વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લોન્ગડ્રાઈવ

સાચે જ મીણ જેવી હતી મારી જિન્દગી,

દુ:ખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.

-- આદિલ મન્સુરી


“ગુડ મોર્નિંગ સ્વીટહાર્ટ.” વોટ્સઅપના મેસેજટોનથી તમારી ઊંઘ ઊડી.

“ ગુડ મોર્નિંગ માયલવ” તમે રીપ્લાય આપ્યો.

“બ્રેક્ફાસ્ટ થઈ ગયો?”

“ના રે, હજુ હમણાં તારા મેસેજથી આંખ ખૂલી, તમે બાજુમાં સુતેલા પ્રશાંત તરફ નજર કરી. એ ગાઢ નિદ્રામાં જ હતો. છૂટાવાળને વળ કરીને તમે ઊંચુ બક્કલ નાખ્યું અને મોબાઈલ લઈ બાથરૂમમાં ગયાં.

“ કેમ આજે આટલું મોડું?”

“રાતે મોડે સુધી લાઈબ્રેરીમાં હતી. હવે પૂછતો નહીં કે ત્યાં શું કરતી હતી ?” જવાબ આપતા તમારા મોં પર હળવું સ્મિત આવી ગયું. “લખતી નહોતી. એક રસપ્રદ નવલકથા હાથમાં આવી ગઈ હતી તે પૂરી કરી.” તમે બ્રશ પર પેસ્ટ લગાડ્યું.

“હમ, આ તારું લખવાનું મને બહુ બોરિંગ લાગે હોં. ને પાછો ડર પણ કે રખે ને તું મને તે વાંચવાનું કહેશે તો પાછું..” ખડખડાટ હાસ્યનાં પાંચ છ સ્માઈલી..

“હાસ્તો, મારું તારા સિવાય છે જ કોણ ?”

“એટલે બધો ત્રાસ મને જ આપવાનો ?” ફરી સ્માઈલી..

સામે તમે પણ ખડખડાટ હાસ્યવાળા સ્માઈલી મોકલી દીધાં. “તારો બ્રેકફાસ્ટ પત્યો?”

“હા, ચલ હવે તૈયાર થાઉં. આજે ફેક્ટરી પર જવાનું છે.”

“અરે હા, આજે તો બુધવાર, તારે વહેલા નીકળવાનું.” તમે મોંમાં કોગળો ભરી જવાબ ટાઈપ કર્યો. “અને આપણો મળવાનો દિવસ પણ. યાદ છે ને? આજે તો મળશું ને પિયુ?” તેજસને તમે વહાલથી પિયુ કહેતા. “છેલ્લાં ચાર બુધવારથી કોઈ ને કોઈ અડચણો આવી રહી છે. ને પાછી તારી જિદ કે બુધવાર સિવાય નહીં મળીએ. બીજા દિવસોએ તને સમય નથી મળતો.” તમે દુ:ખી સ્માઈલી મોકલ્યું.

“હા બાબા હા, આજે સો ટકા મળીએ છીએ. સાંજે...” ધડ ધડ ધડ ધડ.. તમારા બાથરૂમનો દરવાજો જોરથી ખખડ્યો. તમે દરવાજા તરફ જોયું.

“બાય, સી યુ એટ ઈવનીંગ.”

“????????”

પ્રશ્નાર્થનો મેસેજ જોઈ તમારા મોં પર સ્માઈલ આવ્યું. લવ યુ સાંભળ્યા વિના તે કદી વાતનો અંત લાવતો નહીં. “લવ યુ જાનું.”

”લવ યુ ટુ.” મેસેજ વાંચ્યો ન વાંચ્યો ને તમે જલ્દી જલ્દી બધાં મેસેજ ડીલીટ કરી દરવાજો ખોલ્યો.

“શું કરતી હતી ?” પ્રશાંત ગુસ્સામાં હતો.

”બાથરૂમમાં કોઈ શું કરે?” તમે સામે ગુસ્સામાં જ જવાબ આપ્યો.

“આટલી બધી વાર લાગે?” પ્રશાંતે ઘાંટો પાડ્યો.

”પણ તમે તો..”

”ચલ ખસ હવે.” તેણે રીતસર ખેંચીને તમને ધક્કો માર્યો અને બાથરૂમમાં ઘુસી ગયો. તમારી આંખમાં આંસુ આવી ગયાં.

*********

“મોમ આજે ફરી ઓમલેટ ? તને ખબર છે ને રીમાને નથી ફાવતી.” પ્રીત બરાડ્યો.

“બેટા, આજે મને ઊઠતાં થોડું મોડું થઈ ગયું એટલે.. પણ એની ભાવતી ચીઝ સેંડવીચ પણ બનાવી છે. પણ એ ક્યાં? હજુ ઊઠી નથી.?”

“ના, હું એનુ દૂધ ને સેંડવીચ રૂમમાં જ લઈ જઈશ.”

‘બૈરીનો ગુલામ.’ તમે મનમાં જ બબડ્યાં. “ટિફિનમાં શું બનાવું બેટા?”

“રહેવા દે, ટિફિન તો જાણે કેટલાયે વાગે બનશે. અમે કેંટિનમાં જ ખાઈ લઈશું.”

”બેટા, આજે મને જરા કારની જરૂર છે તમે...”

“ના મોમ આજે બોસને ત્યાં ડીનર છે. અમે રીમાના ઘરેથી તૈયાર થઈને સીધા ત્યાં જવાના છીએ. રાતે મોડાં આવીશું. કાર તો અમને જોઈશે.” રસોઈની ઝંઝટમાંથી મુક્તિ, ટાઢે પાણીએ ખસ ગઈ. તમે વિચાર્યું પણ કારનું શું.. “પણ બેટા..” તમે બનતી મીઠાસ શબ્દોમાં લાવી કહ્યું..

“મોમ પ્લીઝ..” પ્રીતે કંટાળીને કહ્યું. “મને પાણી આપ.” તમે પાણી લેવા રસોડાંમાં ગયાં. પાછળ પ્રશાંતનો અવાજ સંભળાયો. તમારા કાન બંનેની વાતો સાંભળવા પ્રવૃત્ત થયા.

“પ્રીત, એક દિવસ એક્ટિવા લઈ જાને. તને ખબર છે ને મમ્મીની તબિયત આજકાલ..”

“ડેડ, તમારી બૈરીની કાળજી તમે રાખો. તમારી કાર તમે કેમ નથી આપતાં? અમારે બોસને ત્યાં જવાનું છે એમાં એક્ટિવા લઈને જઈએ તો બોસ શું વિચારે? બંનેને સારો પગાર ચૂકવું છું ને એક કાર પણ એફોર્ડ નથી કરી શકતાં.” પ્રીત વધુ છંછેડાયો.

“પણ મારે એક ફોરેન ડેલીગેશન સાથે...” ઓહ તો આમ વાત છે.. તમને લાગ્યું હતું કે પ્રશાંતને તમારી ફિકર છે, પણ એ તો એની સગવડ..

“મોમ, પાણી લાવતા કેટલી વાર?”

“આવી બેટા.” તમે પાણીનો જગ અને ગ્લાસ ટેબલ પર મૂક્યા. શબ્દોમાં મીઠાસ લાવ્યાં પણ મનમા તો કડવાશ આવી જ ગઈ. “બંને ગાડીઓ મારા બર્થડે પર મને ગિફ્ટ આપી છે, પણ આજે મારે જ્યારે જરૂર છે ત્યારે.. મને આજે કાર જોઈએ એટલે જોઈએ જ..” તમે રીતસર જિદ જ કરી.

“ડેડ તમે મોમને એક કાર કેમ નથી અપાવી દેતા ?”

“બેટા, આ બંને કાર મને જ ગિફ્ટમાં મળેલી છે.. ભૂલી ગયો?” તમે ટોણો માર્યો.

“હા, તો શું થયું ? ત્રીજી અપાવશે.”

“એ તારી બૈરી લઈ લેશે.”

“તમે લોકો ચર્ચા બંધ કરશો?” ક્યારનો શાંત રહેલો પ્રશાંત તડૂક્યો. “હુ મનીષ સાથે ચાલ્યો જઈશ.” બોલી ખુરશી પછાડી પ્રશાંત રૂમમાં ગયો અને પાછળ પાછળ પ્રીત પણ સેંડવીચ અને દૂધનો ગ્લાસ લઈને..

“લે કારની ચાવી. પેટ્રોલ પૂરાવી લેજે.” ઓફિસ જતાં જતાં પ્રશાંતે ચાવી બેડ પર ફેંકતા કહ્યું અને બહાર નીકળી ગયો.      

તમારી જિન્દગી પર વિચાર કરતાં તમે કામે વળગ્યાં.

બપોરે સલાડ અને ફ્રેશ ગુઆનું જ્યુસ પીતાં પીતાં ગુજરાતી ગીતો સાંભળી રહ્યાં..

“જરાયે ટાઈમ મેનેજમેંટ નથી આવડતું.” પચીસ વરસ પહેલાં પાડેલો પહેલો ઘાંટો આજે પણ તમને હલાવી ગયો. તમારા હાથમાંથી જ્યુસનો ગ્લાસ પડતાં પડતાં રહી ગયો.

“તે આ એક વરસનું બાળક તારા ઓફિસના ટાઈમ જોઈને છી-પી કરશે?”

“વાહ, હવે તો સામે જવાબ આપતાં પણ શીખી ગઈ ને તું?” 

“સામે જવાબ નથી આપતી. સંજોગો સમજાવું છું તને. તું નહીં સમજે તો કોણ સમજશે ?”

“હું કંઈ ન જાણું. ડાઈપર પહેરાવ ઘરમાં પણ અને જ્યારે હું જાઉં પછી..”

“ઘરમાં એવા ખરચા કરવાની શી જરૂર?”

“ખર્ચાની ચિંતા તારે કરવાની નથી.”

આમ નાના મોટા ઝગડા વધતાં ગયા તમારી વચ્ચે.. તમે પ્રીતના ઉછેરમાં વ્યસ્ત થયાં ને પ્રશાંતે માની લીધું કે તમને એના માટે સમય નથી. પ્રીત શાળાએ જતો થયો પછી તમને થોડો સમય મળતો થયો ને તમે તમારી વેદના શબ્દોમાં ઢાળી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર મૂકવા માંડી. આમાંથી તમને બે વ્યક્તિઓ મળ્યાં. એક પ્રકાશક જેણે તમારી રચનાઓને પુસ્તક સ્વરૂપે છાપી અને પુરસ્કારો મેળવવામાં નિમિત્ત બન્યા. જેમ જેમ તમને પુરસ્કારો મળતાં ગયા પ્રશાંત વધુ છંછેડાતો ગયો અને તમારી વચ્ચે દૂરી વધતી જ ગઈ. બહાર માન મળતું પણ ઘરમાં તો તમારું સ્થાન એક નોકરાણીથી વધુ નહોતું.

સોશિયલ સાઈટ પર બીજો મળ્યો તેજસ.. જેણે તમને વિપરિત સંજોગોમાં પણ હસતાં રાખ્યા. વાંચવું તેનો શોખ જરાયે નહોતો પણ સંગીતના શોખે તમારી મિત્રતા ગાઢી બનાવી. તેજસ સાથેના સંબંધમાં ક્યાંય શારિરીક આકર્ષણ કદી નહોતું. એની તમારી પાસે શું અપેક્ષા હતી તે આજ સુધી તમે કળી શક્યા નહોતાં. એણે કદી પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નહોતું તો સામે તમે પણ તમારા સંસ્કાર ભૂલ્યાં નહોતાં. આ સંબંધને શું નામ આપી શકાય એવો વિચાર સુધ્ધાં તમને બેમાંથી કોઈને આવ્યો નહોતો. 

તમે નિયમિત દર બુધવારે મળતાં. કોઈ કોઈવાર કલાકો સુધી આંખમાં આંખો પરોવી દરિયાના પાણીમાં પગ પલાળી બેસી રહેતાં, તો કોઈ કોઈવાર દરિયા કિનારે હાથમાં હાથ પરોવી ચાલ્યા કરતાં. કોઈવાર ગીતો અને ગઝલો ગાતાં તો કોઈવાર હેંડ્સફ્રીના એક-એક્ સ્પીકર બંને પોતપોતાના કાનમાં ભરાવી ગીતો સાંભળ્યાં કરતાં. જૂના ફિલ્મી ગીતો, ગુજરાતી ગઝલો, હિન્દી ગઝલો. આ તમારા બંનેની પસંદગીનું સંગીત હતું. તમે બંને એકબીજાના સાથમાં આસપાસની દુનિયા ભૂલી જતાં એ ચોક્કસ હતું.      

“નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે..” રીંગ ટોન સાંભળી તમે સવારથી ડિસ્ટર્બ હતાં તે પાછાં મૂડમાં આવી ગયાં..

“કેમ છે સ્વીટહાર્ટ. લંચ લીધું.”

“હા, સલાડ અને ફ્રેશ જ્યુસ. ડાયેટીંગ કરું છું ને આજકાલ.” તમે ખડખડાટ હસી પડ્યાં. “તેં લીધુ?”

“હા, ટીંડોળાનું શાક અને રોટલી ને છાશ.”

“તને ઠંડી રોટલી કઈ રીતે ભાવે છે?”

એ તો તું નોકરી કરતી હોત તો ખબર પડત.. સોરી સોરી ડાર્લિંગ, મજાક કરતો હતો. તને દુભવવાનો કોઈ ઈરાદો નહોતો.” થોડી વાર અટકીને.. “ખેર, બોલ આજે ક્યાં મળીશું?”

“આજે તો લોંગડ્રાઈવ પર જવાનો વિચાર છે.”

“પણ હું કાર નથી લાવ્યો.”

”વાંધો નહીં, આમ પણ હું મારી કારમાં જ...”

“તને મળી?”

“હા, ભલે મોં ચડાવીને, પણ પ્રશાંતે આપી.”

“સારુ, હું ફેક્ટરીથી ચારેક વાગે ઓફિસે પહોંચી જઈશ. આપણે પાંચેક વાગે મળીએ.”

“ઓકે, મળીએ. બાય.”

”બાય જાનું, લવ યુ.”

”લવ યુ ટુ.” ફોન મૂકીને તમે સાંજે શું પહેરવું એ નક્કી કરવા વોર્ડરોબ ખોલીને ઊભા રહ્યાં.


******


પ્લેઈન મોરપીંછ ટાઈટ ડ્રેસ અને એજ રંગનો પ્લેઈન દુપટ્ટો, બ્લ્યુ પરવાળાનો સેટ અને હાથમાં બ્રેસલેટ્, ખુલ્લા વાળ, ફેસિયલ કરેલા ગોરા ચહેરા પર આછો મેક-અપ. અરીસામાં તમારા પ્રતિબિંબ પર તમે જ જાણે મોહી પડ્યાં. કેટલા બધા સમય પછી આમ તૈયાર થયા છો તમે એ તમને યાદ પણ નથી. હા, પણ દર બુધવારે તૈયાર થવું તમને ગમે છે, કારણ કે તેજસને મળવાનું હોય છે.. પણ છેલ્લાં ચારેક બુધવારથી તો એ ક્રમ પણ તૂટ્યો છે.

સાંજે સાડા ચારે તમે તેજસની ઓફિસની સામેના પાર્કિંગમાં કાર ઊભી રાખી તેના ફોનની રાહ જોતા બેઠાં હતાં. દસ જ મિનિટમાં તેજસ તેની વાઈફ સીમા સાથે ઓફિસના ગેટમાંથી બહાર નીકળતો દેખાયો ને સામે ઊભેલી તેની કારમાં બેસી બંને નીકળી ગયાં.    

ઘડીભર તો તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવ્યો. તમે તેજસને ફોન લગાવ્યો. એક રીંગ પાસ થઈ, ફોન કટ.. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી.. ને પછી ફોન સ્વીચ ઓફ..

શું આ પ્રેમ એકતરફી હતો? તમે વિચારી રહ્યાં ને કારનો ફ્રંટગ્લાસ જાણે મોબાઈલની સ્ક્રીન બની ગયો. જાનું, સ્વીટહાર્ટ, ડાર્લિંગ, લવ યુ, જેવા તેજસના અનેક પ્રેમ વ્યક્ત કરતાં મેસેજ, પ્રેમભરી શયરીઓ, પ્રેમના સ્માઈલીઝ, તેમાં દેખાવા માંડ્યા. તમારી આંખમાં ઝળઝળિયાં આવ્યાં ને તમે ભીની આંખે જ કાર સ્ટાર્ટ કરી એકલાં જ લોંગડ્રાઈવ પર નીકળી ગયાં.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ