વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનબ્રેકેબલ

શોપીઝન વેનિલા સ્ટોરીઝ – ટૂંકી વાર્તા સ્પર્ધા




© અનબ્રેકેબલ 




          “ પણ મનિયા તું... આટલો ઉદાસ કેમ થઈ ગયો? મારું ચેપ્ટર સાંભળી તને ઝાટકો કેમ લાગ્યો? હેઈ.. એક્સક્યુઝ મી.. તને મારા વિશે એવી કોઈ ફિલિંગ તો નથી ને? સાચું કહેજે હોં.. બાય ધ વે, કોઈ છોકરી પોતાની બારીનાં પડદા પાછળથી તને પણ જોતી જ હશે! ઈવન મનોમન તારી વિશ પણ કરતી હોઈ શકે!” એના ચહેરાનો તાગ લેતી હું બોલી. ક્ષણભર માટે એ ઝંખવાઈ ગયો. છોભીલો પડી ગયો પરંતુ ગણતરીની પળોમાં એ સ્વસ્થ થઈ ગયો. 




          ‘આજ તો બધું કહી જ નાંખવું છે!’ પહેલાં તો મારા ચહેરા પરનાં ભેદી સ્મિતે એના મનમાં હું એની પરિક્ષા લઈ રહી હોવાનો આભાસ થયો હોય એવું મને લાગ્યું. એના સોહામણા ચહેરા પર મારા પ્રત્યેની લાગણીઓ પ્રદર્શિત કરવાનો નિશ્ચય પણ તરવરી ઉઠ્યો હોય, એવી મને પાકી શંકા થઈ. પરંતુ હું મંથનનો સાથ ઈચ્છું છું, એ સાંભળી એના હૃદયે એક ખટકો લાગ્યો એવું મેં અનુભવ્યું. મનોમન પાંગરેલી ઇચ્છા પર મહામહેનતે કાબૂ મેળવતો હોય એવા મ્લાન સ્મિત સાથે એણે પ્રત્યુત્તર વાળ્યો, “મે બી, ઈટ્સ પોસિબલ! પણ તારા જેવી મારી કિસ્મત ક્યાં? તારી વિશ તો ફટાક કરતી પૂરી થઈ જશે. બસ, તારે એક સ્માઈલ વેરવાની જ વાર છે કે મંથન પાણી-પાણી થઈને તારા પગમાં ઢેર થઈ જશે. એક ફૂલ માત્ર નહીં, આખો ગુલદસ્તો પ્રપોઝ માટે લઈને એ આવશે...લાગી શરત? પણ અહીં તો કોણ બારીમાંથી કે દરવાજાની તિરાડથી જુએ છે, એની જ જાણ નથી ત્યાં મને ખ્યાલી પુલાવ શા માટે ખવડાવે છે? બટ આઈ વિશ ફોર યોર વિશ કે તને મંથનનો સાથ હંમેશ માટે મળે!” ફરી એક છોભીલું સ્મિત વેરી એણે વળીને બાઈકને સેલ મારી ભગાવી મૂકી.




          “ડફર.. આજે પણ ન બોલ્યો!” મેં બાગના આછા ઘાસવાળી માટીમાં પગ પછાડ્યો. એનું અંતિમ વાક્ય સાંભળી મારો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. પરંતુ માનસને મારી આ બંને પ્રતિક્રિયા જોવાના હોશ ક્યાં હતા? હા, ‘ડફર’ સંબોધન એના કાને આછું-પાતળું પડ્યું હશે. કદાચ એણે પોતાના કાનનો વહેમ માન્યો હશે! એ ન થોભ્યો અને ન પાછળ જોયું અને મારી ખરેખરી વિશ અધૂરી રહી ગઈ. ધૂંઆપૂંઆ થતી હું સખીઓનાં ટોળા તરફ વળી તો ખરી પણ મારું ધ્યાન માનસ પરત્વે જ ખેંચાયેલું રહ્યું. મારી અંગત કહેવાય એવી બે-ત્રણ સખીઓએ પણ મારો ધોયેલા મૂળા જેવો ચહેરો જોઈ મને છંછેડવાનું માંડી વાળ્યું. આ કંઈ નવું ન હતું. માનસ પ્રત્યેના મારા ક્રેઝની એ બધીને જાણ હતી. ઈવન આખી યુનિવર્સિટીમાં મારા ક્રશની લગભગ બધાને આછી-પાતળી જાણકારી હતી. અજાણ હતો બસ એક ડફર મનિયો પોતે જ! અંતે થાકી-હારીને હું લાઈબ્રેરી તરફ આગળ વધી.



         મારો એક સમયનો પાડોશી, બાળપણથી કિશોરાવસ્થા સુધી વિતાવેલી નિર્દોષ રમતોની આનંદપૂર્ણ ક્ષણોનો એકમાત્ર સાથી અને કોલેજ તથા અત્યારે યુનિવર્સિટીમાં પણ એ મારો સહાધ્યાયી હતો. અમારી બંનેની જોડી સમગ્ર સંકુલમાં ‘અનબ્રેકેબલ જોડી’ તરીકે પ્રખ્યાત હતી. જોડીવાળી દરેક રમત અને હરિફાઈમાં અમારી જોડી અજેય હતી. અભ્યાસમાં પણ અમે બંને તેજસ્વી હતા. દિવસનો અડધો કલાક એકબીજા વિના અમે માંડ ગાળી શકતા, અડધી રાત સુધી વોટ્સએપના મેસેજના તાંતણે જોડાયેલ રહેતા, એ હદ સુધી અમારું જોડાણ હતું. અમારા ઘરના સભ્યો વચ્ચે પણ સારી એવી મિત્રતા હતી. થોડા સમય પહેલાં સુધી એ સ્વચ્છ મિત્રતામાં પ્રેમનું તત્ત્વ ભળ્યું, એ પણ ફક્ત મારા જ પક્ષેથી! 




         સમજણ આવ્યા પછીના બાર-તેર વર્ષ સુધી નિર્દોષ અને નિ:સ્વાર્થ અમારી દોસ્તી હતી, મજાક-મસ્તી સાથે એકબીજાને ધોલધપાટ કરવી પણ અમારા માટે સામાન્ય વાત હતી. ઈવન એ મારી જીંદગીનો સૌથી મહત્ત્વનો ભાગ હતો. હા, એ મારા સ્વપ્નનો રાજકુમાર બની જશે, એવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. 




          હજી મહિના પહેલાંની જ વાત છે. અમે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. રિહર્સલ કરતી વખતે અચાનક મારો પગ મચકોડાઈ ગયો. હું જમીન પર પડી રહી હતી ત્યારે એણે મને રિતિક રોશનની સ્ટાઈલથી બચાવી લીધી. એના કસરતી હાથોમાં મેં પ્રથમવાર પ્રેમની ઉષ્મા અનુભવી અને અવાજમાં પણ....એ બોલ્યો હતો, “માહી, બી કેરફૂલ.. ઢબ્બુ.. અત્યારે લાંબી થઈ ગઈ હોત તો એક મહિના સુધી હોસ્પિટલનાં બેડ પર ચાલી ગઈ હોત! જરા સંભાળીને સ્ટેપ્સ લે!”



          ‘તો.. તો.. મારી કેર કરનાર તું હતો જ ને!’ હું મનોમન બોલી હતી. પરંતુ મારી આંખો આ જ હેત એની પર વરસાવી રહી હતી. એ ક્ષણ અને આજનો દિવસ -અસંખ્ય વાર મેં એની સામે મારો પ્રેમ જાહેર કરવાના ભરપૂર પ્રયાસ કર્યા, પણ મારો હોશિયાર મનિયો આ બાબતમાં ડફર સાબિત થયો! બેવકૂફને જગત આખાની બધી વાતો સમજાઈ જતી હતી. અરે...મેથ્સ અને સાયન્સની અત્યંત કઠિન એવી થિયરીઓ પળવારમાં એના મગજમાં ઊતરી જતી હતી, પરંતુ એક છોકરીની લાગણીઓ આ ડફરને સમજાતી ન હતી! મને તો લાગે છે કે એનો ફ્યૂઝ થોડો ઢીલો થઈ ગયો છે! એના મગજના વાયરિંગમાં કંઈક લોચો હોવો જોઈએ. 



          એક વાર તો હું જાણીબૂજીને પગ લપસવાનું બહાનું ધરી એના ખોળામાં જઈ પડી. વધુમાં એના ગળામાં હાથ ભરાવી એને મારા ચહેરાની એકદમ નજીક લઈ આવી...તો સાલો ડફર છોકરીની જેમ સંકોચાઈ ગયો! મને ઊભી કરીને બોલ્યો, “તને વારંવાર પડવાની ટેવ પડી રહી છે, માહી! ચક્કર આવતા હોય તો વર્ટિગો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે લઈ જાઉ?” 



         હવે મારે આને શું કહેવું? સાલાને છોકરી સાથે વાત કરવાની કોઈ સેન્સ જ નથી! એ પછી મેં આ મંથનનું પિક્ચર બનાવ્યું. આજે ત્રીજો શો હતો. મને ખાતરી હતી કે આજે તો એ કંઈક કહેશે. કદાચ ખીજાશે. કંઈક એવું તો કહેશે જ...જેનાથી એની ફિલિંગ બહાર પડશે, પણ સાલો મને વિશ કરીને પલાયન થઈ ગયો! 



           સાંજ સુધીમાં તો મારું માથું ફાટવા લાગ્યું. મારી વાતથી એનું મોઢું પડી ગયું હતું, એ એક આશા મારા પ્યારને જીવંત રાખી રહી હતી પરંતુ એ ગાયબ હતો! હા, મારો મનિયો – ધ ગ્રેટ પ્રિન્સ ઓફ માય હાર્ટ પાંચ કલાકથી ઑફલાઇન હતો. એના વોટ્સએપનું લાસ્ટ સીન બપોરે એક વાગ્યાનું બતાવી એની જેમ જ ગાયબ થઈ જતું હતું. ત્રણ કલાકથી મેં એને પચાસ વાર કોલ કરવાની ટ્રાય કરી પણ એનો ફોન બંધ હતો! ઘરેથી પણ એ લાપતા હતો, એ એની બહેન મિમા – મિમિષાથી જાણ થઈ. હવે મારા દિલોદિમાગમાં વધુ એક આશંકાએ જોર પકડયું. 




          ‘મારી મજાકને ગંભીરતાથી લઈ સાલાએ સ્યુસાઇડ તો નહીં કરી નાંખ્યું હોય ને? પણ મારા પ્રત્યે જો જરા પણ પ્રેમ હોય તો એટલીસ્ટ એણે કંઈક તો કહેવું જોઈએ ને...આમ કંઈ પણ કહ્યા વગર કોઈ સ્યુસાઇડ કરતું હશે?’ અરે યાર, હું પણ ક્યાં આવા ગાંડા વિચારોમાં વહી ગઈ? કંઈ કેટલીય વાર સુધી આમ જ વિચારોની ગાડી વારંવાર પાટા પરથી ઊતરી કોઈક ભળતા જ ટ્રેક પર જતી રહેતી હતી. મને લાગે છે કે આમ તો હું ગાંડી થઈ જઈશ અથવા પોતે જ પેલા સુશાંતસિંઘની જેમ સ્યુસાઇડ કરી બેસીશ! 



         મારું મગજ બેલેન્સ ખોવાની તૈયારીમાં જ હતું ત્યાં જ વોટ્સએપમાં મેસેજ બ્લિન્ક થયો. લૉકસ્ક્રીન પરના નોટિફિકેશન મારું રહ્યુંસહ્યું ભેજું પણ હટાવી ગયું. માનસનો મેસેજ હતો, ‘આઈ ગોટ અ ગર્લ, હૂ સૉ મી ફ્રોમ હર વિન્ડો! યુ આર ગ્રેટ.. માહી ડાર્લિંગ!’



         મેસેજ આવ્યો એટલે મને એના જીવિત હોવાની ખાતરી થઈ. હજી મારો જીવ ક્ષણિક હેઠો બેઠો ત્યાં જ બીજી મિનિટે ફરી એક ઝંઝાવાતે મારા મગજમાં ઝાડું ફેરવી નાંખ્યું. ઘણું વિચારીને મેં એને જવાબ આપ્યો, ‘હૂ ઈઝ ધેટ ચૂડેલ? આઈ વોન્ટ મીટ હર ઈમીડેટલી!’




        ‘ચૂડેલ?! ઓહ.. યુ આર જેલસ નાઉ! હર નેમ ઈઝ મૈત્રી. ઈફ યુ વોન્ટ મીટ અસ, કમ નાઉ એટ અપ્સરા! અમે બંને ડિનર ઓર્ડર કરીએ છીએ. તું પણ સાથે જમી લેજે.’ અમે ચેટમાં હંમેશા અંગ્રેજીમાં જ વાતચીત કરતાં પણ ક્યારેક મને ચીડવવા માટે એ ગુજરાતી લખતો. અત્યારે એણે ગુજરાતી લખ્યું, એ દિશામાં તો મારું ધ્યાન ન ગયું, અલબત્ત એની ઓફરથી મારા રૂંવે-રૂંવે ઝાળ લાગી ગઈ. હું ફટાક દઈને ઊભી થઈ અને મોઢા પર સ્કાર્ફ લપેટીને એક્ટિવા ભગાવી અપ્સરા તરફ! 



*



         “આવ માહી આવ, મૈત્રી તારી રાહ જોઈ-જોઈને થાકી, અત્યારે જ વોશરૂમ ગઈ...આવતી જ હશે! તું બેસ અને બોલ.. શું લેશે ડિનરમાં? ઓહ.. એ તો આજે મિનીનો બર્થ ડે છે, એક્ચ્યુલી આ પાર્ટી એણે જ એરેન્જ કરી છે!” મારું એકટક ધ્યાન ટેબલ પર સુશોભિત કેક તરફ જોઈ એણે ચોખવટ કરી. એમાં બરાબર વચ્ચે અંગ્રેજીમાં હેપ્પી બર્થ ડેના ટેગ સાથે મધ્યમ પ્રકારનો ‘એમ’ લખ્યો હતો. 



         “હવે આ મિની કોણ છે? એક ચૂડેલ ઓછી હતી... તે તું બીજીને પણ વચ્ચે લાવ્યો?” મારું મગજ ચકરાઈ રહ્યું હતું. 



        “અરે.. મૈત્રીનું પેટનેમ છે મિની! શું તું પણ યાર, એલફેલ બોલ્યે રાખે છે? બેસ તો ખરી!” અમારી આ લમણાઝીંક અને એ પછી પણ સારો એવો સમય વીતી ગયો છતાં મૈત્રી કે મિનીનાં દર્શન થયાં નહીં! આ સમયગાળો મેં માનસના ચહેરાનો અભ્યાસ કરવામાં વીતાવ્યો. એ પોતાની મસ્તીમાં મસ્ત હતો. મોબાઈલથી ડોકું નીકાળીને વચ્ચે મારી તરફ જોઈ કંઈક ભેદી કહેવાય એવું સ્મિત વેરી ફરી એ મોબાઈલમાં ઘૂસી જતો રહેતો હતો. હું એને સમજવાની કોશિશ કરતા કરતા પેલી ચૂડેલની રાહ જોતી બેસી રહી. ઘણીવાર મારા બદલાયેલા મનિયાને જોઈ મારી આંખમાં આંસુ આવી ગયા. એને સંતાડવા માટે હું ગરદન નમાવી દેતી હતી. કારણ કે મને એનો પ્રેમ જોઈતો હતો, એની પાસેથી દયાની ભીખ નહીં! અંતે મારી ધીરજ ખૂટી ગઈ. માથું ઊંચું કરી હું એની પર ત્રાટકી, “ક્યાં છે તારી એ મિની.. બિલા...ડી?” ડી બોલતા તો મારી જીભ તાળવે ચોંટી ગઈ, કારણ કે મનિયો સામે હતો જ નહીં! હું આસપાસ નજર ફેરવીને એને શોધું, એ પહેલાં મારી જાંઘ પર એક હાથ મૂકાયો, “અહીં છું હું, આ તારું નીચે પડી ગયું હતું!” એ એક પગ વાળીને પ્રપોઝની સ્ટાઈલમાં નીચે બેઠો હતો. એના હાથમાં વાળમાં ભેરવવાનું બક્કલ હતું!      

   


          “મારું નથી, હશે તારી મેનકાનું!” પેલીનું ત્રીજું નામકરણ મેં કરી નાંખ્યું. એનું હાસ્ય છૂટી ગયું. પહેલાં એ મોં પર હાથ દબાવી ધીરેથી અને પછી ખૂલીને ખડખડાટ હસી પડ્યો. અપ્સરાનાં અન્ય કસ્ટમર અમારી સામે જોઈ રહ્યા હતા. કેટલાકની આંખોમાં આશ્ચર્ય... તો કેટલાકના મોઢા પર હાસ્ય... તો કેટલાક અણગમો દર્શાવી રહ્યા હતા. માંડ હસવું રોકી એ બોલ્યો, “તારું વોટ્સએપ ચેક કર. મિનીએ એક મેસેજ મોકલ્યો છે!”



          મેં ઝડપથી આંગળીથી ફોનના સેન્સર પર ભાર આપ્યો. એક અજાણ્યા નંબરનો મેસેજ હતો, ‘નમસ્કાર, હું મિની છું. આજે મારો બર્થ ડે છે અને માનસે મને જણાવ્યું છે કે તમે અહીં મારી સાથે લડવા આવ્યા છો! તદુપરાંત તમે મને ચૂડેલ, બિલાડી જેવા નામથી પણ  સંબોધી છે. માફ કરશો પણ મને તમારા જેવી જાડી છોકરી સાથે લડવાની કોઈ ઇચ્છા નથી! એટલે મહેરબાની કરી તમે અહીંથી પ્રયાણ કરો અને મને મારા મનના માણીગર સાથે જન્મદિવસની ઉજવણી કરવા દો. હા, તમને કેક ચાખવાની લાલસા હોય તો એમાંથી એક મોટો ટુકડો કાપીને ખાઈ શકો છો! હું સમજી લઈશ કે કોઈક ઉંદરડી મોઢું મારી ગઈ હતી!’



         “ઉફ્ફ.. કેટલું હાર્ડ ગુજરાતી? અને મનિયા.. આ ચૂડેલ મને ઉંદરડી અને જાડી કહે છે! તું બોલાવ એને મારી સામે... અત્યારે જ બોલાવ!” હું જાડી નથી.હા, થોડી તંદુરસ્ત જરૂર છું. આ વેવલીની મને જાડી કહીને મારું અપમાન કરી રહી હતી. હવે તો એને સબક શીખવાડવો જરૂરી હતો. કેકને વેરણછેરણ કરવા માટે મેં હાથ લંબાવ્યો, ત્યાં જ મનિયાએ વચ્ચે હાથ આડો ધરી દીધો.



         “મનિયા હાથ હટાવ, ‘એમ’ની સાથે બીજું કંઈ લખ્યું છે. એ મારે જોવું છે! એ તેં લખ્યું? અહીં તો કોઈ વેઇટર આવ્યો નથી!” એના હાથની ઉપરથી જોયું તો મને અલપઝલપમાં ‘હેપ્પી બર્થડે’ના ટેગને બદલે ‘આઈ લવ યુ’નું ટેગ નજરે ચડ્યું. હવે તો હું કાળઝાળ થઈ ગઈ. હજુ કંઈ કહું એ પહેલાં મનિયો જ બોલી ઉઠ્યો, "મેસેજ વાંચ! અરે ડોબી.. તારા ફોનમાં!" 



         ‘કેમ હેરાન કરવાનો ઈજારો ફક્ત તારી પાસે જ છે?’ હું આશ્ચર્યથી એની સામે જોઈ રહી. ત્યાં જ ફરી મેસેજ બીપ બોલ્યું, ‘અનબ્રેકેબલ ઈઝ સ્ટીલ અનબ્રેકેબલ એન્ડ ઓલવેઝ!’



         મને આશ્ચર્ય સાથે સુખદ આંચકો લાગ્યો, ‘તો આ મજાક હતી!’ એણે કેક આગળથી હાથ હટાવ્યો, ત્યાં ‘આઈ લવ યુ’ના ટેગ નીચે માહી લખ્યું હતું! ખરેખર હું હવામાં ઉડવા લાગી. ત્યાં જ ફરી મેસેજ બીપ થયો, ‘લવ યુ અ લોટ, જાડી!’ આ વખતે ન મને ગુજરાતી મેસેજની ચીડ ચડી કે જાડી કહ્યું એનો ગુસ્સો પણ ન આવ્યો. છેવટે મેં મારા મનિયાને પામી લીધો હતો. એના હાથથી વ્હીપક્રીમનો કોન ખેંચી મેં માહીની નીચે માનસ લખ્યું. એણે પર ભરપૂર પ્રેમથી મારી સામે જોયું અને કેક પર છરી ફેરવીને કહ્યું, "પણ આ કેક બ્રેકેબલ છે, જો!"



          અમે બંને ખડખડાટ હસી પડ્યાં. એ સાથે જ હોટલમાં તાળીઓ ગૂંજી ઉઠી.



~સમાપ્ત



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ