વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક યાદગાર ક્ષણ (ગર્લ્સ હોસ્ટેલમાં)

યાદગાર ક્ષણ
આ શબ્દો હું વાંચું, બોલું અથવા તો કોઈ પૂછે તો મને એવું થાય કે દરિયા માંથી એક ટીપું આપવાનું કહ્યું. આટલી સરસ અને મજેદાર જિંદગીમાં એક  યાદગાર ક્ષણ કોઈ પૂછે ને તો ઊંડું વિચારવું પડે કે કઈ ક્ષણ વિશે કહું કેમ કે મારે તો યાદગાર ક્ષણો નો ઢગલો છે. છતાં ટૂંકમાં એક યાદગાર વાત તમારા બધાં સાથે શેર કરું છું.

આ વાત છે 2012 એટલે કે ત્યારે મારો MBA નો અભ્યાસ ચાલુ હતો અને હું હોસ્ટેલમાં રહેતો. હોસ્ટેલ અમારી કોલેજ કેમ્પસમાં જ હતી, મેઇન ગેટ પાસે કોલેજ બિલ્ડિંગ અને એ બિલ્ડિંગના પાછળના ભાગમાં થોડું જંગલ જેવું ગ્રાઉંડ અને ત્યાર પછી હોસ્ટેલનાં બે બિલ્ડિંગ એક બોયઝ હોસ્ટેલ અને બીજું ગર્લ્સ હોસ્ટેલ. બંને બિલ્ડિંગ સામે સામે પણ થોડા અંતર સાથે વચ્ચે એક નાનું ગ્રાઉંડ. 

MBA નું બીજું વર્ષ પૂરું થવાની તૈયારી, થોડા જ મહિનામાં પરીક્ષા અને પ્રેઝન્ટેશન પૂરાં થઈ જવાના હતા, બધા ફ્રેન્ડઝ અલગ થઈ જવાના અને પોત પોતાની નોકરીમાં વ્યસ્ત થઈ જવાના અને જીંદગીની આખરી પરીક્ષા બાકી હતી. મસ્તી મજાકમાં આપણો તો પેલો નંબર આવે હોસ્ટેલમાં એટલે એક પણ મોકો ચૂકવાનો નહીં. એક રૂમમાં બે સ્ટુડન્ટને રહેવાની વ્યવસ્થા, અને કુદરતી મારા રૂમમાં અમે બન્નેના નામ પણ મિલન હતાં. 

રાતના 10.30 વાગી ગયા હતા, અમે બન્ને લેપટોપમાં ટાઈમ પાસ કરતા હતા અને અચાનક મને એક વિચાર આવ્યો અને મારા રૂમ પાર્ટનર ને કહ્યું. તો પેલા તો બે મોટી ગાળ આપી કે પાગલ થઈ ગયો છે કે શું? 

મે એમને એક એવી વસ્તુ કરવાની કહી કે જે  અમારી હોસ્ટેલ લાઇફની સૌથી યાદગાર બની જવાની હતી. વાત એમ હતી કે "ગર્લ્સ હોસ્ટેલમાં જઈ અમારી સાથે અભ્યાસ કરનારી ગર્લ્સ સાથે નાસ્તો કરવાની અને પાછાં રિટર્ન આપવાનું" 

શરૂઆત માં તો હા.. ના... હા.. ના કરી પણ ગમે એમ કરીને  મે એમને મનાવી લીધો એવું કહીને કે "લાઈફનો લાસ્ટ ચાન્સ છે કે હોસ્ટેલ લાઇફને યાદગાર બનાવવા" થોડો ઇમોશનલ થઈ ને હા પાડી પણ ઘણી બધી બીક પણ હતી કે કદાચ પકડાય જઈશું તો ઇજ્જત તો જશે પણ હોસ્ટેલ માંથી પણ કાઢી નાખશે. 

આ વાત ચાલતી હતી ત્યાં બીજો એક મિત્ર જયેશ  આવ્યો જે કદમાં આખી હોસ્ટેલ અને આખી કોલેજમા સૌથી નાનો હતો. એને જોતા એવું લાગે કે હજુ આ 7-8 ધોરણમાં હશે. એની એન્ટ્રી થતાં જ અમે એક દમ ચૂપ થઈ ગયા એટલે એમને શંકા ગઇ અને પૂછવા લાગ્યો કે ભઈ આ શું પ્લાનિંગ ચાલી રહ્યું હતું?? એ પણ અંગત જ હતો એટલે એમને પણ બધું કહી દીધું. એ ચૂપ ચાપ સાંભળી રહ્યો હતો એટલે મને તો એમ કે આ પણ આવશે પણ એને તો આગમાં ઘી નાખ્યું કે "બુધ્ધિ ના બળદીયાવ દુનિયામાં બીજું કશું ના મળ્યું કરવા માટે તો તમને અત્યારે આવા વિચારો આવે છે"  

હવે તકલીફ એ હતી કે આ છોટુ ને ખબર હતી એટલે એને લઈ જ જવો પડે બાકી અમે જઈએ ત્યાર પછી જયેશ ને જો કોઈ મસ્તી કરવાનું મન થાય અને હોસ્ટેલમાં બધાં ને કહે તો લોચા પડી જાય કારણ કે રાતે બધા જાગતા હતા. 

મહા મુશ્કેલીથી અમે બન્ને મહેનત કરી એને મનાવ્યો અને એ માની પણ ગયો પણ એનો ચહેરો જોવા જેવો હતો. ચહેરા પર જરાક જરાક સ્મિત આવતું હતું અને આંખમાં ડર ચોખ્ખો દેખાયા કરે. એકલો એકલો બોલ્યા કરે કે હું સૌથી પાછળ ચાલીસ અને કશું થશે તો હું પેલા ભાગી જઈશ ત્યારે કોઈ ભાઈબંધી જોવામાં નઈ આવે. આવું ઘણું બધું બોલ બોલ કર્યા કરતો હતો. 

બધું ફાઇનલ થયા બાદ મે મારી એક ફ્રેન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી એમને કૉલ કર્યો અને કહ્યું કે ભૂખ લાગી છે, યાર કાંઈ નાસ્તો પડ્યો છે કે? એમને કહ્યું કે નાસ્તામાં ખાલી પીળા મમરા છે અને થોડા બિસ્કીટ છે આવ બારી પાસે જોઈતો હોય તો? મે કહ્યું કે "ગર્લસ હોસ્ટેલમાં આવીને નાસ્તો કરવાનું મન થયું છે" એટલે એમને એમ કે મજાક કરે છે એટલે એને પણ કહ્યું કે દમ હોય તો આવીને બતાવી દે એક વખત. બસ અમારે તો એટલું જ જોઈતું હતું, મેં કહ્યું કે ચાલ સરત માર અમે ત્રણ લોકો આવીએ તો તું શું હારી જઈશ?? એને જોશ જોશ માં બોલી દીધું કે હમણાં જે મુવી આવ્યું ને" Sadda Adda" એની ટિકિટ મારા તરફથી. મેં કહ્યું ઓકે.. ડન.. બધી ગર્લ્સ સૂઈ જાય એટલે રીંગ કર એટલે અમે આવીશુ. 

ત્યાર પછી મેં વિગતવાર માહિતી આપી કે અમે સાચે આવીશુ અને કેવી રીતે આવીશુ. એમણે પણ બધી વાત કરી કે ગાર્ડ હમેશાં જાગતો હોય છે, ઘણા રૂમના દરવાજા ખુલ્લા હોય છે, ઘણી ગર્લ્સના રાત્રે મોડા સુધી કોલ ચાલતા હોય છે એટલે જે કરો એ વિચારીને નિર્ણય લેજો પણ મારો સપોર્ટ પુરો રહેશે. એમાં કાંઈ પણ લોચા લપચપ થઈ તો હું તરત હાથ ઉંચા કરી દઈશ અને મારું નામ નો આવવુ જોઈએ. 

પ્લાન પ્રમાણે રાતે એનો કોલ આવ્યો અને કહ્યું કે બધી ગર્લ્સ સૂઈ ગઈ છે અને ત્યારે સમય થયો હતો રાતના પોણા બે. અમે ફટાફટ નીચે ગયા અને ગર્લ્સ ટોયલેટ તરફ આગળ વધી રહ્યા હતા એ ત્યારે સૌથી વધારે ડર જયેશ ને લગતો હતો છતાં એ પૂરી તૈયારી સાથે સૌથી પછાડી ચાલતો હતો ક્યારેય રસ્તામાં બેસી પણ જાય ડર ને લીધે કે કોઈ જોતું તો નહીં હોઈને. 

ટોયલેટ પાસે પહોંચી ગયા, મારી ફ્રેન્ડ ને પણ કોલ કરીને એ લોકોના બાથરૂમ પાસે બોલાવી લીધેલ, મારો કોલ ચાલુ હતો એટલે ગર્લ્સ હોસ્ટેલ માંથી કશું થાય તો તરત ખબર પડી જાય. ટોયલેટ ના સ્લાઇડર  છ- સાત કાચ ઉતારી ધીમેથી અમે ત્રણેય એક પછી એક અંદર ગયા. પેલી હોસ્ટેલ ની લોબી માં બહાર ઊભી હતી અને અમે ત્રણેય એક જ ટોયલેટ માં અંદર, ગ્રીન સિગ્નલ મળ્યો કે આવી જાવ બહાર, કોઈ જ નથી જાગતું પણ ખરેખર બહાર પહેલા પગ કોણ મૂકે એની બબાલ ચાલી અંદર. છેલ્લે મેં હિંમત કરી બહાર પગ મૂક્યો અને બહાર આવ્યો ત્યાર પછી પેલા બેય પણ બહાર આવ્યા. ફાસ્ટ ફાસ્ટ ચાલવા લાગ્યા, પેલી આગળ અને અમે ત્રણ એક લાઇન માં પાછળ. થોડી જ વારમાં એના રૂમમાં પહોંચી ગયા અને એને ધીમેથી કીધું કે તમે આવશો એ વાત જાડી ને નથી કીધી, જાડી એટલે કૃતિકા, એટલે તમે જમીન પર સૂઈ જાવ હું એને બેડ પર જગાડી ને આખી વાત કરું છું, નહીંતર અચાનક તમને જોશે તો બૂમાબૂમ કરી મૂકશે. 

અમે લોકો તરત નીચે સૂઈ ગયા, પેલી એ લાઇટ ઓન કરી અને જાડી ને જગાડી ને ધીમેથી બધું કહ્યું અને એવું કહ્યું કે સામેની બાજુથી નીચે ઉતર ત્યાં મિલન સૂતો છે બરાબર એની ઉપર પગ આપીને ઊભી થઈ જજે. જાડી પણ અડધી રાતે મજાકમાં આવીને સાથે જ્યાં હું સૂતો હતો ત્યાંથી જ ઊતરી. ત્યારે થયું કે સાચે એ જાડી જ છે. 

ત્યાર બાદ સાદા વઘારેલા પીળા મમરા અને બિસ્કીટ સાથે બેસીને ખાતા હતા ત્યાર પછી સાડા ત્રણ વાગ્યા સુધી ગર્લ્સ હોસ્ટેલ માં રહ્યા અને મસ્ત યાદી માટે ફોટા પણ પડ્યા ત્યારે અચાનક કોઈના રૂમ માંથી અચાનક આલારામ વાગ્યો એ સાંભળીને જયેશ તો કોઈને પૂછ્યા વગર દોડતો દોડતો બાથરૂમમાં જઈને બહાર ભાગી ગયો, સાથે સાથે અમે લોકો પણ બધું મૂકી ને ફાસ્ટ ફાસ્ટ બહાર જવા દોડવા લાગ્યા અને બહાર નીકળ્યા. જલ્દી જલ્દી બહાર નીકળતી વખતે બારીની એલ્યુમિનિયમની પટ્ટી ત્રણેય ને વાગી હતી અને એની ભરોડ ઉઠી ગઈ હતી, એ બધું હોસ્ટેલના રૂમમાં જઈને ચેક કરતા કરતા જયેશ જે બક બક કરતો હતો એ સાંભળવું એ પણ એક લાહવો હતો. 

આ  પોણા બે વાગ્યા થી સાડા ત્રણ વાગ્યા સુધીના સમય દરમિયાન જે ડર, ઉત્સાહ અને આનંદનો અનુભવ થયો હતો એ ખરેખર કોઈ દિવસ ભૂલી શકાય એવો નથી. 

- મિલન અંટાળા (સુરત) 

Antalamilan3@gmail.com 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ