વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નજર

© નજર

      ક્લિનિકમાં પ્રવેશતાની સાથે નાગેશની આંખો ચોતરફ ફરીને એક ખૂણા પર અટકી ગઈ. ‘હમ્મ્મ.. આ જગ્યા બરાબર છે.’ મનોમન બબડીને એણે સામેના સોફા પર બેઠક જમાવી. મોબાઈલમાં ગેમ રમવાનો ઢોંગ કરતી એની આંખો આસપાસ ચકળવકળ ફરતી એ ખૂણે વારંવાર ચક્કર મારતી રહી. બાળકોના એ ક્લિનિકમાં બિરાજમાન બીજી મહિલાઓને પણ એની નજર ન્યાય આપવાનું ચૂકતી નહોતી! વચ્ચે ક્યારેક એ નજીક રમતા બાળકો સાથે પણ ગમ્મત કરી લેતો હતો. પરંતુ એક બાબતથી એ અજાણ હતો કે એ આવ્યો ત્યારથી બે આંખો એકટક એને જ તાકી રહી હતી!

      એ ફાર્મસીનો સેલ્સમેન હતો. એ ધારત તો ડોક્ટરને જાણ કરીને તરત મળી શક્યો હોત, પરંતુ એને આ બધી રમતમાં મજા આવતી હતી. સ્વભાવે રમતિયાળ નાગેશ એના ગૃપમાં છેલબટાઉ તરીકે જાણીતો હતો. રૂપાળી યુવતી જોઈ નથી અને ભાઈ લપસ્યા જેવું!

      બિસ્કીટના પેકેટને મોબાઈલ ફોનની જેમ કાને લગાવી ‘હવો-હવો’ બોલતું રમતું એક બાળક અચાનક જોરથી રડી ઉઠ્યું. નજીક બેસેલી માએ બાળકને ઊંચકીને છાતીએ વળગાડી લીધું, પરંતુ ભૂખ્યું બાળક જનનીનાં ઉપરછલ્લા સ્પર્શથી સંતુષ્ટ ન થયું, એ વધુ જોરથી રડવા લાગ્યું. મા મૂંઝાઈ. સામે બેઠેલા યુવકની પ્રકૃતિ-વિકૃતિ એની આંખોથી છલોછલ ટપકતી એ માતા ક્યારની નિહાળી રહી હતી. એણે આસપાસ જોયું, આખો હોલ ભરચક હતો અને ફર્શ એટલી સાફ ન હતી કે નીચે ઊંધું બેસીને બાળકને સ્તનપાન કરાવી શકાય. બાળકનો વલોપાત વધતો ગયો. રૂદનની એક એક લયથી માની છાતીમાં શેરડા પડવા લાગ્યા. સર્વે આશંકાઓને નેવે મૂકી ઊભરાઈ રહેલી મમતાને વધુ ન દબાવી માતાએ પહેરણ ઊંચુ કરી બાળકને તૃપ્તિનો આસ્વાદ કરાવ્યો.

       નાગેશની ચકળવકળ ફરતી આંખો એ અનાવૃત અંગ પર સ્થિર થઈ ગઈ. એ સ્ત્રીની બાજુમાં બેસેલી એક આધેડ સ્ત્રીએ તિરસ્કારથી નાગેશ તરફ જોયું, “જો ને, કેટલો નફ્ફટ છે? જરાય શરમ જેવું નથી. હે ભગવાન!”

       એ સ્ત્રીએ આ શબ્દો સાંભળ્યા અને નાગેશે પણ! છતા એની આંખ હજી પણ ત્યાં જ ચોંટી હતી અને એ સ્ત્રી પણ એકટક એને જ જોઈ રહી! અનાવૃત સ્તનને એણે પહેરણથી ઢાંકવાનો પ્રયાસ પણ ન કર્યો, જાણે નાગેશને એ કહેતી હોય કે, ‘લે નપાવટ જોઈ લે, સ્ત્રીનાં કમનીય શરીરની અંદર એક માનું કોમળ દિલ પણ વસે છે. જોઉં છું, તારી આંખના સાપોલિયા અને તારી વિકૃતિ જીતે છે કે મારી મમતા અને મારા બાળકનો અધિકાર જીતે છે?’

      એ મૂક સંદેશ જાણે મળી ગયો હોય એમ એ સ્ત્રીનાં વક્ષ:સ્થળ પર ચોંટેલી નાગેશની નજર આપોઆપ એ રીતે નીચે નમી ગઈ કે ફરી એણે ચકળવકળ ફરવાનું નામ ન લીધું!

       આ જોઈ અવાચક થઈ ગયેલ આધેડ સ્ત્રી એ યુવાન માતાનાં કાનમાં મોઢું નાંખીને બોલી ઊઠી, “વાહ બેટા, જે કામ મારા આકરા વેણ ન કરી શક્યા, એ તારી એક મક્કમ નજરે કરી બતાવ્યું.”


@સોલી ફિટર

       


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ