વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નાના દલવાજો તોલો

 

મારા મમ્મી-પપ્પા જોડે હું મારા બાળપણની વાતો સાંભળું અને મારા મનના એક ખૂણામાં લોક કરી દઉં. મને જે વાતો બહુ ગમે એ જાણી જોઇને એમને વારેવારે પૂછું. આજે એ ખૂણાને અનલોક કરીને તમને હું નાની હતી (એટલે કે હું અત્યારે પણ નાની જ છું – ૧૨ વર્ષની, પણ આ તો એનાથીય નાની હતી) ત્યારની વાત કરૂં છું.

મારી મમ્મી એક એન્જીનીયર છે, એટલે એ નોકરી તો કરે જ ને. મારા જન્મના બે મહિના પહેલાં અને ત્રણ મહિના સુધી મમ્મી રજા પર હતી. હું ત્રણ મહિનાની થઇ અને મમ્મીએ ફરી નોકરી જવાનું ચાલુ કર્યું. જો કે, મમ્મી ચાર-પાંચ કલાક માટે જ જતી અને હજુ આજે પણ એ પાર્ટટાઇમ જ જાય છે. મમ્મી નોકરીએ જાય ત્યારે હું મારા નાના-નાની પાસે રહેતી. પછી જ્યારે મેં સ્કૂલે જવાનું ચાલુ કર્યું, ત્યારે મમ્મી મને સ્કૂલે મૂકી જાય અને મારા નાના મને લેવા આવે. ઘણી વખત નાના મને એમના મિત્રના ત્યાં લઇ જાય, ત્યાં મને બહુ મજા આવે, હું સુંદર ગાર્ડનમાં હીંચકાં ખાવું અને નાના એમના મિત્ર જોડે વાતો કરે. સ્કૂલેથી ઘરે પહોંચીને પહેલું કામ મમ્મીને ફોન કરવાનું અને સ્કૂલની વાતો કરવાનું. મમ્મી ગમે તેટલી કામમાં હોય, મારો ફોન ઉપાડીને વાત કરવી જ પડે. (જો ના કરે ને તો એટલું રડું કે, એણે ઓફિસથી પાછા આવવું પડે, મેં ત્રણ-ચાર વાર આવું કરેલું પણ છે.) મને ખબર હોય કે, મારે રોજ નાના-નાનીના ઘરે જવાનું તો પણ ઘણી વખત હું ઘરની બહાર જાળી પાસે ઊભી રહું અને નાના કે નાની અંદર આવવા માટે કહે પછી જ ઘરમાં જવાનું. ઘણી વખત મારી મમ્મીના કાકા (એટલે મારા નલિન નાના) પણ મને રમાડવા ઘરે આવે. હું એમની જોડે આંટો મારવા જવું, થોડા ફૂલો ભેગા કરૂં અને પછી ફ્લેટની પાળીએ બેસી મમ્મીના આવવાની રાહ જોવું.

એક દિવસ મમ્મી ઓફિસથી આવી અને હું બહુ ધમાલે ચડી હતી, એ દિવસે કદાચ એ બહુ થાકેલી હતી. હું એને હેરાન કર્યા કરૂં. મમ્મી મને કહે કે, શાંતિ રાખ, ધમાલ ના કર, પણ હું તો મારી મસ્તીમાં જ હતી. અચાનક શું થયું કે, મમ્મીને ગુસ્સો ચડ્યો, એણે મને બાથરૂમમાં પૂરી દીધી (એણે બારણું બંધ કર્યું અને સ્ટોપર બંધ કરવાનું નાટક કર્યું). મને અચાનક શું થયું કે, મેં પણ અંદરથી સ્ટોપર બંધ કરી દીધી. બહાર નાના-નાની મમ્મીને કહેતા હતા કે આવું ના કરાય, છોકરી ગભરાઇ જશે. થોડીવાર પછી મમ્મી બારણું ખોલવા આવી અને આ શું, બારણું ખૂલે જ નહીં. મમ્મીએ બારણું ખખડાવ્યું, મને કહ્યું કે, તે અંદરથી બંધ કર્યું હોય તો ખોલ. થોડીવાર તો મેં રીસમાં ના ખોલ્યું, પછી તો નાના-નાની કીધું કે, બેટા બારણું ખોલી દે. પરંતુ, મારાથી સ્ટોપર ખૂલે જ નહીં. હવે હું ગભરાઈ ગઈ અને ભેંકડો તાણ્યો. બહાર નાના-નાની અને મમ્મી ને ટેન્શન અને અંદર મારૂં રડવાનું વધતું જાય. મમ્મી મને બહારથી સમજાવે કે આમ કર એટલે ખૂલશે, પણ મારાથી ખૂલે જ નહીં. નાનાએ તો મારા પપ્પાને પણ ફોન કરી દીધો, પણ એમની ઓફિસ દૂર એટલે આવતાં વાર થઈ. ત્યાં સુધીમાં આજુ-બાજુ વાળા પણ ભેગાં થયાં અને વાત ખબર પડતાં, બધાં મમ્મીને બોલ્યાં કે, નાની છોકરી જોડે આવું કરાય?

હું અંદરથી બૂમો પાડું, “નાના, દલવાજો તોલો...તોલો...”.  એ વખતે નાનાના ઘરે બાથરૂમના બારણાં લાકડાનાં પાટિયા વાળા હતાં. મારી બૂમો સાંભળીને નાનામાં જાણે સી.આઇ.ડી. વાળા દયાની આત્મા પ્રવેશી. નાનાએ કપડાં ધોવાનો ધોકો લીઘો અને બારણાંના પાટિયાં પર મારવા માંડ્યા, એક, બે, ત્રણ અને ત્રીજા પ્રહારે એક પાટિયું તૂટ્યું. મમ્મીએ હાથ નાખીને અંદરની સ્ટોપર ખોલી અને હું બાથરૂમમાંથી બહાર આવી. બધાં મને જોઇ રહ્યાં, હું આખી ભીની હતી – પરસેવાના કારણે નહીં પણ પાણી ભરેલી ડોલમાં બેસવાના કારણે. હું બહાર આવી અને મમ્મીને ચોંટી પડી. એ સાથે મારૂં તથા મમ્મીનું બંન્નેનું રડવાનું ચાલુ (જો કે બંન્નેનું કારણ જુદું હતું).  હું એટલે રડતી હતી કે કોઇ મને કંઇ બોલે નહીં અને મમ્મીને એ બીક હતી કે મને કંઇ થઇ ગયું હોત તો. (પપ્પા આવે એટલે, નાના-નાની અને પપ્પા ત્રણેય એને બોલવાના હતા, એ નક્કી જ હતું અને એવું થયું પણ ખરૂં).

આ દરવાજાવાળી ઘટના પછી નાના-નાનીના ઘરના તથા અમારા ઘરનાં બધાં રૂમ અને બાથરૂમના બારણામાંથી નીચેની સ્ટોપર કાઢી નાખી. પણ એ પછી મારી ધમાલમસ્તીતો ચાલતી જ રહી, એની વાત ફરી ક્યારેક.

(આ સંસ્મરણ મારા નાના તથા નલિન નાનાને અર્પણ. એ બંન્નેએ ૨૦૧૮માં, સાતેક મહિનાના ટૂંકા ગાળામાં અમારી વચ્ચેથી વિદાય લીધી. પરંતુ, એમના આશીર્વાદ હંમેશા મારી સાથે છે. બીજી એક વાત, મારૂં ગુજરાતી સારૂં હોવાનું કારણ મારા નાના જ છે, એ અંગ્રેજી માધ્યમવાળાને ગુજરાતી અને હિન્દી શીખાવડતા હતાં.)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ