વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ અને મારો મૂંઝારો

(હાસ્ય-લેખ)


- હરિ પટેલ     


તે દિવસે એ ઓફિસેથી વહેલો ઘરે આવ્યો.

મને મૂંઝારો થયો- “ હાય ! હાય ! કોઇ દિવસ નહીં ને આજે કેમ વે’લો આવ્યો હશે ? ઓફિસમાં કોઇની જોડે ધાણી તો નહીં ફોડી હોય ? મૂઓ, છે પણ એવો ! જે પકડે એને મકોડાની જેમ મૂકતાંય ક્યાં આવડે છે !  હું એને ક્યાં ઓળખતી નથી ? પૂરા દસ વર્ષનો જાત અનુભવ છે !... (લગ્ન પછીના પાંચ વત્તા લગ્ન પહેલાંના પાંચ !) પેલી મેડમ બૉસ પાછી છે જ એવી ચિબાવળી ! રાંડ ! વાતવાતમાં એને ઉતારી પાડે છે. કદાચ એણે તો... એવુંય બને કે કોઇની પાસેથી લાંચ લેતાં પકડાયો પણ હોય ? એ આવ્યો ત્યારે શૂટકેશ કેવી ઘા કરીને છટાક કરતીક દૂરથી છૂટી ફેંકી'તી...! હું ય ગભરાઇ ગઇ’તી. કિલોસ્કર મશીનની જેમ ધ્રુજી ઊઠી'તી. થોડો એ.સી. નો વાયરો ખાઇને  ઠંડો થાય પછી મમરો મૂકું... અત્યારે તો હડકાયા કૂતરા જેવો લાગે છે ! હું કંઇ કહું ને મને ચોંટી પડે તો ? નકામું વાતનું વતેસર થાય ! અને એના બરાડા સાંભળીને સોસાયટીની રાંડો મફતનો તમાશો જોવા ટોળે વળે એ નફામાં ! તમાશાને થોડાં તેડાં હોય ! અરે ! હું તો એને પાણી દેવાનુંય ભૂલી ગઇ.” 


હું પાણી લેવા ગઇ. ટ્રેમાં બે ગ્લાસ લઇને આવી. ટ્રે એની સામે ધરી.


“કેમ બે ગ્લાસ ?”  એનું મોઢું ખુલ્લું થયું. 


મારા જીવમાં જીવ આવ્યો. થોડી હિંમત પણ...“ એકમાં પાણી છે ને બીજામાં શરબત છે.” મેં ઠાવકાઇથી કહ્યું.


“ ઓહ ! તું તો મારું સારું ધ્યાન રાખે છે ને કંઈ.” 


મારી હિંમત ઓર વધી: “ તે હોય જ ને. તમારા દુ:ખે દુ:ખી ને....” 


આગળ હું બોલું તે પહેલાં તો ગરમ તેલમાં પાણીના છાંટા પડે એમ એ મારી વાત કાપતાં વચ્ચે જ તમતમ્યો- “ હું ક્યારનો આવીને  અહીં ગુડાણો છું. હવે તને આ બધું સૂઝે છે ? મારી હાજરીની કોઇ નોંધ લેવાય છે ખરી આ ઘરમાં ? ” 


 મને થયું, સૂતરી બોમ્બ ફૂટે એ પહેલાં મારે મારા મનનો મૂંઝારો એની આગળ ઠાલવી દેવો જોઇએ. “ભૂલ થઇ ગઇ મારા નાથ ! પહેલાં પાણી તો પીવો... પછી મારા મનની વાત કરું.” મારા શબ્દોનું બાણ ધારી જગ્યાએ વાગ્યું હોય એમ એ પાણી અને શરબતના બંને ગ્લાસ વારાફરતી ઘટઘટાવી ગયો. 


“બોલ શું કહેવું છે, તારે ? જે કહેવું હોય એ ઝટ ભસી મર !” મારું છોડેલું તીર પાછું વળીને મારી છાતીમાં વાગ્યું ! એણે મને કૂતરી તોલે ગણી. ખૂબ ગુસ્સો આવ્યો. પણ ડહોળાયેલું વાતાવરણ જોતાં સમયને પારખીને મેં સામે ઘુરકિયાં કરવાનું ઉચિત ન માન્યું. ધીરેથી પૂંછડી પટપટાવી: “કહું... ? ” 


“ના... તારે નથી કહેવાનું, જે કહેવાનું છે એ મારે કહેવાનું છે. સાંભળ... અહીં મારી બાજુમાં બેસ.” હું બીકણ સસલીની જેમ એની બાજુમાં બેસી. મનમાં ડર હતો કે પકડશે તો...


“જો, આજે હું વહેલો ઓફિસેથી ઘરે આવ્યો છું. એનું કારણ જાણવું છે તારે...? આ શૂટકેશ ખોલ.” 


“શું છે એમાં ?” 


“સવાલો ના કર. સૂચનાઓનો અમલ કર.” મને પ્રશ્નપત્ર કંઇક અઘરું હોય એવું  લાગ્યું !

મેં શૂટકેશ ખોલી. તો એમાં તો 500 ની નોટોનાં બંડલો જ બંડલો.. ! હું તો અચંબામાં પડી ગઇ ! મને થયું, નક્કી મને જે મૂંઝારો હતો એજ થયું. લાંચના જ આ રૂપિયા છે. અઘરા પ્રશ્નપત્રના ફટાફટ ઉત્તરો મળવા લાગ્યા જાણે !


“ એમાં શું મૂઝાય છે, મારી વ્હાલી ! આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યો એમને ? કાન ખોલીને સાંભળ... નથી મેં લાંચ લીધી કે નથી મને મેડમે ધમકાવ્યો કે નથી હું...” 


“ હાય ! હાય ! તમને મારા મનના મૂઝારાની ક્યાંથી ખબર પડી ગઈ  ?” એમની વાતને અધવચ્ચે કાપતાં મારાથી બોલાઇ ગયું. પ્રશ્નપત્ર ફૂટી ગયું જાણે !


“ કેમ ખબર ના પડે. તને હું જાણું એટલું કોણ જાણે ? પૂરા દસ વર્ષનો સવેતન અનુભવ છે મને ! આ રૂપિયા તો મારા ત્રણ વર્ષના પેડિફરન્ટ (પગાર તફાવત) ના છે. જા મન ફાવે તેમ વાપર અને કર જલસા !” કહેતાં એણે મને પકડી પાડી.” પ્રશ્નપત્રનું સોલ્યુશન મળી ગયું જાણે !


“પણ પહેલાં એ તો કહો, તમે આવ્યા છો ત્યારથી રામાયણના એપિસોડની જેમ મને જકડી કેમ રાખી ?”


“એટલે જ મારી વ્હાલી, તારો આવો મૂંઝારો મને ખૂબ ગમે છે ! ” અઘરા પ્રશ્નપત્રનો હેતુ સ્પસ્ટ થયો જાણે ! 


–અને અમે બન્ને જોરજોરથી હસી પડ્યાં.. બધો મૂંઝારો શમી ગયો ! પ્રશ્નપત્રનું અણધાર્યું પરિણામ આવ્યું !

***

© Hari Patel 

58, Balaji Green Garden City,

Talod, Sabarkantha -383215

Mo. 9998237934    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ