વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્વામીજીના સાનિધ્યમાં

" સંતચરણે શ્રાવણ " 



               કોરોનાની અસરમાં સમગ્ર વિશ્વ આવી ગયું. લોકડાઉને જિંદગીની રફતારના શટર ડાઉન કરી નાખ્યા. હજું દિવાળી સુધી શાળા ખુલે એવી કોઈ આશા નહોતી એટલે, મને થયું કે ચાલો..શ્રાવણ દંતાલી આશ્રમમાં સ્વામી સચ્ચિદાનંદ બાપુના સાનિધ્યમાં વીતાવીએ.


         પહેલી વાત તો એ કે હું જીવનમાં કયારેય એ તરફ ગયો નહોતો..પણ,એટલી હામ હતી કે સ્વામીજી મારા વઢિયાર પ્રદેશના છે તો બીજો વાધો નહીં આવે.


   જોકે,એમાં મુખ્ય ભૂમિકા ભજવી બાસ્પાથી સોમભાઇ ચાવડાએ... એમનો જ આગ્રહ હતો કે મારે એક મહિનો ત્યાં રહેવું... સોમભાઇ સાથે સ્વામીજીના સંબંધ સારાં એટલે એમણે સ્વામીજી સાથે ફોનમાં વાત પણ કરી લીધી.


      સ્વામીજીએ સોમભાઇને પુછ્યું... જે છોકરો અહીં આશ્રમમાં રહેવા આવે છે એનાં ઘેર કોણ કોણ છે..? પરિણીત છે..? માથે બીજી કોઈ જવાબદારી નથી ને..? સેવા કરે એવો છે કે ખાલી વાતો કરે એવો.


    સોમભાઈએ જવાબ આપ્યો કે વાતો તો જબરી કરે છે પણ,સેવા ય કરશે..એકલો છે..મા બાપ ગામડે રહે છે.. એક સ્કુલમાં ગૃહપતી તરીકે નોકરી કરે છે. હાલ  રજાઓ છે એટલે એને મોકલું છું.


        સ્વામીજીએ સંમતિ આપી..સોમભાઈનો મારા પર ફોન આવ્યો કે સ્વામીજીને મે કહી દીધું છે કે શૈલેષ કાલે આવે છે. હવે જો સાભળ,સ્વામીજી સમયપાલન બાબતે ખુબ જ ચુસ્ત છે એટલે તું કહે તો હું સમયફેર કરાવું..


   મે કહ્યુ.. એક કામ કરો..પરમ  દિવસનું કહી દો..કેમ કે કાલે હું નીકળું તો અમદાવાદ રાત રોકાઇને સવારે દંતાલી જવા નીકળીશ.


     મારા મનમાં છટપટાહટ ચાલુ થઈ હતી. આ પહેલાં હું બે કે ત્રણ વખત સ્વામીજીને મળ્યો હતો.. જયારે તેઓ અમારા વઢિયારમા કોઈ શાળામાં લોકાર્પણ કરવા આવતાં.. આ સિવાય એમનાં પુસ્તકોએ મારા મગજનો ઘણો અંધકાર દુર કર્યો હતો... અલબત્ત, ગુજરાતની જનતાની માફક જ તેઓ એક ક્રાંતિકારી સંત છે એવી દઢ છાપ તો હોય જ...પણ,એમની ભીતરમાં બેઠેલાં ભકિતયોગની ખબર મને પાછળથી પડી..


     ખેર, હું બીજા દિવસે સવારે રાફુથી નીકળી પડ્યો.. બાસ્પા સોમભાઇના ઘેર ગયો.. સોમભાઈએ મને ચણા ,ગણપતરામબાપુના ભજનોની પુસ્તકો વગેરે આપ્યા..


       હું અમદાવાદ પહોચ્યો.. નરોડા રાત રોકાયો..વહેલી સવારે પુછ્યું.. પેટલાદ જવું તો કયાંથી જવાનું..? એમણે મને સી.ટી.એમથી વડોદરા એકસ્પ્રેસ હાઈવે પર રિક્ષામાં બેસાડી દીધો..આ રૂટ મારા માટે નવો હતો.. ત્યાંથી મને નડીઆદની બસ મળી.નડીઆદ થી પેટલાદની બસ મળી...


    પેટલાદ પહોંચ્યા એટલે દંતાલી આશ્રમ આવી ગયો સમજવું... પેટલાદ કોલેજ ચોકડીથી ફકત અડધા કિલોમીટરના અંતરે જ શ્રી ભકિતનિકેતન આશ્રમ આવેલો છે. દંતાલી ગામ થોડું દુર છે..એમ કહી શકાય કે આશ્રમ પેટલાદમા જ છે..



   ખેર, અહીં રિક્ષાવાળાએ મને નવો ધારીને છેતરી પણ લીધો..કોલેજ ચોકડીથી આશ્રમ અડધો કિલોમીટર દુર છે એની મને ખબર નહીં ને હું રિક્ષામાં ભાડું પુછ્યા વગર બેસી ગયો... હજુ તો મારા થેલા ઠીકઠીક કરું એ પહેલાં તો આશ્રમ આવી ગયો.. ભાડું પુછ્યું તો પેલો કહે..વીશ રૂપિયા.. હકીકતમાં દશ જ રૂપિયા ભાડું થાય પણ,ભુલ મારી હતી. હવે શું થાય..? 


   અમારા ગામડામાં એક કહેવત છે કે અજાણ્યો ને આધળો બેય સરખા કહેવાય..


..  .હું રિક્ષામાં થી હેઠો ઉતર્યો ને ભગવો ગેટ જોયો..શ્રી ભક્તિનિકેતન આશ્રમ.. દંતાલી.. શ્રી સ્વામી સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ... હું ખુશખુશાલ થઈ ગયો.


    મે આશ્રમમાં પગ મુક્યો.. એક તરફ રાધાકૃષ્ણનું સુંદર મંદિર... બીજી તરફ દવાખાનું.. ચોકમાં વચ્ચે જ છાશ કેન્દ્ર.. અનાથો માટે અન્નક્ષેત્ર... હું સીધો કાર્યાલય પર ગયો.. એ દરમિયાન ગેટથી છેવાડાની રૂમો સુધી લાઈનસર મુકાયેલા મહાપુરુષોના સ્ટેચ્યુઓએ મારુ મન મોહી લીધું..


     .મે ઓફિસમાં જઈને હરિ ઓમ કહ્યું.. ભણશાલીના પાપડ આપ્યા.. પેલા લોકોએ કહ્યું.. આની પાવતી લઈ લો...મે ના પાડી કહ્યું કે આ તો રસોડામાં જ આપી દેજો..


    મે પુછ્યું.. સ્વામીજી કયા મળશે..? 


  " સામે હોલમાં જ સુતા છે..જાઓ.." 


    હુ થેલા મુકીને હોલમાં ગયો.. બાજુમાં ચોપડા વિતરણ ચાલુ હતું ને સ્વામીજી પાટ પર આડા પડ્યા હતા... એ પણ કશું પાથર્યા વગર... ગરમી હતી પણ, પંખો ચાલુ નહોતો.. એ બને ત્યાં સુધી કુદરતી હવા જ લે છે.. એથી જ નેવું વર્ષે એમનું શરીર એકદમ તંદુરસ્ત છે.


  મે જઈને એમને પ્રણામ કર્યા..


  " કયાંથી આવો છો..? "


   " રાફુથી..." 


       તરત જ સ્વામીજી ઓળખી ગયા..


   " બરાબર.. બરાબર.. તમે શિક્ષક છો..? "


  " ના..ગૃહપતી છુ..હોસ્ટેલમાં "


  " ભલે..ભલે, તમે જમ્યા..? "


   " ના,બાકી છે.."


  " તો પહેલાં જમી લો..પછી આવો.."


      હું જમવા ગયો.. જમીને આવ્યા પછી સ્વામીજી સાથે વાતોએ વળગ્યો.. 


  મારા રાફુ ગામના સંત ગણપતરામબાપુની વાત કરી.. એમના ભજનોની પુસ્તિકા આપી..સ્વામીજી ખુબ જ રાજી થયાં... મને કહે..બહું સરસ ભજનો લખ્યા છે હો..


    એ પછી મને રહેવા માટે એક રૂમ આપ્યો... બીજા જ દિવસથી ઓફિસમાં કાચું નામું, રોજમેળ વગેરે કામો મને સોપી દીધાં..


    આશ્રમમાં 28 લોકો રહે છે.. એમાં મોટાભાગના વૃદ્ધો છે..નવાઈની વાત એ છે કે આવડુ મોટું ટ્રસ્ટ ચાલે છે પણ,કોઈ કર્મચારી નથી.. ભગવાન ભરોસે.. ઓફિસમાં જે લોકો બેસે છે તેઓ ફક્ત સેવા દેવા આવે છે... કોઈ ડોક્ટર છે્..કોઈ નિવૃત્ત બેન્ક મેનેજર છે...કોઇ બિઝનેસમેન છે..દંતાલી ગામનાં જીગ્નેશ પટેલ વગેરે યુવાનો તરવરાટથી સેવા કરે છે ને બાપુનો પડ્યો બોલ ઝીલે છે.


   રસોડામાં કાન્તામા,માનબા..એમ ત્રણેક બહેનો છે..જેઓ રસોઈ કરે છે.. રસોઈમાં બપોરે મિષ્ટાન્ન લાડું તો અચૂક હોય જ છે.. દુધપાક વગેરે પણ અવારનવાર બનતાં રહે છે..



      એ સૌ વૃદ્ધોમા એક ભટ્ટજી છે..જેઓ 19 લાડવા ઝાપટી જાય છે.. જમ્યા પછી સ્વામીજી રોજ પુછે છે..ભટ્ટજી, કેટલા રન કર્યા..?



   સ્વામીજી સૌની સાથે જ જમવા બેસે છે.. એમનાં માટે અલગ કોઈ જ વ્યવસ્થા નથી.. અહી કદાચ, તેઓ બીજા સાધુઓથી અલગ પડે છે..


   તેઓ આખો દિવસ બહાર હોલમાં બેઠાં રહે છે.. પોતાની પાસે પારલે બિસ્કીટનો થેલો તેમજ ચોકલેટનો ડબ્બો રાખે છે.. આવતા જતાં સૌ બાળકોને આ બધું આપ્યા કરે છે..


   આશ્રમમાં એક કુતરો પણ છે..એનું નામ સેવકરામ..રસોડામાંથી માનબાઈ બુમ પાડે...સેવકરામ, આવી જા..એટલે જમવા ટાણે પહોંચી જાય.. સેવકરામને હળવા થવું હોય તો પાછળ વાડીમાં પહોંચી જાય..આશ્રમમાં ગંદકી ન કરે.. મને વિચાર આવેલો કે કુતરો તો સમજી ગયો.. શું માણસ સમજશે..?



  આ માનબાઈ અમારા વઢિયારી.. એમનાં પતિ - ગૂરૂ તુલસીદાસ સાથે તેઓ અગિયાર વર્ષથી સ્વામીજીની સેવા કરે.. કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર એમણે પોતાનું સ્વામીજીના વચન પર સમર્પિત કરી દીધું... સ્વામીજીએ પોતાનું નવું પુસ્તક " આપણી બોધકથાઓ " માનબાઈને સમર્પિત કર્યું છે.. તમે આશ્રમમાં જાઓ તો માનબાઈના હાથના લાડું ખાવા અચૂક મળે..એમની નિષ્ઠાને વંદન..!


   આશ્રમમાં એક બીજું પણ વ્યકિત વિશેષ આકર્ષણ છે...સ્વામી આનંદ..




આનંદ સ્વામી...


 

             દંતાલી આશ્રમમાં આવો ને આ અલગારી આત્માને ન મળો તો અધુરું લાગે.. પોતાની આગવી મસ્તીમાં જીવતાં આનંદ સ્વામી વ્યવહારની ભૂમિકાએથી ખાસ્સું ઉપર ઉઠી ચુક્યા છે.સારી અને નરસી..અથવા તો કોઈપણ ઘટનાને સાક્ષીભાવે નિહાળે છે...આસપાસ બેઠેલા સૌને કહે...બહું મનોમંથન ના કરો..ફક્ત, આનંદ લો..


   

            આનંદ સ્વામી આનંદ વહેચવા માટે સર્જાયેલા આત્મા છે..તેઓ હાલતાં ચાલતાં ફરતાં કવિતાઓ બોલે છે.. એ પણ પ્રકૃતિ પ્રેમથી રંગાયેલી.... સહજ રીતે બોલી ઉઠે..


             " મારી સાથે ચાલો..."


          જગત પ્રત્યેનો એમનો દ્રષ્ટિકોણ સૌથી ભિન્ન છે...આમ તો નર્મદા કિનારે એમનો આશ્રમ.. ને, મા રેવાની ગોદમાં ખળખળ વહેતાં પાણી જેવું જીવન બન્યું પણ,એકવાર તેઓ દંતાલી આશ્રમમાં સ્વામીજીની મુલાકાતે આવ્યાં ને એ વખતે સ્વામીજીને ફ્રેકચર થયેલુ... આનંદ સ્વામીએ તન મનથી સ્વામીજીની સેવા કરી.. એ રીતે અહીં રહી ગયા.. પણ,હવે તેઓ જવા માંગે તોય સ્વામીજી જવા દેતાં નથી... જોકે,આનંદ સ્વામી માટે પૃથ્વી પરની કોઈપણ જગ્યા પારકી નથી..હમણાં આશ્રમની મુલાકાતે આવેલા જ્યોતીબેન આચાર્ય એ એમને પુછ્યું કે સ્વામીજી, આપનો આશ્રમ કઈ જગ્યાએ છે..?


        તો કહે..આ મારો જ આશ્રમ છે ને...હું જે જગ્યા પર બેસી જાઉં એ મારી.. નર્મદા તો સૌની છે ને..! કોઈ નર્મદા પર પોતાના અધિકારનો દાવો કરી શકે..? આ સકલ સંસારમાં જે છે એ સઘળું મારું છે ને છોડી દઉં તો કશું જ મારું નથી..


          મને કહે... કેટલીક વસ્તુઓ આપણાં હાથમાં નથી...ઘટનાઓ ઘટે તો એમાંથી પસાર થઇ જવાનું...ગમે તે પરિસ્થિતિમાં આનંદ મેળવી લેવો...



  હવે હું શરૂ કરી રહ્યો છું તારીખ વાઈઞ...મારી દિનચર્યા..



આજે તારીખ : 27/7/2020



આજે વઢિયારી લેખકડો વઢિયારી સંત પાસે..


                ભલે દેશ કે દુનિયા સ્વામી સચ્ચિદાનંદ બાપુને ક્રાંતિકારી સંન્યાસી તરીકે ઓળખે પણ,અમારો સેતૂ સૌથી અનોખો...એટલા માટે નહીં કે અમારી માટીમાં જન્મીને વીશ વર્ષ સુધી અમારા ગામડાઓમાં રહ્યા પણ,એમની વાતમાં અને કલમમાં વઢિયારી તીખારો વરતાય છે...


                 સ્વામીજી સાથેનો અતૂટ સેતૂ રચવામા મુખ્ય ભૂમિકા ભજવી...બાસ્પાથી સોમભાઇ ચાવડાએ..સ્વામીજી જયારે જયારે વઢિયારમા આવે ત્યારે સોમભાઇ અચૂક મને જાણ કરે... હું પહોંચી જાઉં.. એ પહેલાં તો એમનાં પુસ્તકોનો પ્રભાવ જીવન પર છવાઈ ગયેલો..

               


              અમારા રાફુ ગામના પૂજ્ય ગણપતરામબાપુની વાત સાભળી તેઓ એવાં તો રાજી થયાં કે ન પુછો વાત.. મે જયારે મણિરામબાના ભજનોની પુસ્તિકા એમને આપી ત્યારે તેઓ રસપૂર્વક વાચવા લાગ્યા.. મને કહે.. આવાં સંતો ખુણામાં રહીને ભક્તિ કરે છે એ સાચાં સંતો છે..પણ,લોકોને ભભકામા વધું રસ પડે છે.. આજકાલ સાધુઓને માર્કેટિંગ કરતાં આવડી ગયું છે.. દેખાડાનો બધે દબદબો છે..


          બટ,હું અહીં રોકાવાનો છું... દિવસો સુધી..


     .       વઢિયારનું અસ્સલ ઓજસ પામવા..


    


આજે તારીખ : 29/7/2020



વીશ વર્ષ વઢિયારમાં...


      

               હું દંતાલી આશ્રમમાં સ્ટેન્ડ થઈ ગયો છું.. વઢિયારી લેખક હોવાને નાતે એ સમજવાની કોશિશ કરી રહ્યો છું કે આખી દુનિયામાં " વીરતા પરમો ધર્મ " ની સિંહગર્જના કરનાર સ્વામીજી પાસે પોતાના મલકની મૂડી કેવી છે..? 


                જોકે, જન્મથી લઈ યુવાનીના ઉબરા સુધી જેઓએ વઢિયારી માટીમાં સંઘર્ષ કર્યો એ પુસ્તક " મારા પૂર્વાશ્રમના સંસ્મરણો " ની અંદર તેઓ ખુલ્લો એકરાર કરે છે કે આ પ્રસંગો લખતી વખતે હું ઘણીવાર રડી પડ્યો છું..


   

                જે સુકા મલકની પ્રસંશા માટે મારી કલમ રાત દિવસ એક કરે છે એ મલક સાથે વીર સંન્યાસી ગણાતાં સ્વામીજીનાં શૈશવની સંઘર્ષમય સ્મૃતિઓ સંકળાયેલી છે.ખુબ જ નાની ઉંમરે માતપિતાનું અવસાન ..ભુખ્યુ બચપણ.. કુવારદ,નાયકા, શંખેશ્વર વગેરે ગામોમાં રોટલાની તલાશ માટે ભટકતો એક બાળક.. રાધનપુરની નોકરી..અધૂરી ચાહતનો અભિશાપ.. પ્રેમભંગનો પ્રચંડ આઘાત..ચોતરફ વિટંબણાઓ વચ્ચે કોઈ અલૌકિક શક્તિનો સાથ...


          એ સિવાય પણ આજથી અડધી સદી પહેલાંનો વઢિયાર પ્રદેશ કેવો હતો એ સમજવા આ પુસ્તક ઉપકારક છે..ખેર, સ્વામીજી જે ધરતીમાં નાનામોટા થયાં એ જ ધરતીમાં ,એ જ ગામડાઓમાં હું ખુબ રખડ્યો છું...જે આઘાતની આરપાર નીકળી સ્વામી સચ્ચિદાનંદ તરીકે વિશ્વવિખ્યાત થયાં એ આઘાતને હું મારા અંતરાત્મા વડે સમજવાની કોશિશ કરી રહ્યો છું..


       સુર્ખરુ હોતાં હે ઈન્સાન,ઠોકરે ખાને કે બાદ..


        રંગ લાતી હે હીના, પથ્થરસે ઘીસ જાને કે બાદ..


                              ( મારા અનુભવો )




આજે તારીખ : 30/7/2020



  સ્વામીજી : શૈલેષ, હાથમાં હંમેશા શસ્ત્ર રાખવું


 હું : પણ,હું કોઈને નહીં પજવુ તો કોઈ મારી પર હુમલો નહીં કરે ને..


સ્વામીજી : બેટા, હરણાં કદી હુમલો નથી કરતાં.. તોય, હિંસક પ્રાણીઓ એને મારી નાખે છે.. આવાં હિંસકો સામે પ્રતિકાર કરવા માટે શસ્ત્ર રાખવું જ..


હું : પણ,ગાંધીજી કહે છે કે કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ ધરવો..


સ્વામીજી : આ વિચારધારાએ દેશનું સત્યાનાશ વાળી દીધું.. યુવાનોને નિર્માલ્ય બનાવ્યા ને ચીનના હાથે ભુડી રીતે હાર્યા.. ચાર મવાલી કોઈ દીકરીની છેડતી કરતાં હોય ત્યારે એની સામે છૂરી ઉગામીશ તોય એ ભાગી જશે..પાપ કાયર હોય છે..


 હું : મારા એક ચારણમિત્ર કાયમ ભેટમાં છૂરી રાખે છે.


 સ્વામીજી : એક એક યુવાન પાસે કાયદાકીય વેલીડ ગણાતાં શસ્ત્રો હોવા જોઈએ.. આપણાં ભગવાનો પણ શસ્ત્ર રાખતાં.. ટંકોરા વગાડવા બંધ કરો...ટંકાર કરો....



  આજે તારીખ : 2/8/2020




     આજનો દિવસ ખુબ જ વ્યસ્ત રહ્યો..


        આજે આશ્રમ તરફથી ગરીબોને 500 મણ બાજરીનુ વિતરણ કરવાનું હતું..આશ્રમના મુખ્ય દરવાજા સુધી લાબી કતાર જામી...સૌ યુવાનો, વડીલો આ સેવામાં જોડાયાં... બાસ્પાથી સોમભાઇ ગણપતરામબાપુની જીવનકથની નોટમાં લખી લાવ્યાં હતાં.સ્વામીજીએ એમની સાથે ખુબ વાતો કરી.


          જોકે, આશ્રમમાં જમતાં ગરીબો,અનાથોને જોઈ મે સ્વામીજીને પુછી લીધું હતું કે એક સદી પહેલાં વિવેકાનંદ આ વિચાર આપી ગયા હતા કે રોટી એ જ ધર્મ.. ભુખ્યાને ખવડાવો.. કોઈનું પેટ ઠારો..લગભગ મહાન સંતોએ આ જ વિચરધારા અપનાવી છે..આપ પણ એ જ કરો છો છતાં, ધાર્મિક જગત છપ્પન ભોગ,હવેલીઓ,સામૈયા વગેરેમાં કેટલો અધધધ પૈસો ખરચે છે..? શું એમને આવો માનવતાવાદી વિચાર નહીં આવતો હોય..? 


       સ્વામીજી : બેટા, એમાં આપણી બ્લૂપ્રિન્ટનો દોષ છે.


                  

                  આપણો બધો જ પૈસો મંદિરો,સોના ચાદીની મૂર્તિઓ પાછળ વપરાયો.. જૈનોનો બધો જ પૈસો દેરાસરો બાધવામા વપરાયો ને બૌધ્ધોનો પૈસો સ્તૂપોનું સર્જન કરવા પાછળ ખલાસ થયો.આપણી બ્લૂપ્રિન્ટમા જ આ વિચાર ન આવ્યો કેમ કે ધર્મના ઠેકેદારોને પોતાની સતા સાચવી રાખવી હતી એટલે, પ્રજાને ગુમરાહ કરાઈ... જે વખતે ભગવાનોને  છપ્પનભોગ ધરાવાતા હતાં.. એ વખતે લાખ્ખો ગરીબો ભૂખે મરતાં હતાં..એ વખતે ગઈ સદીમાં બે મહાપુરુષ પાક્યા..સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી.. જેમણે આ પૈસો માનવતા તરફ વાળ્યો..


     શૈલેષ, તું રાફુ કે આસપાસના ગામોમાં જે વૃદ્ધ લોકો હોય.. જેમનાં છોકરાઓ સીટીમાં રહેતાં હોય ને ઢળતી ઉમરે જાતે જમવાનું બનાવી શકતાં ન હોય.. એમનાં માટે રોટલાની વ્યવસ્થા કરજે...ઈશ્વર તારા તરફથી એક હજાર હવન માની લેશે..આ સાચો ધર્મ છે.


    હું બોલ્યો : સ્વામીજી, આ જ વાત મારો મિત્ર હેમભા પણ કરે છે.. અમે ઘણીવાર એવાં વૃદ્ધ લોકોની સ્થિતિ જોઈએ છીએ ને કમકમા આવે છે.. પણ,આ કામ ભગીરથ છે..એક દિવસ નહીં, રોજનું છે એટલે ઘણો વિચાર આવે છે.


     સ્વામીજી : જો બેટા, એકવાર મન દઈને તું આ કામ કરીશ તો  બાજરી વગેરેની વ્યવસ્થા આપોઆપ થઈ જશે..વૃદ્ધને શું જોઈએ..? કઢી,રોટલા, શાક...કયારેક મિષ્ટાન્ન આપવું


      હું : પણ, સ્વામીજી, તમે આપણાં વઢિયારને જાણો છો ને..એ ભુખે મરી જશે પણ ,આ રીતનો ધર્માદો નહીં ખાય..


   સ્વામીજી : તો બે પાચ રૂપિયા ચાર્જ રાખવાનો...અમે દુષ્કાળમાં સૂઈગામમા એ જ કરેલું.. એકવાર ચાલુ કરી દો..બીજું આપોઆપ થઈ જશે...


     કહીને મને સ્વામીજીએ પોતાના 1400 પ્રવચનોની પેનડ્રાઈવ આપી.." લે, આ રાફુમા સૌને સંભળાવજે.."




  આજે તારીખ : 3/8/2020




આજે રક્ષાબંધન હતી..સવારથી જ મગજમાં થોડો ખાલીપો હતો...હું દંતાલી આશ્રમમાં છું ને બધી જ બહેનો દુર દુર છે..ગીતા, ગુડ્ડી, મિતલ,હીના, શ્રધ્ધા, કપુ, દશુદીદી વગેરે બધી જ બહેનો સાથે ફોન પર યા વોટ્સએપ થ્રુ વાતો થઈ ખરી પણ,આ દિવસે રાખડી બંધાયા વગરનો હાથ કેવો લાગે..? પણ,જ્યારે તમે સંતના ચરણે હો છો ત્યારે મનોરથ આપોઆપ ફળે છે.


           સંધ્યા ઢળી ત્યારે સ્વામીજીએ મને બોલાવ્યો. સ્વામીજી અચાનક જ મને યાદ કરે છે.. શૈલેષ ક્યાં ગયો..? અહીં વસતાં સૌને સમજાતું નથી.સૌ મને કહે છે કે સ્વામીજી સાથે તારું કનેકશન ગજબ છે.સ્વામીજી સ્વભાવે થોડાં ગરમ બી ખરાં એટલે, સૌ એમનાથી એક અંતર રાખે.. કોઈ કામ હોય તો દુરથી પતાવે..આવે સમયે હું સ્વામીજી સાથે હસીને ઘણીબધી વાતો કરું એટલે સૌને નવાઈ લાગે છે. આ સેતૂને હું ઈશ્વરીય કૃપા સમજું છું.


            સ્વામીજીએ મને કહ્યું... મારા હાથમાં બાધેલી બધી રાખડીઓ છોડી દે...નજીક બેસ..


           હું રાખડીઓ છોડતો ગયો ને વાતો કરતો ગયો.


    " સ્વામીજી, બચપણમાં તમે કોની જોડે રાખડી બંધાવતા..? બહેન તો હતી નહીં.." 


          સ્વામીજી : અરે, અમને રાખડી કોણ બાધે..? ખાવાના ફાફા હતાં ત્યાં અમારી પાસેથી બીજું શું મળે..? શું જમાનો હતો એ...વઢિયાર તો પહેલેથી જ સુકો મલક...એ વખતે પણ સાધુઓના અખાડા હતાં પણ,માનવતાવાદી અપ્રોચ નહીં... મહંતો જલસા કરે પણ,કોઈને રોટલો ન આપે..


       હું : પણ, રાખડી બંધાવવાનુ મન તો થતું હશે ને...મુજપુરમા સૌ આ દિવસે રાખડી બંધાવી ફરતાં હશે ને.."


       સ્વામીજી : હું રાખડી બીજાં લોકોને બાધવા જતો..કાચાં ,રંગીન સુતરના તાતણા લઈ ગામમાં ને આજુબાજુ ફરતો...


      હું  : સ્વામીજી તમે વઢિયારમા હતાં ત્યારે ' જલન ' નામથી શેર લખતાં.... બહું સરસ સામાજિક સુધારાના શેર છે..


        સ્વામીજી : અરે, એ વખતે વિધવાના પુનઃ વિવાહ માટે પણ મે પત્રિકાઓ છપાવી તી...તો મારા ગામમાં એક વિધવાએ તો રીતસરનો ઞગડો કર્યો તો....મને કે..તું મારા બીજા લગન કરાવીશ એમ..? જોકે, હવે ઘણું સારું છે... નાની ઉંમરે જ મારી અંદર આ વૃત્તિ હતી..


        એક રાખડી છુટતી નહોતી એટલે, મે સ્વામીજીને પુછી લીધું... આને તોડી નાખું..? સ્વામીજીએ સંમતિ આપી.મે સાચવીને દોરો તોડ્યો.


              સ્વામીજીની ઉમર 90 વર્ષની થઈ છે...તેઓ ગરમીમાં પણ પંખાનો યુઞ નથી કરતાં. સવારે દશ વાગે ને સાજે પાંચ વાગે અમારા સૌની સાથે જમી લે છે. કોઈ વી.આઈ.પી ટ્રીટમેન્ટ નહીં..પગે સોજા રહે છે પણ,કયારેય કોઈ પાસે પગ દબાવતાં નથી..આજકાલ સાધુઓ પોતાની વૃધ્ધાવસ્થા સાચવવા શિષ્યો રાખે છે. સ્વામીજી પહેલેથીજ શિષ્યો બનાવવાનાં વિરોધી. મને કહે.. શૈલેષ, આ ગુરૂપ્રથાએ સમાજને અંધારામાં ધકેલી દીધો..કંઠીઓ પહેરવી...કાન ફુકવા.. એ પ્રથામાં ઘણાં વ્યભિચારીઓ પોતાનો સ્વાર્થ સાધી ગયા..દતાત્રેયની જેમ કોઈની પાસેથી નોલેજ મળે તો લેવું પણ,કયારેય ગુરુ ન કરવા.. કુવામાં હોય તો હવાડામા આવે ને..આપણાં શાસ્ત્રોમાં ગુરૂની પ્રથા જ નથી.. આપણાં વેદોમાં આચાર્ય શબ્દ વપરાયો છે...આચાર્ય દેવો ભવ.. જેની પાસેથી વિવેક શીખીએ.. પાછળથી ગુરૂના નામે ચરી ખાવાનો ધંધો શરૂ થયો..ગુરુ ઉપર સાખીઓ બની..ગુરુના અંગુઠા ધોઈ પીનારા મુર્ખાઓ પણ મળી ગયા...ગુરૂની તલાશમાં હું પોણા ભાગનું ભારત પગે ચાલીને ફર્યો છું.. હું ગુરૂપૂર્ણિમાના દિવસે જાણીજોઈને આશ્રમ છોડી દુર જતો રહું છું...આ પ્રથાનો વિરોધ કરવા જ.... આજ સુધી કોઈની પાસે પગ નથી દબાવાડ્યા એટલે કોઈની ગરજ નથી પડી..ઈશ્વર ઉપર વિશ્વાસ છે..ઢળતી ઉમરે પણ એ ચલાવે છે.. ધાર્યું હોત તો હજારો નહિ, લાખ્ખો શિષ્યોનું ટોળું ભેગું કરી શક્યો હોત.. પણ,મારે પ્રજા સામે સત્ય રજૂ કરવું હતું..ઘણાનો વિરોધ કરીને પણ એ સત્ય મે રજૂ કર્યું..


         બધી રાખડી છૂટી ગઈ એટલે સ્વામીજીએ એક રાખડી મને આપી.. સ્વામીજીના હાથની રાખડી મારા હાથમાં બંધાઈ ગઈ... હું ધન્ય થઈ ગયો.. જોકે, સ્વામીજી ભલે ચમત્કારને ન માનતાં હોય...પણ , હું આ રાખડીના સ્પર્શ વતી પાવન થયો ને પવિત્રતાની લ્હેર સમગ્ર અસ્તિત્વમાં ઓતપ્રોત થઈ ગઈ એવું મને લાગ્યું..


       મારી રક્ષાબંધન આવી રહી...




આજે તારીખ : 4/8/2020



નિસ્પૃહતા..


        આજે આશ્રમની ઓફિસમાં પુસ્તકો ગોઠવતો હતો ત્યાંજ સ્વામીજીનો ફોન આવ્યો.. હું દોડતો ગયો. સ્વામીજી મોટાભાગે તો મને એમનાં મોબાઈલ પર અમુક નંબર સેવ કરવા જ ફોન કરતાં હોય છે. એમની પાસે જઈને બેઠો એ જ વખતે મુજપુરથી કોઈનો ફોન આવ્યો.. 


                સ્વામીજીના નાના ભાઈ ચીમનલાલ ગુજરી ગયા..


        સ્વામીજીએ ચહેરા પર એકદમ શાંતિ સાથે ઉત્તર વાળ્યો.. હરિ ઓમ...હોય ભાઈ, હવે સંન્યાસ લીધાં પછી આવાં બંધનો રાખવાથી શું લાભ..?  


          પછી, મારી સામું જોઈને કહે... અમુક સંપ્રદાયના સાધુઓ સંન્યાસ લીધાં પછી પણ ઘરનાં બધાં વ્યવહાર સાચવે છે ને પરિવારમાં આવું કશું બને તો વેવલા ભકતો મોટી સભાઓ ભરે છે.. ફલાણા મહારાજનાં ફલાણા ગુજરી ગયાં.. અલ્યા મુર્ખાઓ... ઘરનો મોહ જ નોતો છૂટતો તો ભગવા શું કામ પેર્યા..? 


      આ બોલતી વખતે એમનાં ચહેરા પર જે સ્થિરતા હતી..એનું વર્ણન શ્રીમદભગવદગીતાના બીજાં અધ્યાયમાં થયું છે... રાગ,દ્વેષ, શોક,મોહથી મુક્ત એવાં મહાત્માને હું નતમસ્તક નમન કરી રહ્યો... ને, મનોમન ગંગાસતીનું ભજન યાદ આવી ગયું..


      "  હરખ ને શોકની જેને ...


                 આવે નહીં હેડકી....પાનબાઈ.."




આજે તારીખ : 6/8/2020




  આજે સ્વામીજી સાથે 1971 નાં યુદ્ધ વિશે ચર્ચા ચાલી...


             મેજર કુલદીપસિંહ ચાદપુરીનુ નામ બોલતાં જ સ્વામીજીનાં નેવું વર્ષીય ચહેરા પર જોસ્સો તરી આવ્યો. તેઓ કહે છે કે લોન્ગાવાલાનુ યુદ્ધ આપણે જીત્યા હોઈએ તો એ ફકત મેજર કુલદીપસિંહની મક્કમતાને લીધે.. બાકી, હાઈકમાન્ડનો ઓર્ડર હતો કે પીછેહઠ કરો..૧૨૦ સૈનિકો બે હજાર દુશ્મનોનો સામનો ન કરી શકે.

           સ્વામીજીએ પોતાના આશ્રમમાં મેજર કુલદીપસિંહનું સ્ટેચ્યૂ મુકી એમની સ્મૃતિ અમર કરી છે.


        મને કહ્યું... તું ગયો છે તનોટમાતા..?


         હું : ના, હું જેસલમેર ગયો છું.. આગળ નથી ગયો.


         સ્વામીજી : જજે, ત્યાંની આરતી ખુબ ભવ્ય છે..સૈનિકો તન્મય થઈ એ આરતીમાં ભાગ લે છે.. એક કલાક ચાલે છે.


        હું : એ ચમત્કાર જ કહેવાય ને કે પાકિસ્તાન આટલાં બધાં બોમ્બ ફેકે ને એકપણ ન ફુટે...


       સ્વામીજી : બિલકુલ, આઈમાનો ચમત્કાર કહેવાય..

        


            સૌ જાણે છે કે સ્વામીજી જયારે લોન્ગાવાલા સરહદે ગયા ત્યારે એમણે રેગીસ્તાનની ગરમીમાં બંકરોમા રહેતાં સૈનિકો માટે એરકુલર,સાયકલો તેમજ બીજી પુષ્કળ ચીજો ભેટ કરી હતી.. દેશનાં આ પ્રથમ સંન્યાસી હતાં જેમણે ફૌજીઓની આવી ચિંતા કરી હતી.. ખુદ જવાનો બોલી ઉઠ્યાં હતા કે અત્યાર સુધી અસંખ્ય મોટાં માણસો આવ્યા છે પણ,અમારી આવી ચિંતા કોઈએ કરી નથી.. 


           સ્વામીજીએ કહ્યું... એ યુદ્ધમાં આપણાં પરાક્રમની સાથે પાકિસ્તાની જનરલ મુસ્તુફાની મુર્ખામી માટે પણ યાદ રાખી શકાય.. એણે દોઢડહાપણ વાપરી દરેક ટેન્કની પાછળ પેટ્રોલનાં બેરલ લટકાવી દીધાં હતાં એ કારણથી સવારે સુરજ ઉગતાની સાથે જ જયારે ભારતીય હંટર વિમાનો છુટ્યા ત્યારે જે નિશાન ટેન્ક પર લાગે ત્યારે આખી ટેન્ક, દારૂગોળો વગેરે ખલાસ થઈ જાય... આમ,પોતાના જ પેટ્રોલથી પાકિસ્તાની ટેન્કો ભડભડ સળગવા લાગી...દુશ્મનોની 45 માંથી 37 ટેન્કો આપણે નષ્ટ કરી નાખી...જનરલ મુસ્તુફા પાકિસ્તાન સરકાર પાસે હવાઈ સહાય માગતો રહ્યો પણ,મદદ માટે કોઈ ન આવ્યું.. ઉપરથી નામોશીભરી હાર પછી મુસ્તુફાને બરતરફ કરાયો...


        પરંતુ, આડી એક આખી રાત હતી ને જો મેજર કુલદીપસિંહે મૃત્યુને ગળે લગાવવાની તૈયારી ન બતાવી હોત તો પાકિસ્તાન આરામથી લોન્ગાવાલા પોસ્ટ કબ્જે કરી લેત... ખુબ જ ચાલાકીથી આ શીખ સેનાપતિએ રસ્તા પર સુરંગો બિછાવી દીધી...જેથી,ટેન્કો અટકી ગઈ..એ પહેલાં પોતાના સૈનિકો આગળ એક લીટી દોરીને કહ્યું.. જેણે આ તરફ આવવું હોય એ આ તરફ આવે.. બાકીના પેલી તરફ જાય... પણ,આ તરફ આવેલા જો ભાગવાની કોશિશ કરશે તો હું એને ગોળી મારી દઈશ..પણ, સૌ સિંહ હતાં. માતૃભૂમિ કાજે શહીદ થવાનો થનગનાટ હૈયે રમતો હતો..


             મેજર કુલદીપસિંહને ગુરૂ ગોવિંદસિંહ યાદ આવ્યા... જેમણે કહ્યું હતું કે હું ચકલી સાથે બાજ લડાવીશ..મારો એક સૈનિક એક લાખ સામે લડશે..ને,આ એકસો વીસ સપૂતો આખી રાત બે હજાર દુશ્મનોનાં દાત ખાટાં કરતાં રહ્યા..


              આશ્રમમાં રાધાકૃષ્ણનું મંદિર છે.. એમાં ચોતરફ સ્થંભો પર શહીદીનાં સ્ટેચ્યૂ છે..મે આઝાદના સ્ટેચ્યૂ નીચે ફોટો પડાવ્યો.. સ્વામીજી કહે છે કે આવું બધું હું કરું છું તો અમારા સાધુસમાજને જ આચકો લાગે છે.. મોટાભાગે આપણે ત્યાં જે ગુરુઓ થયાં એમણે પ્રજાનું આવું ઘડતર જ ન કર્યું. ગુરૂ ગોવિંદસિંહ, સમર્થ રામદાસને બાદ કરીએ તો સૌ ગુરૂઓએ પલાઠી વાળવાનું કામ કર્યું.. અમારા સાધુઓની ઈમેજ પણ એવી જ...મગરની જેમ પડ્યા રહે.. જે કશું ના કરે એ લાખ્ખોમા પુજાય..આવાં પલાઠીવાળા પુજાતા રહ્યા.. દરેક સંપ્રદાય પોતાની થિયરી લોકોનાં દિમાગમાં ઠસાવવા મથે છે..એમને ઘેટાંઓ પણ મળી રહે છે..


       મે છેલ્લો કાઉન્ટર સવાલ કરી લીધો.. સ્વામીજી, ભારતમાં હજારો સંપ્રદાય છે.એમાં જે ક્યાય ન ચાલે એમનો પણ ધાર્મિક ધંધો ગુજરાતમાં ધમધમાટ ચાલે છે.. આપે કદી કોઈ સંપ્રદાય ઉભો નથી કર્યો કે નથી શિષ્ય બનાવ્યા... આપને પોતાના સંપ્રદાયમાં ખેચવા ઉપરથી મથામણ થાય છે...?


       સ્વામીજી :  અરે, ખુબ જ થાય છે.. આપણે ત્યાં ખુબ જાણીતા સંપ્રદાયનાં ગુરૂઓ મને આગ્રહ કરે છે કે તમારે સત્ય સમજવું હોય તો અમારી સાથે આવો...હું કહું છું કે તમે સમજી લો...મારું સત્ય મારા દેશનો સૈનિક છે.




  આજે તારીખ : 8/8/20



સ્વામીજી કહે છે કે જમવાનું સ્વાદિષ્ટ હોવું જોઇએ.. આજે એમની સાથે ભોજન વિશે રસપ્રદ ચર્ચા થઈ..


               સ્વામીજી 90 વર્ષની ઉંમરે પણ જાતે દાળનો તડકો લગાવે છે ને શરદી મટી જાય એવી તેજ,તમતમતી કઢી બનાવે છે.. દાળ એમનો પ્રિય ખોરાક છે..તેઓ અવારનવાર રસોડામાં જઈને દાળ બનાવે છે..


           આજે સાંજે સ્વામીજીનો સ્પર્શ પામેલ ખીચડીનો સ્વાદ લીધો.. નોર્મલી મને ખીચડી ભાવતી નથી પણ, આશ્રમમાં આવ્યા પછી રોજ ખાઉં છું. આફ્ટર ડિનર ભોજન વિશે મસ્ત સંવાદ થયો..


         સ્વામીજી : શૈલેષ, ખીચડી કઢી કેવાં લાગ્યાં..? 


          હું :  મે શાક ખીચડી લીધું.. 


        સ્વામીજી : અરે, કઢી ના ખાધી..? મે બનાવી તી..બહું સ્વાદિષ્ટ બની તી..જો બેટા, જમવાનું સ્વાદિષ્ટ હોવું જોઇએ..


            ગાંધીજીએ અગિયાર મહાવ્રતોમા અસ્વાદને સ્થાન આપ્યું છે.. મને એ યોગ્ય નથી લાગતું.ધાનનુ ધૂળ કરી થોડું ખાવાનું હોય.! અસ્વાદ એ વાત જ તરંગી છે..ને, વિનોબા તો ગાંધી કરતાંય સવાયા હતાં.એ બધાં અલગ અલગ પ્રયોગો કરતાં.. ને,દંભને પ્રોત્સાહન મળતું.


           હું :  એ તો મે પણ જોયું છે..ઘણાં લોકોને ખાવાની ઈચ્છા થાય પણ,દેખાડો કરવા સારું ખાય નહીં..એ લોકોમાં દંભ વધારે હોય એનું શું કારણ..?


           સ્વામીજી : એનું કારણ છે.. તમે કોઈપણ ચીજ કુદરત વિરોધી કરો એટલે આપોઆપ દંભ પેદા થશે..આ પેલો કુતરો બેઠો છે એણે દંભ કરવો પડે છે..? ના...કેમ..? એમાં દોષ આ બધાં લોકોનો નથી, થિયરીનો છે.


          એક ઉદાહરણ આપું.. આશ્રમમાં એકવાર એક સાધુ આવ્યા.. એ મારા મિત્ર જેવા હતાં એટલે, મારી આગળ નિખાલસ વાત કરતાં. હવે, એવામાં બે ત્રણ સ્ત્રીઓ આવી.. એમને જોઈને આ સાધુએ મોઢું ફેરવી લીધું.મે એમને પુછ્યું.. તમે નારી જોઈને મોઢું ફેરવી લીધું પણ,અંદરથી મોઢું ફર્યુ..? એ મારા મિત્ર જેવા હતાં એટલે ખુલ્લું કહી દીધું...સાચું કહું તો અંદર તો એ જ દેખાય છે.. આ તો દુનિયાને દેખાડવા દંભ કરવો પડે..


         હું : પણ, આવો દંભ કરવાની શું જરૂર..? 


         સ્વામીજી : હવે એમની દશા ધોબીના કુતરા જેવી હોય છે.. જો સીધાસાદા બનીને જીવે તો કોઈ માને નહીં.. એટલે, ખોટાં ચમત્કાર ,ચુસ્ત નિયમોની એક આભાસી જાળ રચવી પડે...મતલબ કે થિયરી જ એવી કે તમે જેટલું અકુદરતી જીવન જીવો એટલાં લોકપ્રિય બનો...


          આ બધાં તરંગો છે..આહાર હંમેશા પૌષ્ટિક લેવો ને તેજસ્વી જીવન જીવવું.. એકવાર, દંભને પનારે પડ્યા તો સહજ જીવન નહીં જીવી શકો..અરે, લોકો જ નહીં જીવવા દે..અસ્વાદ વગેરે તરંગી વાતોમાં ન ફસાવુ... ધરાતલ પર જીવવું..



આજે તારીખ : 17/8/20



આજે શ્રાવણનો છેલ્લો સોમવાર...


               આજે વૈધનાથ મહાદેવના દર્શન કર્યાં.. દંતાલી ગામમાં તળાવ કિનારે વસેલા આ શિવાલય સાથે સ્વામીજીના જીવનનો ટર્નિંગ પોઈન્ટ જડાયેલો છે.


                 મારા અનુભવો..પુસ્તકમાં જય વૈધનાથ કરીને એક આખું પ્રકરણ છે..આજથી પચાસેક વર્ષ પહેલાં જયારે ભકિતનિકેતન આશ્રમની સ્થાપના થઈ નહોતી ત્યારે સ્વામીજી પરિવ્રાજક હતાં. એમની ઈચ્છા હતી કે આશ્રમ બનાવવો..એ માટે એમની નજરમાં બે સ્થળ હતાં.


           (૧) વૃન્દાવન..કૃષ્ણનું આકર્ષણ.


            (૨) નર્મદા કિનારે.. મા રેવાનું મમત્વ..


    

      આ માટે તેઓ વૃન્દાવન, ચાદોદ બેય જગ્યાએ ગયાં.. ત્યાં એમને આશ્રમ માટે જગ્યા, પૈસા બધી જ સગવડ થઈ ગઈ..પણ,અંદરથી ઈશ્વર કશું બીજુ સુઝાડતો હતો ને કદાચ, દંતાલી ગામવાસીઓની પ્રબળ આસ્થા એમાં કામ કરી રહી હતી.. એટલે, સંવત 2025 ,મહા સુદ પાચમ ( વસંતપંચમી ) ના દિવસે એમણે તરભ શ્રી વાળુનાથજીના મહંત શ્રી બળદેવગીરીના શુભહસ્તે આ આશ્રમની સ્થાપના કરી. 


          ખેર,પણ એ પહેલાં શ્રી વૈધનાથ મહાદેવ સ્વામીજીનુ નિવાસસ્થાન બની રહ્યું.. એ વખતે શિવાલય ખંડેર હતું.. જીર્ણોદ્ધાર બાકી હતો ને સ્વામીજીએ સ્વયં થોડી સિમેન્ટ વગેરે લાવીને આ કામ શરુ કર્યું..રાત્રે મોડા સુધી તેઓ મજૂરોની સાથે કામ કરતાં.. ખોરાક એ વખતે સાદો..દાળ ને રોટલી..


       આજે તો આ સ્થળ ખુબ જ ડેવલપ થયું છે...આજે સ્વામીજી પણ દર્શન માટે ગયાં.. એમનાં જીવનની સરિતા પાછળ વૈધનાથ મહાદેવની ભક્તિનું સંગીત ખળખળ કરી રહ્યું છે... જય હો ભોલેનાથ..!




સ્વામીજી : મારી દ્રષ્ટિએ


       - શૈલેષ પંચાલ.


      આખો શ્રાવણ માસ મે દંતાલી આશ્રમમાં વીતાવ્યો.. આજે વિદાય લીધી. સ્વામીજીના આશિષ, પ્રસાદ સાથે આશ્રમની બહાર નીકળ્યો ત્યારે જીવનની પરમ ધન્યતાની પળોનુ સ્મરણ શ્વાસેશ્વાસમા થઈ રહ્યું હતું.


       થેન્કસ... કોરોના..!


  જો લોકડાઉન ન હોત તો હું આટલો લાબો સમય આ મહાત્માનો ચરણસ્પર્શ ન પામ્યો હોત એ પણ હકીકત છે ને એટલે જ આ વૈશ્વિક મહામારીનો આભાર માનવાનું મન થયું.


       

        ખેર, આશ્રમ જીવન વિશે કશું કહેવું નથી.. એ તો આપણી ભારતીય સંસ્કૃતિનો આધાર છે.. આશ્રમ માત્ર આશ્રયનુ જ સ્થળ નથી હોતું.. એ આપણને શ્રેયની નજીક લઈ જાય છે. પણ,મારે એ વાત નથી કરવી..


         મારે કહેવું છે કે મે સ્વામી વિવેકાનંદને જોયાં નથી પણ, એવી જ એક તેજસ્વી વિભૂતિને હાલતાં ચાલતાં નિહાળી છે.હું એમની પાસે બેઠો છું.. એમની સ્થિર વાણી સાભળી છે..નેવું વર્ષની વયે પણ એમની પાવરફુલ સ્મૃતિને મે અનુભવી છે..ને, હું ચકિત થયો છું.


   આ એક મહિના દરમિયાન એમની નિશ્રામાં રહીને જે સ્વામી સચ્ચિદાનંદ બાપુને મે ઓળખ્યા છે એની થોડી વાત કરવી છે.


       સ્વામીજીની દિનચર્યા આમ તો નોર્મલ હોય છે.. એક સામાન્ય માણસ જેવું સરળ અને સીધું જીવન.. દાળ અને રોટલી એમનો પ્રિય ખોરાક.. સવારે ઉઠીને અંધારામાં જ લખવા બેસી જાય છે.. હાલ તો આનંદ સ્વામી લખે છે ને તેઓ બોલે છે પણ,આખ ખુલે એટલે તરત જ લખવા બેસી જવાની એમની આદત છેલ્લા 50 વર્ષથી 125 પુસ્તકો લખ્યા પછી પણ અકબંધ છે.જાતે બ્રાહ્મણ છે ને પાછાં વઢિયારી છે એટલે એમનાં વ્યકિતત્વમાં રણનો તાપ વરતાય છે..એનાથી સૌ દાઝે છે..વ્યક્તિને પારખવાની એમની કોઠાસૂઝ ગજબની છે..લગભગ તો માણસનાં ચહેરા પરથી એ પામી જાય છે.. પણ,જયારે કોઈ વધું પડતું ગોળ ગોળ બોલી એમને સારું લગાડવાની કોશિશ કરે તો તેઓ દંભને તરત જ પકડી લે છે... અહીં, એક બીજી વાત પણ કહી દઉં.. સસ્તી પબ્લીસીટી કરતાં લોકોથી સ્વામીજીને સખત નફરત છે..એમાં આપણાં ફેસબુકીયા સાહિત્યકારો,કવિઓ, જાણીતા કથાકારો વગેરે બધાં આવી ગયા.ઘણાં કહેવાતા પ્લાસ્ટીકીયા સાહિત્યકારો સ્વામીજી સાથે પોતાની નજદીકી બતાવવાનો પ્રયાસ કરે છે એ નિતાન્ત હાસ્યાસ્પદ છે કેમ કે સ્વામીજી કોઈના નથી ને સૌનાં છે..એ ભીતરથી પરમેશ્વર પરત્વે અતિશય આસ્થાવાન છે પણ,આપણી મુરખ પ્રજાને કહેવાતા કથાકારો, સંપ્રદાયોથી બચાવવા કડવું સત્ય બોલે છે.


        વેલ, પણ આટલા દિવસોમાં મે એમને ભીતરથી સમજવાની કોશિશ કરી.. કેમ કે સ્વામીજીનુ ભીતર કોઈ ભેદી શકતું નથી.. એક કઠોર વ્યકિતત્વ આગળ જ સૌ નતમસ્તક થઇ જાય છે..


       પણ,એમનાં પુસ્તક " મારા પૂર્વાશ્રમના સંસ્મરણો " ની અંદર એમણે વર્ણવેલ પોતાની પ્રેમકથા પર જઈ વારંવાર મારું મન અટકી જતું..


       યાદ રહે... આ પુસ્તક લખાયું ત્યારે સ્વામીજી વિશ્વવિખ્યાત બની ચુક્યા હતા ને આમ પણ સંન્યાસી પોતાના પૂર્વજીવન વિશે ખુબ ઓછું બોલે છે.. આ બે વર્ષ ચાલેલા નયનથી નયનની ચાહતને એમણે ઉજાગર ન કરી હોત તો ન ચાલત..? આપણાં કહેવાતા મોટા માણસો પોતાનો ભૂતકાળ છુપાવે છે ને જો કોઈ ફણગો ફુટે તો એને દાટી દેવા લેણદેણ પણ કરે છે... પણ,સત્ય સિવાય કોઈની સતા નહીં સ્વીકારતાં સ્વામીજીએ જે કારણને લઈ તેઓ સંન્યાસ તરફ ધકેલાયા એનો જગજાહેર એકરાર કર્યો.. શા માટે..? 


     આ ખટકતો સવાલ લઈને હું એક દિવસ ઢળતી સંધ્યાએ એમની પાસે બેસી ગયો.. મને અંદરથી લાગતું હતું કે આ આઘાત સાથે મારી અંગત પીડાઓનો સંબંધ છે...


    આમ તો સ્વામીજી મારી સાથે વઢિયારની જે ધરતી પર એમણે પોતાનું બચપણ વિતાવ્યુ.. એ વિશે ખુબ વાતો કરે છે.. રાધનપુર, કુકરાણા વિશે પણ ઘણી રોમાંચક યાદો વાગોળે છે પણ,મારે જે સવાલ પુછવો હતો એ કઠીન હતો.


     એ મહાપુરુષની જિંદગી જેનાં લીધે બદલાઈ એ " ટર્નિંગ પોઈંટ " વિશે સવાલ કરવા મે હિમત કરી.. સંકોચ અને વિનય સાથે..


    એ વિશે હું લખતો નથી.. ખુબ લાબી ચર્ચા હતી પણ, સ્વામીજીનો શોર્ટ ઉતર આ પ્રમાણે હતો.


    " ભગવાનની મારા પર કૃપા જ કહેવાય કે હું એમાંથી બચી ગયો નહીં તો નરક જ હતું... હું જીવનભર આ માટે પેલા આઘાતનો આભારી રહીશ... કે એણે મને બચાવી લીધો..બાકી, હું સફળ થયો હોત તો કેવી જિંદગી હોત..? "


             મે પહેલાં જ કહ્યું તેમ સ્વામીજીને દંભથી સખત નફરત છે..મોટાઈ પરત્વે તો ધૃણા જ છે.. એમનાં પ્રબળ સેવક અને ખુબ જ મોટું નામ શકિતસિહ ચુડાસમા મારી સાથે બાજરીના કટા ઉપાડતા હતા ત્યા સુધી હું એમને ઓળખતો નહોતો... ગયા પછી ખબર પડી કે આ જ શકિતસિહ ચુડાસમા સાહેબ હતાં.. જેઓ સહજભાવે મારી સાથે કામ કરતાં હતા. .મે એમને પાછળથી ફોન કર્યો તો એ કહે... શૈલેષભાઇ, સ્વામીજીએ મને એક જ વાત શીખવી છે...રજ ની રજ..ની..રજ..ની રજ..ની રજ..ની રજ..ની રજ..બનીને રહેવું... બાપા સાત વખત રજ શબ્દ બોલ્યા ને મે એ ઝીલી લીધો..


      હું એમને મનોમન એમની નમ્રતાને વંદન કરી રહ્યો..ઘણાં લોકો સેવા કરીને પછી અહંકારને ચીપકી રહે છે.. સસ્તી પબ્લીસીટીની એક તક છોડતાં નથી... એમણે એકવાર આનંદ સ્વામીને મળવું જોઈએ જેઓ કહે છે કે ઘટના બને પણ,હુ એની અસરમાં જ ન આવું તો્.? જે થાય છે એ થયાં કરવાનું... ખરાબ તો છોડવાનું જ પણ,સારું કામ કરી લીધા પછી પણ એને ભૂલી જવાનું... કશું જ બન્યું જ નથી એમ..


        ખેર, સ્વામીજીએ ધાર્મિક જગતનાં મચ્છરો, માકડ ,વંદાઓ ઉપર જબરદસ્ત સાવરણી ફેરવી છે એટલે સૌ દોડાદોડ કરી ભાગવા લાગ્યા છે.. એમાં ઘણાં તો એવાં છે જેને આપણી ભોટ પ્રજા ભગવાન માને છે.. એમની આસપાસ ભક્તો, ચાહકોનું ટોળુ જીહજૂરી કરતું રહે છે..ભક્તોને લીધે વોટબેંક વધે છે એથી,નેતાઓ આસપાસ ઘુમરાતા રહે છે.. ધર્મ અને રાજકારણ બેયનો ધંધો ધમધોકાર ચાલે છે..


       આવે ટાણે એક સંન્યાસી કોઈપણ જાતની સુરક્ષા વગર નેવું વર્ષની ઉમરે આરામથી જાહેર હોલમાં ખુરશી પર બેસીને સૌને સત્ય બતાવવાની કોશિશ કરે છે.. પણ,આપણી સમસ્યા ખુબ મોટી છે..આપણે હંમેશા ડેકોરેશન પાછળ દોડનારા ઘેટાંઓ છીએ..ભભકો આપણને ભાવે છે..સાદગી એટલે સામાન્ય જ એવું હંમેશા નથી હોતું.. જો કે સાદગીનો દેખાડો પણ આપણા સમાજમાં થાય છે પણ,સ્વામીજી નિયમો લોકોને પ્રભાવિત કરવા નથી પાળતા... એ બહાર કાયમ પાટ ઉપર કશું પાથર્યા વગર જ આડા પડે છે.. પંખો નથી યુઞ કરતાં... ગુરૂપૂર્ણિમાના દિવસે જાણીજોઈને છેવાડાના ગામડામાં જતાં રહે છે જેથી,અંધશ્રદ્ધાને પ્રોત્સાહન ન મળે..પણ,આ બધુ કોઈને દેખાડવા નહીં પણ,પોતે જે સત્યને માને છે એને આચારમાં ઉતારવાની એમની નિષ્ઠા એમાં કારણભૂત છે..


     છેલ્લે, વિદાય વખતે એમણે મને એક જ સલાહ આપી..


     " વૃદ્ધ લોકોની સારસંભાળ લેતો રહેજે..કોઈ બોખા ચહેરા એકપણ સ્મિત લાવી શકીશ તો કોઈ ધર્મની જરૂર નથી.."


    નોધ : બસમાં બેઠો બેઠો આ લખી રહ્યો છું.. બારીએથી બહાર નજર નાખું છું તો ચરોતરની લીલોતરી ઉપર વરસાદ ખાબકી રહ્યો છે...ઠંડો,મીઠો,સુગંધી પવન મન નચાવે છે..આજે સ્વામીજીએ મારા માટે થઈ રસોડામાં જલ્દી જમવાનું બનાવડાવ્યું ને સાડા નવ વાગ્યે મને જમવા બેસાડી દીધો..માનબાના હાથનાં બે લાડવાનું ઘેન મને ચઢી રહ્યું છે ને હું સૂઈ જાઉં તો કેવું..?  પેટલાદ ટુ પાટણ..



       આ સિવાય થોડી વાતચીત જે મે ટપકાવી હતી ને એમાં પુનરાવર્તન થાય તો માફી ચાહું છું..





આજે તારીખ 30/7/20


   આજે બપોર પછી સ્વામી સચ્ચિદાનંદ બાપુ પાસે ખાસ્સું બેઠો. બાપુએ હૈયું ખોલી દીધું.


 બેય વઢિયારી વાતે વળગ્યા..


   મે બાપુને એમની પ્રેમકથા વિશે પુછ્યું.. સંકોચ સહ..બાપુએ મસ્ત જવાબો આપ્યા. કહે, ભગવાન કેવો દયાળુ છે જેને મને એ આઘાત આપ્યો નહીં તો હું કયાં હોત..? એ પ્રેમ સફળ રહ્યો હોત તો કેવો અંધકારમાં જીવતો હોત..? 



  મે કહ્યુ.. બાપુ,તમને એ આઘાત ન મળ્યો હોત તો અમે પણ,હજારો ,લાખ્ખો લોકો અંધકારમાં જ જીવતાં હોત..


  મે પુછ્યું ..બાપુ, મારા પપ્પા કડિયાકામ કરે છે.. તમે પણ કર્યું હતું.?


 હા,એક દિવસ કર્યું હતું.. શું દિવસો હતાં એ...એ વખતનું વઢિયાર અલગ હતું..


   હું : મુજપુરમા જે ચપ્પુ વેચે એ અમારા વેવાઈ થાય..


સ્વામીજી : હા,મને જેટલી વાર જાઉં એટલીવાર વીસેક ચપ્પુ આપે...


  ઠીક..હવે બિચારા માંડ રોટલો રળી ખાય..એવાં કયાં વેચાય છે..? આ જ ચીજ જો અમેરિકામાં હોય તો બ્રાન્ડ બની જાય... આપણી પ્રજા પાસે માર્કેટિંગનો અભાવ એટલે ક્રિયેટીવીટી ઉકરડામા દટાતી ગઇ..


    એવામાં એક મુસલમાન ભાઈ આવી બેઠાં.. સ્વામીજીએ કમેન્ટ કરી... બકરા ઈદનો બકરો નથી કાપવો..? 


  મને કહે.. બકરો કાપવા પાછળ પણ વ્યવસ્થા છે..અરબસ્તાનમાં બકરી જેટલા જ બકરાં પણ થાય.. હવે, સો બકરી હોય તો એની વચ્ચે એક કે બે બકરા બહું થઈ પડે...વધારાના ભાર ઉપાડવા એનાં કરતાં કાપી નાખવા સારા..



  હું યુગાન્ડા ગયેલો. ત્યાં દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું કતલખાનુ જોયેલું.. જેમાં, 35000 ગાયો રોજની કતલ થાય.. આપણાં ચાર પાંચ ગુજરાતી પણ ગાયો કાપવાના છરા લઈ ઉભેલ.. મને જોઈને બુમો પાડવા લાગ્યા... બાપુ આયા... બાપુ આયા..


  મે કહ્યુ.. અલા,તમે અહીં શું કરો છો..? તો કહે, બાપુ, બીજો કોઈ ધંધો ન મળે પણ,અહીં કોઈ દી મંદી ના આવે... કાયમ કામ મળી રે..


    ગાયને કતલખાનામાં દાખલ કરે..પછી,બે ટ્રેન થયેલ કુતરા ભસે એટલે ગાય આગળ વધે..એક ભાઈ બંદૂક લઈ ઉભો હોય.. એ ગાયનાં મગજ ઉપર એવી ગોળી મારે કે ગાયની સંવેદનશકિત ખતમ થઇ જાય.. પછી,આખી ચેનલ પર ગાર ફરે...ફરતે બધાં છૂરા લઈ ઉભાં હોય... કોઈ પૂછડું કાપે..કોઈ ગળું કાપે..કોઈ પગ..એ રીતે કપાય પણ,કયાય લોહી નહીં.. એકદમ ચોખ્ખી ફર્શ હોય..જો માસનો ટુકડો નીચે પડી જાય તો એને ઉપયોગમાં ન લે..



હા,એકવાર આપણાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આવ્યા ત્યારે હું બિલકુલ એમની પાછળ જ ઉભો હતો.


એ દિવસે પંદરમી ઓગસ્ટ હતી



આજે સ્વાતંત્ર્ય દિવસે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે દંતાલી આશ્રમમાં સ્વામીજીના આશિર્વાદ લીધાં. 


           ચા પાણી સાથે ખાસ્સી વાતો થઈ..   


કોઈપણ સરકારી અધિકારીનું  કે મંત્રીનું  વિશેષ  બહુમાન,  સ્વાગત, કે  વિશેષ આસાન નથી મુકતા.  બધાની જેમ જ સહજ રીતે આવો. બસ  !  


             સ્વામીજીએ કહ્યું...તમે સરદાર પટેલ સાહેબનું જે સ્ટેચ્યુ બનાવ્યું એ બરાબર નથી બનાવ્યું..ચરોતરનો પાટીદાર આવો ન હોય.. સરદારને વધુ પડતાં ગામડીયા બતાવવા આવું થયુ છે પણ,ઝભ્ભામા આટલી બધી કરચલીઓ ન હોવી જોઇએ.. સરદાર તો ઈસ્ત્રીદાર ઝભ્ભો પહેરતાં.સ્ટેચ્યૂ બનાવતી વખતે હંમેશા સારામાં સારો ફોટો હોય એનાં પરથી ડિઝાઇન તૈયાર થવી જોઇએ..


             સૌ જાણે છે કે સ્ટેચ્યૂ ઓફ યુનીટીનો વિચાર સ્વામીજીનો હતો.. તેઓ આ પ્રોજેકટ પણ ઘડી રહ્યા હતાં પરંતુ, નરેન્દ્ર મોદીને આ વાતની જાણ થઈ એટલે એમણે સ્વામીજીના આશિષ સાથે આ ભાર પોતાના ખભે લઈ લીધો ને એ પ્રોજેકટ સમગ્ર રાષ્ટ્રનો બની ગયો.


       લોકડાઉન પહેલાં જ સ્વામીજી નર્મદા પરિક્રમા પર ગયેલા.. એ પુસ્તકમાં એમણે પોતાની આ વ્યથા રજૂ કરી છે. સાચાં સંતનો સ્વભાવ સત્યથી ઓતપ્રોત હોય છે.. એ મીઠી મીઠી વાત નથી કરી શકતાં.. જે સત્ય લાગે એ બોલ્યા વગર રહી નથી શકતાં. 


           શ્રી ચુડાસમા સાહેબે પણ ખુબ જ પ્રણિપાતપૂર્વક સ્વામીજીની વાતોને આદર આપ્યો..ગરીબો માટે અનાજ વગેરેની વ્યવસ્થા અંગે વાતો થઈ ..હું પાછળ ઉભો ઉભો વિચાર કરી રહ્યો હતો કે માત્ર ઈશ્વર સિવાય કોઈની પણ સતા નહીં સ્વીકારતાં આ મહાત્માની ભીતરનુ તેજ કેવું અલૌકિક હશે.!



   મારી દ્રષ્ટિએ આશ્રમની મુલાકાત, નિવાસ અલૌકિક બની રહ્યા...



 અંગત જીવનમાં ઘણો જ સંઘર્ષ ચાલુ છે એ ટાણે મને આશ્રમમાં અપૂર્વ શાંતિ મળી..ને,જીવનમાં જેની તલાશ હતી... એવાં બેસ્ટ ફ્રેન્ડની પ્રાપ્તિ પણ આશ્રમની સેવા વતી જ પામ્યો એવું હુ સ્પષ્ટ માનું છું...



   વંદન..!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ