એ કોડભરી ઢળતી સાંજે
એ કોડભરી ઢળતી સાંજે...
"પ્રકૃતિના ખોળે રમવાની મજા કંઈક ઓર જ હોય છે. શહેરની ભીડભાડ અને પ્રદૂષિત વાતાવરણ, અસહ્ય કોલાહલથી દૂર ખુલ્લાં આસમાન નીચે, વૃક્ષોથી હર્યાભર્યા વાતાવરણમાં પક્ષીઓનો કલરવ માણવાની મજા! લીલીછમ ધરતીમાંથી આવતી મીઠી મીઠી સોડમ, ખળખળ વહેતી નર્મદા મૈયાના સ્પર્શીને આવતી ઠંડી લહેરો... અલૌકિક! અદ્ભુત! ' નવપરિણીત શાંતનુ જાણે નરકમાંથી સ્વર્ગમાં ઉતરી આવ્યો હોય તેવો અનુભવ કરતા બોલવા લાગ્યો.
"હં" બાઈક પર પાછળ બેઠેલી સુનીતાએ પકડ વધુ મજબૂત કરી.
"સુની, આ નર્મદા કિનારે જેટલા કંકર એટલા શંકર. ખબર છે તને!"
"હં"
શાંતાનુંએ બાઈકની સ્પીડ વધારી. સંધ્યાકાળની નર્મદા મૈયાની મીઠી, ઠંડી હવા તેનામાં જોશ ભરી રહી હતી તો પાછળ બેઠેલી સુનીતાની પકડ, તેનાં ઉચ્છ્વાસ...તેના મનમાં, તેના શરીરમાં કંઈક મદહોશી જગાડી રહ્યાં હતાં. " બસ! હવે દૂર નથી." દૂર દૂરથી મંદિરની લહેરાતી ધજા જોઈને તે બોલી ઉઠ્યો," આપણાં આરાધ્ય હવે ખૂબ નજીક છે સુનીતા. તારૂં મહિયર પણ ખૂબ નજીક. આ લીલાછમ વૃક્ષો અને ઘેરુ એકાંત! ઢળું ઢળું સાંજની મધુરી એકલતા! સુની, કંઈક તો બોલ." તેણે બાઈક ધીમી કરી અને અટકાવી.
"શું થયું!" સુનીતાના શરીરે ઝીણું ઝીણું, મીઠું મીઠું કંપન અનુભવ્યું.
" થોડોક રેસ્ટ!" ભરૂચથી નર્મદા મૈયાને સંગે વિહરતો શાંતનુ ડ્રાઈવીંગનો થાક થોડો હળવો કરવા હેઠે ઉતર્યો. વૃક્ષની શીતળ છાયા નીચે બાઈક મૂકી. ત્યાં બેઠો. બોટલમાંથી ઠંડી છાશ કાઢી અને હોઠે અડકાડી. "અરે! તું તો પી."
"ના. પહેલા નર્મદામૈયામાં સ્નાન કરીશું પછી દર્શન અને પછી.."
" પછી.."
" ગરમ ગરમ ભજીયા અને ઠંડી ઠંડી લસ્સી."
"સુની, આરાધ્ય પાસે શું માગશે!"
"ખોળાનો ખૂંદનાર "
શાંતાનુએ સુનિતા સામે જોયું. તેનાં કાજળભર્યા નયનોમાં ઘેરી કાળી કીકીની આસપાસ ફેલાયેલાં સફેદ પટલ પર આકાશનો નીલો રંગ છવાતો હતો. તેણે હાથથી પાંપણને સ્પર્શ કર્યો, 'હાથમાં આકાશ ભરી લઉં.. અદભુત!"
"હટ્ટ!" સુનીતાની પાંપણ લજ્જાથી ઢળી પડી.
શાંતનુએ આસપાસ નજર કરી. રોડ ઉપર એકલદોકલ ગ્રામવાસી ગાયભેંસને ચરાવતા નીકળી જતાં હતાં. કોઈક વાહન પૂર ઝડપે દોડી શાંતિના નીરમાં કાંકરીચાળો કરી ભાગી જતાં હતાં. સર્વત્ર શાંત! શાંત એવા વાતાવરણમાં થોડી દૂર નજર સરકાવી. અહીં વૃક્ષો પણ ખૂબ ફૂલ્યાં ફાલ્યાં હતાં. તેમના મસ્ત, મોટાં થડ જોઈને લાગ્યું કે વૃક્ષો ખૂબ જુના હશે. તેમની પાંગરેલી ડાળીઓ એટલી ફેલાયેલી હતી કે... તેણે ઊંચે દૃષ્ટિ કરી. થોડીક દૂર કરી. સ્હેજ દૂર વહેતી શાંત, ગંભીર નદી તેની આંખોમાં સમાઈ ગઈ.
"સુની, ચાલ.પહેલા સ્નાન કરી લઈએ."
" શાંતનુ, આ બધું કંઈક જુદું જુદું નથી લાગતું! આપણે કરનાળી પહોંચી ત્રિવેણી સંગમનાં શાંત કિનારે સ્નાન કરીશું."
" ત્યાં થોડી ભીડ હશે. તને સંકોચ થશે. ચાલને આવી રળિયામણી જગ્યા પર જ. થોડુંક જ ચાલવાનું છે જો... અહીંથી ઊંડા ઊતરીને થોડુંક દૂર."
"મારું મન ના કહે છે શાંતનુ... "
"સાવ બીકણ, ડરપોક! હું સાથે છું તો પણ ગભરાય છે! ચાલ..." તેણે સુનીતાને ખેંચી. સડક પરથી નીચે ઉતરી, ખૂબડખાબડ રસ્તે ધૂળ માટી ઉડાડતાં, વૃક્ષોની ડાળી તોડતાં, દોડતાં કરતાં નદી કિનારે આવી પહોંચ્યાં. બેઉ હાંફવા લાગ્યાં. શાંતનુએ ફરી દૃષ્ટિ ઊંચે ઉઠાવી. સૂરજ હજી ક્ષિતિજની કોરને ઝળહળ કરતો હતો. ખુલ્લું આસમાની આકાશ અને નદીમાં વહેતા ચોખ્ખાં નિર્મળ નીર જાણે આસમાની આભા પાથરતા હતાં. બરાબર સુનીતાની આંખો જેવા!
શાંતનુએ પાણીને સ્પર્શ કર્યો. હાથમાં લઈ માથે ચડાવ્યું. વંદન કર્યાં નર્મદા મૈયાને.
" શાંતનુ, એક વાત કહું! નાની હતી ત્યારે દાદીમા કહેતાં કે અજાણી જગ્યા, અજાણ્યા નીર..."
"પણ આ તો જાણીતું સ્થળ છે. જો ઊંચે જો. દૂર દૂર રોડ પર વાહનો કેવાં કીડી બનીને દોડે છે. જો આ સ્વચ્છ નદીમાં કાંકરા પણ કેવા અદ્દભુત દેખાય છે! "
"પણ તીર્થ હજી બહું જ દૂર છે. લહેરાતી ધજા પણ કેટલી નાની દેખાય છે!"
"એકવીસમી સદીની સ્ત્રી આવી વહેમી!"
"તું નહીં માને. જિદ્દી સાવ...." સુનીતાએ પગે લાગી નદીમાં પ્રવેશ કર્યો. ડૂબકી લગાવી આરાધ્યને અનેક પ્રણામ કરી ફરી ડૂબકી લગાવી. કિનારે આવી થોડી દૂર મોટાં વૃક્ષની છાયા હેઠળ આવી ઉભી રહી.
શાંતનુતો જાણે પ્રકૃતિમય બની ગયો હતો. ઊંધો ફરી કેમેરામાં સુંદર રળિયામણી પ્રકૃતિને સમાવવા પ્રયત્ન કરી રહ્યો હતો. ધીરે... ધીરે વિડીયો લઈ રહ્યો હતો. નદીની ધીમી લહેરોને... તેમાં ઉઠતાં સ્પંદનોને...તરંગોને. ધીરે ધીરે તેણે કેમેરો ઘુમાવ્યો. વિશાળ વૃક્ષની છાયામાં ઊભી રહેલી સુનીતા... શરીર પરથી ટપ ટપ ટપકતાં પાણીને સરકાવતી સુનીતા... પોતાના લાંબા, ગહેરા, કેશ છૂટાં કરીને, ઝાટકીને પાણી નીતારતી સુનીતા...
અચાનક...
અચાનક જાણે વૃક્ષનું થડ હાલ્યું. વૃક્ષના થડમાંથી મોટીમસ, વિશાળ ભૂજાઓ જેવી લાંબી લાંબી અને ગાઢા પર્ણોવાળી ડાળીઓ બહાર નીકળી અને સુનીતા ઘેરી વળી. થડ સહેજ ખુલ્યું અને સુનીતા વૃક્ષમાં!
શાંતનુ એકદમ!
વિડીયો ચાલુ પણ શાંતનુની આંખો સ્થિર, વિશાળ વિસ્તારવા લાગી. મગજ શૂન્ય. હૃદય, મન કશુંય સ્વીકારવા, વિચારવા અસમર્થ!
ધડામ કરતો નીચે પડ્યો. તેના તરફડતા દેહમાંથી વારંવાર "સુનીતા.. સુની..." ગગનભેદી અવાજ નીકળતો હતો. તેની ગગનને ચીરતી ચીસથી આકાશ ગુંજી ઉઠ્યું. નર્મદામૈયાના નીર ઉપરથી પણ "સુની.. સુની..." અવાજ આવવા માંડ્યો. પક્ષીઓ ગભરાઈને ઊડવા માંડ્યા. કલરવ ચિચિયારીઓમાં પલટાઈ ગયો. વૃક્ષો પરથી અસંખ્ય પક્ષીઓએ ઉડી ઉડીને આકાશ ભરી દીધું. આખુંયે આકાશ પોતાની પાંખોમાં ભરીને ધરતી પર તિમિર પાથરી દીધું.
શાંતનુ જમીન ઉપર પડેલો, ખુલ્લી આંખે પ્રકૃતિનું નવું સ્વરૂપ જોઈ રહ્યો.
અચાનક આંખો બંધ થઈ ગઈ. જ્યારે આંખો ખોલી ત્યારે તમરાં તેના કાનમાં ગુંજતા હતા. સૂરજ પોતાના કિરણોથી દરેક વૃક્ષપર્ણને નવડાવતો હસી રહ્યો હતો. પક્ષીઓ વૃક્ષોની ડાળે લપાઈને કલરવ કરતાં હતાં. શાંતિ હતી સર્વત્ર! તેણે ઉઠવા પ્રયત્ન કર્યો પણ જાણે!
તે હબકાઈ ગયો. તે કાદવનાં ખાડામાં પડ્યો હતો. તેણે હાથ ઉઠાવ્યા પણ કંઈક અજુગતું લાગ્યું. પોતે નિર્વસ્ત્ર હતો. માંડમાંડ હાથ ઊંચો કરી મોઢાને સ્પર્શ કર્યો. મોઢા પર કરચલીઓ, આંખો ઊંડી ઉતરી ગયેલી, વાળ..' ઓહ!! શું થઈ ગયું મને! હું.. હું ...સુની...' તેણે વૃક્ષ પર નજર કરી. વૃક્ષ હસી રહ્યું હતું સૌમ્યતાથી... પક્ષીઓને આગોશમાં લઈ... ઠંડી છાયા પ્રસરાવતું.
અથાગ પ્રયત્ન પછી માંડ માંડ કાદવમાંથી છૂટકારો મળ્યો પરંતુ ઊભો થયો તેવો ફરી પડ્યો. પગ સાથ આપતા ન હતા. અસંખ્ય અળસિયા સળવળ સળવળ કરતાં શરીર ઉપર રમતાં હતાં. પાછળ નજર કરી નદીમાં સ્નાન કરવા...પરંતુ આખેઆખી નદી જ ગાયબ! સૂરજનો તીખો તડકો શરીર પરના કાદવની આરપાર થઈને દઝાડવાનો પ્રયત્ન કરતો હતો; તો અળસીયા શાતા મેળવવા આંખ, કાન અને નાકમાં...
"સુનીતા..." ફરી ગગનભેદી ચીસ નાંખીને પડ્યો ધરતી પર. દૂર વાહનો જોતાં હાથ કરી મદદ માગવા પ્રયત્ન કર્યા પરંતુ...!
ધીરે ધીરે લટકતા વેલાની મદદથી બહાર આવ્યો. આવીને રોડ પર ઉભો રહી ગયો. ગાયભેંસ ચરાવતા ગ્રામવાસીઓ પહેલા તો હબકી ગયાં પછી તેને જોઈને ભાગી ગયાં. એક બાઈક સવારે બાઈક ઉભી રાખી. હેલ્મેટ કાઢી પણ તેને જોઈને એવો તે હબકી ગયો કે...! શાંતનુએ બે હાથ જોડ્યા. મોઢા પર સળવળ રમતાં અળસિયા ખેંચી ખેંચીને ફેંકવા લાગ્યો. તે માણસ પાસે પગ પડીને રડવા લાગ્યો.
" કોણ છે તું !"
"હું કોણ છું?" મનમાં પ્રશ્ન થયો શાંતનુને. મગજ ક્ષુબ્ધ હતું. ફરી કડાકો થયો. તેણે કંઈક બોલવા હોઠ ખોલ્યા પણ અળસીયા! ફરી...'હું કોણ છું?' વારંવાર પ્રયત્ન કરવા લાગ્યો પણ વાણી, વાચા અને વિચાર બધું જ ક્ષુબ્ધ! અસ્પષ્ટ શબ્દ બોલી વિશાળ થડવાળા વૃક્ષ તરફ આંગળી ચીંધી.
"ઓહ!" દુઃખદ ઉચ્ચાર સાથે બાઈક સવારે પાણીની બોટલ આપી. પહેરેલો શર્ટ તેને આપી ત્યાંથી નીકળી ગયો ઉલટી કરતો.
સ્વચ્છ ભૂરાં આકાશને જોતો શાંતનુ ગોળ ગોળ ફરવા લાગ્યો. ફરતાં ફરતાં દૂર દૂર મંદિરની લહેરાતી ધજા દેખાઈ. શરીરમાં એક આદેશનો પડઘો પડ્યો અને તેના પગ તે તરફ.
ન જાણે કેટલો સમય વીત્યો આવી ક્ષુબ્ધ અવસ્થામાં મંદિરે પહોંચતા!
લથડીયા ખાતો, ધબ ધબ ચાલતો શાંતનુ અજાણ્યાં, નિર્જન, એકાંત, અવાવરૂં શિવાલયના પ્રાંગણમાં પહોંચ્યો. શ્વાસ અતિશય ફૂલવા લાગ્યો. દરેક શ્વાસે મરેલા અળસિયા બહાર નીકળવા લાગ્યાં. તેણે મોઢેથી ઊંડો શ્વાસ લીધો અને ચીસ પાડી, શ્વાસ બહાર નીકળ્યો... મરેલા અળસિયાની ઉલટી કરી. કાદવલિપિત જડ વાળ ખેંચી કાઢવા માંડ્યા. આખરે કશુંયે ના રહ્યું.
"હાશ!" મંદિરના પગથિયે બેભાન થઈને પડ્યો.
જ્યારે આંખ ખુલી ત્યારે તેના શરીર પાસે કેટલાંય પૈસા, કેટલુંય ખાવાનું પડ્યું હતું. કોઈ ચાદર ઓઢાડી ગયું હતું. અજીબ લાગ્યું તેને આ બધું...! પૈસાને હાથમાં લીધા અને થોડીક વાર જોયા કર્યાં...પછી ફેંકી દીધા. ખાવાનું હાથમાં લઈ આમ તેમ જોયું અને દૂર ફેંકી કૂતરાને ખાવા દીધા.
કશીય સમજણ વગર ક્ષુબ્ધ મને ત્યાં પડી રહ્યો. ભૂખ, તરસ તેના શરીરને કે મનને સ્પર્શતી જ ન હતી. જાણે કોઈ આદેશ હોય તેમ નિર્જન શિવાલયનાં પગથિયે પડી રહ્યો. રાત્રે મંદિરનાં ચોકમાં ચાંદો ઊગ્યો...પૂર્ણ પ્રકાશતો. "આ સમસ્ત જગતને પ્રકાશતા સૂરજનું તેજ હું જ છું. હું જ છું. રાત્રે સમસ્ત અવનીને ઝળકાવતા, વનસ્પતિને પોષણ આપતા, શીતળતા આપતા ચંદ્રનું તેજ પણ હું જ છું." તેના અંતરાત્મામાં અવાજ આવ્યો અને દેહમાંથી કૂદકો મારીને મંદિરનાં ઓટલે શાંતનુ બેસી ગયો. તેણે ઊંચે જોયું. ચોકમાં ઉગેલા ચંદ્રમાંથી નીકળતી ચાંદની તેના શરીરને શીતળતા આપતી હતી. શાતા આપતી હતી. તેના તેજમાં નહાતો તે ગહેરી નિદ્રામાં સરી પડ્યો.
સવારે શરીરની આસપાસ કોલાહલ સંભળાયો. ઘણા વખત પછી તેને લાગ્યું કંઈક સંભળાય છે. શરીરમાં શ્વાસ છે. તે જીવે છે.
" કેટલાય દિવસથી આમ જ પડ્યો છે." કોઈ સ્પર્શીને બોલ્યું. "જીવે છે. "
તેણે પગ હલાવ્યો. હાથ હલાવ્યો. માથું હલાવ્યું અને પડખું ફરીને ઉભો થયો. 'આશ્ચર્યમ્! હું.. હું... !'
આખાયે શરીરે ભસ્મથી લિપિત, દિગંબર, જટાધારી, અઘોરી તપસ્વી સાધુએ તેને સહારો આપ્યો. તેનું શરીર સ્વચ્છ કર્યું... સંપૂર્ણ સ્વચ્છ! કંઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર તેમણે વાળ વિનાનાં માથાં ઉપર હાથ મૂક્યો.
સંધ્યાકાળે જ્યારે આંખ ખૂલી ત્યારે શાંતનુ તે વિશાળ વૃક્ષ નીચે, એક કેસરી કપડું વીંટાળીને બેઠો હતો. તેનું સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ આત્મા આનંદિત હતાં. લીલીછમ પ્રકૃતિને નિહાળતો, હાથ પગ ઊંચા કરી, ખડખડાટ હસતો, ગાંડાઘેલા કરી આનંદ વ્યક્ત કરતો હતો ત્યાં જ એક વાહન દેખાયું. ઊભાં થઈને તેણે હાથ કર્યો. બાઈક ઉભું રહ્યું. બાઈક ઉપર બે વ્યક્તિઓ બેઠાં હતાં. આગળની વ્યક્તિએ હેલ્મેટ ઉતારી'ને શાંતનુની સાન્નિધ્યમાં આવ્યો. પ્રસન્ન વ્યક્તિત્વ ધરાવતો તે વ્યક્તિ ખાખી કપડામાં હતો. તેમના શર્ટ પરની નેમપ્લેટ "ઇન્સ્પેક્ટર રાઘવ " સૂર્યપ્રકાશમાં ઝળહળ થતી હતી.
"બોલો બાપજી, શું મદદ કરું!" ઇન્સ્પેક્ટર રાઘવે બે હાથ જોડ્યા.
શાંતનુ બોલવા માંડ્યો. અટક્યા વગર ખૂબ બધું બોલી ગયો.
" બાપજી કંઈ સમજણ પડે તેવું કહો."
વિસ્ફારિત નેત્રે શાંતનુએ રાઘવ સામે જોયું. તેમનો હાથ પકડી વિશાળ થડવાળા વૃક્ષ હેઠે લઈ આવ્યો. બીજી વ્યક્તિ એટલે કે કોન્સ્ટેબલ હરીએ એકદમ ચીસ પાડી, "સર, જલ્દી પાછા આવો. આ જગ્યા પિશાચી આત્મા...." હજી વધુ કંઈક બોલે તે પહેલા જ એક ધસમસતાં વાહને કોન્સ્ટેબલ હરીને હડફેટે લઈ લીધા.
ઇન્સ્પેક્ટર રાઘવ....
*****
