વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પેરાલિસિસ

ઊંડો શ્વાસ લીધો.
આજે ઘણાં બધાં દિવસે કંઈક ચેતનવંતુ લાગ્યું. બાળસૂર્યનાં કોમળ કિરણો સુવર્ણ અલંકાર ધારણ કરી રૂમમાં પ્રવેશતાં હોય તેવું લાગ્યું. આંખો ખોલી અને બંધ કરી. જરાક સારું લાગ્યું. શ્રવણશક્તિ પણ ધીરે ધીરે શબ્દ સંવેદના જીલતી હોય તેવું લાગ્યું. દરિયાની ભરતી જેવું મનમાં કંઈક ઉમટ્યું. ધીરે ધીરે મારી પ્રાણશક્તિમાં સંચાર લાગ્યો. આંગળીઓ થોડી ઊંચી-નીચી કરી. 'અરે! તે હાલી રહી છે.'
'ઓહ! આનંદ..આનંદ રગેરગમાં સમાઈ ગયો.'
'હું..હું જડમાંથી ચેતનવંતી બની જઈશ. પહેલાંની માફક. હરતી-ફરતી. નાચતી-કુદતી. સાચ્ચે જ... સાચ્ચે જ હું પહેલાની માફક જીવન જીવી શકીશ? જીવન માણી શકીશ?'
આનંદના અતિરેકમાં મારાં રૂમમાં ફેલાયેલાં સ્મશાનવત સન્નાટામાં મેં હોંકારો ભણવાની કોશિશ કરી પરંતુ નાકામયાબ રહી. ફરી આંગળી ઊંચી-નીચી કરી. અચાનક મારું ધ્યાન ટેબલ પર પડેલાં પવાલા પર ગયું. પવાલું પકડવાની કોશિશ કરી. થોડીક ઉષ્ણતા અનુભવી.
પવાલું પકડાયું તો નહીં પણ "ખણણણ.." કરતું પડ્યુ.
શુભ્ર, શ્વેત, ઉષ્ણ પ્રવાહી છલકાતું છલકાતું ધરતીને આલિંગી પડ્યું.
ન કોઈ ચીસ કે ન કોઈ ચિત્કાર!
પવાલું બિચારું હજી ધ્રુજતું ધ્રુજતું આમતેમ ફરી રહ્યું હતું.
બીજું બધુંય સ્તબ્ધ!
આસપાસ જાણે બધાંને જ પેરાલિસિસ થઈ ગયો હોય, તેમ કોઈએ પ્રતિભાવ નહીં આપ્યો.
છત પર ચાલતો પંખો ખટ..ખટ..ખટ.. કરતો ફર્યા જ કર્યો.
સૂરજ પાસેથી પીળો રંગ ઉધાર લઈને, પીળીચટ્ટ ચમકતી ભીંતોએ ડોળા કાઢી શ્વેત, ઉષ્ણ પ્રવાહી તરફ જોયાં કર્યું.
લીસી લીસી સપાટીવાળા આછાં બદામી રંગનાં, માર્બલના પથ્થરોએ શુભ્રશ્વેત, ઉષ્ણ પ્રવાહીને સ્વીકારવાની મૂંગીમંતર ના પાડી દીધી.
પ્રવાહીનો રેલો આગળ ગયો. ડાઇનિંગ ટેબલની ખુરશી તેને જોઈને ઊંચીનીચી થવા માંડી. થોડીક ભીની થઈ એટલે મોઢું મચકોડ્યુ. છેવટે તે ઉષ્ણ પ્રવાહીનો રેલો ખુરશી નીચેથી આગળ જવાં તત્પર થઈ ગયો.
મારી બે આંખોએ પાંપણ પટપટાવી. હોઠે, સહેજ ખુલવાની કોશિશ કરી. ત્યાં તો પલંગ પાસેની ખુલ્લી બારીના આકાશમાં વાદળોનું ટોળું ઉમટી આવ્યું. સફેદ વાદળો, રૂની પૂણી જેવાં કેવાં સુંદર લાગતાં હતાં! આકાશમાં પથરાયેલાં વાદળી રંગમાં સફેદ રૂ જેવાં વાદળો.. જાણે કોઈ ચિત્રકારના કેનવાસમાં વાદળી આકાશમાં ઉમટતાં સફેદ વાદળો! 'ચિત્રકારના કેનવાસમાં કેમ!' મનમાં પ્રશ્ન થયો. આ તો સર્જનહાર પોતે જ આકાશરૂપી કેનવાસમાં ચિત્રો સર્જે છે. ' માત્ર ચિત્ર સર્જે છે!' ફરી મગજમાં વ્યંગાત્મક બાણ છોડાયું. 'જો તો ખરી, આ આકાશને આંબતા વૃક્ષો. સહેજ પવનની લહેરખીમાં પણ કેવું સુંદર નૃત્ય કરે છે! આ પાંદડાનો લીલો રંગ તો જો. દરેક વૃક્ષનાં પાંદડાનો રંગ અલગ. આ લીલા રંગમાં પણ કેટલી વિવિધતા કુદરતે સર્જી છે. પાંદડે પાંદડે જાણે લાગણીઓનો ઉમળકો.. પેલાં લીલાં રંગનાં પોપટ કેવાં ખુશ થાય છે! જો તો ખરી, આ પક્ષીઓ કેવો કલરવ કરે છે! કોયલ, પપીહા, પોપટ, મોર બધાનાં ટહુકા સાંભળ તો ખરી! સંગીતનાં સાતેય સૂરો તને સાંભળવા મળશે.'
'સંગીતનાં સાતેય સૂર! આ વેદનાથી તરફડતા હૃદયમાં કયો સૂર છવાયો હશે? ધક..ધક..ધક.. ધબકતું હૃદય.. નિર્જીવ છતાં પણ જીવતું હોય તેવું મારું હૃદય, કયા સૂરનું ગુંજન કરતું હશે? ધક..ધક..ધક.. સાથે ધકેલાતું લોહી અને લોહીનું વહન કરનારી નસોમાં કયું સંગીત ગુંજતું હશે? આ બીપ..બીપ..બીપ.. વગાડતું મશીન કયો રાગ છેડતો હશે અને આ મશીનની તીક્ષ્ણ સોંય મારાં શરીરમાં ભોંકાઈને કયો સૂર વહાવતી હશે?'
'આ એકાંતની ઈટથી ચણેલી દીવાલોને ભેદીને કયું ગીત વાગતું હશે?'
'એક ક્ષણ.. એક ક્ષણ બધું જ જડ થઈ જાય તો..મારી માફક. જોકે આ બધું તો જડ જ છે ને! હું એકલી તો સજીવ છું. ચેતનવંતી.' મેં પાંપણ હલાવવાની કોશિશ કરી. હોઠ ફફડાવવા પ્રયત્ન કર્યા. આંગળી ઊંચી કરવાનો પ્રયત્ન કર્યો.. પણ આ તો બધું જડ! 'કઈ રીતે હું ચેતનવંતી છું.. સજીવ છું.. મારામાં પ્રાણ છે!'
'પ્રાણ. આખાં શરીરમાં આ પ્રાણ જ તો છે જે આ..'
"ચીં.. ચીં.. ચીં.. " બારી પર ચકલીનું જોડલું આવી, વાતો કરવાં લાગ્યું. એકબીજા સાથે.
' વાતો...?'
મારાં રૂમમાં નજર ફેરવી. કોઈ ના હતું..વાત કરવા માટે. 'કેટલાંય વખતથી મારું મન તરસતું હતું વાત કરવા માટે. મારાં પોતાનાં એટલે કે મારાં પ્રેમાળ પતિ, જીવથી ય વહાલાં દીકરા-દીકરી, સગાં, દોસ્તો... કોઈ જ નહીં. કોઈ જ નહીં. આ એકાંતની સજા હવે જાણે જન્મટીપની સજા બની ચૂકી હતી.'
અચાનક મારી છાતીનાં પોલાણમાંથી કંઈક ઊડ્યું. બારીએ જઈને બેસી ગયું. ચકલીનાં જોડલા સાથે વાતો કરતું હરખાવા લાગ્યું. ચકલીએ ઉડવાની કોશિશ કરી એટલે મન ભારે થઈ ગયું.
"બેસને ઘડી મારી સાથે. વાત કરને.. પછી ક્યારે વાતો થશે!" કહેતી હું એટલે કે મારું મન.. તેમને મનાવવા લાગ્યું. મારું ચકલી બની ગયેલું મન તો બે પગે કૂદીને, પાંખ ફફડાવીને વાતો કરતું હતું. તેની આંખમાં આનંદ હતો. ઠંડી હવાની લહેરખીથી તે વધારે ખુશ થઈ, પાંખો પહોળી કરી આકાશમાં ઊડવા મથી રહ્યું હતું.
"અલા, પાછું આવ." મારી છાતીનું ખાલી પોલાણ આક્રંદ કરવાં માંડ્યું.
ખુલ્લાં આકાશમાં ઉડવા માટે ફેલાયેલી પાંખોને થોડી સંકોરી તેણે મારી તરફ જોયું.
"નથી આવવું. આ તારું શરીરરૂપી પિંજરૂ તો જડ બની ચૂક્યું છે. તેને પેરાલિસિસ થયો છે‌. મારે હવે આ઼ જડ શરીર નથી જોઈતું. મારે મુક્ત રીતે વિહરવું છે. નાચવું છે. ગાવું છે. વાતો કરવી છે."
" પાછું આવ." મારામાં રહેલાં આત્મારામે બળપૂર્વક પોકાર કર્યો પણ મન તો એકાંતની કેદ તોડી, શરીરરૂપી પિંજર છોડી, સ્વતંત્ર આકાશમાં વિહરવા મથતું હતું.
*
"દૂધ વળી કઈ રીતે ઢોળાયું! મેં તો ટેબલ પર મૂક્યું હતું. લાગે છે કે દર્દીએ અડકવાની કે પવાલું ઉઠાવવાની કોશિશ કરી. ડોક્ટર પ્લીઝ.. પ્લીઝ ચેક કરો ને!"
મારાં કાને શબ્દો જાણે હથોડાનો ઘા કરતાં હતાં. મેં આંખો પટપટાવી. આંગળી હલાવી.
"ડોક્ટરે મારી આંખમાં આંખ નાખી, સ્ટેથોસ્કોપ હૃદય પર મૂક્યું.
"યસ..યસ‌ ઇમ્પ્રુવમેન્ટ છે. જલ્દી સારાં થઈ જશે.. તેની નિશાની છે." ડોક્ટરના ઉત્સાહભર્યા શબ્દોએ મારાં સમગ્ર શરીરમાં ઉત્તેજનાભરી આશાનું મોજું ફેલાવી દીધું.
ડોક્ટર નજીક આવ્યાં. મારી આંખો પહોળી કરી કંઈક જોયું.
"કશું કહેવું છે‌." તેમણે મને પૂછ્યું.
મેં હર્ષથી આંખો પટપટાવી.
"બોલો. ધીમે ધીમે બોલવાનો પ્રયત્ન કરો."
"સીસ્ટર, ઈન્જેકશન તૈયાર કરો."
'ઓહ!' મારે કહેવું છે કે 'મારું મન પાછું આવતું જ નથી‌. તેનાં વગર મારાં પ્રાણ..'
"ઓહ! સિસ્ટર જલ્દી."
મન સાથે મારાં શરીરની કેદમાંથી કંઈક મુક્ત થવા માંગતું હતું. તરફડાટ હતો. જીદ હતી.. સ્વતંત્ર આકાશ માટે.
શ્વાસ ધમણની માફક ચાલ્યાં. મારું પેરાલીસીસ થયેલું જડ શરીર ઉપર ઉઠવા માટે નકામાં પ્રયત્ન કરી રહ્યું હતું. મારી જીભ હોઠ અને મ્હોં એક એક શબ્દ બોલવા માટે ધમપછાડા કરી રહ્યાં હતાં. કહેવું હતું કંઈક...નાકનાં ફણા શ્વાસ લેવા માટે ઊંડી ગુફામાં પ્રવેશતાં હોય તેમ નાભી ઉપર જોર કરવાં લાગ્યાં. પેટમાં કંઈક ફરતું હતું ચકર..ચકર.. મેં ફરી પ્રયત્ન કર્યાં પણ મારું આ જડ બની ગયેલું હૃદય પણ જાણે ધબકારા ચૂકી જતું હોય તેવું લાગ્યું. નસો તો જાણે ફટ ફટ... ફાટવા લાગી. ઓક્સિજન માસ્ક મને વેરી લાગ્યું. કંઈક કહેવું છે.. હોઠ.. હોઠ થોડાં ગોળાકારે ઘુમ્યા. ફરી એક વિચાર આવ્યો. 'હું શા માટે આવાં ધમપછાડા કરું છું! જીવન જીવવાની જીજીવિષા.. તે પણ આ જડ શરીર સાથે!' આંખોમાં લોહીની ટશરો ફૂટતી હોય તેવું લાગ્યું. આંખ સામે અનેક રંગ છવાવા લાગ્યાં. લીલાં..પીળા.. વાદળી... પેલાં વાદળી આકાશમાં સૂરજે પુરેલી રંગોળી જેવાં. આંખ બંધ કરી તો ઘોર અંધકાર.
'ઓહ! મને આ શું થઈ રહ્યું છે. કદાચ..કદાચ હું જડમાંથી ચેતના તરફ જઈ રહી છું. હરિ કરે તે ખરું પરંતુ મન પાછું નહીં આવે તો..'
'અરે!' હું મનને પકડવા ઉડી. સ્વતંત્ર આકાશમાં. દૂર દૂર આકાશમાં પથરાયેલાં વાદળી રંગમાં ઉમટી આવેલાં પેલાં રૂની પૂણી જેવાં સફેદ વાદળાંની આરપાર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ