મીઠાં જળની આભાસી નદી
આઈસક્રીમ સ્પર્ધા ૨૦૨૫
***********************
મીઠાં જળની આભાસી નદી
"ચિન્ટુ, બેસ. હું ફ્રેશ થઈને આવું."
"જલ્દી આવજે."
" એકદમ જલ્દી." બાથરૂમમાં જઈને અનાયાએ શાવર ચાલું કરી દીધો. અનાયસે પોતાનાં પ્રતિબિંબ પર નજર પડી અને શરમાઈ ઉઠી. પચાસ વર્ષની વયે પણ ત્રીસ વર્ષની યુવતીને શરમાવે તેવું શરીર સોષ્ઠવ હતું અનાયાનું. લાંબી, પાતળી કાયા અને સિલ્કી, કાળા વાળ. વિશાળ ગગનને પોતાનામાં સમાવી લેતી નીલી, સ્વચ્છ આંખો. જો કે ક્યાંક ક્યાંક સફેદ વાળ ડોકીયું કરતાં હતાં ખરાં પણ તે તો તેની સુંદરતામાં વધારો કરતાં હતાં.
"અનુ, તને જોઈને.." તેનાં કાનમાં ધીમો અવાજ ગુંજ્યો.
"શું?" અનાયા, પોતાના વાળ ઝાટકીને પાણીની વાંછટથી ભીંજવી દેતી કેપ્ટન પ્રીતને. તેની મજબૂત કાયામાં અનાયાને પોતાના પૂરેપૂરો સંસાર સમાઈ ગયેલો દેખાતો.
"બોલોને કેપ્ટન.."
" અનુ..અનુ.. તું .."
બાથરૂમનું બારણું જોરથી ખખડ્યું.
" વી આર ઓલરેડી લેઈટ અનાયા..જલ્દી!" ચિન્ટુ બૂમ પાડીને જતો રહ્યો.
સામે પ્રતિબિંબ પર ધૂંધળાપણું આવી ગયું. અનાયાએ પોતાની આંખો લૂંછી. આયનો લૂછ્યો... ફરી કેપ્ટન પ્રીતને શોધ્યા પણ જાણે બધું જ ભૂંસાઈ ગયું. અપારદર્શક થઈ ગયું.
ટાઇટ, બ્લુ જીન્સ પર સફેદ ખુલતું ટોપ અને વાળ એમ જ લહેરાતાં રાખી, બહાર દિવાન ખંડમાં આવી. હાથમાં પર્સ લઈ, હીલ પહેરી, ઝડપથી બહાર નીકળી.
" વાઉ..લુકીંગ ગોર્જીયસ અનાયા.." ચિન્ટુએ ઝડપ વધારી તેની સાથે થઈ ગયો. બાઇક સ્ટાર્ટ કરી. અનાયા તેનાં ખભે માથું મૂકીને બેસી ગઈ.
નૈનિતાલનાં પહાડોની આ સફર અનાયા માટે નવી ન હતી. કેપ્ટન પ્રીત સાથે લગ્ન બાદ ઘણીવાર પહાડોમાં રજા ગાળવા આવી જતી. નૈનીતાલનાં પહાડોમાં, સરોવરમાં, ત્યાંની ખૂબસૂરત વાદીમાં પ્રીત અને અનાયા, બે શરીર એક જાન બની જતાં. નૈનીતાલની વહેતી સુગંધિત, માદક હવા, શીતળ પાણીની લહેરો, ફૂલોની સુગંધ.. આ બધાનાં હોઠો પર પ્રીત અને અનાયાનું જ નામ રહેતું.
પાંચ વર્ષનાં સુખી દાંપત્યજીવનમાં તેમને પુત્ર થયો હતો અને તેનું નામ 'આનંદ' રાખી આખા કુટુંબમાં આનંદ પ્રસરાવી દીધો હતો. કુટુંબ સંયુક્ત હતું. પ્રીતના મમ્મી-પપ્પા, નિઃસંતાન કાકા-કાકી તથા પ્રીતના નાના ભાઈ-બહેન બધાં સાથે જ રહેતા. એરફોર્સમાં કેપ્ટન એવાં પ્રીત તેમની ફરજ દરમિયાન દિલ્હીમાં રહેતા અને રજામાં ઘરે, જામનગરમાં આવી જતા. અનાયાએ સંયુક્ત કુટુંબની જવાબદારી ખૂબ સહેલાઈથી ઉપાડી લીધી હતી.
પાકિસ્તાન સાથે યુધ્ધ દરમિયાન કેપ્ટન પ્રીત બોર્ડર પર ફરજ બજાવી રહ્યા હતા. આખોય દેશ ભારતમાતાની અને સૈનિકોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યો હતો. અચાનક સીઝ ફાયર થયું. બધું હેમખેમ પાર પડી રહ્યું હતું. ત્યારે જામનગરનાં આકાશમાં વીજળીનો ગડગડાટ થઈ રહ્યો હતો. વરસાદ ધોધમાર પડી રહ્યો હતો 'ને અચાનક અનાયાના હૃદયમાં સણકો ઉપડ્યો. વીજળી ઉપરથી નીચે ઉતરીને ધરતી-આકાશને ચીરતી હતી.. તેવી જ રીતે અનાયાનું હૃદય પણ ચીરાતું હતું. તેણે નાના આનંદને છાતીએ વળગાડી દીધો પણ તો ય હૃદયને ચેન ના પડ્યું. તે બહાર આવી. વરસતાં વરસાદમાં ભીંજાતી અનાયાને તો શરીર જાણે લાય લાય થતું હોય તેવું બળવા માંડ્યું. 'શું થવાનું હશે? શું કેપ્ટનને તો કશું નહીં થાય ને!' ભીંજાયેલી અનાયા દોડીને કૃષ્ણનાં ચરણોમાં માથું ઝુકાવી રડવા લાગી. ત્યાં જ દિયર ચીસ પાડતો આવ્યો.
" ભાભી.. ભાઈનું પ્લેન ક્રેશ..!"
અનાયાને એવું લાગ્યું કે જાણે તેની 'જિંદગી' ક્રેશ થઈ ગઈ. તે બેભાન થઈ ગઈ.
કેપ્ટન પ્રીતને અગાધ પ્રેમ કરતી, ટૂંકા પણ સુખી, આનંદિત દાંપત્ય જીવનથી સંતૃપ્ત અનાયાએ તન, મન, ધનથી વૈધવ્ય સ્વીકારી લીધું. ખૂબ જ નાની ઉંમરમાં તે ગંભીર, પ્રૌઢ થઈ ગઈ. ઘર આખાયની જવાબદારી હસતે મોઢે સ્વીકારી લીધી. જોકે એક પણ ક્ષણ તે કેપ્ટન પ્રીતને ભૂલી ન હતી. તેને માટે તો તેનાં કેપ્ટન પ્રીત હજી આજે પણ જીવિત હતાં પોતાના મનમાં. તેને હતું કે એક દિવસ પ્રીત આવશે જ. આ જ ભ્રમણામાં જીવતી જિંદગીના દિવસો કાઢી રહી હતી. આનંદને ભણાવવામાં, તેનું ભવિષ્ય બનાવવામાં તેણે પોતાની જાતને હોમી દીધી. આનંદ લંડન ભણવા ગયો. ત્યાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી, નતાશા સાથે લગ્ન જીવનનાં શ્રીગણેશ કર્યા. ત્યારે સુખનો એક શ્વાસ તેણે લીધો.
જિંદગી એટલે જવાબદારી અને જવાબદારી એટલે જિંદગી.. અનાયાની. ભલે કુટુંબનાં બધાં પ્રેમાળ હતાં, આધુનિક હતાં પણ કેપ્ટનની ખોટ તેને હર ક્ષણ લાગતી. તેને એવું લાગતું કે કેપ્ટન પ્રીત તેની આસપાસ જ છે. જોકે કેપ્ટનના મૃત્યુ પછી તે મુક્ત મને ક્યારેય હસી ન હતી. ગ્રે રંગ સિવાય તેણે કોઈ રંગને જીવનમાં પ્રવેશવા દીધો ન હતો.
એક દિવસ તેનાં દિયર-દેરાણીએ નૈનીતાલ જવાનું નક્કી કર્યું અને સાથે અનાયા ભાભીને પણ લઈ લીધી. અનાયાએ પહેલા તો આનાકાની કરી પણ સાસુ-સસરા તેમજ આનંદ-નતાશાના બળજબરીપૂર્વકના આગ્રહથી અનાયા નૈનીતાલ આવી. અનાયાની, આસ્ફાલ્ટની કાળા ડામરની સીધી સડક જેવી જિંદગીમાં થોડી વાંકીચૂંકી રેખા બની ગઈ.
દિયરને અચાનક કામ આવી પડતા તેઓ જામનગર પરત ફર્યા.
અનાયા પહાડોમાં એકલી, અટૂલી થઈ ગઈ. કેપ્ટન પ્રીતને શોધવા લાગી. દરેક વળાંક ઉપર, દરેક શિખર પર, પ્રીત સાથે ગુજારેલી ક્ષણોમાં, પ્રીતના આગમનના ભણકારા તેનાં હૃદયને વિહ્વળ કરવાં લાગ્યાં. એક દિવસ સાયકલ પર સવાર થઈ તે ફરી રહી હતી ત્યાં જ ઘૂંટાયેલા ઘેઘૂર અવાજ સાથે ગિટારની ધૂન સંભળાઈ. અનાયા અનાયાસે તે અવાજ તરફ આકર્ષાઈ. મુખ્ય સડક છોડી તે ગલીકુંચીમાં પ્રકૃતિને માણતી આગળ વધી રહી હતી. ત્યાં જ ધરતીનો છેવાડો આવી ગયો. એ અટકી ગઈ. દૂર ક્ષિતિજ પર ધરતી અને આકાશ મળી રહ્યાં હોય તેવો આભાસ થતો હતો. તે અટકી. તેનાં કાને, ઘેઘૂર ઘૂંટયેલા સ્વરોને શોધ્યાં પરંતુ કશું મળ્યું નહીં. સાંજ ઢળવા આવી રહી હતી. દૂર દૂર સુધી ફેલાયેલું એકાંત તેને ડરાવી ગયું. પ્રીતની યાદ અને એકાંતની સાથોસાથ ઉદાસીનાં ઘેરા વાદળો તેને ઘેરી વળ્યાં.
એ પાછી ફરી રહી હતી ત્યાં જ એક બાઈક તેનો પીછો કરવા લાગી.
અનાયા એક અકલ્પ્ય ભયથી ફફડી ઉઠી. કોટેજ પહોંચી ત્યાં સુધી.
"બાય, પાછું ફરીને એકેય વખત નહીં જુઓ. શું ડરી ગયા છો?"
અનાયાના હૃદયનાં ધબકારા જાણે બંધ પડવા લાગ્યાં. 'આ તો કેપ્ટનનો જ અવાજ..' તેણે પોતાની સુંવાળી ગરદન ઘુમાવીને જોયું તો આછા અંધારામાં.. 'કેપ્ટન પ્રીત!'
સાયકલ ફેંકીને તેને વળગી પડી.
" કમ ડાઉન મેડમ, હું ચિન્ટુ. જીવતો જાગતો માણસ છું." અનાયાને અળગી કરતાં તે વ્યક્તિ હસીને બોલી ઉઠ્યો.
"ઓહ!" 'આ તો કેપ્ટનની જ આભા છે. એ જ સ્પર્શ, એ જ વાત કહેવાનો અંદાજ, એ જ પ્રીત.. મારો કેપ્ટન!' તેની આંખો વરસી પડી.
" ઓકે.. ઓકે મેડમ, પ્લીઝ! થોડાં સ્વસ્થ થાઓ. હું બાજુનાં કોટેજમાં રહું છું. લેખક છું અને.."
અનાયા કશું પણ સાંભળ્યા વિના જતી રહી.
બીજે દિવસે સવારના પહોરમાં, ગુલદસ્તામાં મોઢું છુપાવી ચિન્ટુએ બેલ વગાડ્યો. અનાયા આવી. બસ! એ જ ક્ષણથી જાણે અનાયાના અનંત, વેદનામયી એકાંતમાં મધુર ક્ષણ ઝાંઝર ઝમકાવતી આવી.
હવે નિખાલસતાથી તે દરરોજ ચિન્ટુ સાથે ફરવા માંડી, ચિન્ટુને જ 'પ્રીત 'સમજીને. પાનખરનાં પીળા પડી ગયેલાં પર્ણો એકાએક રંગ બદલવા લાગ્યાં. લીલાછમ પર્ણો સાથે મઘમઘતા ફૂલોની કળી ખીલવા લાગી. નૈનિતાલનુ આકાશ અનાયાના મુક્ત હાસ્યથી તરબતર થઈ ગયું.
આજે...
ચિન્ટુનાં ખભે માથું મૂકીને અનાયા વિચારવા લાગી. 'આ અનંત.. લાંબી.. એકલતાનો અંત હવે આવશે? વર્ષો સુધી કરેલો પ્રીતનો ઇન્તજાર તો પૂરો થયો પરંતુ..?
અચાનક સામેથી આવતા વાહને જોરથી હોર્ન માર્યો. આ હોર્ને અનાયાને ખળભળાવી મૂકી. જાણે સ્વપ્નમાંથી ઉઠાડી દીધી.
'શું ચિંન્ટુ મને પ્રેમ કરતો હશે? આ ઉંમરે? હું તો તેની મા જેટલી ઉંમરની! અનાયા, પ્રેમને ક્યાં ઉંમરનો બાધ હોય છે! આ ચિન્ટુને જોને! અરે! પણ હું મારા કુટુંબને કઈ રીતે જણાવીશ કે આ ઉંમરે...? તને તારી રીતે જીવન જીવનનો અધિકાર છે. પ્રેમ કરવાનો અધિકાર છે. ગીત ગાવાનો કે નૃત્ય કરવાનો અધિકાર છે. તારું કુટુંબ તો આધુનિક વિચારસરણીવાળું છે. આજે ચિન્ટુને આ બાબતમાં કંઈક વાત કરજે...પણ.. ચિન્ટુએ તો હજી કોઈ એવી વાત કે હરકત કરી જ નથી. નિખાલસતાથી તે મને ભેટે છે. વાતો કરે છે. તેના મનમાં કે આંખમાં કોઈ વિકાર નથી. શું હું જ કંઈ ખોટું..? હે ભગવાન ! મારાં પવિત્ર જીવનમાં કશું લાંછન લાગે એવું કશું નહીં કરું તેવી શક્તિ આપજે. મારે મન તો ચિન્ટુ, કેપ્ટન પ્રીતનો..'
" અનાયા...અનુ...હું તને આજે એવી રોમેન્ટિક જગ્યાએ લઈ જવાનો છું કે તું ત્યાં જઈને પાગલ થઈ જઈશ. જોજે!"
" ક્યાં લઈ જવાનો છે?"
" સ્વર્ગમાં.."
" સ્વર્ગમાં.. એટલે ઉપર!" અનાયા હસી પડી.
ચારે બાજુ બરફનાં પહાડ વચ્ચે સરોવરથી ઘેરાયેલી ધરતી, લાલ,પીળા, વાદળી.. અનેક રંગબેરંગી ફૂલનાં ઝૂમખાંથી લચી પડતાં ઊંચા વૃક્ષો, તેની પર ટહૂકતા પક્ષીઓનો અવાજ...
" સાચ્ચે જ સ્વર્ગ છે.. આ સાચે જ..!" અનાયા ઝૂમી ઊઠી. ગોળગોળ ઘૂમતી, શિખર પર જઈને બૂમ પાડી." ચિન્ટુ.. ચિન્ટુ.."
સામે પડઘો પડ્યો.
" ચિન્ટુ.. ચિન્ટુ.. આઇ લવ યુ."
' કોણ બોલ્યું? મારું હૃદય આટલું જોરથી... ' અનાયાએ આંખ બંધ કરી હૃદય પર હાથ મૂકી દીધો.
ત્યાં જ ફૂલોનાં ઝૂમખાં વચ્ચેથી એક સુંદરી બહાર આવી. નખશીખ પહાડી સૌંદર્યની પ્રતિમા!
"અનાયા.. અનાયા.." ચિન્ટુએ બૂમ પાડી. " જો સ્વર્ગની અપ્સરા મેનકા! મેનકા.. આઇ લવ યુ.."
હૃદય પર જાણે જોરથી પથ્થર પડ્યો. અવાચક થઈ ગઈ અનાયા. આંખો સામે ચિન્ટુ અને મેનકા એકબીજાને આલિંગી રહ્યાં હતાં.
" મીટ માય બેસ્ટ ફ્રેન્ડ એન્ડ લાઈક અ મધર.. અનાયા!" ચિન્ટુએ મેનકાને ઓળખ આપી.
અનાયાએ જાત સંભાળી લીધી.
બેઉને પોતાની પાસે બોલાવી માથું ચૂમ્યું. ફરી શિખર પર ગઈ. આંખ બંધ કરી ભગવાનને યાદ કર્યા અને બોલી, "કેપ્ટન પ્રીત..આઈ લવ યુ.."
પોતાની ટચલી આંગળીમાં કેપ્ટન પ્રીતે પહેરાવેલી વીંટી, મેનકાને પહેરાવતાં અનાયાએ તેની આંખોમાં આંખ નાખી કહ્યું, "આ ચિન્ટુ છે ને...પ્રીતની આભા છે. જાણે તેનો બીજો જન્મ છે. મારા કેપ્ટન પ્રીતનો બીજો જન્મ.. ચિન્ટુ તરીકે છે. એ જ ચાલ. એ જ સ્પર્શ, એવો જ અવાજ.. જાણે..." કહેતાં તેની આંખો બંધ થઈ ગઈ. જાણે કેપ્ટન પ્રીતે તેની આંખો ચૂમી લીધી.
સાંજે કોટેજમાં આવી ગઈ. આખી રાત મનોમંથનમાં પસાર કરી. રાત્રે ઊભાં થઈ તેણે અરીસામાં જોયું. તેનાં પાનખર જેવાં જીવનમાં અચાનક જ વસંતની મ્હોર ફૂટી આવી હતી. રંગબેરંગી ફૂલોવાળી સાડીમાં તેનું સૌંદર્ય અનુપમ રીતે ખીલી ઉઠ્યું હતું. એક મીઠું હાસ્ય તેના સમગ્ર અસ્તિત્વમાં છવાઈ ગયું. પ્રીતના ભ્રામિક આગમને તેને ફરી સંતૃપ્ત કરી દીધી હતી. તેણે આંખો બંધ કરી, એક ઊંડો શ્વાસ લીધો."પોતાની જાત પવિત્રને રાખી છે. આત્માને ડંખે તેવું કોઈ કાર્ય નથી કર્યુ.' આ જ આત્મસંતોષ સાથે પથારીમાં પડી, તેણે એક મીઠી નીંદર માણી લીધી.
બીજે દિવસે જામનગર જતાં પ્લેનમાં બેસીને તેને પહેલો વિચાર આવ્યો, 'જે થયું તે થયું. જીવનમાં આભાસી તો આભાસી પણ કેપ્ટન પ્રીત મળ્યા તો ખરાં! મારાં ઉજ્જડ રણ સમા જીવનમાં એક મીઠાં જળની આભાસી નદી મળી તો ખરી!' એરહોસ્ટેસે સર્વ કરેલો મેંગો આઈસક્રીમ મોઢામાં મુકતાં તેનાં ચહેરા પર આનંદની સાથોસાથ આઇસ્ક્રીમની મીઠાશ છવાઈ ગઈ. અનાયા આંખો બંધ કરી કેપ્ટન પ્રીતના સપનામાં સરી પડી.
****
