વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લગોરી

તેજસ એક સુંદર બગીચાની મધ્યમાં ઊભો હતો. એની ચોતરફ રંગબેરંગી સૌંદર્યવાન પુષ્પો હરિયાળા ઢોલિયા પર પ્રસાર પામી પોતાની સુરૂપતા તથા ફોરમના પમરાટનો ફેલાવો દરિયાની લહેરની જેમ તરંગ બનાવી લીલાલહેર થઈ રહ્યા હતા. એ ઊંડા શ્વાસ લઈ આ મહેકને પોતાના ફેફસામાં ઉતારી રહ્યો હતો. એને આ કુસુમ ઓછાડની પાછળ એક ઘબકતા હૈયાનો ગણસારો જણાયો. એને લાગ્યુ કે આ પુષ્પ ઉપવનમાં એ એકાકી નથી. 


એણે કુતુહલપૂર્વક પુષ્પવાટિકાની એ તરફ નજર દોડાવી તો એને આનંદના એક સુખદ આંચકાની અનુભૂતિ થઈ. ત્યાં કુદરતી રીતે રચાયેલ પુષ્પશય્યા પર કોઈ નિરાંતે આડું પડ્યું હતુ. એને એ ચિત્તાકર્ષક હરિત, પીત, ગેરુવા, રતુંબડા વિવિધ રંગી કુસુમ ચિત્રણ કરેલા ચણિયા, ચોળી તથા ઓઢણું પરિધાન કરેલ એક કન્યા જણાઈ. 


આ એ જ હતી જેની કલ્પના એ પોતાની પ્રેયસી તરીકે કરતો હતો. એણે નક્કી કરી લીધુ હતુ કે એ જ્યારે એને મળી જશે ત્યારે એનું નામ જે કાંઈ હશે તો પણ એ એને તેજસી કહીને જ સંબોધન કરશે. આમ તો એ એને અવારનવાર મળતી જ રહેતી. પણ રહસ્યમય રીતે એ એનો ચહેરો તેજસને બતાવતી નહીં. એટલે તેજસ એના સુંદર ચહેરા વિશે કવિઓની જેમ કલ્પના કરી લેવા છતાં હકીકતમાં એ એના મુખારવિંદથી અપરિચિત હતો. પણ એના વારંવાર સામે આવવાને લીધે એ એની સુડોલ તથા ઘાટીલી દેહાકૃતિ તથા દેહબંધથી સારી રીતે પરિચિત હતો. એ જ્યારે જ્યારે એની નજીક જવા પ્રયાસ કરતો ત્યારે ત્યારે એ હંમેશા ત્યાંથી વિદાય લઈ લેતી પણ પોતાના મુખકમળની આછેરી ઝલક પણ એને જોવા દેતી નહીં.


પણ એ દિવસે એની પાસે સોનેરી મોકો હતો. આ લાખેણી તક એના માટે વિવિધ કારણસર અનેરી અને અનન્ય હતી. એક, આખા ઉપવનમાં એ બે સિવાય કોઈ મોજૂદ હતું નહીં. બે, એ સૂતેલી હતી એટલે હંમેશાની જેમ એ ઝડપભેર ભાગી શકે એવી શક્યતાઓ નહીવત હતી. ત્રણ, એ આડ મુદ્રામાં એક પડખે સૂતી હતી એટલે એ એની ખૂબ નજીક પહોંચી જાય ત્યાં સુધી એને ખબર પડે તેમ હતી નહીં. ચાર, એ પુષ્પવાટિકાની ખૂબ વ્યવસ્થિત રીતે સાફ સફાઈ થયેલી હતી એટલે ક્યાંય સૂકાઈને ખરી પડેલા, ચિમળાઈ કે કરમાઈ ગયેલા, શુષ્ક પણ પગતળે દબાવાથી કર્કશ અવાજ કરે એવા પીળા પર્ણ ગેરહાજર હતા.


આમ એ પગ નીચે નવપલ્લવિત કૂણાશની લીલીછમ જાજમ ઉપર સાવધાનીપૂર્વક ડગલાં ભરી એની અડોઅડ પહોંચી ગયો. બસ હવે એ એની પીઠ પર એક હળવો સ્પર્શ કરે એટલે એ સ્પર્શનાર કોણ છે એ જોવા તો ફરશે જ. એટલી વારમાં એ એનો ચહેરો જોઈ લેશે. આમ એની લાંબી પ્રતીક્ષાનો અંત હાથ વેંત હોવાથી તેજસનો હાથ એની પીઠ તરફ આગળ વધ્યો. 


ત્યાં એની પીઠ પર એક ભારેખમ ધબ્બો પડ્યો. એ આ અકારણ ખલેલથી ચીસ પાડી ઊભો થઈ ગયો. એ પોતાની પ્રેયસી યુવતીનો ચહેરો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો, "તમસ તું, તમસ…!" એણે થોડી ક્ષણ સુધી ફરી એક વાર વ્યાકુળ થઈ આંખો બળસંપન્ન રીતે બીડી દીધી. જોકે એ જાણતો હતો કે એ એના નિરર્થક મરણિયા પ્રયાસ બાદ પણ એની પ્રેયસીનો ચહેરો નહીં જોઈ શકે. એ મનોમન તમસ નામના તોફાનને મણ મણની ચોપડાવવા માંગતો હતો. પણ…


એ સ્વપ્ન ગગન પરથી હકીકતની ભોંય પર પટકાઈ ગયો. એની સામે એની નટખટ બાળસખી દૃશ્યમાન થઈ રહી હતી. એણે આંખો ચોળી ફરી એક વખત એને જોઈ તો તમસ આંખો કાઢીને એને નજરથી ઠપકો આપી રહી હતી. એ હવે સ્વપ્ન બહાર આવી ચૂક્યો હતો. એણે વિહ્વળ થઈ સવાલ કર્યો, "તમસની બચ્ચી, તને મારા કીડા કરવા આ જ સમય મળ્યો?" એની નિદ્રાભંગ માટે આ તમસ જ જવાબદાર હતી.


"કેમ હીરો, તારી પ્રેયસી સાથે સ્વપ્ન ગગનમાં વિહાર કરી રહ્યો હતો?" એ એની નટખટ શૈલીમાં પૂછી રહી હતી. એ બોલ્યો, "હું લગોરીના પિરામિડની ટોચનો અંતિમ ચોસલો મૂકવા જતો હતો ત્યાં જ તેં મને બોલ ફટકારી આઉટ કરી દીધો." એ ભોળી બની ગઈ, "મેં! મેં શું અપરાધ કર્યો?"


"અરે અપલખણી, આજે એનો ચહેરો જોવાનો જ હતો ત્યાં તેં મારી ઊંઘમાં ખલેલ પાડી દીધી." એ અકળામણ અનુભવી રહ્યો હતો.


તમસ બેફિકર થઈ બોલી, "વાંધો નહીં તેજસ, એ કેટલા દિવસ તારી સાથે થપ્પો રમશે? આજે નહીં તો કાલે પણ એ ચોક્કસ તારી નજર સમક્ષ હાજરાહજૂર થઈ જ જશે."


એના બેફિકર વલણને લીધે તેજસ વધુ અમૂઝણ થઈ ગયો, "એ તમસની બચ્ચી, તારું તો ઉજાસ સાથે સેટિંગ થઈ ગયું છે." એ વધારે બોલે એ પહેલાં તમસે એને ટોક્યો, "એ પોપટલાલ, એ હંગામી સેટિંગ નથી પણ ભવોભવની પ્રીત છે. સમજ્યો! તને તો તારાવાળી સપનામાં પણ મોઢું નથી બતાવતી પણ મારો ઉજાસ કોલેજની કેન્ટીનમાં મારી રાહ જોઈ રહ્યો હશે. હવે ફટાફટ પરવાર તો કોલેજ સમયસર પહોંચી શકાય." એ ઊભી થઈ એના બેડરૂમની બહાર નીકળી ગઈ.


*


એ બંને એકમેકના પડોશી, સાથે જ યુવાન થયેલા બાળપણના સખા, બંને સાથે રમે, સાથે ખાનપાન કરે, સ્કુલમાં સાથે હવે કોલેજમાં પણ સાથે. એટલે સાથે જ આવનજાવન કરે, તેજસની બાઈક ઉપર. બંનેને એકમેક માટે અપાર લાગણી એટલે એમના પરિવાર તથા આડોશ પાડોશ સૌને એમ હતું કે આ બંને પ્રેમના મહાસાગર તરતાં તરતાં જીવનભર સાથે જ રહેશે.


પણ તમસનું હૈયુ રાજાના રાજકુમાર જેવા છટાદાર, રોફદાર, મસલમૅન છતાં સ્ટાઈલીશ ઉજાસ તરફ ઢળી ગયું. એણે સામેથી પહેલ કરી પોતાના પ્રેમરસનો પ્યાલો તેજસ મારફત જ ઉજાસ સમક્ષ પેશ કર્યો. એક વખત તો એને તેજસની આ પેશકશ મિર્ચી મુર્ગા સમાન લાગી. આખી કોલેજ એમને પ્રેમી પંખીડા માનતી હતી. ઉજાસે એમની આવી નિમ્ન સ્તરની મજાકનો બકરો બનવા ના પાડી દીધી.


એ જાણ્યા બાદ તમસ રણચંડી બની પહોંચી ગઈ ઉજાસ પાસે અને એનો માર્ગ રોકતા બોલી, "આજના જમાનામાં પણ લોકો એક યુવક અને યુવતી વચ્ચેની મિત્રતાને શંકાની નજરે જૂએ એ એકવીસમી સદીની મશ્કરી છે. બીજુ કોઈ પણ કારણ હોય તો બોલ, બાકી બાપના બોલે આ તમસ ઉજાસ તરફ ઢળી ચૂકી છે. વિલ યુ બી માય વેલેન્ટાઈન?" 


ઉજાસ અઢવઢમાં અટવાઈ ગયો તો તમસ સાથે આવેલો તેજસ એની હા સાંભળવા ઇચ્છુક જણાયો. એણે વારાફરતી બંનેની આંખોમાં એક નજર કરી અને માંડ માંડ બોલી શક્યો, "યસ." અને એ બંને એકમેક સાથે પ્રેમની સરિતામાં વહી ગયાં. જોકે તેજસ હજી એની પ્રેયસીનો ચહેરો જોવા પામ્યો હતો નહીં.


એ દિવસ બાદ પણ તેજસ અને તમસની રોજીંદી દિનચર્યામાં કોઈ જ ફેરફાર આવ્યો નહીં. માત્ર પહેલાં બંને કોલેજ આવી પોતપોતાના ક્લાસમાં ભણવા જતાં પણ હવે તેજસ પોતાના ક્લાસમાં તો તમસ ઉજાસ પાસે કેન્ટીનમાં. પણ કોલેજ છૂટવાના સમયે ફરી તેઓ એક સાથે ઘરે જતાં. 


તેજસ, સુંદર છતાં સાલસ એવી તમસની જીવન શૈલીમાં રચાયેલ નવત્વ સમીકરણને સાંખી લેવા છતાં એને મિત્ર ભાવે ટકોર કરી લેતો, "તારા કપડાં શરદ ઋતુની રાતની જેમ ટૂંકા થતા જાય છે." પણ પ્રેમધેલી તમસ એને ચોખ્ખો ઉત્તર આપતી, "તું મારી ચિંતા કરીને લોહી બાળતો નહીં. મારા ઉજાસને આ ગમે છે. વળી તારે ચિંતિત થવા માટે કોઈ કારણ નથી કેમ કે તારી પ્રેયસી તો ચણિયા, ચોળી તથા ઓઢણું જ પહેરે છે ને!"


"હા, પણ એ છે ક્યાં? ક્યાં અને કેવી રીતે શોધવી એને?" એ દિવસે તેજસ થોડો નકારાત્મક જણાતા તમસ ચિંતાતુર થઈ ગઈ. એણે એના બાળસખાનું ધૈર્યબળ વધારવા મક્કમ નિર્ધાર કર્યો, "આપણે સાથે મળીને શોધંશોધા કરી એની ભાળ મેળવી લઈશું. ચાલ, ચિલ થઈ જા હવે. પણ એ દેખાવમાં કેવી હશે?"


તેજસ તેજ વગરનું ફિક્કુ નીરસ હસ્યો, "થોડી હોંશિયાર તો થોડી ડોબી. થોડી ભોળી તો થોડી સ્માર્ટ. થોડી ચંચળ તો થોડી ઠરેલ. થોડી અંતર્મુખ તો થોડી વક્તૃતા. થોડી ધાર્મિક તો થોડી દુરાચારી. થોડી કૃપણ તો થોડી દિલદાર. થોડી…"


એણે હાથ જોડી લીધાં, "બસ, બસ, બસ… બ્રેક લગાવ. એ હીરો, તારી આ ફરમાઈશ પૂરી કરવા માટે તારે ઓછાંમાં ઓછી એક ડઝન છોકરીઓ સાથે લગ્ન કરવા પડશે. બાકી હકીકતમાં આવી એક જ ફ્રૂટસલાડ ફિયાન્સી આ પૃથ્વીલોક પર તો તને નહીં જ મળે." બંને હસી પડી મજાકના મૂડમાં આવી ગયાં.


જોકે તમસ અને ઉજાસની પ્રીતિ પ્રગતિ પથ પર અગ્રેસર હતી. બંનેએ પોતપોતાની ફેમિલી સાથે આ વિષયે વાત કરી લીધી હતી. એમના પરિવારના સભ્યોની પણ આ સમગ્ર પ્રણય પ્રકરણની પરવાનગી પ્રત્યક્ષ પ્રમાણે પ્રાપ્ત થઈ ગઈ હતી. પ્રણયિની તમસ પોતાના પ્રણયી ઉજાસ સાથે ખૂબ ખૂબ ખુશ હતી. છતાં પણ એને એક વાતની ફિકરમંદી હતી કે એનો પરમ મિત્ર તેજસ પણ એક સુંદર સંબંધ સાથે ઠરીઠામ થાય.


એ વિચારી રહી હતી, 'આજકાલ મોટા ભાગના યુવક યુવતીઓ ભણતી વખતે જ પોતાના યોગ્ય પાત્રની પસંદગી કરી લઈ ફક્ત પારિવારિક જ નહીં ભવિષ્ય, ખાસ કરીને વ્યવસાયી આયોજન પણ કરી લેતા હોય છે. જો તેજસ આમ સ્વપ્ન સમાન કાલ્પનિક પ્રેયસી પાછળ દોડ્યા કરશે તો બધાં સારા પાત્ર ક્યાંક તો બીજે ગોઠવાઈ જશે. એટલે એને કોઈના પ્રેમમાં પાડવો પડશે.' એટલે એણે એને કોના પ્રેમરસમાં ઝબોળવો એ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યુ.


હવે એના ધ્યાન ઉપર આવેલ એક વાત તરફ એનું આજ સુધી લક્ષ કેમ ના ગયું એની એને અમાપ અચરજ થઈ. તેજસ ખરેખર તમામ રીતે ગુણવાન છોકરો હતો. એણે જેટલા વિકલ્પ વિચાર્યા એ બધી જ યુવતીઓ એની સામે નબળી જણાતી હતી આથી એણે કમર કસી કે એ એક એવી છોકરીની શોધ કરશે જે તેજસ માટે પરફેક્ટ મેચ હોય, લુક્સ અને પર્સનલ રીતે.


તમસે ઉજાસ સમક્ષ પણ આ પેશકશ કરી એની મદદ કરવા કોઈ સક્ષમ પાત્ર ધ્યાનમાં હોય તો જણાવવા હાકલ કરી. એની દરેક વાતમાં ઊંડો રસ લેતા ઉજાસે આ બાબતે નિરસ વલણ અખત્યાર કર્યુ હોઈ એ બોલ્યો, "કોઈ પણ લગ્ન વિષયક વેબસાઇટ પર ઢગલો છોકરીઓ મળી જશે." એની જીવનસાથી પસંદ કરવા માટે આ ટકોર તમસને સહેજ ખટકી. પણ લગભગ તમામ કોલેજીયન યુવકો આવા જ બેફિકર હોય છે એમ માની એણે એને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી દીધો.


એણે ઘણાં મિત્રો સાથે આ મુદ્દે સલાહ મસલત કરી પણ એના આશ્ચર્ય સાથે લગભગ તમામ પ્રતિભાવ એક જ પોઇન્ટ પ્રતિબિંબીત કરતાં હતા કે છોકરાઓ કરતાં છોકરીઓ પોતાના ભવિષ્ય માટે વધારે ચિંતિત હોવાથી, વ્યવસ્થિત આયોજન હાથ ધરી પોતાને પસંદ હોય એવો યુવાન શોધી, વિવિધ પ્રકારના પેંતરા રચી એમને પોતાના પ્રેમમાં પાડી જ લે છે. એ માટે આવી છોકરીઓ આદર્શ યુવકની શોધખોળ સતત કરતી જ હોય છે. એટલે જ કદાચ છોકરાઓ આ બાબતને ખાસ મહત્વ આપતા નથી. જોકે એણે પોતે પણ ઉજાસને સામેથી…


*


વળી કેટલીક નવયૌવનાઓ અમુક સેલિબ્રિટી ફિલ્મી કલાકાર, ગાયક, ખેલાડી કે ઉદ્યોગપતિના અથવા રાજકીય વગ ધરાવતા લોકોના ફરજંદ, સરકારી નોકરી ધરાવનાર વગેરે પાત્રોની કલ્પના કરી, સ્વપ્ન મહેલ બાંધી, એમના નામના નિસાસા નાંખતી હોઈ કોઈ નોંધપાત્ર યુવક તરફ ધ્યાન નથી આપતી. એ પણ સમયાંતરે જેઠાલાલ ગડા જેવુ કોઈ સુખી તથા સહીસલામત રોકાણ શોધી સુખરૂપ દાંપત્ય જીવન વ્યતીત કરી લે છે. 


પણ અહીં આવી હાલત તેજસની જ હતી. એ કોઈ સ્વપ્ન સમાન કાલ્પનિક પ્રેયસી પાછળ પાગલ હતો. જોકે એને ઉજાસ તરફ આકર્ષણ થયું એટલે એ એની સાથે સંબંધની લગોરીના પિરામિડના એક એક ચોસલા ગોઠવતી હતી. બંનેના ઘરે આ સંબંધની જાણ થઈ ગઈ હતી અને વિરોધના કોઈ પડઘમ જણાયા હતા નહીં. હવે માત્ર સગપણ નક્કી કરવા અને ગોળધાણા ખવાય એ બે ચોસલા ગોઠવાઈ જાય તો એના લગ્ન જીવનની લગોરી થઈ જાય.


એની ઇચ્છાનુસાર એની ઉજાસ સાથે સગાઈ થઈ જાય એ પહેલાં જો તેજસ માટે પરફેક્ટ મેચ મળી જાય તો બંને બાળસખાઓના લગ્ન જીવનની લગોરી એક સાથે જ થઈ જાય.


એ કોલેજીયન સમય વખતે તેજસ માટે આદર્શ છોકરી શોધવામાં વ્યસ્ત થવાથી ઉજાસને ઓછો સમય આપવા લાગી. એ સમય દરમ્યાન પણ ઉજાસે એને કોઈ ફરિયાદ કરી ન હોવાથી તમસ એની સમજદારી પર ઓવારી ગઈ. 


કોણ જાણે કેમ પણ એને દરેક યુવતી તેજસ સાથે તુલનાત્મક રીતે દુર્બળ જ જણાતી હતી. એણે કોલેજ બહાર ક્યાંક દ્રષ્ટિ દોડાવવાનું શરૂ કર્યુ. માટે એણે ઉજાસ સાથે સમય ગાળવા એને પોતાની સાથે વિવિધ સહેલી વૃંદ સાથે મિટિંગ વખતે હાજર રહેવા તાકીદ કરી પણ એને આ કોશિશ નિપ્કારણ લાગતી હતી એટલે ઉજાસે નકાર આપી દીધો.


છેવટે એણે આ જવાબદારી એકલપંડે એકલવ્યની જેમ પોતાના જ હાથ ધરી. સમય નિરંતર સરકતો રહ્યો. 


*


અચાનક એક દિવસ એને ઉજાસનો મેસેજ આવ્યો, 'મારી મમ્મી તને મળવા માંગે છે.' એના રોમ રોમમાં રોમાંટિક દીવડા પ્રજ્વલિત થઈ ઊઠ્યાં. 


એ દિવસે તમસ પ્રથમ વખત સાડી પહેરીને પોતાની આભા આદમકદ અરીસામાં નિહાળી રહી. એને પ્રથમ વખત એવી લાગણી થઈ આવી કે ઉજાસ સાથે તુલનાત્મક રીતે પોતે હજાર દરજ્જે ચડિયાતી હતી. પણ પ્રેમ એટલે પ્રેમ. એમાં બરાબરી નહીં પણ એમાં એકમેકની ઉણપ પૂર્ણ કરી સહિયારી કેડી કંડારવાની હોય છે. 


એ ઉજાસની મમ્મીને એમણે આપેલા સમયે મળવા સમયસર પહોંચી ગઈ. એ સમયે ઉજાસની મમ્મી સિવાય એમના ઘરે બીજુ કોઈ હતું નહીં. એણે દિલથી એમના ચરણસ્પર્શ કર્યા તો લાગણી સભર આશીર્વાદને બદલે એક ઠંડો પ્રતિસાદ મળ્યો.


એ થોડીવાર બાદ રડતી રડતી ઉજાસના ઘરની બહાર નીકળી ગઈ. એણે પાપણે પાળ બાંધી સૌ પ્રથમ ફોન કોલ તેજસને કર્યો. એણે ઉજાસના ઘરે બનેલ દરેક વાતથી એને વાકેફ કર્યો. એણે આંસુ સારતી તમસને સહેજ હિંમત આપી અને કહ્યુ, "ઉજાસના મમ્મી ભલે ગમે તેમ કહે પણ તારે પહેલાં ઉજાસ સાથે વાત કરવી જોઈએ."


એણે તેજસનો કોલ હોલ્ડ પર રાખી, ઉજાસને કનેક્ટ કર્યો. જેવો એણે કોલ રિસીવ કર્યો એણે સિફ્તથી બંને કોલ મર્જ કરી દીધાં. હવે ત્રણેય લાઇન પર હતાં પણ પૂર્વ નિયોજન પ્રમાણે તેજસ આ વાર્તાલાપનો હિસ્સો નહીં પણ મૂક સાક્ષી હતો.


ઉજાસે હંમેશની જેમ ભોળપણથી પૂછપરછ કરી, "હાં તમસ, મમ્મીને મળી આવી?" ક્રોધિત તમસ માંડ માંડ બોલી શકી, "તો તું આ વિશે માહિતગાર છે."


એ વાત કરવા પહેલાંથી તૈયાર જણાયો, "જો તમસ, આપણાં બંને સામે લાંબી જિંદગી અને ખૂબ અગત્યનું કેરિયર છે. મારે અમેરિકા સેટલ થવુ છે. એ માટે બે રસ્તા છે. એક, તૂર્કી થઈને ટુરિસ્ટ વિઝા પર મેક્સિકો પહોંચી ત્યારબાદ અમેરિકામાં ઘૂસણખોરી કરવાની અથવા બીજું, કાયદેસર ટુરિસ્ટ વિઝા પર કેનેડા પહોંચી ત્યાંથી લોરેન્સ નદીના માધ્યમથી ગેરકાયદેસર બોટ પ્રવાસ કરી અમેરિકામાં ઘૂસણખોરી કરવાની. પણ આ બંનેમાં અફાટ જોખમ છે. સામે ત્રીજો અને સરળ ઉપાય છે, કોઈ અમેરિકન નાગરિક છોકરી સાથે લગ્ન. અમે તને છેતરવા નથી માંગતા એટલે મારી મમ્મીએ તને મારી ભવિષ્યની યોજના જણાવી દીધી."


આટલું જાણ્યા બાદ પણ તમસે હજી નબળી દલીલ કરી, "પણ, આપણો પ્રેમ! જન્મોજન્મ સાથ નિભાવવાનો વાયદો!" એ અકળામણ ઉપજે એમ હસ્યો, "એને બાલિશ હરકત ગણી ભૂલી જવાનું."


એને સચ્ચાઈ સમજાઈ ગઈ, "એટલે તેં મને છેતરી?" એ થોડો ઉગ્ર થયો, "તમસ. મેં તારો કે તારા શરીર સાથે કોઈ ભોગવટો કર્યો નથી. વળી તને છેતરવી જ હોત તો મારા ચૂપચાપ અમેરિકા જવા પહેલાં તારી સાથે લગ્નનું નાટક કરી તારા શિયળ સાથે સહેલાઈથી ખેલકૂદ કરી શક્યો હોત પણ આને મારી ખાનદાની સમજ. એટલે આપણાં વિયોગને નિયતી ગણી લેજે. બાય." ઉજાસે ફોન કોલ કાપી દીધો એટલે એના કાને લૂંટાઈ ગયેલી તમસનું આક્રંદ પડ્યુ નહીં પણ એ જ કોલ પર હજી મ્યૂટ હાજર તેજસ એ સાંભળી હતપ્રભ થઈ ગયો.


બંને બાળસખાઓ પોતપોતાની લગોરી પિરામિડથી માત્ર એક ચોસલું દૂર હતાં પણ આ દૂરી માઈલો લાંબી હતી.


એ કસોટીના સમય બાદ તેજસ મનથી તૂટી ચૂકેલી તમસનો સબળ માનસિક સધિયારો બની એને જિંદગી જીવવા તરફ વાળી રહ્યો હતો. ત્યારે તમસને સમજાયુ કે ફક્ત પોતાના માટે એ નહીં પણ તેજસ માટે પણ પરફેક્ટ મેચ એ પોતે જ હતી. એને પોતાની મૂરખામી પર નવાઈ ઉપજી. એની સામે કુબેરનો ભંડાર હતો છતાં એ નકલી હીરાને કોહિનૂર સમજી એની પાછળ પાગલ હતી.


જોકે તેજસ એની સ્વપ્ન સુંદરી પ્રેયસીને છોડીને એને સ્વીકારશે એવી શક્યતા નહીવત હતી. એટલે એની લગોરી ક્યારેય પૂર્ણ થવાની શક્યતા હતી નહીં. છતાં હવે નવા અખતરા ના કરતાં તમસ આજીવન અવિવાહિત રહી જીવન વ્યતીત કરવા પ્રયત્નશીલ થઈ ગઈ.


*


તેજસ ફરી એક વખત એ જ સુંદર બગીચાની મધ્યમાં ઊભો હતો. એની ચોતરફ રંગબેરંગી સૌંદર્યવાન પુષ્પો હરિયાળા ઢોલિયા પર પ્રસાર પામી પોતાની સુરૂપતા તથા ફોરમના પમરાટનો ફેલાવો દરિયાની લહેરની જેમ તરંગ બની લીલાલહેર થઈ રહ્યા હતા. એ ઊંડા શ્વાસ લઈ આ મહેકને પોતાના ફેફસામાં ઉતારી રહ્યો હતો. એને અચાનક આ કુસુમ ઓછાડની પાછળ એક ઘબકતા હૈયાનો ગણસારો જણાયો. 


એણે કુતુહલપૂર્વક પુષ્પવાટિકાની એ તરફ નજર દોડાવી તો એને આનંદના એક સુખદ આંચકાની અનુભૂતિ થઈ. ત્યાં કુદરતી રીતે રચાયેલ પુષ્પશય્યા પર કોઈ નિરાંતે આડું પડ્યું હતુ. એને એ ચિત્તાકર્ષક કુસુમ ચિત્રણ કરેલા ચણિયા, ચોળી તથા ઓઢણું પરિધાન કરેલ એની જ પ્રેયસી, એની તેજસી જણાઈ.


રહસ્યમય રીતે એ એનો ચહેરો તેજસને બતાવતી નહીં. એટલે તેજસ એના સુંદર ચહેરા વિશે કવિઓની જેમ કલ્પના કરી લેવા છતાં હકીકતમાં એ એના મુખારવિંદથી અપરિચિત હોવા છતાં પણ એના વારંવાર સામે આવવાને લીધે એ એની સુડોલ તથા ઘાટીલી દેહાકૃતિ તથા દેહબંધથી સારી રીતે પરિચિત હતો. એણે ફરી એક વખત નક્કી કરી લીધુ હતુ કે હવે એ એનો ચહેરો જોઈને જ રહેશે. 


એ નીચે નવપલ્લવિત કૂણાશની લીલીછમ જાજમ ઉપર સાવધાનીપૂર્વક ડગલાં ભરી એની અડોઅડ પહોંચી ગયો. જેવો એણે એની પીઠ પર એક હળવો સ્પર્શ કર્યો એટલે એ પલ્ટી. એના ચહેરાની આછેરી ઝલક જોઈ એ ઉછળી પડ્યો. આ તો…!


ત્યાં એની પીઠ પર એક ભારેખમ ધબ્બો પડ્યો. એ આ અકારણ ખલેલથી ચીસ પાડી ઊભો થઈ ગયો. એ ફરી પોતાની પ્રેયસી યુવતીનો ચહેરો સામે પણ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો, "તમસ તું, તમસ…!" 


"હા, ઊઠ હવે ઊંઘણશી, હું તમસ." એ હંમેશા એને આ રીતે જ જગાડવા આવતી હતી. પણ આજે તેજસના પ્રતિભાવ નોખા હતા.


એ ભાવવિભોર બની ગયો. હંમેશા એ ફરી આંખ મીંચી લેતો અને એને 'તમસની બચ્ચી, તને મારા કીડા કરવા આ જ સમય મળ્યો?' એવું કાંઈક કહી ગુસ્સો બતાવતો પણ આજે એણે તમસને બાથ ભરી પોતાની ઉપર ખેંચી લીધી. એ ભડકી, "એ ઇડિયટ, આ શું કરે છે?" એ પોતાને એની ભીંસમાંથી છોડાવવા ધમપછાડા કરવા લાગી.


એ બોલ્યો, "સાચે જ હું ઇડિયટ છું. તમસ સામે હોવા છતાં હું એ સ્વપ્ન સૃષ્ટિની પ્રેયસી પાછળ દોડતો રહ્યો. પણ આજે મેં એનો ચહેરો જોઈ લીધો છે. મારી પ્રેયસી એ બીજી કોઈ નહીં પણ તું જ છે, મારી તેજસી. હું ઊંઘણશી, ખરેખર નિદ્રાધીન હતો કે મારી ફ્રૂટસલાડ ફિયાન્સીને સાવ સામે હોવા છતાં ઓળખી ન શક્યો." એ છૂટવાના ખોટા ધમપછાડા છોડી એની બાથમાં સલામતીનો અનુભવ કરવા લાગી. 


"તો ઇડિયટ, હજી ક્યાં મોડું થઈ ગયું છે!" એણે સામેથી તેજસના કપાળ પર હોઠ મૂકી દીધાં તો એણે તેજસીની કમર પર પોતાની ભીંસ વધારી દીધી. આ એ બંનેનો છેલ્લો ચોસલો હતો એમના પોતપોતાના પિરામિડના શિખર પર મૂકવા માટે, જેને હવે ક્યારેય કોઈ પાડી એમને આઉટ કરી શકવાનું નહોતું. 


બંનેના હ્રદયમાંથી એક સાથે એક જ શબ્દ બહાર આવ્યો, "લગોરી…!"


(સમાપ્ત.)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ