સ્મરણો... અવિસ્મરણીય યાત્રાનાં
નવરસ ટૂંકીવાર્તા સ્પર્ધા
મુખ્ય રસ - અદ્ભુત રસ
*****
સ્મરણો... અવિસ્મરણીય યાત્રાનાં.
લાકડીના ટેકે પગથિયાં ચડી રહી હતી.
ઢળતી ઉંમરે વૈરાગ્ય થોડો તન અને મનમાં ય પ્રસરે એવું સાંભળ્યું હતું પણ અનુભવ્યું આજે જ. હાથ,પગ, આંખ અને સતત ચડતાં શ્વાસ શરીરને શારીરિક વૈરાગ્ય તરફ લઈ જતાં હતાં તો આજુબાજુનાં પર્વતના કાળા પથ્થરો, બરફનો મુગટ ધારણ કરી કોઈ અનોખી શાતા આપતાં માનસિક વૈરાગ્ય તરફ લઈ જતાં હતાં. થોડીક ક્ષણો ઊભી રહી. આજુબાજુ જોયું. પ્રકૃતિ... પ્રકૃતિ માતા ચારેય તરફ વિશાળ ભૂજાઓ પ્રસારી ઊભી... મને વહાલથી બોલાવી રહી હતી. તેનાં બાળકો સમાન લીલાછમ વૃક્ષો પર ટહુકતા પક્ષીઓ મીઠડું મધુર ગીત ગાતાં હતાં. દરેકનાં અવાજ જુદાં હતાં પણ મારા કર્ણપટલને તો અનોખો, અલૌકિક આનંદ આપતાં હતાં. અરે! આ સુસવાટા મારતાં પવનમાં વૃક્ષોનાં પાંદડાં ઝીણું ઝીણું મર્મરતા ગાઈ રહ્યાં હતાં, ''શિવ...શિવ...શિવ.'' મેં ધ્યાન દઈને સાંભળવાની કોશિશ કરી. પથ્થર પર જ કાન જડી દીધાં અને તેમાંથી આવતો અવાજ સાંભળવાની કોશિશ કરી. થોડીકવાર તનમનને એકદમ શાંત કરી, માનસિક કોલાહલથી દૂર થઈ, તેમાં એકમગ્ન થઈ ત્યારે... ઓહોહો! અદ્ભુત! અદ્ભુત! અવાજ સાંભળવા મળ્યો." ૐ..ૐ...ૐ..." મારા શરીરમાં, મારા મનમાં, અરે! મારા દેહમાં રહેલો આત્મારામ પણ ૐનાદમાં મગ્ન થઈ ગયો.
"રાત પડી જશે. ઉપર ચડી નહીં શકાય. રાત્રે બધું બિહામણું બની જશે. હિંસક પ્રાણીઓ પણ આવી ચડશે. દેવીજી, જલ્દી ચાલો. ઉપર શિવાલયમાં ભક્તિરસથી તરબોળ થઈ જજો પણ અત્યારે તો ઝડપથી ચાલો." દવેજીની ટકોરે મને જાણે ગહેરી નિદ્રામાંથી જગાડી.
હું ચાલવા લાગી. ફરી જાણે "ઘુમડ...ઘુમડ" અવાજ આવ્યો. 'અરે! આવાં અવાજ!'
"ઉપર કાળા વાદળો એકઠાં થઈ રહ્યાં છે. કદાચ વરસાદ પડશે. તોફાન પણ થાય. જલ્દી ચાલો દેવીજી." દવેજીની ટકોરે તો મારા પગમાં જોમ ભરી દીધું પરંતુ ઉપર નજર કરવાની લાલચ રોકી શકી નહીં. ઊભી રહી. ઉપર આકાશમાં જોયું. ઘડીક પહેલાનું સ્વચ્છ, અદ્ભુત નીલું આકાશ અનેક કાળાં વાદળોથી ઘેરાઈ ગયું હતું. પર્વતની ટોચ પર પેલાં બરફનાં શંકુ આકારનાં મુગટની આસપાસ કાળા વાદળો ઘેરી ગર્જના કરી રહ્યાં હતાં. અદ્ભુત હતું આ! 'હમણાં આ વાદળો તૂટી પડશે... ' અરે! ત્યાં તો આ કાળા વાદળો પ્રખર તાપ વરસાવતા સૂરજને ગળી ગયાં! અંધકાર ફેલાઈ ગયો... રાત જેવો નહીં પણ બધું ધૂંધળું દેખાય તેવો અંધકાર.
'શું હશે આ અંધકારની પેલે પાર? પ્રખર તાપ કે ધ્યાનમગ્ન તપ કરતા શિવજી!' વિચાર આવતાં જ આનંદથી કંપી ઊઠી. પ્રકૃતિનું અલૌકિક! અદ્ભુત રૂપ હું જોવાં લાગી. ઢળતી ઉંમર અને નજર મારી ઝાંખી... પણ આજે જાણે આંખ પરથી પડળો હટી ગયા હતા...મારા શિવને જોવા!'
"ઓ દેવીજી... ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. રેઈનકોટ પહેરી લો અને આમ ખોવાઈ ના જાઓ. સાથે રહો. કંઈક પણ થઈ શકે છે અહીંયા!" દવેજીના હુકમથી રેઈનકોટ પહેર્યો. ખુલ્લાં આસમાન તરફ નજર કરી. વરસાદ બુંદો સીધી આંખમાં પડી. 'ઠંડક...' તનમનમાં પ્રસરી ગઈ. 'ઠંડક... ટાઢક... હાશ!'
" જલ્દી ચાલ!" ફરી અવાજ આવ્યો. મેં આગળ ઉપર જોયું. દવેજી અને સાથીદારો થોડાં આગળ નીકળી ગયાં હતાં. હું પાછળ રહી ગઈ હતી." ઓ મા!" ચારેતરફ નીરવ એકાંત ફેલાઈને પડ્યું હતું. થોડીકવાર પહેલાનાં પક્ષીઓનાં ટહુકાઓ ગાયબ થઈ ગયાં હતાં. 'અહાહા! આ પ્રકૃતિ, પર્વત અને એકલતા... ઉપર મેઘ ભરેલું નભ. '
પગ થોડાં ધ્રુજ્યા અને એકદમ!
આંખો ખુલ્લી હતી પણ જાણે બંધ હતી. કશુંક જોઈ રહી હતી પણ જોવા કરતાં અનુભવી રહી હતી. શરીર ઘસડાતું હતું આખુંય. વરસાદની મોટી મોટી ધારા અને લીસીલીસી માટીમાં લથપથ ઘસડાતી હતી. જોરથી કંઇક અથડાયું અને હું ગહેરી નિદ્રામાં સરી પડી. કશી ખબર જ નહીં પડી. મારાં શરીર પર કંઈક ફરતું હતું, પડતું હતું. શું...? કંઈ જ સ્પર્શતું ન હતું.
ચારેતરફ અંધકાર... ઊંડા ઊંડા કૂવા ભરેલો અંધકાર અને વળી શૂન્યવકાશ. 'કશુંય દેખાતું નથી. કશુંય સ્પર્શતું નથી. સંવેદનાઓ અને લાગણીઓ વહીને ક્યાં થીજી ગઈ? બધુંય ખતમ થઈ ગયું? શું? જીવન કે હૃદયનાં ધબકારા કે ફેફસામાં ભરાતો શ્વાસ!' ધીમો અવાજ મારા મનમાંથી આવ્યો. 'શું હું મૃત્યુ પામી છું? મારું શરીર જડ? શું થયું છે મને?' કશી સમજણ નહીં પડી! કેટલું ઊંઘી તે પણ ખબર નહીં પડી પણ આંખો ખુલી ખરી. 'ઓહ! હું મૃત્યુ નથી પામી. જીવું છું.' આંખો પટપટાવી. મારાં શરીર પર લીલા પાંદડા છવાઈ ગયાં હતાં. માટીથી લથપથ ખૂંપી ગઈ હતી. કદાચ એક ભેખડ સાથે અથડાઈને બચી ગઈ હતી. નહીં તો..!
સહેજ સળવળવાનો પ્રયાસ કર્યો. કશુંય સળવળ્યું નહીં. ભ્રમ હતો કે 'હું જીવું છું...હું તો મરી ચૂકી!' એક પાંદડું ય ન હલાવી શકી...પણ આ આંખો! ખબર નહીં કેમ પણ હું બધું જોઈ શકતી હતી! મારી બાજુમાં જ નદી ભરયૌવને ચઢી હિલ્લોળા લેતી હતી. તેનું યૌવન એવું થનગનતું હતું કે આજુબાજુનું બધુંય પોતાનામાં સમેટી લઈ થનથન નાચતી, ઘૂઘવાટા કરતી સરી રહી હતી. મોટાં મોટાં વૃક્ષો, મકાનો, પથ્થરો, પશુપંખી, જીવંત માણસોને પોતાનામાં સમાવી, તાણી જતી રૌદ્રરૂપિણી સરિતાને શાંત નજરે નિહાળી રહી હતી. મને આ થનથન નાચતી, ઘૂઘવાટા કરતી નદીનો કશોય ભય ન લાગ્યો. સાવ અલિપ્ત ભાવે પથ્થર પર બેસી હું નિહાળતી હતી. મેં આસપાસ દ્રષ્ટિ કરી. શરીર થોડું ઊંચક્યું. અરે વાહ! સાવ હલકું ફૂલ શરીર... જાણે હવા! હું આસપાસ જઈ શકતી હતી અને તે પણ અદ્રશ્ય રીતે! મને મારા પર આશ્ચર્ય થયું. ક્યારેક ગાઢ નિદ્રામાં પોઢી હોઉં ત્યારે મારા આવાં શરીરને ભ્રમણ કરતાં અનુભવ્યું છે. ક્યારેક ધ્યાનમાં બેઠી હોઉં ત્યારે મારા આ રૂપને અલગ થતાં અનુભવ્યું છે પણ આજે...!
"ડમ.. ડમ.. ડમ.. ડમરુનાં અવાજ સાથે, થનક્... થનક્... નૃત્ય કરતાં ભારેખમ પગલાં જેવાં અવાજ સાથે ભૂસ્ખલનથી ધસતી ભેખડો, તૂટતાં પહાડ, નદીનું રૌદ્ર સ્વરૂપ. ઓહ મા! શિવજીનાં તાંડવ નૃત્ય સમી આ ભયાનક વિનાશની લીલા મારા મનની સ્મૃતિમાં અંકાઈ ગઈ. ભેખડથી થોડેક દૂર ગાઢ જંગલમાં ગિરિકંદરા તરફથી આવતાં અવાજે આકર્ષાઈ. ગિરિકંદરા અનેક લીલાં પાંદડાના વેલાના આવરણથી ચુપકીદીથી સંતાઈને બેઠી હતી. મારા અદૃશ્ય શરીરે વેલાને સહેજ ખસેડીને અંદર પ્રવેશ કર્યો. અરે! અનેક પશુપંખી પોતાનું અસ્તિત્વ બચાવવા તરફડીયા મારતાં આશરો લઈ રહ્યાં હતાં...એકમેકની હૂંફ લઈને. વાઘની સોડમાં હરણાં, શિયાળવાની સોડમાં ભોળાં સસલાં. 'આ સ્વપ્ન છે કે વાસ્તવિકતા?' જે હોય તે પણ આ અદ્ભુત દ્રશ્ય માનવામાં ન આવે પણ સત્ય જેવું જ હતું. બધાંય પ્રાણીઓની આંખમાં લાચારી, મૃત્યુનો ભય હતો. કદાચ આ મૃત્યુનાં ભય સામે પેટની આગ ઠારવા માટે કરવી પડતી હિંસકતા ભુલાઈ ગઈ હતી. તેઓ ગળામાંથી કંઈક ધીમો અવાજ કાઢી રહ્યાં હતાં. આ બધાંય પશુપંખી, સમસ્ત પ્રકૃતિ, વન્યસૃષ્ટિનો અંત:નાદ એક જ હોય તેવી પ્રતીતિ થઈ. એક જ અવાજ હતો પ્રાર્થના. આ અણધારી, અકલ્પનીય પરિસ્થિતિમાંથી ઉગારવાની, આર્દ સ્વરૂપે પ્રાર્થના... ઈશ્વરને! આ સમગ્ર સૃષ્ટિ એક જ અદ્રશ્ય, અલૌકિક સ્વરૂપને પ્રાર્થના કરતી હોય તેવું દેખાયું. આ દુઃખદ પરિસ્થિતિમાં પણ મારો આત્મારામ લહેરાઈને આનંદિત થઈ ઊઠ્યો... ઈશ્વરની અલૌકિક લીલા અને સૃષ્ટિ જોતાં! જોકે ફરી વિચારવમળ ઉમટ્યાં, 'આવું વિચારવાની, જોવાની દ્રષ્ટિ ક્યાંથી આવી! જીવીત છું કે મૃત્યુ પામી છું?'
ધીમે ધીમે બધુંય શમવા માંડ્યું. વાદળો એકાએક અદ્રશ્ય થઈ ગયાં. તારલિયા ભરેલું આકાશ ઝળકવા માંડ્યું. મેં આકાશમાં જોયું. 'ઓહોહો! પહેલીવાર આટલું વિશાળ લાગ્યું.' રૂમનાં ટીવી સ્ક્રીન ઉપર કે થિયેટરનાં મોટાં પડદા પર નિહાળેલું આકાશ આની સામે તુચ્છ લાગ્યું. કરોડો, અબજો, ખર્વો તારાથી ટમટમતું આકાશ અને તેમાંથી આવતો એક અગનગોળો, ગોળ ગોળ ફરતો... પ્રકાશ... પ્રકાશ. વલય આકારે ઘુમતો અગનગોળો.. લાલઘૂમ... આસપાસ વાદળી અને રૂપેરી ઝાંય... અદ્ભુત! અદ્ભુત! શું હશે આ? કદાચ આ જ ...! આ જ હશે અલૌકિક શક્તિ!... પરબ્રહ્મ...પરમધામ...પરમેશ્વર...નિરાકાર...ચૈતન્ય સ્વરૂપ! " મારૂં મન આનંદિત થઈ નાચી ઉઠ્યું.
ચૈતન્ય સ્વરૂપ...! ખળખળ વહેતાં પાણીમાં, હિંસક પ્રાણીમાં, પશુપંખીમાં, વૃક્ષોમાં અને તેનાં પર્ણોમાં, પર્વતોમાં, અરે સમગ્ર સૃષ્ટિમાં...પ્રકૃતિના દરેક જીવમાં... માનવીમાં પણ!
'મારામાં પણ હશે?'
" અરે.. ગાંડી! આ શરીરરૂપી યંત્રમાં પ્રાણવાયુનું અસ્તિત્વ એ જીવન એટલે કે ચૈતન્ય. પ્રાણવાયુ બંધ થાય એટલે જડ... મૃત્યુ! પ્રાણવાયુ...પ્રાણ...શિવજી...વિષ્ણુજી...એક જ સ્વરૂપ...પરબ્રહ્મ... નિરાકાર..." અંતઃકરણમાંથી એક અવાજ આવ્યો અને પરમ આનંદ...આનંદ...!
"પરંતુ હું ખરેખર જીવું છું કે મૃત્યુ પામી ચૂકી છું? હું ક્યાં છું?" ભેખડ પર લટકેલી આંખો ફરી સળવળી.
થોડોક અવાજ આવ્યો. એક કૂતરું કદાચ શરીરને સૂંઘી રહ્યું હતું. 'અરે! છી...'
"જલ્દી...જલ્દી. અહીં કોઈ લાશ દટાયેલી છે." એક અવાજ આવ્યો. મન ફરી મંથન કરવા લાગ્યું.' હું જીવું છું કે મૃત્યુ પામી છું?'
"અરે! શ્વાસ ચાલે છે. જીવે છે."
"ઓહ!" મનોમંથન પૂરું થયું.
થોડા સમય પછી ચર્મચક્ષુ ખુલ્યાં ત્યારે હોસ્પિટલના બીછાને હતી. બારી બહાર સ્વચ્છ નીલું આકાશ દેખાતું હતું.
"અરે! ભગવાનનો પાડ માન. તું સાજીસમી છે. માટી પોચી હતી. તને કશું વાગ્યું નહીં અને ભેખડ વચ્ચે આવતાં તું બચી ગઈ." દવેજી હાથમાં હાથ લઈ સાંત્વના આપતા હતા કે 'હું જીવું છું.'
"હા. હું જીવું છું." મનનાં અતલ ઊંડાણેથી અવાજ આવ્યો.'મૃત્યુ શરીરનું થાય છે. આત્મા તો જીવિત જ હોય છે. મનને આ આત્મા સાથે અતૂટ બંધન હોય છે. મન અને આત્મા સાથે જ જીવે.' 'અહો! આશ્ચર્યમ્! આ શું વિચારૂં છું!'
"શું વિચારે છે હજી? તને જીવિત જોઈને એવું લાગ્યું કે આપણી યાત્રા સફળ થશે. "
"હા. સફળ." હું વધું બોલી ન શકી. મારાં જીવનની એ અદ્ભુત ક્ષણો હતી. જીવન અને મૃત્યુ વચ્ચેની અવસ્થા. આ અવસ્થામાં દરેક ક્ષણે મને ઈશ્વર હોવાની અનુભૂતિ થઈ. આખી જિંદગી પૂજા પાઠ કર્યા. અનેક સારા નરસા કર્મો કર્યા. આ શરીરથી અનેક યાત્રાઓ કરી પરંતુ આ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતી મારી અદ્ભુત! અવિસ્મરણીય, અલૌકિક યાત્રાએ મને પહેલીવાર ઈશ્વર હોવાની અનુભૂતિ કરાવી. આખી જિંદગી શાસ્ત્રોના પાનાં ઉથલાવ્યા. બસ! એક જ આશાએ કે ક્યારેક ઈશ્વરની અનુભૂતિ થાય, ઈશ્વર મળી જાય પરંતુ આજે!
હજી મને સમજણ ન હતી પડતી કે એવી કઈ ક્ષણ મારા જીવનમાં આવી અને મને..!
હોસ્પિટલના બીછાને પડેલી હું સમગ્ર સૃષ્ટિ નિહાળતી હતી. ઊંચા ઊંચા પર્વત ઉપર નમેલું ભૂરું ભૂરું આકાશ, લીલાછમ વૃક્ષો, મર્મરતા પાંદડાઓ, ફળ,ફૂલ,જળથી ભરેલી સમૃદ્ધ ધરતી. આ ધરતી ઉપર અનેક કરોડો, અબજો, ખર્વો સુક્ષ્મ જીવો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થઈને ખદબદતા હોય છે. આ દરેક જીવડાં, પશુ, પંખીનું પેટ આ સૃષ્ટિ જ ભરે છે. કેવી અદ્ભુત સૃષ્ટિ બનાવી છે ઈશ્વરે! વરસાદ પડે અને બીજ અંકુરિત થાય. ફળ,અન્ન... બધુંય ઉગે. દરેક જીવોનું પોષણ, રક્ષણ ઈશ્વર પોતાની રીતે જ કરે. ઓહોહો! કેવી અદ્ભુત કરામત! મન ફરી વિચારોનાં વમળમાં અટવાયું. આ સૃષ્ટિ આટલી અદ્ભુત છે તો સૃષ્ટિનો રચનાર કેટલો અદ્ભુત હશે! ફરી આ ઈશ્વરની અનુભૂતિ કરવાં મન તરફડિયા મારવાં માંડ્યું. ફરી ભેખડ પર જવા મન તલપાપડ થઈ ગયું પરંતુ?
થોડાંક દિવસનાં આરામ પછી ફરી યાત્રા શરૂ કરી. ધીરે ધીરે પગથિયાં ચડતી હતી. દૂર દૂર શિખર ઉપર શિવજીનું ભવ્ય મંદિર દેખાયું અને હૈયે ટાઢક વળી."હાશ! "
બરફની સફેદ ચાદર પર પગ મુકતાં જ ધ્રુજારી ઉત્પન્ન થતી હતી. આ ચાદર પર ધીરે ધીરે ડગલાં માંડતી શિવાલયના આંગણે જઈ પહોંચી. શિખર પરથી નીચે તળેટીમાં દ્રષ્ટિ કરી. વિનાશનો હાહાકાર માનવસર્જિત વસાહત પર તો હતો જ. ઠેર ઠેર તેનો કાટમાળ જડની માફક પડ્યો હતો પરંતુ આસપાસની પ્રકૃતિ પર દ્રષ્ટિ માંડતાં જ હૈયું અહોભાવથી છલકાઈ ઉઠ્યું! તૂટેલાં પહાડની છાતી પર ચૈતન્ય સ્વરૂપ લીલું લીલું ઘાસ ઉગી નીકળ્યું હતું. તૂટેલા વૃક્ષો ઉપર ફરી ડાળખીઓ ખીલી ઉઠી હતી. પક્ષીઓ તેનાં પર વિશ્રામ કરતાં હતાં અને નવો માળો બનાવવામાં વ્યસ્ત હતાં. નદી શાંત... શાંત સુમધુર અવાજ કરતી ખળખળ વહેતી હતી. "અરે! વિસર્જન પછી તરત જ સર્જન! વાહ! કુદરત તારી લીલા અનોખી, અનેરી છે. તારા આ ચૈતન્ય સ્વરૂપે મને સંમોહનમાં નાખી દીધી."
કુદરતની સૃષ્ટિનો અપાર વૈભવ નિહાળતી શિવાલયના આંગણે જ બેસી પડી. એક અનોખી શાતા ફરી વળી તનમનમાં. આંગણામાં જડેલા કાળા પથ્થરો ઉપર કેટલાંક કીડી- મંકોડા કણ ખાઈ રહ્યાં હતાં.' કીડીને કણ હાથીને મણ મળી જ રહે છે તો પછી માનવને શેની ભૂખ?'
"ભૂખ" અનાયાસે મારાં મોઢામાંથી મોટાં સ્વરે ઉદ્ગાર નીકળી પડ્યો.
"દેવીજી, અત્યારે શેની ભૂખ લાગી છે?" દવેજી મારી સામે જોઈ આશ્ચર્યથી બોલ્યા.
"ભૂખ! ઈશ્વર કે દર્શન કી ભૂખ લગી હે ના માઈ ?" નીલગગન જેવી વિશાળ આંખો, પ્રખર તેજ ઝરતી પરંતુ શાંત વહેતા ઝરણા જેવી આંખોવાળા વ્યક્તિએ મારી આંખોમાં જોયું. ખબર નહીં શું સંમોહન હતું એ આંખોમાં! મેં આંખ બંધ કરી દીધી.
"હર હર મહાદેવ! ૐ નમઃ શિવાય!" નારાથી કેદારઘાટી ગુંજી ઊઠી.
****
