વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઇંધણા વીણવા ગઈતી રે...

નવરસ ટૂંકીવાર્તા સ્પર્ધા

મુખ્ય રસ - રૌદ્ર રસ 

*****

ઇંધણા વીણવા ગઈતી રે...

ટનનન્... થાળી પર વેલણને પછાડતો અવાજ આવ્યો.

ગામનાં છેવાડેની મજૂરોની ઝૂંપડીઓમાં વસવાટ કરતી  નારીઓના ભવાં ઉંચકાયા. "રે...માડી..આજ કુણ? "  હૈયું નીચોવાઈ જાય તેવી વેદના થઈ આવી પરંતુ તે સાથે જ તેઓનું અંગે અંગ ક્રોધથી સળગવા માંડ્યું.

મનીયાની વહું કંકુડીના તો આખાય શરીરમાં લોહી ઉછાળા મારવા માંડ્યું. 'ધણીની હામુ ઈની બાયડીયુંન ઓલો નરાધમ ઊંસકી જાય...પણ ધણી એકય હબદ ના બોલી હકે.‌..પીટ્યો પોટલી ઠોકીન પડ્યો રે...'

ટપ... ટપ...ટપ રોટલા ઘડતી કંકુડીના હાથ ઘડીક અટક્યાં પણ પછી હાથમાં જાણે જોમ આવ્યું હોય તેમ ટપ...ટપ અવાજ જોરથી આવવા માંડ્યો. તેનાં કાનની લાળી નીચેની ઝૂલતી ઘૂઘરીવાળી બુટ્ટી પણ તાલ આપવા માંડી. કાનની લાળીથી સહેજ ઉપરનો ભાગ લાલઘૂમ થવા માંડ્યો. મગજમાં લોહી ઝડપથી ફરવા માંડ્યું અને નસો બેકાબુ બની ગઈ. આંખોમાં રક્તશી રતાશ છવાઈ ગઈ. વિશાળ ગગનની વિશાળતા તેની આંખોમાં છવાઈને અનાયાસે વિશાળ થઈ ગઈ. હોઠે વક્રતા ધારણ કરી લીધી. બાંધેલો અંબોડો અનાયસે છૂટી વાળને ફેલાવી દીધા. કંકુડીનું શ્યામ મુખ વધારે શ્યામળુ થવા લાગ્યું. એક તરફ સળગતાં ચુલાની ઝાળ અને બીજી તરફ હૈયડે સળગેલા ચૂલાની ઝાળ. ક્રોધથી કંપવા લાગી કંકુડી. પાસે પડેલો પાણીનો પ્યાલો આખોય ગટગટાવી ગઈ તોય હૈયડે સળગતી આગ નહીં ઠરી.

ખોળામાં લીધેલો નાનો અમથો ભુરીયો ચબરચબર ધાવતો હતો અને અચાનક ધાવણના વધેલા વેગથી ખાંસવા માંડ્યો. નાના અમથા હાથથી માનો પાલવ હટાવી તેણે મા સામે જોયું 'ને આંખો વિસ્ફારિત થઈ ગઈ. 

"હુ થ્યું લી તુને.. આમ રોટલા ઘડતાં!" મનીયો પણ પત્નીનો બદલાયેલો ચહેરો જોઈને હેબતાઈ ગયો. કોળિયો હાથમાં રહી ગયો.

"મરને રોયા! ચેટલા રોટલા ખાય સ! ભવભવનો ભૂખ્યોડાંસ થ્યો સ કે હુ! લે રાખ તારા જણ્યાને. હું ય મજુરી કરીન આયવી સુ. તારી પેઠે પોટલી ઠોકીને નહીં હમજ્યો!"  કાળઝાળ કંકુડી ઊભી થઈ, ઝૂંપડીનું બારણું ઠેલીને આંગણામાં ઊભી રહી. હાક લગાવી."અલી ઓય ઝમકુડી, મીનુડી, અમુડી, ઉમલી..ચેટલી વાર સે...હાલો..."

હંમેશા નાજુક, નમણાં પગે રૂમઝુમ કરતી પાયલની ઘૂઘરી આજે ધ્રૂજવા માંડી. ધબ... ધબ... ધબ ધરતી પર જુસ્સાભેર મુકાતાં પગથી ધરતી યે ધ્રુજવા માંડી. કમરે ખોંસેલો સાડીનો છેડો અને છુટાં વાળ. આકાશ પાતાળને એક કરી દે તેવી ચીસ.. હૃદયનાં ગાંજા ગગડાવી દે તેવી..‌ કાળી ચીસથી ગામડાંની સીમ યે ધ્રુજવા માંડી. ગામનાં સીમાડેથી શરૂ થતાં ભયાનક જંગલ પાસે બધાંય પગલાં અટક્યાં અને શરીરમાંથી ગરમ ગરમ શ્વાસની જ્વાળા જાણે બધુંય સળગાવી દેવા તલપાપડ હોય તેમ દરેક સહેલીઓની નાભીમાંથી બહાર આવવા લાગી. દસે દસ ક્રોધ ભરી આંખોએ આસપાસ જોયું.

"રોયો, હાંયા કાંક હંતાણો મૂઓ...ઓય..@@ બહાર આવ." લાલઘુમ આંખો અને કાન ખરી પડે તેવી ગાળોથી આસપાસનાં વૃક્ષો પર વિશ્રામ લેતાં પક્ષીઓ ગભરાઈને ઊડાઊડ કરવાં માંડ્યા.

"અલી ઓય... પણેથી કાંક અવાજ આવ સ." ઝમકુડી તે તરફ દોડવા માંડી.

"શ...શ..શ... ઝમકુ ધીરી. હંભાળ તારા પગને. પગલું પડે  ધરતી પર..પણ અવાજ નો થાય.  હમજી!"

"હાસી વાત સ. ઝમકુ કાંક હંભળાય સ પણે." મીનુડીએ એ દિશા તરફ આંગળી ચીંધી.

"ઊંડા ઊંડા શ્વાસ. વેદનાથી પીડાતાં શ્વાસ. ક્યારેક દર્દભરી કાકલુદીવાળી ચીસ... " કંકુડીનું લોહી તપવા માંડ્યું.  ફરી મગજની નસો તંગ થવા માંડી. કાનની બુટ લાલઘુમ થઈ અને આંખમાંથી અગ્નિ ઝરવા માંડ્યો. એ ક્રોધથી કંપવા લાગી.

"કુણ સ..લગીર જો તો ખરી ઝમકુ!"

" હાય મા! લલી...!  લલી ભોંય પર ઉઘાડી પડી સ ને  તેનાં કટકા જશભા..." ઝમકુ વધુ બોલી ના શકી. અકથ્ય વેદના અને આઘાતે તેનું ગળું રૂંધી કાઢ્યું. તે પણ ક્રોધથી કંપવા માંડી. આંખનો અગ્નિ હાલ ને હાલ જશભાને બાળવા તત્પર થઈ ગયો.

"તૈયાર હંધાય!" કમરે ખોસેલી સાડીમાંથી ખચાક્  કરતી કટારી નીકળી અને મૌન પગલે તે દિશા તરફ પહોંચવા આતુર થઈ ગઈ.

સાંજનો ઢળતો સૂરજ જાણે મધ્યાહ્ન થયો હોય તેમ પ્રખર તેજપૂંજ વરસાવવા માંડ્યો. આ પ્રખર તેજપૂંજ પાંચેય  માનુનીઓનાં શરીરમાં દૈવી શક્તિનો સંચાર કરતો હોય એમ તે  શક્તિથી પ્રભાવિત થઈ ઝળહળ થવા માંડી. અત્યંત ક્રોધથી કંપવા લાગી. લાલઘૂમ આંખો સાથે જીભ બહાર નીકળી આવી. ધરતી ધણધણાવતી નૃત્ય કરતી હોય તેમ... રૌદ્રરૂપિણી આ સ્ત્રીઓ જાણે સાક્ષાત!

સ્વચ્છ નીલું આકાશ, પ્રખર તાપ વરસાવતો સૂર્ય, વૃક્ષ અને તેની કોમળ ડાળખીઓ પર ખીલેલાં પર્ણ, ફળ, ફૂલ, વિશ્રામ કરતાં પક્ષીઓ, જંગલનાં અનેક પશુઓ અરે! સમગ્ર વન્યસૃષ્ટિ જાણે હાથ જોડીને દૈવી શક્તિને નમસ્કાર  કરતી હોય તેમ સ્થિર થઈ ગઈ. સૂસવાટાભેર પવનથી મર્મરતા સૂકાં પાંદડાં સ્તુતિ કરતાં ગાતા હોય તેમ ચારકોરથી નાદ સંભળાવવા માંડ્યો.

"નમસ્તે રુદ્રરૂપિણ્યૈ નમસ્તે મધુમર્દિનિ

 નમઃકૈટભહારિણ્યૈ નમસ્તે મહિષાર્દિનિ !

નમસ્તે શુભહંત્ર્યૈ ચ નિશુંભાસુરઘાતિનિ!!...

 "જય માતાજી" પાંચેય માનુનિઓ જાણે સાક્ષાત! તૂટી પડી માણસનાં રૂપમાં જીવતા રાક્ષસો પર.

જશભા એકલા ન હતા. સાથે તેના સાથીદાર પણ હતા. તેઓ પણ લલીને...

અચાનક આવી ચડેલી સ્ત્રીઓને જોઈ, મદિરાના નશામાં ધૂત જશભા અને સાથીદારો પહેલાં તો ખૂબ હસ્યા. ઠઠ્ઠામશકરી કરી ગંદા નખરાં ય કર્યા  પણ પછી તેમને વધુ કોઈ પણ મોકો આપ્યા વગર ખચાક્...ખચાક્...ખચાક કટારી હવામાંથી ઉછળી ઉછળીને બધાયને કાપવા માંડી. કોઈનું નાક, કોઈની આંખ, કાન... હાથ... પગ આખરે  એકઠું થયેલું લોહીનું ખાબોચિયું પણ થર થર ધ્રુજવા માંડ્યું.

હજી ક્રોધ ક્ષમ્યો ન હતો. કંકુડીએ આખાય જંગલને ધ્રુજાવી દે તેવી રાડ નાખી. જશભાના માથે ઘા કર્યો. નાળિયેરના ફાડચા થાય તેમ તેની ખોપરી!

"લલી ઉઠ. જોગણી બન'ને ચીરવા માંડ. આમ રોઈને, સહન કરીને આપણો દિ' ન વળે. આ રાકખહોન તો ચીરવા પડે. ખચ.. ખચ.."  કંકુડી હજીય ક્રોધથી થર થર કાંપતી જશભાના અંગે અંગને ચીરી રહી હતી. કંકુડીનું રૌદ્ર સ્વરૂપ હજી શમતું ન હતું. "મારી ગુલાલ...મારી કુણી સોડીને ખરાબ કરી 'તી ન! ઈના કટકા કરીન જંગલમાં ફેંકીતી ન! આવ. આજ તારા કટકા કરું.. બાયડીયુંન જોવી સ તારે કાં! લે...જો...અડક... લે રોયા..." કંકુડીએ  જશભાની ચીરાયેલી ખોપરીની આંખમાં કટારી ભોંકી દીધી.

"કંકુડી ધીમી પડ. હંધાય મરી જીયા. જો હામે. ઝાડી માંહેથી શિયાળવા જુવ સ. ઉપર ગીધડું ય ગોળ ગોળ ફરે સ. આપણાં  તમામ કામ આ  હંધાય કરી નાખહે."

ધીમી ધીમી થાળી ફરી ખખડી. ટનનન્...

સૂરજનો પ્રખર તાપ ધીરે ધીરે તે દૈવીયશક્તિને પાછો ખેંચતો હોય તેમ કૂણો પડવા માંડ્યો. હજીયે હાંફતી અને લોહીથી લથપથ કપડાં, લોહી નીતરતી કટારી ધારણ કરનારી  સહેલીઓ ધીરે ધીરે માનસિક સંતુલન મેળવવા માંડી. બધીયે જોગમાયા દીસતી તે નજીક આવેલી નદીમાં માથાબોળ નાહીને, ગંગા ડોસીએ તૈયાર કરેલો લાકડાનો ભારો માથે મૂકી દીધો અને ઘર તરફ જવા પગલાં ભર્યા.

"ભલું થાજો. જુગ જુગ જીવો જોગમાયા." થાળી વગાડતી, સાવ ઘરડી, કૃશ શરીરે લગરવઘર કપડામાં ઢંકાયેલી ગંગા ડોશીનાં મોઢામાંથી શબ્દો સરી પડ્યાં.

"હાસી જોગમાયા તો તું સ મા! આ હંધાય રાકખહોને ચીરવા જોમ આપે સ. અમ ભૂલેલાને મારગ બતાવે સ." કંકુડી ડોશીમાનાં પગે પડી. બધી જ સહેલીઓ ગંગા ડોશીના પગે પડી આશીર્વાદ લીધા. 

" મેં ય વેઠ્યું સ. આવું જ. ઈ જસુડાનો બાપ જ રાકખહ સ. હજી ય હાંહ લે સ ઈની હવેલીમાં. ઈ રાકખહને મારવા હારું બહુ જોમ જોઈએ. ઈને ખબર પડહે કે ઈનો દીકરો....! તો હાથમાં ઝાલ્યો ન રેહે. ઈને તો હું...! ડોશીમાની આંખમાંથી ક્રોધ સમો અગ્નિ નીકળવા માંડ્યો. થર થર કાંપતી તેના અંગે અંગમાંથી જાણે જ્વાળા નીકળતી હોય તેમ...!

"કાંક હંભળાય સ. હાલો જલ્દી." ઝમકુ કાન સરવા કરી, પગની ઘૂઘરીઓ હળવેકથી ઝમકાવવા માંડી.

ડોશીમા ગાઢ જંગલની ઝૂંપડીની વાટે નીસરી ગયાં.

બધીય  માનુનીઓ નમણી નાર પેઠે, માથે ભરો લઈ, લટકતી, મલકતી ચાલે ઘર તરફ જવા આગળ વધી. તેમનાં પગનાં પાયલ મીઠી ઘૂઘરીઓ ઘમકાવતા હતાં.

"અલી ઓય કંકુડી, ઓમ જંગલમાં કાં ગઈ તી?  ચેવા ચેવા અવાજો આવે સ 'ન તું...!" મનીયો ગુસ્સે ભરાયો પણ કંકુડીની સાથે ઝમકુ, મીનુ, અમુ, ઉમલીને જોઈને, માથે ભારો લઈને ચાલતી જોઈને ટાઢો પડી ગયો." હોંજની વેળા ઘેરની બાર ન નેકળતી હોઉં તો? તને કાંક થ્યુ ગ્યું તો... આપણા સોકરાઉ મા વગરના થઈ જાહે. જા અહીંથી." મનીયો અકળાયો અને મનીયા સાથે આવેલા માણસો પણ ગુસ્સે ભરાઈ, અકળાઈને શંકાની દ્રષ્ટિએ પોતાની પત્નીઓને જોવા લાગ્યા.

"ઇંધણા વીણવા ગઈતી રે...મારા રોયા!  ઇંધણા વીણવાનું ભૂલી જઈતી. હવારે ખાહો હુ?"  કંકુડી મીઠો આક્રોશ બતાવી, મલકતી ચાલે ઘર તરફ રવાના થઈ. બધી સહેલીઓ પણ મલકતી ચાલે ચાલતી ઘર તરફ રવાના થઈ.

"અલી... લલી તો ત્યાં જ!"  ઉમલીએ ગરમ-ગરમ નિસાસો નાંખ્યો.

" મરી જઈતી લલી. તેનાં કટકે કટકા...! મેં હંધુય...!"

"શ...શ...ડાસા બંધ કરો માવડીઓ.. હાલો ઘર ભેળા થઈ જાઈએ." ઝૂંપડીનું બારણું આડું ઠેલીને કંકુડી ભુરીયાને ઝટ કરીને ધવરાવવા બેસી ગઈ. બધીય  માનુનીઓ ઘરનાં કામકાજમાં  પરોવાઈ ગઈ. જાણે કશું બન્યું જ નથી!

ચબરચબર ધાવતો ભુરીયો પાલવ હટાવીને માની આંખોમાં જોવા લાગ્યો. પોતાની આંગળી વડે માની આંખો પર હાથ ફેરવ્યો." હુ જુવ સ લા?" કંકુડીએ ભુરીયાની આંગળી પર, તેના કપાળ પર ચૂમી લીધી અને સતત પોતાને તાકતી આંખો પર તેણે દ્રષ્ટિ માંડી. 'આ ભુરીયાની આંખ્યો નથ્ લાગતી કંકુડી. આ..તો મારી ગુલાલ સ. મારી સોડી... મારી ગુલાલ. ઓ માડી રે....' તે ચીસ પાડી ઉઠી. અચાનક સામે દેવસ્થાનમાં રહેલી મા મહાકાળીની છબી પર ધ્યાન કેન્દ્રિત થયું. કંકુડી ખળભળી ઉઠી. છબી જાણે તેનું પ્રતિબિંબ લાગી. "ઓ માડી રે.. મને આવું ચ્યમ થાય સ." ધીરે ધીરે ઠંડા પવનની  લહેરખી તેનાં શરીરમાં પ્રવેશવા માંડી. તે  ધ્રુજી ઉઠી. પોતાનું માનસિક સંતુલન જાળવવા તે વ્યર્થ પ્રયત્ન કરવા લાગી. તેને એવું લાગ્યું ગંગા ડોસી તેની સામે આવીને રુદન કરે છે. 

તેણે પૂછ્યું, "મા, કાં રૂએ સ?" 

"તારી વહાલી સોડી ગુલાલની પેઠે મારી સોડી 'ન નવી પરણીન આવેલી વહુવારુંના ય આવાં જ હાલ કરીઆ 'તા આ નરાધમ જશીયાએ. ન પસે મારા દીકરાન 'ને ધણીન ય હળગાવી દીધા'તા. ગામ આખાયની વહુવારુંઓ, દીકરીયુંન આબરૂ લઈન આ રાક્ખહ જંગલ માહે કટકે કટકા કરીન નાખે સ. અન્યાય 'ન અત્યાચાર હામે તો કાળજું કઠણ કરીન ઝઝુમવુ જ પડ. આ કળજુગનાં રાક્ખહનો વધ કરવા માડી આવી પોગી સ કંકુડી. હંધીય નારીઓના દેહમાં માડી સુક્ષ્મરૂપે રહે સ. માડી હંધાયને વ્હાલ કરે સ પણ અધરમ આચરતા નરાધમો પર રૌદ્રરૂપ ધારણ કરીન ચંડીકા બનીન વધ કરે સ. કંકુડી તમ જોગમાયાઓએ એક જ રાક્ખહનો સંહાર કરીયો હજી..."

"માડી, હું તો માણહ સ. અબળા સ. આ તો હાવ ખોટું થ્યું. મારી નાયખા હંધાય ન. ગુનેગાર બની જઈ...હવ હુ થાહે?"

"અલી કંકુડી, લલીનો ધાવણો બહું રૂએ સ.લે, ઈને હો લગીર સાતીયે વળગાડ." ઉમલી આવી અને કંકુડીનું માડી સાથેનું અનુસંધાન તૂટી ગયું.

"કાં કંકુડી હુ થ્યું? "

"કાંઈ નથ્ થ્યુ પણ"

" કાળજુ રૂએ સ કાં? લલી મરી જઈ એટલે?  કંકુડી આજ લલી મરી. કાલ હું કે તું... હંધીયના આવાં જ હાલ કરહે આ રાક્ખહો. ઓમ જ  જંગલમાં જઈને કટકે કટકા થઈન મરવાનું આપણાં ભાયગમાં જ લખાણું હસે! કાં?" ઉમલી ચાલી ગઈ પણ કંકુડીને વિચારતાં કરી મૂકી. કંકુડીએ લલીના ધાવણાને શાંત કર્યો. ભુરીયાની બાજુમાં સુવાડ્યો. ત્યાં જ મનીયો આવ્યો અને ઝીણી આંખ કરી શંકાની દ્રષ્ટિએ કંકુડીને જોવા લાગ્યો. કંકુડીએ હેત વરસાવી મનીયાને પણ શાંત કરી દીધો.

તે રાત્રે શિયાળની લોળી સાથે ભયાનક પ્રાણીઓનાં અવાજથી તો જંગલ ધ્રુજ્યું પણ જશભાની હવેલી  પણ આક્રંદથી ધ્રુજી ઉઠી.

જંગલમાં પડેલાં જશભાના અને સાથીદારોના શરીરના અંગે અંગના કટકા, લોહીનું ખાબોચિયું જોઈને જશભાના બાપુને કંઈક બીજો જ અણસાર આવ્યો પરંતુ ગામના ઘરડાં વડીલોની વાણી પર વિશ્વાસ કરી, રહ્યાં સહ્યાં અંગોને ભેગા કરી અંતિમ સંસ્કારની તૈયારી કરી. તેમનું હૈયું પ્રાણીઓનાં હુમલાની ઘટનાની ના પાડતુ હતું. તેમની આંખ સામે જશભાની  ફોડેલી આંખો અને ખોપરીના કટકા હજુય તરવરતા હતા. 'આ પશુઓ આવું તો ના જ કરે.'

મા દુર્ગા સામે અખંડ દીવામાં ઘી પુરતાં જશભાની માની આંખો સજળ થઈ ગઈ. જુવાનજોધ દીકરો ગુમાવ્યાનો આઘાત તેના મનોમસ્તિષ્કને છિન્નભિન્ન કરી દીધો હતો. સતત વેદનાથી રડતી આંખોના આંસુને મા દુર્ગા સમક્ષ  ઠાલવતાં તે કરગરી ઉઠ્યાં, "માડી, આ તે હુ કર્યું? મારા નોના અમથાં બાલુડાનું મસ્તક વધેરી દીધું? કાં...મેં હુ બગાડ્યું 'તું તારું! મારી ભક્તિ ઉણી રહી ગઈ'તી કાં? માને હાટુ તો બાલુડા જ આખું  યે જગત. 'ન તે મારું ઈ આખુંય જગત સીનવી લીધું? ઈને તારું હુ બગાડ્યું'તું?"

"ઈના કરમ જ ઈવા હતા કે...રાક્ખહ બાપનો રાક્ખહ દીકરો.' અચાનક તેના અંતઃકરણમાં સુતેલી સ્ત્રી સળવળીને જાગૃત થઈ બોલી ઉઠી, "મજુરીયાઓની કુણી સોડીન ય ન સોડી. માયું, દીકરીયું, વહુવારું...હંધીય પર નજર બગાડીન આબરૂ લીધી ઈને તો, મજુરોન જુગટુ રમાડીન કમાણી સીનવી, દારૂ પાઈ પાઈન બરબાદ કરી દીધા હંધાયન. કળજુગનો રાક્ખહ સ... ઈ અને ઈનો બાપ..."

"પણ હે માડી, મેં હુ બગાડ્યું'તું કોઈનુંય? માવડી, મને શીદને સજા કરી?" તેમની આંખો સામે  માવડી ક્રોધ ભરેલી, રૌદ્રરૂપ ધારણ કરીને જાણે કહી રહી હતી," ધણીનય કોઈ દી' કાંઈ નો કીધું. દીકરાને ય કોઈ દી'નો ટકોર્યો 'ન લાડ લડાવીઆ..હંધુય ખોટું હાલવા દીધું...તી આજ આ નોબત આવી...કોક દિ' ઈમના ખોટાં કામ હામે રૌદ્રરૂપ ધારણ કરીયુ  હોત તો  આજ આ દિ' નો જોવો પડત. તું  નો હારી બાયડી બની  ક નો હારી માવડી બની ..."

"હાવ હાસુ સ માડી..." હૃદય વલોવાઈ જેવી વેદનાથી આક્રંદ કરતી, અતિવ્યથિત જશભાની માતાએ આંખના આંસુ પાલવે લુછ્યાં. અચાનક દીવડાની જ્યોત મોટી થતી લાગી. ફરી આંખો લુંછી પરંતુ મોટી મોટી જ્વાળા બનતી લાગી. તે ગભરાઈ ઉઠ્યાં. "જશના બાપુ..." તે ચીસ નાંખતા બહાર આવીને જુએ તો ગંગા ડોશી ભડભડ સળગતી હતી અને જશભાના બાપુને બાથમાં લીધા હતાં. ગંગા ડોશી અટ્ટહાસ્ય કરી રહી હતી. સળગીને દાઝ્યાની વેદના તેને અસર કરતી હોય તેવું લાગતું જ ન હતું પરંતુ તેની આંખો ક્રોધભરી સળગતી હતી. તેના વાળમાં પણ જ્વાળાઓ ક્રોધથી નાચી રહી હતી. ગંગા ડોસી મોટાબાપુને વળગીને મોટે મોટેથી કંઈક બોલી રહી હતી. "મૂવા..મારા ધણી,  મારા દીકરાન લઈન ઝૂંપડી હળગાવીતીન. તાણ લેતો જા. આખીય જિંદગી મને ચૂંથી'તી ન!  આજ હું તને... હું જ!  ગરીબોની આંતરડી કકળાવીન, દીકરીયું, બાયડીયુંન મારી નાખીન.. ..." 

ગંગા ડોસીનું રૌદ્ર સ્વરૂપ જોઈ જશભાની મા!

****

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ