વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વસવસો

વસવસો / જગદીપ ઉપાધ્યાય

      મરવાની પણ એક મજા હોય છે કે નહીં?! ઘર, ઓસરી ને ફળીમાં માણસ એકઠું થયું હોય, સૌના હૈયા ભરાઇ આવ્યા હોય,  ભીંતેથી આંસુંની સરવાણી વહેતી હોય, ભગતબાપુ શ્રી રામ જયજય રામની ધૂન ગવડાવતા હોય, ઘરમાંથી સ્વજનો આપણને હળવે હાથે ઉપાડતા હોય  ને માણસો એક પછી એક કાંધ દઇને વહાલ પ્રગટ કરતા હોય! બાપુ! જલસો પડી જાય જલસો! આ કોરોના ક્યાંથી આવ્યો! મરવા ટાણે  કોઇ સગા પાસે હોય તો ડૂસકું મૂકેને! એકાદ બે માણસને  હારે આવવા દે તો!,  બાકી  બારોબાર લાશને રવાના કરી દે. વસવસો તો થાયને!  શેનો? મરવામાં જામ્યું નહીં  એનો? ના,  એનો નહીં.

      આવા તો નાનામોટા વસવસા જિંદગીભર રહ્યા છે. ખરું પૂછો તો બે- ચાર વસવસાના સરવાળાનું નામ જ જિંદગી છે,

     લોકડાઉનના ગાળામાં સવારે દસ થી બાર કર્ફ્યુ મુક્તિ મળે ને તમારી ભાભી ઘણુંય કહે કે હજુ ‘બહાર નીકળવાને વાર છે,’ તોય આપણે નવ વાગ્યામાં ઘરની બહાર નીકળી જઇએ.  મોટી ધાડ મારી  હોય એમ લહેરથી રસ્તામાં આંટા મારતા હોઇએ ને અચાનક પોલીસવાન આવી જાય ને પોલીસ આધેડ વ્યક્તિ જાણીને વધું નહી તોય  પંદર ઊઠબેસ કરાવે તો વસવસો થાય કે નહી? પોલીસે ઊઠબેઠ કરાવ્યાનો નહીં પણ તમારી ભાભીની વાત ન માન્યાનો! ઘેર પહોંચીએ ને વાત કરીએ ત્યારે એ વહાલથી ગુસ્સો કરીને કહે, ‘ઘડીક ખમ્યા હોત તો!’ ને વળી પગમાં ચેતન  આવી જાય!  

      આપણને એમ કે છોકરા ભણીને કાંઇ ઉકાળવાના તો નથી એના કરતા બને એટલો વહેલો કામ ધંધો શીખવાડી દઇએ. પણ પછી કામ ધંધો શીખવાને બદલે છોકરા આપડી સામે ટાંટિયા ભરાવીને બેસે ને વસવસો થાય! છોકરા ટાંટિયા ભરાવીને બેસે એનો? એનો નહી પણ તમારી ભાભીની વાત ન માનીને ભણવામાંથી વહેલા ઊઠાડી લીધા એનો!  ઠીક છે, તમારી ભાભી કહે છે, ‘થોડુંક ખમ્યા હોત તો!, હશે હવે!’ તમારી ભાભી આમ બોલે ને થોડીક કળ વળી જાય આપણને, બીજું  શું?  મુરતિયાની માએ બે ચાર સારી સારી વાત કરી તે  આપણને એમ થયું કે આવું સારું ઠેકાણું મળે છે તો કરી નાખીએ. તે કરી નાખ્યું લગન! તે જુઓને જુવાન છોકરી પાછી આવીને માથે બેઠી છે! વસવસો તો થાય.  છોકરી પાછી આવી એનો? ના...રે... છોકરીઓ તો ઘણાની પાછી આવે છે. વસવસો થાય તમારી ભાભીએ કહ્યું હતુ કે  બે ચાર ઠેકાણા હજુ જુઓ પણ એની વાત ન માન્યાનો! આપણને હતુ કે તમારી ભાભી આ ફેરા સાંત્વનભર્યા બે શબ્દો નહીં કહે ને મનમાં સોસવાંનું થાશે પણ એણે કીધું જ ‘થોડું ખમ્યા હોત તો?’ પાનખરમાં સાવ ખરી ગયેલા ઝાડને પાન ફૂંટે ને જેવી રાહત થાય તેવી રાહત આપણને થાય કે નહીં?

      આ અમૃતા હોટલ ચાલે છે જ આપણા ઉપર! ફરસાણમાં આપડું નામ! લોકડાઉનને કારણે હોટેલ બંધ. ઘરમાં કીડિયું ચડે!  હોટલો શરૂ કરવાની છૂટ મળી હોવાનો હમણા હોટલના માલિકનો ફોન આવ્યો ને આપડે પહોંચી ગયા હોટલ પર. ફાફડા તળતા તળતા તેલની ગરમ સુંગધ લેવાનો અને એકાદ બે ગરમ ફાફડા ખાઇ લેવાનો ટેસડો જ કોઇ ઓર હોય છે. હમણા તો હોટેલ પર રસ પડે એવી બીજી કઇ વાત હોય? કઇ શેરીમાં કયો કેસ થયો ને કોણ ઉકલી ગયું ને કોણ કોરોના થયો છે તોય કળાવા નથી દેતું! હવે તો હોસ્પિટલમાં જગ્યા નથી મળતી ને ખાનગી હોસ્પિટલમાં જાવ તો દસ બાર લાખ સમજી લેવાના! ઘર ખાલી થઇ જાય તોય પાછું સારું થાય તો?  તરફડી તરફડીને એવું  મરવાનું આવે કે તમે જોઇ ન શકો! સાળી એવી બીક લાગે! કે આપડાથી ઝારામાંના ફાફડા ચોકીને બદલે નીચે નખાઇ જાય! હોટલનો માલિક કહે,’ હં...હં.. મગન ગોટી!  મજા તો છે ને!’  એ જ ટાઇમે પાછી છીંક આવે ને આપણે નાક સડડડ,,,, કરતું ખેંચીએ ત્યાં તો ઘનો ડીસ ધોતો ધોતો  બોલે, ‘મગન ગોટી! ધ્યાન રાખજો, ક્યાંક તમે કોરોનામાં ટોલી જાતા નહીં!’ હવે ઇ તો હી...હી..હી.. કરતો હસે પણ આપણને આકરું નો લાગે?!

      આપડે તો કામ પત્યું કે આ નીકળ્યા. ક્યાંય જાવું જ નહોતુંને! પણ રસ્તામાં રોજ જઇએ એ મંદિર આવ્યું. મંદિરતો બંધ હતું પણ આપડી હારે રોજ દર્શને આવીને સુંવાણ કરે એ દામો બહાર ઓટલે બેઠેલો ને એણે મને બોલાવ્યો તે ઘડીકવાર તેની પાસે બેઠા વિના ન રહેવાયું. ગમે એટલી બીજી વાત કરો પણ કોરોનાની વાત નીકળ્યા વગર રહે? તે વાત વાતમાં એ બોલ્યો, ‘જુઓને ભગવાનેય રૂઠ્યો છે. મંદિરમાં  ઘરવાય નથી દેતો! મારી-તમારી જેવાને તો સમજ્યા પણ અમારી શેરીમાં તો ડો. બળુસા’બનેય કોરોના પોઝીટીવ આવ્યો. શું વાત કરું મગન ગોટી! હુ તો એની પાસે આગલા દિવસે જ મને પેટમાં અજીર્ણ જેવું હતુ તે બતાવવા ગયો હતો! તે એ તો મને નાડે ને પેટે ને બધેય અડ્યા. શું કરવાનું! હવે કોરોના થયો એને ને અમને શેરીવાળાનેય હોમક્વોરોન્ટાઇન કરી દીધા. આજે બિચારા પોલીસવાળાનેય સળેખમ જેવું લાગતા એ મને  ધ્યાન રાખવાનું કહીને બતાવા ગયો છે તે નાકે ઊભો રહેવાને બદલે અહીં રસ્તા પર મંદિરને ઓટે બેઠો છું. ક્યાંય ગમતું નહોતું,  સારું થયું મગન ગોટી!  તમે મળી ગયા!’

‘અરે! તારી ભલી થાય, દામા! છેક અત્યારે બોલ્યો?’ બોલો અફસોસ થાય કે નહીં ? દામા હારે વાત કરતી વખતે માસ્ક મોઢા પર ન જાળવ્યું એનો? દામા હારે વાત વાતમાં તાળીઓ દીધી એનો? ઘેર પોગ્યો ત્યાં સુધી જે હાથે તાળીઓ દીધી’તી એ હાથ બળ્યા કર્યો એનો? ના, તમારા ભાભીએ કીધેલું કે ‘સીધા ઘેર આવતા રહેજો’ ને આપડે કોરોંના સ્ટેશને વોલ્ટ કરવા રોકાઇ ગયા એનો! તમારી ભાભીને વાત કરી તો એણે  ફળિયામાં નહાવા પાણી દેતા રોજ કહે છે એમ જ  કહ્યું, ‘પછી ભાઇબંધ હારે બેસવાનું જ છે ને!  થોડાક દી ખમ્યા હોત તો?’ તમારી ભાભીએ તો કહ્યું કે ‘હશે, જે થયું તે હવે ધ્યાન રાખજો!’ પણ ભાઇ! આપણે ખૂણો ગોતી લીધો! આપડે કારણે બીજા હેરાન ન થવા જોઇએ! આખો દી દામાએ હાથે નખોરિયાં ભર્યા કર્યા. સમાચાર તો સાંભળવાં ન બેઠા પણ કાન આડે થોડા હાથ દેવાય છે? કોરોના કેસનો કુલ આંકડો પચ્ચીશ હજાર સાંભળ્યો અને આપણો જીવ ઊંચો થઇ ગયો!  સવારમાં ઠસકું આવ્યું ને ફાળ પડી! પણ આપડે એમ તો આવા ઠસકા ન ગણકારીએ. કામે વયા ગયા. પણ ત્યાંય વાત તો એની એ જ, ‘કોરોના ફટ દઇને ચોંટી જાય છે!  આનો કોઇ ઇલાજ નથી! શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. મોટી ઉમરનાને વધુ તકલીક પડે છે. માણસ સમજતા નથી. ફલાણા જિલ્લામાં આખા ગામને કોરોના થઇ ગયો.’ માથું ભારે થઇ ગયું ને બે દિવસ બીજા કારીગરને બોલાવી લેવાનું હોટેલના માલિકને કહીને આપડે રજા લઇને આવતા રહ્યા! ઘેર ગયા તો તમારી ભાભીએ સમાચાર આપ્યા કે ‘બાલુ ફુઆ કોરોનામાં ગયા!’  વળી સનાન કરવું પડ્યું.

       ‘અડોને કોરોના ચોંટી જાય છે!’ આપણેય બાલુ ફુઆની જેમ જોતજોતામાં વડવા થઇ જાઇ  તો? બીજે દિવસે તો એવા વિચારોમાં ને વિચારોમા ઊંઘ નો આવે. મોડેકથી ઘડીક ઊંઘ આવી તો એમાંય  બિહામણું સપનું આવ્યું;  ‘મગન ગોટી એ તું જ કે?’ એમ કહી જમ બાંધીને લઇ જાય છે. ત્યાં કોઇકને ખીલા પર સૂવડાવ્યા છે!  કોઇકને ઉંધેમાથે ટાંગ્યા છે! આપણને તો વચ્ચે  ઊભા રાખીને બેય જમડાએ હાથમાં હંટર લીધા છે. ‘મીઠાઇમાં ખાંડને બદલે સેકરીન નાખો છો એમ?...સટ્ટાક... મગફળીના તેલમાં પામોલિન ભેળવીને ગાંઠિયા તળો છો એમ?’ સટ્ટાક... એ તો સારું થયું ધરમરાજ આવી ગયા ને જમડા ઉપર ગિન્નાયા, ‘હોટેલના માલિકને પકડીને લાવવાનો હતો! ને આને લઇ આવ્યા?  આ તો એનો કારીગર છે.. નિર્દોષ  છે  છોડી દો એને!’ એણે છોડ્યો ને ભાયડાએ કાંઇ દોટ મૂકી છે, જમ પુરી ને તારામંડળ ને ગ્રહો ને ધરતી ને ગામ ને ઘર ને ઓસરી ઠેકતાક માર્યો ભૂસકો ફળિયામાં... ઓસરીમાં  સૂતેલી તમારી ભાભી કહે, ‘મગન ગોટી! શું થયુ? તમે પડી ગયા?  લ્યો,  હું આવું ઊભા કરવા? વાગ્યું હતુ તોય ઘર, ફળિયું ને તમારી ભાભી ને જોઇને એવો ખુશ થઇ ગયો કે મોઢે, માથે ને પંડ્યે હાથ ફેરવતો ને ચારે કોર જોતો મડ્યો જોર જોરથી દાંત કાઢવા તે તમારી ભાભી હાથ પકડતા કહે, ‘કેમ કોઇ દિવસ નહીં ને આમ ગાંડા કાઢો છો? ખોટા ટેન્શન માથે રખાતા હશે?! ચાલો નિરાંતે સૂઇ જાવ!’ આપડે પછી તંદ્રામાં જ સૂતા કે સપના જ નો આવે! બીજે દિવસે જ શરદી અને ઉધરસ થઇ ગયા. ડીલ ધગતું હોય તેવું લાગ્યું. નાક બાજી ગયું હશે કે કેમ? શ્વાસ ઘડીક બરાબર લેવાય ને ઘડીક  લેવામાં તકલીફ પડે. આપડે સિવિલ હોસ્પિટલે દોડી ગયા એકલા! ત્યાં એ લોકોએ આર ટી પી સી આર એવો કાંઇક ટેસ્ટ લીધો ને જિલ્લાની સિવિલમાં રિપોર્ટ માટે નમૂનો મોકલવો પડશે તેમ જણાવ્યું પણ મને તાવ, શરદી ને ઉધરસ વગેરે ભારે હોઇ કોરોના હોવાની શક્યતાય  ખરી તેમ એણે તો આપણને સચેત કરવા કહ્યું પણ આપડા ગાઢ મોકળા થઇ ગયા! આપણને એક નહી બે અફસોસ થયા, હા..હા.. બે અફસોસ! શેના? સિવિલમાં ભૂલેચૂકેય હમણા નો જવાય ને જાવું પડ્યું એનો? ને સિવિલમાં કોરોના હોવાની શક્યતાય ખરી એમ વાત થઇ એનો? ના ભૈ! તમારી ભાભીએ સિવિલ હોસ્પિટલે હારે આવાવાનું કહ્યું ને ‘તારુ શું કામ છે?’  એમ ફિશિયારી મારતા એકલા દોડ્યા આવ્યા એનો! ને  આપડે આટલા બધા ગભરૂડા છીએ એ વાત તમારી ભાભી જાણે છે ને આપડે પોતે નથી જાણતા એનો?  સિવિલવાળાએ  ધ્યાન રાખવાનું કહી દવાઓ આપી ને ત્રણ દિવસ પછી  આવવા કહ્યું.  તમારી ભાભીએ એના ફોઇનો દીકરો આયુર્વેદિક દાક્તર છે ને ગામડે પ્રેક્ટિસ કરે છે તેને ફોન કરીને રિપોર્ટ આવે ત્યારે મારી સાથે રહેવા જણાવી દીધું. રીપોર્ટના દિવસે એ થોડો મોડો પડ્યો! ને આપડે એને સીધા સિવિલે મળવાનો  ફોન  કરીને  પહોંચી ગયા સિવિલે. આપડે એમ થોડા દોઢડાહ્યા થઇએ? પણ આ તો આપડે  સિવિલને પગથિયે પહોંચ્યા ત્યારે નર્સ એક પછી એક દર્દીને રિપોર્ટ લઇ જવા માટે બૂમો પાડતી હતી ને મારે કાને ગોટી.. એવા શબ્દો સંભળાયા ને હું દોડીને ગયો, નર્સ કહે,  ’તમે ગોટીભાઇ?’  આપડે કહ્યું ‘હા.’  તો એ કહે,  ‘આવો ડોક્ટર સાહેબ પાસે?’  હવે શું કરવું? આપડે મોઢાના મોળા! ના કહી નો શક્યા! નર્સ લઇ ગઇ દાક્તર પાસે ને કહે આ ગોટીભાઇ પોતે!’  દક્તરે કહ્યું કે, ‘તમારો કોરોના રીપોર્ટ પોઝટીવ છે. દાખલ થઇ જાવું પડશે! કોઇ છે સાથે?’ આપડે કહ્યું, ‘હમણા આવે છે.’ દાક્તર કહે, ‘સારું, તમે દાખલ થઇ જાવ હું એમની જોડે વાત કરી લઉં છું’ દાક્તરે ઘણી ધરપરત આપી પણ મંડ્યો ગભરાટ થાવા! ને  મંડ્યા અંધારા આવવા!  બોલો વસવસો થાય કે નહીં? શેનો કોરોના પોઝીટીવ આવ્યો એનો, ના ભાઇ ના !

       આપણને એક અલગ વિભાગમાં લઇ ગયા. હવે તમારી ભાભીના ફોઇના દીકરાને કમસે કમ પહોંચી જવા તો દેવો જોઇએ કે નહીં.  આ તો ખલ્લાસ... આપડા પર વાદળા બંધાયા વિના આભ તૂટી પડ્યું. નબળા અને અમંગળ વિચારોએ જાણે ધાડ પાડી! ચોરી ચપાટીએ ચડી જતા છોકરાઓ, ભીખ માગતી ઘરવાળી... ધબકારાઓ વધવા લાગ્યા! એમાંય અનૈતિક માર્ગે વળતી છોકરીની અઘટિત કલ્પના આવી ને પંડમાં  પરસેવો વળી ગયો. પરસેવો વળી ગયો પણ કેવો...હાર્ટએટેક આવી ગયો ને હાર્ટએટેક પણ કેવો?  મગન ગોટી ધુમાડો  થઇ ગયા! બોલો વસવસો થાય કે નહી? મરવામાં જામ્યું નહીં એનો? ના એનો નહીં.

      બેસણામાં રેશમની ગાદીપર બેસીને ફૂલો અને ધૂપસળીની સુગંધ વચ્ચે લોકોના ભર્યા ભર્યા દિલાસા સાંભળ્યા વિના આમ સીધા ભીંતે ટીંગાઇ જવું પડ્યું એનો? ના ભાઇ  ના! એનો નહીં. એમ તો તમારી જેવા અંગત સ્વજનો આવ્યા વિના થોડા રહી શકે?

       તો, છોકરાઓ આવનારાને કહે છે કે,‘બાપા! ઉતાવળા થઇ ગયા! અમારા ડોક્ટરમામાની રાહ ન જોઇ! મામા ગયા ત્યારે ખબર પડી કે અમારા બાપાનો નહીં અમારા કુટુંબી મનહર ગોટીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અમારા બાપા તો  મગન ગોટી! એનો રીપોર્ટ  તો બપોર પછી આવ્યો ને એય  નેગેટીવ!  નામમાં ગરબડ થઇ ગઇ! હજુ તો મામા ધડ કરતા હતા ત્યાં બાપાને ગભરાટમાં એટેક આવી ગયો!  એનુ એટલું આયુષ્ય બીજું શું?’ વસવસો .... વસવસો! વયા  ગયા પછી  ખબર પડી કે રીપોર્ટ નેગેટીવ આવ્યો એનો! એનોય નહી ! તો?

       તમને થાશે કે આમાનો એક્કેય નહીં તો ક્યો? તો આ એક જ ‘ તમારી ભાભીએ  કહ્યું હતું, ‘ભાઇ આવે પછી જાવ!’ પણ આપડે માન્યા નઇ એનો! ભાઇ હારે હોત તો આ બધી રામયણ નો થાત!

       જો કે મર્યા પછી આપણને તો લીલા લહેર છે.  આપડે  અહીં બે દી નિરાંતે રોકાણા છીએ ને તસવીરમાંથી મનોમન તમારી હારે વાતુના ફડાકા મારીએ છીએ. વ્યક્તિ મટીને વ્યાપક થઇ જવાનો એય ને રૂડો અવસર આવ્યો છે. નાનામોટા વસવસા સૌને રહી જાય! પણ બાપા! આપડે હવે એવો કોઇ વસવસો નથી રહ્યો. જુઓ  બે દિવસમાં તો કેટલું બદલાય ગયું છે! માથે પડ્યું તે બન્ને છોકરાઓએ પોતપોતાના જોગું કામ શોધી લીધું છે. છોકરી ફેશનડિઝાઇનરનો વ્યવસાય કરતી મહિલા પાસેથી ભરત ગૂંથણનું કામ લઇ આવી છે. તરવેણી ફઇએ એના સાટું અસલ ઠેકાણું શોધી આપીને તમારી ભાભીને સધિયારો આપ્યો છે. મારા વહાલા! આમ તો કોરોના આપણને ફળ્યો!  બસ એક વસવસો ન રહી જાય એટલે આતો ખોટી થયા છીએ. તમને થાશે કે હવે વળી ક્યો વસવસો?’; બસ એકવાર તમારી ભાભીને મોઢે વહાલ ભર્યા ગુસ્સામાં સાંભળી લેવું છે, ‘ ઘડીક ખમ્યા હોત તો?’ પણ એ બોલતી જ નથી!  આમ તો ‘વસવસો’ એ તો માણસ તરીકે ખરેખર જીવી ગયાનું પરમાણ છે! માંહ્યલો એમ કહે છે કે, ‘મગન ગોટી! બધુંય અહીં ને અહીં ક્યાં પૂરું કરવા બેઠા? એકાદ વસવસો તો ભગવાન સાટું હારે લઇ લ્યો!’; માંહ્યલો કહે એ સાચું! સારું ત્યારે ...હાલો ... જય ભગવાન! ‘

 

           (‘હરિગીત’ 66,વૃંદાવન પાર્ક, વાંકાનેર(જિ.મોરબી) -363621 મો.9408910328 ઇ-મેઇલ 6alakooo3@jmail.com)

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ