વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટકોર

ટકોર


      ''એક વાત કહું?'' એવો સખા શોપિઝનનો સાદ સાંભળ્યો ને વિચારોનો ગુલમહોર ખીલી ઉઠ્યો.

જ્યારે સૂર્યના સ્વર્ણિમ કિરણો ચેતનવંતા જળના અર્ધ્ય સાથે વિસ્તરતા ગયા, ત્યારે અનાયાસે જ કલમ કાગળ પર ચાલવા લાગી.

     વર્ષોથી હૃદયમાં સંઘરી રાખેલી જૂની યાદો હું આજે મારા શોપિઝન પરિવાર સાથે શેર કરું છું.

    દરેક વ્યક્તિનું જીવન અનેક સારા-નરસા પ્રસંગોથી ભરેલું જ હોય છે. જેમ આકાશમાં કોઈ વધુ ચમકતા અને કોઈ દૂર દૂર ઝબૂકતા અસંખ્ય તારાઓ હોય, એમ જ માણસના જીવનનું આકાશ પણ આવા અનંત તારાઓ જેવા પ્રસંગોથી શોભતું હોય છે...!

  "એક વાત કહું..."  શીર્ષક હેઠળ શોપિઝનમાં શરૂ થયેલી આ શ્રેણીમાં હું પણ મારા જીવનના પ્રસંગોનો મણકો જોડી રહી છું...!


૧૯૯૧ની સાલ....


૧.અવલોકનશક્તિ.


  એ વખતે મારો દીકરો માનવ બહુ નાનો હતો. જો કે મા માટે તો દીકરો હમેશાં નાનો જ રહેતો હોય છે !

    નાનકડું બાળક પણ કેવો હિસાબ રાખી શકે એ બાબત ઉજાગર કરતો એક પ્રસંગ....! 

  અમે એ વખતે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. મારા પતિ અને મારા જેઠ બંને ભાઈઓનું કુટુંબ ખૂબ સંપથી અને કોઈપણ જાતના મનમોટાવ વગર ખુશીથી રહેતું હતું.

  ઘરમાં જે કંઈ ચીજો લાવવાની હોય એ તમામ ચીજો લાવવાની જવાબદારી ભાઈ (મારા જેઠ) જ નિભાવતા.

એકવાર ઘરમાં બલ્બ ઉડી ગયેલો. ભાઈ બલ્બ લેવા જતા હતા ત્યારે માનવ એમની જોડે જવા,

"મોતા પપ્પા હું પન તમાલી સાથે આવું..." કહીને તૈયાર થઈ ગયો.

  ભાઈને એ ખૂબ જ વહાલો એટલે ખુશ થઈને તેઓ એને જોડે લઈ ગયા.

 બલ્બ આઠ રૂપિયાનો આવ્યો એની નોંધ માનવે લીધી હતી. એની અમને ફરીવાર બલ્બ લેવા જવાનું થયું ત્યારે ખબર પડેલી.

 બન્યું એવું કે થોડા સમય પછી ફરીવાર બલ્બની જરૂરિયાત ઉભી થતા ભાઈ દુકાનેથી એ પ્રકારનો જ બલ્બ લઈ આવ્યા.

    ભાઈ ઘરે આવે એટલે માનવ એમની આસપાસ જ રમતો હોય. ભાઈને દરરોજ ડાયરી લખવાની ટેવ હતી.

 ભાઈ ડાયરીમાં બલ્બની વિગત બોલીને લખતા હતા. નાનકડો માનવ એ સાંભળતો હતો. ભાઈએ બલ્બની કિંમત નવ રૂપિયા લખી એટલે માનવના મનની હાર્ડ ડિસ્કમાં અંકિત થયેલી બલ્બની કિંમત તરત જ જાણે કે એના ચહેરા રૂપી સ્ક્રીન પર ઉપસી આવી.

"મોતા પપ્પા...મોતા પપ્પા...આ બલ્બ તો આથ લુપિયાનો જ આવે છે..." કહીને એ દોડાદોડ બીજી રૂમમાં પડેલો બલ્બ લઈ આવ્યો. હજુ એ બલ્બ એના પેકિંગ સાથે એમ જ પડેલો હતો...!

"ચાલો મોતા પપ્પા...આપને દુતાને જાવી...એત લુપીયો વધુ લઈ દયો છે..." કહી માનવે ભાઈનો હાથ પકડ્યો.

  ભાઈ પણ હસતા હસતા એને અને બલ્બને લઈને દુકાન પર ગયા.

 "અરે ભાઈ, અમારા આ છોકરાને તમારી ફરિયાદ છે...એ કહે છે કે તમે એક રૂપિયો વધુ લઈ લીધો છે." કહી ભાઈએ દુકાનદારને બલ્બ બતાવ્યો.

 દુકાનદાર પણ હસી પડ્યો.

"એની વાત સાચી છે. તમે આવ્યા ત્યારે હું હાજર નહોતો. મારો દીકરો અહીં બેઠો હતો. એને કદાચ આ બલ્બની સાચી કિંમત ખબર નહીં હોય એટલે ભૂલથી એણે એક રૂપિયો વધુ લઈ લીધો છે. લો, આ તમારો એક રૂપિયો." કહી દુકાનદારે એક રૂપિયો પાછો આપ્યો અને માનવના ગાલ પર હળવેથી થપકી મારીને કહ્યું, "ભારે ઉસ્તાદ છે હો....!" ત્યારે માનવની ઉંમર સાડા ત્રણ વર્ષની.

 ઘરે આવીને ભાઈએ હસતા હસતા બધાને વાત કરી તો સૌ કોઈને તાજ્જુબ લાગ્યું.

તે રાતે મેં મારા પતિ રમેશને પૂછ્યું," શું...નાનકડા બાળકની અવલોકનશક્તિ આટલી બધી તેજ હોય?"

"હા, હોય ને...જ્યારે તારા ઉદરમાં માનવનો વિકાસ થતો હતો, ત્યારે તું ભાઈની ત્રણેય દીકરીઓને રોજ, નિયમિત ગણિતનો વિષય ભણાવતી'તી. બાળકનો ૮૦% માનસિક વિકાસ 'મા'ના ગર્ભમાં જ થઈ જાય છે. બાકીનો ૨૦% બાળકના જન્મ પછી તેના ઉછેર પરથી થાય છે."

 તે સાંભળીને ભરનિદ્રામાં પોઢેલા દીકરાને વહાલ વરસાવવા એક માતૃહૃદય રોક્યું ના રોકાયું....!


* * *


૨.શિક્ષણ અને કેળવણી.


      મારો દીકરો માનવ, નટખટ અને જીદ્દી. 

 માનવ ચાર વર્ષનો થયો એટલે મેં એને બાલમંદિરમાં મૂકવાની વાત કરી ત્યારે મારા પતિની કડક સૂચના હતી કે એ એની જાતે શીખે એટલું જ શીખવવું. પરાણે શીખવવા ટોર્ચર કરીને એનું બાળપણ છીનવી લેવાનો માબાપને અધિકાર નથી.''

 મને પણ તેમની વાત વ્યાજબી લાગી. મેં તેમની વાતને સમર્થન આપીને બાલમંદિરમાં મૂક્યો.

 નાનકડા માનવને હું રોજ સરસ રીતે તૈયાર કરીને  બાલમંદિરમાં મૂકવા જતી. એને પણ ત્યાં રમવા મળતું હોવાથી ખુશ હતો. બાલમંદિરમાં ટીચરને પણ અમે એ જ સૂચના આપી હતી કે શીખવાડવા માટે એના પર બિલકુલ દબાણ કરવું નહીં. એની જાતે જે શીખે એ જ શીખવા દેવું.  અમે બંને એમ સમજતા હતા કે બાળકનો એના બાળપણ પર સંપૂર્ણ અધિકાર છે. આપણી મહત્વાકાંક્ષા એની ઉપર બાળપણથી જ થોપી દેવાય તો એનો માનસિક વિકાસ રૂંધાઇ જાય છે...!

  માનવ રમતગમતની બધી જ પ્રવૃતિઓમાં નંબર વન હતો પરંતુ ભણવામાં એનું મન લાગતું નહોતું. બાલમંદિરમાં એ નટખટ બનીને મસ્તી કર્યા કરતો. રૂડો, રૂપાળો અને સોહામણો. એમાંય હું એને અપટુડેટ તૈયાર કરું એટલે એ વર્ગશિક્ષિકાબહેનની નજરમાં વસી ગયેલો. એની કાલીઘેલી ભાષા અને નટખટ નખરા જોઈ ટીચરને પણ એ વહાલો થઈ પડ્યો.

   બાલમંદિરનું એક વર્ષ એમ જ વીતી ગયું. માનવનું રીઝલ્ટ આવ્યું. તેના પરિણામપત્રકમાં બધા જ વિષયમાં ઝીરો....ઝીરો....!! 

સંયુક્ત પરિવારમાં કોઈને ઝીરો...ઝીરો...માર્ક્સનો ફરક ન પડ્યો પણ એક માતૃહૃદયને જરૂર પડ્યો!

 મને વિશ્વાસ હતો કે જ્યારે એનું મન અભ્યાસમાં લાગશે, ત્યારે એને અર્જુનની જેમ પક્ષીની આંખ જ દેખાશે. હજુ એણે અભ્યાસમાં મન પરોવ્યું નહોતું, એ હું જાણતી હતી.

વેકેશન ખૂલવાની તૈયારી હતી ત્યારે જ અમારા પારિવારિક મિત્ર વલ્લભભાઈ અમારા ઘરે બેસવા આવ્યા. સ્વાભાવિક રીતે જ બાળકોના અભ્યાસની વાતો નીકળી. તેમણે જીવનભરનું સંભારણું બને રહે તેવી એક વાત કરી. તેમણે કહ્યું, "હું થોડા દિવસ  પહેલા મારી દીકરી દિશાની શાળામાં કંઈક કામ અર્થે દિશાના ટીચરને મળવા ગયો હતો. પછી માનવના ટીચરને પણ મળ્યો. તેમની સાથે માનવના અભ્યાસ બાબતે ચર્ચા કરી. માનવના વર્ગશિક્ષિકાબહેન હંસાબહેને હસીને હાથના ઇશારે ટકોર કરી, માનવ દેખાવમાં હીરો અને ભણવામાં ઝીરો છે ઝીરો...!!" તેમની આ વાતથી ઘરમાં એક પ્રચંડ હાસ્યનું મોજું ફરી વળ્યું પરંતુ તે સાંભળીને મારામાં ભૂકંપ સર્જાયો. 

રસોડામાં ચા બનાવતી હું ચા સાથે જ ઉકળી ઉઠી, ''શું મારો દીકરો ઝીરો ? નહીં નહીં... હું એની મા છું. સો શિક્ષક બરાબર છું."

મનોમન મેં એ જ ક્ષણે નિશ્ચય કર્યોં. 

"છોડ કુમળો હોય ત્યારે જ એની આડીઅવળી ડાળીઓ મન કઠણ રાખીને કાપીએ નહીં તો એનો વિકાસ આડેધડ થતો હોય છે. માનવને હવે અભ્યાસ તરફ વાળવાનો સમય પાકી ગયો છે. જો માનવને હું મારા ઉદરમાં હીરોનું બિરુદ અપાવી શક્તી હોવ તો બાહ્ય જગતમાં કેમ નહીં....!!"


     માનવને ફરીથી બાલમંદિરમાં બીજું વર્ષ કરાવ્યું. વર્ષની શરૂઆત પણ એમ જ. માનવને અપટુડેટ તૈયાર કરીને બાલમંદિરમાં મૂકી આવતી. આ વર્ષે પણ  વર્ગશિક્ષિકાબહેન હંસાબહેન જ હતાં. બીજા જ દિવસથી મેં મારા દીકરાનું સમગ્ર ધ્યાન અભ્યાસ તરફ વાળવા માંડ્યું. સ્કૂલેથી આવે એટલે એને નાસ્તો કરાવીને હું રમવા જવા દેતી. સાંજે જમાડીને એનું દફતર લઈ હું ભણવા બેસી જતી.

હા, તમે બરાબર વાંચ્યું...દરેક બાળકને ભણાવવાની કોશિશ કરીશું તો  કદાચ બાળક નહીં ભણે.

 હું મારા માનવ આગળ અભણ બની.  માનવ એની મમ્મીને ભણાવવા માટે સ્કૂલમાં બરાબર ધ્યાન આપવા લાગ્યો.  હું એને શીખવવાને બદલે એમ કહેતી,

 "હેં બેટા, આને શું કહેવાય ? આ તેં શું લખ્યું ? મને શીખવાડને...!"


"કુમળું છોડ જેમ વાળીએ એમ વળે,

માનવ પણ મમ્મીને શીખવવા, 

અભ્યાસ તરફ વળે....!"

   

   એનું બાળમાનસ બિચારી મમ્મીને શીખવવા તલપાપડ બન્યું. એની જાણ બહાર એ મારો ગુરુ થવા બધું જ ભણવા લાગ્યો. પછી તો મેં પણ એને ધીરેધીરે ભણાવવાનું ચાલુ  કરવા માંડ્યું.

 બસ,પછી તો માદીકરાની મહેનત રંગ લાવી...! 

બાલમંદિરમાં બીજા વર્ષમાં માનવ તેના ક્લાસમાં ૯૬%  સાથે ત્રીજા ક્રમે પાસ થયો. કલાસનો ઝીરો ગણાતો માનવ વાર્ષિક પરિણામમાં હીરો બની ગયો. 


"વર્ષાની મમતા,

"ટકોર" થઈ વરસી,

ઝીરોમાંથી હીરોમાં થઈ, 

માનવની હસ્તી...!"


પછી પહેલા ધોરણમાં બીજો નંબરે અને બીજા ધોરણમાં પહેલાં નંબરે ૯૮% સાથે. બસ, પછી પહેલો ક્રમ જાળવી રાખ્યો માનવે. ચોથા ધોરણમાં માનવ જ્યારે ચારેય ક્લાસમાં (અ,બ,ક,ડ ) પ્રથમ ક્રમાંકે પાસ થયો ત્યારે એના ટીચર્સ પણ મોંમાં આંગળા નાખી ગયા...! 

જ્યારે જ્યારે  રીઝલ્ટ આવતું ત્યારે ત્યારે કૃતઘ્નતાથી ભાવવિભોર બનીને મારું હૃદય હંસાબહેન અને વલ્લભભાઈને વંદન કરતું.


* * * *


૩.ચપળતા સાથેનો નિર્ણય.


તે જ વેકેશનમાં હું અને માનવ મુંબઈ મારા ભાઈ હસમુખભાઈના ઘરે ગયા હતાં. ભાઈ રોજ રાતે જમીને પડોશમાં રહેતા નવનીતભાઈ સાથે બેસે. હસમુખભાઈ બિઝનેસમેન અને નવનીતભાઈ સી.એ. એટલે વાતચીતનો દોર ધંધાકીય બાબતોનો વધુ રહેતો.  માનવ પણ મામા સાથે રોજ રાતે બેસવા જતો. તેમની વાતો ધ્યાનથી સાંભળતો. ઘરે આવીને મામાને ઘણા સવાલો પણ કરતો. પંદર દિવસ સુધી અમે ત્યાં રોકાયા હતાં.

માનવના બાળમાનસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાના બીજ કદાચ તે દિવસોમાં જ રોપાઈ ગયા હશે....!!!

આ વાતનો અણસાર તો મને ત્યારે આવ્યો, જ્યારે માનવ તેના મોટાપપ્પાને કહેતો હતો.

 "મોટાપપ્પા, હું મોટો થઈને સી.એ. બનીશ."

"સી.એ.! કેમ?"

માનવે પોતાનો અંગુષ્ઠ અને તર્જની વચ્ચેની જગ્યાના ઇશારે કહ્યું,"મોટાપપ્પા, અટલી સહી કરીશ અને....., પછી બે હાથ પહોળા કરીને -મોટાપપ્પા,અટલા બધા પૈસા કમાઇશ. મોટાપપ્પા...સી.એ.બનીને બહુ બધા રૂપિયા કમાઈશ...!" 


   બસ, ત્યારથી મારા દીકરાની શૈક્ષણિક કારકિર્દીનો ગ્રાફ હમેશાં ઉર્ધ્વગમન કરવા લાગ્યો. સમય એની અવિરત ગતિથી વહેતો રહ્યો. માનવ એની શિક્ષણયાત્રાનો પંથ એક પછી એક ધોરણો પાસ કરીને કાપવા લાગ્યો. કોલેજ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રથમ પરીક્ષા CPTમાં ઓલઅવર ઈન્ડિયામાં રેન્ક લાવેલો. એકવીસ વર્ષની ઉંમરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડીગ્રી મેળવી લીધી હતી.

ખરેખર તેની તે વાત ભવિષ્યમાં સાચી ઠરી.


"સી.એ. બની આજ માનવે, 

માની કૂખ ઉજાળી છે,

વર્ષા બની મીઠી વીરડી, 

માની ફરજ નિભાવી છે...!"


  સમયસરની મીઠી ટકોરે માનવનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી દીધું.

   માનવની સફળતાનું શ્રેય હું હમેશાં હંસાબહેન અને વલ્લભભાઈને જ આપું છું.


* * * *


માનવનું ભણતર પૂરું થયાને બે વર્ષ પછીની વાત...


પંદર વર્ષ પછી એક દિવસ અચાનક જ માનવના વર્ગશિક્ષિકાબહેન હંસાબહેન મને શાકમાર્કેટમાં મળી ગયાં હતાં. અમે બંને પરસ્પરને ઓળખી ભાવવિભોર બની ગયાં. મારો હાથ પકડીને હંસાબહેને હસીને પૂછ્યું," શું કરે છે મારો હીરો...?"

તેમના સવાલથી મારી આંખો ભરાઈ ગઈ હતી. હૃદય કૃતઘ્નભાવે ભાવવિભોર બની ગયું હતું. મારું હૈયું ગદ્દગદ્ થઈ ગયું હતું. નતમસ્તકે વંદન કર્યું.

 વાચા પણ ગદ્દગદ્ થઈ ગઈ....,

"હંસાબહેન,તમારી તેજ ટકોરના પ્રતાપે તમારો હીરો માનવ એકવીસ વર્ષની ઉંમરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયો...! બે વર્ષ જોબ કરીને અનુભવ મેળવ્યો. હમણાં જ પોતાની પ્રાઈવેટ ઓફિસમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. ખૂબ જ કુશળતાપૂર્વક પોતાની કારકિર્દીની શરૂઆત કરી દીધી છે. ઘણી કંપનીના હિસાબો ચકાસે છે. ઘણીવાર હું તમને અને વલ્લભભાઈને યાદ કરું છું, ત્યારે મારું હૃદય કૃતઘ્નતાથી ગદ્દગદ્ થઈને નમી જાય છે."

મારી વાત સાંભળી હંસાબહેનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ! 

પછી તે બોલ્યા, " મારા વિદ્યાર્થીએ આટલું સરસ અને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું... તે જાણીને મારી છાતી ગજગજ ફૂલી ગઈ છે. મારી ટકોર અને તેનું શિક્ષણ તેને હજુ વધુ ઉંચાઈઓ પ્રાપ્ત કરાવે તેવા મારા હૃદયના આશિષ છે."

હું તેમને અહોભાવથી તાકી રહી.....! અને પ્રેમાળ સ્મિત સાથે ફરી મળવાના કોલ સાથે છૂટાં પડ્યાં.


વર્ષા કુકડીયા'મુસ્કાન'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ