વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બારે મેઘે લજાયાં ખંજન

બારે મેઘે લજાયાં ખંજન


ઘેરાં વાદળછાયું છે ગગન ગગન,

આંખે અંજાયું સપ્તરંગી સપન સપન.


ફરફર સમ ગુલાબી યાદે  હૈયું ફરકે,

રોમેરોમ લાગી ગઈ અગન અગન.


મીઠી સ્પર્શસ્મૃતિ રોમાંચિત કરે,

છાંટે છાંટે વરસે રે, નયન નયન!


"અરે! ઊભો રે' ને રોયા મેહુલિયા!

શાને આટલો ગાજે તું ઘનન ઘનન?"


ટપકે ફોરાં, રહી ગ્યાં અંતર કોરાં,

તનમાં વીજ છેડી રહી કંપન કંપન. 


જો ને, કરાધાર પીડે વિરહી મનને, 

પછેડીવાનો ઘા થાયે ખનન ખનન!


સનમ આવી ભરે ગાઢ પ્રેમપાશે,

મીઠી નેવાંધારે ભીંજે ગવન ગવન!


મોલમેહ ઝળુંબ્યો, મધુરજનીએ,

અનરાધારે વરસ્યો મદન મદન!


મૂશળધારે વિંધાતી, વિહ્વળ ધરતી,  

ઢેફાંભાંગધારે ખીલ્યું ચમન ચમન.


પ્રણયે પાણમે' ઊંડે ઊતરી ગયો,

ખનકે ખનક ખનક કામી કંગન કંગન.


'નૂતન' હેલી અવિરત વરસત વરસત,

બારે મેઘે લજાયાં જો ખંજન ખંજન!


:- નૂતન તુષાર કોઠારી 'નીલ'

 - વાપી











ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ