વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

English કલમ

May i tell you something?


         કેમ? તમને પણ મારી જેમ એક વાત કહું બોલવાની જ ટેવ એટલે આ અલગ લાગ્યું? અરે આપણે (ના, ના મારે) એની જ વાત કરવી છે.


             બે અનુભવોને કિસ્સા રૂપે આલેખું છું.

શરૂ કરીએ? બરાબર સાંભળજો(વાંચજો) તો જ જવાબો આવડશે ને?


            ઈંગ્લિશ.. હા, એજ કે જેને અંગ્રેજો મૂકીને ગયેલા, એજ ઈંગ્લિશ કે જે વિન્ડો ઓફ વર્લ્ડ કહેવાય છે, એજ ઈંગ્લિશ કે જે દુનિયાની સૌથી સરળ ભાષામાંની એક છે.(સરળ??)  પણ મને અંગ્રેજી સાથે ખબર નહીં શું વાંધો છે, એનો મને શું હાઉ છે કે મારી સામે કોઈ અંગ્રેજી બોલે તો કોઈ સ્પેનીશ કે લેટિન બોલતું હોય એવું લાગે છે.( એ કેટલું સાચું ઈંગ્લીશ બોલે એ મને નહીં ખબર.)


           આમ હું સાયન્સનો વિદ્યાર્થી અને બારમાં ધોરણ પછી એન્જીનિયરીંગ કર્યું. કૉલેજના ચાર વર્ષ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છતાં મારો ઇંગ્લિશ પ્રત્યેનો હાઉ હજી સુધી ગયો નથી.


            ઇંગ્લિશ પ્રત્યેના મારા હાઉનું એક કારણ, આપણી શિક્ષણ વ્યવસ્થામાં ભાષાનું સ્થાન માત્ર માર્ક લાવવા માટે જ છે જે હોઈ શકે છે. બીજું કારણ, ધોરણ આઠથી બાર સુધી અંગ્રેજીના મળેલા ખરાબ શિક્ષકો પણ હોઈ શકે. (એવું મને લાગે છે. કોઈએ પાઘડી ન પહેરવી. હું તો બોલીને છૂટો.)


              ઘણીવાર આપણા મનમાં હાઉ એટલો હાવી થઈ જાય કે સહેલું હોય એ જાણતા હોઈએ તો પણ સ્વીકારી નથી શકતા.


          હવે શરૂ કરું અંગ્રેજીભાષાને લઈને બનેલો મારો કિસ્સો.


             મારું મૂળ વતન મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું ડરણ ગામ. હું ધોરણ ચારથી ધોરણ આઠ સુધી મહેસાણા જિલ્લામાં આવેલા લાંઘણજ ગામમાં ધી યુનિયન હાઈસ્કૂલમાં ભણેલો. મારા મામાને ત્યાં. મારા મામા એ સ્કૂલમાં શિક્ષક છે.


         હું પહેલેથી બોલકો, થોડો તોફાની, ભણવામાં પણ હોશિયાર અને મળતાવળા સ્વભાવવાળો. એટલે મારે દરેક ઉંમરના મિત્રો હતાં. એને લીધે જ કદાચ મને મારા સિનીયર જો કોઈ નાટક કે કોઈ સ્પર્ધામાં કોઈ નાની ઉંમરનાં વિદ્યાર્થીને લેવાનો હોય તો મારા નામનું સૂચન ઘણી વખત કરતા.


         જ્યારે હું ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો, ત્યારે શાળામાં એક ક્વિઝનું આયોજન થયેલું હતું.


           એમાં ધોરણ આઠથી બારના દરેક વર્ગમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરવાની હતી. દર બુધવારે નોટિસબોર્ડ પર ૧૦ પ્રશ્નો મૂકવામાં આવે... જે વિધાર્થીઓએ એ પ્રશ્નો લખેલા હોય એમને પસંદગીમાં થોડો વધુ ચાન્સ રહે.


         મારા ચંચળ સ્વભાવને લીધે અને પ્રશ્નો પણ ન લખેલા હોવાથી સિલેક્શન એમાં ન થયું. ધોરણ  આઠમાંથી બ્રિજેશ, પ્રિયંકા અને શીતલ એમ ત્રણ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું.


      જ્યારે ક્વિઝ યોજાઈ એ દિવસે પણ બુધવાર હતો. શાળાના મેદાનમાં છેલ્લા બે તાસમાં ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.


ટોટલ પાંચ ટીમો અને પાંચ રાઉન્ડમાં ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.


એક પછી એક એમ ત્રણ રાઉન્ડ પૂરાં થઈ ગયા હતા. હવે ચોથો રાઉન્ડ આવ્યો. એમાં એવું હતું કે ઓડિયન્સમાંથી કોઈ પણ વિદ્યાર્થીને ઊભો કરવાનો અને  ટીમ વતી એ વિદ્યાર્થીએ પ્રશ્નનો જવાબ આપવાનો.


હવે એમાં ટીમ 'એ' અને ટીમ 'બી' નો વારો પૂરો થયો. હવે ટીમ 'સી' નો નંબર આવ્યો.


          ટીમ 'સી' ના લીડર એવા જતીને (જે મારાથી બે વર્ષ સિનિયર હતા છતાં મારે એમને બોલાવવા નામ પાછળ ભાઈ લગાવવાની જરૂર ન હતી) મારા નામનું એનાઉન્સમેન્ટ કર્યું.


(આ એ જ જતીનભાઈ કે જે અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાના લેખનનો ડંકો વગાડી રહ્યા છે.)


          મારું નામ એનાઉન્સ થતાં જ હું ઊભો થયો. હું ઉભો થયો અને તરત જ માઈક્રોફોન અમારી શાળાના  શિક્ષક એસ. આર. પરમાર સાહેબના હાથમાં જોયું. 'અરે, નિશાન ગયો ભાઈ તું આજ કામથી.' એવું મેં મારી જાતને કહ્યું


 મારા માટે ધર્મસંકટની સ્થિતિ પેદા થઈ. કારણ બસ એટલું જ હતું કે પરમાર સાહેબ ઈંગ્લિશના શિક્ષક હતા. આગળની બંને ટીમોના પ્રશ્ન પરથી એ જણાઈ ગયું હતું કે જે વિષયના શિક્ષક હશે એ વિષયનો પ્રશ્ન આવશે. એટલે અંગ્રેજી મને અકળાવવાની હતી જ... એમાં કોઈ શંકા નહોતી. 


                  તરત જ એસ. આર. પરમાર સાહેબે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછ્યો, 'Which is the freedom day of India?' આટલો સરળ પ્રશ્ન મેં એમ કહીને જવા દીધો કે મને ઇંગ્લિશ નથી આવડતું. એને એ પણ આખી સ્કૂલની વચ્ચે.( મેં ખરેખર પ્રશ્ન સાંભળવાની તસ્દી લીધી હતી? લાગતું તો નથી.)


          બીજો દિવસ થયો. હું શાળામાં ગયો. શાળામાં હું હમેશાં એકથી પોણા કલાક વહેલો પહોંચી જતો.


           જતીનને મળ્યો એટલે મને જોઈને તરત જ એને જાણે કાલનું કંઈક યાદ આવ્યું હોય એમ પહેલા મસ્તીમાં થોડી ગાળો આપી.(જે મેં ખરા દિલથી સ્વીકારી.)  પછી મોટાભાઈ તરીકે ઠપકો પણ આપ્યો કે, 'આ રીતે બધા વચ્ચે પોતે જ પોતાનું ઈન્સલ્ટ કરાય?' 


બીજી વાત કરી કે,' કાલે તારું નામ મને કોણે સજેસ્ટ કરેલું ખબર છે?'


મેં ડોક હલાવીને ના કહ્યું એટલે એમને કહ્યું, 'તારા જ ક્લાસની છોકરી શીતલ, જે મારી ટીમમાં હતી. એણે તારું નામ મને સજેસ્ટ કરેલું. તારી નહીં તો કોઈના ભરોસાની તો ઇજ્જત કર.'


આ વાત ઊંડે અસર કરી ગઈ.


               ત્યારબાદ ધોરણ આઠ પૂરું થઈ ગયું. મારી શાળા પણ બદલાઈ ગઈ મારે માદરે વતન.


           એ પ્રસંગ અને જતીનના એ શબ્દોથી મારા વર્તનમાં ઘણો સુધારો આવ્યો છે.


      થોડા સમય પહેલાં જ્યારે શીતલ અને હું એક મેરેજમાં મળ્યા ત્યારે એણે કહેલું કે,' તું સાવ બદલાઈ ગયો છે. પહેલા કેટલો બોલકો અને મસ્તીખોર હતો.'  આવું મને ઘણા બધા કહે છે. 


         પણ સાચું કહું તો ખાલી મારું વર્તન અને સ્વભાવ થોડો બદલાયો છે. બાકી દિલ તો બચ્ચા હે જી. 


           મારી ઘણી બધી વસ્તુ બદલાઈ પણ મારો ઇંગ્લિશ પ્રત્યેનો હાઉ હજી એમના એમ જ છે. કદાચ કોઈ વરદાન મળે અને બદલાય તો ઠીક. બાકી જેસે ચલતા હૈ ચલને દો.


            આ ઇંગ્લિશને આજ હેડકી ઉપડી હશે. એને પાણી પાઈને ત્રણ વર્ષ મોટો થઈ અગિયારમાં ધોરણના વેકેશનમાં પહોંચી જાવ. અરે, પહોંચી જ ગયો.


             અગિયારમાં ધોરણનું વેકેશન હતું. બાર સાયન્સની વેકેશન બેચ શરૂ થાય એની પહેલા દસ દિવસ જેટલું વેકેશન હતું. હું ગામના ઝાંપે મિત્રોની મહેફિલમાં હતો. ત્યારે એક ભાઈએ અમારી પાસે પેન(કલમ) માંગી. અમારા કોઈની પાસે ન હતી. 


                એ ભાઈને હું બહુ ઓળખતો ન હતો. પણ એ મને ઓળખતા હતા પપ્પાને લીધે. એમને ખબર હતી કે હું સાયન્સમાં ભણું છું અને હોશિયાર છું. (હતો જ હોશિયાર, કંઈ અમથા નહોતું કહ્યું એમણે.)


            પછી મને ઉદ્દેશીને એ બોલ્યા,"સાયન્સના સ્ટુડન્ટ થઈને ખિસ્સામાં એક પેન નથી રાખતા."


              બીજા મિત્રોએ એમને સામે પરખાવ્યું પણ ખરું કે, 'તમે લઈને નીકળ્યા હોય તો.' 


 હકીકતમાં મને એમની વાત ચોંટી ગઈ.


ત્યારથી આજ સુધી હું હમેશ મારી સાથે પેન રાખું છું. કોઈ વખત તો ખિસ્સામાં હોય ને હું સુઈ ગયો હોઉં. 


           પણ એ આદત મને બહુ કામ લાગી છે. કોઇ પાર્ટીમાં ફરમાઈશનું સોન્ગ હોય કે બેંકમાં કોઈ સ્લીપ ભરવાની હોય કે પછી કોઈ પણ કામ માટે મામલતદાર ઓફિસે કે ઇન્ટરવ્યૂમાં જ્યાં પણ જાઉં ત્યાં એનો અલગ ફાયદો અને એક અલગ પ્રભાવ રહ્યો છે. કારણ કે જ્યારે ઈમરજન્સીમાં કોઈ પાસે પેન ન હોય ત્યારે મારી એ આદતને લીધે મારું કામ ચાલી જતું. એક બે વખતે તો મેં એ પેનનો ઉપયોગ હથિયાર તરીકે પણ કરેલો. 


    પણ પછી એ ભાઈ કોણ હતા અને એમણે કયા કારણથી આવું કહ્યું એની તાપસ કરી તો જાણવા મળ્યું કે સરકારની નીતિ અને ઘરની પરિસ્થિતિને લીધે એ શિક્ષિત બેરોજગાર બનેલા.


        એમનું બાર સાયન્સમાં સિત્તેર ટકા આસપાસ રિઝલ્ટ હતું. તેઓ પીટીસીમાં પાસ થયેલા. ચાર ધામની યાત્રાએથી પાછા ફર્યા પણ પ્રસાદ નસીબ ન થયો એવું થયું. નસીબ એવા કઠણ કે એ જ્યારે ભણી રહ્યા ત્યારે પીટીસીની કોઈ વેલ્યુ જ ન રહી. ઘરની આર્થિક હાલતને લીધે એ આગળ ભણી ન શક્યા. અત્યારે પણ પોતાના જોગુ કંઈ કરી લે છે પણ જેના સપનું જોયેલું એ પૂરુ ન થયું. એટલે એનું ફસ્ટ્રેશન મને એ સમયે નહીં સમજાયેલું. પણ અત્યારે સારી રીતે સમજી શકું છું.


ચાલો મિત્રો આજે શું શીખ્યા? વારાફરતી કહો જોઈએ. 


અત્યારે હું રજા લઉં. ફરી મળીશું. આભાર


ના આમ નહિ, આઈ એમ લિવિંગ. વિલ મીટ અગેઇન. થેન્ક યુ.(અરે રે! હાઉ હળવો નહીં કરવો? આમ જ એને રૂડો રૂપાળો કરી અંગ્રેજોની જેમ જ હટાવી દેવો છે.)


અસ્તુ


નિશાન એમ. પટેલ"સ્વાગત"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ