વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કીડીને કણ હાથીને મણ

*શીર્ષક* : કીડીને કણ અનેહાથીને મણ

*લેખકનું નામ* : દીક્ષા પંડ્યા જલ્પેશ પટેલ , ડાકોર


    

      " હિત બેટા , થોડું તો ખાઈ લે .અહીંયા આવ .જો આ પપ્પા નો કોળિયો , આ મામમનો કોળિયો , આ હિતનો કોળિયો ..."

   " બસ મમ્મા હવે નહીં "       

   " બેટા એક જ ..."

   " ના "

     કહેતા ની સાથે જ હિત દોડીને તેની ત્રણ પૈડાવાળી સાઇકલ ચલાવવા જતો રહ્યો .

      પૂજા જાણતી હતી હિત કેમ નથી ખાતો . પણ તે મજબુર હતી . ત્રણ વર્ષના હિતને રોટલી સૌથી વધારે ભાવે પણ ઘઉં તો હોળી પહેલા જ પૂરા થઈ ગયા હતા . નવા ઘઉં અને આવનારો પગાર બેઉની રાહ માં ઘઉં 15 દિવસ પછી ભરવાનું નક્કી કર્યું . પણ કરમની કઠણાઈ કે આ મહિને પગાર ઘણો મોડો આવ્યો અને તેમાં પણ ગામડે બાપુજીની તબિયત બગડતા પૈસા મોકલવા માં જ અડધો વપરાઈ ગયો . જતિને એવું કહી તેને સમજાવી કે જો હમણાં આ મહિનો તૈયાર લોટ લાવી ચલાવી લે આવતા મહિને ચોક્કસ ઘઉં ભરી લેશું .

     પૂજા પણ ઘરની પરિસ્થિતિ જાણતી હતી , તેથી સમજુ પત્ની બની સમાધાન કરી લીધું . પણ ખબર નહીં કેમ ભગવાન જાણે તેમની પરીક્ષા જ લેવા બેઠા હતા . કોરોનાને કારણે સરકારે લોકડાઉન જાહેર કર્યું . મહિનાનો છેલ્લો સમય , પતવા આવેલા પૈસા અને આવી પડેલી મુશ્કેલી , જતીન કરે તો શું કરે ? ઘરમાં જેટલો લોટ હતો એટલાએ ચલાવ્યા વગર છૂટકો જ નહોતો . અને પૈસા પણ તો માપના જ હતા .જેમાંથી હિતના દૂધ અને શાકભાજી જ આટલા સમય સુધી માંડ આવે તેમ હતું , તો બીજું કરિયાણું લાવે જ કેવી રીતે ?

       જતીન અને પૂજા બંને મૂંઝવણમાં હતા . એકને પૈસા પતી જવાની ચિંતા હતી , તો એકને કરિયાણું ! બંને એક બીજાની ચિંતા સારી રીતે સમજતા હતા .

     હજી તો લોકડાઉનને બે  જ દિવસ થયા હતા ત્યાં તો એકલા દાળ-ભાત અને ખીચડી ખાવાનો વારો આવ્યો હતો . જતિન અને પૂજા તો સમજદાર હતા , સહર્ષ જે હોય તે ખાઈ લેતા . પણ નાનકડો હિત , એ તો બસ રોટલી ખાવા ટળવળી રહ્યો હતો .

     ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ મદદ માટે આગળ આવી હતી . પૂજાને ઘણીવાર થતું કે પોતાને પણ જો આવી સહાય મળી શકે તો હિતને રાજી કરી શકાય . પણ અફસોસ આવી સહાયો તો ફક્ત ગરીબ વર્ગ માટે જ હતી . અને તેઓ તો એવા મધદરિયે હતા જ્યાં એક બાજુ ગરીબવર્ગ અને બીજી બાજુ મધ્યમવર્ગના બે કિનારા હતા , પણ પોતાની નાવડી તો વચ્ચે ઝોલા ખાતી હતી . તેઓ નહોતા તો પુરા મધ્યમ વર્ગમાં આવતા કે નહોતા તો ગરીબી રેખા નીચે આવતા . કદાચ ઘણા બુદ્ધિજીવીઓ જેને નિમ્ન મધ્યમ વર્ગ કહે છે તેમાં ચોક્કસ આવતા . કદાચ એટલે જ ગરીબોની સહાય તેમના માટે નહોતી અને ઉચ્ચ મધ્યમ વર્ગ જેવી બચત પણ પાસે નહોતી જે આવી આપદામાં કામ આવી શકે .

       હિતના અને ઘરના વિચારોમાં જ આજે રાતના બાર વાગ્વા  છતાં તેને ઊંઘ જ નહતી આવતી . આંખોનાં ખૂણે આવેલા અને અંધારામાં પણ ચમકી રહેલા બે આંસુઓને પોતાની ઓઢણીના છેડેથી લૂછી તે જરા બેઠી થઈ . બાજુમાં સુતો દેવ સ્વરૂપ દીકરો જેણે બે દિવસથી ભરપેટ ખાધું નહોતું , તો તેની બાજુમાં સૂતેલો પતિ જેની ચિંતા તેને ખાવા દેતી જ નહતી .

      વિચારોમાં ડૂબેલી તેને અચાનક કંઈક અવાજ આવ્યો . તેને લાગ્યું કોઈ છે પણ તરત જ અવાજ શાંત થઈ ગયો . ફરી પાછો થોડીવારે અવાજ આવ્યો અને તેને ખાતરી થઇ કે નક્કી બહાર કોઈ છે . તે ફટાફટ ઊભી થઈ જતિનને ઉઠાડવા ગઈ પણ પછી વિચાર આવ્યો ,

    " બિચારા જતિન ! એ પણ તો મારી જેમ ચિંતામાં રહે છે . માંડ સુઈ ગયા છે નથી ઉઠાડવા ."

      અને હિંમત કરી જાતે જ દરવાજો ખોલ્યો .

     " અરે કોઈ નથી ! " કહી દરવાજો બંધ કરતી વખતે જ તેની નજર નીચે પડેલા એક પોટલા ઉપર પડી . શું છે તે જોવા નીચે નમી તો એક ચીઠ્ઠી મળી . જેમાં લખ્યું હતું ,

    " જયશ્રીકૃષ્ણ . અમારી સંસ્થા પર સેવાનું કામ કરે છે . ગરીબો માટે તો દરેક સંસ્થા કામ કરે છે એવી રીતે અમારી સંસ્થા પણ કરે જ છે . પણ અમારી સંસ્થા સાથે એવા મધ્યમ વર્ગના કુટુંબો માટે પણ કામ કરે છે જે સરકાર પાસે કે અન્ય કોઈ પાસે પોતાનું દુખ વ્યક્ત નથી કરી શકતા , જેમને તમાચો મારીને પણ ગાલ લાલ રાખવો પડે છે . અમે એવા મધ્યમવર્ગની પરિસ્થિતિને સમજીએ છીએ એટલે આ નાનકડી એક મદદ છે . "

         પૂજા તો જાણે વાંચતા-વાંચતા આભી જ બની ગઈ . તેણે પોટલું અંદર લીધું અને ખોલીને જોયું તો સૌપ્રથમ એક નાનકડો બટવો દેખાયો જેમાં ૫૦૦ રૂપિયા હતા . તે દિગ્મૂઢ બની ગઈ . ફરી પાછું સ્વસ્થ થઈ પોટલામાં જોતા  10 કિલો લોટ , ચોખા , તેલ , મીઠું , મરચું , હળદર , ખાંડ જેવી અનેક વસ્તુઓ હતી .

       પૂજાની આંખો ખુશી અને ઉપકારના આંસુથી ભરાઈ ગઈ . તેણેે તરત જ મંદિર બાજુ જોયું અને ભગવાનને પગે લાગી . અને એટલું જ બોલી શકી ,

     " હે પ્રભુ , તું કેટલો દયાળુ છે ! તારી કૃપા અપરંપાર છે . તું કીડી ને કણ અને હાથીને મણ આપી જ દે છે . "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ