વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અવનવા કોડ

 અવનવા કોડ


વરસાદની ભેળાભેળ વહેતા વાયુના  સૂસવાટા સાંભળીને

મારા નાકનેય ઉપડ્યાં છણછણ છીંકવાના કોડ!



વરસાદની હારોહાર વરસવાની જાણે બકી હોય ના હોડ,

એમ મારી આંખડીનેય થયાં ટપક ટપક ટપકવાના કોડ!



વાદળના ગડગડાટના ગરજતા ખોંખારા સાંભળીને,

મારા ગળાનેય ઉપડ્યા ખોં ખોં ખાંસી ખાવાના કોડ!



માટીની ભીની ભીની માદક સોડમના ઊડે ફૂવારા,

ઈર્ષાથી બોટલબંધ બામનેય જાગ્યા ફોરવાના કોડ!



ધરા શરમાઈ રહી ઝીલી મેહુલિયાનો અનરાધાર પ્યાર!

એની પ્રણયલીલાથી કોળ્યા પિયુને મળવાના અંતરે કોડ. 



ઓ નિર્લજ્જ મેઘા! આમ સરેઆમ છેડછાડ કાં કરે તું પ્રિયાની?

મારે દિલે થાય કેવો સળવળાટ! શું કરું ફૂટે અંકુરવાના કોડ!



અસ્ખલિત વરસે નેહધારા ને પૃથાએ ઉમડ્યાં પૂર,

ઉરોજે ઊછળતાં ઉદધિને કમખાની કસે કેદ કરવાનાં કોડ!



હાસ્યની આદિથી હેતની હેલીએ કરું હું કાવ્યનો અંત.

કાવ્યના કસબીને કંઠે આ 'નૂતન' આસ્વાદ કરાવવાના કોડ!


:- નૂતન તુષાર કોઠારી 'નીલ'

 - વાપી












ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ