વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડર્ટો બોય

" મોગરાનાં ફૂલ સખી... મોગરાનાં ફૂલ..... શ્રીજીને વ્હાલાં સખી મોગરાનાં ફૂલ " સુશીલાબેનનો મોબાઈલ રણકી ઊઠ્યો.

 

"હેલો.... હા, ધરમ બેટા કેમ છે? બધા મજામાં તો છો ને. હા મમ્મી, ઓલ વેલ. તમે કેમ છો? પપ્પાને ક્યારનો ફોન કરું છું ઉપાડતા જ નથી, ક્યાં ગયા છે?"

 

"બહેનપણીઓને મળવા ગયા છે, એમની હાય હેલો માંથી નવરા પડે તો તારો ફોન ઉપાડે ને!"

 

ધરમ જોર જોરથી હસવા લાગ્યો. "શું મમ્મી, તમે પણ... મતલબ પપ્પા ઈવનીંગ વોક માટે જોગર્સ પાર્ક ગયા છે. તમે પણ જતાં હો તો કેટલું સારું, એકલાં ઘરે બેસીને શું કરો?".

 

"અરે... એમને એમનાં દોસ્ત અને બહેનપણીઓ મુબારક અને હું ખુશ મારા મહિલા મંડળ સાથે. હું સવારે મોર્નિંગ વોકમાં એમને સાથ આપુ જ છું અને એ બહાને કુદરતનાં સૌંદર્યને પણ માણી લઉં છું.અને બીજી એક ખાસ વાત કહુને તો એ બહાને અમે બંને એકબીજાને પોતાની મરજી મુજબ જીવવાની મોકળાશ આપીયે છીએ. દાંપત્ય જીવનમાં આ સમજ બહુ જરૂરી છે બેટા. એ બધું છોડ કંઇક નવું કહે, શું કરે છે મારી વહુ?"

 

ત્યાંજ મીઠાં ટહુકામાં રોશની બોલી. "સાસુમા, પ્રણામ. ખુબ સરસ મજાની સમજ આપી તમે. એકબીજાને સ્પેસ આપવી એ મેરીડ લાઈફના સક્સેસનો પાયો છે.

 

"બહુ મોટી પ્રણામ વાળી, ધરમ.... કેટલી વાર કીધું મોબાઈલ સ્પીકર પર નઈ રાખવાનો, આ ચિબાવલી બધું સાંભળી જાય... પછી મારી ફરિયાદ કરશે તારા પપ્પાને". ધરમ અને રોશની જોરથી  હસી પડ્યા.

 

થોડી જ ક્ષણોમાં હસવાનો અવાજ બંધ થઈ જાય છે. સુશીલાબેન ચિંતિત થઈ પૂછે છે, "ધરમ.... રોશની.... શું થયું ? ચૂપ કેમ થઈ ગયાં?"

 

એટલામાં હસમુખભાઈ એ ઘરમાં પ્રવેશ કર્યો. સુશીલાબેનનો ચિંતિત ચહેરો જોઈ સમજી ગયા કે અમેરિકાથી દીકરા વહુનો ફોન છે. તેઓ સુશીલાબેન પાસેથી મોબાઈલ લઈ વાત કરવા લાગ્યાં. "હેલો બેટા.... સામેથી રોશનીનો નિરાશાજનક અવાજ આવ્યો. "મમ્મી... પપ્પા... વી મિસ યુ. તમે અહીં અમારી સાથે આવી જાવને, ત્રણ વર્ષ થી અમે તમારી રાહ જોઈએ છીએ. આ ઉંમરે તમે લોકો ત્યાં એકલાં... અમને ચિંતા થાય છે તમારી."

 

"જુઓ બેટા, અમે તમારી લાગણીઓ સમજીએ છીએ.પરંતુ આ ઉંમરે નવી જગ્યા, નવા લોકો, અલગ વાતાવરણ... અનુકૂળ થવાશે કે નહિ શું ખબર? એના કરતાં અમને અહીં જ રહેવા દે.અમે અહીં ખુશ છીએ."

 

"પપ્પા, મમ્મીની ઈચ્છા છે અમારી સાથે રહેવાની. એકવાર એમની ખુશીનો વિચાર કરો."

 

"ધરમ બેટા,હું જાણું છું તારી મમ્મીનો સ્વભાવ. એને અમેરિકાની ચાહ નથી. એને તો દીકરા વહુ સાથે રહેવું છે. તમારાં બંનેનું સુખી દાંપત્ય નિહાળવું છે. પરંતુ આ પણ એટલું જ વાસ્તવિક હશે કે ત્યાં તમે બંને તમારી નોકરીમાં વ્યસ્ત હશો, હું કદાચ નવા દોસ્તો સાથે સમય ખુશીથી વીતાવીશ પણ તારી મમ્મીનું શું? એને એકલાં રહેવાની આદત નથી એ મુંજાયા કરશે અને ફરિયાદ પણ નહિ કરે. એને ત્યાંનું જીવન નહિ ફાવે."

 

"છતાં પણ હું કહીશ કે એકવાર હજુ વિચારી જુઓ. હું કાલે ફરીથી કોલ કરીશ. મને આશા છે કે આ વખતે તમે મારી વાત નહિ ટાળો." આટલું કહી ધરમે કૉલ કાપી નાખ્યો.

 

હસમુખભાઈ અને સુશીલાબેન રાતનું જમવાનું પતાવીને બહાર બાલ્કનીમાં બેઠાં . સુશીલાબેને વાતની શરૂઆત કરી. "દીકરો વહુ કેટલાં પ્રેમથી આપણને ત્યાં બોલાવે છે, જીદ ના કરો.... એમનું દિલ તૂટી જશે." હસમુખભાઈએ મચક ન આપી અને ચૂપચાપ બેસી રહ્યાં એથી સુશીલાબેન ગુસ્સામાં બોલવા માંડ્યા. "મારે પણ વહુ પર હુકમ કરવો છે, તેની સાથે મીઠાં ઝઘડાં કરવાં છે, દીકરાને તેની ફરિયાદો કરવી છે.વહુને દીકરાની પસંદ નાપસંદ જણાવવી છે.ખબર નહિ મારાં દીકરાને એની પસંદનું જમવાનું પણ મળતું હશે કે નહિ! લગ્નનાં એકજ મહિનામાં બંને અમેરિકા ઉપડી ગયેલા. કેટલાં અરમાન હતાં વહુ સાથે રહેવાનાં.

 

હવે હસમુખભાઈએ ચહેરાં પર હાસ્ય લાવી કહ્યું, "અચ્છા તો મારી સુશીને વહુ પર દાદાગીરી કરવા જવું છે, સાસુપણું જતાવવા અમેરિકા જવું છે".

 

પોતાના દરેક પાસા અવળા પડતાં જોઈ સુશીલાબેન સ્ત્રીનાં આખરી હથિયારનો ઉપયોગ કરે છે કે જેની સામે દુનિયાભરના પુરુષોએ નાછૂટકે ઝૂકવું પડે છે. સુશીલાબેન આંખમાં આંસું સાથે બોલ્યા, "એમ કહોને કે તમે પેલી જોગર્સ પાર્ક વાળી બહેનપણીઓને છોડવાં નથી માંગતા.

 

"અરે મારી ભોળી સુશી.... મારી સાચી દોસ્ત તો તું છે. મારી હમસફર, મારાં સુખદુઃખની સાચી સાથી છે તું. ત્યાં તને તારો  સવારનો ઊગતો સૂરજ કે જે તને તારા ભાલનો તિલક લાગે છે એ જોવા નહિ મળે. તારા મહાદેવના દર્શન માટે રોજ તુ મંદિર નહિ જઈ શકે, તારી મહિલા મંડળની સાંજને શણગારતો ઢળતો સૂરજ જોવા નહિ મળે. નાનપણથી કુદરતને ખોળે જીવી છે. ત્યાંનું જીવન તને નીરસ અને કૃત્રિમ લાગશે."

 

"તમે સાચું કહો છો, કદાચ કાયમ માટે ત્યાં રહેવાનું આપણને નહિ ફાવે. પરંતુ ધરમ અને રોશનીની ખુશી માટે એકવાર જઈ આવીએ. નહિ ગમે તો પાછા આવી જઈશું."

 

આખરે સ્ત્રીહઠ સામે હારીને પત્નીની ખુશી માટે હસમુખભાઈ અમેરિકા જવા માટે હા તો પાડે છે પણ એમને મનમાં સંશય થાય છે કે આ માનાં હૃદયને અજાણતાં પણ ત્યાં કોઈ ઠેસ ન પહોંચે તો સારું. બીજા દિવસે ધરમનો ફોન આવે છે ત્યારે હસમુખભાઈની નીરસ હાનો જવાબ સાંભળીને ધરમ અને રોશનીને મુંઝવણ તો થાય છે પણ તેઓ અમેરિકા આવવા તૈયાર છે એ જાણીને બંને ખુશ થઈ વિઝાની કાર્યવાહી કરવા લાગે છે. સુશીલાબેન પણ હરખઘેલા થઈ અમેરિકા લઈ જવાના સામાનનું લીસ્ટ બનાવી એની ખરીદી કરવાનું શરૂ કરી દે છે.

 

સુશીલાબેનનો ઉત્સાહ જોઈ હસમુખભાઈ વિચારે છે કે શમણાંઓને ક્યાં ઉંમરનો બાધ હોય છે. આ પામર જીવ ઢળતી ઉંમરે પણ મોહ માયા ત્યાગી નથી શકતો.પરંતુ હું કેમ ભુતકાળમાં જીવી રહ્યો છું? એને કેમ ભુલી નથી શકતો? આટલો સરસ સુખી, ખુશ અને પ્રેમાળ પરિવાર છતાં...... અજાણતાં થયેલા અપરાધની ગ્લાનિ ક્યારે જશે? આખરે તો એની ખુશી માટે જ મેં એ પગલું ભર્યું હતું. પચીસ વર્ષોમાં ક્યારેય ઘરને તાળું નથી માર્યું. હું અમેરિકા જાઉં અને એ આવે, ઘરને તાળું જોઈ પાછી જતી રહેશે તો? એક નિરાશાજનક નિ:શ્વાસ નીકળી જાય છે. દિલ અને દિમાગમાં દ્વન્દ્વ રૂપી વંટોળ ફરી વળ્યું, "પાછા જ ફરવું હોત તો એ આટલા વર્ષોની રાહ ના જોતે. આઠ વર્ષનો પ્રેમ, વ્હાલ પણ એને વિવશ ન કરી શક્યો પાછા આવવા માટે! હવે કોઈ જ આશા નથી રહી." એક ગ્લાની મિશ્રીત હવા મનને વ્યાકુળ કરી ગઈ.

 

જેમ જેમ અમેરિકા જવાનો દિવસ નજીક આવતો ગયો હસમુખભાઈની વ્યાકુળતા વધતી ગઈ.

 

"સુશી હું જરા જોગર્સ પાર્ક જઈ આવું કાલથી તો..."બાકીના શબ્દો મનમાં જ દબાઈ ગયા.

 

"હા હા જઈ આવો અને તમારાં બધાં સખા સખીઓને પણ અલવિદા કહી આવો. અમેરિકા નહિ તો પુત્રપ્રેમ તો આખરે તમને ત્યાં રહેવા મજબુર કરશે જ." સુશીલાબેનની ખુશી શબ્દોમાં છલકાતી હતી. અને હસમુખભાઈ અકથીત ભાર સાથે જોગર્સ પાર્કની આખરી મુલાકાત માટે ઉપડ્યા.

 

હસમુખભાઈ રોજ તો થોડું ચાલ્યા બાદ પોતાના મનપસંદ બાંકડા પર જઈને બેસતાં પણ આજે ચાલવાનું મન ન થયું એટલે સીધા બાંકડે જઈને બેસી ગયાં. આ એજ બાંકડો હતો જયાં એમનો ભુતકાળ વસ્યો હતો. એ નિર્જીવ પણ એમની યાદોની જેમ આટલાં વર્ષો બાદ અડીખમ હતો. એની માસુમ અને ચંચળ હરકતોનો સાક્ષી હતો એ, જે આજે તેમની  વેદનાનો પણ સાક્ષી છે. તેઓ શૂન્યમનસ્ક થઈ નજરોથી બાંકડાને પંપાળી રહ્યાં. જાણે કહી ના રહ્યાં હોય કે 25 વર્ષ પહેલાં તેના જવા બાદ જેટલું દુઃખ થયું હતું એટલું જ દુઃખ આ બાંકડાને છોડીને જવાથી થઈ રહ્યું છે.

 

અમેરિકાની ધરતી પર પગ મૂકતાં જ સુશીલાબેનનો ચહેરો ખીલી ઉઠ્યો. ત્રણ વર્ષ પછી દીકરા વહુને જોવાની ખુશી કોને ન થાય. એરપોર્ટ પર ધરમને જોઈ એમની આંખો ખુશીથી વરસી પડી.

 

ડોરબેલ સાંભળી રોશની એ ઉમળકાથી દરવાજો ખોલ્યો અને પોતાના સાસુ સસરાને પગે લાગી આવકાર્યા. ઘરની સજાવટ જોઈ સુશીલાબેન વહુની આવડત પર ઘણાં ખુશ થાય છે. સાથે જ ઘરમાં અજાણી સગર્ભા સ્ત્રીને જોઈ કુતૂહલ વશ ધરમ સામે જુએ છે. ધરમ એમની વિમાસણ સમજી જાય છે. "મમ્મી પપ્પા, આ મોહિની છે. મારા દોસ્ત અને કલીગ વિરલની પત્ની અને એથીય વધુ એ મને ભાઈ માને છે. વિરલને એક મહિના માટે ઓફિસના કામથી બહારગામ જવાનું હોવાથી એ મોહિની માટે ચિંતિત હતો અને આવી હાલતમાં એને એકલી છોડવા નહતો માંગતો એટલે હું જ મોહિનીને આગ્રહ પૂર્વક આપણાં ઘરે લઈ આવ્યો. મોહિની સુશીલાબેન અને હસમુખભાઈને હાથજોડી પ્રણામ કરે છે.

 

સુશીલાબેન વહાલથી મોહિનીના માથે હાથ ફેરવી "ખુશ રહે દીકરી" કહી આશીર્વાદ આપ્યાં અને કહ્યું, "બહુ જ સરસ કામ કર્યું બેટા તેં, તું તો ઘણો સમજદાર થઈ ગયો." ત્યાં જ અત્યાર સુધી ચૂપ રોશનીએ ટહુકો કર્યો, "હા, મમ્મી મારી સંગતની થોડી તો અસર થાયને....." અને ઘરમાં હાસ્યની લહેરખી પ્રસરી ગઈ.

 

દિવસો વીતતા જાય છે. સુશીલાબેનનો મોટાભાગનો સમય મોહિનીની દેખભાળમાં વીતતો જાય છે.એક માની જેમજ મોહિનીની દરેક બાબતોનું તેઓ ધ્યાન રાખી રહ્યાં હોય છે. રોશની અને ધરમ પણ મોહિની બાબતે નિશ્ચિંત થઈ ઑફિસ જઈ શકે છે.

 

એક રાત્રે અચાનક મોહિનીને બેચેની થવાથી ઊંઘ નથી આવતી અને એ કોઈને ડિસ્ટર્બ ન થાય એ રીતે સુશીલાબેન પાસે આવે છે અને એમને ધીરેથી જગાડી રડમસ ચહેરે પોતાની તકલીફ વિશે કહે છે, "આંટી, આઈ ફીલ વેરી અનઈઝી એન્ડ કેન્ટ સ્લીપ."

 

"ચિંતા ના કર બેટી હું છું ને, ચાલ તારા રૂમમાં હું સાથે આવું છું." કહી તેને બેડરૂમમાં લઈ જઈ સરખી રીતે બેડ પર સુવડાવી પોતે એની પાસે બેસી માથું પોતાના ખોળામાં મૂકી વ્હાલથી હાથ ફેરવે છે, "બેટા આવી હાલતમાં ક્યારેક બેચેની જેવું લાગે અને પાછી તમારી જનરેશન ખાવાપીવામાં પણ કયાં ધ્યાન રાખે જ્યારે જે મળ્યું ખાઈ લીધું કાલથી હું જે બનાવું એજ ખાવાનુ છે. વર્ષો બાદ એક માના પ્રેમાળ હાથ અને મીઠાં ઠપકાની અસર તળે મોહિની ક્યારે સૂઈ ગઈ એનો ખ્યાલ સુદ્ધાં એને ના રહ્યો અને સુશીલાબેન આખી રાત માતૃત્વ સભર  હાથ પસવારતા રહ્યાં.

 

સવારે જ્યારે મોહિનીની આંખ ખુલી તો ચહેરા પર તૃપ્તિ છલકી રહી હતી. માના ખોળામાં સ્વર્ગનું સુખ પામ્યાનો સંતોષ ચહેરાને વધુ સુંદરતા બક્ષી રહ્યો હતો.


"ઉઠી ગઈ બેટા, કેવું લાગે છે હવે?"


 "એક માની હુંફ અને પ્રેમની સામે તકલીફની શું તાકાત કે એ ટકી શકે! આટલાં વર્ષોમાં આવી નિરાંતની નીંદર ક્યારેય નથી માણી "મા"...... , હું તમને મા કહી શકું ને આંટી?"

 

"મા! આજની પેઢીને તો મોમ અને મમ્મી કહેવું ગમે અને તુ મા કહે છે?"

 

"હા આંટી મને તો મા કહેવું જ ગમે. અને એનું કારણ આ તમારા કપાળ પરનો મોટ્ટો ગોળ કંકુનો ચાંલ્લો છે."

 

"અરે વાહ! તને પણ આ ચાંલ્લો આકર્ષી ગયો? ધરમના પપ્પાને પણ બહુ ગમે છે આ ચાંલ્લો.જ્યારે એ મને જોવા આવ્યાં હતાં ત્યારે એમની એક શરત હતી કે લગ્ન પછી મારે હંમેશા કંકુનો મોટ્ટો ચાંલ્લો કરવો."

 

"મારી મા પણ આવો જ ચાંદલો કરતી હતી. એનાથી એની સુંદરતા ઓર ખીલી ઉઠતી. એનું સર્વસ્વ હું અને એ મારી દુનિયા. બંનેને એકબીજા વગર જરાય ન ચાલતું. પરંતુ ભગવાનને પણ એના વગર નહિ ગમતું હોય એટલે એણે મારી દુનિયા.... મારી માને મારાથી છીનવી લીધી." આટલું કહી મોહિનીની આંખો વરસી પડી.

 

"અરે રે... આટલી સુંદર આંખોમાં આંસુ જરાય સારા નથી લાગતાં.હું છું ને, આજથી હું તારી મા. ચાલ હવે જલ્દી નાહીને તૈયાર થઈ જા એટલે હું તારા માટે ચા નાસ્તો બનાવી લઉં."

 

"થોડો પ્રેમ અમારાં માટે પણ રાખજો મમ્મી... " કહી રોશની અને ધરમ બંને મા દીકરીનો પ્રેમ જોઈ  મલકી રહ્યાં.

 

"આવ મારી ચીબાવલી, તું પણ આવ." કહી સુશીલાબેને રોશનીના કપાળે વ્હાલ ભર્યું ચુંબન કર્યું.

 

"હવે બધાં લાગણીવેડા છોડો અને કોઈ મને ચા પીવડાવશે કે હું જાતે બનાવી લઉં?" થોડી નારાજગી સાથે હસમુખભાઈ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા.

 

"સાવ ડર્ટો બોય છે, હજુ પણ જરાય બદલાયા નથી." મોહિની મનમાં બબડી. પણ સુશીલાબેન સાંભળી ગયાં.

 

"શું કહ્યું? ડર્ટો બોય! એ વળી શું?" આશ્ચર્ય સહ એમણે પૂછ્યું.

 

"અરે મા,કંઈ નહિ એતો હું જ્યારે નાની હતીને ત્યારે જ્યારે પપ્પા માને ખીજાતા કે માથી રિસાઈ જતાં તો હું એમને ડર્ટો બોય કહેતી. ત્યારે એવી સમજ હતી કે ગર્લ હોય તો ડર્ટી અને બોય હોય તો એને ડર્ટો કહેવાય." મોહિનીને પોતાની નાસમજ પર હસવું આવી ગયું.

 

"હાઉ ક્યૂટ"

 

"અરે ઓ ક્યૂટ વાળી જલ્દી જઈને ચા નાસ્તાની તૈયારી કરીએ નહિ તો તારા સસરા સાચે જ ડર્ટો બોય બની જશે." આ વાત પર બધાં હસી પડ્યા.

 

રોશની અને સુશીલાબેન કિચન તરફ ગયા અને ધરમ ડાઇનિંગ ટેબલ પાસે જઈ એના પપ્પા સાથે બેઠો. એને પપ્પા મૂંઝાતા હોય એવું લાગ્યું.

 

"શું વાત છે પપ્પા? કેમ નારાજ લાગો છો? અહીંયા નથી ગમતું? મારી કે રોશનીની કોઈ વાતથી ખરાબ તો નથી લાગ્યું ને?"

 

"અરે બેટા,એવું કંઈ નથી, હું તો તમારા બંન્નેથી ખુબ ખુશ છું પરંતુ ઈન્ડિયાની અમુક આદતો અને યાદોનું વ્યસન છૂટતું નથી."

 

"અચ્છા હવે સમજી... જોગર્સ પાર્કની બહેનપણીઓ યાદ આવતી હશે, જો તો ધરમ કેટલાં સુકાઈ ગયા છે એમની યાદમાં?" સુશીલાબેનના ચહેરા પર સ્મિત પરંતુ શબ્દોમાં નારાજગી વર્તાઈ રહી હતી.

 

"શું મમ્મી તમે પણ... કંઇક છે જે એમને ઈન્ડિયા પાછા જવા મજબુર કરી રહ્યું છે. તમે આવ્યાં ત્યારથી જોઉં છું કે પપ્પા ખુશ નથી." વાતાવરણમાં ગંભીરતા પ્રસરી રહી.

 

"તે ના જ હોયને બેટા જોગર્સ પાર્ક તો મારી સૌતન બની ચૂક્યો છે. ગમે તેટલાં બીમાર હોય પણ ત્યાં જવાનું ચૂકે નહિ. ખબર નથી ત્યાં શું દાટ્યું છે?"

 

"આજે વાત નીકળી જ છે તો સાંભળી લે.... યાદો વસી છે મારી ત્યાં. તારે લીધે મેં એને કાયમ માટે ગુમાવી દીધી. ખબર હોત કે તારા આવવાથી એ ઘર છોડીને જતી રહેશે તો મેં ક્યારેય તારી સાથે લગ્ન ન કર્યા હોત. જેના સુખ માટે તને લાવ્યો એજ મારા જીવનમાંથી ચાલી ગઈ."

 

સુશીલાબેન વર્ષો બાદ આ શબ્દો સાંભળી ભાંગી પડ્યા. આંખો અનરાધાર વરસી પડી. "કાશ મહેકે મને મમતા પુરવાર કરવાનો મોકો આપ્યો હોત."

 

"સ્ટોપ ઇટ, યુ ડર્ટો બોય.... ખબરદાર જો માને એકપણ શબ્દ કહ્યો છે તો તમારી ખેર નથી."

 

"ડર્ટો બોય શબ્દ સાંભળીને હસમુખભાઈ આશ્ચર્ય સહ મોહિની તરફ જુએ છે અને ગળગળા થઈ એને પૂછે છે, "આ શબ્દ વિશે તું કેવી રીતે જાણે છે? શું તું મારી મહેકને ઓળખે છે? ક્યાં છે એ? ખુશ તો છે ને? મને યાદ કરે છે? શું એણે મને હજુ સુધી માફ નથી કર્યો? તને ખબર હોય તો મને હમણાં ને હમણાં જ એની પાસે લઈ જા. આ શબ્દ તું જાણે છે મતલબ એણે તારી સાથે બધી જ વાત શેર કરી હશે. હું એની માફી માંગી લઈશ. અને એને મનાવીને ઘરે પાછી લઈ આવીશ." મહેકના સમાચાર મેળવવાની આશમાં હસમુખભાઈ એકસાથે કેટલાંય સવાલો પૂછવા લાગ્યા.

 

ધરમ અને રોશની બંને અચંબિત થઈ એકબીજા સામે જોઈ રહ્યાં, કારણ કે રોશની તો ઠીક ધરમ પણ મહેક નામ પપ્પાના મોઢે પહેલી વાર સાંભળી રહ્યો હતો.

 

"આ મહેક કોણ છે અને એના વિશે કેમ કોઈએ મને જણાવ્યું નથી?"

 

"બેટા, મહેક તારા પપ્પાનાં પહેલાં પત્નીની દીકરી છે. ટુંકી માંદગીમાં એમનાં પત્નીના મૃત્યુ બાદ મહેકની ચિંતાવશ તારા પપ્પાએ મારી સાથે લગ્ન કર્યા પરંતુ અમારાં લગ્નનાં દિવસે જ મહેક ઘર છોડીને જતી રહી હતી. અમારી સમજની બહાર હતું કે એ આમ અચાનક કોઈને કહ્યાં વગર ઘર છોડીને કેમ ગઈ? અમે મહેકને શોધવાની ઘણી કોશિશ કરી પરંતુ ક્યાંય એની ભાળ ન મળી અને આખરે એક દિવસ એના કબાટ માંથી એની ડાયરી મળી આવી જેમાં એણે લખ્યું હતું કે, "સાવકી મા ઈઝ સો ડર્ટી, મારી સ્કુલ ફ્રેન્ડની સાવકી મમ્મી એને બઉ દુઃખ આપે છે અને એને હોમવર્ક પણ નથી કરાવતી એટલે સ્કુલમાં રોજ ટીચર એને પનીશ કરે છે.આઈ વોન્ટ માય રિયલ મા. સાવકી મા મને મારશે, વાલી વાલી નહિ કરે, મારી પાસે કામ કરાવશે એટલે હું આ ઘર છોડીને જઈ રહી છું. સોરી... માય ડર્ટો બોય, બટ આઈ વીલ નેવર ફરગીવ યુ."

 "ત્યારથી તારા પપ્પા એક અપરાધભાવ સાથે જીવે છે."

બધાં ચાતક નજરે મોહિનીને ઉત્સુકતા પૂર્વક જોઈ રહ્યાં કે ક્યારે મોહિની મહેક વિશેની જાણકારી આપે.  

અત્યાર સુધી ચૂપ રહેલી મહેક બધાંની પ્રશ્નાર્થ ભરી નજરો સહી ન શકી અને હસમુખભાઈ સામે પોતાનાં બંને કાન પકડી માફી માંગતા બોલી ઉઠી.

"સોરી માય ડર્ટો બોય, હું જ તમારી મહેક છું. તમે મને શોધી ન શકો એટલે મેં મારું નામ મોહિની કરી નાખ્યું અને એક અનાથાશ્રમમાં જીવન વીતાવ્યું. વિરલની મુલાકાત પણ અનાથાશ્રમમાં જ થઈ. અમે બંને ભણવામાં હોંશિયાર હોવાથી ટ્રસ્ટીઓની મદદ લઈ સ્કોલરશીપ મેળવી અમેરિકામાં સેટલ થઈ ગયા.ધરમ અને રોશનીની દોસ્તીએ પણ ઘણો સપોર્ટ કર્યો. કદાચ તમારી અને માની પ્રાર્થનાઓની જ અસર હશે કે જીવનમાં ખાસ કોઈ મોટી તકલીફનો સામનો નથી કરવો પડ્યો.એક નાદાનિયત ભરી ભૂલની બહુ મોટી સજા ભગવાને મને સુશી માની મમતા અને હૂંફથી વંચિત રાખીને પહેલાં જ આપી દીધી છે. હું તો તમને જ્યારે જોયા એ દિવસે જ અહીંથી જતી રહેવાની હતી પરંતુ સુશી માના કપાળ પર મા કરતી હતી એવો ચાંલ્લો જોઈ લાગણીવશ ન જઈ શકી. પછી તો જે રીતે મારું ધ્યાન રાખી એમણે હુંફ આપી છે ત્યાર બાદ મને બેવકુફને એટલું તો સમજાઈ જ ગયું કે બધી સાવકી મા ખરાબ નથી હોતી."

"મા... હું આપની ગુનેગાર છું મને માફ કરો" મહેક સુશીલાબેનને વળગીને નાના બાળકની જેમ રડી પડી. અને સુશીલાબેન વર્ષો બાદ મળેલી દીકરીને સાંત્વના આપતાં કહ્યું, "આજે મારી પ્રાર્થના ફળી, રોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે તું જ્યાં હોય ખુશ રહે અને જલ્દીથી આ ઘરે પરત ફરે જેથી આ ઘરનો સુનકાર તારી ચંચળતાથી ફરીથી મહેકી ઊઠે." 

"હેય.. માય સ્વીટ ડર્ટો બોય આજે પણ તમે જોગર્સ પાર્ક જાવ છો?" હસમુખભાઈના ગળે વળગીને મહેકે પૂછ્યું.

"હા બેટા, એ પાર્કના બાંકડે બેસી તારી સાથે કરેલી કાલીઘેલી વાતોને હું રોજ ત્યાં જઈને વાગોળતો અને તારા હોવાની અનુભૂતિ કરતો."

 

"અરે વાહ, બાપ દીકરીનો કેવો અતૂટ પ્રેમ!" રોશની ભાવવિભોર થઈ પિતા પુત્રીનું મિલન જોઈ રહી અને પોતાને પ્રેમથી સમૃદ્ધ ઘરની વહુ હોવા બદલ ગર્વ અનુભવી રહી.

 

ધરમ પણ મહેક પોતાની રીયલ બહેન છે જાણીને ખુબ ખુશ થયો. 

 

આ કેવો ઋણાનુબંધ છે કે દીકરી મળી તો પણ ભાઈના ઘરે અને એ પણ હેમખેમ . દીકરીનું ઘરમાં હોવું એજ પૂર્ણતાનો અહેસાસ કરાવે છે. હસમુખભાઈ વિચારી રહ્યા. 

 

"હું શું કહું છું સાંભળો છો..... આ અમેરિકામાં મને જરાય ગોઠતું નથી. નવા લોકો, નવી જગ્યા, નવું વાતાવરણ બધું અજુગતું લાગે છે. આપણા માટે તો આપણું ઈન્ડિયા જ સારું. અરે ધરમ.... ઈન્ડિયાની બે રિટર્ન ટિકિટ બુક કરાવી દે." સુશીલાબેને શરારતી આંખ મીંચામણાં કરતાં કહ્યું.

 

"અરે.... મારી સુશી દાર્લીગ  હવે તો આ બંદા મહેકનાં આવનાર બાળક સાથે ફરીથી મહેકનું બાળપણ જીવશે અને ઈન્ડિયાને તો હવે કાયમ માટે ગુડબાય......"

 

ઘરમાં દિવાળી વગર ખુશીનાં હજારો દીપક પ્રગટી ઉઠ્યા.

 

 

 

છાયા ચૌહાણ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ