વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનોખી

અમદાવાદના ઉચ્ચ-મધ્યમવર્ગી પરમાર પરિવારમાં દીકરી જન્મી ત્યારે ખુશીની લહેર દોડી ગઈ, કેમકે ત્રણ પેઢી બાદ લક્ષ્મી અવતર્યાં હતાં. જગદીશ પરમારને ચાર દીકરા અને એ ચાર પૈકી મોટા ત્રણને કુલ મળીને આઠ દીકરા હતા. જગદીશના સૌથી નાના દીકરાને ત્યાં પહેલું પારણું બંધાવાની ખબર પાકી થઈ કે તરત દીકરી અવતરે એ માટેની આશાઓ મંડાવા લાગી હતી. આખરે દીકરી જ આવી અને પરમાર પરિવાર જાણે કે હિલોળે ચઢ્યો. છઠ્ઠીને દિવસે સૌ સગાં-સબંધીને પ્રેમપૂર્વક જમાડવાનો જલસો ગોઠવ્યો. મિત્રો-પરિજનો સહિત સૌ અંબાજી દર્શને જઈ આવ્યા. સમાજમાં વાતો થઈ રહી. આમેય એક છત નીચે રહેતો એ સંયુક્ત પરિવાર એમના સમાજમાં ઉદાહરણરૂપ ગણાતો. ઘરમાં આનંદનો અવસર લાવનાર દીકરીને નામ અપાયું ‘અનોખી’.

આઠ ભાઈઓની લાડકી એકની એક બહેન એટલે હેઠે તો શેની મૂકાય! સ્કૂલ જતાં પહેલા અનોખી, સ્કૂલેથી આવ્યા પછી અનોખી. આખો દિવસ આ હાથેથી તે હાથે અને આ કમરેથી તે કમરે. અનોખી જાણે કે પરમાર પરિવારની સેલિબ્રિટી બની ગઈ.

જોતજોતામાં અનોખી દોઢ વર્ષની થઈ ગઈ. ડગમગ ડગમગ ચાલવા લાગી. ‘મમ...મમ...’ અને ‘નૂનૂ’ જેવા શબ્દો બોલવા લાગી. પણ પછી...

...પછી અનોખીનો શારીરિક વિકાસ અટકી ગયો. દોઢ વર્ષની અનોખી બે વર્ષની થયા બાદ પણ દેખાવમાં દોઢ વર્ષની જ રહી ત્યારે તેની મમ્મી શ્રદ્ધાને ચિંતા થવા લાગી. ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે, અમુક બાળકોમાં વિકાસ મોડો થતો હોય છે, એટલે બહુ ચિંતા ના કરવી.

પણ ત્રણ વર્ષ વિત્યે પણ અનોખીનો દેખાવ દોઢ વર્ષે હતો એવો જ રહ્યો ત્યારે સૌને મામલો ગંભીર લાગ્યો. એક પછી એક ડૉક્ટર્સ બદલાતા ગયા, દિલ્હી-મુંબઈ સુધી જઈ આવ્યા, પણ ફાયદો ના થયો. હોર્મોનના ઇન્જેક્શન્સ અને મોંઘી દવાઓ પણ કામ ન આવી. અનોખીના આખા શરીરને સ્કેન કરવામાં આવ્યું. અત્યાધુનિક મેડિકલ ઉપકરણોથી તેના આંતરિક અંગો તપાસાયાં. બધાં જ રિપોર્ટ નોર્મલ હતા. કોઈપણ પ્રકારની શારીરિક ક્ષતિ નહોતી પકડાતી. બાળક ડવાર્ફ(વામન) હશે એવી ભીતિ લાગતાં પરમાર પરિવારે દેરાં-દરગાહના પગથિયાં ઘસી નાંખ્યા, પણ અનોખી ન વધી તે ન જ વધી. નાનકડી બાળકી જાણે કે હઠ લઈને બેઠી હતી કે, જાવ, હું મોટી નહીં થાઉં!

સમય વિતતો ગયો તેમતેમ સમાજમાં અનોખી વિશે ચર્ચાઓ થવા લાગી, અફવાઓ ઉડવા લાગી. લોકો કહેતા કે, નક્કી આ કોઈ ભૂત-પ્રેતની માયા છે! ફલાણી દરગાહે અને ઢીકણા પીર-ફકીર પાસે લઈ જવાની સલાહો મળવા લાગી. લગભગ બધ્ધા જ ઉપાયો અજમાવી ચૂકેલો પરમાર પરિવાર એવી સલાહો અનુસરતો પણ ખરો. એ આશામાં કે ક્યાંક કોઈ ચમત્કાર થઈ જાય.

અનોખીમાં કોઈ કરતા કોઈ જ શારીરિક-માનસિક ખામી નહોતી. કાલુંઘેલું બોલે, ડગમગ ડગમગ ચાલે, ખાય-પીએ-સૂએ બધું નોર્મલ. બસ, તેનું શરીર વધતું અટકી ગયું હતું અને વાચા નહોતી ફૂટી.

શ્રદ્ધા અનોખીને લઈને સતત વ્યગ્ર રહેતી. એકાંતમાં દીકરીને ખોળામાં લઈ શ્રદ્ધા તેને પૂછતી, ‘તું મોટી કેમ નથી થતી, હં?’ જવાબમાં અનોખી નિર્દોષ હાસ્ય રેલાવી દેતી. નાનકડી અનોખી ઘણીવાર અપલક નયને તેની માને તાકી રહેતી, ત્યારે શ્રદ્ધાને લાગતું કે તેની નિર્દોષ આંખોની પાછળ કંઈક બીજું જ તત્ત્વ છુપાયેલું હતું. કોઈક દૈવી તત્ત્વ, કે પછી કોઈ આસુરી શક્તિ! એવા વિચારમાત્રથી શ્રદ્ધા કાંપી ઊઠતી. મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી ઊઠતી કે, હે ભગવાન! મારી દીકરીને સાજી કરી દે.      

સમય વિત્યે અનોખી મેડિકલ વર્લ્ડ માટે કોયડો બની ગઈ. પહેલા લોકલ અને પછી નેશનલ-ઇન્ટરનેશનલ મીડિયાએ તેની સ્ટોરી કવર કરી. દુનિયાના કોઈક ખૂણે તો અનોખીની સમસ્યાનો ઈલાજ હશે જ, એવી આશામાં પરમાર પરિવારે પણ તેને મીડિયાથી અળગી ન રાખી અને તેની સ્ટોરી ફેલાઈ એટલી ફેલાવા દીધી. ઇન્ટરનેટ પર વાયરલ બનેલી અનોખીની તસવીરો અને કહાનીએ જાતજાતની અફવાઓ જન્માવી. કોઈ કહેતું કે, એના પર શેતાનનો છાયો છે તો કોઈ એને સ્વર્ગની પરિ ગણાવતું. સાયન્સના હથિયાર જ્યારે હેઠા પડે ત્યારે માનવી આવા અગડમબગડમ તરંગતુક્કાઓ લગાવવા માંડે છે, એ ન્યાયે અનોખી બાબતે પણ અલૌકિક કલ્પનાઓ માઝા મૂકવા માંડી. જોકે, એ હકીકતને ઝૂઠલાવી શકાય એમ નહોતી કે અનોખીના કેસમાં કંઈક તો એવું ગૂઢ હતું જ જે પકડાતું નહોતું.

અમેરિકા-યુરોપથી નિષ્ણાત ડોક્ટર્સ આવીને અનોખીને જોઈ-તપાસી ગયા, પણ પરિણામ શૂન્ય જ રહ્યું! છેવટે અનોખીનો કેસ સમજવા અમેરિકન મેડિકલ એસોસિએશને તેને અમેરિકા તેડાવી. ત્યાં અનોખીની વધુ ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી. ન તો અનોખીના જેનેટિક બંધારણમાં કોઈ ખામી મળી કે ન તો તેના શરીરમાં કોઈ રહસ્યમય બીમારી પકડાઈ. ઇન ફેક્ટ, અનોખી ક્યારેય બીમાર થતી જ નહોતી. તેને ક્યારેય એકાદ છીંક પણ નહોતી આવતી. તેની ઈમ્યુનિટી સિસ્ટમ તેની ઉંમરના અન્ય બાળકો કરતાં ક્યાંય વધુ સ્ટ્રોંગ હતી.  

માતા-પિતા સાથે અમેરિકાના ફાઇવ સ્ટાર ઓબ્ઝર્વેશન સેન્ટરમાં રખાયેલી અનોખી પર નિષ્ણાત સાયકોલોજિસ્ટે એક અનોખો પ્રયોગ કર્યો. તેને એક રૂમમાં એકલી રમવા મૂકી અને પછી તેના પર ચાકૂથી હુમલો કરવાનો ડોળ કર્યો. અનોખીનું રિએક્શન રેકોર્ડ કરવા માટે એ રૂમમાં સીસીટીવી કેમેરા લગાડાયેલા હતા. સાયન્સના બધાં જ હથકંડા અનોખી સામે નિષ્ફળ ગયા હોવાથી સાયકોલોજિસ્ટે અનોખીમાં કોઈ શેતાની કે દૈવી તત્ત્વ હશે તો તે હુમલાનો પ્રતિકાર કરશે એ માન્યતાને આધારે છેલ્લા પ્રયત્નરૂપે એ પ્રયોગ કર્યો, પણ એમની ધારણા મુજબનું કંઈ થયું નહીં. અનોખીનો પ્રતિભાવ તો એ જ હતો જે એ સૌને આપતી રહેતીઃ નિર્દોષ સ્મિત. સાયકોલોજિસ્ટના હાથમાં રહેલું ધારદાર ચાકૂ અચાનક પોતાના ચહેરા તરફ ધસી આવતું જોઈને પણ એ મુસ્કુરાઈ ઊઠી.

અનોખીનો કિસ્સો એકમેવ હોવાથી તેને નિષ્ણાતોની દેખરેખ હેઠળ આજીવન અમેરિકામાં જ રાખવાની ઓફર આપવામાં આવી, પણ પરમાર પરિવાર એ માટે તૈયાર નહોતો. હશે, ભગવાનની મરજી... એમ વિચારી તેમણે મન મનાવ્યું અને અનોખીને અમદાવાદ તેડાવી લીધી.

અનોખીની જિંદગીમાં વર્ષો ઉમેરાતા ગયા પણ તેનું વર્તન બાળસહજ જ રહ્યું. ક્યારેક તે ધ્યાનપૂર્વક વડીલોની વાતો સાંભળી રહેતી તો ક્યારેક ટીવી જોવામાં તલ્લીન થઈ જતી. ફર્શ પર અખબાર ફેલાવી એના ઉપર બેસી જતી અને પછી એમાં છપાયેલી તસવીરો અને સમાચારોને કુતૂહલપૂર્વક તાકી રહેતી. જાણે કે એ બધું વાંચી-જોઈ-જાણી-સમજી ન રહી હોય..!

અનોખીની વાચા ખીલે એ માટે શિક્ષક રોકવામાં આવ્યા, પણ એ ફોગટ નીવડ્યું. ‘મમ્મા’ અને ‘દૂધૂ’ જેવા બેઝિક શબ્દો સિવાય તે કશું વિશેષ ન શીખી શકી. હા, તેની યાદશક્તિ મજબૂત હતી. તેને બતાવવામાં આવેલી ચીજો, પ્રાણીઓ, રંગો તે યાદ રાખી લેતી. તેની મગજશક્તિ ખીલે એ પ્રકારની અનેક રમતો તેને રમાડાતી અને તે હોંશે હોંશે રમતીય ખરી. તેને બહાર ફરવા લઈ જવાતી ત્યારે તે બધું વિસ્મયપૂર્વક તાકી રહેતી. રમવામાં અને હરવા-ફરવામાં તેને બહુ રસ હતો. રસ નહોતો તો બસ, મોટા થવામાં.

વર્ષો વીત્યા. દાયકાઓ વીત્યા. મા-બાપને ચિંતા થતી કે, અમારા પછી અમારી દીકરીનું કોણ? પોતે સાચવી છે એટલી કાળજીપૂર્વક તેના ભાઈભાંડુઓ તેને સાચવશે ખરાં? 

પરમાર પરિવારના વડીલો દેવલોક પામ્યા, શિશુઓ મોટા થઈ સંસારમાં પરોવાયા, પણ અનોખી ‘જૈસે થે’ જ રહી.

અનોખીને આજીવન જીવની જેમ સાચવનાર તેની મા મરણપથારીએ હતી ત્યારેય એને પોતાની દીકરીની ચિંતા કોરી ખાતી હતી. અનોખી બાદ જન્મેલા બંને દીકરા તદ્દન નોર્મલ જિંદગી જીવતા હતા. તેમની પાસે અનોખીનું ધ્યાન રાખવાનું વચન લઈ માએ આંખો મીંચી ત્યારેય અનોખી તો હસતી જ હતી. એ વર્ષ હતું ૨૦૬૬નું.

બે પેઢી સુધી તો વાંધો ન આવ્યો, પણ ત્રીજી પેઢીએ પરમાર પરિવારનું બંધન તૂટ્યું. વિખરાયેલા એક મોટા માળામાંથી સર્જાયેલા નાનાનાના ઘોસલાઓમાં હવે અનોખી માટે જગ્યા નહોતી બચી. અને આમ પણ એ કોઈ કાટ ખાઈ ગયેલો વૃદ્ધ જણ થોડો હતો કે કોઈને ખલેલ પહોંચાડ્યા વિના ઘરના એક ખૂણામાં ચૂપચાપ પડ્યો રહે. આ તો એક ચંચળ બાળક હતું, જે આખા ઘરમાં ઘૂમતું રહેતું, કિલ્લોલ કરતું રહેતું. તેના બાળોતિયાં બદલવા, તેને નવડાવવા-ધોવડાવવા-ખવડાવવા માટે એક વ્યક્તિએ સતત તેની સાથે રહેવું પડતું. પણ એવી ચાકરી સગી જનેતા સિવાય તો સૌને કઠે જ ને! એટલે અનોખી હવે આશ્ચર્ય મટીને બોજ લાગવા લાગી હતી.

પરમાર પરિવારોએ સરકારમાં ધા નાંખી કે તેઓ હવે અનોખીને ‘સાચવી’ શકે એમ નથી, એટલે ખુદ ભારત સરકારે આ અનોખી બાળાને દત્તક લઈ લીધી. અમદાવાદમાં જ એક સુવિધાપૂર્ણ ફ્લૅટમાં અનોખીને બે આયાની ચોવીસ કલાકની દેખરેખ હેઠળ રાખવામાં આવી. વર્ષ હતું ૨૧૨૯નું.  

સમય વહેતો ચાલ્યો. વખત જતાં બંને આયા પણ વૃદ્ધ થઈને નિવૃત થઈ ગઈ, એમને સ્થાને નવી આયા આવી ગઈ, સરકારોય મોસમની જેમ આવી ને ગઈ. એક ન બદલાઈ તો અનોખી.   

આનોખીના જન્મ્યાને ૧૫૦ વર્ષો બાદ પણ મીડિયા અને જનતા તરફથી અનોખીને મળતા એટેન્શનમાં કોઈ ઘટાડો ના થયો. દિવસમાં બે કલાક લોકો અનોખીને મળી શકે, એને જોઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. એ બહાને અનોખીને પણ નવા નવા લોકોને મળવાનું થતું, નાના નાના બાળકો સાથે રમવા મળતું.

સૈકાઓ વિત્યા. માનવજાતે એટલી તો પ્રગતિ કરી કે પૃથ્વી પર જાણે કે ટેક્નોલોજિકલ સ્વર્ગ ખડું થઈ ગયું. હવામાં ઊડતાં વાહનો, વાદળને ચીરતાં સ્કાયસ્ક્રેપર્સ, કાંડે બંધાયેલા નાનકડા ડિવાઇસમાં સમાયેલો જ્ઞાન ખજાનો, માનવીની તમામ સુખ-સગવડોનું ધ્યાન રાખતા રોબોટ્સની ફૌજ... અમદાવાદ પણ આધુનિકતાની ચરમસીમામાં નહાઈ રહ્યું હતું. બધું જ પરફેક્ટ હતું ત્યાં... 

...ત્યાં જ કાળ બનીને આવેલો એક લઘુગ્રહ પૃથ્વી પર ત્રાટક્યો. એટલો તો વિશાળ અને ઝડપી કે સાયન્સ એનો કોઈ તોડ કાઢી ન શક્યું. શરૂઆતમાં લાગ્યું હતું કે લઘુગ્રહ પૃથ્વીથી સલામત અંતરેથી પસાર થઈ જશે, પણ નજીક આવી એણે જાણે કે ચાલબાજી ખેલી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી આકર્ષાઈને એ પોતાના માર્ગમાંથી ફંટાયો અને પછી...

ધમ્‍...

વિયેટનામના દક્ષિણ છેડે લઘુગ્રહ ધડાકાભેર પટકાયો અને પળવારમાં પૃથ્વીને જાણે કે તમ્મર આવી ગયાં. આઘાત એટલો જબરજસ્ત હતો કે અબજો વર્ષોથી એક નિયત ભ્રમણકક્ષામાં સૂર્યની પ્રદક્ષિણા કરતી પૃથ્વી પોતાના માર્ગમાંથી ચલિત થઈ ગઈ, જેને લીધે ગણતરીની ક્ષણોમાં વિશ્વભરમાં ભયંકર વાવાઝોડાં ફરી વળ્યાં. ૧૩૦ કિલોમીટર વ્યાસના લઘુગ્રહની પછડાટથી અઢી કરોડ અણુ બોમ્બ એક સામટા ફાટ્યા હોય એટલી ભયંકર ઊર્જા પેદા થઈ. વિયેટનામના ૧૬ ગામડાં એ વિશાળ અવકાશી ગોળા નીચે ચગદાઈને ક્ષણાર્ધમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠાં. લઘુગ્રહનો અડધા ઉપરાંત હિસ્સો ધરતીના પેટાળમાં ખૂંપી ગયો. બાકીનો હિસ્સો માનવજાતની તબાહીનો સાક્ષી બનવા માટે ધરતીની સપાટી બહાર ડોકાતો રહ્યો.

ટક્કર બાદ સર્જાયેલા આઘાતના મોજાંએ વાતાવરણની હવા પર સખ્ખત દબાણ સર્જ્યું. એકાએક ગરમ થયેલી હવાનો સપાટો હજારો કિલોમીટર સુધી ફરી વળ્યો. હવામાં રહેલી ગરમીની માત્ર એટલી બધી હતી કે નજીકના ગામડા અને શહેરોમાં રહેતા લોકોના કપડાંએ આગ પકડી, મકાનોના અને વાહનોના કાચ ધડાકાભેર તૂટ્યા. વૃક્ષો મૂળસોતાં ઊખડીને હવામાં ફંગોળાયાં અને વિયેટનામના આખેઆખા જંગલો સાફ થઈ ગયાં.        

માંડ પાંચ-દસ સેકન્ડમાં ભજવાઈ ગયેલા આ વિનાશક ખેલ બાદ વિશ્વભરમાં ભૂકંપોની હારમાળા સર્જાઈ, જેણે માનવજાતે સર્જેલી અસીમ ભવ્યતાનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. દુનિયાભરમાં ભૂસપાટી પર ઊગી નીકળેલી હજારો ગગનચુંબી ઈમારતો ધરાશાયી થઈ ગઈ. ટેક્ટોનિક પ્લેટ્સમાં ભંગાણ સર્જાતાં ધરતીની છાતિ રીતસર ચીરાઈ ગઈ. ભૂસપાટી પર અચાનક જ સર્જાઈ ગયેલી વીસ-પચીસ ફીટ પહોળી તીરાડોમાં સેંકડો વાહનો-મકાનો-ઈન્સાનો ગરકાવ થઈ ગયા. ભૂકંપે જે બાકી રાખ્યું એ મહાસાગરોમાં ઊઠેલી સુનામીએ પૂરું કર્યું. અરબ સાગરમાં ઊઠેલાં ૨૦૦ ફીટ ઊંચા મોજાં મુંબઈ પર ફરી વળ્યાં અને જોતજોતામાં એ શહેર હતું ન હતું થઈ ગયું. ચેન્નઈ, હોંગ કોંગ, સીડની, ન્યૂ યોર્ક...  સમુદ્રકિનારે વસેલા પ્રત્યેક શહેરની એ જ દશા થઈ. બેફામ બનેલા દરિયાદેવે ધરતીને રસાતલ કરી નાંખી. હિમાલય જેવા હિમાલયે ઘૂંટણિયા ટેકવી દીધા. તેનો બરફ પીગળતા ઉત્તર ભારત અને ચીન જળમગ્ન બની ગયું. નેપાળ, તિબેટ અને બાંગ્લાદેશ તો જાણે કે ક્યારેય હતા જ નહીં એવા ઓઝલ થઈ ગયા. શ્રીલંકા સહિત તમામ ટાપુ દેશોએ જળસમાધિ લીધી.      

ધરતીના પેટાળમાં સર્જાયેલા આંદોલનોને પ્રતાપે સુષુપ્ત જ્વાળામુખી ગરજી ઊઠ્યા અને અકલ્પનિય માત્રામાં લાવા ઓકવા લાગ્યા. તેમના વિસ્ફોટથી વાતાવરણમાં ફેંકાયેલી રાખને લીધે પૃથ્વીએ કાળી ચાદર ઓઢી લીધી. સૂર્યનારાયણ લાંબી રજા પર ચાલ્યા ગયા. તબાહીનું આ ચેઇનરિએક્શન મહિનાઓ સુધી અટકવાનું નહોતું. અબજો લોકો ભૂખમરા અને રોગચાળામાં માર્યા જવાના હતા. ધરતી પર જીવન સંકેલાઈ જવાનું હતું.

સમંદરની કાળમુખી જળલહેરો અમદાવાદ સુધી તો નહોતી પહોંચી, પણ એક પછી એક આવતા ભૂકંપોએ આ શહેરને ખંડેરનુમા બનાવી દીધું. જ્યાં ને ત્યાં કાટમાળ પડેલો હતો. ઓળખી ન શકાય એ હદે વિકૃત થઈ ગયેલા મૃતદેહો રસ્તે રઝડી રહ્યા હતા, અને જે બચી ગયા હતા તે અસ્તિત્વ ટકાવવા માટે રીતસર ફાંફાં મારી રહ્યા હતા. સિલસિલાબંધ ભૂકંપોએ અમદાવાદની ભૂગોળ એટલી હદે બદલી નાંખી હતી કે વર્ષોથી અહીં રહેતો નાગરિક પણ જે તે સ્થળ ક્યાં હશે એનો અંદાજ નહોતો લગાવી શકતો. ત્રીસ કિલોમીટર લાંબી, ચાર કિલોમીટર પહોળી અને સોએક ફીટ ઊંડી મહા-તીરાડે અમદાવાદને વચ્ચોવચથી રીતસર ચીરી નાંખ્યું હતું..! કાળમુખી એ ફાટમાં ગરક થઈ ગયેલા હજારો મકાનો અને લાખો જીવોનો કોઈ હિસાબ નહોતો. 

અને અનોખી ક્યાં હતી? અનોખી સલામત હતી. શહેરની ભાગોળે જે બિલ્ડિંગમાં તે રહેતી હતી એની નજીક એક વિશાળ મેદાન હતું જ્યાં લોકો રમવા-ટહેલવા આવતા. લઘુગ્રહ ટકરાયો એ પહેલા અનોખીએ જાણે કોઈ દૈવી પૂર્વાભાસથી દોરવાઈને એ મેદાન તરફ જવાની જિદ પકડી હતી. તેની આયા તેને મેદાનમાં લઈ ગઈ, પણ રોજની જેમ મેદાનના ઘાસમાં રમવાને બદલે તે આકાશ તરફ તાકી રહી હતી. ધરતી પર ત્રાટકનારી મહામુસીબતને કદાચ તે પામી ગઈ હતી.

એ પછી તો ગણતરીની મિનિટોમાં બરબાદીનું તાંડવ ખેલાયું હતું. અનોખી સાથે તેની બંને આયા પણ બચી ગઈ હતી, પણ શું કરવું, ક્યાં જવું એની ગતાગમ ન પડતાં તેઓ મેદાનમાં જ બેસી રહ્યાં હતાં. બંને આયા સખ્ખત સહેમી ગઈ હતી, પણ અનોખીના ચહેરા પર તો ત્યારેય નિર્દોષ સ્મિત રમતું હતું. 

અમદાવાદનું આકાશ ધૂળમાં રગદોળાયું એને માંડ ચંદ મિનિટો વીતી હશે ત્યાં જ ધૂળની ચાદરને ચીરતો એક વિશાળ ધાતુમય ટુકડો નજરે ચડ્યો. સોએક મીટરની વ્યાસની એ તકતી હકીકતમાં એક અવકાશયાન હતું. અનોખી જે મેદાનમાં હતી એની બરાબર ઉપર આવીને સ્થિર થયેલા એ અવકાશયાનમાંથી બે રહસ્યમય ઓળા બહાર નીકળ્યા અને હવામાં તરતા તરતા નીચે આવ્યા. આકારવિહિન, રૂપરંગવિહોણા, આઠેક ફીટ ઊંચા એ ઓળાઓએ કંઈક એવી ગૂઢ સંમોહનવિદ્યા અજમાવી હતી કે મેદાનમાં હાજર સૌ માણસો પૂતળાંની જેમ ગતિહિન બની ગયાં હતાં.

અનોખી પાસે આવીને ઊભેલા એ ઓળાઓને બંને આયા બઘવાયેલી આંખે તાકી રહી. નર્સના હાથમાં રહેલી અનોખીને એ બાહ્યાવકાશી જીવો નિહાળી રહ્યા.

અનોખીએ હાથ લંબાવીને એક ઓળાને સ્પર્શવાની કોશિશ કરી, પણ તેનો નાજુક હાથ એ ધુમ્મસિયા ઓળાની આરપાર નીકળી ગયો. તેણે આનંદથી કિલકારી કરી અને એ સાથે જ પેલા ઓળા તેને લઈને અવકાશયાન તરફ ઊડી ગયા.

અવકાશયાનની અંદર એક અર્ધપારદર્શક મશીન પર બેઠેલા ઓળાએ સાંકેતિક ભાષામાં દૂર... ઘણે દૂર એક સંદેશ મોકલાવ્યો, જેનો અર્થ કંઈક આવો થતો હતોઃ મિશન પૂરું થયું. અમને અહીં પહોંચતા થોડું મોડું થયું, પણ એ અમારી પાસે સહિસલામત છે. અમે એને લઈને આવી રહ્યા છીએ. પહોંચતા હજુ ઘણો સમય લાગશે.    

કરોડો પ્રકાશવર્ષ દૂર આવેલા એમના ગ્રહ તરફ સંદેશો રવાના કરીને પેલા ઓળાએ યાનમાં કુતૂહલપૂર્વક ઘૂમી રહેલી અનોખી તરફ પ્રેમભરી નજરે જોયું. નાનકડી અનોખીના દિમાગમાં સેંકડો વર્ષોથી સંગ્રહાતો રહેલો માતબર ડેટા એમને હ્યુમન સાયકોલોજીનો અભ્યાસ કરવા માટે ખૂબ કામ લાગવાનો હતો. અનોખી માતાના ગર્ભમાં હતી ત્યારે જ એના મગજમાં રોપાયેલા એલિયન તત્ત્વે પોતાની ભૂમિકા બખૂબી નિભાવી હતી.

૨૩૬૩ના એ વર્ષમાં પૃથ્વી પર જીવન ખતમ થઈ ગયું, પણ અનોખીની અનોખી જિંદગી જારી રહી... ક્યાંક દૂર... કોઈ બીજી દુનિયામાં...                            

(સંપૂર્ણ)  કોપીરાઇટઃ © મયૂર પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ