વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મીઠો ગુસ્સો

"ઓહ મહાનુભાવ જરાં મને કડક ચા પીવડાવો." કુમુદ પથારીમાં આળસ ખંખેરતા બોલી.


"શરમ કર ડોશી! પતિને કામ ચીંધે છે?!" પ્રતાપરાય પોતાનું મોઢું બગાડતાં બોલ્યાં.


"લે આખી ઝીંદગી તમને કડવી કોફી પીવડાવી, તે તમે મને આજે એક કપ કડક ચા ના પીવડાવો. આળસુપીર!" કુમુદે પથરીમાંથી બેઠા થઇ પોતાની લાકડી લીધી ને અરીસામાં પોતાનાં સફેદ વાળની લટોને સરખી કરતી રહી, "કેવી સુંદર છું! કોણ કહે હું સિત્તેરની થવાં આવી."


"સવારમાં સવારમાં શું પોતાનું મોઢું જોવે છે? પહેલાં તારા ડાબલા તો ચઢાવ પછી ખબર પડે કે જે પ્રતિબિંબને તું સુંદર કહે છે એ કેટલો ડરામણો છે." પ્રતાપરાય પોતાનાં પ્રિય એવા તમાકુની ડબ્બીમાંથી તમાકુ મોંઢામાં મૂકતાં બોલી ઉઠ્યા.


બેઉ વૃદ્ધો મોઢું ફુલાવીને પોતાનું કામ આટોપવા માંડ્યા પણ બંનેનું ધ્યાન તો એકબીજા શું કરે છે એ તરફ જ રહેતું.


પ્રતાપરાયે ખાલી ખાલી હોઠ ફફડાવ્યા અને તેમની વૃદ્ધ પત્ની કુમુદ સામું જોવા લાગ્યાં.


કુમુદ પ્રતાપરાયની આ હરકતથી પોતાનાં કાનમાં ભરાવેલ મશીન સરખું કરવા લાગી. પ્રતાપરાય હવે કુમુદની સામું જોઈને અંગુઠો બતાવી ફરી કંઈક ફફડાટ કરવા લાગ્યાં.


"ડોહા, મારું મશીન બગાડી મેલ્યું ને તે. જો હવે હું પણ તારા ચશ્મા તોડી ના મેલું તો હું પણ કુમુદ નહીં." આટલું કહીને કુમુદે પ્રતાપરાયનાં ટેબલ પર મૂકેલા ચશ્મા લીધા અને એને જોરથી નીચે જમીન પર ઘા કરી દીધો.


"અલી ડોશી! આ શું કર્યું તે?" પ્રતાપરાય મોઢું બગાડતા પોતાનાં ચશ્મા ઉઠાવતા બોલ્યાં.


"હમ્મ જુઓ હવે સંભળાયું. ક્યારના ખબર નહીં મારી સામું જોઈને શું બક બક કરતાં હતાં. હવે આવિયાને લાઈન પર."

કુમુદે પોતાનાં બોખા બેત્રણ દાંત બતાવતું હાસ્ય રેલાવ્યું.


"ડફોળ ડોશી, તને ચીડવવા ખાલી હોઠ ફફડાવતો હતો. હવે મારાં ચશ્મા તોડ્યા એની ભરપાઈ કોણ કરશે? તારી લાકડી તોડી દઉં તો ખબર પડે તને." પ્રતાપરાય ડોળા કાઢતાં તાડૂક્યાં.


"ડોળા બહાર આવી જશે એટલે નીચા કરો પહેલાં તો!" કુમુદ પોતાનું ચોકઠું ઢાંકીને હસી પડી. પ્રતાપરાયનાં ચહેરાને જોઈ તે થોડી ગંભીર થતાં બોલી, "હે રામ રામ. સાચું બોલો છો?" કુમુદ સહેજ લાગણીશીલ થતા બોલી, "એક કામ કરો તમે, મારાં ચશ્મા પહેરી લો બસ પણ હા મારી લાકડી ના તોડતા."


"તારા ડાબલા જેવા ચશ્મા પહેરીને શું કરું હું! તું યાર રહેવા દે. આજનો દહાડો બગડ્યો તે મારો. હું જઉં છું ગાર્ડનમાં ચાલવા. તું તારે તારી કડક ચા પીધા કર." આટલું કહીને અકળાયેલા પ્રતાપરાય ત્યાંથી નીકળી ગયાં.


પ્રતાપરાયનાં ગયાં બાદ કુમુદ પોતાની લાકડીનો ટેકો લઈને રસોડામાં પ્રવેશી. પોતાનાં ચશ્મા કાઢીને પારખું નજર વાપરી તેણે ચા તો બનાવી દીધી અને કોફી બનાવીને એને ઢાંકીને બાજુમાં મૂકી દીધી.


ચાનો કપ લાવી હેઠે બેસી કુમુદે છાપું વાંચવા માંડ્યું. ચશ્માને ઉપર નીચે ફેરવી ધૂંધળા ધૂંધળા શબ્દોને પરાણે વાંચવાનું કષ્ટ તે સહેવા લાગી. થોડીવારમાં પ્રતાપરાય આવ્યા. રસોડા પર પડેલ કોફીનો કપ ઉઠાવીને તેઓ ત્રાંસી નજરે કુમુદને જોઈ રહ્યા.


"અલ્યા સાંભળો છો ડોહા. આ જુઓ છાપામાં આવ્યું છે કે નાચવાની પ્રતિયોગિતા થવાની છે એમાં મારી જેવા હોનહાર લોકો ભાગ લઇ શકશે." કુમુદે પોતાનાં ડાબલા પાછા નાક પર ચઢાવી ખુશ થતાં પ્રતાપરાયની સામું જોયું.


કુમુદની વાત સાંભળી પ્રતાપરાય મનોમન ખુશ થઇ ગયાં. તેમને પહેલેથી આવી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો ખૂબ શોખ.


"કયારે છે કુમુદ?" પ્રતાપરાયે ધીમા સ્વરે આનંદિત થતાં પૂછ્યું.


"લો આઈ ગયાં ને લાઈન પર!" કુમુદ પ્રતાપરાયને જોતાં હસી, "આમાં ફોરમ આપ્યું છે એ ભરીને મોકલવાનું."


"લાવ ઝટ લાવ. હમણાં જ ભરી દઉં." પ્રતાપરાય પોતાનાં મોંઢામાં તમાકુ મૂકતાં બોલ્યાં.


"તમારે બીજું છાપું લાવવું પડશે પણ!"


"કેમ?"


"કેમકે આમાં તો હું ભરીશ ને ફોરમ. તમે બીજું લઇ આવો જાઓ. બાજુવાળી પલ્લવી એમ પણ મોટી ભેંશ જેવી છે એને આમાં કાંઈ ભાગ નહીં લેવાનો હોય, તે એની જોડેથી જ લઇ આઓ."


"ડોશી એક જ ફોરમથી બે જોડકાનું ભરી શકાય સમજી અને હા પલ્લવીનું શરીર જાડું નહીં તંદુરસ્ત કહેવાય. તારા જેવું હાડપીંજરીયું કરતાં તો સારું જ!" પ્રતાપરાય પોતાનું બોખું કાઢતાં હસવા લાગ્યાં. 


"તમે સમજી શું રાખી છે હેં મને? હંમેશા મારી મજાક જ કરવાની!" કુમુદ રિસાઈને ફોર્મ બાજુમાં ફેંકી બારી પાસે આવી બહારનું દ્રશ્ય જોવા લાગી.


પ્રતાપરાયથી બધું સહન થતું પણ તેમની વ્હાલસોયી પત્નીનાં આંસુ તે બિલકુલ જીરવી ન શકતાં. તેમણે ફ્રિજ ખોલ્યું અને તેમાંથી એક ચમચી જેટલી માંડ બચેલી વેનીલા આઈસ્ક્રીમ લઈને પોતાની કુમુદને મનાવવા તેની પાસે જવાં લાગ્યાં. કુમુદ પણ ત્રાંસી નજરે તેમની આ હરકત જોઈને મંદ મંદ મુસ્કુરાઈ. આમ પણ તે પણ તો પ્રતાપરાયની ઢીલી નસ પકડી જાણવામાં માહિર હતી. પ્રતાપરાય ખુશ થતાં થતાં જતાં જ હતાં કે નીચે પડેલું ખોખું જોઈ ના શક્યા ને સીધા બાજુની ખુરશી પર ધડામ દઈને પડ્યાં. કુમુદ તેમને પડતાં જોઈ તરત હરકતમાં આવી અને તેમની પાસે ગઈ.


"શું થયું તમને? કેટલીવાર કહ્યું છે કે નીચે જોઈને હાલતાં હોવ." કુમુદ તેમની ખાંસતી પીઠ પસવારતાં બોલી.


"તે ચશ્મા તોડી.... તોડી નાખ્યા તે-" પ્રતાપરાય ખાંસતા ખાંસતા બોલી રહ્યા.


"મૂંગા મરો ડોહા!" કુમુદે વાત કાપતાં તરત પ્રતાપરાયનાં હાથમાં રહેલી આઈસ્ક્રીમની ચમચી લઈને પ્રતાપરાયનાં મોંઢામાં મૂકી દીધી.


પ્રતાપરાયનું ખાંસવાનું તરત બંધ થઇ ગયું, "મૂંગો મરું એની કરતાં આઈસ્ક્રીમ ખાતો ન મરું." પ્રતાપરાય આટલું કહીને જોરજોરથી હસવા લાગ્યાં.


કુમુદ તરત બેઠી થઇ કે ત્યાં જ પ્રતાપરાયે કુમુદને પોતાની પર ઢાળી દીધી અને કુમુદનાં કપાળે હળવું ચુંબન કરી દીધું. કુમુદનો ગુસ્સો જાણે વેનીલા આઈસ્ક્રીમની માફક પ્રતાપરાયનાં ચુંબનથી ઓગળી ગયો. તે પણ પ્રતાપરાયને ગળે વળગી રહી.


"હારું બીજું બધું તો ઠીક ડોશી પણ એક વાત કહું તું એકદમ વેનીલા ફ્લેવર જેવી છું. કોઈ જ નવો ટેસ્ટ નહીં, દર વખતની માફક એક જ જેવો ટેસ્ટ પણ તારું વ્યક્તિત્વ એટલું સરસ છે કે તું પણ વેનીલાની માફક તારામાં આવતાં પ્રત્યેક ફ્લેવર્સને તું આસાનીથી પોતાનામાં ઢાળી દે છે." પ્રતાપરાય વળગી રહેતાં બોલ્યાં.


"એકસોતેતાલીસ" કુમુદ મંદ મંદ હસતાં બોલી.


"એકસોતેતાલીસ બે" પ્રતાપરાય હસતાં બોલ્યાં અને કંઈક યાદ આવ્યું હોય એમ એક આંખ ઝીણી કરતાં બોલ્યાં, "હારું ડોહી તારા હાથેથી ખાધેલ આઈસ્ક્રીમ બહુ મીઠી લાગી હોં પણ તારા ગુસ્સા જેવી મીઠી નહીં." પ્રતાપરાય કુમુદને ચીઢવતા બોલ્યાં અને કુમુદે તેમને અળગા કર્યા અને પ્રતાપરાયની પ્રિય તમાકુની ડબ્બી નીચે પછાડી તોડી દીધી "હવે કહો તારો ગુસ્સો મીઠો!" 





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ