વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બર્થડે ગિફ્ટ

સુગંધાને આજ સવારથી જ થનગનાટ હતો..હોય જ ને! આજ એનો જન્મદિવસ હતો. એણે ખૂબ જ ચાહથી ખરીદેલો આછા ગુલાબી કલરનો એમ્બ્રોઈડરીવાળો ડ્રેસ પહેર્યો હતો..આછો મેકઅપ અને થોડી લિપસ્ટિકમાં સુગંધા ભલભલી રૂપાળી માનુનીઓને શરમાવે એવી ખૂબસૂરત લાગી રહી હતી! બહાર વરસાદ અટકી ગયો હતો પણ સુગંધાને ચિંતા થઈ રહી હતી કે એનાં મનપસંદ ડ્રેસ પર કાદવના છાંટા ન પડે!


પણ કૉલેજ તો જવું જ પડશે. આજે જરૂરી લેક્ચર છે..ટેસ્ટ પણ છે..એટલે બસમાં જવાને બદલે સુગંધા એ પોતાના મોટાભાઈ ભાસ્કરને બાઈક પર મૂકી જવા કહ્યું.. સુગંધા પોતાના ઘરની બહાર ભાસ્કરની રાહ જોઈને ઊભી હતી..


સુગંધાનું ઘર રસ્તાને અડીને હતું..નજીકમાં જ બસસ્ટેશન. એટલે સુવિધા થતી બસ પકડવામાં..પણ આજે બસમાં જવાય એમ ન્હોતું..એટલે જ મોટાભાઈને હેરાન કર્યા..ભાઈ બાઈક બહાર કાઢતાં જ હતા ને અચાનક એક કાર આવી અને મેઈન રોડને બદલે સાવ સુગંધાના ઘરની નજીકથી ચલાવી અને રોડ પરનો ઉછળીને સીધો સુગંધાના ડ્રેસ પર પડ્યો..


સુગંધાનો આખો ડ્રેસ કાદવથી ખરડાઈ ગયો હતો. એટલો જીવ બળી ગયો પણ શું કરવું? એ યુવાનને એણે સાઈડમાંથી જોઈ લીધો..સુગંધા મનોમન બબડી," એકતો દેખાવડા હોય અને પાછા બાપાના પૈસાનો તોર હોય!" ગાડી ચલાવતાં ન આવડતું હોય તો ડ્રાઇવર રખાય. આમ કોઈની ઈચ્છાઓ પર કાદવ ન ઉછાળાય! કંઇક કેટલું વિચાર્યું હતું મારા જન્મદિવસ માટે! કેટલી ચાહ થી ડ્રેસ લીધો હતો.. અને હવે? સાવ મૂડ ખરાબ થઈ ગયો..કૉલેજ તો જવું જ પડશે!


કમને અંદર ગઈ અને જિન્સ ટીશર્ટ પહેર્યા..પછી ભાસ્કર એને કૉલેજ મૂકી ગયો..સુગંધા વિચારતી હતી કે સવારે કેટલો થનગનાટ હતો કૉલેજ આવવાનો! કેવી સરસ તૈયાર થઈ હતી અને અત્યારે જરાય મૂડ નથી. બધી સહેલી આવી અને જન્મદિવસની શુભકામનાઓ આપી ગઈ.. પણ મન ઉદાસ  થઈ ગયું હતું..


હવેનો લેક્ચર એકાઉન્ટ્સનો હતો..આજે સર ટેસ્ટ લેવાના હતા..ખૂબ મહેનત કરી હતી.આજે સૌથી પહેલો મારો હાથ ઊંચો થશે દાખલો ઝડપથી ગણવાની હરીફાઈમાં..ટેસ્ટ ચાલુ થઈ અને જેવો હાથ ઊંચો કરવા જાય એ પહેલાં કોઈક યુવાને ઉભા થઈને સર ને દાખલો આપી દીધો..ફરીથી સુગંધા ઉદાસ થઈ.. એ યુવાનને ધારીને જોયો તો ખ્યાલ આવ્યો કે આતો સવારવાળો યુવાન છે જેણે કાદવ ઉડાડીને ડ્રેસ ખરાબ કર્યો..બ્રેક પડે એટલી જ વાર, બરાબર કરું એને..


બ્રેક પડ્યો અને નિકી સાથે કેન્ટીન માં આવી.. સમોસાનો ઓર્ડર આપ્યો અને ટેબલ પર બેઠા..સુગંધા વાતો કરી રહી હતી પણ સમોસા આવ્યા નહિ એટલે એણે કાઉન્ટર પર જઈને પૂછ્યું તો એણે કોઈ યુવાન તરફ આંગળી ચીંધી..સુગંધા નો સવારથી મૂડ ખરાબ હતો અને એણે જોયું કે પોતાનો ઓર્ડર એ લઈ ગયો છે..ખૂબ ગુસ્સો આવ્યો અને સુગંધા પેલા યુવાન પાસે જઈને  જોયું તો સવારવાળો જ યુવાન હતો..એટલે વધુ ગુસ્સાથી બોલી," એય મિસ્ટર! આ કંઈ રીત છે? બીજાનો ઓર્ડર પોતે લઈને બેસી જવું..રસ્તા પર,ક્લાસમાં અને અહીંયા બધેજ શું તમારી જ દાદાગીરી ચાલે છે..પોતાની સિવાય આજુબાજુ કઈ દેખાય છે ખરું? પૈસાનો રૂઆબ કયાંક બીજે બતાવજો..ફરીવાર આવું કર્યું છે તો..." વાક્ય અધૂરું જ રહી ગયું જ્યારે એ યુવાન એની તરફ ફર્યો..


સુગંધા વિચારતી હતી કે આ યુવાનને એણે કયાંક જોયો છે! પેલો યુવાન એની સામે જોઇને મલકી રહ્યો હતો..એટલામાં નિકી આવી..


" શું થયું યાર? કેમ બૂમો પાડતી હતી.." એટલામાં નિકીની નજર પેલા યુવાન પર પડી અને એ તરત જ ઓળખી ગઈ..


આશ્ચર્ય સાથે બોલી," વેદાંત! તું અહી? ક્યારે આવ્યો? કંઈ કહ્યું જ નહિ?"


સુગંધા વિસ્મયનજરે બંને સામે જોઈ રહી હતી."આ વળી કયો વેદાંત?"


નિકી અને વેદાંતે હસ્તધૂનન કર્યું અને ટેબલ પર બેસીને  


વાતો કરવા લાગ્યા..સુગંધાનો ગુસ્સો તો સાઇડ પર રહી ગયો અને એ બંનેની સામે જોઈ રહી હતી..


" કયાં હતો યાર તું અત્યાર સુધી? F.B. પર અને સ્કૂલના ગ્રૂપમાં કેટલો શોધ્યો તને અને તું આજ આમ અચાનક? કેવી રીતે? દસ વર્ષ પહેલાં મળ્યા હતા અને પાછો આજે મળ્યો." નિકી એકધારું પૂછી રહી હતી..


" થોડો શ્વાસ તો લે અને મને પણ લેવા દે.. દસ પહેલાં પપ્પાની બદલી થઇ અને અને ખૂબ દૂરના શહેરમાં જતા રહ્યા..પછી તો જીવનમાં ખૂબ ચઢાવ ઉતાર આવ્યા છે પણ મેં બધાને ખૂબ શોધ્યા..હવે પપ્પા નિવૃત્ત થઈ ગયા એટલે પાછા અહીં આવી ગયા..પપ્પાની કમાણી ખૂબ સારી હતી પણ મન નહોતું લાગતું ત્યાં..અહીંયા આવ્યા પછી હવે ચેન પડે છે.."


સુગંધા પણ ત્યાં હાજર છે એવું નિકીને ભાન થતાં એણે વેદાંતને પરિચય આપ્યો," વેદાંત,આ મારી ખાસ મિત્ર સુગંધા. અને સુગંધા,આ મારો નાનપણનો ખાસ મિત્ર વેદાંત..તું ઘરે આવી હતી ત્યારે તને ફોટા બતાવ્યા હતા એ વેદલો એટલે આજ વેદાંત. અને આજે સુગંધા ની જન્મદિવસ છે.."


સગંધાને હવે યાદ આવ્યું. હવે ખ્યાલ આવ્યો કે આને મેં કયાં જોયો હતો! વેદાંત સામે જોંયુ તો એ ખૂબ જ સોહામણો અને હસમુખો હતો. નિખાલસ અને સાથે રમુજી પણ..સુગંધાનો ગુસ્સો તો ક્યારનો ઓગળી ગયો હતો..


વેદાંતે સુગંધા ને હાથ મિલાવી બર્થડે વિશ કર્યું.. હાથ મિલાવતી વખતે કંઇક અજીબ લાગણી થઇ બંને ને..થોડીવાર એકબીજા સામે જોઈ રહ્યા..

અચાનક વેદાંતને યાદ આવ્યું હોય એમ એણે સુગંધા ને પૂછ્યું," તમે સવારનું કંઇક કહી રહ્યા હતા..સમોસા અને કલાસની વાત તો સમજાઈ પણ આ સવારનું શું ચક્કર છે?"


સુગંધાએ સવારની વાત કરી.વેદાંત યાદ કરતો હોય એમ બોલ્યો," હા, હું એજ વિસ્તારમાંથી પસાર થયો હતો..હા,યાદ આવ્યું..હું જતો હતો ને અચાનક એક ગલુડિયું રસ્તામાં આવી ગયું .બ્રેક મારી શકાય એમ નહોતું એટલે પછી મેં સાવ સાઈડમાંથી ગાડી લીધી..મને માફ કરી દો..અનાયાસે તમારી સાથે આવું વર્તન થઈ ગયું.." વેદાંત ખરેખર દિલગીર હતો..


સુગંધા વેદાંત સામે જોઈને સ્વગત બોલી," જો ડ્રેસ ન બગડ્યો હોત તો મેં તને ન જોયો હોત. ગુસ્સો તો હતો પણ લાગે છે કે ગુસ્સો લાગણીનું રૂપ લઈ રહ્યો છે.. સવારથી લઇને અત્યાર સુધીની સૌથી સુખદ ક્ષણ છે આ..શું હું આને કુદરત તરફથી મને મળેલી મારા જન્મદિવસની ઉત્તમ ભેટ ગણી શકું?"

જાણે વેદાંત સુગંધાના મનની વાત સમજી ગયો હોય એમ એણે  સુગંધા સામે પ્રેમભરી નજરે "હા" કહ્યું..

????રોહિણી વિપુલ" મૃગજળ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ