ખૂની કોણ?
શોપીઝન
ખૂની કોણ?(પ્લોટ આધારીત )વાર્તા સ્પર્ધા
લેખક:શરદ ત્રિવેદી
આવતીકાલના અખબારોની હેડલાઈન હશે 'પતિની હત્યારી પત્ની જ.શહેરના મશહુર વકીલ સોમેશ પ્રજાપતિની હત્યા એની પત્ની જયાએ જ કરી હતી.જયાને સોમેશ પ્રજાપતિના મોત માટે કોર્ટે દોષિત માની, સજાનો ચૂકાદો અનામત રાખ્યો.હત્યામાં મદદગારી કરવા બદલ નોકર માંગીલાલ પણ દોષિત.'
વકીલ તરીકે રાકેશ પટેલ,તમે આજે કોર્ટમાં અંતિમ દલીલો પૂરી કરેલી.આમ તો કેમેય કરીને જયા ગુનાની કબૂલાત કરતી ન હતી,એટલે કોર્ટમાં લાંબો સમય આ કેસ ચાલ્યો.જેના કારણે આજે પાંચ વર્ષે કેસનો ચુકાદો આવ્યો.જેમાં જયા દોષિત ઠરી.આજે તમારા વકીલ મિત્રની ખૂની પત્ની જયાને દોષિત સાબિત કરી તમે સંતોષની લાગણી અનુભવી રહ્યા છો,રાકેશ પટેલ.
બનાવની સઘળી હકીકત તમે અથથી ઇતિ સુધી જાણો છો,રાજેશ પટેલ.સોમેશ પ્રજાપતિ તમારો બચપણનો મિત્ર.તમે નાનપણથી જ એને ઓળખો છો.પહેલેથી જ સ્વભાવે સરળ અને શાંત,વર્ગમાં હંમેશા પહેલો આવતો.ક્યારેય કોઇ વિવાદમાં પડ્યો હોય એવું તમને યાદ નથી. દેખાવે કાળોમીંઢ, ભરાવદાર શરીર, વાંકડી મૂછો રાખતો. વ્યવસાયમાં એકકો.જેણે એને વકીલ રાખ્યો હોય એ અસીલ કેસ જીત્યો જ સમજો. એને લાગે કે અસીલ સાચો છે તો જ કેસમાં પડતો, નહિ તો કેસ લડવાનો જ નહીં. વકીલાતની ગરિમા એને જાળવી રાખી હતી.એની ત્રણ-ત્રણ પેઢીથી વકીલાત એને વારસામાં મળેલી. પ્રજાપતિ એસોસિએટ્સ વકીલાતક્ષેત્રે મોટું નામ ગણાતું,આજે પણ ગણાય છે.એના પિતા રમણિક પ્રજાપતિનો એ એકનો એક દીકરો.એના શરીરનો કાળો રંગ પણ એને વારસામાં મળેલો. એના દાદાથી માંડીને એના સુધીના બધા એકસરખા કાળા.ઈશ્વરે એમને ઘડતી વખતે કાળો રંગ જ વાપરેલો એમ કહીએ તો પણ ખોટું નહી.મોટું ખોરડું અને નામાંકિત પેઢીના હીસાબે એમની પત્ની તરીકે હંમેશા સુંદર અને સ્વરૂપવાન સ્ત્રીઓ જ મળેલી. રમેશના દાદીમા હીરાબા,સોમેશના મમ્મી મનોરમાબેન અને સોમેશની પત્ની જયા રૂપ-રૂપનો અંબાર. કોણ જાણે કેમ પણ આ સ્ત્રીઓના રંગની અસર આ ખાનદાનના પુરુષો પર તો સહેજ પણ વર્તાતી નહોતી.સોમેશ પણ એમાંથી બાકાત ન હતો.એનો કાળો વાન, કાળા ભમ્મર વાંકડિયા વાળ અને કાળી મૂંછો એને વધુ ભયાનક બનાવતાં હતા.જો કે એ એવો ભયાનક હતો નહીં.
એનું ઘર એના સમાજમાં ઊંચું ગણાતું અને એમાં પાછા એના દાદા અને પપ્પા સમાજના આગેવાન હતા, એટલે લગ્નની ઊંમરે એને સારા-સારા ઘરની કન્યાઓના માંગા આવતાં. એના પપ્પાએ તો એને મનગમતી છોકરી સાથે પ્રેમ લગ્ન કરવાની છૂટ પણ આપી હતી પણ એની ચામડીની કાળાશે એને યુવાની દરમિયાન થોડો શરમાળ અને અંતર્મુખી બનાવી દીધેલો.પ્રેમલગ્નનો તો કોઈ સવાલ જ ન હતો.એણે એના મમ્મી પપ્પાની સમાજમાંથી જ કોઈ સારી સંસ્કારી છોકરી શોધી લાવવા જણાવેલું અને એ લોકો જે પસંદ કરે તે છોકરી સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવેલી.
એના પપ્પા અને મમ્મીએ એમના કાળીયા ઠાકર માટે છોકરીઓ જોવાનું શરૂ કરેલું.છેવટે મનોરમાબેને સોમેશ માટે એક સુંદર છોકરી શોધી કાઢેલી. રૂપરૂપનો અંબાર,સુંદર આંખો, ગુલાબની પાંદડી જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત,જાણે કોઈ સંગેમરમરનું અદ્ભૂત શિલ્પ જ જોઈ લો.એના ઉરજનો ઉભાર ગમે તેવા તપસ્વીને એનું તપ છોડાવી દે એવો હતો.ઈશ્વરે જયાને નવરાશના સમયમાં ઘડી હશે.એના યૌવનકાળમાં કેટલાય જુવાનીયા એના પાછળ પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતા. સ્વર્ગની અપ્સરાથી એ કંઈ કમ ન હતી.કોલેજ કરતી હતી ત્યારે કોલેજના છોકરાઓ જ નહીં કોલેજના પ્રોફેસર પણ એની પાછળ પડેલા,પણ એને મચક નહીં આપેલી.આમ,સોમેશને કાચી કળી જ મળેલી. સદભાગ્યે એ કાચી કળીને સોમેશે જ ખીલવીને પૂષ્ષ બનાવવાની હતી.
ક્રીમ રંગના શુટ અને સફેદ રંગની ગાડીમાં જ્યારે સોમેશ જયાને જોવા ગયેલો ત્યારે જયા એને જોવાને બદલે એના સુટ-બુટ અને ગાડીને જોઈ રહેલી.એની આંખોમાં ઘૂઘવતો દરિયો આ કાળમીંઢ પથ્થરને અથડાઇને પાછો ફર્યો. પણ જયાથી કંઈ થઈ શકે એમ ન હોતું. રમણીક ધનેશ્વરનું માંગું પાછુ ઠેલવું એટલે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવું,એના બરાબર ગણાય.
એ પછી ધામધૂમથી સોમેશ અને જયાની સગાઈ થયેલી.રમણિકલાલ અને મનોરમબેને પોતાની પુત્રવધૂને સોનાથી મઢી નાંખેલી.જયાની માએ કહેલું'રાજરાણી થઈને રહીશ બેટા,આ તો હજી શરૂઆત જ છે.' જયાને એ બધું તો ગમેલું પણ 'શ્યામ રંગ સમીપે જવાની વાત'એને રૂચતી ન હતી. સગાઇ માં હાજર રહેલા નાતના બીજા જુવાનીયાઓએ લાંબા નિસાસા નાંખેલા.કાશ!અમે પણ રમણિક ધનેશ્વરના છોકરા હોત.
એ પછી સોમેશ અને જયાના લગ્ન પણ ખૂબ શાનદાર રીતે થયેલાં. કેમ ન હોય,વરપક્ષ અને કન્યા પક્ષ બન્ને બાજુનો ખર્ચ રમણિક ધનેશ્વર હતો.અંતે સોમેશ જયાનો પતિ બની ગયેલો. કાગડો દહીંથરું લઈ ગયો એમ કહેતા જુવાનીયાંઓએ પોતાના માટે બીજું કોઈ પાત્ર શોધવાનું શરૂ કરી દીધેલું.
સુહાગરાતના દિવસે સોમેશે જયાને મન ભરીને માણેલી.જયાએ પણ હવે એ જ એનું ભાગ્ય છે એમ માની સોમેશને બરાબર સાથ આપેલો. બંને એકમેકની બાહોમાં સમાઈને એકાકાર થઇ ગયેલાં.કાળા અને ધોળા રંગનું અદ્ભુત સાયુજ્ય રચાયેલું.મધુરજનીના દિવસે સંગેમરમરના શિલ્પને અનાવૃત અવસ્થામાં જોઈને સોમેશ દીવાનો થઇ ગયેલો.સ્ત્રી પ્રેમ માટે સેક્સ કરે છે અને પુરુષ સેક્સ માટે પ્રેમ કરે છે એ હકીકત અહીં પણ સાચી પડેલી.મિલનની પ્રથમ રાત્રિએ જ જયાની કમનીય કાયાનો જાદું સોમેશ પર છવાઈ ગયેલો.
પછી તો સોમેશ અને જયા હનીમુન વખતે એકબીજાની વધુ નજીક આવેલાં.દેખાવ સામે સોમેશનો સ્વભાવ કામ કરી ગયેલો. એનો જયા પ્રત્યેનો પ્રેમ અને લાગણી,એની કાળજી લેવાની રીત બધું જ ગમવા લાગેલું જયાને!જયા તો રૂપની દેવી હતી.રૂપની દેવી આગળ તો ભલભલા પૂજા કરવા લાગે છે એમ સોમેશ પણ એને પૂજવા લાગેલો.બંનેનું દાંપત્યજીવનરૂપી ગુલાબના ફૂલે ખીલવાની શરૂઆત કરી દીધેલી.મધ્યમવર્ગીય પરિવારમાંથી આવેલી જયા વૈભવશાળી પરિવારમાં યોગ્ય રીતે ગોઠવાઈ ગયેલી.હવે તો એને પણ સમજાયું કે પૈસો સુખ આપે છે એટલું સુખ રંગેરૂપે સુંદર રાજકુમાર જેવો છોકરો આપી નથી શકતો.એ પિયર જતી ત્યારે પણ આસપાસના પાડોશી એના ઓવારણાં લેતાં અને કહેતા છોકરી જેટલી સંસ્કારી અને સુંદર હતી તેટલી જ સમજદાર નીકળી.
સમયને વીતતા વાર નથી લાગતી. જયા અને સોમેશનું લગ્નજીવન સુખરૂપ વ્યતીત થતું હતું. બે વર્ષ જેટલો સમય વીતી ગયો.પાલનપુર ખાતે પ્રજાપતિ એસોસિએટ્સની નવી શાખા ખોલવામાં આવી.એની જવાબદારી સોમેશ પર આવી પડી.સોમેશને અમદાવાદથી પાલનપુર શિફ્ટ થવાનું થયું. પાલનપુરના પૉશ વિસ્તારમાં નવીન બંગલો ખરીદી એમાં જયાના હાથે ધડો મૂકવામાં આવ્યો.બંગલાનું નામ રાખ્યું'જયસોમ'અમદાવાદ નિવાસી જયા હવે પાલનપુરી થઈ ગઈ.
નવી જવાબદારી અને પાલનપુરમાં વકીલાતનો પગદંડો જમાવવા સોમેશ વ્યસ્ત થઈ ગયો.સોમથી શુક્ર એ વકીલાતના કામમાં વ્યસ્ત રહેતો અને શનિ-રવિ માઉન્ટ આબુના પહાડી વિસ્તારમાં આવેલા એના વીક-એન્ડ બંગલામાં જયા સાથે એન્જોય કરવા ઉપડી જતો.બંને જણા કયારેક અમદાવાદ પણ જઈ આવતાં.વારસામાં મળેલા વકીલાતના વ્યવસાયમાં સોમેશ જામી ગયો.એને મળવા માટે અસીલોને એપોઈન્ટમેન્ટ લેવી પડે એવી સ્થિતિ આવી ગઈ.ચાર મદદનીશ વકીલ,એક સેક્રેટરી, ચાર કોમ્પ્યુટર-ઓપરેટર, બે પટાવાળા સહિત પ્રજાપતિ એસોસિએટ્સના સ્ટાફમાં પણ વધારો થયો.
આ બાજુ જયાને પણ ઘરકામ તકલીફ ન પડે એ માટે સોમેશે એક રામાની વ્યવસ્થા કરી.માંગીલાલ મૂળ રાજસ્થાનનો વતની પણ ધંધાર્થે પાલનપુર આવેલો. એણે જયા અને સોમેશના ઘર'જયસોમ'ની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધેલી.થોડા જ વખતમાં જયા અને સોમેશ, એમ બંનેનો એ વિશ્વાસુ બની ગયેલો.સોમેશને પણ રાહત થઈ ગયેલી, એક વિશ્વાસુ માણસ મળવાથી એની ઘણી ચિંતાઓ હળવી થઈ ગયેલી. માંગીલાલ કર્મે રામો હતો પણ રાજકુમાર જેવો લાગતો હતો.એનું આકર્ષક શરીર સૌષ્ઠવ કોઈ પણ સ્ત્રીને આકર્ષવા માટે પર્યાપ્ત હતું. એનું મનમોહક સ્મિત,ગૌર વર્ણ,સિંહ જેવી પાતળી કેડ અને કાળા સુંદર વાળ કોઈ પણ માનુનીને ચલિત કરવા માટે પૂરતા હતા.
એક વખત જયા બીમાર થઈ, એને પીળિયો થયેલો ત્યારે માંગીલાલે સોમેશ કરતા પણ જયાની વધારે કાળજી લીધેલી.જયાને ધીમે ધીમે માંગીલાલ ગમવા લાગેલો.જયા સોમેશની વ્યસ્તતાના કારણે પહેલેથી જ એકલતા અનુભવતી હતી.એ માંગીલાલના પૌરુષત્વ ભરેલા દેહની સોમેશના શરીર સાથે સરખામણી કરતી ત્યારે એના સૂતેલા સ્પંદન જાગી જતા.માંગીલાલ ધીરે-ધીરે એના મન મસ્તિષ્ક પર કબજો જમાવવા લાગેલો. માંગીલાલ જયાના મનમાં ઉઠતા આ વિચાર તરંગોથી સાવ અજાણ હતો.
સોમેશ કામના બોજ નીચે દબાતો જતો હતો.જયાને પણ ખાસ સમય આપી શકતો નહીં. પૈસા અને પ્રતિષ્ઠા તેની સાથે સાથે ખરાબ આદતોને પણ ખેંચી લાવે છે.એ શરાબનો શોખીન થઈ ગયેલો.મિત્રો સાથે એણે પીવાનું શરુ કરી દીધેલું. શનિ-રવિ ઘણી વખત માઉન્ટ આબુ ખાતે પોતાના વીક-એન્ડ હાઉસમાં દારૂની મહેફિલ એન્જોય કરવા એ પહોંચી જતો.
આ બાજુ જયાને એકલતા કોરી ખાવા લાગી હતી. માંગીલાલ એની નજર સામે જ હતો.જ્યારે જોઇએ ત્યારે ઉપલબ્ધ.એનાથી બે પાંચ વર્ષ નાનો પણ ખરો. પાલનપુર ખાતેના આલીશાન બંગલા 'જયસોમ'માં જયા સાથે રોકાવા ક્યારેક જયાના પિયરિયાં એના ઘરે આવતાં.ક્યારેક સોમેશના મમ્મી પણ પાલનપુર આવતાં.દિવસ દરમિયાન કામવાળીઓની અવરજવર રહેતી.માંગીલાલ આલીશાન બંગલાના દરવાજા પાસે બનાવી કોટડીમાં જ રહેતો.
એક દિવસ સોમેશ કોઈ કામથી બહાર ગયેલો. ચોમાસાની રાત હતી.ગડગડાટ અને કડકડાટથી પાલનપુર ગાજી ઉઠેલું.ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયેલો.રાતના આઠ વાગ્યા પહેલા જમવાનું બનાવી, રસોડાનું કામકાજ પતાવી,માંગીલાલે પોતાની કોટડી માં જવા જયા પાસે રજા માંગી.જયાએ માંગીલાલને કોટડીમાં જવાના બદલે બંગલામાં જ રોકાઈ જવા કહ્યું.'આવી ભયાનક રાત્રે સાહેબ ઘરે નથી અને હું એકલી અહીં હોઉં અને તું તારી કોટડીમાં હોય તો મને ડર લાગે.અહીં જ રોકાઈ જા.'માંગીલાલે થોડી આનાકાની કરી પણ જયાએ કહ્યું 'મેં કહ્યું એમ કર'
જયાએ માંગીલાલને ડ્રોઇંગરૂમમાં થોડીવાર બેસવા જણાવ્યું. ત્યારબાદ ગુલાબી રંગના થ્રી-પીસ નાઇટ ગાઉનમાં સજ્જ થઇ જયાએ એના બેડરૂમમાં આવવા માંગીલાલ બૂમ પાડી.માંગીલાલ જયાને થ્રી-પીસ ગુલાબી ગાઉનમાં જોઈને બેડરૂમના દરવાજાની વચ્ચે જ ઉભો રહી ગયેલો. શું કરવું એની સમજ એને પડેલી નહીં.
જયાના તન-મનમાં ઉઠેલું તોફાન આજે માંગીલાલને શાંત કરવું પડે તેમ જ હતું. જયાએ માંગીલાલનો હાથ પકડીને અંદર ખેંચી લીધોને બેડરૂમના દરવાજાને સ્ટોપર મારી દીધું.માંગીલાલ કંઈ સમજે એ પહેલાં તો જયાએ માંગીલાલને એની બાહોમાં લઈ એના હોઠ માંગીલાલના હોઠ મૂકી દીધાં. એણે આંખો બંધ કરીને માંગીલાલના માંસલ દેહને જકડી લીધો.જોબનવંતી જયાનો ગુલાબી ગાઉનમાં રહેલો ગુલાબી દેહ માંગીલાલને મખમલી અહેસાસ કરાવા લાગ્યો.એના બંને પયોધરો માંગીલાલની ભરાવદાર છાતીનું દબાણ અનુભવવા લાગ્યાં. કાચા કુંવારા માંગીલાલ માટે આ પ્રથમ અનુભવ હતો,સામે જયા અનુભવી હતી.એણે માંગીલાલને વધુ જકડી લીધો અને તેના કપાળ,ગાલ, હોઠ પર ચુંબનનો વરસાદ કરી નાંખ્યો.માંગીલાલ પાસે પણ ભીંજાયા સિવાય છૂટકો ન હતો.હવે પોતાની જાતને માંગીલાલ પણ કાબૂમાં રાખી શકે તેમ ન હતો.જયા તેનું શરીર માંગીલાલને સોંપવા ઉતાવળી થઈ રહી હતી.માંગીલાલને વેલની જેમ વળગી પડેલી જયા જોશથી બોલી'માંગી,આઈ લવ યુ' માંગીલાલે જયાને પોતાના બાહુપાશમાં લઇ જોશથી ભીંસી.જયાએ એની બે જાંધો વચ્ચે માંગીલાલના પૌરુષત્વને અનુભવ્યું.બંને જણ એકસાથે બેડમાં પડ્યાં.માંગીલાલ નીચે અને જયા ઉપર.થોડીવારમાં તો જયાનું ગુલાબી થ્રી-પીસ ગાઉન એના દેહ પરથી દૂર થઈ ગયું.જયાના ગુલાબી અનાવૃત શરીરને માંગીલાલ એના હોઠથી પીવા લાગ્યો.કામાતુર જયાએ પણ માંગીલાલને નિર્વસ્ત્ર કરી દીધો.બંને અનાવૃત દેહ એકબીજા સાથે ઘસાવા લાગ્યાં.જયા એના અનુભવનો પૂરો લાભ માંગીલાલને આપી રહી હતી.માંગીલાલ પણ યુવાન હતો સામે મદહોશ જયા હતી.કામે એની કરામત કરી દીધી.જયા અને માંગીલાલ બે એક થઈ ગયાં.અનુભવી જયાને નવા નિશાળિયાં માંગીલાલ સાથે અલગ અહેસાસ થયો એનું રોમેરોમ પુલકિત થઈ ગયું.માંગીલાલ સામે સોમેશનું પૌરુષત્વ એને વામણું લાગવા લાગ્યું. માંગીલાલ માટે કામકલાનો પ્રથમ અનુભવ મસ્ત રહ્યો. એ એક જ રાતમાં બંનેએ એકબીજાને મન ભરીને માણ્યા.જયાની તડપને નવા પુરુષના સ્પર્શે શાંત કરી.માંગીલાલની ભૂખ પણ ભાંગી.
પછી તો આ રોજનું થઈ ગયું.સોમેશને બદલે જયા માંગીલાલની થઈ ગઈ.દરેક રાત જ નહી પણ દિવસ પણ એમના ઐક્યનો સાક્ષી બનવા લાગ્યો. બંનેને એકબીજા સાથે મજા પડવા લાગી.બંને એકબીજાના થવાના કોલ દઈ બેઠા.માંગીલાલને દુનિયા સુંદર લાગવા માંડી.જયાને સોમેશનો વૈભવ માંગીલાલની બાહો આગળ તુચ્છ લાગવા લાગ્યો.
એકાદ વર્ષ વીતી ગયું.બંને વચ્ચેના સંબંધની સોમેશને ગંધ પણ ન આવી.બંને બિન્દાસ થઈ ગયાં, પણ પાપ છાપરે ચડીને પોકાર્યા વગર રહેતું નથી. ગમે તે રીતે આ વાત સોમેશ સુધી પહોંચી ગઈ.એક દિવસ સોમેશે બંનેને રંગે હાથે પકડી લીધાં.માંગીલાલ છટકીને ભાગી ગયો.સોમેશે ઈજ્જત જવાના ડરે જયાને ચેતવણી આપી અને ભવિષ્યમાં આવું ન કરવા જણાવ્યું.જયાએ પણ સમયનો તકાજો જોઈ પગ પકડી માફી માંગી લીધી.
જયા માંગીલાલને ભૂલી શકે એમ ન હતી.માંગીલાલ માટે પણ જયા વગર જીવવું દુષ્કર હતું.બંનેનો ટેલિફોનિક સંપર્ક ચાલુ થયો.બંનેએ કોઈ પણ ભોગે કાયમ માટે એકબીજાના થઈ જવાનું નક્કી કર્યું.સોમેશનો રસ્તામાંથી કાંટો કાઢી નાંખવાનું બંનેએ નકકી કર્યું.જયાએ અને માંગીલાલે એની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી દીધી.માઉન્ટ આબુ ખાતેના વિક-એન્ડ હાઉસમાં સોમેશને આખરી અંજામ આપવાનું નક્કી થયું.
માંગીલાલ રાજસ્થાનનો હતો.સોમેશ અને જયા સાથે એણે એક-બે વખત સોમેશના માઉન્ટઆબુ ખાતેનાં વીક-એન્ડ હાઉસની મુલાકાત લીધેલી, એટલે બંગલાના રાખ-રખાવનું કામ કરતો માણસ હિરો એને ઓળખતો હતો.એક દિવસે માંગીલાલ સોમેશના વીક-એન્ડ હાઉસમાં પહોંચી ગયો અને હિરાને ખબર ન પડે એ રીતે સોમેશના મૃત્યુ નો સામાન પિસ્તૉલ,છરી,દોરડું વગેરે રાખી આવ્યો. તે બાબતે જયા અને માંગીલાલને ટેલિફોન પર વાતચીત પણ થઈ ગઈ.
જયાએ કહ્યું'ખેલ તમામ કરીને માંગી ત્યાં અને ત્યાં જ તું મારી ભૂખ ભાગજે.કેટલા દિવસ થઈ ગયા તને માણ્યાને મારા માંગી?'માંગીએ પણ કહ્યું'હા,જયા કામ તમામ થયા પછી તું કાયમ માટે મારી થઈ જઈશ.'
શિયાળાની કડકડતી ઠંડીમાં શનિ-રવિની રજાનો આનંદ માણવા સોમેશ જયા સાથે માઉન્ટ આબુ ખાતે આવ્યો.સોમેશને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આ વિક-એન્ડ એની જિંદગીનો આખરી વીકએન્ડ બની રહેશે.એની જિંદગીનો એન્ડ થઈ જશે. જયાએ કહ્યું હતું કે વીક-એન્ડ હાઉસમાં મારે તારા સિવાય કોઈ જોઈએ નહી.મારે તારા સાથે બહુ મોજ-મસ્તી કરવી છે. જમવાનું હું બનાવીશ પણ મારે તારી સાથે એકલું જ રહેવું છે. હિરાને રજા આપી દેવાઈ વિક-એન્ડ હાઉસમાં જયા અને સોમેશ સિવાય કોઈ નહોતું. શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીથી માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચી ગયેલું. રસ્તા ઉપર એક કાર પૂર ઝડપે દોડી રહી હતી. ગાઢ ધુમ્મસના કારણે રસ્તામાં બે હાથ આગળનું કંઈ દેખાતું ન હોતું.અચાનક કારનું ટાયર ફાટતાં કાર ચિચિયારી કરીને રસ્તાની એક તરફ ઉભી રહી ગયેલી.જો ચારેક મીટર આગળ ગઈ હોત તો સીધી ખીણમાં જાત.
એક આકૃતિ એમાંથી ઉતરે છે. કારને ગુસ્સાથી લાત મારે છે.આજુબાજુ જુવે છે અને ત્યાંથી દૂર એક નાનકડા ટીંબા પર સોમેશ પ્રજાપતિના વિક-એન્ડ હાઉસ તરફ જાય છે.
ખટખટ!દરવાજે ટકોરા પડે છે અને દરવાજો ખુલે છે. ગભરાયેલી યુવતી દરવાજો ખોલે છે. એના હાથમાં પિસ્તોલ હોય છે.ખૂણામાં એક લાશ પડી હોય છે.એ યુવતી એટલે જયા અને આવનાર પુરુષ એટલે માંગીલાલ.
જયા માંગીલાલ ભેટી પડે છે,યોજના મુજબ કામ તમામ થઈ ગયું છે એવું જણાવે છે.બંને લાશને જોઈને હસે છે.બંને બધું ભૂલીને એકમેકમાં ઓગળી જાય છે.ઘડીયાળ સવારના ચાર વાગ્યાનો સમય બતાવતી હતી.બંને ભેગા મળી લાશને ફાટેલા ટાયર વાળી ગાડીની સ્ટેયરીંગવાળી સીટ સાઈડે ગોઠવી દે છે, પછી ગાડીને હળવેથી ધક્કો મારે છે. ગાડી રસ્તાની બાજુવાળી ખીણમાં પડે છે. માંગીલાલ જયાને વિક-એન્ડ હાઉસમાં મૂકી નીકળી જાય છે.સોમેશનો કાંટો કાઢવાનો બંનેનો પ્લાન કામિયાબ થઈ ગયો. વહેલી સવારે જયા એકલી એના પલંગમાંથી ઊઠે છે.હીરાને ફોન કરી તાત્કાલિક આવવા જણાવે છે.'સોમેશ વીક-એન્ડ હાઉસમાં નથી,એની ગાડી પણ નથી.મુખ્ય દરવાજો ખુલ્લો છે.સોમેશ કદાચ પાલનપુર જવા નીકળી ગયા હોય તો હું પાલનપુર જવા નીકળું છું'એમ કહી એ પાલનપુર જવા નીકળી જાય છે.સાંજ પડવા છતાં કોઇ સમાચાર આવતા નથી.જયા ફોન કરીને સોમેશના પપ્પાને સોમેશના ગૂમ થયા અંગેની હકીકત જણાવે છે.રમણિકલાલ તાબડતોબ પાલનપુર આવી જાય છે.એ આખી રાત જેમ તેમ કરીને પસાર થઈ જાય છે.
બીજા દિવસે માઉન્ટ આબુ પોલીસમાંથી પાલનપુર ખાતે સોમેશ પ્રજાપતિના 'જયસોમ'બંગલાના લેન્ડલાઈન પર ફોન આવે છે.જયા એ ફોન રિસિવ કરે છે.' મેં ઇન્સ્પેકટર મીના,માઉન્ટ આબુ પુલિસ સ્ટેશનસે બોલ રહા હું,આપ સોમેશ પ્રજાપતિ કી વાઈફ બોલ રહી હૈ,ઐસા લગતા હૈ.હમે સોમેશ પ્રજાપતિકી લાશ મીલી હૈ,શાયદ ગાડી પર નિયંત્રણ ખો દેને કી વજહ સે ઉનકી મોત હુઇ હૈ'જયાના હાથમાંથી ફોન પડી ગયો.એ ફસડાઈ પડી.'જયસોમ'માં શોકની કાલિમા છવાઈ ગઈ.
બીજા દિવસના અખબારમાં પાલનપુરના મશહુર વકીલ સોમેશ પ્રજાપતિના આકસ્મિક મૃત્યુના સમાચાર છપાયાં.વકીલ આલમમાં અને સોમેશના ઘરમાં શોકનું વાવાઝોડું ફરી વળેલું.જયા વિધવા થઈ ગયેલી.
તમે પણ તમારા દોસ્તના અંતિમ પ્રસંગમાં હાજર હતાં.સોમેશના એકદમ નજીકના મિત્ર હોવાના કારણે એક વખત સોમેશે તમને જયા અને માંગીલાલ સાથેના સંબંધ અંગે વાત કરેલી.
સવારના પાંચ વાગે કહ્યાં વિના ઘરની બહાર જવું, એની કારનું ટાયર ફાટતાં કાર ખીણમાં ખાબકવી, એવી કડકડતી ઠંડીમાં સોમેશના શરીર પર એક પણ ગરમ વસ્ત્ર ન હોવું વગેરે સવાલો તમરા મનમાં શંકા ઉપજાવતા હતાં.તમે સોમેશના પપ્પાને કહીને લાશનું પોસ્ટમોર્ટમ કરવા જણાવેલ.એકનો એક દીકરો ખોઈ બેઠેલા રમણિકલાલે'કશું જ કરવું નથી' તેમ જણાવ્યું.પણ તમારા આગ્રહને વશ થઈ છેવટે તેમણે તમારી વાત મંજૂર રાખી. એક પારિવારિક સદસ્યના નાતે તમે સોમેશના મૃત્યુ અંગે સાચી હકીકત જાણવા માગતાં હતાં.તમે અને રમણિકલાલ સોમેશની લાશનો કબજો લેવા માઉન્ટ આબુ ગયેલાં.પોલીસને લાશનું પોસ્ટમોર્ટમ કરવા અંગે તમે જણાવેલું.પોલીસે તરત જ કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુ ગળે ટૂંપો આપવાથી થયું છે એમ સાબિત થયેલું.ગળે ટૂંપો આપ્યા બાદ ખૂનીએ સોમેશના શરીર પર બે રાઉન્ડ ફાયરિંગ પણ કરેલું. શરીર પર ઈજા-ઉઝરડાના ચિહ્નો એના મૃત્યુ પછી થયેલ જણાયેલાં. એના ઉપરથી સાબિત થયેલુ કે સોમેશનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી પણ કોઇએ ઇરાદાપૂર્વક હત્યા કરી રોડ અકસ્માતમાં આખી ધટના ખપી જાય એ રીતે આખી ઘટનાને વળાંક આપ્યો છે.સોમેશના પિતાજી રમણિકલાલે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં એ બાબતની ફરિયાદ દાખલ કરેલી.
પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી અને શકમંદ તરીકે જયા અને હિરાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરેલી.હીરો તો શનિવારે જે દિવસે ઘટના બની એ દિવસે વીક-એન્ડ હાઉસમાં હાજર જ ન હતો.એણે ત્યાં એની ગેરહાજરી અંગેના પુરાવા રજૂ કરેલાં.એ નિર્દોષ હતો એટલે એને ખાતરી કર્યા બાદ તરત જ પોલીસે એને જવા દીધેલો.પોલીસે ત્યારબાદ જયાની પૂછપરછ કરેલી. જયા સિવાય હવે કોઈ બીજો શકમંદ હતો જ નહીં,એ રાતે વીક-એન્ડ હાઉસમાં એના અને સોમેશ સિવાય બીજુ કોઈ હતું નહી.એટલે પોલીસ ઇન્સ્પેક્ટર મીણાએ કહેલું 'બોલીએ જયાજી આપને હી આપ કે પતિ કા ખૂન કિયા હૈ ના?' 'ના,ના પણ સર હું નથી મારો એવો ઈરાદો ન હતો, મેં સોમેશનું ખૂન નથી કર્યું મારી વાત સમજો સાહેબ.હું અને સોમેશ જે રૂમમાં સૂતાં હતા એ રૂમમાંથી હું કોઈ કામ માટે બીજા રૂમમાં ગઈ ત્યારે અચાનક બહારથી મારા રૂમનો દરવાજો બંધ થઈ ગયેલો. મેં ખટખટાવ્યું, બૂમો પાડી પણ દરવાજો ખુલ્યો જ નહીં. દસ મિનિટ જેટલો સમય વીતી ગયો.અચાનક ગોળી છૂટવાનો અવાજ આવ્યો.ધડામ,ધડામ બે ગોળી છૂટી.કંઈક અજુગતું બનવાની આશંકાએ હું જે રૂમમાં બંધ હતી એ રૂમમાં પડેલી પિસ્તોલ મેં લઇ લીધી અને દરવાજો કેવી રીતે તોડવો એ વિશે વિચારવા લાગી. આશરે દસેક મિનિટની મહેનત બાદ હું કોસથી દરવાજાનું ઑટોમેટીક લૉક તોડીને સોમેશના રૂમમાં પહોંચી ત્યારે સોમેશની લોહીથી લથબથ લાશ જોઈને ધબરાઈ ગયેલી.બાકી મેં સોમેશનું ખૂન નથી કર્યું.'ઈન્સપેકટર મીણાએ કડક પૂછપરછ કરતાં,તેમજ લાશ ગાડીમાં કેવી રીતે આવી?,ગાડીનું ટાયર કેવી રીતે ફાટ્યું?,લાશને ગાડીમાં મૂકવામાં કોણે મદદ કરી? વગેરેના સવાલ સાંભળીને જયા ફસડાઈ પડેલી.એણે કબૂલી લીધું ' એ રાતે માંગીલાલની સહાયથી સોમેશનું કાસળ કાઢવાનો મારો ઈરાદો હતો જ. પણ સાહેબ મારા પર ભરોસો કરો મેં ગોળી ચલાવી નથી,સોમેશનું ગળું દાબ્યું નથી. એ રાતે મારા સિવાય બંગલામાં બીજું કોઈ હાજર ન હતું એટલે મારા પર જ હત્યાનો આક્ષેપ થશે એમ માની મેં લાશને સગેવગે કરી હતી.માંગીલાલે મને લાશ સગવગે કરવામાં મદદ કરેલી.' ઈન્સપેકટર મીણાએ જયાને જણાવેલું કે ત્યાંથી જે પિસ્તોલ મળી આવી એના પર તમારા આંગળાની છાપ છે.એ જ પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયર થયેલાં છે' એ બે રાઉન્ડ ફાયરીંગનો યોગ્ય ખૂલાસો જયા કરી શકેલી નહી.બસ એક જ રટણ કરતી રહેલી.મેં સોમેશને માર્યો નથી,ન માંગીલાલે માર્યો છે.પોલીસને જયાની વાતમાં તથ્ય જણાયેલું નહી. તમામ પુરાવા ધ્યાને લેતાં પુરાવા જયાની વિરુદ્ધ હતાં, વળી માંગીલાલ લાશને સગેવગે કરવા મદદ કરી એ પણ સાબિત થઇ ચૂકેલું હતું.જયાએ પણ સ્વીકાર્યું કે હત્યા કરવાનું કાવતરું માંગીલાલ સાથે મળીને તેણે કરેલું પણ એ બાબત એ આજીજી કરીને કહેતી હતી કે સોમેશની હત્યા પોતાનો હાથે નથી થઈ.પોલીસે જયા અને માંગીલાલે હત્યાનું કાવતરુ ધડ્યું,એને પાર પાડ્યું,માર્ગ અકસ્માતની ઘટના બને એ માટે સવારે સોમેશ ગાડી લઈને બહાર ગયો અને પોતાને ખબર નથી એવી થિયેરી ઉભી કરી,કોઈ ત્રીજી વ્યક્તિએ ખૂન કર્યુ છે એવી ખોટી હકીકત રજૂ કરી છે એ તમમામ બાબતોની સિલસિલા બંધ વિગતો કોર્ટમાં તમે રજૂ કરેલી,રાજેશ પટેલ.
પૂરાવા જયાની વિરુદ્ધ હતાં,જયાનો વિરોધ કરનાર વકીલ તરીકે તમારા જેવો બાહોશ માણસ હતો,રાજેશ પટેલ. એટલે તમે જયા અને માંગીલાલને સોમેશની હત્યાના દોષિત ઠેરવી સજા અપાવી શકેલાં. આટલા સુધીની હકીકતથી તમે વાકેફ છો પણ ખરી હકીકત જૂદી છે રાજેશ પટેલ.ઘણી વખત પુરાવાના અભાવે દોષિત છૂટી જાય છે અને પૂરાવા હોવાના કારણે નિર્દોષ પણ ગુનેગાર થઈ જતો હોય છે. રાજેશ પટેલ,સોમેશ પ્રજાપતિની હત્યાના કેસમાં પણ એવું જ બન્યું છે.
એ દિવસે જયા હિરાને બહાર સુધી મૂકીને વિક-એન્ડ હાઉસનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખીને આવેલી. આવીને એણે સોમેશ સાથે પાશ્ચાત્ય સંગીતની ધૂન પર ડાન્સ શરૂ કરેલો.આ સંગીતમય કોલાહલમાં જયાએ પહેલેથી જ સોમેશની કાર પર મૂકેલી ચાવીનો ઉપયોગ કરીને માંગીલાલ સોમેશનીની કાર લઈને બહાર જતો રહ્યો હતો. માંગીલાલ અને જયાના પ્લાન મુજબ સોમેશને મારી તેના મૃત્યુને કાર અકસ્માતમાં ખપાવી દેવાનો હતો. માઉન્ટ આબુના વાંકા-ચૂંકા રસ્તા પર ગમે ત્યારે કાર અકસ્માત થઈ જવાની સંભાવના રહેતી હોય છે. રાતના એક વાગ્યાની આસપાસ આ ઘટનાને અંજામ આપી દેવાની હતી એટલે પરોઢ થતાં સુધીનો સમય મળી રહે. હતું.માંગીલાલના ગયા પછી જયાએ સોમેશને જમાડી,જમ્યા બાદ દારુ પીવડાવી અને સુવાડી દીધેલો. જયા બરાબર એક વાગ્યે ઊભી થઈ માંગીલાલે સંતાડેલો મોતનો સામાન લેવા ઊભી થઈ બીજા રૂમમાં ગયેલી, ત્યારે ખરેખર એ રૂમનો દરવાજો બંધ થઈ ગયેલો.એક બુકાનીધારી પુરુષ કે જે પહેલેથી જ વિક-એન્ડ હાઉસમાં હાજર હતો એને જયાને રૂમમાં પૂરી દીધેલ. પછી સોમેશના રુમ તરફ હાથમાં પિસ્તોલ લઈ ઝડપથી આગળ વધેલો અને એને પહેલા સોમેશનું ગળુ દબાવી,સોમેશ કંઈ સમજે એ પહેલાં એના મોંમાં ડૂચો નાખી દીધેલો.સોમેશ શાંત થઇ જાય ત્યાં સુધી એ બુકાની ધારીએ એનું ગળું દબાવી રાખેલું.સોમેશ છટપટીને મરી ગયેલો. ત્યારબાદ ખુન્નસથી તેણે સોમેશ પર બે રાઉન્ડ ગોળીબાર કરેલો અને તરત જ કોઈ પણ પુરાવો ના રહે એ રીતે ત્યાંથી નીકળી ગયેલો.જયા દરવાજો તોડીને બહાર આવી ત્યારે એના હાથમાં પિસ્તોલ હતી, પણ સોમેશને મરેલો જોઈ એ ડઘાઈ ગયેલી એ જ વખતે દરવાજે ટકોરા પડ્યા અને એક હાથમાં પિસ્તોલ રાખી ગભરાટમાં એણે દરવાજો ખોલેલો.સામે માંગીલાલને જોઈને એને હાશકારો થયેલો. માંગીલાલને જયાએ ઉપરની તમામ વિગત ની વાત કરી. એ બંનેમાંથી કોઈએ સોમેશની હત્યા કરી ન હતી પણ કોઈ ત્રીજો જ માણસ સોમેશનું કામ તમામ કરી ગયેલો. બંને થોડો સમય વિચાર કરેલો પણ વિચારવાનો ઘણો સમય હતો નહીં એટલે એમણે એમની યોજના મુજબ સોમેશની હત્યાને રોડ અકસ્માતમાં ખપાવી નાખવાનો પ્રયત્ન કરેલ.
બનેલું એવું કે માંગીલાલ જ્યારે વિક-એન્ડ હાઉસમાં સોમેશના મોતનો સામાન મુકવા આવેલો ત્યારે હીરાને એની હિલચાલ શંકાસ્પદ લાગેલી, એટલે એના ગયા પછી તેમની તપાસ કરતાં પિસ્તોલ સહિત અન્ય વસ્તુઓ પણ મળી આવેલી.ત્યારબાદ પાલનપુર ખાતે ના 'જયસોમ'બંગલામાં એકવાર ટેલિફોન કરી માંગીલાલ વિશે પૂછતા ખૂદ જયાએ જ માંગીલાલ હવે અહીં કામ નથી કરતો એવું જણાવેલું. માંગીલાલ ના વર્તન ઉપર એની શંકા ધેરી બનેલી. બે દિવસ પછી હિરાએ ફરી 'જયસોમ' બંગલામાં ટેલિફોન કરી માંગીલાલના અવાજની નકલ કરેલી, જયારે જયાએ ફોન રીસીવ કરેલો ત્યારે એણે અવાજ બરાબર આવતો નથી એવું જણાવેલું.જયાએ 'માંગી, આઇ લવ યુ' એમ કહીને ફોન મુકેલો. હિરાને આખી વાત સમજાઈ ગયેલી.
હિરાએ એવું અનુમાન કરેલું કે વિક-એન્ડ બંગલામાં માંગીલાલ દ્વારા જે મોતનો સામાન મૂકવામાં આવ્યો છે તે સોમેશનાના મોતનો સામાન છે.હિરાને પણ સોમેશ સાથે એક જૂનો બદલો લેવાનો હતો, એટલે તેણે આ સમયનો યોગ્ય ઉપયોગ કર્યો. સોમેશના જયા સાથે લગ્ન થયા એ પહેલાંની વાત છે.એક વખત વીક-એન્ડ બંગલામાં સોમેશ એકલો રોકાવા આવેલો. ત્યારે હીરા નવા નવા લગ્ન થયેલાં. હીરો એની પત્ની સાથે વિક-એન્ડ બંગલાના રાખ-રખાવ માટે બંગલાની કોટડીમાં જ રહેતો હતો. હીરાની પત્ની રાધા દેખાવે સુંદર હતી.સોમેશ એ બંગલાનો શેઠ હતો. હીરાની પત્નીએ સોમેશ પર જાળ નાંખેલી.સોમેશ ફસાઈ ગયેલો.સોમેશે કોઈ સ્ત્રીનો પ્રથમ સહવાસ માણ્યો હોય તો એ હિરાની પત્ની હતી.પછીના દરેક વીક-એન્ડ સોમેશ અહીં આવતો.કોઈ કામના બહાને એ હિરાને બહાર મોકલતો અને રાધા સાથે મોજ કરતો.એક વખત હિરો વહેલો આવી ગયો ત્યારે એણે સોમેશ અને રાધાને કઢંગી હાલતમાં જોયલાં.સોમેશ અને રાધાને પણ ખબર પડી ગયેલી કે હિરાએ એમને જોઈ લીધાં છે.એ વખતે હિરાએ એના ક્રોધને કાબુમાં રાખેલો.એ એકદમ જાણે કશું નથી બન્યું એ રીતે વર્તેલો.એણે વિચારેલું કે મોટા માણસને સીધી રીતે ન પહોંચાય.સમય આવ્યે એ સોમેશને પાઠ ભણાવશે.
એણે તરત જ એક નિર્ણય લીધેલો.પોતાની પત્નીને વતનમાં બા-બાપુજી પાસે મૂકી આવેલો.પોતે આ બંગલામાં નોકરી ચાલુ રાખેલી,પણ 'પોતાની પત્ની સાથે સોમેશ'એ દ્શ્ય એના મગજમાંથી ખસતું ન હતું.એની પત્નીને તો એણે છ મહિનામાં મોતને ધાટ ઉતારી દીધેલી. થોડાં દિવસ એને વળગાડ વળગ્યો છે એવી હવા ફેલાવેલી. એક દિવસ લાગ જોઈને પોતાના ખેતરમાં જ આવેલા પાણીના કૂવામાં રાધાને ફેંકી દીધેલી.વળગાડે એણે કૂવામાં પડવા મજબૂર કરી એનો જીવ લીધો એ વાત બધાએ માની લીધેલી.હવે સોમેશને રાધા પાસે પહોંચાડવા હિરો સમયની રાહ જોતો હતો.એ સમય જયા અને માંગીલાલના સોમેશની હત્યા કરવાના પ્લાન સમયે એને મળી ગયો.
સૌપ્રથમ તો એણે માંગીલાલે વીક-એન્ડ હાઉસમાં મૂકેલી પિસ્તોલમાંથી પહેલેથી જ બે ગોળીઓ કાઢી લીધી.જેના કારણે જ્યારે સોમેશ પર એ ફાયરિંગ કરે ત્યારે સોમેશને લાગેલી ગોળીઓ પેલી પિસ્તોલમાંથી છૂટેલી છે એવું સાબિત થાય.ગળું દાબીને એટલે માર્યો કે એ એની નજર સામે સોમેશને એ તરફડતો જોવા માંગતો હતો.સોમેશને ગળુ દાબતી વખતે એ કહેતો જતો હતો 'આ રાધા સાથેના તારા સંબંધોનો અંજામ છે.'
એણે માંગીલાલ અને જયાના સોમેશની હત્યા કરવાના પ્લાનનો બરાબર ફાયદો ઉઠાવ્યો, એણે સોમેશની હત્યા કરી,પોતાની પત્ની રાધા સાથેના લફરાનો બદલો લઈ લીધો.એને ખબર હતી કે સોમેશની હત્યા માટે જયા અને માંગીલાલ જવાબદાર ઠરશે અને પોતાનું ક્યાંય નામ નહિ આવે,એટલે એણે ગણતરીપૂર્વકનું જોખમ લઈ સોમેશને ખતમ કરી પોતાના હ્રદયમાં ભભૂકતી આગને ઠારી.
લગ્નેતર સંબંધોનો કરુણ અંજામ આવ્યો. રાધા અને સોમેશે પોતાના જીવ ગુમાવ્યા જ્યારે જયા અને માંગીલાલ પર સોમેશની હત્યાનો આરોપ સિદ્ધ થયો.એમની રાહ જેલ જોઈ રહી છે.આવતા સપ્તાહે એમને સજા સંભળાવી જેલ મોકલી આપવામાં આવશે.
રાકેશ પટેલ,સોમેશનો સાચો ખૂની હિરો છે,જયા નહી.ખરેખર કાયદાની દેવી અંધ છે કે જાણી જોઈને અંધ થઈ જાય છે??
શરદ ત્રિવેદી
