શું પુરુષ માતાની કલ્પના યોગ્ય છે??
સદગુરુ કૃપા હી કેવલમ.
શીર્ષક-શુ પુરુષ માતા શક્ય છે?
નિરાલી નહીંઇઇઇ એમ ચીસ પાડી ને સાફળી બેઠી થઇ ગઈ, તેણે જોયું તો તેની આસપાસ કોઈ હતું નહીં, અને નિહાર પણ ન હતો. તે ઉભી થઇ અને ફ્રીઝ માંથી ઠંડું પાણી પીધું, મોઢું ધોયું, પછી ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે બાલ્કનીમાં આવી, તો જોયું કે નિહાર ત્યાં બેઠો બેઠો સિગરેટના ધુમાડા કાઢતો, કંઈક વિચાર મગ્ન અવસ્થામાં બેઠો હતો. નિહારની આ ટેવથી નીરાલી પરિચિત હતી,પરંતુ અત્યારે કોણ જાણે તેને ગમ્યું નહીં. આમ તો નિહાર અને નિરાલી ના લવ મેરેજ હતાં, બંને એ બાળપણ સાથે જ વિતાવ્યું હતું, એટલે જ તો નિહાર બિઝનેસમેન હતો, અને નિરાલી scientist હોવા છતાં બંને લગ્ન કર્યા હતા, અને આ સ્વપ્ન પણ એને અંતર્ગત હતું,જેને કારણે નિરાલી ડરી ગઈ હતી. નિરાલી એક બહુ મોટા થીસીસ પર વર્ક કરી રહી હતી, અને જો તેની થીસીસ complete થાય, તો એક અનોખી શોધ માટે તેને કદાચ નોબેલ પ્રાઇઝ પણ મળી શકે, અને સાચે જ આ શોધ થાય તો, આપણે 21મી સદીમાં પહોંચી ગયા એ પુરવાર થઈ જાય એમ હતું. આમ તો માનવ જાત એ આજ સુધીમાં કઈ કેટલીય શોધ કરી, અને પ્રકૃતિ સામે પડકાર પણ ઘણા ફેંક્યા, પણ હજી અમુક બાબતે માનવીને ઈશ્વર શરણે જવું જ પડે છે. જન્મ-મૃત્યુ માં ટકાવારી કે લાંબા આયુષ્ય કે પછી ગંભીર રોગ સામે મુકાબલો આ બધું હજી વધતે ઓછે અંશે થઈ શકે છે. પરંતુ માનવીય શરીરની વૃદ્ધિ અને એમાં પણ ખાસ કરીને સ્ત્રીઓની મા બનવાની હોય, ત્યારે શારીરીક વૃદ્ધિ માટે ઈશ્વર જ કર્તાહર્તા છે. ત્યાં આગળ કોઈનું હાજી ચાલતું નથી. પરંતુ નિરાલી અત્યારે જે શોધ કરવા જઈ રહી છે, તે શોધ એવી છે કે સાંભળીને પણ લોકોને આશ્ચર્ય થાય, કે આવું પણ થઈ શકે!! નિરાલીના લગ્નજીવનને લગભગ 10 વર્ષ ઉપર થવા આવ્યું હતું, પરંતુ પોતાના કામ માંથી તેને ઘર ગૃહસ્થી વિકસાવવાનો સમય મળ્યો ન હતો, તો આ બાજુ નિહાર નું પણ એવું જ હતું, ધંધો દેશ-પરદેશ સુધી વિસ્તારવામાં તે પણ બાકી બધું ભૂલી ગયો હતો. ઉપરાંત બન્ને ને અંદરો-અંદર એક આત્મવિશ્વાસ હતો, કે તેઓનું જીવનસાથી તેને છોડીને ક્યાંય જવાનું તો નથી જ! તો પછી આટલી ઉતાવળ શું કામ નિરાંતે કરશું, અને નિરાલીના મનમાં તો એમ પણ હતું કે, જો તેની આ શોધ સફળ થાય તો, પહેલો પ્રયોગ એ પોતાના પતિ પર કરશે. આજે થીસીસ લગભગ complete થઈ ગઈ હતી, આખો દિવસ એના પર જ કામ કર્યું, હોવાથી સતત એના જ વિચારો મનમાં ઘુમરાયા રાખતા હતાં, અને મનમાં એમ પણ હતું કે શું મારી આ શોધ કામયાબ નીવડશે? અને આજ વાત મગજમાં ઘર કરેલી હોવાથી એનું જ સ્વપ્ન આવ્યું, જે ખરેખર ભયંકર હતું જેમાં આ શોધ થી સમાજમાં શેતાન, રાક્ષસ, પિશાચ, ડાકણ,કે ચૂડેલ જેવા લોકો નો જ જન્મ થાય, અને એ વિચારીને પણ તે અત્યંત બેચેન બની ગઈ, અને તેણે નક્કી કર્યું કે ભલે પાચ વર્ષની મહેનત પાણીમાં જાય, પણ તે આ થીસીસ complete કરશે નહીં, અને એવી કોઈ શોધ કરશે નહીં, જેનાથી આવતી પેઢીને નુકસાન થાય સમાજમાં અરાજકતા ફેલાય, અત્યારે પણ કેટલી વિષમ પરિસ્થિતિ છે,તો પછી શું થાય? એ વિચારીને તેને કમકમાટી થઈ ગઈ. નથી સમજાતું ને!! ચાલો માંડીને વાત કરું.
નિહાર અને નિરાલી આપણે વાત થઇ તેમ બંને અલગ પ્રોફેશનનાં હતાં, એટલે બંને જણા નું કાર્યક્ષેત્ર પણ અલગ અને વિચારો પણ સ્વાભાવિક રીતે અલગ જ હોય. પરંતુ મતભેદ ઘણીવાર થતાં, પરંતુ નિરાલીનાં સ્વભાવની ઉદારતા ને કારણે મનભેદ ક્યારેય થવા દેતી નહીં, અને વળી પાછા એકબીજાને સોરી કહી જીવન ને આગળ ધપાવતા. નિરાલી એક દિવસ એક નોવેલ વાંચી રહી હતી, અને એમાં સ્ત્રીની બદલે સેગોરેટ મધર તરીકે એક અનોખાં પુરુષની કથા હતી, આ પહેલા યુરોપના દેશોમાં પુરુષની જાંઘમાં બાળકને ઉછેર કરવામાં આવ્યું હતું, પરંતુ આતો એક સ્ત્રીની જેમ જ ગર્ભાશય નું નિર્માણ કરી, અને તેની અંદર નવ મહિના સુધી ગર્ભ નો ઉછેર પુરુષનાં શરીર માં થયો હતો, અને તેને આ નોવેલ માં ખૂબ જ રસ પડ્યો. તેણે નહીં નહીં તો ચારથી પાંચ વાર આખી નોવેલ વાંચી લીધી, અને તે કથાનક મુજબ ઇમેજીન કર્યું કે શું ખરેખર આ શક્ય છે? પોતે એક વૈજ્ઞાનિક હોવાથી મનની અંદર પણ આ વસ્તુને ગોઠવી જોઈ, અને તેને આશા જાગી કે હા આ તો શક્ય છે, અને તેણે આ આખી સાયકલ ને લગતી ખાસ શોધ તરીકે પુરુષ શરીરમાં એક ગર્ભાશય નું નિર્માણ થાય તેવા એક પદાર્થ ની શોધ કરી, અને સ્પર્મ ફલિત થયાં પછી, જ્યારે તેને પુરુષના શરીરમાં ગોઠવવામાં આવે ત્યારે, એને એક પ્રકારનાં ચીકણા ગમ નું ઈન્જેક્શન આપવામાં આવે કે, જેના દ્વારા તે અંદર જતાં સ્પર્મ આસપાસ એક કોથળી જેવું બનાવે, અને જેમ જેમ ગર્ભ મોટો થાય, તેમ આ કોથળી પણ મોટી થાય, અને બિલકુલ સ્ત્રી શરીરમાંથી જેમ પોષણ મેળવે, તે રીતે જ તે આમાંથી પોષણ મેળવે,અને તેની આંતર બાહ્ય સંવેદના પણ ગ્રહણ કરતું તે જ રીતે હવે બધું જ પુરુષનાં શરીરમાંથી પ્રાપ્ત કરે. અહીં સુધી બધું જ બરાબર હતું. પણ જો ને તો ની જેમ, જે પુરુષ શરીરમાં બેબી સ્પર્મ દાખલ કરવામાં આવે, તે પુરુષ સંવેદનશીલ ન હોય તો, દાખલા તરીકે અત્યાર સુધી જેમ જીવતો આવ્યો હોય તેમ જ જીવે તો, એટલે કે દારૂ, સીગરેટ,નોન વેજ, ડ્રગ્સ વગેરે નું સેવન કરે, તો બહુ સ્વાભાવિક રીતે જ ગર્ભ એમાંથી પોષણ મેળવતું હોય,આ ઉપરાંત ગાલીગલોચ કરે, હિંસા કરે તો, એટલે બાળક જન્મે પછી એના જેવું જ થાય,અને આ રીતે તો આ શોધ કરી માનવજાત ને એક અભિશાપ આપ્યાં બરાબર થાય! જે કદાપિ તેને મંજૂર નહોતું.
આટલો ભયંકર સ્વપ્ન આવ્યું અને એમાંથી બહાર નીકળવા એને સાથીમાં સહારાની જરૂર હતી તો બાજુમાં જ નિહાર હતો નહીં, અને બહાર જઈને જોયું તો એ સિગરેટ ફૂંકી રહ્યો હતો. નિરાલી વિચારતી હતી કે અન્ય કોઈ પુરુષની કલ્પના કરવાની ક્યાં જરૂર છે, પોતાનો પતિ પણ અમુક રીતે સંવેદનશીલ નથી, અને એને ભુતકાળના એવા કેટલાય પ્રસંગો યાદ આવી ગયા. જ્યારે તેને અમાનવીયતા દાખવી હોય. લગ્નને ત્રણ વર્ષ જ થયા હતાં, ત્યાં પેલા એના શાંતા માસી ને ત્યાં લગ્નમાંથી પાછા ફર્યા અને મિત્રો સાથે બેસીને ખૂબ જમાવટ કરી હતી ઘરે આવ્યાં, ત્યારે પોતે અત્યંત થાકી ગઈ હતી. એક તો ટાઈટ શિડ્યુલમાંથી બે દિવસની રજા પાડી અને ગયાં, અને ત્યાં પણ ઉજાગરા જેવું બધું થયું, એટલે પોતાને સૂઈ જવું હતું, પરંતુ પતિ ને ..... કેટલું દુઃખ થયું હતું.બીજે દિવસે એણે સોરી પણ કહ્યું પણ એથી શું! એકવાર તેનો ટીમ વર્કર મુકવા આવ્યો ત્યારે પણ ગુસ્સે થઈ થપ્પડ મારી હતી, અને વળી પાછું સોરી!! અરે એકવાર તો સાવ નજીવું કારણ રસોઈ બાબત,અને ઓહ એકવાર પપ્પા એ ધંધા માટે રુપિયા આપવાની નાં પાડી ત્યારે તો દસ દિવસ બોલ્યો પણ નહીં, અને જાણે 10 દિવસ સુધી કેદ કરી હોય તેમ જમવાનું પણ રુમમાં આપ્યું હતું.ઓહ આ પાપ હું કરી ન શકું! એમ વિચારતી વિચારતી એ રુમમાં આવી, અને તાત્કાલિક કાર અને લેબોરેટરીની ચાવી લઈ ને અત્યારે જ બધું ડીસ્ટ્રોય કરી નાખું, એમ કરી નીકળી,અને મનોમન આ સ્વપ્ન માટે ઈશ્વરનો આભાર માનતી હતી કે, તે સમયસર મને ચેતવી દીધી એ બહુ સારું કર્યું. ઉપરાંત પોતે બહુ મોટી ઈશ્વર બનવા નીકળી હતી, એ વાત પર પસ્તાવો પણ થયો.
મિત્રો આધુનિક યુગમાં સ્ત્રીઓ સફળતાને માર્ગે જે રીતે દોડી રહી છે, એ જોતા ક્યારેક તેઓને પણ પોતાના માતૃત્વનો ભાર લાગે, અને આમ પણ સમર્પણ મોટેભાગે સ્ત્રીઓને નસીબમાં લખાયેલું છે, એવું તો એ વારંવાર અનુભવતી જ હોય છે, એને માનવ તરીકેના હક્ક જોઇએ છે મહાન બનવું જ નથી. તે પોતે સ્પષ્ટ પણે હવે કબૂલે છે કે મૂર્તિ બનાવી અમને પૂજશો નહીં તો ચાલશે, પરંતુ અમારા હૃદયમાં પણ સંવેદના ભર્યું હૃદય છે એ વાત માત્ર સ્વીકારી ને અમારી સાથે વ્યવહાર કરો. એટલે કોઈ સ્ત્રી ને એનાં અસ્તિત્વ વિષે ફરિયાદ થાય, અને કદાચ ને કોઈ આવી શોધ વિશે કલ્પના પણ કરી શકે ખરી, ઉપરાંત આધુનિકતાની દોડમાં સૌ એટલી હદે ઝડપથી દોડી રહ્યા છે કે ક્યારેક આ કલ્પના સાચી પડે તો પણ કંઈ નવાઈ નહીં! અને ક્યારેય સપના અંતર્ગત જે વિચારો કંડાર્યા છે, એ પ્રમાણે પૃથ્વી પર બાળકો જન્મ લેશે તો તો અરરરર, કારણ કે ગમે તેટલું કરો પુરુષ સ્ત્રી જેટલો સંવેદનશીલ ક્યારેય બની ન શકે.બાળક માટે જે ત્યાગ ને જતું કરવાની ભાવના સ્ત્રીમાં હોય એ પુરુષ માં ન આવી શકે, એટલે જન્મ પહેલાં તો નહીં જ,હા અપવાદ હોઈ શકે પણ અપવાદ સિદ્ધાંત ન બની શકે. આમ પણ અત્યારે માતાની કૂખે જન્મ્યાં હોવા છતાં સમાજ દ્વારા કે પિતા દ્વારા અમાનવીય કૃત્યનો ભોગ બનેલી માતાનાં સંતાનો પહેલેથી જ વિદ્રોહી તરીકે જન્મે છે, અને સામાજિક રીતે એટલે બહુ નાની ઉંમરથી અમુક બાળકોને જોતા એવું લાગે કે, હજી તો આ બાળકની ઉંમર પણ એટલી નથી, છતાં આટલી પરિપક્વતા કેમ આવી? અથવા તો આટલો વિદ્રોહ કેમ થાય છે? કે પછી હિંસા ના ભાવ કેમ પ્રગટે છે? તો જ્યારે ખરેખર આવી કોઈ શોધ થાય ત્યારે તો શું થશે? કદાચ યુદ્ધ માટે તલવારની પણ જરૂર નહીં પડે એવા ભાવ લઈને જ એ બાળક જન્મશે. વિજ્ઞાન વિકાસ ખરેખર આવકાર્ય છે, પરંતુ એ શોધ માનવને સંવેદનહીન બનાવે તો એ સામાજિક પાપ છે, એવું આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ કહેતા. આપણે એકવીસમી સદીમાં પહોંચી ગયા છીએ, એ સાબિત કરવા શોધ કરવી એટલી જરુરી નથી,પણ જે શોધ આજ સુધીમાં થઈ છે,તે ખરેખર ઉપયોગી છે? અને તેનો સુચારુ રૂપે આપણાં દ્વારા ઉપયોગમાં લેવાય છે કે નહીં ? એ વિચારીને યોગ્ય નિર્ણય કરવો તે પ્રગતિની નિશાની છે.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
