વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘરાજાની ઉજાણી


(બાળગીત)


-હરિ પટેલ


ધરતી  માથે મીઠા જળની લ્હાણી !

મેઘરાજાએ કરી ઉજાણી !


વીજળીબેન તો 

ઝળહળ નાચે !

વાદળાં મહીં

શા વાજાં વાગે !

જ્યાં જુઓ ત્યાં પાણી ! પાણી !

મેઘરાજાએ કરી ઉજાણી !


શીતળ સૂ... સૂ...

વાયરા વાય,

ગમાણે બેઠી

ભાંભરે ગાય; 

ચકલી ને ખિસકોલી માળિયે ભરાણી !

મેઘરાજાએ કરી ઉજાણી !


મોરલા થનથન

નાચે જોને !

દેડકાં છાતી 

કાઢે  શોરે !

શોર ને કલશોરની ગુંજી બધે વાણી !

મેઘરાજાએ કરી ઉજાણી !


નાનાં-નાનાં છોરાં

ઘરને નેવે ન્હાય,

કરે  કૂદંકૂદા  ને

વર્ષાગીતો ગાય; 

કાગળની હોડીઓ કૈ’ ડૂબી ને કૈ’ તણાણી !

મેઘરાજાએ કરી ઉજાણી !


વાડીભૈ’ વાડીએ ચાલ્યા

ધોરિયા કેરી જોડ લઇ,

હસુબે’નનું હૈયું હરખે: 

હળોતરાનું ટાણું જોઇ !

સુવાસ મીઠી કંસારની ફળિયામાં ફેલાણી !

મેઘરાજાએ કરી ઉજાણી !

***

© Hari Patel 

58, Balaji Green Garden City,

Talod, Sabarkantha -383215

Mo. 9998237934  



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ