વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પચાસ કરોડનાં ફટાકડાં

smileપચાસ કરોડનાં ફટાકડાંsmile


"લો ઠુસો, છ મહિનાથી ઘરમાં બેઠાં છો. હું ઘર કેમ ચલાવું છું, તે મારું મન જાણે." છણકા કરતી પત્ની મનિયાને કસમયે બોલતી કાગડી જેવી લાગી.


મનિયાએ થાળીમાં પડેલી ત્રણ રોટલી, ન ગમતું શાક અને પાણીને શરમાવે એટલી પાતળી છાશને માંડ ગળે ઉતારી.  ખીંટી પરથી ખમીસ લીધું અને પહેરતાં ઘરની બહાર નીકળી, બબડતો તે પાનનાં ગલ્લાં તરફ વળ્યો. "બસ હવે તો બહુ થયું, રોજની માથાકૂટ! કોઈ ઉપાય શોધવો જ પડશે." 


પાનનો ગલ્લો તો ભાઈ, દુનિયાની મોટામાં મોટી યુનિવર્સિટી!  દુનિયાનાં મોટા થોથા ઉથલાવ્યે જ્ઞાન ન મળે એ જ્ઞાન પાનનાં ગલ્લે મળે! 


મનિયાની કથા એવી છે કે, કોરોનાનાં પહેલાં લોકડાઉનમાં ફરજિયાત ઘરે રહેવાનું આવતા, તેનું નોકરીએ જવાનું બંધ થયું. એમાં તેના શેઠ એટલા દયાળુ ન હતાં કે ઘરબેઠાં મનિયા જેવા સામાન્ય કારીગરને પગાર આપે. શેઠે મનિયાને પ્રેમથી હંમેશ માટે ઘરે રહેવાનો આદેશ આપી દીધો. બીજા લોકડાઉનમાં તે કામ શોધવા ડરના માર્યો બહાર જ ન નીકળ્યો. "જાન હૈ તો જહાન હૈ", ઘણી જગ્યાએ સાંભળેલું વાક્ય તેના મગજમાં બરાબર ઠસાઈ ગયું હતું. 


પછી તો આવા લોકડાઉનની તેને ટેવ પડી ગઈ! ઘરમાં જ ગોઠવા લાગ્યું. સરકાર અને કેટલીક સામાજિક સંસ્થાઓની મહેરબાનીથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ઘરબેઠાં મળવા લાગી. દરેક જીવે જીવવા માટે કામ કરવું જોઈએ તે, અને સમય જતાં તો કામ કેમ કરવું તે પણ મનિયો ભૂલી ગયો.


મુસીબત તો મનિયાને ત્યારે ઉભી થઈ જ્યારે ધીમે ધીમે લોકડાઉન ખુલવાં માંડ્યું. બહારથી આવતું બંધ થવા લાગ્યું, પણ કામ કરવા મનિયાનું તન-મન તૈયાર ન હતું. આળસદેવીના શરણે ગયેલા મનિયાને જીવન જીવવું અઘરું થઈ ગયું.


હંમેશા મુસીબતમાં મદદે આવતાં મિત્ર કનુને પાનનાં ગલ્લે ઉભો જોઈ મનિયો હરખાયો, ચોક્કસ આજે તો ઉપાય મળી જશે! 


"લે, સ્પેશિયલ છે." કહી કનુએ પાન મનિયાના હાથમાં મૂક્યું.


તેનાં તરફ જોયા વગર મનિયાએ પાન મોમાં મૂકી દીધું. "યાર, હવે કૈક કરવું પડશે." 


મનિયાની જીવનકથની રજેરજ જાણનાર કનુને બધી વાત કહેવાની જરૂર ન પડી. 


"હું તને આજે એ જ કહેવાનો હતો. મંદિરે એક બાબા આવ્યાં છે. માતાજીનાં ભક્ત છે. ગમે તેવું અઘરું કામ કાઢી આપે છે. મારે તો જરૂર નથી પણ તારા માટે કાલે આપણે જઈશું." કનુએ ધીમેથી મનિયાનાં કાનમાં જ્ઞાન વહેવડાવ્યું.


તે આખી રાત મનિયો વિચારતો રહ્યો," કેટલાં રૂપિયા માંગુ, તો આરામથી જિંદગી નીકળે!"  


બીજે દિવસે સવારે નવ થતાં જ મનિયો કનુ સાથે નક્કી કરેલા સ્થળે, ગામનાં પીપળે પહોંચી ગયો.  


"તને જેટલાં જોઈએ તેટલાં માંગી જ લેજે. પેલા સવલાએ પચાસ હજાર માંગ્યા હતાં, બીજે દિવસે તેને લાખ રૂપિયા ભરેલું પાકીટ મળ્યું! બાબાનાં આશીર્વાદ એળે જતાં નથી." રસ્તામાં કનુની વાત સાંભળી મનિયો હરખાયો. 


"આપણે તો પચાસ લાખ માંગી લેવા છે. એ પછી આખી જિંદગીની નિરાંત!"  મંદિર સુધી પહોંચતા તો મનિયાએ મહેલ, બાગ-બગીચા રસ્તામાં જ ચણી દીધાં!


મંદિરે પહોંચ્યા ત્યારે જોયું તો બાબાનાં આશીર્વાદ લેવા લાંબી લાઈન લાગી હતી. દરેકે પોતાનો નંબર લઈને બેસવાનું, નંબર બોલાય એટલે બાબા જે ઓરડીમાં બેઠાં હતાં ત્યાં જવાનું.  મનિયો પોતાનો નંબર લેવા ગયો ત્યારે તેને કહેવામાં આવ્યું કે, "અંદર એક બહેન ગયાં છે, એ બહાર નીકળે પછી તમારે અંદર જવું."


નંબર આવતાં મનિયો ઓરડામાં ગયો. સ્વચ્છ, ઠેર ઠેર ફૂલોની માળાનાં શણગાર અને અગરબત્તીની સુગંધથી મઘમઘતો ઓરડો એકદમ પવિત્ર સ્થળની અનુભૂતિ કરાવતો હતો. શાંત,સફેદ વસ્ત્ર ધારણ કરેલા, લાંબી દાઢીવાળા બાબાને  ગાદી પર બિરાજમાન જોઈ મનિયો સાડા પાંચ ફૂટનો હતો પણ ખેંચાઈને છ ફૂટનો લાંબો થઈ, તેમનાં પગમાં પડ્યો.


માથે હાથ ફર્યો ત્યારે મનિયાએ ઉપર જોયું. "બેટા, સંસારમેં સુખ-દુઃખ દો કિનારે હૈ. અગર દુઃખકે કિનારે પહુંચે હો તો હમારી શરણોમે આ જાઓ. સબ ઠીક હો જાયેગા. તુમકો પૈસેકી જરૂરત હૈ. મેં પઢ સકતા હું, તુમ્હારે ચહેરેસે. બોલો બેટા, કીતના ચહીયે તુમકો."


"પચાસ...પ..ચા..સ.... ક ..રો..ડ." સાંભળતા કનુની આંખ પહોળી થઈ ગઈ. મનિયાની આટલી હિંમત! રસ્તામાં તો પચાસ લાખ બોલતાં તેને પરસેવો વળી ગયો હતો!


સામે મૂકેલાં માતાજીનાં ફોટા પાસે પડેલાં રૂમાલમાંથી એક રૂમાલ ઉપાડીને મનિયાનાં હાથમાં મૂક્યો, "યે રૂમાલ લે કે જાઓ. અપની તિજોરીમે રખના, લેકીન ઉસમેં ગહેને નહીં હોને ચાહીએ. ઉસમેં રખે હુએ ગહેને કો નિકાલ દેના હૈ, દૂસરે દિન નિકાલે હુએ ગહેને યહાં આકે માતાજી કે ચરણોમે રખના હૈ. તીસરે દિન ઉસકો ફિરસે તિજોરીમેં રખના હૈ. માતાજી કે આશીર્વાદ સે આપકો પૈસે કહીં સે ભી મિલ જાયેંગે." બાબાએ આપેલો રૂમાલ લઈને મનિયો ઘરમાં દાખલ થયો, જાણે જંગ જીતીને આવેલો વીર યોદ્ધા!


મનિયાએ ઘરમાં પત્નીની ગેરહાજરીની નોંધ લઈ, રૂમાલ અંદરના રૂમમાં આવેલી તિજોરીમાં મૂકી દીધો. તેમાં બચેલી એકમાત્ર સોનાની ચેઈન ખીસામાં મૂકી દીધી. મલકાતાં રૂમની બહાર આવી, સોફા પર ગોઠવાઈ ગયો. એટલામાં પત્ની શાકની થેલી લઈને ઘરમાં દાખલ થઈ.  ઉભરાતાં શાકની થેલી સોફાનાં પગને ટેકવી હાંફતી જોરથી સોફા પર બેઠી. ધ્રૂજેલાં સોફાનાં કારણે શાકભાજી, થેલીની બહાર નીકળી આજુબાજુ દોડવા માંડ્યા. એકબીજા સાથે અથડાઈને ગબડતાં બટાકામાં મનિયાને પોતાની છબી દેખાઈ. મનિયો અંદર-બહારથી હલી ગયો.


પત્નીની નજર તેનાં પર પડી, નજરમાં શંકાનો કીડો સળવળતો જોઈ મનિયાને એકદમ પરસેવો વળી ગયો. પરસેવાથી રેબઝેબ મનિયો ખીસામાંથી રૂમાલ કાઢીને લૂછવાં લાગ્યો. સુગંધથી મઘમઘતાં રૂમાલને જોઈ મનિયાને ધ્યાન આવ્યું કે, આ મારો રૂમાલ નથી. બાબાએ આપેલા રૂમાલની જગ્યાએ પોતાનો રૂમાલ તિજોરીમાં મૂકી આવ્યો છે, આ તિજોરીમાં મૂકવાનો રૂમાલ છે. રૂમાલની અદલાબદલી થઈ ગઈ છે.


ત્યાં જ પત્નીએ બૂમ પાડી, "આ મારો રૂમાલ તમારી પાસે ક્યાંથી આવ્યો? મૂઈ મારા તો નસીબ જ એવા! મને એમ કે આ માણસ કંઈ સુધરે..."


મનિયો ડઘાઈ ગયો. એની આગળ બાબાને મળવાં ગયેલાં બેનનો પત્તો મળી ગયો!  એ કેમ ગયાં હશે તે પણ સમજાઈ ગયું. આ તો દોરડું બંને બાજુ ખેંચાતાં તૂટી ગયું!


એટલીવારમાં તો ખીસ્સામાંથી પેલી ચેઈન પણ ડોકાઈ!


પછી તો મનિયાને ત્યાં પચાસ કરોડનાં, વગર દિવાળીએ જે ફટાકડાં ફૂટ્યાં છે! કલ્પના જ કરો! બાબાનાં નામની દિવાળી પણ ઉજવાઈ હો!


વંદના વાણી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ