વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંબંધ

"તમે તૈયાર થઈને બહાર આવો હું બ્રેકફાસ્ટ બનાવું. પછી અનિકેતને ઊઠાડું." રાધાબહેન છુટ્ટા વાળનો અંબોડો બાંધતા રૂમમાંથી બહાર નીકળ્યાં. ડ્રોઈંગ રૂમમાં ટીવી ચાલુ જોઈ રિમોટ શોધતાં સોફા પર અનિકેતને સૂતેલો જોયો.


"અરે અનિકેત, કેમ સોફા પર.." એના બેડરૂમ તરફ નજર કરતા તેમણે પૂછ્યું. "અને આ ટીવી ચાલુ હતું. એનો રિમોટ..."


"હા, મોડે સુધી ટીવી જોતાં જોતાં ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ નહીં પડી." પોતાની પાસેના રિમોટથી ટીવી બંધ કરતા અનિકેત ઊભો થયો અને એના બેડરૂમમાં જતો રહ્યો.


હજુ ગઈ કાલે જ પરણેલા પોતાના એકના એક દીકરા અનિકેતનું આવું વર્તન રાધાબહેનને થોડું વિચિત્ર લાગ્યું. એ નાસ્તો બનાવવા રસોડામાં ગયાં.


"સુનિલ, નિમાનો બધો સામાન જે ગઈકાલે એના ઘરેથી આવ્યો હતો. એ બધો આપણી મોટી ગાડીમાં મૂકી મને ચાવી આપી દેજે. આજે હું એ ગાડી લઈ જઈશ." રૂમમાંથી તૈયાર થઈ બહાર પોર્ચમાં બેઠેલા ડ્રાઈવરને અનિકેતે કહ્યું અને બ્રેકફાસ્ટ લેવા ડાઈનિંગ ટેબલ પર બેઠો. રાધાબહેન અને સુધાકારભાઈ તેને જોઈ રહયા પણ પૂછવાથી જવાબ નથી જ મળવાનો તે જાણતા હતા. અનિકેત પોતે જ કહેશે. નાનપણથી જ એ એવો હતો. બધું જણાવતો, પણ એને ઠીક લાગે ત્યારે. પૂછવાથી એ જવાબ આપતો નહીં.


થોડીવારે નિમા પણ બહાર આવી. કંઈ જ બોલ્યા વિના રસોડામાં ગઈ અને પાણી તેમજ જ્યુસના જગ લઈને બહાર આવી.


"નિમા, આપણે દસ વાગે અહીંથી નીકળીશું. તારો જે સામાન તેં ખોલ્યો હોય તે પેક કરી દેજે. હું તને તારા ઘરે મૂકી આવીશ."


"અનિકેત, બેટા આ શું છે? નિમાની આંખો પણ..."


"પપ્પા, પ્લીઝ, હમણાં કંઈ ન પૂછશો. નિમાને મૂકીને આવીશ પછી બધું કહીશ." પછી નિમા તરફ ફરીને, "નિમા, તેં સાંભળ્યું ને? દસ પહેલાં તૈયાર થઈ જજે."


"જી." નિમાએ નીચા મોં એ જવાબ આપ્યો.


"હલ્લો, રમણિકભાઈ, મારી હનીમૂન ટ્રિપની ટિકિટો કેન્સલ કરી દેજો અને જેટલી બને એટલી જલ્દી યુ.એસ.જવાની ટિકિટ લઈને મોકલી દેજો."


"....."


"અરે હા, હા, જે રકમ કપાય તે કાપી લેજો. બસ ટિકિટ.. મારી યુ.એસ.ની ટિકિટના જે પૈસા થશે તે જે ટિકિટ લઈને આવશે તેને આપી દઈશ."


"......"


"થેન્ક યુ."


"નિમા, તારો બ્રેકફાસ્ટ થઈ ગયો? ચાલ પેકિંગમાં તારી મદદ કરું." અનિકેત નિમાને પોતાના માતા-પિતા સાથે એકલી મૂકવા માંગતો નહોતો. જ્યુસનું ગ્લાસ અડધું મૂકીને નિમા અનિકેતની પાછળ રૂમમાં ગઈ. 


થોડીવારે અનિકેત બે બેગ લઈ બહાર પોર્ચમાં ગયો, ને સુનીલને લઈ બીજો સમાન ગાડીમાં મૂકવા લાગ્યો.


"આ શું ચાલી રહ્યું છે રાધા? તને કંઈ કહ્યું છે અનિકેતે?"

જવાબમાં રાધાબહેને સવારનો પ્રસંગ કહ્યો. બંને ચિંતાતુર વદને અનિકેતની હરકતો જોયા કરતા હતા. એ સિવાય એ શું કરી શકે એમ હતા? રાધાબહેનની નજર સામે પેલી રમતિયાળ નિમા આવી ગઈ જ્યારે તેઓ એને જોવા ગયાં હતાં.


"લો, આ આવી અમારી નિમા." હાથમાં ચાવી રમાડતી ગણગણતી કોલેજથી આવેલી નિમાને જોઈ આશાબહેન બોલ્યાં હતાં. આ સાંભળી નિમાના પગની ઝડપ ઓછી થઈ ગઈ. તેણે એક નજર મહેમાનો પર નાખી. ગુજરાતી સાડી અને ગૌર ગોળ ચહેરા પર કપાળે મોટા ચાંલ્લાવાળા રાધાબહેન અને સોબર કપડામાં શાંત ચહેરાવાળા સુધાકારભાઈને બેઠેલા જોયા.

v

"બેસ બેટા."


વિમલભાઈએ સિંગલ સોફા પર નિમાને બેસાડી હતી. રાધાબહેન અને સુધાકારભાઈએ નિમાને ધારી ધારીને જોઈ હતી.


"અમારી નિમા બહુ જ શાંત. જરાયે ઊંચા અવાજે બોલે નહીં." દરેક મા પોતાની દીકરીના વખાણ કરે એમ આશાબહેને પણ કર્યાં.


"હા, એ તો અમે જોયું." સુધાકારભાઈ હસતાં હસતાં બોલ્યા. "અમારો અનિકેત થોડો ઓછા બોલો." આટલી વાતચીતમાં નિમા સમજી ગઈ કે આ લોકો એને જોવા આવ્યાં છે. તે થોડી ગંભીર થઈ. પૂછાતા પ્રશ્નોના ટૂંકમાં જ જવાબ આપતી.


"અમને તો તમારી દીકરી પસંદ છે. નિમાનો ફોટો અનિકેતને મોકલી દીધો હતો. એને પણ .. તમે નિમાને પૂછી લેજો. આ અનિકેતનો ફોટો." બહાર નીકળી સુધાકારભાઈએ વિમલભાઈના હાથમાં અનિકેતનો ફોટો આપ્યો.


પગે કોઈ સ્પર્શ થયો ને રાધાબહેન વર્તમાનમાં આવ્યાં.


"સૌભાગ્યવતી ભવ." એમનાથી લાગલું જ બોલાઈ ગયું.


"નિમા." અનિકેતનો ઘાંટો સાંભળી નિમાએ એ તરફ પગ ઉપાડયા.


કારમાં બેસતાં જ નિમાને પપ્પા સાથે થયેલી વાત યાદ આવી. પોતે લગ્ન કરવાની ના...


"પપ્પા, મારે લગ્ન નથી કરવા." મહેમાનોના જતાં જ નિમાએ કહ્યું.


"પણ કેમ?"


"બસ એમ જ."


"જો દીકરા, અનિકેત અમેરિકામાં રહે છે. તું સુખી રહેશે."


"ના એટલે ના." પોતાની બઘી જ જીદ પપ્પાએ પૂરી કરેલી એટલે તેણે અત્યારે પણ જીદ જ કરી અને...


સટાક... નિમાના ગાલ પર તમાચો પડયો.


"તને બધી છૂટ આપી છે તેનો મતલબ એ નથી કે તું છોકરાને જોયા વિના જ..." પપ્પાનું આ રૂપ તો નિમાએ જોયું જ નહોતું. એ ગાલ પંપાળતી તેના રૂમમાં જતી રહી.


"આશા, એને કહી દેજે. આ સંબંધ માટે ના ન પાડે. નહીં તો જે હાથથી લાડ લડાવ્યા છે એ હાથથી જ ગળું દબાવતાં વાર નહીં લાગે. આવો સારો છોકરો આને નહીં મળે. એ એમ સમજે છે કે એના લક્ષણો મારાથી છૂપા છે, પણ હું બધું જ જાણું છું." અધખુલ્લાં બારણાં માંથી નિમાએ પપ્પાનાં શબ્દો સાંભળ્યાં અને વિરોધ કરવાની હિંમત જતી રહી.


હવે પપ્પાનું શું રિએક્શન હશે તે વિચારતા તેના શરીરમાં ડરની ધ્રુજારી આવી જતી હતી.


*****


સગાઈ નક્કી થયા પછી અનિકેત સાથે બે મહિના ફોન પર વાત થતી ત્યારે પણ પપ્પાની બીકે નિમા તેને સચ્ચાઈ જણાવી નહીં શકી ને તેના ઈન્ડિયા પાછા ફર્યા પછી પણ પપ્પાએ આપેલી ધમકીથી એણે કંઈ જ ન કહ્યું. પણ સુહાગરાતે એનાથી અનિકેતનો સ્પર્શ સહન ન થયો ને....


*****


"ના, ના, કોઈ વાંધો નહીં રમણિકભાઈ પાંચ દિવસ પછીની ટિકિટ પણ ચાલશે." નિમાને મૂકી બાર વાગે ઘરમાં પ્રવેશતાં અનિકેતે ટ્રાવેલ એજન્ટ પાસે ટિકિટ કન્ફર્મ કરાવી. પછી સોફા પર કાયાને પડતી નાખી. અનિકેતનો અવાજ સાંભળી રાધાબહેન રસોડામાંથી બહાર આવ્યાં અને ફરી પાણીનો ગ્લાસ લેવા ગયાં. માથે હાથ ફેરવી એમણે અનિકેતને પાણી આપ્યું. એમની આંખોમાં પ્રશ્ન અનિકેત વાંચી શકતો હતો. પોતાની માની સાથે આંખ મળી એની આંખનાં ખૂણા ભીના થયાં.


"શું થયું દીકરા? કેમ વહુને.."


"મમ્મી એણે ત્રણ મહિનામાં મને જરાયે અણસાર આવવા ના દીધો કે તે તેની મરજીથી આ લગ્ન નથી કરતી. એને એના પપ્પાએ જબરદસ્તી પરણાવેલી."


"તો શું થયું દીકરા? અમે તેને સમજાવીને રાખતે. સમય આપતે તેને. થોડાં સમયમાં બધું ઠીક થઈ જાત."


"કંઈ જ ઠીક નહીં થાતે મમ્મી. એને પુરુષમાં નહીં પણ સ્ત્રીમાં રસ છે. એની ફ્રેન્ડ કાવ્યા સાથે એ રિલેશનશિપમાં છે."


"અરે તો એણે લગ્ન માટે મંજૂરી કેમ આપી? શા માટે આ લગ્ન કર્યાં અને તારી જીંદગી.."


"એના પપ્પાને એ સંબંધની જાણ થઈ ગયેલી અને તેમણે નિમાને મારી નાખવાની ધમકી આપેલી એટલે તેણે લગ્ન કર્યા."


રાધાબહેન આ સાંભળી દીકરાને શું આશ્વાસન આપવું એ નક્કી કરી ન શક્યા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ