વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અજાણ્યો પરિચય

ઊંચી બિલ્ડિંગની ઓથે લપાયેલ સૂરજના કિરણો બિલ્ડિંગની આજબાજુથી બહાર આવીને પોતાનું તેજ શહેર પર પાથરી રહ્યા હતાં. એ સાથે જ ઘડિયાળના નિર્જીવ છતાં સતત ગતિશીલ કાંટાના ઈશારે ચાલતી માનવજાત પણ કાર્યરત થઈ ગઈ હતી. ખોરાક શોધવા નીકળેલી કીડીઓ જેમ અમદાવાદનાં રસ્તાઓ પણ કામ પર જતાં માણસોની અવરજવરથી છવાઈ ગયા હતા. ત્યાં નાનકડા એક બસ સ્ટોપ પર પ્રણીથ નામનો યુવાન પણ પોતાના સમય પર અચૂક આવી જતો. તો સામે છેડે થોડા સ્ટેન્ડ પછીથી તેની જ વયની એક યુવતી પણ રોજ એ જ બસમાં ચઢતી. સાવ અજાણ્યા છતાં ચીર પરિચિત એ બન્નેની આંખો એકબીજાની નોંધ જરૂર લઈ લેતી.


કોઈ જ સંબંધ ન હતો પણ એક જ સમયના અને એક જ બસના એ મુસાફર હતા. છોકરીનો ચહેરો દુપટ્ટાથી હંમેશા ઢંકાયેલો રહેતો. દરરોજ નવા રંગનો દુપટ્ટો. પણ એની આંખો અચૂક જોવા મળતી. ના પ્રેમ સંબંધ હતો કે, ના મિત્રતાનો. પણ કોઈ અજાણ્યા સબંધથી તેઓ જોડાયેલા હતાં. પ્રણીથ તેની માછલી સમી બે કાજલ ભરેલી ચોખ્ખી આંખો જોઈ રહેતો. તેની મોટી આંખો ક્યારેક સહેજ સંકોચાતી ત્યારે લાગતું જાણે તેણે સ્મિત કર્યું હશે. પ્રણીથને ઘણીવાર થઈ આવતું કે ક્યારેક એ તેના સુંદર ચહેરા પરથી આ આવરણ હટાવે તો તેના મોહક સ્મિતને જોઈ લઉં. પણ એ દિવસ હજુ સુધી આવ્યો જ નહોતો.

સવારે જતાં તે છોકરી પાછળથી ચઢતી, પણ સાંજે ઘરે આવતા છોકરીનું સ્ટેન્ડ પ્રણીથ કરતા પહેલા પડતું એટલે તે પ્રણીથ બસમાં ચડે એ પહેલાં જ બસમાં હાજર રહેતી. પ્રણીથ પણ બસમાં ચઢી સૌથી પહેલા એને શોધતો. એ કંઈપણ કરીને એજ બસ પકડતો. ઘણીવખત મોડું થઈ જાય તો દોડતો દોડતો આવીને પણ એજ બસ પકડતો. કે જેનાથી એ બંને હંમેશા એક જ બસમાં રહે. એને એનો સહવાસ, એ અનુભવ ખૂબ ગમતો. અને જો ક્યારેક એ ન દેખાતી તો પ્રણીથને બસમાં ગમતું નહીં. આખી એ બસની સફર એને જાણે વર્ષો જેટલી લાંબી લાગતી.




એક દિવસ બસમાં બહુ જ ભીડ હતી. લોકોને જાણે ખબર નહિ આજે જ ક્યાં જવું હતું, પણ બસમાં શ્વાસ લેવાની પણ જગ્યા મળે એમ નહોતું. અને એમાં પણ અધૂરામાં પૂરું બસનો ડ્રાઇવર નવો હતો. આખો રોડ જાણે એણે ખરીદી લીધો હોય એમ આડેધડ બસ હંકારી રહ્યો હતો. એટલું ખરાબ એ ચલાવતો હતો કે એને વારેઘડીએ જોરદાર બ્રેક મારવી પડતી. અને એના લીધે આખી બસમાં બધા આમથી તેમ એકબીજા જોડે ભટકાઇ રહ્યા હતા. કોઈ જોરથી તો કોઈ મનોમન ગાળો પણ સંભળાવતા.


      આવી હાલતમાં પેલી છોકરીને બેસવાની કોઈ જગ્યા ન્હોતી મળી અને એ ભીડની વચ્ચે ઉભી હતી. જ્યારે પ્રણીથ પાછળથી આવ્યો, પણ સદનસીબે એ ઊભો હતો ત્યાં એક જણને ઉતરવાનું થયું ને પ્રણીથને જગ્યા મળી ગઈ.


      પણ પેલી છોકરી માટે મુસીબત થઈ ગઈ હતી. ઘણાં નરાધમો આવી ભીડનો ફાયદો ઉઠાવીને છોકરીઓને અડપલાં કરતા હોય છે. ને બસ, એવું જ આ છોકરી જોડે પણ થયું.


   એ છોકરીને આટલી ભીડમાં જોઈ એક હરામી છોકરો હાથે કરીને અડપલા કરીને ગંદી મજા લઇ રહ્યો હતો. બ્રેક વાગતા એ હાથે કરીને એ છોકરી પર જાણી જોઈને એવી રીતે ઢળી જતો કે એ છોકરીના બધા અંગ ઉપાંગો અડવા મળે.


      પ્રણીથની નજર એ છોકરી પર જ હતી. એનાથી આ ન જોવાયું. એનાં શરીરમાં જાણે આગ લાગી ગઈ. એના દાંત ભીડાઈ ગયા અને એની હાથોની મુઠીઓ વળવા લાગી. એ જાણે હમણાં જ ઊભો થઈને પેલા હરામીને મારી બેસે એટલો બધો ગુસ્સો આવ્યો.


       પણ આ બધું કોની માટે? એ છોકરી માટે? કોણ હતી એ એની? કોઈ જ નહીં. ન મિત્ર કે ન બીજું કંઈ... એટલે એ જરા ખચકાયો. એણે પોતાની જાતને થોડીક શાંત કરી. અને મગજ વાપરવાનું શરૂ કર્યું. કોઈકની જોડે ઝગડો કરી લેવો પણ ઠીક નથી. હીરોગીરી કરવા જતાં ક્યારેક લેવાના દેવા ન થઈ જાય. એને એ રીતે કામ કરવાનું હતું કે સાપ પણ મરે અને લાકડી પણ ન તૂટે. એમ વિચારીને પ્રણીથે બીજો ઉપાય શોધ્યો. શોધવાવાળાને તો ભગવાન પણ મળી જાય છે તો પછી એક ઉપાય કેમ નહીં!


      એ બેઠો હતો એ જગ્યા બીજાને આપીને એની જોડેથી સરસ સ્મિત અને " થેંક્યું" લઈને પેલી છોકરી તરફ આગળ વધ્યો. જેમતેમ જગ્યા કરીને માંડ માંડ એ ઉભી હતી એની સામે ધક્કો મારીને આવીને ઊભો રહ્યો.

 

      એ છોકરી અને ગંદી હરકતો કરતો એ છોકરાની વચ્ચે બળપૂર્વક એ ઉભો રહ્યો. પેલાએ ના પાડી કે જગ્યા નથી ત્યાં શા માટે ઘૂસે છે. એને ગણકાર્યા વગર જ તે બરાબર એ હરામીની આગળ ઉભો રહી ગયો. એ પેલા હરામી છોકરાને જરાય ન ગમ્યું. એ પ્રણીથ સામે ખુન્નસથી જોવા લાગ્યો. પણ કરે શું? આગળ બોલવા માટે કે કશુંક કહેવા માટે તો એની જોડે કંઈ ન્હોતું.


      પ્રણીથ આવીને એ છોકરી જોડે ઊભો તો રહી ગયો. પણ પેલી છોકરી હજી ડરતી હતી. એને થયું કે,

       " હવે બ્રેક વાગશે અને ધક્કો આવશે તો આ છોકરો પણ મારા પર પડશે. બધા સરખા જ તો હોય છે."  એમ વિચારીને એણે મોઢું ફેરવી નાખ્યું. પરંતુ એવું કશું જ ન થયું. પ્રણીથની ઊંચાઈ વધારે હતી. એ આરામથી બસમાં ઉપર લગાડેલ ડંડા સુધી પહોંચી રહેતો. એણે એ ડંડો કચોકચ પકડી રાખ્યો.



      જેવી બ્રેક વાગી કે આગળથી ધક્કો આવ્યો અને પ્રણીથે બધો ધક્કો પોતાના હાથ પર લઈ લીધો. પોતાના શરીરને એ રીતે કાબૂમાં રાખ્યું કે અછડતો સ્પર્શ પણ તે છોકરીને ન થયો. છોકરીની આંખો થોડી પળ માટે થોડી વાર પહેલાના ખરાબ અનુભવ વિશે વિચારીને બંધ થઈ ગઈ હતી. પણ જ્યારે કશું જ ન અડ્યું કે કશું જ ન અથડાયું ત્યારે એણે વિસ્મયતાથી આંખો ખોલી.


      અને જોયું તો પ્રણીથ પોતાની બધી જ તાકાત વાપરીને એ છોકરી પર ધક્કો ન્હોતો આવવા દેતો. દમ લગાવવાથી એનો ચહેરો આખો લાલ થઇ ગયો હતો. એની આંખો બંધ થઈ ગઈ હતી. પરસેવાની બુંદો એની કાળી ઢીમ દાઢી પરથી ટપકવા જઈ રહી હતી. અને એ પરસેવાથી આવી રહેલી સાચી મર્દાનગીની સુગંધ સીધી જ પેલી છોકરીના શ્વાસમાં જઈ રહી હતી. એ છોકરીની આંખો પહેલીવાર મળેલા આવા છોકરા પર મંડાઈ રહી જે એક છોકરીને કશું ખરાબ ન લાગે અને એને બચાવવા આખા બસની ભીડનો ધક્કો ખુદના મજબૂત હાથ પર લેતો હતો.



      આવું ઘણીવાર થયું. પ્રણીથ આખો નજીક આવી જતો. પણ એ છોકરીને ધક્કો ન્હોતો આવવા દેતો. એ છોકરી પ્રણીથને જોઈ રહી. પણ, પ્રણીથનું ધ્યાન ભીડના ધકકાને સહન કરવામાં હતું. થોડીવારમાં એ છોકરીનું સ્ટેન્ડ આવી ગયું અને એને ઉતરવું પડ્યું. એ જતા જતા પણ પ્રણીથ સામે જોઈ રહી હતી. પ્રણીથની નજરો પણ એ છોકરી બાજુ જ મંડાઇ હતી. એટલામાં નજીકના કોઈ મુસાફરના મોબાઈલમાં એક ધૂન વાગી:


" એ નહોતી મારી પ્રેમિકા... એ નહોતી મારી દુલ્હન…

મેં તો એને માત્ર ઝરૂખે વાટ નીરખતી જોઇ હતી…

કોણ હતી એ નામ હતું શું એ પણ હું ક્યાં જાણું છું…."

      પોતાની મનગમતી મનહર ઉદાસની આ ગઝલ પ્રણીથ જાણે આજે પોતાની આ સ્થિતિ પર એકદમ બંધ બેસતી જોઈ રહ્યો હતો. પ્રણીથ પણ એ છોકરીનું ન નામ જાણતો હતો કે ન એ શું કરે છે એ જાણતો હતો. એણે તો બસ એ છોકરીને આ બસમાં મુસાફરી કરતા જોઈ હતી.


     એની આંખો ફરી ચમકી. એની નજરો ફરી બસના દરવાજા પર ગઈ પણ ત્યાં સુધી એ છોકરી જતી રહી હતી. ઊંડા શ્વાસ છોડીને એ ભીડ આગળથી હટી ગયો અને આખી ભીડનો એણે ફરી એકબીજા પર બ્રેક વાગતા ઝોલાં ખાતા અને પડતાં છોડી દીધી અને એનું સ્ટેન્ડ આવતાં એ પણ ઉતરી ગયો.


      એ બીજા દિવસે કાગડોળે રાહ જોવા લાગ્યો. પ્રણીથને થયું એ આજે આવશે તો કદાચ આભાર વ્યક્ત કરશે. સ્મિત આપીને વાત કરશે. કદાચ વાત આગળ પણ વધશે. પણ અફસોસ… એ ન આવી. પ્રણીથ રાહ જોતો રહ્યો પણ એ દિવસ પછી એ છોકરી ન દેખાઇ.



    પ્રણીથને ખૂબ દુઃખ થયું. ખૂબ ખરાબ લાગ્યું. એણે તો આજ સુધી એ છોકરીનો ચહેરો પણ ન્હોતો જોયો.  પણ એને એક વાતની ખુશી હતી કે એણે કોઈ છોકરીને હેરાન થતા બચાવી હતી. એણે કોઈકની રક્ષા કરી હતી. ભલે નાની તો નાની એનો એને આત્મસંતોષ હતો. અને એમાં જ એ ખુશ હતો.


      પ્રણીથ ધીરે-ધીરે વાતને ભૂલવા લાગ્યો હતો. એકવાર રજાના દિવસે આમ જ મિત્રો સાથે અમદાવાદના પ્રસિદ્ધ એવા વસ્ત્રાપુરના આલ્ફા વન મોલમાં ફરી રહ્યો હતો. એનું ધ્યાન એને મનગમતા એક શૂઝ પર હતું.


     એટલામાં જ એના મિત્રએ એને એક છોકરી બતાવવા એણે પહેરેલ જેકેટ ખેચ્યું. લાંબા કાળ સીધા વાળ અને હોલ બુટ ઉપર બ્લુ જિન્સ અને ટોપમાં એ છોકરી પરી જેવી લાગી રહી હતી. એ છોકરી તરફ પ્રણીથની જોડે આવેલા એના મિત્રો ક્યારના જોઈ રહ્યા હતાં અને એટલે જ એ છોકરી ગુસ્સે ભરાઈ હતી. એ ગુસ્સે થઈને આ લોકોને પાઠ ભણાવવા એમની બાજુ આવી રહી હતી.


       પ્રણીથની નજર એ છોકરી પર પડી. પ્રણીથે એ છોકરી બાજુ જોયું. પેલી છોકરીની નજર પ્રણીથ પર પડી ને જાણે એ અધવચ્ચે ઉભી રહી ગઈ. એનો ગુસ્સો ગાયબ થઈ ગયો. અને એક સ્મિત સાથે એ ફરી ચાલવા લાગી. છોકરીના બદલાયેલા હાવભાવ બધા જોઈ રહ્યા.


      એ સીધી પ્રણીથ સામે આવીને ઊભી રહી અને ધીરા સાદે બસ " થેંક્યું" બોલી. બધા મુંઝવણમાં આવી ગયાં.  પ્રણીથ પણ. એણે ખભા ઊંચા કરીને હાથના ઇશારાથી કારણ પૂછ્યું.


     અને એ છોકરી બોલી:" હજી પણ બસમાં જાઓ છો અને આખા બસનો ધક્કો કોઈકની માટે પોતાના હાથ પર લઈ લો છો?"


એમ કહીને એણે ફૂલ સમુ સ્મિત વેર્યું અને એ સાથે જ એની આંખો ઝીણી થઈ. કાજલ ભરેલી એ માછલી જેવી આંખો ઓળખતા પ્રણીથને વાર ન લાગી. ખુશી અને આશ્ચર્યથી પ્રણીથની આંખો પહોળી થઇ ગઈ અને મોઢામાંથી " ઓહ્" એવા સુખદ ઉદ્ગાર નીકળી ગયા.



      બંનેના ચહેરા કેટલાય દિવસ પછીના મિલનની ખુશીથી ખીલી ઉઠ્યા અને શરમથી બંનેના ગાલ પર દોડી આવેલા લોહીની છાંટ પડી.


અસ્તુ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ