વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફટફટિયા ફતુબેન

*ફટફટિયા ફતુબેન*


લીલા રંગનો ઘેરદાર ઘાઘરો, વાદળી રંગનો કમખો અને ગુલાબી રંગનું ઓઢણું…આ એમનો કાયમી પોશાક…. લાંબી ફલાંગ ભરીને ચાલતા આવતા હતા, અને જેમ ગાડીને અચાનક બ્રેક લાગે અને ઉભી રહી જાય એમ અચાનક જ મારી પાસે આવીને ઊભા રહી ગયા. વરસો પછી જોયા તો પણ અમે એક બીજાને તરત જ ઓળખી ગયા. 

*"અરે તું? ક્યારે આવી? ઘણા વરહ  પછે તને ભાળી. તું મજામાં સે. સોકરાવ, જમાઈરાજ હંધાય હારા સે ને?"* 

ન જાણે હજુ તો ફટફટીયા જેટલી સ્પીડમાં પુછાતા સવાલોનો મારો કેટલો લાંબો ચાલ્યો હોત, જો મેં એમને જવાબ ની બ્રેક આપી ને અટકાવ્યા ન હોતતો . 

હા, હું તમને એમની ઓળખાણ કરાવું. એ ફતુબેન હતા. નામતો એનું ફાતેમાબીબી હતું પણ એની બોલવાની અને ચાલવાની ઝડપ ફટફટિયા (સ્કુટર) જેવી હતી એટલે બધા એને ફટફટિયા ફતુબેન જ કહેતા.અમારા ઘરે મરચાં ની સીઝનમાં  મરચાં ખાંડવા આવતા. અને રોજ અલગ અલગ રીતે અમને બધાને મફતમાં હાસ્યરસનું પાન કરાવતા. પછી એ હસીને હોય કે રડવાનું નાટક કરીને હોય. પણ મુખ્ય ભૂમિકાતો ફતુબેનની જ હોય. 

હવે મરચાની સીઝન ચાલુ કરવાની હોય ત્યારે આગળથી દાડિયા પાસે મરચા ખાંડવાનો ભાવ નક્કી કરવામાં આવે. ગામમાં ઘણા લોકો આ રીતે કામ કરે એટલે ભાવ અને વ્યક્તિ આગળથીજ નક્કી થઈ જાય કે કોણ કોને ત્યાં કામ કરશે. નહિતર દાડિયાને તો ચલકચલાણું અને ઓલે ઘેર ભાણું જેવી હાલત થાય. 

આમ એક વાર  મારા પિતાજી ફતુબેન પાસે કામનું નક્કી કરવા માટે ગયા, કે તરત જ ફતુબેને  કામની મજુરીનો  ભાવ પુછ્યો, અને મારા પિતાજી એ કહ્યું કે "આ વર્ષે તો તમને એક કિલો મરચું ખાંડવાના વીસ રૂપિયા આપશુ." અને એટલી જ વાર.... ફતુબેન તો જ્વાળામુખી ની જેમ ઉકળવા લાગ્યા. "હા, હા, ખબર હતી કે ભોળી માનીને સેતરવા આયવા સો કા? ગામ આખામાં દહની ઉપર હાત રૂપિયાનો ભાવ હાલેસે અન તમારે મન વીહ જ રૂપિયા આલવા સે? અન તમ માની ચ્યમ લીધુ કે હુ વીહ રૂપિયામાં તમારે ત્યાં  કામ કરવા આવીશ? દહની ઉપર હાત આલવાના હોય તો બોલો." હવે એને કેમ કરીને સમજાવવુ  કે દહની ઉપર હાત કરતા વીહ રૂપિયા વધારે કહેવાય. 

ખંડાએલા મરચાનું વજન રોજ રાત્રે કરવામાં આવે અને એની હાવ હાસી નોંધ રાખવામાં આવે.  દર શનિવારે સાંજે બધાને માલના સરવાળા પ્રમાણે હિસાબ કરીને નોટુની ચુકવણી કરવામાં આવે. એમાં પણ ફતુબેન બધા ઉપર નજર રાખે. હવે કોઈને 350 રુપિયાનો હિસાબ થાય તો સો સો રૂપિયાની ત્રણ અને પચાસ રૂપિયાની એક એમ ચાર નોટ મળે, પણ કોઈને 340 રૂપિયા આપવાના હોય તો સો સો રૂપિયાની ત્રણ અને દસ દસ રૂપિયાની ચાર નોટ આપે. એટલી જ વારમાં તો ફતુબેન હડફ દઈને ઉભા થઈ જાય. "કેમ શેઠ હમજી હુ રાખ્યું સે? ઈનો માલ મારા કરતા ઓસો સે તોય ઈને નોટુ ની થોકડી આલી, અને મુને આટલી જ નોટ? નહિ કરવુ મારે કામ" અને મેલ ખેતાળા, હેંડવા જ માંડે. પણ જેવા દરવાજા પાસે પહોચે કે ડેલે હાથ દઈ ને પાછા ફર્યા જ હોય," બોલો હુ કરવુ  સે? મન થોકડી આલોસો કે હુ ઘર ભેળી થવ?" હવે આને કેમ સમજાવવા કે રૂપિયા કોના વધારે છે? પણ વાત તો ઈની હાવ હાસી હોય! 

બધા દાડિયાના તૈયાર થયેલા માલનું વજન થાય ત્યારે તો ફતુબેનની બાજનઝર ફરતી રહે. કોઈનો માલ વધારે હોય તો સીધા જ વીસ કીલો કે દસકીલોના વજનીયા મુકી દેવામાં આવે. પરંતુ જેનો માલ ઓછો હોય તો પાંચ કીલો, બે કીલો, પાંચસો ગ્રામ જેવા નાના નાના  વજનીયા મુકવામાં આવે. હવે જેમાં વજનીયા વધારે હોય તેને નોટુ વધારે મળે,એવુ સીધુ સાદુ ગણીત ફતુબેન સીવાય અન્ય કોઈ સમજી શકે જ નહીં. બીજુ કોઈ ઈ લેવલ હુધી પુગ્યું નોતુ . 

એક વાર તો જેવા મારા કાકા વરંડામા દાખલ થયા કે દોડીને પુગી ગ્યા કાકા પાહે, અને કહેવા લાગ્યા કે ભઈ બે બાયડી જોવે સે? બવ હારી સે,તમ જી કેહોન ઈ હંધુય કામ કરહે.  તમ ક્યો તો કાલ મારી ભેળી લેતી આવુ. હવે આમ જુઓ તો પત્નીને પણ ગામઠી ભાષામાં બાયડી જ કહેવાય. પણ ફતુબેન ખરેખર તો  બીજા બે દાડિયા લાવવા માટે ની વાત કરતા હતા. બીચારા કાકા! હા ક્યેતો હાથ કપાય, અને નાં કયેતો કામ અટવાઈ જાય. કરેતો ક્યા કરે? કાકીનું પણ ધ્યાન રાખવું પડે ને? 

મરચાની સીઝનમાં ઘણી વાર મારા મમ્મી વરીયાળીનું શરબત બધા દાડિયાને માટે બનાવી દે. એક તો માર્ચ મહિનાનો ધોમ ધખતો તડકો હોય અને એમાં મરચાની તીખાશ! શરબત પીવાથી થોડી વાર માટે પણ ઠંડક થાય. પણ દયા ડાકણ ને ખાય એમ ફતુબેન ને વાંધો જ પડે. "ભાભી તમ આ સરબત લાયાસો ક ઉકાળો, ઊનો ઊનો સ ટાઢો તો લગારે નથ." હવે જો બીજા કોઈ બેન કહે કે "ના ના આટલો ટાઢો તો સે, જરાક અડીતો જો હુ જયે હોય તયે ઘરની ધોરાજી હલાવેસે" ખેલ ખતમ… બધાના શરબતનાં ગ્લાસ ફટાક દઈને પીવા માંડે. મોઢુ લુસતા જાયને શરબત પીતા જાય. કોનુ શરબત ટાઢુ સે ને કોનુ ઊનુ ઈ જોવુતો પડેને? એમ કરતા કેટલા ગ્લાસ શરબત પોતે પી લે એ તો ગણાયજ નહી. અને પોતે હોશિયારીથી હસતા જાય, જાણે હંધાય થી હવાયુ શરબત પીયને જગ જીતી જ્યા. 

ઘણી વખત મારા કાકા બરફ ના ગોળા વાળા ભાઈને બોલાવી બધા દાડિયાઓને બરફ ગોળા ખવડાવે. દરેક વ્યક્તિ પોતાના ભાવતા સ્વાદ પ્રમાણે શરબત નંખાવીને ખાય. હવે આવે ફતુબેનનો વારો, તો એને તો કાચીકેરી ના સ્વાદવાળો ગોળો ખાટો બડા  જેવો લાગે, રોઝસીરપ  હોય તો, "તુ તો ગોળો ચાહણી મા બોળી ને આલેસે" એમ કહે, કાલાખટ્ટા નો સ્વાદ હોય તો કહે "કાંક મોઢે લાગે એવો ગોળો આલવાનો હોય તો ઊભો રે નયતર હાલતો થા." "ફરદાન આય તય કાંક હારૂ લય ને આયોને તો ઊભો રેવા દશ. કાય મારા ભૈના કાવડિયા મફતમાં નય મળે હમજી લેજે , આ તન પહેલેથી જ કય દિધુ, પસે કેતો નય કે કીધું નોતુ." કોઈ તેને બાવડું જાલી ને અંદર લઈ જાય ત્યારે  માંડ માંડ ફટફટિયું અટકે. આવા કેટલાય કિસ્સા બનતા હોય.પણ ફતુબેન નો રૂવાબ અકબંધ હોય.. 

દર વર્ષે મરચાંનાં  વધતા ઓર્ડરને પહોંચી વળવા, મારા કાકાએ એક મરચા ખાંડવાનું મશીન મંગાવી લીધુ, જેથી સમય સર વધતા ઓર્ડર ને પહોંચી વળાય. પણ તોય  ફતુબેનનેતો જાણે બાપાનો ગરાસ લૂંટાઈ ગ્યો હોય એવો વાંધો પડે. પહેલા તો માને જ નહીં કે મરચા ખાંડવા માટે પણ મશીન હોય. પણ જ્યારે સમજ પડી, કે જાણે માથે આભ તૂટી પડયું હોય એમ રડવાનુ ચાલુ કરી દીધું. રડતાં જાય અને બોલતા જાય. "હાય-હાય, તમને આ હુ હુઝ્યુ. અમારા પેટ ઉપર પાટુ મારતા પેલા તમને કાય વસાર નો આયવો... હવ અમારૂ હુ થાહે. તમ તમારો જ સવારથ જોયો. તમ બોવ ખોટુ કયરૂ. મી તમુને આવા નતા ધાયરા. અમ રાત દિ એક કરી ન તમારૂ કામ કરી આલહુ. પણ મેરબાની કરી ને આ મશીન ને પાસુ કરીદ્યો." કોઈ વાતે છાના રેવાનું નામ નો લે. આટલી વાર રોયા તોય આખમાંથી જો એકેય આંહુડું  પડ્યું હોય તો આંહુડાના હમ. હા, પાંચ વખત મોઢું ધોવામાં એક ડોલ પાણી ઢોળી નાંખ્યું એ નફામાં. અને છેવટે કાકાએ મશીન બંધ રાખવાનું વચન આપ્યું ત્યારે શાંતિ થઈ. બાકી જો કાકાએ વચન આપવામાં વિલંબ કર્યો હોતને, તો તે દિવસે ફતુબેનના હાથે સાંબેલાના પ્રહાર ની પ્રસાદી જરૂર મળી હોત. પણ એમ તો કાકા સમજદાર ખરા. 

આમ જોવા જઈએ તો એ માત્ર મરચાની  સીઝનમાં બે થી અઢી મહિના સુધી જ અમારા ત્યાં  કામ કરતા હતા. પરંતુ જાણે અમારા પરિવારના દરેક સભ્યના સુખ અને દુઃખ ઉપર તેનો પુરો હક, અને ફરજ બજાવતા હતા, પછી ભલેને તે માટે એજ જવાબદાર હોય… 

એક વાર ખબર નહી કોના હાથેથી કાચનો ગ્લાસ ફુટી ગયો. હવે ભુલ કોઈ પણ વ્યક્તિ કરે, પણ વાંક તો વહુનો જ હોય. એટલે ફતુબેને કાકીને વગર સાબુએ ધોઈ નાંખ્યા. “જો ભાભી, આમ તમ ઘરની હંધીય ચીજુની તોડફોડ કરો ઈ હાલશી નય. તમ હમજી હુ રાયખાસ માર ભયને? બસારા કય બોલતા નથ, એટલે તમ માથે સડી જ્યાસ! હવે ઘરમાં કાય નુસકાન થયુંતો હમજી લેજો, મારાથી ભુંડી કોય મળહે નય. ટીકીટના પૈહા પણ નય આલુ અન તને તારા બાપાના ઘરે મોકલી દશ. એટલે હવ હાચવીન રેવુ." કાકી તો બીચારા મોઢું વકાસીને જોતા જ રહ્યા. બોલે તો પણ શું બોલે? માણસની વગરવાંકે સાંભળી લેવાની પણ એક લિમિટ હોયને? 

એકવાર તો એવું બન્યું કે,આપણે હસવું કે રડવું એજ સમજી ન શકાય. 

મારા એક કઝીનભાઈ સવારે લગભગ નવ વાગ્યે શાક ભાજી લઈ ઘરે પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં એમની સાસરવાસ બહેનના સહિયર મધુબેન મળેલા, જે ભાઈને જોઈને સહિયરના સમાચાર પુછવા લાગ્યા. પણ બેનપોતે ઘરની અંદર હતા અને ભાઈ બહાર,  દરવાજો પણ અર્ધો જ ખુલ્લો હતો. એ ગલી એટલી સાંકડી છે કે તે સાંકડી શેરી તરીકે જાણીતી છે.સંજોગવશાત કુદરતનું કરવું ને ઈ વખતે જ એક છેડેથી બે ગાય દોડતી આવી રહી હતી. અને બીજા છેડેથી ફતુબેન... ગાયોથી બચવા માટે મધુબેને ભાઈને ઘરની અંદર ખેંચી લીધા. પણ રે નસીબ! તે ફતુબેનની નજરથી બચી શકવામાં અસમર્થ રહ્યા. અને પછી તો, જાણે પોતાનો ગરાસ લૂંટાઈ ગયો હોય, તેમ ફતુબેન ખાસ ભાભીને મળવા માટે ઘરે ગયા. અને ભાભી ને વળગી ને જે રડે, જે રડે, રડતાં જાય અને ભાભીને વાંસામાં હાથ ફેરવી ને હૈયા ધારણ દેતાં જાય, "દિકરી, તું જરાય ચંત્યા નય કરતી. તારો ધણી ભટકી જ્યોસ. મરદની જાત જ નઠારી હોય સ. લખણ બતાવે જ સે. પણ તારે મુંઝાવાની જરીયે જરૂર નથ. હા, હું બેઠીસુને બાર વરહની. તન હુ મારી ભેળી રાખસ. આખો રોટલો નય મળેને તો અડધો ખાયને દિ ટુંકા કરહુ પણ તને આયા  દુ:ખી થવા હારૂ નય રેવા દવ." ભાભી તો જાણે થીજી જ ગયા. શું કરવું તે સમજાતું નહોતું, અને બરાબર એ જ સમયે ભાઈ પણ ઘરે આવી પહોંચ્યા.પરંતુ તે પણ હકીકતથી અજાણ હતા. ભાઈ ભાભી બન્ને એક સાથે બોલ્યા, શું વાત છે? ફતુબેન કાય સમજ પડે એમ વાત કરો તો સારૂ. અને રાતાચોળ મોઢે ફતુબેને ભાઈની પાસે  કબુલાત કરાવવાના ઈરાદે  જ્યારે કહ્યું, "વાતને હંતાડવાનુ રેવા દો.... તમારી પોલ ખુલી જયસે. મે તમારી હંધીય કરતુત મારી ખુદની  નજરે જોયસ. ઈ તો ભલું થાજો ઓલી બે ગા નું, કે ઈ ધોઈડીતે હું પશાભઈના ઓટલે સડી ગઇ, ન તમને ઓલી મધુડીન ઘરમાં પેહતા જોય ગઇ… તમારી તો મન હંધીય ખબર પડી જઇ, હમજ્યા?"  ભાઈતો હજીય બાઘાની જેમ જોઈ રહ્યા હતા,પણ ભાભી બધું સમજી ગયા. જ્યારે સ્પષ્ટતાથી વાત થઈ કે ગાય થી બચવા માટે ભાઈ મધુબેનના ઘરમાં  ગયા એ ઘટના ફતુબેને  સંતાઈને જોઈ લીધી હતી. અને એમના મનમાં ભાઈ માટે  ગેરસમજ અને ભાભી માટે દુઃખની લાગણી ઉપજી હતી, તેનું આ પરિણામ છે. છેવટે રહસ્ય જ્યારે બધા ની સામે ખુલ્યું, ફતુબેન તો જાણે ઉભી પુંછડીએ ભાગ્યા છે કે પાછળ ફરીને જોવે ઈ બીજા! 

એતો ઠીક છે પણ બાળકોએ કોઈ તોફાન કર્યું હોય અને જો ઈ ફતુબેનને ખબર પડે તો તો પછી આવી જ બને. એવીતો આકરી સજા ફટકારી દે કે જીંદગી ભર ભુલીના શકે. પોતે બાળકોની ફરતા ગોળ ગોળ ફરીને બે કાનની વચ્ચે માથું કરી દે. જે સજા આખી જીંદગી ભોગવવી જ પડે! 

આતો થઈ ફરજની વાત, પણ હવે તેણે આપમેળે મેળવી લીધેલા  હકની હકીકત  સાંભળી ને તો તમે હક્કા બક્કા રહી જશો.  

મરચાની સીઝન દરમિયાન અમારા ઘરેથી બધા બહેનોને સાડી, કે વાસણો, જેવી જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવે. હવે તો બધાને આ જાણે હક મળી ગયો. પણ આંગળી આપે તો પોંચો પકડી લેવામાં હોશિયાર એવા ફતુબેન તરફ થી ક્યારેક મમ્મીની કોઈ સાડી મેળવવા માટે બુકિંગ થઇ જાય. તો ક્યારેક કાકીની કાચની બંગડીઓ નું બુકીંગ થઇ જાય. ફતુબેનને નાની થઈ જાય એવી વસ્તુ ચાલે પણ જુની વસ્તુ નહિ. એવી એમની સમજ હતી. એક વાર તો એને પુછ્યું પણ ખરૂ, ફતુબેન આ જુનુ અને નાનુ એ બન્નેમાં ફેર શું પડે? 

એમના મનમાં જે સમજ હતી તે ખરેખર માન ઉપજે તેવી હતી. ખુમારી સાથે જવાબ આપતા કહ્યું, "હાંભરો બુન, જુનુ હોય એટલે ઘહાય જ્યુ હોય ક ફાટી જ્યુ હોય ક હાંધેલુ હોય, પણ નાનુ એટલે ખાલી હવ તમને ટુંકુ ક તહોતહ થાય સ અન એટલે તમે બીજા ને ઈ વહતુ આલોસો. હમજી જ્યા બરાબર?" હવે આવી ફિલોસોફી તો આપણે થોડા સમજી શકીએ, આપણા માટે તો જુનુ એટલે જુનુ. એકજ વાત હોય. 

        જેમ ભુતને પીપળો મળી રે એમ ફતુબેનને પણ હક જમાવવા માટે કોઈ ને કોઈ બહાનું મળી રહેતુ. 

એક વાર મમ્મી માટે મારા દાદી મદ્રાસ થી હીરાની બુટ્ટી લઈ આવ્યા. હવે આ બુટ્ટી ફતુબેને મમ્મીના કાનમાં પહેરેલી જોઈ. અને તરત જ બુકીંગ કરાવી દીધુ, "ભાભી તમારી આ બુટ્ટી નાની થઈ જાય એટલે મને આપી દેજો." વાત તો સાંભળી લીધી. પણ પછી? શું આ વાત શક્ય હતી ખરી? પણ ફતુબેન નું વેણ થોડુ પાછું વળાય? 

ખૂબ  સાચવીને ને સંભાળીને ના પાડી, પણ ફતુબેન જેનુ નામ. એમ કાઈ પોતાની જાતે મેળવી લીધેલો હક છોડી થોડો દેવાય? પછી તો મમ્મીએ બુટ્ટી બદલી નાખી, બીજી બુટ્ટી થોડા દિવસ પહેરીને ફતુબેનને હક આપી દીધો. અને ફતુબેન તો જાણે ફુલીને ફાળકો થઈ ગયા. મનની ખુશી ચહેરા ઉપર સ્પષ્ટ પણે ચમકી રહી હતી. જો કે એમના પતિ હાસમભાઈને આ વાત પસંદ નહોતી. પણ એનાથી ફતુબેનને કાય ફરક પડતો નથ.

ફતુબેનને આખા ગામના લોકો માટે લાગણી બહુ. કોઈની પણ બહેન કે દિકરી સાસરેથી પીયર આવી હોયતો એને સૌથી પહેલા ખબર પડી જાય. અને એતો મળવા માટે પહોંચી જાય. અને પ્રેમથી સમજાવીને કહે, "દિકરી, હુ હમજુસ કે તુ આયા આરામ કરવા હારૂ આવી સો, તુ મને હંભારતી હશ, અન ઈ હારૂ થઇ ને હું મારા હંધાય  કામ પડતાં  મેલીન તુને મળવા હારૂ ધોડતીકને હાલી આયવી. કાઈ દિકરીયુના ધોખા થોડા કરાય! અન ભાભી,  સોડી આપડા ઘેરે આવીસે કાંક હારૂ હારૂ રાંધીન ખવડાવજો. સાટો ઘી પેટમાં જાય તો  મોઢું તેજ કરે, હાવ નંખાય જયસે બસારી, મારો તો જીવ બરી જ્યો. સોડી નુ મોઢું જોઈને. અને માન ન માન મૈ તેરા મહેમાન બની, શીરો બનાવરાવી પોતે પણ ત્યાંજ જમીલે. સાંજ સુધી શીખામણનું વ્યાખ્યાન આપીને રજાલે. ઠેક તાર હુ જવસુ પણ હવ સોડીન હાસવવાની જવાબદારી તમારી સે." અને ભારે હૈયૈ દિકરીને એની મમ્મીના ભરોસે મૂકીને પોતાના ઘર તરફ પ્રયાણ કરે.. 

ગામના બધા દુકાનદાર ફતુબેનના માની લીધેલા ભાઈઓ હોય. કોઈ પણ વેપારીને ત્યાં જાય, હક થી જે પણ જોઇએ તે લઈ લે. એમાં જો કોઈએ વસ્તુના પૈસા માગ્યા, તો ફતુબેન ખડખડાટ હસી પડે અને બોલવાનુ ચાલુ થઈ જાય." ચેવી વાત કરો સો ભાઈ! તમુને માર ઉપર લગીરેય ભરૂહો નથ? મારી પાહે ફદિયા  આવહે એટલે હંધાયથી પેલા તમારો જ વારો, અન તમુજ ક્યો કોને આલ્યા ન તમ રય જ્યા? પૈહાનુ આટલું વળગણ હારૂ નય. નાખો જી કુતરાની હામે,ઈ હુંઘશેય નય." અને દુકાનદાર કાઈ બોલવા માટે મોઢું ખોલે  એટલી વારમાં તો ફતુબેન ફરાર થઈ ગયા હોય.  

તેમના પતિ હાસમભાઈ, હરખઘેલા બહુ. હમેશાં હરખમાં જ હોય. લફડ ફફડ લેંઘો અને જુલતો ઝભ્ભો, એ મુળ પહેરવેશ. હા! એક વસ્તુ બધાની સમજ બહાર હતી, તેના ગળામાં લટકી રહેલુ મફલર… ઋતુ ચાહે કોઈ પણ હોય,શિયાળાની ઠંડી હોય કે ઉનાળાનો ધોમધખતો તાપ, કે પછી વરસતો વરસાદ. ક્યારેય મફલરને ગળામાંથી ઉતારે નહિ. કોઈના પુછવાથી જે જવાબ મળ્યો છે કે સાંભળીને બે ચાર ગડથોલાં ખાઈ જવાય… 

"જો ભય, આ બૈરા બધા ઘાઘરો ને ચોળી પેરેસ તોય ઉપર ઓઢણુ નાખે સેને? તય પસે આપણે કય એકલા લેંઘો ઝભ્ભો પેરીન થોડુ ઘર બાર નેકળી પડાય? કાંક આમન્યા તો જાળવવી પડે ન!" તેની જીંદગીમાં એક જ નેમ - આપણને જી મળે ઈને હરખ થાવો જોઈ અને એટલે જ ઈ જ્યારે જોવોન ત્યારે હરખમાં જ હોય. 

પોતે ઘોડાગાડી ચલાવતા.તે સમયે ગામમાં રીક્ષાઓ નહોતી. લગભગ બધા લોકો ચાલીને જ આવે જાય. હા, કોઈ વ્યક્તિ બીમાર હોય તો દવાખાને લઈ જવા માટે ઘોડાગાડીની જરૂર પડે. અને રેલવે સ્ટેશન ગામથી લગભગ ત્રણ થી ચાર કિલોમીટર જેટલું દૂર આવેલું હતું. એટલે સ્ટેશન જવા માટે પણ ઘોડાગાડી બોલાવવાની જરૂર પડે. મારા ફોઈ મુંબઈ, સાસરે થી આવે, ત્યારથી હાસમભાઈ નક્કી કરી જાય,કે બેનને વળાવવા વખતે હું જ આવીશ. અને જવાના આગલા દિવસેજ કહી દેવુ પડે. ઘોડાને નવરાવી, પેટ ભરીને ઘાસચારો ખવડાવી તાજો માજો કરીને બે કલાક વહેલા ઘરે આવી જાય. આવીને દરવાજો તુટી જાય એવી રીતે ખખડાવી નાખે." ભાઈ , હાંભળોસો ન, હુ ગાડી લઈને આવી જ્યોસ. હુતાવળ રાખહુ તો ટેશને ટેમસર પોગી જાહુ." એનો ઘોડો જાણે અડિયલ ટટ્ટુ. અમે પણ સરેડાટ સામાન આપી દઈએ. અને ટપ્પામાં બેસી જઈએ. 

હા, ફૈબાને આવતા થોડી વાર લાગે. હવે દિકરીને લગન વખતે વિદાય કરી દીધી હોય તો શું થયું? એ તો જેટલીવાર પિયરથી સાસરે જાય એટલીવાર વિદાયમાં વાર તો લાગેજ ને? પછી ભલેને હારોહાર સ્ટેશન સુધીય બધા જાવાના જ હોય!  ફૈબા આવે કે તરત ટપ્પો ચાલવા લાગે. ટપ્પામાં આગળ મારા પપ્પા અને હાસમભાઈ બેસે. અંદર મોટી સીટમાં મમ્મી, ફૈબા, ફુવા અને બે ભાઈઓ બેઠક ગ્રહણ કરે. સામે બે નાની સીંગલ સીટ હોય, તેમાં અમે બન્ને બહેનો આસન જમાવી દઈએ. 

હાસમભાઈ બસ બસ કરતા હોય પણ સાંભળે ઈ બીજા. કાંય સ્ટેશન રોજ થોડું જવા મળે? હવે ગાડી ફુલ થઈ જાય એટલે ટટ્ટુ ભાઈ વિરોધ કરે. તોય થોડી વારતો ચાલે, પણ પછીતો  વિરોધ વધી જાય, એટલે પપ્પા નીચે ઉતરી જાય. મારા પિતાજી ની ચાલવાની આદત ખૂબ ઝડપી, જાણે વા હારે વાત્યુ કરે. અને એટલે જ એ સૌથી પહેલાં ઉતરી જાય. તોયે સૌથી આગળ થઈ જાય. વળી થોડુંક ચાલે, ને ટટ્ટુભાઈ અચાનક જ અટકી જાય. એટલે બન્ને ભાઈઓ નીચે ઉતરી જાય. ચાલીને આવતા હોય ઈ ટપ્પા કરતાં આગળ થઈ જાય. અને ફરી સવારી આગળ વધે. અર્ધા રસ્તે પહોંચ્યા બાદ ફરી એકવાર બ્રેક. હવે વારો આવે મમ્મીનો, પાછા આગળ વધીને પ્રખર વિરોધ, હવે કોનો વારો? છેવટે હાસમભાઈ પોતેજ નીચે ઉતરી જાય. હવે ઈ ખબરનો પડે કે હાસમભાઈ ઘોડાને ચલાવે છે કે ઘોડો હાસમભાઈને! છેવટે સ્ટેશન થોડુ દુર હોય ત્યાં તો ફુવા પણ પગપાળા યાત્રા પસંદ કરે. અને હાસમભાઈની શીખામણનો દોર ચાલુ થઈ જાય. "જોજે બેન, હાહરામાં હંપીને રેવુ. ગાડીમાં બેહો એટલે મુદ્દા ગણીને હંભાળીન મેલી દેવા. સામાનનુ ધાન રાખજો. ટેશને ટેશને ઉતરવું નહિ. પોગીને તરતજ કાગળ લખી નાખવો. એટલે ભાયુને સંત્યા નો રે." અને શીખામણ દેવાનુ પુરૂ થાય ત્યાં સુધીમાં સ્ટેશન પહોંચી ગયા હોય. પછી તો જાણે પીંજરામાંથી સીંહ છુટયા હોય એમ ઠેકડા મારી ને બધા બહાર. 

 હાસમભાઈને આવી શીખામણ દેવાની આદત વરસોથી હતી. અને એટલે જ એક વાર ફૈબાને મુકીને પાછા ફરવા ટાણે મારા ભાઈને ટીખળ સુજી. ઘરે જવાના અર્ધા રસ્તે પહોંચ્યા ને ... હાસમભાઈના હાથમાં એક કાગળ આપીને કહ્યું "લ્યો, તમ બુનને પોગીને કાગળ લખવાનું કીધું તુને, ઈ કાગળ આઈજ્યો." અને એતો જે હરખાય, જે હરખાય, વાત જ મુકી દ્યો. અને બોલવાનુ ચાલુ થઈ જાય. "જોયું ન ભય, આપડી સોડિયુ કેટલી હમજદાર સવ, આપણને સંત્યા નો થાય એટલે હડેડાટ કાગળ લખી નાયખો." અને અંદર બેઠેલા અમે, એના ભોળપણ ઉપર છાનામાના હસતાં રહીએ. કારણકે ફૈબા તો હજી ટ્રેનમાં હશે અને અમે પણ હજુ ઘરે પાછા પહોંચ્યા નથી. તો પહોચ્યાનો પત્ર ક્યાંથી આવી જાય? પણ હા! ત્યારથી અમને પણ એક આદત પડી ગઈ છે, ઘરેથી કોઈ બહાર ગામ જતા હોય તો એક વાત તો જરૂરથી કહીએ,

" ટેશને ટેશને ઉતરતા નય અન પોગ્યા પેલા કાગળ લખી નાખજો. "

 અને પછી બધા સાથે હાસ્યના હોજમાં રસ તરબોળ થઈ જાય. 

મારા લગ્ન થયા પછી ફતુબેનને મળવાનું બનતુ નહિ. અને આ વખતે અચાનક જ મળી ગયા. જુના સ્મરણો ને ખૂબ સંભાર્યા, અને  ફરી મળવાની આશા સાથે છુટા પડ્યા. 

એક વાત કહું, ત્રણ પેઢીથી અમારા ઘરમાં બાળકોને તોફાન કરતા અટકાવવા, અને ડરાવવા માટેની એક જ વારસાગત ધમકી આપાય છે. "જો તોફાન કરીશ તો બે કાન વચ્ચે માથું કરી દઈશ." હા! બે પેઢી સુધી આ ધમકીથી ડરીને બાળકો શાંત રહેતા હતા, પરંતુ આ નવી પેઢીને પહોચવુ તો બહુ અઘરું છે. કેવી રીતે એ તમને કહી જ દવ, નકામું પેટમાં દુખે. એક દિવસમેં મારા પૌત્રને કહ્યું... 

"જો તોફાન કરીશને તો બે કાન વચ્ચે માથું કરી દઈશ." 

એના હાથમાં મોબાઇલ ફોન હતો. એ દોડીને મારી પાસે આવીને બેસી ગયો. હજુ હું કંઈ સમજુ એ પહેલાંતો એમણે અમારી બંનેની સાથે સેલ્ફી લીધી, પાછો મને બતાવીને કહે છે કે "દા...દી... આ જુઓ… બધાનું માથું બે કાનની વચ્ચે જ હોય… " 

હવે આને શું કહેવું બોલો? હા! કદાચ આ જ જનરેશન ગેપ કહેવાતો હશે. 

અને એટલે જ બાળકો દાદા દાદીની વાતો સાંભળીને ખડખડાટ હસી પડે છે. શું તમને આ બધી વાત પર હસવું આવ્યું? તો હસો... ખડખડાટ. કેમકે હસે તેનુ ઘર વસે.

........... અલકા કોઠારી. 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ