વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કલંક

કલંક

હૈયે વળગાડેલા શુભના અંગેઅંગમાં હજી ધ્રુજારી અનુભવાતી હતી. નાનું અમથું શરીર કડકડતી ઠંડીનો સામનો કરવા સક્ષમ ન હતું. તે માને વળગીને હૂંફ મેળવવા પ્રયત્ન કરી રહ્યો હતો.
"શુભ..." જાનકીએ તેના કાનમાં મીઠો ઝણકાર કર્યો પણ શુભ તો હજુય ધ્રુજતો હતો. ઠંડીમાં કચકચતા તેના દાંત કોઈપણ ઉદ્દગાર કાઢવા અસમર્થ હતા. માત્ર સૂકા ગળામાંથી જીભ બહાર આવી. સૂકા હોઠ પર તીવ્ર લાગણીથી ફરી અને પછી મૂળ સ્થાને આવી ગઈ.
શુભની નાની અમથી હરકત પણ જાનકીની આંખોથી વણછુપી ન રહી. એ તો મા હતી ને! પોતાના વહાલા દીકરાની ઝીણામાં ઝીણી હરકત તેણે હૃદયમાં ઉતારી લીધી હતી અને હૃદયમાં ઉતારવાં સિવાય બીજુ કરી પણ શું શકે! તેની પાસે પાણીની બોટલ સાવ...
જાનકીએ પાણીની બોટલ હાથમાં લીધી. ઊંધી કરી. ચત્તી કરી.. પણ સાવ ખાલી! ખાલી.. પોતાના અસ્તિત્વ જેવી. તેણે આકાશમાં જોયું. કાળાં કાળાં આકાશમાં તારલિયા સંતાકૂકડી રમતા હતા. અદ્લ પોતાની અગાસી પરથી દેખાતા તારલિયા જેવા. શું ફેર હતો ત્યાં અને અહીંમાં! તે કેમ આવવા તૈયાર થઈ! તેના મનોમસ્તિષ્કમાં આ પ્રશ્ન ઘૂમરાવા માંડ્યો.
અચાનક જાણે વર્ષા થઈ. "બર્ગર, પિત્ઝા, પેસ્ટ્રી, ફળ, પાણીની બોટલ, ગરમ કપડાં, ધાબળા, પેપર નેપકીન્સ." 'ઓહ! આ લાગણીશીલ મેક્સિકોની પ્રજા. કોઈ તો નિરાશ્રિતો ઉપર ઘૃણા કરે કે પથ્થર ફેંકે. આ પ્રજા તો જીવન જરૂરિયાત વસ્તુઓની તેમના પર વર્ષા કરે.' મનોમન તેણે નમન કર્યા. તે બેઠી હતી ત્યાં પેસ્ટ્રીનું પેકેટ આવીને પડ્યું. પેસ્ટ્રી સામે તેણે ઘડીક જોયા કર્યું. તેની આંખમાં ચમકારો થયો. ગળા નીચે કંઈક સંવેદના થઈ અને એ સંવેદના તેના સાવ ખાલી પેટ સુધી જઈને રડી ઊઠી. તેણે પેકેટ ઊઠાવ્યું. કવર ખોલ્યું. શુભને પ્રેમથી જગાડ્યો. છાતીથી થોડો અળગો કરી બોલી," પેસ્ટ્રી ખાવી છે ને શુભ. તને બહુ ભાવે છે ને! લે મોઢું ખોલ."
કશાય હાવભાવ આપ્યા વિના શુભ ફરી પાછો જાનકીને ચોંટીને આંખ બંધ કરી દીધી. તે હજુયે ધ્રુજતો હતો.
"જાનુ, લે પાણીની બોટલ, પિત્ઝા અને ગરમ ધાબળો" રાઘવે બીજો ધાબળો જાતે જ ખોલ્યો. પહોળો કર્યો અને પોતે ઓઢીને દીકરી ક્ષમાને પોતાનામાં સમાવી લીધી.
"ક્ષમા, પિત્ઝા ખાવા તો ઉઠ." ક્ષમા ઊઠી નહીં.
"રાઘવ, આનો અંત ક્યારે આવશે!" જાનકી અસહ્ય ઠંડીથી ધ્રુજતા પોતાના શરીર પર નિરર્થક કાબુ મેળવવાં પ્રયત્ન કરવા લાગી.
"અંત" રાઘવ બોલ્યો તો ખરો પરંતુ શબ્દ ફંગોળાઈ ગયો, આખાયે આકાશે તેને ઝીલી લીધો; પછી ચિરાઈને લુપ્ત થઈ ગયો.. ગુડઝ ટ્રેનની ચિચિયારી મારતી સિટીમાં. ગુડઝ ટ્રેનના ડબ્બાના છાપરા પર તેનું પોતાનું કુટુંબ જ નહીં પરંતુ કેટલાય દેશોમાંથી આવેલા કુટુંબો, જે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવા આતુર હતાં, તે સૂતા હતા. અમેરિકાના વૈભવી જીવનનાં સ્વપ્ન તેઓની આંખોમાં એવાં તે અંજાયા હતા કે તે સ્વપ્નને હકીકત બનાવવામાં તેઓનું વર્તમાન જીવન કાળા કાજળ જેવાં ઘોર અંધકારની ગર્તામાં ધકેલાઈ ગયું હતું અને આ અંધકારની ગર્તામાંથી બહાર આવવું લગભગ અશક્ય હતું.
અચાનક શુભ હાલ્યો. જાનકીએ ધીમે રહીને તેનું મોઢું થોડું ખોલ્યું. તેના ચહેરા ઉપર પ્રેમથી મીઠો સ્પર્શ કર્યો. તેની પાસે આપવા જેવું કશું જ ન હતું છતાં તેનાથી પુછાઈ ગયું. "શું જોઈએ છે બેટા?"
ધીમો અવાજ આવ્યો. "બા...દાળ-ભાત.."
જવાબ સાંભળતાં જાનકી કંપી ઊઠી. હૃદય ચિરાઈ ગયું. તેણે રાઘવ સામે જોયું.
"આપણે અમેરિકા પહોંચી જઈએ એટલે તરત જ બાને બોલાવી લઈશું. તે તને દરરોજ દાળભાત ખવડાવશે હોં ને બેટા! સુઈ જા."
ડાહ્યો શુભ, ફરી માનાં પાલવ હેઠે સૂઈ ગયો પરંતુ જાનકીના મનમાં ઘમાસાણ યુધ્ધ છેડાઈ ગયું. એવું યુધ્ધ જેમાં હાર કે જીતનો ભોગ તેનું પોતાનું જ અસ્તિત્વ હતું.
ક્ષમા ઊઠી અને પિત્ઝાનું બટકું ભર્યું. ફરી થથરતી પપ્પાના ધાબળા હેઠે ભરાઈ ગઈ. રાઘવે તેના માથે હાથ ફેરવ્યો. "બહેતર જીવન.." તે ધીમે રહીને બબડ્યો.
"બહેતર નહીં 'બદતર' જીવન.. રાઘવ!" જાનકીની વેદનાભરી આંખો એટલું બધું કહેતી હતી અને એવી ધારદાર હતી કે રાઘવે તેની દ્રષ્ટિ નીચી કરી દીધી. રાઘવ મનમાં બધું જ સમજતો હતો પરંતુ જીવનના એ વળાંક પર હતો કે પાછાં ફરવાના રસ્તા પર ઊંડી ખાઈ પડી ગઈ હતી જે મૃત્યુનાં દ્વારે જ પહોંચતી હતી.
'કેટલાય મહિનાની રઝળપાટ પછી માંડ આ એક ટ્રેન મળી તે પણ..' રાઘવ કશુંક આગળ વિચારે ત્યાં તો પગમાં ફરી દુઃખાવો થયો. તેણે ફાટેલું પેન્ટ ઊંચું કર્યું. પગ કાળો પડતો જતો હતો. ડેરીઅન જંગલમાંથી નદી પાર કરતાં કંઈક ડંખી ગયું હતું. શું ડંખી ગયું હતું તે જાણવાની કદર કર્યા વિના એ ભયંકર ડેરીઅન જંગલમાં ચાલતો રહ્યો હતો. અવિરત.. કેટલાય દિવસો સુધી ભૂખ્યાં-તરસ્યા! માત્ર તે જ નહીં. જાનકી, શુભ, ક્ષમા અને તે ઉપરાંત કેટલાંય ભારતીય, રશિયન, ચાઈનીઝ ,આફ્રીકન....જેમની સાથે માત્ર આંખોની ભાષામાં જ વાતો થતી હતી. હૃદયમાં માનવતા, મૌન હોઠ, રડતી આંખો, ભૂખ્યાં-તરસ્યા, રઝળતાં, એકબીજાને હાથ આપી સહારો આપતા...ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માગતાં હજારો માણસો. આમાંથી ઘણાંય માણસો પાછળ છૂટતાં ગયાં, શબ બની. કેટલાય રઝળતાં થઈ ગયાં, મડદાં બની. ઓહ! પગે અથડાતી લાશો, ફૂલી ગયેલાં, ખવાઈ ગયેલાં મડદાં...અને પાણીનાં એક ટીપા માટે તરફડતા, જીવતી લાશ જેવા માણસો..આવી ભયાનક અને બદતર સ્થિતિ માટે કોઈ જ શબ્દ ન હતો.
"બા.." ફરી શુભ બોલ્યો.
રાઘવે વાંકા વળીને તેના માથા પર ચૂમી ભરી. 'સુઈ જા. બેટા."
"ક્યાંથી સુવે! કેટલાય દિવસોથી અન્નનો દાણો પેટને નસીબ નથી થયો. આજે આ મળ્યું પણ હવે તે દાળભાતની જીદે ભરાયો છે."
" કેવી મા છે તું! આટલાં નાના અમથા બાળકને સમજાવી નથી શકતી!" રાઘવ બોલતા તો બોલી ગયો પણ તેને દુઃખ થયું. અજાણતાથી જ એણે જાનકીના હૈયાં પર વજ્રઘાત કર્યો હતો.
જાનકી ચૂપ રહી પણ હૈયામાં વલોપાતનો વંટોળ ઊઠ્યો. 'શા માટે હું આવવા તૈયાર થઈ.. ! વૈભવી જીવન માટે! ના..ના.. વૈભવી જીવન તો વસોમાં પણ હતું. આણંદમાં પણ હતું. એવું સુખ હતું કે અમેરિકાના સુખને પણ ટક્કર મારે! બધું જ હતું. કુટુંબ-કબીલો, ધાનથી લહેરાતાં ખેતર, બંગલા, ગાડી.. પણ આ રાઘવને કોણ જાણે કેમ! અમેરિકાનું ઘેલું લાગ્યું. તેના ભાઈબંધ. સતીશ અને શીલાભાભી તેમના બાળકો સાથે આમ જ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યાં હતાં શરણાર્થી તરીકે. થોડાક વખતમાં તો કેવું રજવાડું ઊભું કરી દીધું. એમની મોજશોખની વાતો, ત્યાંની સ્વતંત્ર રહેણીકરણી, મોંઘીદાટ ગાડી, બંગલો, અઢળક કમાણી, ક્લબ કલ્ચર, બાળકોનું સોનેરી ભવિષ્ય...અંજાઈ ગયો હતો રાઘવ આવી વાતોથી. અંજાઈ ગઈ હતી તેની આંખો.. આ ચકાચૌંધ, વૈભવીભરી, ઝાકમઝોળ રોશનીથી. એટલે જ રાઘવે પોતે અને પોતાના કુટુંબને આ અનંત મૂશ્કેલીઓના ભડભડતા અગ્નિમાં ઝોક્યા હતાં. અગ્નિ... લગ્નમાં અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરામાં સુખ-દુઃખ, ધર્મ, મોક્ષમાં જીવનભર સાથ નિભાવવાના પણ વચન હોય છે અને એ વચન જ નિભાવવા તે પતિને સધવારો આપતી હતી.'
"પપ્પા, પેલા એજન્ટ કાકા અમેરિકામાં મળશે!" ક્ષમાએ પેસ્ટ્રીનું બટકું ભર્યું.
જાણે ઘા ઉપર મીઠું ભભરાવ્યું હોય અને અસહ્ય બળતરા થાય તેમ રાઘવ બળતરાથી બરાડી ઊઠ્યો. "ક્ષમા, સુઈ જા."
"એજન્ટ.." રાઘવ મનમાં ને મનમાં ધૂંધવાયો, ૮૫ લાખ રોકડા લઈ મેક્સિકોની બોર્ડર ઉપર તેણે ઉતારી દીધા. 'આગળ મારો માણસ મળશે, અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી દેશે' પણ તે પાછું વળીને જુએ ત્યાં સુધીમાં તો એજન્ટને જાણે હવા ગળી ગઈ. ક્ષણવારમાં વાતાવરણમાં વિલીન થઈ ગયો. આગળ કોઈ માણસ મળ્યો જ નહીં. તેઓ ભૂલા પડી ગયાં, ભટકતાં રહ્યાં દિવસો સુધી. લૂંટાતા રહ્યાં. અરે! પાસે પહેરેલાં કપડાં સિવાય બધું જ લૂંટાઈ ગયું. કોઈ સહારો નહીં. એક રોટલાનો ટુકડો પણ નહીં. એક બહેતર જીવનની આશામાં બદતરથી પણ બદતર જીવન તેઓ જીવતાં રહ્યાં.
"બા.." ફરી શુભ બબડ્યો અને તેને ખેંચ આવી.
વેદનાથી તરબતર આંખે રાઘવે જોયા કર્યું કારણ કે તે કશું કરી શકે તેમ હતો જ નહીં. પોતાની જાત માટે આટલી શરમ તેણે ક્યારેય અનુભવી ન હતી. તેનો અંતરઆત્મા પોતાની જાત પર જ ફિટકાર વરસાવવા લાગ્યો. પોતાના સ્વજનોની આવી હાલત માટે પોતે જ જવાબદાર હતો. રાઘવના તનમનમાં ગુનો કર્યાની લાગણી ફરી વળી. બાનાં શબ્દો તેના મગજમાં ઘમ..ઘમ.. ઘૂમવા લાગ્યાં.
*
" રાઘવ, આપણે તો કોઈના ઘરે જઈએ તો પણ બારણું ખખડાવીને જઈએ છીએ. ઉંબરે ઊભા રહી 'જય શ્રીકૃષ્ણ' કહીએ છીએ. સામેથી યજમાન વળતા 'જય શ્રીકૃષ્ણ' કહીને આવકારે ત્યારે પગલું ઘરમાં મૂકીએ છીએ. આ સંસ્કાર છે આપણાં. આ પ્રણાલી છે આપણી... અને તું આમ ચોરી-છુપીથી, પાછલા બારણે ચોર-ડાકુની માફક અમેરિકામાં પ્રવેશવાની વાત કરે છે! આમાં તો જનેતાનું દૂધ લજવાય અને માતૃભૂમિને પણ કલંક લાગે. તું સામી છાતીએ જા. ફાઈલ મુક. એવી હોશિયારી કે આવડત હાંસલ કર કે અમેરિકા તને સામેથી બોલાવે. આમ આ લોભિયા, ધુતારાઓને પૈસા ખવડાવી તું ગેરકાયદેસર રીતે જાય તે યોગ્ય નથી. તું નહીં જા."
"ફાઈલ મુકતાં અને પાસ થતાં વર્ષો નીકળી જાય. તેના કરતાં આ શોર્ટકટ...! વળી સતીશ ત્યાં ગાડી લઈને, અમારી રાહ જોતો ઊભો જ હશે બા. ચિંતા નહીં કર."
"શોર્ટકટ શબ્દ જ છેતરામણો છે રાઘવ. એ શોર્ટકટ તારા સમગ્ર અસ્તિત્વને છિન્નભિન્ન કરી નાખશે. આ ભૌતિક સંપત્તિ તરફની આંધળી દોટ તમારા જેવાં યુવાવર્ગને પાયમલ કરી દેશે. તું નહીં જા.."
*
"રાઘવ, આ શુભને શું થયું! જો ને સાવ જડ.."જાનકી હજી કંઈક આગળ બોલે ત્યાં તો ક્ષમા ઊઠી, "મમ્મી, વોશરૂમ.." કહેતાં ડબ્બાના છાપરાની ધારે તે બેસી ગઈ. અચાનક ટ્રેનને ધક્કો લાગ્યો. ક્ષમા, ડબ્બાના છાપરાની ધાર પરથી નીચે..!
" ક્ષમા..." રાઘવે ચીસ નાંખી. તે ઉભો થવા જાય ત્યાં તો તેના પગે દગો દઈ દીધો. રાઘવ શરીરનું સંતુલન જાળવી ન શક્યો. ડબ્બા પરથી નીચે પડતાં માંડ બચ્યો.
અસહ્ય ઠંડીથી થરથર ધ્રુજતું જાનકીનું શરીર એકવાર તો કંપી ઊઠ્યું... પણ પછી હૃદય, આંખ બધુંય જડ થઈ ગયું. વિસ્ફારિત નેત્રે તે જોતી રહી... જોતી રહી. તેનું મન કશું પણ વિચારવા અસમર્થ થઈ ગયું. આકાશ તરફ તેણે નજર કરી અને ખડખડાટ હસવા લાગી... ખડખડાટ!
રાઘવ, ના બોલી શક્યો. ના રડી શક્યો.
જાનકીના ખોળામાં દીકરાનું શબ અને ક્ષમા..ન જાણે કેટલાય ક્ષતવિક્ષત ટૂકડાં..! પોતાના બાળકો માટે એક મુઠ્ઠી માટી પણ તે આપી શકે તેમ ન હતો તો..અંતિમ વિધિની તો વાત જ ક્યાં! તેની આંખે અમેરિકાના સોનેરી સ્વપ્ના નહીં પણ અંધારા આંજ્યા હોય તેમ તેની સમગ્ર સૃષ્ટિ અંધકારમય બની ગઈ. અંધકારમય..
સર્વત્ર અંધારું.
અચાનક બાનાં ધીમાં અવાજે ગવાતા શ્લોકનો નાદ તેના હૃદયમાં, ઘંટડીના મીઠાં રણકાર સાથે, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ગ્રહો અને અબજો..ખર્વો તારાઓથી ભરેલા બ્રહ્માંડમાંથી અંધકારને ચીરતો "ૐ" નાદનો ગુંજારવ તેના કર્ણપટલને સ્પર્શ્યો અને તેના સમગ્ર શરીરનાં કણકણમાં ૐ..ૐના તરંગો ઉઠવા લાગ્યા. તેણે પણ હોઠેથી ૐનો ઉચ્ચાર કર્યો અને ચિત્ત શાંત થયું હોય તેવો આભાસ થયો. હૃદયમાં કંઈક જ્યોત જેવું પ્રગટી ઉઠ્યું. તેણે કંઈક સંકલ્પ કર્યો.
રડતાં રડતાં રાઘવ ધીમું હસ્યો. મનમાં જ બોલી ઉઠ્યો, ' બા, મને આ અક્ષમ્ય ભૂલ માટે માફ કરીશને! હું પાછો આવું છું. મારી માતૃભૂમિ પર લાગેલું કલંક હું જાતે જ ધોઈશ. મારા દરેક ભારતીયોને મારી વેઠેલી તકલીફોની રજેરજ માહિતી આપીશ. અહીં ગેરકાયદેસર આવતાં અટકાવીશ. ભવિષ્યની પેઢીને એવી કેળવણી આપીને તૈયાર કરીશ કે અમેરિકાએ ભારતીયોને આવકારવા દિલ્હી સુધી આવવું પડે."
**
આખીયે રાત બરફના ચોસલાં બની પીગળતી રહી.
રાઘવના આખાયે શરીરને જાણે અશક્તિની ઉધઈએ કોરી ખાધું હોય તેમ સાવ ખોખલું બની પડી રહ્યો. જાનકીના ખોળામાંથી શુભના શરીરને લેવાની તાકાત પણ તેનામાં ના રહી. સાવ બાઘાની જેમ આકાશમાં તાક્યા કર્યું. શુભનું શરીર દુર્ગંધ બનીને ફુલવા માંડ્યું. અચાનક એક રશિયન વેદનાભરી આંખોથી નજીક આવી શુભનું શરીર હાથમાં લઈને હળવેકથી ટ્રેનની નીચે...! જાનકી આકાશમાં જોતા ફરી ખડખડાટ હસી. રાઘવનું શરીર ધ્રુજવા લાગ્યું. તેની લાલ આંખો ખારાં સમુદ્રથી છલકાઈ ઉઠી. એક ચીસ ઉઠી તેનાં અસ્તિત્વમાંથી. એવી ચીસ કે ધરતી-આકાશ થરથર ધ્રુજી ઉઠ્યા.
એક ઝાટકો આવ્યો. ટ્રેન ઉભી રહી.
દૂર દૂર ક્ષિતિજ સુધી ફેલાયેલી અમેરિકાની ઊંચી દિવાલ આ બધાંય ગેરકાયદેસર રીતે પ્રવેશવા માગતાં માણસોને પડકારતી હતી. પેલે પાર, બોર્ડર ઉપર અમેરિકન પોલીસનું પેટ્રોલિંગ ચાલું હતું તોય ઘણાં લોકો દિવાલના બાકોરામાંથી પસાર થઈ, પોલીસની નજર ચૂકવીને ઘુસી ગયા પરંતુ રાઘવ, જાનકીનો હાથ પકડી, પગ ઘસડતો પોલીસ પાસે સામેથી ગયો.
**
પાગલ પત્ની સાથે ઘસડાતા પગે ડગલા ભરતા, સાવ ચિંથરેહાલ રાઘવ કોઈ ભિખારી કરતાંય ભૂંડો લાગતો હતો. અમેરીકન બોર્ડર પર એક સ્ત્રી અધિકારીની આંખો તેને જોઈને સંવેદનાથી ભીની થઈ આવી. તેણે ઉપરી અધિકારીને કંઈક કહ્યું. એ ઉપરી અધિકારીની ભૂરી આંખો વધુ પારદર્શક થઈ ઊઠી મૌન આંસુઓથી.. પરંતુ કાયદા પાસે આ સંવેદના હારી ગઈ. કડક કાયદા પાસે માનવતાની લાગણી પણ છિન્નભિન્ન થઈ વેરવિખેર થઈ તૂટી પડી.
આખરે ગુનેગારની માફક જ હાથમાં હાથકડી અને પગમાં સાંકળ પહેરાવી, વિમાનમાં બેસાડી ભારત પાછા રવાના કર્યા.વિમાનમા બેઠાં પછી પણ "કલંક.." બાએ કીધેલો શબ્દ હરપળ રાઘવને અંદરથી મારી નાખતો હતો. તે ખૂબ રડ્યો એટલે નહીં કે અમેરિકામાં પ્રવેશ નહીં મળ્યો. તેણે પોતાના બાળકો ગુમાવ્યાં અને પત્ની પાગલ થઈ ગઈ તેનું અસહ્ય દુઃખ હતું પરંતુ માનું દૂધ લજવાયું અને મા કરતાં પણ સવાઈ માતૃભૂમિ પર કલંક લાગ્યું; માત્ર પોતાની ટૂંકા રસ્તેથી મંઝિલ હાંસિલ કરવાની એક ઘેલછાને કારણે.
****

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ