વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાનેતરનો રંગ

' પાનેતરનો રંગ : લાડકીની વ્યથા'


 લેખન : શૈલેષ પંચાલ.



             હેતલે વિદાય લીધી.કોમલ સૌની સામે રડી નહોતી. એ હિંમતથી હેતલને આશ્વાસન આપતી રહી. હેતલ ચાલી ગયા પછી એની આંખમાં આંસુ ફૂટ્યાં.


    " એય કોમી, રડ નહીં...હવે રડશે મંડપવાળા ને કેટરસવાળા." હેતલના ભાઈ પરાગે કોમલના ગાલે ટપલી મારી.


  સહેલીની વિદાયના વિષાદમાં ઘેરાયેલી કોમલને પરાગનો કોમીક ટોન્ટ સમજવામાં વાર લાગી. પછી સમજાયું કે હજુ સૌને ભાડું ચૂકવવાનું બાકી છે એ યાદ આવતાં જ એના ચહેરા પર સ્મિત આવ્યું. પરાગ હમેશાં આવું જ બોલે છે. એના દ્વિઅર્થી વાક્યો સમજવામાં કોમલને કાયમ તકલીફ પડે છે.


     કોમલ ખૂબ જ સ્ટ્રોંગ છે.એ કદી ઈમોશનલ નથી થતી.આજે પણ અંદરથી એ ખુશ જ હતી.છેલ્લા બે વર્ષના લાંબા સંઘર્ષ પછી આખરે હેતલને એનો જીવનસાથી મળ્યો હતો. હેતલ એની ખાસ બહેનપણી. બે શરીર, એક આત્મા જેવો ઘાટ જોઈ લો જાણે. હેતલ આમ તો ખૂબ જ દેખાવડી.બોલવામાં પણ હોશિયાર પણ દિલની ભોળી.આ ભોળપણનો ફાયદો ઉઠાવ્યો એક છોકરાએ. હેતલને મીઠી મીઠી વાતોમાં ફસાવીને સગાઈ પણ કરી લીધી..હેતલ સાથે ઘણી જગ્યાએ હરીફરી લીધું..ને જયારે ઘરમાં એ છોકરાના અપલખણની ખબર પડી ત્યારે હેતલના પપ્પાએ સગાઈ તોડી નાખી પણ એ પછી સમસ્યા વકરી હતી.



   હેતલ એ છોકરા સાથે ઘણીબધી જગ્યાએ ફરવા ગઈ હતી..એથી, સમાજમાં બધે એની બદનામી થઈ. હેતલનો એમાં કોઈ જ વાંક નહોતો. આમ છતાં એણે ચૂપચાપ બધું સહન કર્યું.


   એવાં સમયે હેતલની જિંદગીમાં નીરવ આવ્યો. નીરવ એકદમ શાલીન યુવક.બહુ ઓછું બોલે પણ હેતલની દરેક વાતને પચાવી જાણે. ઘરમાં વાત ચાલી.


     નીરવના પપ્પાને સરકારી નોકરી હતી. રહેવા માટે ગર્વમેન્ટ કવાર્ટર હતું. તેઓ બે વાર હેતલના ઘેર આવી ગયાં ને હેતલના પપ્પાને વિશ્વાસ અપાવ્યો...'ચિંતા ન કરો. તમારી દીકરી એ અમારી દીકરી જ છે.'



     હેતલનુ મન પણ નીરવ સાથે ભળી ગયું. વ્યવહાર વિશે વાત થઈ તો હેતલ માટે સોનાનો સેટ, બુટ્ટી,નથણી જેવા મોંઘા ઘરેણાં આપવાની તૈયારી બતાવી. એ બધું પહેરીને હેતલ ચોરીમાં બેસશે.નીરવના પપ્પાને જણાવ્યું કે અમારે કશું જોઈતું નથી.. બસ, સવા રૂપિયો આપીને દીકરી વળાવી દેજો.


   હેતલના પપ્પા ગદગદ થઈ ગયાં. વેવાઈ દહેજ ભૂખ્યા નહોતા પણ પોતેય ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે.હેતલ એકની એક લાડકી દીકરી છે.દીકરીને કરિયાવર આપવામાં કયો બાપ પાછો પડે...? 



   હેતલના પપ્પા જાણતાં હતાં કે પોતાની દીકરીને શું જોઈએ છે..? હેતલને પાનેતર ખૂબ ગમતું. કોઈનાં પણ લગ્નના ફોટા જોવા બેસે તો એકીટશે પાનેતરની સામે જોઈ રહે. હેતલના પપ્પાએ સંકલ્પ કર્યો કે દીકરીને મોંઘામાં મોંઘું પાનેતર અપાવવું.


  ખાનગીમાં એમણે દશ ટકા વ્યાજે પાંચ લાખ રૂપિયા લીધા.ધામધૂમથી દીકરીના લગ્ન કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલાં તો કોમલને સાથે લઈ તેઓ હેતલ માટે મોંઘું પાનેતર ખરીદવા ગયાં. અમદાવાદની હાઈપ્રોફાઈલ શોપમાં પહેલીવાર પગ મૂક્યો. ઘણાં પાનેતર જોયાં. પછી છેક છેલ્લે એક રંગબેરંગી પાનેતર પસંદ આવ્યું પણ જેની કિંમત વીસ હજાર રૂપિયા હતી. 


   " વ્યાજબી નહીં થાય...? " એમણે હસતાં હસતાં દુકાનદારને પૂછ્યું.


  " સોરી અંકલ, ફીકસ રેટ છે.તમે કહો તો ઓછી કિંમતનું બતાવું..? " 


  " તને ગમ્યું બેટા..? "


  " મને તો આ રંગ બહુ ગમ્યો પપ્પા.. શું કહે છે કોમી..? " હેતલની આંખમાં ચમક હતી.


  કોમલે પણ પાનેતરના રંગની પ્રસંશા કરી. 


  "કરી દે પેક...ભાઈ, દીકરીના લગનનો પ્રસંગ વારેઘડીએ થોડો આવે છે...અને આમેય વેવાઈએ મારી દીકરીને સોનેથી મઢી દીધી છે. આ પાનેતરના રંગ આગળ એમનું સોનું ફિક્કું પડી જવું જોઈએ હો..." વ્યાજે લીધેલ પૈસાનું જોર જબરું હોય છે.


   એ જ રીતે મંડપ ડેકોરેશન, ભોજન મેનુમાં અને તમામ જગ્યાએ પોતાની કેપીસીટીથી વધારે ખર્ચ કરતા હેતલના પપ્પા પોરસાઈ રહ્યાં.


  આખરે, ચોરીમાં ફેરા ફરી હેતલે વિદાય લીધી.એની વિદાય થતાં જ સગાંવહાલાં પણ વિખેરાવા લાગ્યાં. ખરેખર તો દીકરી વિદાય પછી જ એમની ખાસ જરૂર હોય છે. જેઓ ચાર પાંચ દિવસથી ધામા નાખીને પડ્યાં હતાં. તેઓ ચાર કલાક પણ સાચવી શકતાં નથી. દીકરીની વિદાય પછી પિતાનુ આંગણું ખાલી બની જાય છે. સાચાં સગાની એ વખતે જ જરૂર હોય છે.


  હેતલના પપ્પા ભાંગી પડ્યા હતા. કોમલે લગ્નની અંદર છેલ્લા અઠવાડિયામાં બધી જ જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી. એણે જ હેતલની વિદાય પછી સૌને સાચવી લીધાં 


     આખરે, બધું ઠરીઠામ થયું. પ્રસંગ રંગેચંગે પતી ગયો. નીરવ હેતલનો પતિ થયો.


    અઠવાડિયા પછી પહેલીવાર હેતલ પિયર આવી ત્યારે સૌ એને ખુશ જોઈ હરખઘેલા થયેલાં.


        બીજીવાર હેતલ જયારે પિયર આવી ત્યારે એના પાનેતરનો રંગ જ ફિક્કો પડ્યો નહોતો પણ ચહેરા પરનું નૂર ઊડી ગયું હતું. ઘરમાં તો એ સૌને ખુશ રાખતી રહી પણ કોમલ આગળ એણે પોતાનું હૃદય ખોલી નાખ્યું. કોમલ સ્તબ્ધ થઈ ગઈ.


     નીરવના પપ્પા જે મકાનમાં રહેતા હતા...એનું તેઓ મહિને પંદર હજાર રૂપિયા ભાડું ભરતાં હતા.. મતલબ કે ગર્વમેન્ટ ક્વાર્ટરની વાત ખોટી હતી.


  અને, આંચકો લાગે એવી વાત તો એ બહાર આવી કે જે હેતલને જે દાગીના ચઢાવવામાં આવ્યાં હતાં એ સોનાના નહોતા પણ બગસરાના હતાં.


   સંબંધ જ જૂઠ્ઠની ભૂમિકા પર રચાયો હતો. હવે કશું થઈ શકે એમ નહોતું કેમ કે અગાઉ પણ એક છોકરા સાથે ફરવા જવાથી હેતલ સમાજમાં બદનામ થઈ ચૂકી હતી.


  જયારે હેતલના પપ્પાને આ વાતની ખબર પડી ત્યારે એમને એટેક તો ન આવ્યો પણ તેમનું મગજ વિચારશૂન્ય થઈ ગયું. એ વારંવાર હેતલના ફિક્કા પડતા પાનેતર સામે જોઈ રહેતા ને ઊંડો નિશ્વાસ નાખતા.


    એમણે દુકાનદારને કહેલા શબ્દો વારંવાર યાદ આવતા હતા.


  " મારી દીકરીના પાનેતરના રંગ આગળ વેવાઈનું સોનું ફિક્કું લાગવું જોઈએ હો..."


    જૂઠ્ઠની ભૂમિકા પર રચાયેલ સંબંધમાં લાગણીઓ શું સાવ આમ સાચી હશે? 


   પાનેતરનાં ફિક્કા રંગમા હેતલનાં પપ્પાને દીકરીનાં સુખનો રંગ અને સપનાનો રંગ પણ ફિક્કો પડતો દેખાયો.


    સુખનાં જોયેલાં સ્વપ્નો ખરેખર સ્વપ્નવત નીવડશે એવો અંદાજ તો કોઈ બાપને ક્યાંથી હોય...! 


એણે તો પોતાની દીકરીના પાનેતરનાં રંગો જેવી જ રંગબેરંગી સુંદર જિંદગીની કલ્પના કરી હતી પણ ક્યાં ખબર હતી કે એ આટલો જલદી ફિક્કો પડી જશે.......

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ