વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઇર સેવયની ક્ષણો

 

સુદૂર આફ્રિકાના તૈજિયર પ્રાંતથી સિલોન દેશ આવેલા એક પ્રવાસીની દૃષ્ટી દક્ષિણમાં મસ્તક ઊંચકીને ઊભેલા એ મહાન પર્વતના શિખર પર હતી. શ્રમણો, સેવકો, યોગીઓ અને અસવારોનો સંઘ આગળ વધતો ગયો અને શ્રીપાદ પર્વતની ટોચનું આછકલા વાદળો વચ્ચેથી દર્શન વધારે સ્પષ્ટ થવા લાગ્યું. શ્રીપાદ પર વિરાજમાન હોવાનું મનાતા સ્થાનિક દેવ સામન માટે સંઘનું સમૂહગાન એકસૂરમાં ગૂંજતું હતું: ‘સામન દેવીન્દુ અપી એનાવા…’ ઊગતા સૂર્યના દેવ માટેનું એ ગાન હતું; દેવ સામન, અમે આવીએ છીએ.

એ પ્રવાસી નીકળ્યો હતો હજ માટે, કિંતુ પછી વિશ્વભ્રમણની મહત્વાકાંક્ષા સાથે તે આશરે વીસ વર્ષથી એકધારો મુસાફરીમાં હતો. માર્ગમાં તે કેટલાયે પ્રકારના લોકોને મળેલો. તેણે ઘણા અચરજો જોયેલા. રાજાઓના મહેલમાં રોકાણ દરમિયાન તેણે ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા અને પછી આગળ વધવાની ઘડી આવતા એમને પાછળ મૂકી ચાલવા પણ લાગેલો. તે લૂંટારાઓના હાથે ચડેલો અને મરવાની અણીએ આવીને અજાણ્યાઓ પાસેથી જીવનદાન પણ મેળવેલું. આ બધું અજાણી ભૂમિ પર ભટકવાને કારણે ભોગવવું કુદરતી ઉપક્રમ હતો. હવે તેને અણધાર્યા વળાંકોની આદત પડી ગયેલી. પરંતુ પાછલા દિવસોમાં જે બન્યું હતું એનાથી તે વિચલિત હતો.

પવિત્ર શ્રીપાદ વિશે સાંભળ્યા પછી, ઘણા સમયથી એનાં આરોહણની ઈચ્છા તેણે પાળી હતી. એ પર્વત સિલોનના બૌદ્ધ, હિન્દુ અને મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે મહત્વનું તિર્થ હતું. પર્વતની શિખરે એક મોટા પથ્થર પર આશરે બે હાથ લાંબી પગલાની છાપ હતી. બૌદ્ધ લોકોની માન્યતા મુજબ એ છાપ ગૌતમ બુદ્ધની હતી, હિન્દુઓ એમાં શિવનું પદચિહ્ન જોતા અને મુસ્લિમો માટે એ પગલું પ્રથમ પયગંબર આદમનું હતું. અહીં આવતા પહેલા તે આ માહિતીથી અવગત હતો. પરંતુ હવે તે નિશ્ચિતપણે જાણતો હતો કે એ પગલું ખરેખર કોનું હતું અને તે એમને મળ્યો પણ હતો.

શ્રીપાદ પર્વત હજુ બે યોજન દૂર હતો. સાંજ પડવા આવેલી. આવતી કાલે રાત્રીના ત્રીજા પ્રહર પછી આરોહણ કરવાનું નક્કી થયેલું. એક શ્રવણ પાસેથી એ પ્રવાસીએ જાણેલું કે, જો તે ભાગ્યશાળી હશે તો શિખર પરથી તેને ‘ઇર સેવય’ની અનુભૂતિ પણ થશે. એનો અર્થ હતો, ઉગતા સૂર્યની પ્રભા. આ એક અનોખી ઘટના હતી. શિખર પરથી ઉદય પામતા અવિસ્મરણિય સૂર્યનાં નૃત્યનાં દર્શન શુભ માનવામાં આવતા.

સંઘ જરાક વાર વિશ્રામ માટે અટક્યો. એ પ્રવાસી સંઘથી દૂર એકલો જઈને બેઠો. થોડી જ વારમાં તાજી ઘટનાઓની સ્મૃતિઓ તેના એકાંતને ભરવા લાગી.
***

માલદીવના દરિયામાં એક નૌકા બે અજાણ્યા પુરુષોને મ્યૂલાકુ ટાપુ સુધી લઈ જતી હતી. નાવિક સ્થાનિક યુવાન હતો. નાવમાં સવાર ચાલીસ વર્ષના ઇબ્ન બતૂતાએ થોડા દિવસ પહેલા જ માલદીવનાં વજીર સાથેની તકરાતને કારણે મુખ્ય કાજી પદનો ત્યાગ કરેલો. તે છ મહિના સુધી કાજી રહેલો. એક સમય એવો પણ આવેલો કે, આ દેશની પ્રજા તેના કઠોર ચૂકાદાઓથી ડરવા લાગેલી. તેણે આટલા સત્તા અને શક્તિ ક્યારેય ન ભોગવેલા. પરંતુ હવે એ જવાબદારીમાંથી તે છૂટ્યો હતો. તેને ખુદાના કાનૂનમાં વજીરની દખલ પસંદ ન હતી. આ ટાપુઓ સ્વર્ગસમા હતા અને તે ઘણી સગવડો ભોગવતો હતો. પરંતુ તેને લાગ્યું કે અનીતિનું પાલન કરીને મળતું સુખ નુકસાનકારક હતું. આ ટાપુઓની સુંદરતા-સુખ-સુવિધાઓ તેનો આત્મા ભ્રષ્ટ કરવા સક્ષમ હતા. એટલે તેણે નિર્ણય કરેલો કે હવે માલદીવ છોડવાની વેળા આવી ચૂકેલી.

તે એક પ્રવાસી હતો. તકદીર તેને કોઈ એક સ્થળે કાયમ માટે અટકી જવાની અનુમતિ આપતી ન હતી. અજાણી ભૂમિ, અજાણી દિશાઓ અને અજાણ્યા લોકો તેની રાહ જોતા હતા. પશ્ચિમનું વતન પાછળ છોડી તે પૂર્વ તરફ આગળ વધતો હતો. નાવિક સાથે વાત કરતા તેણે કહેલું કે તે હવે સિલોન જશે, ત્યાંથી બ્રહ્મદેશ અને ચીન પણ જશે. પ્રવાસ ઘણો લાંબો હતો. મ્યૂલાકુ ટાપુ પર બંદરે એક માલવાહક જહાજ તેને સિલોન લઈ જવાનું હતું.

તેણે નાવિકને પોતાના પ્રલંબ પ્રવાસની વાતો કરી હતી. એ સાંભળીને નાવિકે પૂછ્યું, “તમે આવું જીવન કેમ પસંદ કર્યું?”

“મારો વિશ્વાસ, મારી ઈચ્છા અને મારી પ્રકૃતિ, ખરેખર આ બધા મને દોરી જાય છે. ક્યારેક મનેય લાગે છે કે મારી પસંદગી પર મારું જોર ચાલે છે, પણ હું જ્યારે ઊંડાણથી વિચારું છું ત્યારે મને સમજાય છે કે માણસ કોઈ અજાણ્યાના હાથની કઠપૂતળી છે.”

નાવિકને આવા જવાબો સાંભળવા ગમતા, ભલે તેને ખાસ કશું ન સમજાતું. વાતો-વાતોમાં મ્યૂલાકુ પહોંચતા સાંજની પધરામણી થઈ ચૂકેલી. નૌકા બંદરમાં પ્રવેશી. ઇબ્ન બતૂતાનો મિત્ર ઇબ્રાહીમ આતુરતાથી નૌકાની રાહ જોતો હતો. ઇબ્રાહીમ સિલોન તરફ જનારા માલવાહક જહાજનો સુકાની હતો. ઇબ્ન બતૂતા અને માલદીવના વજીર વચ્ચે પાછલા મહિનાઓમાં થયેલી ગેરસમજણને કારણે વજીર માનવા લાગેલો કે ઇબ્ન બતૂતા દિલ્લીની સલ્તનતના ઇશારે નાચતો હતો અને તેના આગમનનો ઇરાદો વજીરાતને ઉથલાવી માલદીવને દિલ્લીની ગાદી તળે લાવવાનો હતો. ઇબ્ન બતૂતાએ મહામુશ્કેલીથી વજીરનાં ગળે એ વાત ઉતારેલી કે તે પ્રવાસી છે અને તેનો એકમાત્ર ઉદ્દેશ છે, આગળ વધતા રહેવું.

ભૂતકાળમાં કાજી તરીકે આકરા આદેશો ફરમાવનાર ઇબ્ન બતૂતાથી મ્યૂલાકુના સ્થાનિકો ડરી ગયેલા. માલદીવના પરંપરાગત નિયમ પ્રમાણે પુરુષ સ્ત્રીને તલાક આપે એ પછીયે, બીજા લગ્ન ન કરે ત્યાં સુધી સ્ત્રી પુરુષનાં ઘરમાં રહી શકતી. તેણે આ નિયમ રદ જાહેર કરેલો. એનું પાલન ન કરાનારા પચ્ચીસ જેટલા પુરુષોને ક્રૂરતાથી કોરડા વડે ફટકારવામાં આવેલા. તેણે શુક્રવારની બંદગી ફરજીયાત કરેલી. બંદગીમાં ગેરહાજર રહેનારને પણ એવી જ આકરી સજા મળતી.

કમભાગ્યે, સાત પુરુષો ગંભીર સજાને કારણે જીવ ખોઈ બેઠેલા. માલદીવને એક અજ્ઞાત ખતરો મંડરાતો દેખાવા લાગ્યો. ઇબ્રાહીમનું જહાજ મ્યૂલાકુ પહોંચ્યું ત્યારે સૂબેદારે પોતાની સત્તાની રૂએ જહાજ પરથી તમામ શસ્ત્ર-સરંજામ કબજે કરી લીધેલા. લોકો ડરતા હતા કે ઇબ્રાહીમ અને તેના ખલાસીઓ જતી વખતે ઇબ્ન બતૂતાના કહેવા પર મ્યૂલાકુને લૂંટતા જશે. પરંતુ ઇબ્ન બતૂતાએ તો વહેલી તકે માલદીવ છોડી સિલોન જવું હતો. ચાંચિયાઓના ડરને કારણે શસ્ત્રો વગર મુસાફરીમાં જોખમ હતું. આ સમસ્યાનાં સમાધાન માટે તે વજીરનો મહેલ જ્યાં હતો એ ટાપુ સુધી ગયેલો. સદભાગ્યે વજીરે ઇબ્રાહીમના જહાજના હથિયાર પાછા આપવાનો હુકમ કર્યો. ઇબ્ન બતૂતા પાસે તાડપત્ર પર લેખિત આદેશ હતો. તેણે એ આદેશ ઇબ્રાહીમને સોંપ્યો, “ખુદા મહેરબાન રહ્યો, આપણે કાલે જ રવાના થઈએ છીએ.”

ઇબ્રાહીમે નિરાંતનો શ્વાસ લીધો. તે તરત જ સૂબેદારનાં રહેણાક તરફ રવાના થયો. ઇબ્ન બતૂતા ત્યાંથી ચાલતો એક સરાઈ પાસે પહોંચ્યો જ્યાં તે ઇબ્રાહીમના ખલાસીઓ સાથે રોકાયેલો. તે પોતાના ઓરડામાં પ્રવેશ્યો. આ ટાપુઓ દિવસભર ગરમીમાં શેકાતા રહેતા. ઉકળાટ અનુભવતા તેણે સ્નાન કર્યું. ભોજન કરવાની તેની ઈચ્છા ન હતી. સૂવાનો સમય પણ થયો ન હતો. શહેરનાં મજલિસખાનામાં જઈને દરવેશોનું નૃત્ય જોવાનું મન થતું ન હતું. એટલે તે પોતાના થેલામાંથી કુરાન કાઢીને પઠન કરવા બેઠો.

દિવસભર નાવની સવારીથી તેનું શરીર થાકી ગયેલું. થોડી વારમાં જ તેની આંખ ઘેરાવા લાગી. તેણે કુરાન પાછું થેલામાં મૂકી દીધું અને પથારીમાં જઈને સૂઈ ગયો.

રાત્રીના ત્રીજા પ્રહરના સન્નાટાને વિંધતા અવાજોએ તેને ઓચિંતાનો જગાવી દીધો. તે તરત જ પથારીમાંથી ઊઠ્યો અને કશું હથિયાર જેવું શોધવા લાગ્યો. બહારથી આવતા ચીસ અને પ્રતિકારના અવાજ તેની આશંકાની પુષ્ટી કરતા હતા. લોકોમાં તેના પ્રત્યે રોષ જરૂર હતો, પરંતુ સરાઈ પર આમ રાતનાં અંધારામાં હુમલો થવો આઘાતજનક હતું, અને એ પણ એવા વખતે જ્યારે લડવાના હથિયાર વગર તેઓના કાંડા કપાયેલા હતા.

તે વધારે કશું વિચારે એ પહેલા જ બહારથી થયેલા પ્રહારને કારણે દ્રાર અંદરની તરફ તૂટી પડ્યું. હમલાવર સ્થાનિક નિવાસી ન હતા. એક હાથમાં મશાલ અને બીજા હાથમાં તલવાર સાથે ત્રણ ચાંચિયાઓ દરવાજા બહાર ઊભા હતા. બીજી જ ક્ષણે એમાનો એક તેની તરફ ધસી ગયો અને તલવારની મૂઠ વડે તેનાં માથા પર જોરદાર પ્રહાર કર્યો. તેની આંખ અંધારામાં ઓલવાઈ જવા લાગી. શરીર સ્થિરતા ગુમાવી જમીન પર ઢળી ગયું. તેને બીજા એક ચાંચિયાનો દૂરથી આવતો અસ્પષ્ટ અવાજ સંભળાયો, ‘ખજાનાની ચાવી!’

મૂર્છામાં સરતા પહેલા તેનાં મનમાં છેલ્લો વિચાર આવેલો, ‘ચાંચિયાઓ ક્યારેય માલદીવને લૂંટતા નથી.’ વ્યાપક માન્યતા હતી કે આવું કરનાર લૂંટારા તરત જ અતિ દુર્દૈવી ઘટનાઓનો શિકાર બનતા. સરાઈમાં ઇબ્રાહીમના જહાજ પર લાદવા માટે તૈયાર થોડી-ઘણી મૂલ્યવાન વસ્તુઓ પડી હતી, પરંતુ એ કોઈ દુર્લભ ખજાનો ન હતી. વજીરે ઇબ્ન બતૂતાને ત્રીસ દીનાર જેટલા મૂલ્યની કોડીઓ, નાળિયેર, મધ, સોપારી અને સૂકવેલી માછલીઓ વિદાયભેટ સ્વરૂપે આપેલા. એ સિવાય તેની પાસેય વધારે કશુંયે કિંમતી ન હતું. ચાંચિયાઓ ક્યા ખજાનાની વાત કરતા હતા? એ ખજાનો ભલે ગમે એ હોય, તેણે ભાન ગુમાવતાં પહેલા વિચારેલું કે ચાંચિયાઓએ માલદીવ પર પગ મૂકીને અપશુકન વહોરી લીધેલું.
***

તેને ભાન આવ્યું. તેની આંખ હજુ બંધ હતી, હાથ-પગ બંધાયેલા હતા. ક્યાંકથી આવતા મોજાઓના ધીમો અવાજે તેના કાનને ઢંઢોળ્યા. તેણે આંખ ખોલીને જોયું. તે એક જહાજની ગંધાતી ઓરડીમાં કેદ હતો. એક ખૂણામાં લટકાવેલાં ફાનસ અંદર આછું અજવાળું વેરતી મીણબત્તી બળતી હતી. તેણે છૂટવા પ્રયાસ કર્યા. તેની હરકત સાંભળીને એક ખલાસી અંદર આવ્યો અને તેને થોડુંક પાણી પીવડાવ્યું, તેના પગ છોડ્યા અને ખભો પકડીને ઢસળતો હોય એમ ઊભો કર્યો.

ખલાસી તેને ઓરડી બહાર લઈ આવ્યો. ત્યાંથી થોડેક આગળ સીડીઓ જહાજના તૂતક સુધી જતી હતી. સીડીઓ પર ચડતી વખતે તેની નજર રાત્રીના આકાશ પર પડી, ઝાંખી રાતા રંગની રોશનીથી ઝળકતું આકાશ! તેણે આવું આકાશ કદીયે ન જોયેલું. પહેલા થયું કે આ કોઈ ભ્રમ છે, પરંતુ તૂતક પર પહોંચીને તેણે બંધાયેલા હાથ વડે આંખો ચોળીને ફરીથી જોયું તો એ ખરેખર રાતી રોશની હતી. તેની નજર રોશનીનું ઉદ્ગમ શોધવા લાગી. દૂર ક્ષિતિજ પર કોઈ ટાપુ જેવો ભૂભાગ દેખાયો જ્યાંથી રોશની આકાશમાં રેલાતી હતી. તે અંજાઈને રોશનીને અપલક જોતો રહ્યો, પરંતુ તેને ખ્યાલ ન હતો કે સામે ચાંચિયાઓનો સરદાર ઊભો હતો.

સમુદ્રનો ચંગેઝ ખાન કહેવાતો કાસર ખાન વાસ્તવમાં ચંગેઝના કોઈ સેના-નાયકનો દૂરનો સંબંધી હતો. કેટલાયે વેપારીઓ અને રાજવીઓને રંજાડનાર કાસર ખાનની ધાસ્તી પર્શિઆના અખાતથી બંગાળની ખાડી સુધી પ્રવર્તતી હતી. કાસર ખાન કહેતો કે સાગર દરેકનો ન હતો. સાગર માર્ગ નહીં, એક સામ્રાજ્ય હતો અને પોતે એ સામાજ્યનો સમ્રાટ.

જ્યારે ખલાસી તેના હાથ ખોલતો હતો ત્યારે તેણે કાસર ખાનને જોયો. મલબારના બંદરોની મુલાકાત વખતે તેણે કાસર ખાનની ક્રૂરતાના કિસ્સાઓ સાંભળેલા. ગોળ આક્રોશભર્યો ચહેરો, ચીબું નાક અને ઝીણી આંખ તેની ઓળખ છતી કરતા હતા. તે થોડાક ડર અને ધિક્કારથી કાસર ખાનને જોતો રહ્યો. કાસર ખાન નજીક આવીને બોલ્યો, “તારી નફરત બોલકી છે.”

“અને તારી ક્રૂરતા પણ.” ઇબ્ન બતૂતા ગુસ્સામાં હતો.

“તું મારા અંગે જે ધારતો હોય એ, પણ હકીકતમાં આપણે બંને મુસાફરો છીએ. તારા પગ જમીનને ઓળખે છે, મારો સઢ પવનને.”

તેને કાસર ખાનની નકામી વાતોમાં રસ ન હતો, “મને અગવા કરવાનો મકસદ શું છે?”

કાસર ખાન થોડીક ઘડી ટાપુની રોશનીને જોયા પછી બોલ્યો, “મકસદ? દોલત, તાકત, તકદીર, બધું જ!”

એ પછી કાસર ખાને તેને એ વિદ્રુમ ટાપુની વાત કરી જે કોઈ નકશામાં ન હતો, ચાંચિયાઓમાં પણ અમુકને જ જેની જાણકારી હતી. રાતા રંગનું ઉદ્ગમ ટાપુમાં છૂપાયેલું મૂલ્યવાન પ્રવાળ રત્ન હતું. કાસર ખાન ઈચ્છતો હતો કે ઇબ્ન બતૂતા પ્રવાળને મુક્ત કરે. પ્રવાળ ઘણું શક્તિશાળી હતું, પરંતુ એની ઊર્જા વિદ્રુમ ટાપુમાં કેદ હતી. કાસર ખાન ચાહતો હતો કે એ પ્રવાળ મુક્ત થાય અને પછી તે એની ઊર્જા વડે વિશ્વભરના સમુદ્રો પર આધિપત્ય જમાવે. તે એવા જાદૂગરોને જાણતો હતો જે આ પ્રવાળની મદદથી તેને અપાર શક્તિ પ્રદાન કરવા તૈયાર હતા. પરંતુ તે એવા બહુ ઓછા જ્ઞાની અને સાહસી લોકોને જાણતો હતો જે એ પ્રવાળને લાવી શકે. તેના ખ્યાલ મુજબ ઇબ્ન બતૂતા આવા કામ માટે એકદમ યોગ્ય હતો.

“કેમ હું? તમે બધા ડરપોક છો?”

“અમે લૂંટારાઓ છીએ! અમે કત્લેઆમ કરી છે, એટલે અમે શાપિત છીએ. મારા માણસો એ ટાપુ પર પગ મૂકતા જ સળગીને મરે છે. પણ તું-” કાસર ખાન ખોખરું હસ્યો, “તું ખુદાનો માણસ લાગે છે! ખુદાની ભાષા બોલે છે!”

તેને એ વાત માનવામાં આવતી ન હતી. આ શંકા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. તેણે કંઈ જવાબ ન આપ્યો. કાસર ખાન ઘૃણાથી બોલ્યો, “ફરીથી નહીં કહું, તું ત્યાં જઈશ અને કીધેલું કરીશ. કઈ રીતે, એ તારે જોવાનું છે. તું અકલમંદ લાગે છે. તું રસ્તો કાઢી લઈશ. તારે ના જવું હોય, તો મારી તલવાર તારો ફેંસલો કરશે.”

તે ડર્યો. જહાજ પર ચાંચિયાઓના હાથે મરીને શું પ્રાપ્ત થવાનું હતું? ટાપુ પર જવામાં વધારે સમજદારી હતી, તેણે વિચાર્યું. નવી કે અજાણી જગ્યાઓ તેને કાયમ આકર્ષતી. સંજોગો જૂદા હોત અને અત્યારે તે મુક્ત પ્રવાસી હોય, તો તેણે રહસ્યમય વિદ્રુમ ટાપુ પર જવાનું જ પસંદ કર્યું હોત.

જહાજ પરથી એક નાની નૌકા પાણીમાં ઊતરી. તે નૌકામાં ઊતરવા જતો હતો ત્યારે કાસર ખાને એક ધારદાર તલવાર તેના હાથમાં પકડાવી, “જહાજ રાહ જોશે, જ્યાં સુધી તું પાછો નહીં ફરે.” તે ફરીથી ખોખરું હસ્યો, “તું માને છે કે હું શેતાન છું, પાપી છું. આજે તારોયે ફેંસલો થઈ જશે, એ તારો ફેંસલો કરશે.” કસાર ખાને ટાપુ તરફ આંગળી ચીંધી.

તે કશું પણ બોલ્યા વગર નાવમાં સવાર થયો અને ધીમેકથી હલેસા મારીને કિનારે આવ્યો. તે કાંપતા હૃદયે થોડીક વાર નાવમાં જ બેસી રહ્યો. તેણે પાછળ જોયું. જહાજ પોતાની જગ્યાએ સ્થિર હતું. તેનાં મનમાં કાસર ખાનની વાત સતત પડઘાતી હતી, ‘આજે તારોયે ફેંસલો થઈ જશે, એ તારો ફેંસલો કરશે.’

તેણે બહાર નમીને કિનારા સુધી આવતી લહેરોમાં પોતાનો ચહેરો જોયો. તેણે અંતરમાં ડોકિયું કર્યું. તેણે ક્યારેય કોઈની હત્યા ન કરેલી, કોઈ ગંભીર અપરાધ કે પાપ પણ ન આચરેલું. તે લહેરોમાં દેખાતા ચહેરાને ખાત્રી અપાવવા મથતો રહ્યો કે તે ખરેખર ખુદાનો માણસ હતો. કાઝી તરીકેના છ મહિના ઝડપથી તેની સ્મૃતિમાં જાગવા લાગ્યા. તેની મનુષ્ય તરીકેની મર્યાદાઓ હતી જેના લીધે તેનાથી ક્યારેક ખોટા કામ થઈ ગયેલા. પરંતુ તેણે વખતોવખત પસ્તાવો પણ કરેલો, એમ વિચારીને કે ખુદાની મરજી વગર પાંદડુંયે નથી હલતું. તે જીવનભર ખુદાના ફરમાન મુજબ જીવવા પ્રયત્નરત રહેલો. આ માટે માલદીવ જેવા દેશના પરંપરાગત મૂલ્યો સામે તે સંઘર્ષમાં પણ ઊતરેલો. થોડીક પળો પછી તેને અપરાધભાવ પીડવા લાગ્યો. તે માલદીવમાં મહેમાન બનીને આવેલો અને ત્યાંની જ પરંપરાઓને પોતાની નજરે ખોટી ઠેરવેલી. એ લોકોએ તેને માનભેર આવકાર આપેલો. તે એ પુરુષો અંગે વિચારવા લાગ્યો જે સજાને કારણે મૃત્યું પામેલા. તે પરોક્ષ રીતે એમનો દોષી હતો. તેના કારણે જ ઇબ્રાહીમના ખલાસીઓના હથિયાર જપ્ત થયેલા. તેને એ પણ ખબર ન હતી કે કાસર ખાને એ નિર્દોષ ખલાસીઓ સાથે શું કરેલું? તે એમનો પણ દોષી હતો.

આ બધું યાદ આવતા તે કાંપવા લાગ્યો. તેને પોતાનો આત્મા હવે મલિન જણાતો હતો. તે કાયમ દરવેશો જેમ ખુદાના પ્રેમની વાત કરતો, સૃષ્ટીની દરેક ચીજમાં એની હાજરીની વાત કરતો. પરંતુ પોતાના અંતરમાં ઝાંખીને તેને જાણ્યું કે તેણે લોકોને એમનાં અલગપણા માટે ધિક્કારેલા. લાંબો સમય તેણે પાપ અને અનીતિને લગતા નૈતિક અને ધાર્મિક મૂલ્યો અંગે ફેરવિચારણા કરવામાં કાઢ્યો. તેણે આ બાબતે જીવનમાં આવી ગંભીરતાથી કદીયે ન વિચારેલું. સવાલ જીવન-મરણનો હતો. શું તે ખરેખર પાપથી અલિપ્ત હતો?

અંતે તેણે મનને શાંત કર્યું, ‘હું એટલો નીતિવાન છું જેટલો ખુદા મને બનવાની અનુમતિ આપે છે. જો એ ઈચ્છતો હોય કે મારાથી કશું ખરાબ કામ થાય, તો હું કોણ એની ઈચ્છા ઉથલાવનારો? જો હું એમ માનતો હોઉં કે મારા અંકુશમાં કશુંયે રહેલું છે, તો એ સરાસર એની તાકત પર મારો અવિશ્વાસ છે.’

તેને હવે રડવું આવતું હતું. તેણે આંખ મીંચીને ઇબાદત કરી, પોતાના જાણ્યા-અજાણ્યા કર્મોની માફી માગી. એ પછી જ તે કિનારે પગલું મૂકવાની હિંમત એકઠી કરી શક્યો.

તેની છાતી હાંફતી હતી. તલવાર મુઠ્ઠીમાં જકડીને તે નૌકામાંથી ઊતરવા ગયો. તેના શ્વાસ અટકી ગયેલા. રેતી પર તેણે આસ્તેથી પહેલું પગલું માંડ્યું.

તેને હાશકારો થયો. તેણે ઊંડો શ્વાસ ભર્યો. તે સલામત હતો.

તેનું મન હળવું થઈ ગયેલું. જાણે તેણે પવિત્ર અગ્નિને હેમખેમ પસાર કરીને નવું જીવન મેળવ્યું હતું. તે ધીમેકથી આગળ વધ્યો. થોડેક દૂર નાળિયેરી અને કેળ પાછળ ગીચ ઝાડીઓ શરૂ થતી હતી. તેણે છેલ્લી વાર પાછળ ફરીને જોયું. જહાજ અને હોડી પોતાની જગ્યાએ હતા. જહાજ પર કાસર ખાનની ભયાવહ દેખાતી આકૃતિ ટાપુ તરફ મોં રાખીને ઊભી હતી. તેણે ફરીથી થોડીક હિંમત એકઠી કરી અને ઝાડીઓ અંદર ખોવાઈ ગયો.

ઝાડીઓ વચ્ચેથી નીકળવાનો કોઈ માર્ગ ન હતો. તલવાર વડે ડાળીઓ કાપીને આગળ ચાલવાનું હતું. ટાપુ એકદમ સૂનકારમાં પોઢેલો હતો, પવનનો પણ અવાજ મરી ગયેલો. ફક્ત દરિયાનું પાણી ગાતું હતું. તે રોશનીના ગર્ભને શોધતો સીધી રેખામાં ચાલતો ગયો. ધીમે-ધીમે રોશની તેજ થવા લાગી. ઘણી વાર ચાલ્યા પછી પણ કશી ખરાબ ઘટના ન બની. તેનો ડર ઓલવાઈ ગયો અને જુસ્સો સળગવા લાગ્યો. તે આગળ વધતો ગયો. તેની આંખ સામે ધોધમાર અજવાળું વરસતું હતું. આખરે તે રસ્તામાં આવતી ડાળખીઓ કાપ્યા વગર જ આગળ જવા લાગ્યો, જેથી એમની આડશમાં પ્રકાશથી આંખ અંજાઈ ન જાય. જંગલ સમાપ્ત થતું જ ન હતું. પગ થાકવા આવેલા, શરીર પ્રકાશની ગરમીમાં પરસેવે નહાઈ ગયેલું. એક-એક ડગલું ભરવું કષ્ટદાયક હતું, છતા, કોઈ અજાણી શક્તિ તેને રોશનીની દિશામાં ખેંચતી જતી હતી અને તે ચાલતો જતો હતો.

ઓચિંતા આવેલા એક ઝાટકાએ તેને જમીન પર પછાડી દીધો અને ક્ષણભરમાં રોશનીનું અજાણ્યું મુખ તેને સ્વાહા કરી ગયું.
***

સંગીતે તેને જગાવ્યો. કોમળ સૂર તેની શ્રવણેંદ્રિય પર સરકતા હતા. તે ઘેરા અંધકારમાંથી પાછો ફર્યો. તેનું તન-મન તાજગીથી છલકાતું હતું. તેણે આંખ ઊઘાડી. શરીર જમીન પર ચત્તું પડ્યું હતું. આછેરા કાળા આકાશમાં રાતી રોશનીની ઝાંય ચળકતી દેખાઈ. બધું જ સ્પષ્ટ દેખાતું હોવા છતા, રાતી રોશનીને કારણે સમયનો તાગ મળતો ન હતો.

તે ઊઠ્યો. એક ખુલ્લું મેદાન હતું. ચારેકોર જંગલ અને ઊંચી-નીચી પર્વતમાળા હતી. મેદાનના પેટ પર નદીનો વિશાળ પટ હતો. જ્યાં પણ નજર પડતી, ત્યાં બધે જ રાતા પ્રકાશે પોતાની આભા પ્રસારી હતી, આકાશ, જળ, પહાડીઓ પરની તાજી ઝાડીઓ અને વૃક્ષોનાં પાંદડા બધે જ! આ કોઈ અજાણ્યું વિશ્વ હતું, પોતે જેને જાણતો હતો એ વિશ્વથી સાવ ભિન્ન. તે પાછળ ફર્યો. ઘણે દૂર, ક્ષિતિજ પર એક ઉતુંગ પર્વત દેખાયો, સાધક જેમ ટટ્ટાર ઊભેલો પર્વત. એનું પ્રજ્વલિત શિખર ચોતરફ રાતો પ્રકાશ વિખેરતું હતું, જાણે કોઈએ રાતો સૂરજ ત્યાં ગોઠવી દીધેલો.

તેના બાકીના તમામ વિચારો અટકી ગયેલા. પાછલા અમુક સમયની કોઈ જ બાબત તેની સ્મૃતિમાં હાજર ન હતી. તેનું ધ્યાન સંગીતની દિશામાં ગયું. થોડેક દૂર એક લાકડા-તાડપત્તાનું સામાન્ય આવાસ હતું. સહજ રીતે તેના ચરણ એ દિશામાં મંડાયા. સંગીત ધીમે-ધીમે ઓસરવા લાગ્યું. તે દ્વાર સામે આવીને અટકી ગયો. ત્યાં કોઈ દરવાજો ન હતો. પ્રવેશ આગળ પડદા જેવું એક ઝીણું કપડું લટકતું હતું. બહાર આંગણામાં ઘણી જાતની ઐષધીઓના છોડ ઊગ્યા હતા. તે અંદર પ્રવેશવા ગયો. પરંતુ તે પડદાને અડકે એ પહેલા જ એક સ્ત્રી અંદરથી પાસે આવી. બારીક કપડાની પેલે પાર એ સ્ત્રીની ઘાટીલી કાયા કોઈ શિલ્પ જેવી ભાસતી હતી.

હાથ આગળ આવ્યો અને પડદો હટ્યો. સ્ત્રીના ઉલ્લાસભર્યા ચહેરા પર આવકાર હતો, જાણે તે આગંતુક ઓળખતી હતી. સ્ત્રીની શામળી ત્વચા ગેરુવા રંગની આભાથી શોભતી હતી. માલદીવની સ્ત્રીઓ જેમ તેણે કમર નીચે વસ્ત્ર પહેરી રાખેલું અને શરીરનો ઉપરનો ભાગ ખુલ્લો હતો.

“ઇજેજ્જાએ કીધેલું કે તમે આવો છો. પણ ક્યારે આવો છો એ ન્હોતું કહ્યું.” સ્ત્રી બોલી અને તેને અંદર આવકાર્યો. સ્ત્રી કોની વાત કરતી હતી? તેને પ્રશ્ન થયો. તે ઘણું બધું ભૂલી ગયેલો, તે અહીં શા માટે અને કેવી રીતે પહોંચ્યો એ પણ. તેને છેલ્લી સ્મૃતિ યુવાન નાવિક સાથેની ચર્ચાની હતી.

“આ કોનું ઘર છે? અને આ ક્યો પ્રદેશ છે?” તે અંદર આવ્યો.

સ્ત્રી જરાક મલકાઈ, “કેમ? તારે આને નકશામાં શોધવો છે?”

આગંતુક મૌન રહ્યો. ખૂણામાં ચૂલા પર મૂકેલાં વાસણમાંથી શંખાવલીનાં પંચાંગનો દૂધમાં બનાવેલો ઉકાળો સ્ત્રીએ એક માટીના પ્યાલામાં કાઢ્યો અને મહેમાન સામે ધર્યો. મહેમાને પ્યાલો હાથમાં લીધો. સ્ત્રી આગળ બોલી, “પરંતુ નકશા એ પ્રદેશ નથી દેખાડતા જે તારા વિશ્વની પાર આવેલા છે, ઉચ્ચ ચૈતન્યની સત્તાના પ્રદેશ. જેમ કે આ. તારી દુનિયા પ્રતિભાસની દુનિયા છે. પ્રકાશ અને આકૃતિ વડે તને એનું જ્ઞાન થાય છે. ભાવનાઓ અને વિચાર વડે તું એને સમજે છે. અહીં એવું નથી.”

મહેમાનને સ્ત્રીની વાત ન સમજાઈ. તેણે પ્યાલામાં જોયું. તેને આ પ્રવાહી અંગે પણ શંકા હતી. સ્ત્રી તેનો ખચકાટ જોયો, “તારી સ્મૃતિને ઘસરકો પડ્યો છે. પી જા, ઠીક થઈ જશે.”

તે પ્યાલો પી ગયો. “તું કોણ છે?”

“કંદાર્ની,” તે બોલી અને થોડેક દૂર ભોંય પર બેસી ગઈ. તેણે આગંતુકને સામે બેસવા ઈશારો કર્યો.

“અને ઇજેજ્જા? એ વળી કોણ?”

કંદાર્નીએ ચૂપ રહી. લાંબી ક્ષણો સુધી બંને એકબીજને જોતાં રહ્યાં. એ પછી સ્ત્રી બોલી, “આંખ બંધ કર અને મનને શાંત કર. હું તને કેટલાક પ્રશ્ન પૂછીશ.”

સૌ પહેલા કંદાર્નીએ જ પોતાની આંખ મીંચી દીધી. આગંતુકને સામા સવાલ કરવાની ઈચ્છા જાગેલી, પરંતુ કંદાર્નીની શાંત મુખમુદ્રા જોઈને તેણે એ વિચારને દાબી દીધો. તેણે પોંપચા ઢાળ્યા અને ચિત્તને શાંત થવા દીધું. ઘણો સમય પસાર થઈ ગયા પછી કંદાર્નીએ પૂછ્યું, “તારા આગમનનું કારણ?”

તેણે મન ઢંઢોળ્યું. હમણા સુધી પાછલી થોડીક હોરાઓની તેની સ્મૃતિ રિક્ત હતી, પરંતુ ધીમે-ધીમે એ ઘટનાઓ જીવતી થઈ. સરાઇ પર થયેલું ચાંચિયાઓનું આક્રમણ, કાસર ખાનનો કઠોર ચહેરો, રાતી રોશનીવાળો વિદ્રુમ ટાપુ અને પ્રવાળ રત્ન, બધું જ તેની બંધ આંખ પાછળ પલકારમાં જ જીવંત થઈ ઊઠ્યું.

તેણે આંખ ખોલી નાખી. તેની છાતી હાંફવા લાગી. તેણે એ બધી જ ઘટનાઓ વર્ણવી, એ કપરી ક્ષણોની પણ મન ખોલીને વાત કરી જ્યારે વિદ્રુમના કિનારે આવીને તે પોતાની જાતને પાપ અને અનીતિના માપદંડો પર તોળી રહેલો.

કંદાર્નીએ શાંતિથી સાંભળ્યું અને અંતે જરાક ખિન્ન ચહેરે બોલી, “એ પ્રવાળ મનુષ્યોની રમતની વસ્તુ નથી. કોઈ એને અડકી પણ ન શકે.” તે ઊઠી, “તારે વિદાય લેવી જોઈએ.”

તે હજુ આવ્યો જ હતો, આ જગ્યાને સમજ્યા વગર પાછા જવાની તેની ઈચ્છા ન હતી. તે બેઠો રહ્યો. બંને એકબીજાને ફરીથી લાંબો સમય નીરખતા રહ્યા.

“આદેશ,” સહસા કંદાર્ની બોલી. કંદાર્નીની દૃષ્ટી આગંતુક પર હતી પણ ધ્યાન ક્યાંક બીજે કેન્દ્રિત હતું. કંદાર્નીએ પીઠ ફેરવી લીધી. બંનેની નજર તૂટી ગઈ. કંદાર્નીના ઘેરા કાળા વાળ પૂરી પીઠને ઢાંકી દેતા હતા. કંદાર્નીને આ રીતે ઊભેલી જોઈને તેનાં મનમાં જરાક ભય પણ વ્યાપ્યો.

થોડીક ક્ષણો બાદ કંદાર્નીએ ચહેરો ફેરવ્યો, એ દ્વિધામાં દેખાતી હતી. જાણે, એક તરફ મહેમાન ચાલ્યો જાય એમ તે ઈચ્છતી હતી, તો બીજી તરફ એનું મન એ રોકાય એવું પણ કહેતું હતું. આગંતુક તેના મનોભાવને સમજી ન શક્યો. આખરે તે થોડુંક ખચકાઈ અને ધીમેકથી બોલી, “ઇજેજ્જા કહે છે કે,” તે અટકી ગઈ, જાણે આગળના શબ્દો ઉચ્ચારવામાં કઠોર પરિશ્રમ કરતી હતી, “તું રોકાઈ જા.”

આગંતુક આશ્વર્યમાં હતો, કંદાર્નીનું વર્તન શંકાસ્પદ હતું. તે કંઈ પૂછે એ પહેલા જ કંદાર્નીએ એક ટોપલી ઊઠાવી અને બહાર ચાલી ગઈ. જતી વખતે તે બોલી, “તું ક્યાંય જતો નહીં, હમણાં આવી.”

તે પણ બહાર આવ્યો. કંદાર્ની મેદાનના એક છેડે આવેલા જંગલ તરફ જતી હતી. તેણે દ્વાર પાસે ઊભા રહીને બહારનું મેદાન અને નદીનો શાંત પ્રવાહ જોયા. તેણે તેજોમય શિખરધારી પર્વતને જોયો. તે ફરીથી એની ભવ્યતા પ્રત્યે મોહિત થઈ ગયો. કંદાર્નીને પાછા ફરતા ઘણી વાર લાગી. તે પરત ફરી ત્યારે તેની ટોપલી શતાવરીની કૂંપળો, જમરૂખ, પાલકના પાન અને લસણની તાજી કળીઓથી ભરચક હતી. આ વિચિત્ર પ્રદેશમાં આગંતુકને આકાશમાં ક્યાંય સૂર્ય ન દેખાયો. અહીં કેવળ શિખરની રાતી રોશનીનું સામ્રાજ્ય હતું. સમયનો અંદાજો લગાવવો અશક્ય હતો. ભોજનનો વખત કળવો પણ મુશ્કેલ હતું. છતા તેને ભૂખ તો લાગેલી જ.

કંદાર્ની અંદર આવી અને ચૂલો સળગાવી એક મોટા પાત્રમાં રસોઈની તૈયારી કરવાં લાગી. તે કંદાર્નીથી થોડેક દૂર જઈને બેઠો, “અહીંના બીજા લોકો ક્યાં છે? અને આ કોનું રાજ્ય છે? મારે આ પ્રદેશને સમજવો છે.”

કંદાર્ની મોં ફેરવ્યાં વિના બોલી, “અમારું માથું ઇજ્જેજા આગળ ઝૂકે છે.”

તે વિચારવા લાગ્યો; ‘અમારું માથું’ એટલે કે અહીં બીજા લોકો પણ હતા અને ઇજ્જેજા એમના કોઈ ઈશ્વર હતા. તે આગળ બોલ્યો, “મેં ઘણા દેશો જોયા છે, ઘણા રાજ્યો ફર્યો છું. મહેલો, મકબરાથી લઈને નગરના બગીચાઓ સુધીનું બધું જ મેં બારીકાઈથી જોયું છે. આ જગ્યાએ એવું કશું હોત તો પણ હું આ દેશ અંગે અંદાજો લગાવી લેત. પણ આ સ્થળ મેં ભૂતકાળમાં જોયેલી કોઈ જગ્યા સાથે મેળ નથી ખાતું. એટલે મને એનું અચરજ છે. આ ભૂમિ ઘણી અલૌકિક લાગે છે. તું મને આના વિશે વધારે જણાવીશ?”

તેણે કંદાર્નીના જવાબની રાહ જોઈ, પણ તે મૌન રહી. લાંબો સમય રાહ જોયા પછી તે બોલ્યો, “તને વાત કરવી પસંદ નથી લાગતી.”

કંદાર્ની તેની સામે ફરી, “એવું નથી, પણ પ્રવાસી, તું બહારના જગતની ચિંતા કરવાનું છોડ. એ બધું તકલાદી છે. એમાનું કંઈ નહીં ટકે.”

તેને કંદાર્નીની વાત સાચી લાગી. પરંતુ દરેક પળે નવા-નવા પ્રશ્ન ફૂટતા હતા અને મૂંઝવણ વધતી જતી હતી. કંદાર્ની કોઈ સંતોષકારક જવાબ આપતી ન હતી એટલે તેણે અત્યારે ચૂપ રહેવાનો નિર્ણય કર્યો.

થોડીક વારમાં ઉકળતા પાણીમાં તૈયાર થતા ભોજનમાંથી ઊઠતી સોડમ તેની ઘ્રાણેંદ્રિયને ઉત્તેજિત કરવા લાગી. તેની ભૂખ વધારે ઊઘડવા લાગી. કંદાર્નીએ ભોજનમાં શ્રેષ્ઠ પ્રકારના મસાલાઓ ઉમેર્યા હતા. એની ખુશબોથી આવાસ મઘમઘતું હતું. તેણે દિલ્લીથી લઈ મલબારની ઘણીયે રસોઈનો સ્વાદ માણેલો, પરંતુ કંદાર્નીની રસોઈમાં કંશું અલગ પ્રકારનું આકર્ષણ હતું, પાત્રમાંથી ઊઠતી મહેકમાં અજાણ્યું જ કામણ હતું.

પોતાની તરફ પીઠ ફેરવીને બેઠેલી કંદાર્ની સામે તેણે ક્યાંય સુધી જોયાં કર્યું. કંદાર્ની પીઠ ફેરવીને બોલી, “રસોઈને વાર લાગશે.”

આગંતુકને કશું યાદ આવ્યું, “એ શું સંગીત હતું જે હું હમણા સાંભળતો હતો?”

“સા-રે-મ-પ-ની-સા...” તેણે સ્વરોલ્લેખ કર્યો, “આનું કોઈ નામ નથી.”

થોડેક દૂર પડેલી એક પેટીમાંથી કંદાર્નીએ વાંસળી બહાર કાઢી. કંદાર્ની તેની સામે આવીને બેઠી અને વાંસળીને હોઠ પર ગોઠવીને શ્વાસ ફૂંક્યા. વાંસળીનું સંગીત ચિત્તહર હતું. એના આંદોલનમાં ગજબનો જાદૂ હતો, છેક પાતાળનાં તળેથી આવતા હોય એવા ગર્ભિત સ્વર હતા, આરોહ નક્ષત્રો પારની દિવ્ય ભૂમિ સુધી ઊંચકી જતો અને અવરોહ હૃદયના એવા અસ્પર્શ્ય તારને અડકીને આવતો જ્યાં હજુ સુધી કોઈ લાગણી પહોંચી ન હતી. આગંતુક અજાણી ધુનની આંગળી પકડીને કોઈ અજ્ઞાત આનંદ-પ્રદેશમાં વિહરવા લાગ્યો. તેને દરવેશો જેમ નાચવાની ઈચ્છા થઈ આવી. તે ઊઠ્યો અને હવામાં બંને હાથ ફેલાવીને આનંદોત્સવ કરવા લાગ્યો.

થોડાક સમય પછી કંદાર્નીએ વાંસળી નીચે મૂકી દીધી. આગંતુકે નાચવાનું અટકાવી દીધું. પ્રવેશ આગળનો પડદો આપોઆપ બંધ થઈ ગયો. આવાસમાં કોઈ બારી ન હતી. રસોઈની સોડમ હવે બહાર જઈ શકતી ન હતી. કંદાર્નીની આંખમાં અનુરાગ પ્રજ્વળતો હતો. ચૂલાનો અગ્નિ હજુયે સળગતો હતો. બંનેમાંથી કોઈને હવે રસોઈની ચિંતા ન હતી. ભોજનમાંથી નીકળતી વરાળે આવાસને ઉકળાટથી ભરી મૂકેલું. બંનેની ત્વચાએથી પ્રસ્વેદ ઝરતો હતો. આગંતુકનું પહેરણ ભીંજાઈ ગયેલું. કંદાર્ની ઊભી થઈ અને ધીમેકથી તેની સામે આવીને પોતાનું કમર નીચેનું વસ્ત્ર ઊતારતા બોલી, “પ્રવાસી, બહારનાં જગતની ચિંતા કરવાનું છોડ, અંદરના સૌંદર્યને પ્રેમ કર!”

તે સ્તબ્ધ આંખે કંદાર્નીના મોહક ચહેરાને, કામણગારી આંખોને નીરખતો રહ્યો. તે શબ્દો વીસરી ગયેલો, હોઠ બોલવાનું ભૂલી ગયેલા, તેનું ચિત્ત કંદાર્નીના મોહપાશનું કેદી બની ગયેલું. કંદાર્નીનો ગર્ભ યજ્ઞવેદી હતો અને કેશ સમિધ માટેનું તૃણ. તેની ત્વચાના છિદ્રોમાંથી સોમરસ ઝરતો હતો. તેનું જનનાંગ અગ્નિ ધારણ કરી રહ્યું હતું.

કંદાર્ની ચહેરો પાસે લાવીને ધીમેકથી બોલી, “તું પૂછતો હતોને, કે આ પ્રદેશ શું છે? સાંભળ. આ એદનવાડીમાં છે. તું આદમ છે અને હું ઈવ છું. હવે હું એ કરવા જઈ રહી છું જેની મને અનુમતિ નથી.”

તે જાણતી હતી કે તે ઇજેજ્જાને નારાજ કરવા જઈ રહ્યી હતી. કિંતુ તે મક્કમ હતી.
***

ઇબ્ન બતૂતા અડધો જાગૃત હતો, અડધો સ્વપ્નમાં. સ્વપ્ન અને જાગૃતિ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ હતું. હજુયે કંદાર્નીના મોહપાશની અસર તીવ્ર હતી. નજર સામેનું સઘળું અસ્પષ્ટ હતું. તેને જરા-તરા યાદ હતા - કંદાર્નીનો મોહક ચહેરો, પેટાવેલા અગ્નિની જ્વાળાઓ, સોડમથી તરબોળ થયેલા બંનેના તન-મન, એકમેકની બાહુઓમાં ઓગળી ગયેલી આકાંક્ષાઓ અને અંતે પ્રાપ્ત થયેલાં સુખની ચરમક્ષણો.

એ પછી આવાસમાં થોડીક સ્ત્રીઓ તીર-કામઠાં સાથે ધસી આવેલી. એ સ્ત્રીઓ તેને અને કંદાર્નીને ક્યાંક લઈ જવા લાગી. તેજ રોશનીને કારણે વાંરવાર તેની આંખ મીંચાઈ જતી હતી. હા, કદાચ એમ જ બન્યું હતું.

તેને તેજસ્વી શિખરધારી પર્વત પરથી ઊતરતા વિશાળકાય મનુષ્ય યાદ હતા. પહોળા ખભા, કેશવિહિન પ્રભાવશાળી મસ્તક અને નગ્ન શરીરવાળા એ કુલ નવ મનુષ્ય સામે કંદાર્ની સહિત એમને અહીં લઈ આવનારી બધી જ સ્ત્રીઓ ઘૂંટણભેર ઝૂકેલી. તે એમનાં પ્રભાવશાળી અસ્તિત્વથી અંજાઈ ગયેલો. તેણે એમને એકીટસે ક્યાંય સુધી જોયાં કરેલું. તેમના શરીર પર્વતના શિખર પાછળની રોશનીને ઢાંકી દેતા હતા. તેને યાદ હતું કે કંદાર્નીએ તેનો હાથ ખેંચીને તેને ઝૂકવા ઈશારો કરેલો. તે બોલેલી, ‘ઇજેજ્જા!’

હા, તે ‘ઇજેજ્જા’ બોલેલી. તેને યાદ આવ્યું કે એ વિશાળકાય મનુષ્ય કંદાર્નીના લોકોના દેવ હતા. તે પણ ઘૂંટણે પડીને એમની સામે ઝૂકેલો, પરંતુ પછી શું થયું એનું તેને સ્મરણ ન હતું.
***

કાસર ખાનનાં જહાજે વિદ્રુમ ટાપુથી થોડેક દૂર સતત બે દિવસ સુધી પહેરો ભરેલો. કિનારે લાંગરેલી નાવ ત્યાં જ હતી. ટાપુ છોડવાનો એ સિવાય બીજી કોઈ રસ્તો ન હતો. કાસર ખાને ટાપુના પાછળના કિનારે પણ નિગરાની માટે બીજી બે નાવ મોકલેલી. નજર ચૂકવીને પણ ટાપુ પરથી છટકવું અશક્ય હતું, કિંતુ ઇબ્ન બતૂતાના પાછા ફરવાના કોઈ વાવડ ન મળ્યા.

ત્રીજા દિવસે આવેલા ભયાવહ તોફાનમાં કાસર ખાન અને ચાંચિયાઓએ જહાજ સાથે જ જળસમાધિ લઈ લીધી. કાસર ખાનનું નામ કાયમ માટે ઇતિહાસના પાનાઓમાં બંધ થઈ ગયું.

વહેલી સવારે જ્યારે ઇબ્ન બતૂતા જાગ્યો, ત્યારે તેને ફરીથી એક લાંબી આરામદાયક નીંદરમાંથી પાછા ફરવા જેવી અનુભૂતિ થઈ. આસપાસ મૂળમાંથી ઊખડી ગયેલા વૃક્ષો અને તારાજ થયેલી વનરાજી નજરે ચડ્યા. દેદીપ્યમાન સૂર્યને કારણે સ્વચ્છ નીલું આકાશ ઝળહળતું હતું. તે અચંબામાં પડી ગયો. તેને પાછલા થોડાક સમયની જરા પણ સ્મૃતિ ન હતી. તે અહીં કેવી રીતે આવી પહોંચેલો? સરાઈ પર ચાંચિયાઓ ત્રાટકેલા અને માથા પર થયેલા ભયાનક પ્રહારે તેને મૂર્છિત કરેલો, છેલ્લે તેને આટલું જ યાદ હતું.

તેણે આસપાસના અવાજ પર કાન ધર્યા. તેને દરિયાનો અવાજ સંભળાયો, દૂરથી આવતા સમુદ્રી પવનની પણ અનુભૂતિ થઈ. તે પવનની દિશા પકડીને કિનારે પહોંચ્યો. નજર સામે અનંત સાગર પ્રસરેલો હતો. તેને માલદીવની દિશાનું જ્ઞાન ન હતું. અહીંથી નીકળવાનો ઉપાય શોધવાના પ્રયાસમાં તેણે આમતેમ ફાંફા માર્યા. ત્યાં તેનું ધ્યાન રેતી નીચે દટાયેલી નૌકા પર ગયું. તેણે ઝડપથી એને બહાર કાઢી. તોફાની મોજાઓ નૌકાને કિનારાથી દૂર લઈ આવેલા. સદભાગ્યે એને ખાસ નુકસાન ન થયેલું. હલેસાઓ પણ ત્યાં રેતીમાં જ દટાયા હતા. ઘણી મહેનત પછી નૌકાને કિનારા સુધી લાવવામાં તે સફળ થયો. તે નાવ પાણીમાં ઊતારીને ટાપુથી દૂર જવા લાગ્યો. તેને દિશાભાન ન હતું. પણ અંત:સ્ફુરણાને વર્તીને તે પૂર્વમાં આગળ વધ્યો. આખરે, મધસાગરે માલદીવ જઈ રહેલા એક અરબી જહાજે તેને ઉગારી લીધો.

સરાઈ પર ચાંચિયાઓની લૂંટ પછી મ્યૂલાકુના લોકો આઘાતમાં હતા, પરંતુ હવે સ્થિતિ સામાન્ય હતી. ઇબ્ન બતૂતા લાપતા થયો એ પછી વજીર ચિંતામાં સરી પડેલો. તેને ડર પેસી ગયેલો કે દિલ્લીની સલ્તનત તરફથી જરૂર કોઈ આ ઘટનાનો ખુલાસો માંગવા આવશે. વજીરાત ઊથલાવવાનું આનાથી સારું બહાનું કંઈ ન હોઈ શકે. પરુંત ઇબ્ન બતૂતા સલામત પાછો ફર્યો. વજીરને નિરાંત પહોંચી. મહેલના ખર્ચે ઇબ્રાહીમના જહાજની સિલોન પહોંચવાની વ્યવસ્થા કરાઈ.

તેને થોડાક દિવસો પછી ધીમે-ધીમે બધી જ ઘટના યાદ આવવા લાગી. પરંતુ ત્યારે પણ સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચે ભેદ પાડવું મુશ્કેલ હતું. એક તરફ મન દૃઢ રીતે માનતું હતું કે તેની સ્મૃતિ એક ભયાનક સ્વપ્ન હતી, જ્યારે હૃદય કહેતું હતું કે એમાં સચ્ચાઈ હતી. ઘણા દિવસો સુધી તેનું અંતર આ બંને વચ્ચેના સંઘર્ષમાં ભીંસાતું રહ્યું.

સિલોનમાં છેક ઉત્તર કિનારે, જાફના સામ્રાજ્યના પુટ્ટલમ નગર પહોંચીને તે રાજા આર્ય ચક્રવર્તીને મળ્યો. માયાળુ રાજા થોડી-ઘણી ફારસી જાણતો હતો. તેને રાજભવનમાં સારો આવકાર મળ્યો. સિલોનના પ્રસિદ્ધ તીર્થ શ્રીપાદ અંગે તેણે ઘણા સમયથી સાંભળેલું, જેના શિખર પર વિશાળ પાદચિહ્ન ધરાવતો એક પથ્થર હતો. તેને પોતાની સ્વપ્ન સરીખી સ્મૃતિમાં રહેલા ઇજેજ્જાનું સ્મરણ થઈ આવેલું. તે માનતો હતો કે શ્રીપાદનાં શિખર પરના એ વિશાળ પગલા અને ઇજેજ્જા વચ્ચે જરૂર કોઈ સંબંધ હોવો જોઈએ. તેણે પુટ્ટલમના વિદ્વાનોને પૂછપરછ કરેલી. તેણે જાણ્યું કે ઇજેજ્જા સિલોનની પ્રાચિન આદીજાતિ વેડ્ડાઓના ભાષાનો શબ્દ હતો. એનો અર્થ થતો હતો ‘મુખ્ય’ કે ‘પ્રમુખ’. એ સિવાય તેને ઇજ્જેજા અંગે વધારે કંઈ જાણકારી ન મળી.

તે નિરાશ જરૂર થયો, પણ પગલાનું દર્શન કરવાની તેની ઈચ્છા કાયમ હતી. રાજા આર્ય ચક્રવર્તીએ તેની સાથે એક સંઘ રવાના કર્યો જે શ્રીપાદની યાત્રા પગે ચાલીને કરવાનો હતો. ઇબ્ન બતૂતા માટે એક પાલખીની વ્યવસ્થા કરવામાં આવેલી. પ્રાત: અને સંધ્યાકાળે આગળ વધતા જાફના સામ્રાજ્યના નગરો પસાર કરીને, રાજ્યમાર્ગમાં આવતા પવિત્ર સ્તૂપો પાસે રોકાણ કરીને અને સિલોનના કુદરતી સૌંદર્યનું રસપાન કરતા ઘણા બધા શ્રદ્ધાળુઓ સંગાથે ચાલતા હતા.

લાંબી યાત્રા પછી સંઘ શ્રીપાદની તળેટીમાં એક ગુફા જેવા વિરામસ્થળ સુધી આવી પહોંચ્યો. ત્યાંથી પર્વતના શિખર સુધી બે રસ્તા જતા હતા, આદમ માર્ગ અને ઈવ માર્ગ. આદમ માર્ગ આરોહણ માટે વપરાતો અને ઈવ માર્ગ અવરોહણ માટે. આ વાત જાણીને ઇબ્ન બતૂતાને કંદાર્નીની યાદ આવી ગઈ. તેના કાનમાં કંદાર્નીના શબ્દ પડઘાવા લાગ્યા, ‘તું આદમ છે અને હું ઈવ છું.’

ઇબ્ન બતૂતા સંઘ સાથે વહેલી પરોઢે શિખર સુધી પહોંચ્યો. છેક ટોચ પર, ચાર સ્તંભ પર ગોઠવેલી છતનું એ અતિ સામાન્ય સ્થાનક દીવાલ વગરનું હતું. આછા અજવાળામાં તેણે અંદર જોયું. આશરે અગિયાર વેંત લાંબુ પાદચિહ્ન એક કાળા પથ્થર પર અંકિત હતું. એ પથ્થરમાં નવ છિદ્ર કોતરાયેલા હતા. શ્રદ્ધાળુઓ એમાં સોનું, ઘરેણા અમે કિંમતી રત્નોની ભેટ અર્પણ કરતા. ઘણા શ્રવણો અને સાધુઓ ત્યાં રાંધેલા ભાતનો પ્રસાદ પણ ચડાવતા. અત્યારે ત્યાં ફક્ત ચોખ્ખુંચણાક પાદચિહ્ન જ હતું. તેણે એને થોડીક ઘડી જોયા કર્યું. તેનાં મનમાં નવ મહાકાય ઇજેજ્જાની આકૃતિઓ રચાવા લાગી.

શિખરથી થોડાક પગથિયા ઊતરીને તે નીચે આવ્યો. ત્યાં ઓટલા જેવી સમથળ જગ્યા હતી. આટલે ઊંચે આકરી ઠંડી હોવાથી ખુબ ઓછા શ્રદ્ધાળુઓ ત્યાં બેસીને સૂર્યોદયની રાહ જોતા. પૂર્વમાં મંડાયેલી તેઓની નજર ઇર સેવયની ક્ષણોની રાહ જોતી હતી. આસપાસ ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. પવનનું જોર પણ વધારે હતું. વાતાવરણ શ્રમણો અને સાધુઓના ખુલતા વસ્ત્રોના ફફડાટથી ગૂંજતું હતું. તેઓના કાંપતા હોઠ ધીમા અવાજે મંત્રોચ્ચાર કરતા હતા. ચાર હિન્દુ સાધ્વીઓ સૂર્યના આગમનને વધાવવા જરાક મોટા સાદે ગાતી હતી, ‘સાધુ સાધુ સા…’

સૂર્યોદયની રાહમાં એક હોરા વીતી ગઈ. શ્રદ્ધાળુઓની હિંમત જવાબ દેવા લાગી. ઠરી ગયેલા શરીર પીડા આપતા હતા. ધીમે-ધીમે લોકો ઊઠ્યા અને નીચે ઊતરવા લાગ્યા. તેની હિંમત પણ વધારે સમય ન ટકી. બે હોરા પસાર થવા આવી. હજુયે ગાઢ ધુમ્મસ અને વાદળો પાછળ સૂર્યનું કોઈ ચિહ્ન દેખાયું નહીં. આજે નસીબમાં ઇર સેવયની ક્ષણ લખાઈ નથી, આખરે તેણે વિચાર્યું અને આશા ત્યાગીને નીચે ઊતરવા લાગ્યો.

તળેટીમાં આવેલી ગુફામાં ત્રણ દિવસ રોકાવાની અને સવાર-સાંજ પાદચિહ્નના દર્શન કરવાની પરંપરા હતી. તે બે દિવસમાં ચાર વાર દર્શન કરી આવેલો, પરંતુ બંને સવારે સૂર્યોદયની રાહ જોયા પછી તે થાકીને નીચે ઊતરી જતો. તે સિલોનના વિવિધ રાજ્યોમાંથી આવતા અલગ-અલગ સમુદાયનાં શ્રદ્ધાળુઓના ભક્તિ અને દૃઢવિશ્વાસ જોઈને ચકિત થઈ જતો. એ બાબત તેને હિંમત પણ આપતી. ઇર સેવયની રાહમાં તે ક્યાંય સુધી ધુમ્મસની પેલે પાર તાક્યા કરતો અને પોતાની ઝાંખી સ્મૃતિમાં ડૂબીને કંદાર્ની અંગે વિચારતો રહેતો.

ત્રીજા દિવસની સવારે તે ફરીથી શિખર પર પહોંચ્યો. આ છેલ્લો અવસર હતો. તે પેલા સમથળ ઓટલા પર અન્ય શ્રદ્ધાળુઓ સાથે સૂર્યના દર્શનની આશ લઈને બેઠો. આજે ધુમ્મસ અને વાદળો જરાક ઓછા હતા એનો તેને આનંદ થયો. આસપાસ એ જ જાણીતા અવાજ હતા; શ્રમણો અને સાધુઓના વસ્ત્રોનો ફફડાટ, ધીમા અવાજે મંત્રોચ્ચાર અને સાધ્વીઓનું આગમન ગાન, ‘સાધુ સાધુ સા… સાધુ સાધુ સા…’ અડધી હોરા પશ્ચાત એ બધા અવાજો વચ્ચે એક નવો સૂર જન્મ્યો. એ વાંસળીનું સંગીત હતું. તેની સ્મૃતિમાં એ ધૂન ક્યાંય ઊંડે દટાયેલી હતી. એ અનુભૂતિ જેને તે જોજનો દૂર ભૂલી આવેલો.

તેણે અવાજની દિશા શોધવા આમતેમ જોયું. થોડેક દૂર કોઈ એકલું બેઠું હતું, જાણે એ તેનાં સ્વપ્નમાંથી જીવતું થઈને વાસ્તવિકતામાં પ્રવેશ્યું હતું. વાંસળીને સ્પર્શેલા કંદાર્નીના હોઠ સંગીત રેલાવતા હતા. તે પોતાની જગ્યાએથી ઊઠ્યો અને કંદાર્ની પાસે આવીને બેઠો. બૌદ્ધ ભિક્ષુણીનું ફીકું ગુલાબી વસ્ત્ર પહેરેલી કંદાર્નીના કાળા ઘેરા વાળની જગ્યાએ મુંડન હતું. તેણે વાંસળી ન સાંભળી હોત, તો એ ચોક્કસ કંદાર્નીને જોયા પછીયે ન ઓળખી શક્યો હોત. કંદાર્નીએ સંગીત અટકાવ્યા વગર તેની સામે જોયું અને આંખથી પૂર્વનાં આકાશ તરફ સંકેત કર્યો.

તેણે નજર ફેરવી. આછરતા જતાં ધુમ્મસને પેલે પાર, ઘાટીની પર્વતમાળાઓની ટોચ પાસે ક્ષિતિજે સૂર્યની ઝાંખી આકૃતિ ઝબકવા લાગી. જાણે સૂર્ય નર્તન કરતો હતો. ઇર સેવય! તે બોલી પડ્યો. થોડીક ઘડીઓ પછી સૂર્ય ફરી પાછો ક્ષિતિજ તરફ ઝૂકવા લાગ્યો. ચમત્કાર! તેણે વિચાર્યું. થોડીક વધારે ક્ષણો વીતી એ પછી ખરો સૂર્યોદય થયો અને સૂર્ય ક્ષિતિજ પરથી પૂર્ણ તેજ સાથે ઊઘડ્યો. આ જોઈને તેનું હૃદય ઊર્મીઓથી છલકાતું હતું. ઈશ્વર અને વિશ્વ પ્રત્યે તેનો અપ્રગટ અહોભાવ અશ્રુ બનીને ઝરવાની તૈયારીમાં હતો.

તેને અંદાજો ન હતો કે કેટલો સમય વીતી ગયેલો. વાંસળીનું સંગીત અટકી ગયેલું. શ્રદ્ધાળુઓ ઊઠીને નીચે ઊતરી ગયેલા. ત્યાં ફક્ત તે અને કંદાર્ની જ હતા. તેણે થોડાક ખચકાટથી પૂછ્યું, “તે તારા દેવ બદલી નાખ્યા?”

કંદાર્નીએ પળવાર વિચાર્યું, “ના, ઇજેજ્જાએ મને આ જગતમાં મોકલી તો આપી, પરંતુ હું હજુયે તેને પૂજતી રહીશ. એ જ મને શક્તિ આપે છે.”

“કોણ છે ઇજેજ્જા? મેં સિલોન આવીને તપાસ કરેલી પણ મને કંઈ જ જાણકારી ન મળી.”

“સર્વોચ્ચ જીવ, મનુષ્યોના જગતના સર્જક.”

તેના માટે આ નવા પ્રકારનાં ઈશ્વર હતા, પણ ખરેખર તેને હવે ઇજેજ્જામાં વધારે રસ ન હતો. તેને કંદાર્નીનું આકર્ષણ હતું. તે કશું બોલવા ઈચ્છતો હતો, પોતાની લાગણીઓ માટે શબ્દ ફંફોળતો હતો. કિંતુ તેનું હૃદય અજ્ઞાન ભીતિને કારણે એમ કરતા રોકાઈ ગયેલું.

“હું તારું મન વાંચી શકું છું,” કંદાર્ની બોલી, “તારી શંકાઓ પણ.”

તે જરાક ક્ષોભમાં મૂકાયો. તેને વિશ્વાસ હતો કે કંદાર્ની સાચું બોલતી હતી. કંદાર્ની આગળ બોલી, “જે દિવસે તું મારા જગતમાં આવેલો, ત્યારે તે પાપ અને અનીતિની વાત કરેલી, યાદ છે?”

તેને એ બરાબર યાદ હતું. કાસર ખાને કહેલું કે વિદ્રુમ ટાપુ પર ફક્ત એ મનુષ્ય જઈ શકતો જે પાપથી અલિપ્ત હોય. કિનારે પહોંચીને તેણે પોતાના આત્માને કઠેડામાં રાખીને મૂલવ્યો હતો. એ તેની જિંદગીના સૌથી કઠીન નિર્ણયોમાંથી એક હતો.

કંદાર્નીએ તેને બધું જ જણાવ્યું. તે પોતાનું વિશ્વ છોડીને મનુષ્યના વિશ્વમાં આવી હતી. તેનું વિશ્વ, જ્યાં ઇજ્જેજા સર્વોપરી દેવતા હતા, એ વિશ્વમાં તે સદીઓથી અકસ્માતે પ્રવેશતા અને વિદાય લેતા મનુષ્યને જોતી રહેતી. પરંતુ બીજા વિશ્વના મનુષ્યો સાથે એકશરીર થવું તેના જેવા જીવ માટે અનુચિત હતું. તેમ છતા તેણે આખરે એ કૃત્ય આચરવાની હિંમત કરી. પરિણામે તેને પોતાનું વિશ્વ છોડવું પડ્યું. કિંતુ તેને આ વાતનો કોઈ રંજ ન હતો.

અંતે કંદાર્ની બોલી, “મારા જેવા જીવ જન્મતા નથી, કે નથી મૃત્યું પામતા. શરીરસુખ શું છે એનું પણ અમને ખરું જ્ઞાન નથી. જાગૃતિના પથ પર આગળ વધીને હું કદાચ એક દિવસ ઇજેજ્જાના સ્તરે પહોંચી શકી હોત, અને મેં પણ એવી અપ્રતિમ ચીજોનું નિર્માણ કર્યું હોય જેને મનુષ્યો સ્તબ્ધતાથી જોયા કરે છે. પરંતુ કશી અજ્ઞાત શક્તિએ મને એ કર્મ માટે પ્રેરી જે મને ઉન્નતિ નહીં, દુર્ગતિ તરફ લઈ ગયું. પણ આજે મને એનો કોઈ પસ્તાવો નથી. સર્જન માટે મારો આત્મા યુગોથી તરસી રહેલો. છેવટે મારા ગર્ભમાં તારું, એક મનુષ્યનું બીજ રોપાયું છે. આ એવું મહાન સર્જન છે જેની તોલે કશુંયે ન આવી શકે. મારા ગર્ભમાં રહેલો જીવ ભવિષ્યનો એક નવો દેવતા બનશે!”

તે સુખદ આઘાતમાં હતો. થોડી ઘડી તેનું મન સાવ શૂન્ય થઈ ગયેલું. પછી તેને કંદાર્નીના શબ્દ યાદ આવ્યા, ‘આ એદનવાડીમાં છે. તું આદમ છે અને હું ઈવ છું.’ તેને આદમ અને ઈવની વાર્તા યાદ આવી. આદમ અને ઈવે એ ફળ ખાધેલું જેની મનાઈ ફરમાવવામાં આવેલી. તેમને સજારૂપે એદનવાડીમાંથી ધરતી પર ફેંકી દેવાયેલા. તેને કંદાર્નીની વાતો ધીમે-ધીમે સમજાવા લાગી હતી. “તે તારા દેવનું વચન ઉથાપ્યું, કેમ?”

“મેં ઇજેજ્જાની આરાધનામાં સર્વસ્વ હોમી દીધેલું. મારી ગતિ શિખર તરફ હતી. પણ એકાએક, મેં તળેટીમાં પછડાવાનું નક્કી કર્યું. પણ મને લાગે છે કે ઇજેજ્જાએ જ મને એમ કરવા દીધું, જેથી હું તળેટીથી શિખર સુધીની યાત્રા આરંભી શકું. એ માટે કષ્ટ ભોગવવું પડશે, છતાયે એ અનિવાર્ય છે.”

તે અવાક હતો. કંદાર્નીની વાત તેના અંતરમાં અંકાઈ ગયેલી. “તું આ જગતમાં શું કરીશ? મારી સાથે ચાલ.” તે આતુર હતો. કંદાર્ની દૂર ચાલી જાય એમ તે ઈચ્છતો ન હતો.

“દરેકની નિયતી નક્કી છે.” તે બોલી, “તે જે માર્ગ પસંદ કર્યો છે એના પર ચાલતો રહેજે. અમૂલ્ય અનુભવો તારી રાહ જોઈ રહ્યા છે.”

કંદાર્ની હળવેક બેઠી થઈ, પોતાની વાંસળી ઇબ્ન બતૂતાની હથેળીમાં મૂકી અને વિદાયવેળાનું આખરી સ્મિત રેલાવ્યું. તેની દૃષ્ટી કદાર્ની પર જડાઈ ગયેલી. તે પણ ધીમેકથી ઊઠ્યો. તેણે કંદાર્નીની હથેળી પકડવા પ્રયાસ કર્યો, પરંતુ કંદાર્ની પાછળ પગલા ભરતી એનાથી દૂર જવા લાગી. કંદાર્નીએ પહાડની ધાર પરથી છેલ્લું પગલું પણ ઊઠાવી લીધું. તેનું શરીર હવામાં ઊંચકાયું અને પલકારામાં જ તે વાદળો વચ્ચે હવા બનીને અજ્ઞાતમાં અંતર્લીન થઈ ગઈ.

ઇર સેવયની ક્ષણો ક્યારનીયે વીતી ગયેલી.


_end_

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ