વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આળવીતરાઈ

એક વાત કહું? ચાલો કહી જ દવ. વાત મારી જ છે. પરંતુ વાંચીને હસતા નહિ હો. અને તમારો પ્રતિભાવ જરૂરથી આપજો. ચાલો શરૂ કરીએ.


નાનપણમાં હું બઉ આળવિત્રી હતી. આળવિત્રી એટલે તો ખબર છે ને? જેને ક્યાંય નિરાંત ના હોય, અને હંમેશા તોફાન કરતી રહે એવી.


નિશાળે જવાની ચોર. લેશન કરવાની ચોર. ઘરનું કામ કરવાની ચોર. અરે! ખાવાની પણ ચોર. ટૂંકમાં, કંઈ જ કરું નહિ. બસ છોકરાઓ જોડે તોફાન કરવા જોઈએ. ત્યારે હું લગભગ નવ - દસ વર્ષની હોઈશ. મારો ભાઈ મારાથી અઢી વર્ષ નાનો. પરંતુ એ ભણવામાં હોશિયાર. નિશાળે જવા સમયે એનું લેશન તૈયાર જ હોય. અને મને પેટમાં દુખતું હોય, હંમેશા. હું તો સવારમાં ઉઠવાની પણ ચોર. સાત વાગ્યાની સ્કૂલ,ને હું પોણા સાતે ઉઠું. બ્રશ કરીને વાટકો એક ચા-દૂધ પી ને સ્કૂલે જાવ. જ્યારે મારો ભાઈ, સવારમાં વહેલો ઉઠે, ન્હાય, એક ભાખરી ખાય, મમ્મી-પપ્પા અને ભગવાનને પગે લાગે, પછી સ્કૂલે જાય. આટલો ફરક હતો બે સગા ભાઈ-બહેનમાં. 😂


અમારી નિશાળ, હું સાત ધોરણ ભણી ત્યાં સુધી અમારા ઘરની આજુ-બાજુ જ રહી. માતા-પિતા સવારમાં ખેતરે જતા રહ્યા હોય. ઘરે દાદા-દાદી , હું અને ભાઈ હોઈએ. મમ્મી-પપ્પા તો છેક સાંજે પાછા આવતા. ત્યાં સુધી મારે તો મોજે દરિયા રહેતા. મારા દાદીએ એ ચિંતા ક્યારેય નથી કરી કે હું અને મારો ભાઈ શું કરીએ છીએ? ક્યાં જઈએ છીએ? એમાં અમુક કિસ્સાઓ હું તમારી સાથે વહેંચવા માંગુ છું.


૧. પ્રાર્થનાથી આવેલ તાવ :


હું લગભગ છએક વર્ષની હોઈશ. મારી નિશાળ, અમારી સામેના મકાનમાં જ હતી. હું નિશાળે ગઇ. પ્રાર્થનાનો સમય થયો. હું મારા મિત્રોસાથે, મારી એ નાનકડી શાળાની ઓસરીમાં બેઠી. પહેલા બધા છોકરાઓ બેઠા, પછી ચાલવાની કેડી છોડીને છોકરીઓને બેસવાનું હતું.


હું ડાઈ એટલી, કે પહેલી જ લાઈનમાં જઈને બેસી ગઈ. સામે ખુરશીપર સરસ્વતી માતાની છબી મુકવામાં આવી અને બધાને આંખો બંધ કરવાનું કહેવામાં આવ્યું. પ્રાર્થના ચાલુ થઈ. અનાયાસે એ જ દિવસે પ્રાર્થના થોડી લાંબી ચાલી અને મારા આળવીતરા જીવને મુંજારો ઉપડ્યો. 'પ્રાર્થના ચાલે છે ને બધાની આંખો તો બંધ હશે' એમ વિચારી મેં આંખોને જીણી કરી બધીબાજુ મૂંડી ફેરવવાનું ચાલુ કર્યું.


બરાબર એ જ સમયે, મારા એક શિક્ષક પોતાના ઘરેથી આવ્યા અને મને જોઈ ગયા. મને ખબર નહતી કે એ શિક્ષક મને જોઈ ગયા છે. હું મારી ધૂનમાં આંખો જીણી કરીને નજારો જોતી હતી. મારી આગળ, ચાલવા માટે છોડેલી કેડીપર ચાલતા ચાલતા એ શિક્ષકે મારા માથામાં બરાબરની ટપલી મારી. અચાનક વાગેલી એ ટપલીથી હું એટલી ડરી ગઈ કે મને તાવ ચડી ગયો.


ઘરે આવીને હું ખૂબ રડી અને મારા દાદાને વાત કરી. ડોકટર બોલાવવામાં આવ્યો. બીજા દિવસે મારા દાદા, મારી નિશાળે ગયા અને એ શિક્ષકને ખુબ લોન્ધારી. બે દિવસે હું સારી થઈને પાછી નિશાળે ગઈ ત્યારે મને ખબર પડી કે મારા દાદા અહીં આવીને શિક્ષકને લોન્ધારી ગયા છે. ત્યારપછી મને બધા શિક્ષકો બઉ ઓછું ખિજાતા. 😂



૨. બા.............ર.........


શાળાએથી છૂટીને અમે બધા મિત્રો, લેશન કરવાના બહાને મારા ઘરે ભેગા થઈએ. એ મિત્રોમાં હું, મારો ભાઈ, મારી ફ્રેન્ડ દીપાલી, દિપાલીની નાની બહેન નિધિ અને ક્યારેક મારા ભાઈનો ફ્રેન્ડ યતિન પણ હોય. ભેગા થઈને અમે લેશન ઓછું, ને મસ્તી જાજી કરતા.


ક્યારેક મસ્તી મસ્તીમાં ઝઘડો પણ કરતા. અને ઝઘડો એટલે જેવો તેવો નહિ, જઘડીએ એટલે કોઈકને તો લોહી નીકળ્યું જ હોય. એમાં પણ ઝઘડો થાય, કા તો મારી અને દીપાલી વચ્ચે, કા તો મારા ભાઈ અને યતિન વચ્ચે.


પરંતુ અહીં વાત કરીએ છીએ બા.....ર..... ની. ના... ના.. અહીં બાર એટલે બે એકડા અગિયાર, એકડે બગડે બાર વાળા નહિં. હા, આમ તો બાર એ જ પરંતુ અમારું બા......ર...... એ મારા બા એટલે કે મારા દાદીને હેરાન કરવા માટે હતું.


એકદિવસ અમે આવી જ રીતે લેશન કરવાના બહાને અમારા ઘરે ભેગા થયા હતા. લેશન કરતા કરતા અમને રમત સુજી અને અમે ટીચર ટીચર રમવા લાગ્યા. મારો ભાઈ, હંમેશની જેમ ટીચર બન્યો હતો. અને અમે બધા એના સ્ટુડન્ટ. ભણતા ભણતા અમે એકડા બોલવા લાગ્યા.


એકડે એક.... બગડે બેય... ત્રગડે ત્રણ... એમ કરતાં એકડે બગડે બા....... હજુ ર... બોલીએ એ પહેલાં બા એ રસોડામાંથી બૂમ પાડી, 'એ હઅઅ.'


થોડીવાર તો અમે સમજ્યા નહિ શું થયું એ પણ જ્યારે ખબર પડી કે બાર બોલતા, બા... લંબાવ્યું એમાં બા ને ઊંધું સમજાયું અને અમે ખડખડાટ હસી પડ્યા.


પછી તો જાણી જોઈને બા..... ર..... લંબાવતા અને બા હોંકારો દયે એટલે અમે ખડખડાટ હસતા.😝


3. નદીમાં પડવાની મજા...


અમારું ખેતર અમારા ઘરથી દોઢેક કિલોમીટર દૂર છે. અમે નિશાળેથી આવીએ એટલે મારા દાદા અમને ખેતરે લઈ જતા. ત્યારે ગાડીની સુવિધા ના હોવાથી અમે ચાલીને જ જતા. અમારું ખેતર અને ગામ વચ્ચે એક નદી આવે છે. ત્યારે એ નદીપર પુલ નહોતો એટલે નદીમાં થઈને જ ખેતરે જવાતું.


એક દિવસ અમે નિશાળેથી આવ્યા એટલે જીદ પકડી કે વાડીયે જવું. હું ત્યારે લગભગ પાંચ કે છ વર્ષની હોઈશ. મારા મમ્મી-પપ્પા તો સવારના ખેતરે ગયા હોય. એટલે અમે એમની પાસે જવાની રઠ લીધી. એટલે મારા દાદા, મને અને મારા ભાઈને લઈને વાડીયે જવા નીકળ્યા. ચોમાસુ હતું. વચ્ચે આવતી નદીમાં મારા દાદાના ગોઠણે પહોંચે એટલું પાણી હતું. મને કમરથી થોડે નીચે અને મારા ભાઈને કમર સુધી પાણી પહોંચતું.


મારા દાદાએ મારો અને મેં મારા ભાઈનો હાથ પકડ્યો હતો. આ રીતે ધીમે ધીમે અમે નદી પાર કરી અને અમારા ખેતરે પહોંચ્યા. ત્યાં ધીંગા મસ્તી કરી. આંબાના જાડપર ચડીને જાતજાતના નખરા કરવાની મજા જ કાંઈક અલગ હોય છે.


થોડો ઠંડો પહોર થતા અમે ફરી ઘરે આવવા નીકળ્યા. આ વખતે પણ મારા દાદાએ મારો અને મેં મારા ભાઈનો હાથ પકડ્યો હતો. ધીમે ધીમે નદી પાર કરતા હતા કે અચાનક મારા ભાઈનો પગ લપસ્યો અને એ નદીમાં બેસી ગયો. એના લપસવાથી મને પણ જટકો લાગ્યો અને હું પણ નદીમાં પડી ગઈ. અમે બન્ને આખા પલળી ચુક્યા હતા. હવે કાંઈ થાય એમ નહોતું એટલે મારા દાદાએ અમને બન્ને ને નદીમાં નાહવાની છૂટ આપી દીધી.. આમ તો ઘણીવાર વાડીયે જતા, અમે નદીમાં નાહવાની જીદ કરતા પરંતુ દાદા ક્યારેય નાહવા ના દેતા. પરંતુ આજે તો સામેથી છૂટ મળી હતી. અમે બન્ને એ મન ભરીને નદીના પાણીની મજા માણી.


પરંતુ હવે અમને એક હથિયાર મળી ચૂક્યું હતું, નદીમાં નાહવાનું. મેં અને મારા ભાઈએ નક્કી કર્યું કે બીજા દિવસે પણ વાડીયે જવું અને ફરી નદીમાં નાહવું.


બીજા દિવસે ફરી અમે વાડીયે જવા નીકળ્યા અને પાછા ફરતી વખતે કાલ વાળી જ ઘટના બની. પરંતુ આ વખતે એ ઘટના બનાવવામાં આવી હતી. ફરી અમને નાહવાની પરમિશન મળી અને અમે મન ભરીને નાહયા. આ સિલસિલો બે ત્રણ દિવસ ચાલ્યો ત્યાં દાદાને ખબર પડી ગઈ અને અમારું વાડીયે જવાનું જ બંધ થઈ ગયું. 😜



4. બપોરના બહારવટિયા..


નાનપણમાં અમારી સાત-આઠ લોકોની એક ટોળકી રહેતી. આડોસ-પાડોસના અમે બધા ટેણીયાઓ ભેગા થઈને બધાની બપોર બગાડતા. કેવી રીતે? ચાલો જોઈએ...


અમારી સ્કૂલ સવારના સાતથી બપોરના બાર સુધી જ રહેતી. બાર વાગ્યા પછી અમારી ટોળકી ફ્રી રહેતી.. અમારી ટોળકીમાં સાત વર્ષથી લઈને બાર વર્ષ સુધીના બાળકો રહેતા. બાળકો તો ખાલી કહેવાના જ. હતા તો બધા રાક્ષસો😂.


નિશાળેથી આવીને બધા જેમ-તેમ ફટાફટ ખાઈને શેરીમાં ભેગા થતા. ભેગા થઈએ એટલે અમારો પ્લાન નક્કી જ હોય. બજારમાં થઈને જવાનું અને વાડામાંથી થઈને પાછું ઘરે આવવાનું. અને રસ્તામાં જેટલા પણ બંધ ડેલા દેખાય એ ખાખડાવતા આવવાનું. જેવો કોઈ ડેલો ખોલવા આવે કે મુઠીયું વાળીને ભાગવાનું.. 😹


પહેલાના જમાનામાં લોકો, બહારવટિયાથી ડરતા અને હવે લોકો બપોરના સમયે ત્રાસી જતા. પણ કોઈ દિવસ અમે કોઈના હાથમાં નથી આવ્યા. એટલે અમે જાતે જ અમારી ટુકડીનું નામ 'બપોરના બહારવટિયા' પાડી દીધેલ.😹



5. આઈબ્રો..


ત્યારે હું કેવડી હોઈશ એ તો બરાબર યાદ નથી, પરંતુ મેં કરેલું એ કારનામું બરોબર યાદ છે.


અમારું મકાન બે માળનું હતું. જુનવાણી ઢબે બનાવેલા એ મકાનમાં નીચે ત્રણ અને ઉપરના માળે ત્રણ રૂમ હતા. અમે ઉપરના માળે, વચ્ચેના રૂમમાં સુતા. જમવાનું બધાને નીચે, બા-દાદા પણ નીચે જ સુતા.


જેમ મેં પહેલા જ કહ્યું એમ, મમ્મી-પપ્પા સવારથી ખેતર ગયા હોય. બપોરે જમીને બા-દાદા રૂમ બંધ કરીને સુઈ જાય. પછી અમે શું કરીએ એની એ બે માંથી કોઈને કાંઈ પડી જ ન હોય.


એવી જ એક બપોરે હું ઉપરના રૂમમાં ગઈ. દીવાલમાં બનાવેલો કબાટ વિખતા, પપ્પાનું દાઢી કરવાનું બોક્સ મારા હાથમાં આવ્યું. હવે આળવીતરાઈ લોહીમાં જ હતી તો બોક્સને કારીગરાઈ કર્યા વગર થોડું મૂકી દવ?😜


બોક્સ ખોલ્યું, રેઝર હાથમાં આવ્યું. લઈને કપાળે ફેરવ્યું. હાથ જરાક હલી ગયો ને જમણી બાજુનો આઈબ્રો પાછળથી થોડોક ઉડી ગયો.😭


પછી શું? બીજા દિવસે નિશાળે જવાનું હતું. કાંઈક તો જુગાડ કરવો પડે ને, એટલે મમ્મીની કાજલ લઈને આઈબ્રો બનાવ્યો.😝


અને જ્યાં સુધી નવો આઈબ્રો ના આવ્યો ત્યાં સુધી કાજલથી જ કામ ચલાવવું પડ્યું. 😣😣



6. ખરાબ અક્ષર...


પેલી કહેવત ખબર છેને.. 'ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે..' હા..  કહેવત મને બઉ મોડેથી ખબર પડેલી.


બાળપણમાં મારા અક્ષર ખૂબ જ ખરાબ થતા. ખરાબ એટલે એટલા ખરાબ કે મારાજ અક્ષર મને ખુદને જ ન ઉકલતા.


નાનપણમાં લેશનડાયરી આવતી. યાદ હોય તો..  ડાયરીમાં, શિક્ષકે આપેલ લેશન લખવાનું રહેતું, કાલે શું લેશન કરીને આવવાનું છે એ. હું પણ લખતી. પરંતુ ઘરે આવીને જ્યારે એ ડાયરી ખોલું તો ખબર જ ના પડે કે લેશન શુ આપ્યું છે😂. અક્ષર ઉકલે તો ખબર પડે ને😹. પછી મારી એકની એક ફ્રેન્ડ દીપાલીને પૂછવા જાઉં કે આજે લેશન શું આપ્યું છે?


પછી ઘરે આવીને લેશન કરવા બેસું. એ પણ કેવું? મારા દાદા બોલતા જાય અને હું લખું. પણ હરામ બરાબર જો લખેલા શબ્દોમાંથી મને એક પણ શબ્દ યાદ હોય😝😝. (આઠમા ધોરણમાં હોસ્ટેલમાં ગયા પછી હું હોશિયાર થઈ ગયેલ હો😝 અને અક્ષર પણ ખૂબ જ સારા થાય છે હવે તો..😹)



*આવા તો કેટકેટલાય કારનામા અમે બાળપણમાં કરેલા, ગલીમાં રમેલ એ પાંચીકા, ક્રિકેટ, લખોટી, નદી-પર્વત અને આવી તો કેટલીયે બીજી રમતો. અને સવારે કરેલા અસંખ્ય ઝઘડાઓ. પણ સાંજ પડે ત્યાં પાછા બધા ભેગા જ હોય. જે અત્યારે યાદ કરીએ ત્યારે દિલ ફરથી નાનકડું બની જાય છે. જ્યારે અત્યારના બાળકોનું બાળપણ મોબાઈલથી જ શરૂ અને મોબાઈલ પર જ પૂરું થઈ જાય છે. જે લોકો પાસે બાળપણની મોજમસ્તી ભરી યાદો નથી, એ લોકોએ જિંદગી જીવવાનો એક અમૂલ્ય લ્હાવો ગુમાવી દીધો છે એવું હું માનું છું.. *


ઉપર જણાવેલ કિસ્સામાં તમને કયો સૌથી વધુ ગમ્યો? કોમેન્ટ જરૂર કરજો..😜😜 અને તમારો કોઈ કિસ્સો હોય તો જરૂરથી શેર કરજો... તમારો અમૂલ્ય સમય બદલ આભાર...



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ