ટાફની નજર અને જીભમાંથી નીકળતા શબ્દો પર ધ્યાન આપ્યા વગર કામ કરતા રહ્યા. બંને વાત કરતી વખતે કે કામ કરતી વખતે ક્યારેય એવું વિચારતા ન હતા કે સ્ટાફના સભ્યો એમના માટે શું કહેશે કે કેવી કલ્પના કરશે.
એક દિવસ સાંજે ઓફિસ છોડતી વખતે રચિત કહે:"મિતાલી, કાલે રવિવાર છે."
"હા, ખબર છે..." મિતાલી રચિતના પૂછવાનું કારણ જાણતી હતી એટલે નવાઇ પામ્યા વગર બોલી.
"કાલે સાંજે પમરાટ બગીચામાં મળવાનું છે અને એક સરપ્રાઇઝ એકબીજાને આપવાની છે એની યાદ અપાવવા જ પૂછ્યું!"
"હા, ચોક્કસ મળીશું."
સાંજના પાંચ વાગ્યાનો સમય. પમરાટ બગીચાનું સ્થળ. રચિત અને મિતાલી આવી પહોંચ્યા હતા.
"રચિત, આપણે નક્કી કર્યું હતું કે રવિવારે એકબીજાને એક વાત કરીએ અને સરપ્રાઇઝ આપીએ...." મિતાલીની આંખોમાં હર્ષનો ચમકારો હતો.
"હા, એ વાત કઇ હશે એ ખાનગી રાખ્યું હતું..." રચિતના દિલમાં લાગણીનો સમુદ્ર હતો.
"આ લે...ખુશીમાં મોં મીઠું કર....મારા ભાઇ!" મિતાલીની આંખોમાં હર્ષાશ્રુ મોતીની જેમ ચમકવા લાગ્યા.
"અને આ છે મારી વહાલી બહેનની ભેટ!" કહી રચિતે એક ઘડિયાળ તેના હાથમાં મૂકી.
"રચિત, હજુ એક સરપ્રાઇઝ છે..." મિતાલી ઉત્સાહથી ફોનમાં એક નંબર ડાયલ કરતાં બોલી.
"હું પણ એક સરપ્રાઇઝ આપવાનો છું..." રચિતે પણ ફોન લગાવ્યો.
બે મિનિટમાં જ મિતાલીનો પતિ સુકેશ આવ્યો અને રચિતની પત્ની નિર્જળા આવી. રચિત અને મિતાલી એકબીજાના જીવનસાથીનો પરિચય કરાવવા જાય એ પહેલાં સુકેશ અને નિર્જળા એકબીજાને જોઇને આશ્ચર્યથી સાથે જ બોલી ઊઠયા:"તું?!"
"રચિત, આ તો સુકેશ છે. મારો દૂરનો ભાઇ!" વર્ષો પછી સ્વજનને મળવાનો આનંદ નિર્જળાના ચહેરા પર છલકાતો હતો.
"નિર્જળા, તું અહીં ક્યાંથી બહેન? ઓહ! રચિત તારો જ પતિ છે!" સુકેશનો હર્ષ છલકાતો હતો.
નિર્જળા કહે:"રચિત, પહેલાં અમે ક્યારેક સગાં-વહાલાના સામાજિક પ્રસંગોમાં મળતા હતા. પણ લગ્ન પછી છેલ્લા બે વર્ષથી કોઇને કોઇ કારણસર અમે મળી શક્યા ન હતા."
સુકેશ કહે:"મારુંય એવું જ થયું. પણ આ રીતે બે ભાઇ-બહેનો એકબીજાને મળશે એની તો કલ્પના જ ન હતી. મિતાલી ઘણા દિવસથી કહેતી હતી કે નવી નોકરીમાં તેને રચિતનો સહકાર એક ભાઇથી વધુ છે. ભલે અમે એકબીજાને સહકર્મચારી તરીકે મળીએ છીએ પણ એની આંખમાં અને વર્તનમાં એક બહેન માટે હોય એવું હેત હોય છે. પહેલા જ દિવસથી મને રચિત માટે સગા ભાઇ જેવું બંધન લાગતું હતું. મેં એને બીજી કોઇ નજરથી જોયો જ નથી. કે એને મારા માટે બહેન સિવાય કોઇ સંબંધ હોય એવું લાગ્યું નથી. .."
નિર્જળા ઉત્સાહથી બોલી:"ડિટ્ટો, આવી જ લાગણી રચિતની રહી છે. એ રોજ કહેતો કે મને તો બહેન મળી ગઇ છે. લોહીનો સંબંધ ભલે ના હોય પણ ગયા જનમમાં એ મારી બહેન જરૂર હશે. ઓફિસમાં બીજા બધા અમારા વિશે શું બોલે છે કે વિચારે છે એની નોંધ લીધી નથી કે કલ્પના કરી નથી. જ્યારે દિલમાં પવિત્રતા હોય ત્યારે લાગણી દર્શાવવા બીજાથી શું ડરવાનું કે છુપાવવાનું? સમાજને એમની જે માનસિકતા હોય એમાં રહેવા દો. આપણે કોઇ ખુલાસા કરવાની જરૂર નથી. આપણા સંબંધને લોકો સામે સાબિત કરવાની જરૂર નથી. એણે મને કહ્યું હતું કે રવિવારે તને તારી નણંદ સાથે મુલાકાત કરાવીશ. પણ આ તો મારી ભાભી નીકળી!"
મોડે સુધી ચારેય જણા બગીચામાં હાસ્ય-કિલ્લોલ કરી એક હોટલમાં જમવા ગયા અને એક નવા સંબંધની ખુશાલી મનાવી ફરી જલદી મળવાની વાત કરી છૂટા પડ્યા.
ચાર દિવસ પછી ઓફિસમાં રચિત અને મિતાલીને જોવાની સ્ટાફની નજર બદલાઇ ગઇ હતી. એમણે કોઇને કંઇ કહ્યું ન હતું. પણ એમની લોહીની સગાઇ ન હોવા છતાં ભાઇ-બહેનની લાગણીનો પવિત્ર સંબંધ હોવાની વાતની બધાને ખબર પડી ગઇ હતી. હવે એમના વિશે કોઇ ચર્ચા કરતું ન હતું. કોઇના મનમાં એમના વિશે ચટપટી વાત કરવાની ઇચ્છા થતી ન હતી. એમની નજરમાં બંનેનું સહજ હળવું-મળવું સામાન્ય હતું. ત્યારે એ બંને તો અગાઉની જેમ જ પોતાનું કામ કરતા હતા.