વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુઝી

"અચ્છા..., તો તમે આવી ગયા..! મને હતું જ કે તમે આવશો. હું ક્યારની તમારી જ રાહ જોઈ રહ્યો હતો. જોકે આ વખતે તો તમે બહુ રાહ જોવડાવી દોસ્ત..! માન્યું કે સામાન્ય ઝરમર વરસાદમાં આવવાનું તમને નથી ફાવતું. તમને તો સાંબેલાધાર અને મુશળધાર વરસાદ જ જોઈએ..! પણ એ માટે મારે ત્રણ ત્રણ વર્ષ રાહ જોવાની.! ધોધમાર વરસાદ નહીં આવે એટલે તમારે પણ આમ રીસાયેલા જ રહેવાનું.?"

આદમ કદના અરીસામાં મારી સામે ઉભેલા મારાં જ પડછાયાનું રૌદ્ર રૂપ અને એનો ભયાનક પહાડી અવાજ મને ધ્રુજાવી રહ્યો હતો.

"પણ આજે આટલા સમયે તમે આવ્યા તો ખરા..! કારણકે આજે તો વરસાદ પણ બરાબરનો જામ્યો છે. લાગે છે કે તૂટી જ પડશે અને લાગે છે કે આજે તો તમે પણ તૂટી જ પડશો......! હા.., હા.., હા..."

રૂમમાં હાસ્ય પડઘાઈ ઉઠ્યું. પણ એ હાસ્ય સ્માઈલવાળું સીધું સાદું હાસ્ય નહોતું..! એ તો હતું વિકૃત..., રાક્ષસી અટ્ટહાસ્ય..., મનમાં ભય અને અરેરાટી જન્માવે એવું હાસ્ય.!

પણ બીજી જ ક્ષણે એ ક્રૂર અટ્ટહાસ્ય અકારણ જ એના ચહેરા પરથી વિલીન થઈ ગયું અને એનો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો. અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ એણે આંખો ઝીણી કરી.

"તમને ખબર છે...? તમારા માટે એક ગુડ ન્યુઝ છે, એક સાથે બબ્બે કામ આવ્યા છે." પછી કપાળ કૂટીને એ ફરી મોટેથી હસ્યો. "હું પણ કેવો બુધ્ધુ છું..! તમારું જ કામ તમને યાદ દેવડાવું છું. તમને તો ખબર જ હશે ને..! એ કામ કરવા જ તો તમે આવ્યા છો.. બરાબર ને..? છતાં એકવાર તમને જણાવી દઉં. એક જ મિનિટ..."

પછી એ નજર ઝુકાવીને નજીકમાં જ કંઈક શોધી રહ્યો. થોડી જ ક્ષણોમાં જેની શોધ ચાલુ હતી એ મળી ગયું હોય એમ એની આંખોમાં ચમક આવી. એણે ઝડપથી બાજુની ટિપોઈ પર પડેલું આજનું ન્યુઝપેપર ઉપાડીને મોટા પડઘા પડે એવા અવાજે વાંચવા માંડ્યું.

"કેનાલરોડ પર અલકનંદા હાઈટ્સમાં રહેતી એક યુવતીના કહેવાથી એનો પતિ એને લઈને અલગ રહેવા જતો રહ્યો અને એકલા પડેલા યુવકના બાપે મોતને વ્હાલું કર્યું .... સાલ્લી... રાં..." ગુસ્સાથી એના નસકોરા ફુલ્યા. પણ પછી તરત જ પોતાના ગુસ્સાને કાબુમાં રાખતા એ આગળ બોલ્યો. "અને બીજી ખબર.... કદાચ.... અંદરના પાને..."

એણે પેપર ખોલીને અંદરના પાના ફંફોસ્યા.

"આ... રહ્યું..., એક ડોસાએ પોતાની બધી મિલકત પોતાના ત્રણ છોકરાઓને વહેંચી દીધા બાદ ત્રણે છોકરાઓએ ડોસાને રાખવાની ના પાડતા ડોસાની હાલત કફોડી. સાલો... બુદ્ધિ વગરનો.... બુઢો ખૂંસટ..! આટઆટલુ વીતે છે છતાં આ બુઢા લોકોને અક્કલ કેમ નથી આવતી....?"

એણે ગુસ્સામાં ન્યુઝપેપર જોરથી ટિપોઈ પર પછાડ્યું. પણ થોડીવાર રહીને ફરી પાછુ મારી સામે અરીસામાં જોઈએ એ ખંધુ હસ્યો.

"તને શું લાગે છે...?" એણે આંખો નંચાવી. "કોનો નંબર... પહેલા લાગશે...? પેલી છોકરીનો કે પછી બુઢાનો...? હા.... હા.... હા...."

ફરીથી એ જ વિકૃત અટ્ટહાસ્ય આખા ઘરમાં ગુંજી રહ્યું અને ક્ષણાર્ધમાં ફરી પાછી એના મોઢા પર ગંભીરતા છવાઈ.

"લાગે છે... સુઝીને મળવું જ પડશે. એ જ કોઈ રસ્તો કાઢશે." કંઈક વિચારીને એક ઊંડો શ્વાસ મોઢેથી બહાર કાઢતા એ બોલ્યો. "ઓકે ધેન.. સી યુ સુન. ઘણા કામ કરવાના છે. મિલતે હૈ બ્રેક કે બાદ.."

અરીસામાં મને બાય બાય કરીને એ ઝડપથી કામે લાગી ગયો.

**

સમય ઓછો હતો. મારી બાઈક તેજ રફ્તારથી શહેરની બહાર હાઇવેની દિશામાં દોડી રહી હતી. આ કામ પતાવીને હજુ મારે કામ પર પણ પહોંચવાનું હતું અને ઉફ્ફ... ઉપરથી આ વરસાદ..! વરસાદે ધીમી ધારે ઝરમર ઝરમર વરસવાનું છોડીને મારી બાઈકની જેમ જ તેજ ગતિએ વરસવાનું શરૂ કરી દીધું હતું અને મારાં તનબદનમાં અગન ફેલાઈ રહી હતી. સુઝીને મળવા હું અધીરો બન્યો હતો. લગભગ અડધો કલાક બાઈક ચલાવીને આખરે હું મારી મંઝિલ પર પહોંચી જ ગયો.

ઘરની આજુબાજુ ઘણા ઝાડીઝાંખરા ઉગી નીકળ્યા હતા અને ઘરની બહાર પણ ધૂળનું સામ્રાજ્ય હતું. ત્રણ વર્ષ પછી જે આવ્યો હતો, હાલત તો આવી જ હોવાની ને..!

એની વે, ઘરના દરવાજા પર લાગેલા ધૂળના થરને સાફ કરી એની ઉપર લાગેલા ડિજિટલ લોક પર અમુક ચોક્કસ નંબર દબાવીને હું ઘરની અંદર પ્રવેશ્યો. અંદરથી ઘર ચોખ્ખું ચણાક હતું અને સુઝી હંમેશની જેમ જ અંદરના રૂમમાં સોફા પર બેઠી હતી. મને જોઈને એ મલકાઈ ઉઠી.

"હાય સુઝી.., કેમ છે..?" મેં ઘરમાં પ્રવેશતા જ પૂછ્યું.

જવાબમાં ફક્ત એક મીઠી મુસ્કાન.

"ઘર તો એકદમ ચોખ્ખું રાખે છે ને..!"

"થેન્ક્સ.. ફોર કોમ્પ્લીમેન્ટ્સ.!" સુઝીએ એની કોર્પોરેટ સ્માઈલ આપવાનું ચાલુ રાખ્યું.

"સોરી સુઝી, ઘણા વખતે મળવાનું થયું. તું એકલી કંટાળી તો નથી ગઈ ને..?" હું એની સામે ગોઠવાયો.

"અફકોર્સ નોટ, હું કોઈપણ સંજોગોમાં ખુશ રહી શકું છું અને મારી લાગણીઓને આસાનીથી કાબુમાં રાખી શકું છું." એ સહજતાથી બોલી.

"ઓહ... યસ યસ. એ વાત હું કયાં નથી જાણતો..!" હું હસ્યો.

"બોલો, તમને અચાનક મારું શું કામ પડ્યું.? વ્હોટ કેન આઈ ડુ ફોર યુ..?"

"ઓકે.. ઓકે...સુઝી, આઈ નો કે તને આડી અવળી વાતો કરવાની નથી ફાવતી. લેટ્સ કમ ટુ ધ પોઇન્ટ. આજે તારા માટે એક નહીં બે કામ છે." મેં ઝડપથી શર્ટના ખિસ્સામાંથી આજના ન્યુઝપેપરના કટિંગ કાઢીને એની સામે ધર્યા.

"જો આ એક છોકરી છે જે કેનાલરોડ પર રહે છે અને એની નજીકમાં જ આ એક બુઢો રહે છે. બંનેની પુરી ડિટેઇલ જોઈએ છે." 

"મળી જશે.." એ પેપર હાથમાં લીધા વગર જ નિરાંતથી બોલી.

"સુઝી, બને એટલું જલ્દી, બને તો આજે સાંજ સુધીમાં જ." હું પેપર કટિંગ એની બાજુમાં સોફા પર મૂકતા અધીરાઈથી બોલ્યો.

"થઈ જશે." એ દૂરથી જ પેપર કટિંગ નિહાળી રહી.

"જો જે ક્યાંક આ વરસાદ રહી ગયો તો પછી કામમાં મજા નહીં આવે." હું ફરી અકળામણથી બોલ્યો. 

"મેં કહ્યું ને સર, થઈ જશે." સુઝી એકદમ ઠંડકથી હસીને બોલી. "હું તમારી તકલીફ સમજુ છું. ડોન્ટ વરી, બધી ડિટેઇલ મળી જ જશે. સાંજ સુધીમાં તમારી પર મેસેજ આવી જશે."

"ધેટ્સ ગ્રેટ, હું જાણું છું કે મારી સુઝી મને ક્યારેય નિરાશ નહીં કરે."

"એ જ તો મારું કામ છે." એણે આંખો પટપટાવીને કહ્યું.

"થેન્ક યુ સો મચ સુઝી, તું મારો કેટલો ખ્યાલ રાખે છે..?" મેં ઉભા થઈને એના ગાલ પર હળવેથી ચૂમી ભરી.

"ઇટ્સ માય પ્લેઝર."

"બસ, આ શિકાર હાથમાંથી જવો નહીં જોઈએ." હું ઘરની બહાર તરફ જતા ઝનૂનથી બોલ્યો અને સુઝી મને સપાટ નજરે તાંકી રહી.

***

"આજ મોસમ બડા.... બેઈમાન હૈ... બડા.. બેઈમાન હૈ... આજ મોસમ.." પોલીસ સ્ટેશનની બહાર પડી રહેલા મુશળધાર વરસાદમાં બદલાયેલા વાતાવરણને કારણે કોન્સ્ટેબલ મોહિત તાનમાં આવીને ગાઈ રહ્યો હતો.

"ઓ સાહેબ.." પોતાની ખુરશીમાં બેસીને કોઈ અગત્યની ફાઈલમાં ખૂંપીને બેઠેલા પોલીસ સ્ટેશનના બાહોશ અને હોનહાર ઇન્સ્પેક્ટર તન્મયની સામે જોઈને મોહિતે બૂમ પાડી. પણ ઈ.તન્મય તરફથી કોઈ રિસ્પોન્સ નહીં મળતા કો.મોહિત અકળાઈને ઈ.તન્મયની સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયો.

"ઓ સાહેબ, તમે તમારી નજર ફાઈલની બહાર કાઢીને જુઓ તો ખરા. શું મોસમ છે..., શું નજારો છે..? આવા વાતાવરણમાં કોઈ કામ કરતું હશે ભલા...?"

મોહિતની નોટંકી સાંભળીને પોલીસ સ્ટેશનમાં બેઠેલો આખો સ્ટાફ હસી પડ્યો. આખરે નાછૂટકે ઈ.તન્મયે ગરદન ઉપર ઉઠાવીને હસતા હસતા મોહિત સામે જોયું.

"હં... તો તારા ખ્યાલથી આવા મોસમમાં કરવું જોઈએ..?"

"સાહેબ, ગરમાગરમ ભજીયા..., બ્રેડ પકોડા...અને ચાની ચૂસકી... આ ત્રણેનું ત્રિવેણી સંગમ હોય તો જલસો... પડી જાય." મોહિત ગભરાઈને જરા થોથવાતી જીભે બોલ્યો.

"હા, તો મંગાવી લે. આજે થઈ જાય પાર્ટી."  ઈ.તન્મય બોલ્યા.

પણ મોહિતને પોતાના કાન પર વિશ્વાસ નહીં થયો હોય એમ ઈ.તન્મય સામે જોઈ રહ્યો.

"હેં... સાચે જ...?"

"હાસ્તો વળી.., હવે આમ મારી સામે બાઘાની જેમ જોયા શું કરે છે..? જા મંગાવી લે નાસ્તો."

"હેં... હા.. હા... જાઉં છું."

મોહિત આશ્ચર્યમિશ્રિત લાગણીથી નાસ્તો લેવા ગયો. થોડી જ વારમાં ગરમાગરમ નાસ્તો ટેબલ પર ગોઠવાઈ ગયો અને પોલીસ સ્ટેશનમાં ઈ.તન્મય અને કો.મોહિત સિવાયના હાજર સ્ટાફ સબ ઇન્સ્પેક્ટર મલ્હાર, સબ કોન્સ્ટેબલ મેહુલ, લેડી પોલીસ તાન્યા અને વાણી તેમજ કોમ્પ્યુટર લેબમાંથી એડમ ટેબલની પાસે ગોઠવાઈ ગયા.

"એડમ, સ્વયં નાસ્તો કરવા નહીં આવ્યો..?" ઈ.તન્મયે આશ્ચર્યથી પૂછ્યું.

"તમે જાણો છો ને સર, સ્વયં કોમ્પ્યુટરનો કીડો છે. મારો કલિંગ હોવા છતાં કોમ્પ્યુટર સિવાયની કોઈ વાત પણ એ મારી સાથે નથી કરતો. આખો દિવસ બસ... કોમ્પ્યુટર." એડમે બળાપો કાઢ્યો.

"એ માણસ આ પોલીસ સ્ટેશન માટે બન્યો જ નથી એડમ.!" સબ ઈ.મલ્હાર બોલ્યા. "સ્વયં કંઈ અલગ જ માટીનો બનેલો છે. એણે અહીં નોકરી છોડીને કોઈ કંપનીના આર. એન્ડ ડી. ડિપાર્ટમેન્ટમાં નોકરી જોઈન કરી લેવી જોઈએ."

"આર. એન્ડ ડી. મતલબ..?" મોહિત વચ્ચે જ બોલી ઉઠ્યો.

"તારી જેમ, રેસ્ટ એન્ડ ડ્રિમ.." ઈ.તન્મય બોલ્યા અને આખો સ્ટાફ મોહિતની સામે જોઈ હસી પડ્યો અને મોહિત ફરી એકવાર બઘવાઈ ગયો.

થોડીવાર પછી બધા પરાણે સ્વયંને નાસ્તો કરવા માટે કોમ્પ્યુટર રૂમની બહાર ખેંચી લાવ્યા અને પછી પોલીસ સ્ટેશનમાં ગરમાગરમ નાસ્તા અને ચાની મહેફિલ જામી. પણ મહેફિલ પુરી થાય એ પહેલા કોઈકના મોબાઈલમાં મેસેજનું નોટિફિકેશન વાગ્યું. જેના પર અનાયાસે જ કોઈનું ધ્યાન ગયું નહોતું.

**

સુઝીના બે મેસેજ મારી પર આવી ચુક્યા હતા. પણ શું કરે...? પોલીસ સ્ટેશનમાં જ ચા નાસ્તાની મહેફિલ જામેલી હતી.! જેમતેમ નજર બચાવી ચા નાસ્તો પતાવીને હું તરત મારાં ટેબલ પર પાછો આવી ગયો અને સુઝીના મેસેજ ખોલ્યા.

પહેલો મેસેજ :

//નામ - કામિની, ઉંમર - અંદાજે પાંત્રીસ વર્ષ, કામ - બેંકમાં મેનેજર, રોજ નોકરીએથી આવતા રાતના અગિયાર વાગી જાય છે. રાતે કેનાલરોડ તરફ આવતા રસ્તો સાવ સુમસાન હોય છે અને સૌથી મહત્વની વાત - રોજ નોકરીએ ચાલતી જ આવે અને જાય છે.//

બીજો મેસેજ :

//નામ - હરિભાઈ, ઉંમર - આશરે સીતેર વર્ષ, કામ - નિવૃત, રોજ સવારે સાડા પાંચ વાગે ઘરની નજીક વોક વે પાસે દૂધ લેવા માટે જાય છે. વોક વે સુધી પહોંચતો રસ્તો નિર્જન.

ખાસ નોંધ - બંને જગ્યાએ સીસીટીવીનો કોઈ ખતરો નથી.//

વાહ સુઝી, યુ હેવ ડન ગ્રેટ જોબ.! હવે બાકીનું કામ મારે પૂરું કરવાનું હતું. વરસાદ પૂરજોશમાં વરસી રહ્યો હતો અને બંને શિકાર નજરની સામે જ તરવરી રહ્યા હતા.! આજે જ મોકાનો દિવસ હતો. કલ કરે સો આજ. એક જ રાતમાં બંનેને નીપટાવવાના હતા. રાત થોડી ને વેશ ઝાઝા..!

હું ઝડપથી ઘરે પહોંચ્યો. મારું અને પપ્પાનું જમવાનું તેમજ પપ્પાની સાફ સફાઈના કામ મેં ઝડપથી આટોપી દીધા. પપ્પાને પથારીમાં સુવડાવીને રાતે પોણા અગિયાર વાગે કેનાલરોડ તરફ જતા રસ્તા પર રેઇનસુટ પહેરીને ઉભો રહી ગયો. રસ્તો સાચે જ સુમસાન હતો. થોડીવાર થઈ હશે અને દૂરથી એક યુવતી હાથમાં છત્રી લઈને આવતી દેખાઈ. હું રસ્તાને એક ખૂણે જઈને સાવધાન થઈને ઉભો રહી ગયો. એને નજીક આવવા દીધી. એ ખાસ્સી નજીક આવી ગઈ.

"કામિની મેડમ..." મેં બૂમ પાડી.

એ આશ્ચર્યથી ઉભી રહી ગઈ. વરસાદની તેજ ધારને ચીરીને હું એની પાસે પહોંચ્યો.

"આપ કામિનીમેડમ છો..?" મેં પૂછ્યું.

"હા.., પણ આપ કોણ...?" એ થોડી ઝંખવાઈ. "મેં તમને.... ઓળખ્યા... નહીં... આટલી... મોડી રાત્રે...?!"

"એ બધી વાત છોડો ને કામિનીમેડમ... મને એ કહો કે તમારા સસરાએ તમારું શું બગાડ્યું હતું...? એમને એકલા છોડીને તમે અને તમારા પતિ બીજા ઘરે રહેવા કેમ જતા રહ્યા...? તમારા સસરાએ કરેલી સુસાઇડનું કારણ તમે જ છો." હું ઝડપથી બોલી ગયો.

"હેં...." એ ફાટેલી આંખે મને જોઈ રહી. "હુ આર યુ...? તમે કોણ છો...? અને... મને આ બધું ..."

"ઓહ... અચ્છા... તો હું કોણ છું..? હુ આર યુ...?" મારી આંખોમાં ખૂન્ન્સ ઉતર્યું. "હું પણ સાવ ગાંડો છું. તમને શું કામ સમજાવી રહ્યો છું..? શું કામ ભેંસને મોઢે ભાગવત કરી રહ્યો છું..? જે કામ કરવા આવ્યો છું.. એ જ પતાવી દઉં ને..."

એ કંઈ સમજે એ પહેલા હું એની એકદમ નજીક ગયો. એનું મોઢું દબાવ્યું અને રેઇનસુટમાં છુપાવી રાખેલો છરો કાઢ્યો અને ખચ્ચ....!

મેં એના મોંમાંથી એક ઉહંકારો પણ બહાર ન નીકળવા દીધો. પણ એના આંખના ડોળા અને છરાની સાથે પેટના આંતરડા બહાર આવી ગયા. પેટમાંથી વહેતી એના રક્તની ધારાને ધોધમાર વરસાદની ધાર સાથે એકરસ થતી હું કયાં સુધી જોઈ રહ્યો અને પછી છબાક... અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. વરસાદી પાણીથી ભરેલું ડહોળું ખાબોચિયું એના દેહમાંથી નીકળી રહેલા લોહીથી લાલ રંગમાં રૂપાંતરીત થવા લાગ્યું.

**

સવારના સાડા પાંચ વાગવા આવ્યા હશે. આખી રાત વરસાદમાં વીતાવ્યા પછી હવે મને ઠંડી ચઢી ગઈ હતી અને છેલ્લા અઢી કલાકથી ભરવરસાદમાં વોક વે પર બુઢાની રાહ જોઈને તો હું થાક્યો હતો. આ બુઢાઓને પણ જપ નથી હોતી. છેક સવારે સાડા પાંચ વાગ્યામાં દૂધ...? પછી શું દૂધવાળો મરી જવાનો હતો..? હજુ હું વિચારી જ રહ્યો હતો કે ત્યાં એક હાથમાં છત્રી અને બીજા હાથમાં ડોલચુ ઝાલીને એક બુઢો આવતો દેખાયો.

"ઓ... હરિકાકા.."

બુઢો નવાઈથી મારી સામે જોઈને ઉભો રહી ગયો.

"શું હરિકાકા, સવાર સવારમાં આ ઉંમરે શું માંડ્યું છે..? જરા જપોને... ભગવાનનું નામ લો ને.."

"કોણ... છે તું દીકરા...? મેં તને ઓળખ્યો નહીં." બુઢો આંખો ઝીણી કરીને ધારી ધારીને મને જોવા લાગ્યો.

"મારી વાત છોડોને કાકા. તમે તમારા છોકરાઓને બધો ભાગ કેમ આપી દીધો..? છોકરાઓ જલસા કરે છે અને તમે અત્યારે આ ઉંમરે મજૂરી કરો છો..!"

"ઓ ઘેલસપ્પા, કોણ છે તું અને અત્યારે સવાર સવારમાં આ શું માંડ્યું છે..?" ડોસો છંછેડાયો.

"અચ્છા, તો હું ઘેલસપ્પો.. અને તું..?" મારાં દાંત ભીંસાયા. "તને સમજાવવા જેવો જ નથી. સાલા ડોહા, તું પણ એ જ દાવનો છે."

મેં ઝનૂનથી મારાં રેઇનશુટમાંથી છરો કાઢ્યો અને ખચાક...! બુઢો પાંચ જ સેકન્ડમાં તરફડીને ઠંડો પડી ગયો. આકાશમાંથી આવી રહેલી વરસાદની તેજ બુંદો બુઢાના નિર્જીવ શરીરને ભીંજવતી રહી.

**

સવારના સાત વાગી રહ્યા હતા અને એ લોહીથી ખરડાયેલો છરો હાથમાં પકડીને ફરી એકવાર મારી સામે અરીસામાં ઉભો હતો. ફરી એ જ ક્રૂર અટ્ટહાસ્ય રૂમમાં ગુંજી રહ્યું હતું.

"મુબારક હો દોસ્ત..! આ એક જ છરા વડે થયેલું સાતમું ખૂન આપને ખુબ ખુબ મુબારક..! મજા આવી ગઈ ને આ વખતે તો...! એક જ રાતમાં બંનેનો ખેલ ખલાસ કરી દીધા. સુઝીના નામે બીજા બે ખૂન અંકિત કરી દીધા... હા.. હા.. હા..!"

અને ત્યાં જ અચાનક રૂમની બહારથી પપ્પાના ખાંસવાનો અવાજ આવ્યો. એ ચમક્યો. એના હાથ ધ્રુજી ઉઠ્યા. અરીસાની સહેજ નજીક આવીને કોઈ જોઈ ન જાય એની ખાતરી કરતો હોય એમ એણે આજુબાજુ જોયું અને પછી મારી સામે જોઈને એ ધીમા અવાજે બોલ્યો.

"સમજાવી દેજે તારા આ બુઢાને પણ. નહીં તો કોઈ દિવસ મારાં હાથે આનું પણ..."

એનો અવાજ કંપી ઉઠ્યો. એની આંખો સહેજ ધુંધળી થઈ અને એ ધુંધળી આંખોમાં અરીસામાં કદાચ એને મારી જગ્યાએ ભાભી દેખાઈ.! પોતાની સગ્ગી ભાભી.

એ જ ભાભી જેની હત્યા કર્યા પછી એણે આ રક્તરંજીત ખૂની ખેલની શરૂઆત કરી હતી. એ સમયે એની નોકરી ઘર અને માબાપથી દૂર બીજા શહેરમાં હતી. મોટાભાઈ અને ભાભી મમ્મી પપ્પાની સાથે અહીં સુખેથી રહેતા હતા. પણ ભાભીની રોજની બસ એક જ જીદ રહેતી..., માબાપથી અલગ થઈને બીજા ઘરે રહેવા જવું. રોજેરોજ ભાભી કોઈપણ બહાનું કાઢીને મમ્મી પપ્પા અને મોટાભાઈ સાથે ઝઘડ્યા કરતી. આખરે રોજની કચકચથી પરેશાન થઈને મોટાભાઈ સાચે જ એક દિવસ ભાડાના ઘરે રહેવા જતા રહ્યા.

મા પોતાના મોટા દીકરાની આવી જુદાઈ સહન ન કરી શકી. એક દિવસ આવો જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. પપ્પા દવા લેવા ઘરની બહાર નીકળ્યા હતા અને મમ્મીએ ઘરે એકલતામાં ગળે ફાંસો લઈને આત્મહત્યા કરી લીધી. હાઈ બ્લડપ્રેશરના દર્દી એવા પપ્પાને મમ્મીના સમાચાર જાણીને બ્રેઈનસ્ટ્રોકનો એટેક આવી ગયો અને એ જિંદગીભરના પથારીવશ બની ગયા. મમ્મીનું મૃત્યુ અને પપ્પાની માંદગી એવા એક સાથે બબ્બે વજ્રઘાત એ સહન નહીં કરી શક્યો.

બસ, એ દિવસ પછી હું અને એ અલગ બની ગયા. એના દિલોદિમાગમાં આગ લાગી હતી. એના મગજમાં એક જ વાત દિવસ રાત ઘુમરાયા કરતી હતી. મમ્મી પપ્પાના આવા હાલ કરનારી ભાભી સામે કોઈપણ ભોગે બદલો લેવાનું એણે નક્કી કરી લીધું હતું. એણે પોતાનો બદલો લેવા અને પપ્પાની સારસંભાળ લેવા નોકરીમાં પોતાના જ શહેરમાં બદલી કરાવી નાખી.

પછી રોજ એ મારી સામે અરીસામાં આવીને ભાભીના ખૂનના પ્લાન ઘડ્યા કરતો. પણ એ સમયે એને સમજાવવાની જગ્યાએ હું વિવશ બની જતો. હું એને રોકી શકતો નહીં. એ રોજ આવીને મારી સામે ઉભા રહીને બદલો લેવાની વાત કરતો અને હું એને સાંભળતો રહેતો. જયારે ધોધમાર વરસાદ વરસતો ત્યારે એ મમ્મીની હત્યાનો બદલો લેવા ગાંડો થઈ જતો અને હું લાચાર થઈને એને જોઈ રહેતો. એને એક એવી વ્યક્તિની તલાશ હતી જે એને એનું કામ પાર પાડવામાં એની મદદ કરી શકે. એણે ઘણી મહેનત કરી. રાત દિવસ ઉજાગરો કર્યો અને આખરે ઘણી જહેમત ઉઠાવ્યા બાદ એને એ કામમાં સફળતા મળી. એને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે મળી ગઈ હતી સુઝી...!

એક ભયાનક વરસાદી રાતે એણે સુઝીની મદદ લઈને ભાભીનું કાસળ કાઢી નાખ્યું. સુઝીએ એને એ રીતે બધી માહિતી પુરી પાડી હતી કે પોલીસને તો શું, ભાભીનું ખૂન કોણે કર્યું છે એની મોટાભાઈ કે પપ્પાને પણ ગંધ સુધ્ધા આવી નહોતી..!

મમ્મી પપ્પાના આવા હાલહવાલ થયા બાદ પણ મોટાભાઈને એનું લેશમાત્ર દુઃખ નહોતું થયું. એ છતાં પપ્પાને મોટાભાઈનું બહુ લાગતું. દિવસ રાત એ મોટાભાઈની જ ચિંતા કરતાં રહેતા. પોતે નાનો હોવા છતાં મોટાભાઈની બધી જ જવાબદારી એ નિભાવતો. પોતે પપ્પાની સેવાચાકરી કરી શકે એ માટે એણે લગ્ન પણ નહોતા કર્યા. એ છતાં પપ્પાનું આવું વર્તન જોયા બાદ એને બુઢા લોકો પર પણ બહુ ગુસ્સો આવતો.

ભાભીનું ખૂન કર્યા પછી તો એને જાણે ચસકો લાગ્યો હતો. જયારે પણ ન્યુઝપેપરમાં આવી કોઈ સ્ત્રી વિશે કે બુઢા વિશે સમાચાર વાંચે કે એવા લોકોની હત્યા કરવા માટે એનું લોહી ખદબદી ઉઠે. સુઝી પણ એને આ કામમાં ઘણી મદદ કરતી અને એને એનો શિકાર ક્યારે એકલો હશે, એનું ખૂન કઇરીતે કરવું વધુ આસાન રહેશે એ બધી માહિતી પુરી પાડતી. હું ઘણીવાર એને આવું ખૂનખરાબાવાળું કામ છોડી દેવા માટે કહેવા વિચારતો અને સુઝીની મદદ પણ ન લેવા માટે એને સમજાવવા વિચારતો. પણ જયારે એ મારી સામે આવતો ત્યારે ખબર નહીં કોણ જાણે કઈ શક્તિ મને રોકી દેતી અને હું વિવશતાથી એને સાંભળ્યા કરતો.

આજથી ત્રણ વર્ષ પહેલા જયારે વરસાદે પોતાનું એકહથ્થું સામ્રાજ્ય જમાવ્યું હતું ત્યારે એણે સળંગ ચાર રાતમાં ચાર ખૂન કરીને હાહાકાર મચાવી દીધો હતો અને દરેક ખૂન કર્યા પછી પોલીસ સ્ટેશનમાં એક પત્ર પહોંચી જતો.

"જ્યાં સુધી સુઝી જીવે છે ત્યાં સુધી આવા લોકોને જીવવાનો કોઈ અધિકાર નથી."

બીજે જ દિવસે પોલીસ સુઝીને શોધવા ધમપછાડા કરતી રહેતી. પણ હંમેશાની જેમ એમને નાકામિયાબી જ હાથ લાગતી.

પણ ગઈકાલે.. ગઈકાલે તો એણે હદ જ કરી નાખી..! એક જ રાતમાં બબ્બે ખૂન...! અને હજુ એ કયાં જઈને અટકશે એ ખબર નથી. હવે હું જોઈ નથી શકતો આ ખૂની ખેલ. હું થાક્યો છું. આ બધો ખૂનખરાબો જોઈને. પ્લીઝ... કોઈ એને...

ત્યાં જ પપ્પાનો ફરી એક વખત ખાંસવાનો અવાજ આવ્યો. એ જાણે તંદ્રામાંથી જાગ્યો અને ગુસ્સામાં પગ પછાડતો રૂમમાંથી બહાર નીકળી પપ્પા પાસે પહોંચી ગયો.

**

સવાર સવારમાં પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગયો હતો. શહેરનું દરેક સમાચારપત્ર પોલીસ સ્ટેશનની આબરૂના ધજાગરા ઉડાવવામાં વ્યસ્ત હતું.

//શહેરમાં ચાલી રહેલું ગુંડારાજ...., એક જ રાતમાં શહેરની હદમાં થયેલી બે નિર્દોષ વ્યક્તિની નિર્મમ હત્યાઓ...., પોલીસની નાક નીચે બે હત્યાઓ કરીને ગુનેગાર ફરાર..., આટઆટલા ગુનાઓ બનતા હોવા છતાં હજુ શહેર પોલીસની ઊંઘ નથી ઉડી..//

બહાર હજુ વરસાદ પોતાનું સામ્રાજ્ય બનાવીને બેઠો હતો. પણ ઈ.તન્મય લમણે હાથ દઈને નિરાશ વદને બેઠા હતા. હંમેશા ધમાલ મસ્તી કરીને પોલીસ સ્ટેશનને જીવંત રાખતો કો.મોહિત પણ મોઢું લટકાવીને પોતાની ખુરશીમાં બેઠો હતો. પોલીસ સ્ટેશનનો બાકીનો સ્ટાફ પણ નિરાશ થઈને પોતાના રૂટિન કામમાં વ્યસ્ત હતો.

આખરે ઈ.તન્મયે ગુનેગારનું પગેરું શોધવા કોઈ એક્શન પ્લાન ઘડી નાખવા માટે સ્ટાફની આપાતકાલીન મીટિંગ બોલાવી. પાંચ મિનિટની અંદર જ આખો સ્ટાફ ઈ.તન્મયના ટેબલને પડખે ઉભો હતો.

"ગઈકાલે રાતે જે બે વ્યક્તિનું ખૂન થયું છે એ બંને ઘટના સ્થળ પાસેથી પોલીસને સફળતા મળે એવા કોઈ ખાસ પુરાવા મળ્યા નથી. તો આ બાબતે કોઈના મગજમાં કંઈક યોજના આકાર લેતી હોય તો મને જણાવી શકે છે."

"સર, કોઈ સીસીટીવી ફૂટેજ..?" તાન્યાએ પૂછ્યું.

"નહીં તાન્યા, એ બંને વિસ્તારોમાં કેમેરાની કોઈ વ્યવસ્થા નથી." કોમ્પ્યુટરના નિષ્ણાંત એવા સ્વયંએ જવાબ આપ્યો.

"સર, કોઈ નજરે જોનાર સાક્ષી..? કે પછી ગુનેગારે ભૂલમાં છોડેલું કોઈ સબૂત..?" સબ ઈ.મલ્હાર બોલ્યા.

"નહીં... વિરલ.. નહીં.." ઈ.તન્મય નિસાસો નાખતા બોલ્યા.

"ગુનેગાર બહુ ચાલાક છે અને એ ખૂન કરતી વખતે નાનામાં નાની વાતની કાળજી રાખે છે. બાકી જો એનો માથાનો એક વાળ પણ મળી જાય તો... પણ હું એને પકડી પાડું."

"સર, તમને એવું લાગે છે કે બંને ખૂન એકબીજાને કનેક્ટેડ છે..?" સબ કો.મેહુલે પૂછ્યું.

"હં..., કદાચ છે પણ અને કદાચ નહીં પણ..." ઈ.તન્મય માથું ખંજવાળતા બોલ્યા.

ઈ.તન્મયની વાત કોઈના સમજમાં નહીં આવી. એટલે બધા એકબીજાની સામે જોઈ રહ્યા.

"એક મિનિટ, હું તમને સમજાવું." ઈ.તન્મય બધાની મુંઝવણ સમજી જઈને બોલ્યા.

"તમને બધાને યાદ હોય તો આજથી ત્રણ વર્ષ પહેલા આ જ રીતે આપણા પોલીસ સ્ટેશનની આબરૂના લીરા ઉડેલા...! ચાર દિવસમાં ઉપરાછાપરી ચાર ખૂન થઈ ગયા હતા અને કોઈ સુઝી નામની છોકરીએ પોતે ખૂન કર્યા હોવાના આપણને પત્ર પણ મળેલા. પણ પછી સુઝી નહીં પકડાતા આપણે હાથ ઘસતા રહી ગયા હતા."

"એ વખતે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને મરનારમાં બે આધેડ ઉંમરની સ્ત્રીઓ કે જે થોડા સમય પહેલા જ પોતાના પતિ સાથે અલગ રહેવા ગઈ હોય અને બે મોટી ઉંમરના વૃદ્ધ પુરુષો કે જેણે પોતાના દીકરાઓને બધો ભાગ આપીને પછી પસ્તાઈ રહ્યા હોય એમનો જ સમાવેશ થતો હતો. આ વખતે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વખતે પણ ખૂન કંઈક એવી જ વ્યક્તિના થયા છે. બસ, સુઝીના કોઈ પત્ર હજુ સુધી આપણને મળ્યા......."

"કુરિયર..... બોય...."

ઈ.તન્મયની વાત પુરી થાય એ પહેલા જ કુરિયર કંપનીનો ડિલિવરી બોયનો અવાજ પોલીસ સ્ટેશનના બારણે ગુંજી ઉઠ્યો. આખો પોલીસ સ્ટાફ ઘડીકમાં ડિલિવરી બોયને તો ઘડીકમાં ઈ.તન્મયને ફાટી આંખે જોઈ રહ્યો.

ઈ.તન્મયની વાત સો ટકા સાચી પડી હતી. સુઝીના નામથી જ કુરિયર આવ્યું હતું. કોઈ સામાન્ય છોકરીની આટલી અસાધારણ હિંમત જોઈને આખુ પોલીસ ડિપાર્ટમેન્ટ ડઘાઈ ગયું.

"સુઝી જેવી આજકાલની આવેલી છોકરી આટલી સીફતથી આપણી આંખોમાં ધૂળ નાખીને આપણને ગોળ ગોળ કઇરીતે ઘુમાવી શકે એ મને સમજમાં નથી આવતું." ઈ. તન્મય આવેશમાં આવીને પોતાની હથેળીનો ખુરશીના હાથા પર પ્રહાર કરતાં બોલ્યા.

ઈ.તન્મય જેવા શાંત અને બાહોશ વ્યક્તિ કે જે મુશ્કેલ સમયમાં પોતાના ગુસ્સાને કાબુમાં રાખીને બધા જ કેસ આસાનીથી હલ કરતાં હતા, એમને પણ આ રીતે મગજ ઘુમાવતા જોઈને આખો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો. થોડીવાર સુધી વરસાદ વરસવાના લયબધ્ધ અવાજ સિવાય પોલીસ સ્ટેશનમાં શાંતિ છવાઈ રહી.

"સર, આપણે સુઝીને પકડવા કોઈ છટકુ ગોઠવીયે તો...?" પોલીસચોકીમાં છવાયેલા ખામોશીના સામ્રાજ્યને તોડતા લેડી પોલીસ વાણીએ પહેલીવાર પોતાનો સુઝાવ આપ્યો.

વાણીની વાતથી ઈ.તન્મયની આંખો ચમકી ગઈ.

"હં... આઈ થીંક ઇટ્સ અ ગુડ આઈડિયા.." ઈ.તન્મય તરત બોલી ઉઠ્યા. પછી થોડીવાર સુધી તેઓ કંઈક વિચારી રહ્યા અને પછી બોલ્યા.

"વાણી, મારાં ખ્યાલથી એ છટકુ ગોઠવવાના પ્લાનમાં તું પરફેક્ટ ફીટ બેસે છે."

"મતલબ...?" વાણીએ આશ્ચર્યથી પૂછ્યું.

"મતલબ એ જ કે જે રીતે હમણાં મૃતક કામિનીબહેનના સમાચાર ન્યુઝપેપરમાં આવ્યા હતા. એ જ રીતે તારા સમાચાર પણ ન્યુઝપેપરમાં આવશે. પછી સુઝી તને મારવા આવશે અને એને આપણે દબોચી લઈશું. સિમ્પલ.."

"હં... ફાઈન સર." વાણી સહેજ વિચારીને બોલી.

"ડોન્ટ વરી વાણી, તને પૂરતું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે." ઈ.તન્મય આંખ મિચકારીને બોલ્યા.

"ધેટ આઈ નો સર.." વાણી હસતા હસતા બોલી.

"ઓકે ધેન ગાયસ.., પ્લાન ઇઝ રેડી. બટ ડુ ઈટ ફાસ્ટ. કારણકે વરસાદ અટકી જશે તો પછી કદાચ સુઝી આપણા હાથમાં નહીં આવે. આવતીકાલના દરેક ન્યુઝપેપરમાં વાણીના સમાચાર આવી જવા જોઈએ." ઈ.તન્મય ઉત્સાહમાં આવી જઈ તાળી પાડતા બોલ્યા.

**

બીજે દિવસે સવારે ન્યુઝપેપરમાં વાણીના સમાચાર હતા અને હું એ ન્યુઝપેપર હાથમાં લઈને સુઝીની સામે બેઠેલો હતો.

"મને આ છોકરીની પુરી ડિટેઇલ જોઈએ છે... અરજન્ટ... આજે સાંજ સુધીમાં."

સુઝી થોડીવાર સુધી વાણીના ફોટોને ધ્યાનથી જોઈ રહી. પછી બોલી.

"સર, આઈ થીંક ઈટ વુડ બી રિસ્કી ટાસ્ક ફોર યુ. બીકોઝ મારાં ડેટા પ્રમાણે આ છોકરી એક પોલીસ ઓફિસર છે."

મને ઉતાવળ હતી અને સુઝી પોતાનું ગણિત ચલાવી રહી હતી. મારું મગજ છટક્યું.

"સુઝી, તને કહેવામાં આવે એટલું કર. પોતાનું દિમાગ નહીં ચલાવ. હું બધું જ જાણું છું. તું મને નહીં શીખવાડ. હું એ પણ જાણું છું કે તારો ડેટા અધૂરો છે. જે ન્યુઝપેપરમાં છપાયું છે એ જ વધારે સાચું છે. વાણી ભૂતકાળમાં સાચે જ પોતાના સાસુ સસરાને એકલા છોડીને આવી હતી અને મારાં મતે જેણે આવો અપરાધ કર્યો હોય એવી કોઈ વ્યક્તિને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. સો સુઝી જસ્ટ ડુ યોર વર્ક એન્ડ શટ યોર બ્લડી માઉથ."

ગુસ્સામાં મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું હતું. મારો અવાજ પણ ધ્રુજી રહ્યો હતો અને મારો હાથ મારી વફાદાર સુઝીના ગળા સુધી પહોંચી ગયો હતો. પણ સુઝી હંમેશની જેમ સાવ નચિંત હતી.

"ઓકે સર. એઝ યુ વિશ. સાંજ સુધીમાં તમને મેસેજ મળી જશે."

**

સાંજે મને રજા મળી એ પહેલા સુઝીનો મેસેજ મારી પર આવી ચુક્યો હતો.

//નામ - વાણી, ઉંમર -આશરે પાંત્રીસ વર્ષ, કામ -પોલીસ ઓફિસર, સવારે સાડા છ પોતાના છોકરાને સ્કૂલ બસમાં મૂકીને પરત ફરે, ત્યારે ઘરની નજીકનો વિસ્તાર સાવ નિર્જન.//

**

સવારના સાડા છ વાગી ચુક્યા હતા. કુદરત હજુ પણ વરસાદ રૂપે જમીન પર કહેર વરસાવી રહી હતી અને વરસાદને કારણે જ મારાં શરીરમાં રક્તની સાથે દોડી રહેલું ઘાતકીપણું હજુ એટલું જ બરકરાર હતું.

મારી બાઈક રસ્તાને કોરાણે પાર્ક કરીને હું સંતાઈને વાણીની રાહ જોઈ રહ્યો હતો.હું પુરેપુરો સજ્જ હતો. મારા રેઇનસુટની અંદર છુપાવી રાખેલો છરો વધુ એક વખત લોહી તરસ્યો બન્યો હતો.

અને... અને વાણી આવી. મારું હૃદય મારાં કાબુ બહાર ધડકી રહ્યું હતું. હું જાણતો હતો કે વાણીને આખા પોલીસ સ્ટાફે કવર આપ્યું હશે. સુઝીએ કહ્યું હતું એમ 'ઈટ વીલ બી રિસ્કી ટાસ્ક ફોર મી'. પણ ખૂન અને હત્યા આ બે શબ્દ જ મારાં દિમાગમાં ઝનૂન લાવવા માટે પૂરતા હતા.

વાણી મારી સાવ નજીક આવી ગઈ હતી. મેં બૂમ પાડી.

"હાય... વાણી.."

એ મારો અવાજ સાંભળીને નવાઈ પામીને ઉભી રહી ગઈ. મોકાનો ફાયદો ઉઠાવીને હું એની એકદમ નજીક પહોંચી ગયો.

"અરે.. એડમ.., તું અહીંયા....? સવાર સવારમાં તું અહીં શું કરે છે...?"

"મારી વાત છોડ વાણી, તું તારા સાસુ સસરાને છોડીને અલગ રહેવા કેમ આવી ગઈ..? તને ખબર છે તારા અને તારા હસબન્ડના ગયા પછી એમની પર શું વીતી હશે....?"

વાણી થોડીવાર સુધી મને ફાટી આંખે જોઈ રહી. એના મગજમાં કંઈક ગડમથલ ચાલી રહી.

"આર યુ ઓકે.... એડમ..? સવાર સવારમાં તું આ શું લવારી કરી રહ્યો છે.?"

"અચ્છા.., હું કરી રહ્યો છું એ લવારી અને તે જે કર્યું હતું એ..?" હું ચિલ્લાયો. "લે તારું પણ કામ તમામ કરી જ દઉં છું..."

મેં રેઇનશુટમાંથી છરો કાઢ્યો. પણ મારાં માટે આ કામ પહેલા જેટલું સહેલું નહોતું. કારણકે વાણી એક પોલીસ ઓફિસર હતી અને એ પણ વેલ ટ્રેઈન્ડ..! એ ઝડપથી પરિસ્થિતિ પામી ગઈ અને પોકેટમાંથી પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી. અમારા બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ, સામસામા પ્રહાર થયા અને થોડી જ ક્ષણોમાં મારો છરો એના પેટમાં ખૂંપેલો હતો અને એની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મારું પેટ વીંધીને આરપાર નીકળી ગઈ હતી.

ઉફ્ફ... ન કળી શકાય, ન સમજી શકાય એવું અસહ્ય દર્દ મારાં પેટમાં ઊપડ્યું. આટલા લોકોને મોતને ઘાત ઉતાર્યા પછી આજે મને સમજાયું કે જાન લેવા દર્દ કેવું હોય છે. હું ત્યાં જ ફ્સડાઈ પડ્યો. વાણી પણ જમીન પર તરફડવા લાગી.

વાણીને કવર આપવા નજીકમાં જ સંતાઈને બેઠેલો પોલીસ સ્ટાફ 'આ શું ચાલી રહ્યું છે...?' એ પરિસ્થિતિ સમજી ન શક્યો. છતાં પણ વાણી પર થયેલા હુમલાને જોઈને બહાર દોડી આવ્યો.

પણ મારે હજુ પકડાવાનું નહોતું. મારે હજુ સુઝીની પાસે પહોંચવું બહુ જરૂરી હતું. હું માંડ મથીને ઉઠ્યો અને લથડીયા ખાતો મારી બાઈક તરફ ભાગ્યો.

સબ કો.મેહુલ વાણીની મદદ માટે એની પાસે રોકાઈ ગયો અને બાકીની ઈ.તન્મયની આખી ટીમ મને પકડવા મારી પાછળ દોડી.

"કેચ.... એડમ...., હી... ઇઝ.... કી...લર..." વાણીના મોંમાંથી લોહી મિશ્રિત થૂંક ઉડી રહ્યું હતું.

મારી હાલત પણ કંઈ સારી નહોતી. કદાચ હવે મારી બચવાની શક્યતા પણ ખુબ ઓછી હતી. છતાં મારું સુઝી સુધી પહોંચવું જરૂરી હતું અને એનું ઘર હજુ ઘણું દૂર હતું. મારી બાઈક અને પોલીસની જીપનો ચેઝિંગ સિકવન્સ ચાલુ થયો.

ટેઢા મેઢા રસ્તા પર માંડ મથીને બાઈક ચલાવતો હું ઈ.તન્મય એન્ડ કંપનીને થાપ આપીને આખરે હું સુઝી સુધી પહોંચવામાં સફળ થયો. બાઈકને રસ્તામાં જ ફેંકીને અથડાતો કૂટાતો હું ઘરના દરવાજે પહોંચ્યો. બટન દબાવીને ફરી એક વખત મેં દરવાજાનું ડિજિટલ લોક ખોલ્યું. પણ ઘરની અંદર પહોંચતા જ મારાં મોંમાંથી લોહીનો એક મોટો કોગળો થઈ ગયો અને હું દરવાજા પાસે જ ઢગલો થઈને પડ્યો.

થોડી જ ક્ષણોમાં સાઈરન વગાડતી પોલીસની જીપ આવી પહોંચી અને એમાંથી ઉતરેલી આખી ટીમ મારી નજીક આવી પહોંચી.

"એડમ..., તું...? તું સિસ્ટમનો જ એક ભાગ બનીને વર્ષો સુધી હત્યાઓને અંજામ આપતો રહ્યો અને અમને હંફાવતો રહ્યો. શેમ ઓન યુ.." ઈ.તન્મય મારી નજીક આવીને તિરસ્કારથી મારી કમરમાં લાત મારતા બોલ્યા.

"ઓહ...હ...." હું દર્દથી કણસી ઉઠ્યો. ફરી એકવાર મારાં મોંમાંથી લોહીનો ફુવારો ઉડ્યો.

"બોલ એડમ.... તે આવું શું કામ કર્યું...? બોલ.." સબ ઈ.મલ્હારે બીજી તરફથી કમર પર લાત ફટકરતા પૂછ્યું.

દર્દ એટલું વધી ગયું હતું કે મારામાં ઉહંકારો કરવા જેટલી પણ શક્તિ નહોતી બચી. છતાં હું ફિક્કું હસ્યો.

"બહુ.... લાંબી... વાર્તા છે... મલ્હાર..., પછી.. ક્યારેક..." એક મોટા ખાંસીના પ્રહારને કારણે હું આગળ બોલી નહીં શક્યો અને ઉબકા સાથે ફરી એકવાર મારાં મોઢામાંથી લોહીનો ફુવારો ઉડ્યો.

પછી અચાનક ઈ.તન્મયને કંઈક યાદ આવ્યું હોય એમ તેઓ મારી પર ઝુક્યા.

"બધા ખૂન તે જ કર્યા હોય તો પછી આ સુઝી... કોણ છે...?  કયાં છે... સુઝી..? કે પછી તું સુઝીને જાણી જોઈને બચાવી રહ્યો છે...?" ઈ.તન્મય તાડૂકી ઉઠ્યા.

જવાબમાં હું ખંધુ હસ્યો અને મારી નજર અંદર તરફ જતા રૂમના દરવાજા પર સ્થિર થઈ. ઈ.તન્મય પણ તરત જ એ દિશામાં આંખો ફાડીને જોવા લાગ્યા. એમણે  બધાને અંદર રૂમમાં જઈને સુઝીને શોધી લાવવા ઈશારો કર્યો.

સબ ઈ.મલ્હાર, કો.મોહિત, તાન્યા અને બીજા બે સ્ટાફ મેમ્બર પોતપોતાની સર્વિસ રિવોલ્વર કાઢીને પુરેપુરી પોઝિશન લઈને સાવધાનીપૂર્વક અંદરના રૂમમાં પ્રવેશ્યા. જયારે ઈ.તન્મય મારી સામે ઉભા રહ્યા.

"એડમ, જે હોય તે સાચે સાચું કહી દેજે. આ બહુ શરમજનક ઘટના છે. તું પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ કોમ્પ્યુટર લેબમાં કામ કરીને આવી ગદ્દારી કરશે એ તો મેં સપને પણ વિચાર્યું નહોતું. તારા કારણે આજે વાણી જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. એડમ, એક વાત ધ્યાન રાખજે.... જો તે સુઝીને બચાવવાની કોશિશ પણ કરી છે તો...."

ત્યાં જ રૂમમાં અંદર ગયેલી આખી ટીમ બહાર આવી.

"સર, અંદર કોઈ સુઝી બુઝી નથી. સોફા ઉપર પડેલી આ એક ઢીંગલી અને એકાદ બે કોમ્પ્યુટરને છોડીને આખો રૂમ સાવ ખાલીખમ છે." હાથમાં પકડેલી ડોલનો જમીન પર પ્રહાર કરીને તાન્યા ગુસ્સામાં બોલી.

ઈ.તન્મય ગુસ્સાથી ઘડીક મારી સામે તો ઘડીક ઢીંગલી સામે જોઈ રહ્યા. એમનો શ્વાસ ગુસ્સાને કારણે ઝડપથી અંદર બહાર થતો રહ્યો. પણ પછી એમની નજર ઢીંગલી પર સ્થિર થઈ અને થોડીવાર જોયા પછી એમની અનુભવી આંખો ચમકી ગઈ.

"ઓહ.... માય... ગોડ.."

બધા નવાઈથી ઈ.તન્મય સામે જોઈ રહ્યા.

"શું થયું સર...?" તાન્યાએ પૂછ્યું.

"તાન્યા આ કોઈ સામાન્ય બાર્બીડોલ નથી...  ઇટ્સ એન આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સ....!"

ઉભેલા બધા ચોંકી ઉઠ્યા.

"યસ, આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સ... એક એવું મશીન કે જે મનુષ્યએ એમાં ભરેલા ડેટા અને ડિઝાઇન કરેલા સોફ્ટવેર પ્રમાણેનું કામ કરી આપે અને જોઈતી તમામ માહિતી એકઠી કરીને મનુષ્યને મદદ કરે. ઇઝ ઈટ ટ્રુ... એડમ..?" ઈ.તન્મય મારી સામે ઘૃણાથી જોઈ રહ્યા.

મારાં હોઠ વંકાયા. 

"યસ... સર..., ઇટ્સ આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સ...., ઇટ્સ માય સુઝી...!; મારી વફાદાર સુઝી..., મારું પોતાનું આવિષ્કાર સુઝી.., મેં કરેલી દરેક હત્યાઓ પાછળનું માસ્ટર માઈન્ડ સુઝી..., મારાં દરેક શિકારની ઉંમરથી લઈને એને મારવા માટેની નિર્જન જગ્યાની અણીથી પણી સુધીની નાનામાં નાની તમામ માહિતી આપતી સુઝી..., દરેક હત્યા કરતી વખતે મારાથી કોઈ ભૂલ ન થાય કે કોઈ સબૂત ન છૂટી જાય એની બારીકાઈથી કાળજી રાખતી સુઝી....."

ફરી એકવાર ખાંસીના મોટા પ્રહારે મારી વાત અટકાવી.

"મારો કલિંગ સ્વયં, જે એક કોમ્પ્યુટરનો કીડો હતો.. એક ખુબ જ હોંશિયાર કોમ્પ્યુટર એક્સપર્ટ. એણે સાચે જ કોઈ કંપનીમાં આર. એન્ડ ડી. માં હોવું જોઈતું હતું. એની જાણ બહાર જ હું એની કોમ્પ્યુટરની આવડતનો ગેરફાયદો ઉઠાવતો રહ્યો અને નિર્માણ કર્યું સુઝીનું.! એક એવું મશીન કે જે વફાદારીપૂર્વક મને મારાં દરેક મિશનમાં મદદ કરે... હા..., હા..., હા..."

મારું અટ્ટહાસ્ય પડઘાઈ ઉઠ્યું.

"યુ બ્લડી.... ફૂલ.." તન્મયે ફરી મારી કમરમાં લાત મારી અને હું દર્દથી કણસતો રહ્યો.

"એક તો એડમ જેવા આપણી જ સિસ્ટમમાં મોજુદ સાયકો કીલર... અને એવા લોકો એક આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સની મદદ લે તો પોલીસ ડિપાર્ટમેન્ટ કયાં જાય..? પોલીસ ક્રિમિનલને પકડે કે આવા આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સને..? પણ યાદ રાખજો... પોલીસ ડિપાર્ટમેન્ટ માટે હવે આ આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સ ભવિષ્યમાં બહુ મોટો પડકાર બનીને આવવાનું છે..."

ઈ.તન્મય પોતાની હૈયાવરાળ સ્ટાફની સમક્ષ કાઢી રહ્યા હતા અને મેં એમની નજર ચૂકવીને મારાં પેન્ટના ખિસ્સામાં છુપાવી રાખેલા નાનકડા રિમોટનું બટન દબાવી દીધું.

સુઝીની બોડીમાં ફીટ કરેલો બૉમ્બ એક્ટિવ થઈ ચુક્યો હતો....

ટીક.... ટીક.... ટીક...

ઉલ્ટી ગણતરી શરૂ થઈ ગઈ હતી....

થ્રી..., ટુ...., વન....

અને.....

એક જબરદસ્ત બ્લાસ્ટ.....

સર્વત્ર.... અંધકાર......

ૐ શાંતિ.... શાંતિ.... શાંતિ.....


સમાપ્ત.















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ