વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટીલિયો

વાર્તા :- ટીલિયો
લેખક :- વિક્રમ સોલંકી'જનાબ'

માંડ પચાસેક ખોરડાં ધરાવતું અમરાપુર નામનું ગામ. ગામમાં લગભગ બધા લોકો સુખી અને સંતોષી હતા. એકબીજાને વાડકી વ્યવહાર પણ ખરો. સારા - નરસા પ્રસંગે ગામમાં સૌ એકબીજાને ટેકાની જેમ ઊભા રહે.

ગામમાં શાંતા મા નામના માજી રહે. માજી સીત્તેર - પંચોતેર વયની અવસ્થાએ પહોંચેલા. ઘરમાં આમતો માજી સાવ એકલાં. થોડાં વર્ષો પહેલાં પતિનું અવસાન થઈ ગયું હતું. પોતાને પેટ જણ્યો એક દિકરો પણ હતો. ભણી ગણીને પગભર થઈ કમાવા માટે શહેરમાં ગયો તે પાછો ન આવ્યો. જ્યારે પાછો આવ્યો ત્યારે લગ્ન કરીને શાંતા મા ને મોઢું બતાવવા આવેલો. પોતે શહેરમાં જ રહેશે એવું જણાવી બીજે દિવસે જતો રહ્યો. શાંતા મા ત્યારે કંઈ જ બોલી ન શક્યાં પણ પાછળથી રોજ આંસુ સાર્યા કરતાં.

ગામનાં બધા શાંતા માને કહે હવે દિકરાને ભૂલી જાવ. એ તમારો નથી રહ્યો. તમને દેન દેવા આવે તો પણ સારું. શાંતા મા આ બધું હ્રદય પર પથ્થર રાખીને સાંભળી લેતાં કારણ કે એ પણ જાણતાં હતાં કે પોતાનો દિકરો એને એકલી મૂકીને દૂર શહેરમાં જતો રહ્યો છે જે હવે ક્યારેય તેમની સંભાળ લેવા આવવાનો નથી.

ગામનાં લોકો તેમજ આસ - પડોશના સહકારથી શાંતા મા જીંદગીના છેલ્લા વર્ષો વિતાવ્યે જાય છે. પેટનાં જણ્યા જ્યારે પારકાં બની જાય ત્યારે તેની વેદના કેટલી વસમી હોય એ પોતે જાણતાં હતાં.

એકવાર ચોમાસાની ઋતુ હતી. અષાઢી માહોલ સર્જાયો હતો. અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. વરૂણ દેવ જાણે કે એકસાથે બધું પાણી ઠાલવી દેવા માંગતા હોય એમ નેવાંનાં પાણી ક્યાંય સમાતાં ન હોય એવી ધારે પડી રહ્યાં હતાં. અંધારી રાતનો સમય અને મેઘલી રાત. ચોમેર કાળું ડીબાંગ જેવું અંધારું હતું. એવી રાતે એક ગલુડિયું ટાઢથી ઠુંઠવાઈને શાંતા માની ડેલી પાસે કણસતુ બેઠું હતું. ગલુડિયાનો અવાજ સાંભળીને શાંતા માની ઊંઘ ઉડી અને તેણે ડેલી ખોલી. ગલુડીયામાં ચાલવાની શક્તિ નહોતી. માજીએ વાંકા વળીને તેને ડેલીમાં અંદર લીધું. શાંતા મા સમજી ગયાં કે આની ટાઢ નહીં ઉતરે તો આ મરી જશે. શાંતા મા એ અડધી રાતે ચૂલો સળગાવ્યો અને પછી જેમ એક માં દિકરાને તાવ આવે ત્યારે પોતા મૂકે એમ એ ગલુડીયાને કપડું ગરમ કરી કરીને બે - ત્રણ કલાક સુધી શેક આપ્યો. ધીમે - ધીમે ગલુડીયાના જીવમાં જીવ આવ્યો હોય એમ એ બેઠું થઈને ચાલવા લાગ્યું. શાંતા માએ રાતનો ટાઢો રોટલો ખવડાવ્યો પછી તે ત્યાં જ સુઈ ગયું. શાંતા માની ઘરડી આંખો પણ થાકને લીધે તે જગ્યાએ જ લાગી ગઈ.

સવારે ઉઠીને શાંતા મા એ જોયું તો ગલુડિયું તેમના ખોળામાં આરામથી સુતું હતું. તે ઉઠીને ગેલમાં આવીને આમતેમ દોડાદોડી કરવા લાગ્યું. ઘડીક આવીને શાંતા માના ખોળામાં લપાઈ જાય. આમને આમ દિવસો વિતવા લાગ્યા. તે હવે શાંતા માને છોડીને ક્યાંય જતું નથી. શાંતા મા જાણે કે એ ગલુડીયા માટે સર્વસ્વ હતાં. બંન્ને ને જાણે કે પૂર્વ ભવના સંબંધ હોય તેમ એકમેકના સાથી બની ગયાં. શાંતા માના એકલવાયા જીવનમાં જાણે ફરી ખુશીઓનો સંચાર થયો હોય તેમ તે બધું દુઃખ ભૂલીને તે ગલુડીયા સાથે સમય પસાર કરવા લાગ્યાં.

ગલુડિયું દેખાવે એકદમ સુંદર અને જોતાં જ રમાડવાનું મન થઈ જાય એવું હતું. એના શરીરના આછા રતુંબળા રંગમાં વચ્ચે સફેદ પટ્ટા અને માથાના ભાગમાં કપાળ પર એક સફેદ તિલક જેવું હતું. તેના માથા પરના સફેદ તિલકના લીધે શાંતા મા એ તેનું નામ રાખ્યું 'ટીલિયો'.

શાંતા માએ તેના ડોકમાં પહેરાવવા એક સરસ મજાની કપડાંની પટ્ટી બનાવી અને તેમાં નાની એવી ઘંટડી બાંધી. ટીલિયો આનંદથી ફળીયામાં ગેલમાં આવી ઘંટડી વગાડ્યા કરે. ફળીયાના બાળકોને પણ ટીલિયા સાથે દોસ્તી થઈ ગઈ. બાળકો ટીલિયા જોડે રમતાં થાકે નહીં. અંધારું થવા આવે ત્યારે શાંતા મા ટીલિયા નામની બૂમ પાડે એટલે એ સીધો શાંતા મા પાસે પૂંછડી પટપટાવતો પહોંચી જાય. આમને આમ એક વર્ષ વિતી ગયું. ટીલિયો પણ હવે મોટો થવા લાગ્યો.

ટીલિયો સાંજ પડે ડેલીએ ન આવે ત્યારે શાંતા મા ટીલિયાના નામની બૂમો પાડતા ગોતવા નીકળે. ગામનાં લોકો આ જોઈ કહે કે, " માજી આ ઉંમરે કૂતરાની પાછળ ફર્યા કરો તે પડી જશો ત્યારે હાથ - પગ ભાંગશે ત્યારે ચાકરી કોણ કરશે?". શાંતા મા આ બધું સાંભળ્યું ન સાંભળ્યું કરીને ટીલિયાને ગામમાંથી ગોતી લાવે પછી જ નિરાંત થાય.

ટીલિયો એકવાર બપોરે ગામના પાદરે રખડપટ્ટી કરતો પહોંચી ગયો. ગામનાં બીજા કૂતરાઓએ ટીલિયાને અજાણ્યો સમજીને ઘેરી લીધો અને ભેગા થઈને લોહીલુહાણ કરી નાખ્યો. ટીલિયો અધમૂઓ થઈને પાદરે પડી રહ્યો. ગામનાં છોકરાંઓને ખબર પડી તો તે શાંતા માને લઈને ટીલિયા પાસે આવ્યાં. ટીલિયાની હાલત જોઈને એક મા જેમ પોતાના બાળકને કંઈ થાયને રડી પડે તેમ તે રડી પડ્યાં. ટીલિયો પણ શાંતા માના હાથ ચાટવા લાગ્યો. ટીલિયાને ઘરે લાવીને જ્યાં ઘાવ હતાં ત્યાં ઓસડીયા વાટીને શાંતા માએ પાટાપિંડી કરી. દસ - બાર દિવસની શાંતા માની સારવાર બાદ ટીલિયો હતો એવો તાજોમાંજો થઈ ગયો. શાંતા મા હસીને ટીલિયાનો કાન પકડીને કહેતાં, " મને એકલી મૂકીને હવેથી ક્યાંય જતો નહીં." ટીલિયો પણ બધું સમજતો હોય એમ પૂંછડી પટપટાવીને શાંતા માના ખોળામાં માથું ઘાલીને સુઈ જાય.


શાંતા મા ને એકવાર તાવ આવ્યો. અવસ્થાને લીધે શાંતા મા ખાટલામાં જ પડ્યા રહે. પાડોશીઓ શાંતા મા ને રોટલા આપી જાય એમાંથી ટીલિયાને આપે પણ ટીલિયાને માજીની બિમારી જોઈને ખાવાનું ભાવે નહીં. ટીલિયો અડધી રાતે વૈધના ઘરે જઈને ભસવા લાગ્યો. વૈધ જાગ્યા તો ટીલિયો એનું પહેરણ ખેંચીને માજી પાસે લઈ આવ્યો. વૈધે માજીની સારવાર કરી અને દવા પણ આપી. ગામ લોકોને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે સૌને ટીલિયા માટે અપાર હેત થયું.

શાંતા મા એ પછી જાજુ જીવ્યા નહીં. એમનાં અંતિમ દિવસોમાં ટીલિયો ખાધા પીધા વગર ખાટલા પાસે પડ્યો રહેતો. ગામ લોકોએ કહ્યું માજી તમારાં દિકરાને ખબર આપીએ ત્યારે માજીએ ટીલિયા સામે આંગળી ચીંધી અને એમનો પ્રાણ નીકળી ગયો. માજીને ટીલિયો દિકરાથી કમ નહોતો.

જ્યારે શાંતા માની નનામી ગામ વચ્ચેથી નિકળી ત્યારે આંખમાં આંસું સાથે મોઢામાં દોણી લઈને ટીલિયો આગળ ચાલતો હતો. એ જોનાર તમામની આંખો જાણે કે આવા અકલ્પનીય દ્રશ્ય જોઈને ભીંજાઈ ગઈ.

માજીની ચિતા સળગી ઉઠી અને ટીલિયાનો પ્રાણ પણ સળગતો હોય એમ લાગતું હતું. ટીલિયો ત્યાં જ બેસી રહ્યો. એક - બે દિવસ સુધી ગામ લોકોએ ટીલિયાને ચિતાની રાખ પર બેઠેલો જોયો. ગામમાં લાવવાના પ્રયત્નો પણ કરી જોયાં પણ ટીલિયો ખસ્યો નહીં. એ પછી કોઈએ ટીલિયાને જોયો નથી. જાણે શાંતા મા સિવાય એનું આ દૂનિયામાં કોઈ નહોતું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ