ભરમ
ભરમ
ઓણસાલ મેહુલિયો વરસ્યો ગિરની ધરા પર... મન મૂકીને વરસ્યો. અહાહા! એવો વરસ્યો, એવો વરસ્યો કે ગિરની ધરા તૃપ્ત થઈ ગઈ. ગેબી ગિરનારના પાષાણના અણુએ અણું જીવિત થઈ લીલાં વાઘા પહેરી ઝૂમી ઊઠ્યાં. તો ડુંગરા લીલીછમ ઓઢણી ઓઢી ડોલવા લાગ્યાં. નદીનાળાં છલોછલ થઈ તૃપ્તિના ઉમંગમાં નૃત્ય કરવા લાગ્યાં. ઠંડી ઠંડી, મીઠી હવા લીલાછમ પર્ણોને સ્પર્શીને અલૌકિક ગીત ગાતી ગાવા લાગી. અરે! પેલી સુવર્ણરેખા નદી તો ઠેઠ આભેથી ઊતરીને ગીચ ઝાડી ઝાંખરાને તૃપ્ત કરતી, સિંહબાળને ઝબકોળી, કિનારે આવેલા નેસડાને ભીંજવતી, સરરર...સરરર.. વહેતી વહેતી ગિરનારની ગોદમાં વસેલાં જૂનાગઢને પાણીથી તરબોળ કરી રહી હતી. એવે ટાણે જુનાગઢમાં નાગરવાડાનાં નાકે આવેલી હવેલીમાં થોડો સંચાર થયો. કાળાં કાળાં વાદળ ગર્જ્યાને કેસરમા માથે ઓઢણી સરખી કરતાંકને ઝરૂખે આવ્યાં. ઝરૂખેથી આભમાં સહેજ નજર કરી. મદમસ્ત હાથી જંગલને ઘમરોળે તેમ કાળાં વાદળો, હાથી જેવી મદમસ્ત ચાલે આભને ઘમરોળતા હતાં. તેમણે ધડકતાં હૈયે હાથ મૂક્યો, "ઓ માડી રે...' ને હેઠે જોયું તો સરિતાના નીર ઉછળી ઉછળીને જૂનાગઢની ધરતીને ઘમરોળતા હતાં.
"ઈના દહાડા સ ત ઇ વરહવાનો જ ને! મન મૂકીને વરહે ઈમાં સોગિયું મોઢું કરી કાં ઝાંકો!" વેણુભા મૂછ મરોડતા હસી પડ્યા.
"માડી રે... અણીપા હેઠે તો ઝાંકો. આ મેહુલિયાનો હાદ હાભળી ન જુનાગઢની ધરતીનાં ગરભમાંથી નીર ફૂટી ફૂટીને આભને અડવા ધાંધા થઈ ગ્યા સે."
"થાય...થાય. હંધુય થાય પણ ધાર્યું ધણીનું થાય. માથે બાપ જેવો ગિરનાર બેઠો સ 'ન ભોળાનાથના આશિષ સ પસે શી ચિંત્યા. માલુકોર આવી જાઓ. નકર ભીંજાય..."
"ગજબની ટાઢક સે કોઠે...." કેસરમા રાધણિયામા પેઠાં. " રાધાવહુ, લાવો શાક મોળવી દઉં."
ત્યાં જ હવેલીના કમાડે ટકોરા થયાં. બહાર વરસાદી વાતાવરણ હતું અને વરસાદી અંધારું સાંજ પડે તે પહેલાં જ ત્રાટકવા તલપાપડ હતું. આવામાં "કોણ સ અટાણે!" આછી ભયની રેખા કેસરમાની આંખોમાં રમવા માંડી. હૈયે કંઈક ચૂંથારો થવા લાગ્યો.
ફરી ટકોરા થયાં, "આઈ રે.. માડી...આઈ..." કરતાંકને બારણું ખોલ્યું. આછાં આછાં અજવાળામાં તેમની આંખો આવનાર આગંતુકને ફંફોસવા માંડી.
આવનાર આગંતુક જુવાનીયો, મસ મોટો લાંબો, વધેલી દાઢી 'ને જીંથરા વાળ, લઘરવઘર કપડાં 'ને ભીંજાતો, પેટે હાથ ફેરવતો, વાડકો ખખડાવતો તોતડાતી જીભે બોલ્યો, "માડી...માડી..."
"માડી..." શબ્દ સાંભળીને કેસરમાના હૈયામાં ઉથલપાથલ થઈ ગઈ 'ને એ શબ્દ હૈયાની આરપાર થઈને શરીર પર હાવી થઈ ગયો. થર થર ધ્રુજવા લાગ્યાં. "કોણ સો!" ફરી બોલ્યાં અને આંખો સામે પાણીનાં પડળ વિસ્તરવા લાગ્યાં. હૈયું હાથ ન રહ્યું અને તમ્મર ખાઈને પડ્યાં..."ધબ્બ."
"ધબ્બ" ના અવાજે રોટલા ઘડતાં રાધાવહુના પેટમાં ફાળ પડી. ઝટ્ કરતાંકને ઊઠ્યાં અને લાજ કાઢતા બહાર આવ્યાં "માડી, કા હું થ્યું!" કેસરમાએ આંગળીથી ઈશારો કર્યો, "ન્યા.."
"માડી, ન્યા કોઈ નથ્."
"હાલ તો.. " તેમણે ગભરાઈને જોયું. 'ઘડીકમાં અદ્રશ્ય!'
"હજીય ભણકારા વાગ સ હૈયામાં!" વેણુભા દોડીને નીચે આવ્યા અને કેસરબાને ટેકો દીધો." વહુબટા, થોડો સા મુકો. તમારા માડી સાના એક હબડકે ઝટ્ ઊભાં થાશે."
" હો...હાયા જીવ જાય સ 'ન તમારે ગજબની ટાઢક સે કોઠે!" ખુલ્લાં બારણામાંથી વરસાદી છાંટા કેસરમાને ભીજવીને આંખની ક્યારીઓ છલકાવી ગયાં તો રાધાવહુના હૈયાને જાણે અનોખી ટાઢક મળી હોય તેમ હોઠ પર સ્મિત ખીલી ઊઠ્યું. તેમનાં હૃદયનાં સતેજ ધબકારા ધક્...ધક્... કરતાં કહી રહ્યાં હતાં," ઈ જીવે સ. ઈ પાસા આવહે જ."
રાત્રે વાળું કરી રાધાવહુ ઓરડામાં પેઠાં. બંધ બારીના કાચ પર વરસાદનાં ફોરાં દસ્તક દઈ રહ્યાં હતાં જાણે પ્રિયતમની મીઠી યાદોમાં ભીંજાવાનું આમંત્રણ! મલકાઈ ઊઠ્યાં રાધાવહુ. "થોભ ઘડીક..." અડવાં શરીરે આછાં શણગાર સજતાં સજતાં તેમનાં હૈયાનાં મીઠાં મલકતા સ્વરે ઓરડાને રોમાંચિત કરી દીધો. "તારી વાંકી રે... પાઘલડીનું ફૂમતું રે...મને ગમતું રે...આ તો કઉ સુ રે...માધવીયા તુંને અમથું રે..." નયનોમાં લજ્જાના ઘેરાં કાજળ આંજીને બારી ખોલી. ધસમસતી યાદોનો વંટોળિયો ધસી આવ્યો 'ને રાધા વહુ ભીંજાવા...! વરસાદની ધારને હાથમાં ઝીલતાં ઝીલતાં બોલી ઊઠ્યાં, "અરે ઓ મેહુલિયા! ઝા...ને.. ઈ જ્યાં હોય ન્યા હંદેહો દઈ દે ને ક તારી રાધા રાહ જોતાંકને બેઠી સ. ઝટ્ આય. આ આયખું હવ હઠે ચયડુ સ. તુજ વિના ઝૂરીઝૂરી 'ન તૂટવા બેઠું સ..." મીઠી યાદોમાં ખોવાતા રાધા વહુ બારીના ટેકે જાણે સ્થંભ બની ગયાં.
કેસરમા ય વાળું કરી ઓરડામાં પેઠાં પણ રાધાવહુના ઓરડામાંથી ઝીણો અવાજ આવતાં ત્યાં જ ઊભાં રહી ગયાં. કાન સરવા કર્યા. વરસાદનાં અવાજ સિવાય કશું ના સંભળાયું. "રે માડી..." માથે ઓઢણી સરખી કરી ઓરડામાં પેઠાં 'ને બારી ખોલી. તોફાની વરસાદની વાંછટે કેસરમાને પોતાનામાં ભીંજવી દીધાં. અંતર ઝણઝણી ઊઠ્યું. માધવો યાદ આવી ગયો. અંધારા આકાશને વરસતાં વાદળ સાથે આંખોમાં સમાવી કેસરમા વીતી ગયેલી ક્ષણોને સંજોડવા માંડ્યાં. 'કંઈક કેટલીયે બાધાઓ પસે મા જોગમાયાએ રૂડો રૂપાળો દીકરો દીધો. ઈના બાપુ તો ઈવા રાજી થીયા'તા ક અન્નના ભંડાર ખુલ્લાં મુયકી દીધાતા. આખાય પંથકને ખવરાવ્યું'તું. સાધુ મહાત્માય આશીર્વાદ દેવા આયાતા. ઈકવાર તો માધવો ડુંગરા ખૂંદવા ગ્યો તો ન સિંહબાળને લયને ઘેર આયોતો. મારો માધવો તો ઈવો રૂપાળો ક અસલ કૃષ્ણ ભગવાન જોઈ લ્યો. ને પસે પૈણાયો. કેવુ રૂડું રૂપાળું જોડલું રાધા-માધવ! માધવો પૈણી ન આયો તિયાણે... મારાં માધવાની ફાટ્...ફાટ...જવાની, રૂપાળો તો એવો લાગે ક અરરર...! મીઠી નજરું લાગી જાય મારા દીકરાને! સિંહનેય બાથ ભીડે ઈવો શુરવીર, આંખે ટાઢક વળતી 'તી ઈને જોતાં પણ...ઓલી મહા સુદ નોમની રાતલડી...'ઓ મારી માડી રે... જોગમાયા ભલું કરે હૌવનું...' બાવાનો વેહ ધારીન કેવો થનગનતો હતો ભવનાથના મેળામાં! નાનકો હતો તિંયાનો કેતો'તો 'માડી, ભોળાનાથને ઈકવાર દીઠવા સ.' નાનકો હતો તિયારેય મેળામાં જવા હાટું હઠ કરતો 'ન જઈન રેતો. આખોય દાડો 'ન રાત મેળામાં ઘૂમે 'ન સાધુસંતની હેવા મન દઈન કરે. તે દિ.. તે દિ.. મહાશિવરાત્રી હતી. જગત આખાયન ખૂણેખૂણેથી નાગા બાવા, અઘોરી બાવા જેવા ગણ્યાંગણાયના ઈટલા સાધુમહાત્મા ક્યોક્યોથી આયા'તા. કોક હાથી પર બેહીને હંખનાદ કરે તો કોક રસ્તે મલકુસ્તી કરતાંકન આવે. ભભૂત ચોપડેલા જટાધારી બાવા.. અરે માડી! ઈની... ઈની આંખ્યો તો... ઊંડી ઊંડી કુવા જેવી'ન ઈમાં જુવો તો ડૂબી...! કોકના હાથમાં ચલમ, કોકના ગળે તો લાંબા લાંબા હાપ હળવળ થાય...પણ માધવો કોઈથી નો બીને. ઈને તો હૌવમાં ભોળાનાથ જ દેખાય! ઈ કે'તો ય ખરો કે 'માડી, આ હંધાય મૃગીકુંડમાં નાહવા પડે ન ઈમાંથી એક ઓછો બહાર નીકળે...ઈ મારાં ભોળાનાથ! ભોળાનાથ બહાર નો આવે. ઈ અલોપ થઈ જાય.' તે રાતલડીએ માધવો ભવનાથ મંદિરમાં મહાપૂજામાં ગ્યો 'તો. મહાઆરતી કરી ન પસે હૌવની ભેળો ભેળો મૃગીકુંડમાં ગ્યો 'તો. ન્યાથી નીકળીન માંગનાથ મંદિરમાં આરતી કરી 'ને પસે...પસે આલોપ! કેટલાય દિ.. કેટલીય રાત્રિ... પાસો ન આયો રે...ન જ આયો. કોક કે સાધુ થઈ જ્યો. કોક કે ગિરનારની ગોદમાં ભરાઈ ગ્યો. કોક કે સિંહનો શિકાર થઈ જ્યો. કોઈ કેતું દત્રાતયની મઢીમાં બેઠો સ 'ને લેર કરે સ.'
એક તરફ આકાશમાંથી વરસાદ અને બીજી તરફ માની આંખોમાંથી વેદનાનો વરસાદ. દીકરાનાં વિયોગમાં ઝૂરતી મા ભૂલી ગઈ કે સામે માધવ નહીં પણ વરસાદ છે. એ તો ફરિયાદ કરવા માંડી...કે, "હો માણહુંની હો વાત્યું. જગતના મોઢે કાંઈ ગળણું બંધાય! ઈ તો હૌવ ઈવી વાત્યું કરે પણ... હું તો મા સુ. પેટનો જણ્યો મારો મુખડાં હામેથી આઘો થાય 'ને જીવ દુભાય.! માધવા રે..બટા ક્યોં સ તું ? તું યાદ આવે 'ન હૈયુ ફાટી જાય સ! બટા, તારા બાપુ ઈમ તો ટાઢા દેખાય સ પણ ઈ ના હૈયાનો વલોપાત તો જાણ ધગધગતો જ્વાળામુખી જોઈ લ્યો. ગિરનારનો ખૂણેખૂણો ફેંદી નાંયખો સ...ઈકવાર નહીં કેટલીય વાર. બટા, જ્વાળામુખીની આગમાં તારા બાપુ ઈવા હેકાય સે ક ઈ આગ ઈને ભરખી જાય ઈ પેલ્લા તું આય...! આ રાધાવહુ, ફૂલ જેવી કોમળ નાની અમથી વહુ દીકરી જોગણ થઈ ગઈ સ તારી પાછળ. ઈ હવ રડતા ય થાકી જઈ સ. ઈના આંહુડાંની ધાર આ મેહુલિયાની ધારન ય ઝાંખી પાડે હો! ઈનું તપ જોઈને મા ઉમાનું તપ હાંભરે બટા. ભોળાનાથ તો રીઝીયા'તા. હવ તુય આય ઝટ્. આ માડીના દેહનાં શ્વાસ હો અટક્યા સ તુને જોવા હારું. હાચું કે આજ તું જ આયો 'તો ન! કે મારો ભરમ હતો! ના...ના.. તું તો માડીનું અંગ સ ન પેટ જણ્યો! તું આવ ઈની હાથે હૈયું...! હે મા જોગમાયા મારાં બાલુડાનું રક્ષણ કર. ઈને હમજાવ ક..!'
વીજળી એકાએક ત્રાટકી. ભયાનક ચમચમતો ચમકારો આભેથી ઊતરીને ધરતીમાં સમાયો. તેની ગર્જનાએ આખો ગિરપંથક ધ્રુજી ઊઠ્યો. વરસાદ અટક્યો ને કેસરમાની આંખોય કોરી ધાકોર થઈ ગઈ. બસ! હૈયું થડકારા લેતું ધ્રુજતું ધ્રુજતું ડૂસકાં ભરતું હતું. ફરી માથે ઓઢણી સરખી કરી બારી પાસેથી પાછાં ફર્યા. ઓરડામાં અંધારું હતું. સાવ અંધારું!
" માધવના બાપુ સુઈ જ્યા! ગજબની ટાઢક સે કોઠે...!" તેમણે દીવો પ્રગટાવ્યો 'ને જુવે તો પલંગ ખાલીખમ!
" હાયહાય મા! અડધી રાત્રે ક્યોં ગ્યા માધવના બાપુ!" તેમણે ચીસ નાખી. ઓરડો ધ્રૂજી ઊઠ્યો તેમનાં ધડકતાં ધ્રુજતાં હૈયા સાથે! ટોર્ચ લીધી 'ને આમતેમ જોવા માંડ્યાં. ઝરૂખે ગયાં. સુસ્વાટા મારતા તોફાની પવને તેમની ઓઢણી સટાક્! કરતાંકને છીનવી લીધી. "હાય મા! હુ થવા બેઠું સ!" ધાંધા થઈ ગયાં કેસરમા. ઝડપથી રાધાવહુના ઓરડામાં ગયાં. રાધાવહુ બારીના ટેકે ઊભાં હતાં. "રાધા વહુ..." કેસરબાએ તેમને હલાવ્યા તો ઠરી ને ઠીકરું થઈ ગયેલું શરીર નમી પડ્યું.
"ઓ માડી રે.." તેમણે રાધા વહુને પલંગ પર સુવડાવી ધાબળો ઓઢાડ્યો. પગનાં તળિયાં ઘસવા માંડ્યાં, "હે જોગમાયા, લાજ રાખ માડી. આ તો મારા જણ્યાની અમાનત સ ઈને કાંઈ ન થવું જોઈએ...જોઈએ તો મારો જીવડો લઈ લે માડી... રાધાવહુ... ઉઠો ઉઠો." સાવ ઠરી ગયેલાં રાધાવહુના શરીરમાં આછું હલનચલન થયું. "રે... માડી જોગમાયા મારાં બાલુડાંનું રક્ષણ કર." કેતા રાધાવહુને ગરમ-ગરમ કાવો બનાવીને પીવડાવ્યો.
" હારું સ ન હવે! તારા બાપુ ક્યોંય ભળાતા નથી. હું શોધવા જઉ સ."
" માડી હું ય આવું. હાવ એકલા નઈ જવા દઉં."
"બટા, આ ઘર 'ન તારી જાત હંભાળ. બારણું ખુલ્લું રાખજે. જોજે મારો માધવો આવહે. ખૂણે ખૂણે દીવડો પ્રગટાવજે. મારો માધવો જરૂર આવહે જ."
કેસરમા ઊભાં થઈને દોડ્યા અને " રે...માધવાના બાપુ..." કહેતાંકને જુનાગઢને ઘમરોળતા સરિતાના નીરને ઘમરોળવા નીકળી પડ્યાં. કંઈ કેટલુંયે ચાલ્યા 'ને ભવનાથ મંદિરના ઓટલે આવી ચડ્યાં. બરાબર એ જ ટાણે મોંસૂઝણું થયું.
એક માએ ચીસ નાંખી, "રે...ભોળાનાથ" બે હાથ લાંબા કરીને નાંખેલા અંતર્નાદે તો મંદિરની ઘંટડીય ધ્રુજી ઉઠી અને તોફાને ચડેલાં સરિતાના નીર પણ ઘડીક ઠરી ગયાં.
"રે ભોળાનાથ..." ફરી અંતર્નાદ થયો અને એક અવાજ આવ્યો "માડી..."
"આ તો ભણકારા સ...માધવાના બાપુ..." તેમણે હૈયું કુટ્યું.
" રે... ભોળાનાથ...! " માથેથી પગ સુધીની નાડી તૂટીને; ફાટતાં હૈયાનાં ત્રીજા અંતર્નાદે તો ત્રણેય ભુવન ધ્રુજી ઉઠ્યાં.
"માડી.."
"રે...માધવા...ક્યોં ગ્યો તો...આ તારા બાપુ, રાધાવહુ 'ને મુને ઝૂરતા મેલીને.."
વિચિત્ર હસ્યો માધવો!
કેસરમાએ આંખ ખોલી. સંપૂર્ણ ખોલી. લાંબી નિંદ્રામાંથી આંખો ચોળતા જાગ્યાં જાણે! 'લાગે સે તો માધવો પણ ઈ... 'મારો માધવો' નથ્.'
"માડી...ભરમ સ હઘળું ય તારી આંખ્યોનો..."
"ભરમ! રાધા વહુ ભરમ સે! તારા બાપુ ભરમ સે! હું તારી માડી ...ઈય ભરમ!"
"માડી, તારી વહુ 'ને બાપુ તો દેવલોક થીયાન વરહો વીતી જ્યાં. "
"ના હોય, રાધાવહુ જીવતાં સ તારી રાહ જુએ સ...ન તારાં બાપુ જો..જગાડ ઈમને.."
"ભરમ સ માડી ભરમ. તારો ભરમ!"
"ભરમ! તું મારો જણ્યો માધવો.... તું ય ભરમ સ! "
"હોવ. ભરમ. માડી, જગત આખુંય ભરમ સ ન સત્ય તો ઈક જ ભોળાનાથ! જો ન્યા..."
"ન્યા! ન્યા તો ભોળાનાથ સ. "રે ભોળાનાથ..." દીકરાનાં વિરહમાં ઝૂરતી, ગાંડીઘેલી માએ ભરમને ચીરતો અંતિમ અંતર્નાદ કર્યો.
સ્મશાનમાં આકાશને આંબતી ચિતાની જ્વાળાઓ સામે બે હાથ જોડીને બાવો બોલ્યો, "ઋણ અદા થ્યું માડી. " ને ગિરનારની વાટે અલોપ...
*****
