વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

(સ્પર્ધા ચાંદો ઊગ્યો ચોકમાં) વાર્તા : {શશી સમક્ષ } લેખિકા : માલી જયશ્રી (સ્નેહ)

શશી સમક્ષ 

મુખ્ય કથાવસ્તુ : વિખેરાતા લગ્નજીવન ની વાત

" પણ એક વાત તો નક્કી હતી દરેક વ્યક્તિ લગ્નજીવન માટે નથી સર્જાયો " 


ખરું કહેતા લોકો લગ્નજીવનનાં થોડા વર્ષ થોડી તકલીફ પડે. કારણકે લાગણીઓ ને એકમેક થતાં સમય તો લાગે કે નહીં ?


ખબર પડે કે માણસ જવાનું છે. હવે એ વધારે સમય નથી રહેવાનું ત્યારે આટ આટલી લાગણી ક્યાંથી આવી જતી હોય છે . જ્યારે જવાનો સમય તો કોઈ નો નક્કી નથી ! 


 હવા ની હળવી લહેરખીઓ થી નાનકડા એ તળાવમાં શશી નું પ્રતિબિંબ ડોલી રહ્યું હતું. આજે પણ રજની ની આંખોમાં એકલતા શિવાય કશું ન હતું. ખબર નહીં એ આંખો છેલ્લીવાર મનભરીને મીઠી નિંદરમાં ક્યારે પોઢી હશે. 


હળવે થી ઉછળી ને આવતી એ લહેર રજની ના પગની આંગળીઓ ને સહેજ ભીંજવી રહી છે પણ હૃદયમાં ઉફણતા એ તુફાને આંખોને સાવ કોરીકટ રાખી છે. 


મયંક : રજની આજે પણ ઊંઘ નથી આવી રહી.

(રજની પોતાના વિચારો વચ્ચે ખોવાઈ આંખોને પલકાવ્યા વિના હકાર માં સહેજ માથું હલાવે છે.)

 ( મયંક તેની સામે આવી બેસે છે. રજની હજુ તેના વિચારોમાં ખોવાઈ ને તળાવમાં શશી નું પ્રતિબિંબ નિહાળી રહી છે. )

 

મયંક : ( આભ સામે ચાંદ ને નિહાળતા ) પુર્ણ ચાંદ સામે આભમાં ઝળકી રહ્યો છે છતાં પણ રજની તું તેનાં પ્રતિબિંબ ને નિહાળી રહી છે. 


રજની : ક્યારેક જીવન વાસ્તવિકતા કરતા વિચારોમાં વધારે જીવાતું હોય છે. 


મયંક : પણ રજની એ જીવનનું કંઈ મહત્વ ખરું ! 


રજની : વિચાર એ બીજ છે. અમુક વિચારો ને માવજત મળે તો અંકુરિત થ‌ઈ ખિલી ઉઠે અને અમુક હ્રદય ના ખુણે પડ્યા રહે.


મયંક : તો એ ખિલેલા ચાંદ કરતા તને એ પ્રતિબિંબ વધારે મોહક લાગે છે એમ હું માનું !


રજની : એ ચાંદ ને તો આખું ગામ નિહાળતુ હશે જ્યારે આ પ્રતિબિંબ ને નિહાળનાર તો હું એક જ છું  

" પ્રેમની પણ એ એક જ તો કિનારી છે એક નું એકમેક થ‌ઈ ને રહેવું " 


મયંક : પણ પ્રતિબિંબ તો એ ચાંદ નું છે જેને આખું ગામ નિહાળી રહ્યું છે.


રજની : ચાંદ અને પ્રતિબિંબ એ બંને અલયાદા થઇ ગયા. 


મયંક : એ કેવી રીતે ....?

( હળવી સ્માઈલ ની સાથે )

રજની : એ વ્યક્તિ સાથે ના પ્રેમ, વિસ્વાસ, લાગણીઓ, વિતાવેલા સમયની યાદો ને યાદ કરી બદલાયેલા એ વ્યક્તિ સાથે રહેવું. એવી પરિસ્થિતિમાં જીવતા વ્યક્તિ માટે તો એ વ્યક્તિની યાદ અને એ વ્યક્તિ બંને જુદા હોય છે. 


મયંક : પણ એવું શા માટે.... ? 

રજની : જીવવું થોડું સરળ બની રહે... ! 

મયંક : તો શું એ સરળ જીવનમાં જીવવું સરળ છે....?

રજની હળવી હળવી હસતી રહી...... મયંક તેના એ હસતા ચહેરા ને જોઈ રહ્યો......

રજની : જ્યારે મળ્યા ત્યારે....... અને આજ...! વચ્ચે કેટલો ફરક છે. બસ એ ફરક નો ફેર ના પડે તે જ લગ્નજીવન. આમેય સરળ તો શું હોય છે......?


મયંક : તારી આ સ્માઈલ સરળ છે. અને મારી એક ઉંમર ઓછી પડશે તારી એ સરળતા ને સમજવામાં.... લગ્નજીવનમાં બંને પાત્રો માંથી કોણ ક્યાં કેટલું સહન કરી રહ્યું છે. એની ખબર સમય રહેતા ભાગ્યેજ ખબર પડે....! 


રજની : સહન તો બધું થ‌ઇ જાય વાત તો સાથ ની છે.

યાદ છે આમજ ચાંદ ના અજવાળે બેસી કલાકો સુધી ની એ વાતો.....?

મયંક : એ કેવી રીતે ભુલાય...એ વાતો હજુ અધુરી લાગે છે. 

રજની : મને પણ એ વાતો વિના જીવવું એ લગ્નજીવન અધુરું લાગે છે. મન તો ઘણી વખત થાય કે જ‌ઇ ને એમને ઊઠાડું કહું મને ઉંઘ નથી આવી રહી પણ.... પાછું યાદ આવી જાય કે ઊંઘ શા માટે નથી આવી રહી એટલે મન પાછું વળી આવે... 

મયંક : પણ વળી ને પાછું એ મન ન આવી શકે...જે બે વર્ષ પહેલા હતું. 


રજની : કોશિશ તો કરી પણ આપણું બધું આપણા હાથમાં નથી હોતું. એમ પણ વિસ્વાસ વિના એક સારી જીંદગી જીવી શકાય છે. 

મયંક : એ કેવી રીતે...?


રજની : બિલકુલ એવી રીતે જેવી રીતે આપણા શરીરમાં કંઈ પણ થયું હોય જેમ કે એક આંગળી કપાય ગ‌ઇ હોય. તો શું જીવાતું નથી. કંઈ વાગે કે કોઈ ગંભીર બિમારી હોય તોય જીવે જ‌ઇએ છીએ. બસ એમ જ....!

મયંક : હા કદાચ...! જીવે તો જ‌ઇએ પણ ફરક તો આવી જાય ને...?

રજની : બસ એનું નામ જ જીંદગી.... અને ગમે તેમ થાય છતાં પણ સાથે રહીએ એનું નામ લગ્નજીવન...

મયંક : ખબર નહીં કેમ બધું અધુરું જ રહી જાય છે. એ ચાંદ ને પણ પુર્ણતા મળી માત્ર એક દિવસની એના પણ બાકીના દિવસો તો અપૂર્ણ રહ્યા..... અને છેલ્લે એક અંધકાર...!

( મયંક નિરાશાની ગર્તમાં ધકેલાઈ જતો જોઈ રજની વાત ને બદલે છે)

રજની : આજે પણ તમે સફેદ શર્ટ જ પહેર્યું..?

મયંક : બે વર્ષ પહેલાં હું વધારે સફેદ શર્ટ જ પહેરતો ને અને તને પણ ખુબ ગમતું ત્યારે....! અને ત્યાર પછી તો હું ગમે તે કલર નું શર્ટ પહેરું તને ખાસ કંઈ ફરક પડતો નથી.

રજની : એવું નથી !

મયંક : એવું નથી... તો પહેલા જેવું પણ નથી... મારા મનમાં ઘણી વખત એ ઈચ્છા થાય કે એ રજની મને પાછી મેળી જાય જે બે વર્ષ પહેલાં હતી. હું કામેથી ઘરે આવું ને તું મને આવતાની સાથે ગળે વળગી પડ...એ ઢગલાબંધ તારો પ્યાર... કલાકો સુધી ચાલતી એ તારી વાતો...આમ ન‌ઇ તેમ જીવાય... એ બધું કહેવાનું તે છોડી દિધું ... મને એવું લાગે જાણે તે મને છોડી દિધો છે.

રજની : ઇ બધું ત્યારે નવા નવા લગ્ન થયા હતા ને ... અને પછી સમયની સાથે પ્રેમ પણ અપડેટ થાય કે નહીં... તમને ખબર છે હું તમને બહુ પ્રેમ કરું છું ચાલો હવે સેમી ઉઠી હશે હું જ‌ઇ એને લ‌ઇ લ‌ઉ .

( રજની ચાલી જાય છે. મયંક હજુ ત્યાંજ બેઠો છે. એક નજર ચાંદ સામે કરે છે અને ચોધાર આંસુએ રડી પડે છે. તેના હૃદયમાં ઉફણતો એ વસવસો દરેક શ્વાસમાં વર્તાય છે. મયંક ની આંખમાંથી વહેતાં એ આંસુ ચાંદનીમાં ઝળકી ઉઠે છે.) 


લગ્નજીવનનાં બન્ને પાત્રો અલગ અલગ વાતાવરણમાં મોટા થયા હોય છે. ઘરની રૂઠી થી લઈને સંસ્કાર સુધી બંનેમાં અલગ અલગ સિંચન થયું હોય છે. દુનિયા ને જોવાનાં દ્રષ્ટિકોણ જુદા હોય છે. એક ને મન સવાલ કરવો હક હોય છે જ્યારે બીજાને મન સવાલ કરવો સામે બોલવા જેવું હોય છે. અને જ્યારે બે વિચારો એક પથ પર ચાલે ત્યારે મન મેળ ભાગ્યેજ રહે.

છતાં પણ લગ્નજીવન ધબકતું રહે તે માટે વિસ્વાસ, લાગણીઓ સાથ સહકાર, પ્રેમ,હક એ બધું જોઈએ. લગ્નજીવન ની સૌથી મોટી સફળતા ક‌ઇ છે ખબર છે જ્યારે એ વ્યક્તિ હાજર ન હોય પણ હૃદયમાં એની હાજરી ને હયાત માનવામાં આવે ને એ.


શરુઆતમાં બધું સારું લાગતું ખબર નહીં કેમ સમય જતાં એવું નથી લાગતું. બે ઘડી બેસી વિચારીએ ત્યારે એવું લાગે કે સાવ આમ જીવવા માટે તો નથી બંધાયા. જ્યારે એ વાત નો અહેસાસ થાય ને ત્યારે એ જીવન જીવવાના પ્રયાસો કરવા જોઈએ જે જીવન મનનાં કોઈ ખુણામાં અધુરું રહી ગયું છે.


મયંક એ ચાંદ ને નિહાળતા નિહાળતા તેની નજર ચાંદના પ્રતિબિંબ પર આવી અટકી ગઈ. મનમાં વિચારો આવવા લાગ્યા કે પોતે પણ માત્ર પ્રતિબિંબ માં જીવન જીવી રહ્યો છે. રજની ની યાદો ના પ્રતિબિંબ માં પોતાના અધુરા જીવનને પુર્ણ કરવા જાણે મથી રહ્યો છે.  


તેને સમય રહેતા સમજવું હતું. બધું સંભાળવું હતું કદાચ એકવાર કહેવું હશે રજની મને માફ કરી દે...! મારે આખી જિંદગી તારી સાથે જીવવી છે. પણ એ શબ્દો રજની ના કાન સુધી પહોંચે એ પહેલાં સમય ને કંઈ બીજું મંજૂર હશે. 


મયંક ના વહેતાં એ આંસુ એ કાદાચ કેટલીયે રાતો સુધી ફરીયાદ કરી હશે. એકવાર રજની ના ખોળામાં માથું મૂકીને નિરાંતે ઊંઘવા નો એ શુષ્ક આંખોને મનમાં ઘણો વસવસો હશે. હૃદયને પણ હળવું થવું હશે એ ભાર લ‌ઇ ફરવું તો એને પણ નહીં ગમતું હોય. 

જ્યારે સેમી નો જન્મ થયો ત્યાં સુધી લગભગ બંને ના મન વિખેરાઈ ગયા હતા. અને મન એમને એમ નથી વિખેરાઈ જતા એક એક કડી તુટતી જાય છે. જ્યાં સુધી છેલ્લી કડી પણ બાકી હોય મન મથતું રહે છે એ તુટેલી કડીઓ ને જોડવા માટે.

થોડી વાર પછી મયંક ને સેમી ના રડવાનો અવાજ સંભળયો અને જાણે પાછલા વિચારોમાંથી ચેતના આવી. તે પોતાની જાતને સંભાળતા તરત અંદર ગયો. સેમી નિરાંતે સૂઈ રહી હતી. કદાચ તેને મનનાં ભણકારા વાગ્યા હશે. નિરાંતે પોઢી રહેલ સેમી ને મયંક ઘડીભર માટે જોઈ રહ્યો. તેને એવું લાગ્યું કે સેમી સપનામાં રજની થી વાતો કરી રહી છે. સેમી ની આંખો ને હોઠ અદલોઅદલ રજની જેવા જ ...! 


મયંક ના મનમાં આજે પણ રજની ની સ્મૃતિઓ અકબંધ રહી છે. 


" સમયની સાથે ભલે સંબંધ નું અસ્તિત્વ જોખમાય પણ મનમાં એ લાગણીઓ સલામત રહે છે. "

 

મયંક એક તરફ સેમી ને જોઈ રહ્યો અને બીજી તરફ બારીમાંથી ચાંદની રજની ના ફોટા પર પડી રહી હતી. ત્યાં નજર અટકી ગઈ. ચાંદના અજવાળામાં રજની ની તસ્વીર વધારે મોહક લાગી રહી હતી. મયંક તેની હળવી સ્માઈલ સામે થોડું હસ્યો પણ આંખોની ભીનાશ એમ જ રહી. 

કદાચ તેને પણ ઘણી ફરીયાદો કરવી હશે. એ વ્હાલ ક્યાંય નહીં ગયું હોય જે શરુઆતમાં હતું. બસ સમય અને સંજોગ પાછાં મળે ! 


એવા ઘણા લગ્નજીવન જ્યાં રહે તો સાથે છે. પણ જાણે રોજનીશી માં પરોવાયેલા તો ક્યાંક સમાજ થી બંધાયેલા તો વળી ક્યાંક મનથી વિખેરાયેલા. લગ્નજીવનમાં એ અધૂરપ એટલી હદે બેસી ગયેલી કે બહાર કાયમ બધું સામાન્ય જ દેખાય પણ અંતર ક્યારેક એ ખાલીપો સાલે ખરો ! 

લગ્નજીવન બાબતે એક વાત મનમાં રહી ગયેલી 

 " મળે એ મનગમતું કેમ ન હોય "


યાદોમાં ને વિચારોમાં સુર્યોદય નો સમય થવા આવ્યો અને ચાંદ તેની નિરખતી ચાંદની સાથે અસ્ત થવા જઇ રહ્યો હતો. મયંક ને મનમાં થયું એ અસ્ત થતા શશી ને રોકી લ‌ઉ અને હું ને રજની ફરી તેની સમક્ષ બેસી એ વિખેરાઈ જતા સંબંધને સમેટી એ. પણ જે અસ્ત થવા જઇ રહ્યો હોય તે થોડી રોકી શકવાના. હા રાહ જોઈ શકાય એના ફરી ઉદય થવાની. 


સેમી ના ઉછેરમાં અને પોતાના કામમાં મયંક વ્યસ્ત રહેવા લાગ્યો. પણ કોઈ ચાંદની રાતે મયંક થોડો સમય કાઢીને તે શશી ના પ્રતિબિંબ ને નિહાળ્યા કરે અને રજની ફરી આવે મયંક ને મળવા પ્રતિબિંબ ની જેમ.......! 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ